Telegram Web Link
કુંજામાં આપેલી ખીર જેવો ઘાટ થાય. જોકે, દૂધપાક ન મળતાં ‘આવ રે કાગડા કઢી પીવા’ બોલતા કાગડા બિચારા કઢી પીને પણ ચલાવી લે એવું બને. ટોળામાં ભેગા થયેલા કાગડાઓ, એની ચર્ચાસભા હવે આંખોને દુર્લભ છે. કોઈ કાગડાનું શબ ક્યાંક જોવા મળે ત્યારે જાણે એની અંતિમયાત્રામાં સૌ ભેગા થયા હોય તેમ લાગે. કાગડાની જાતિ પક્ષીઓમાં સૌથી વધારે સંપીલી ગણાય છે. કાગડો તેના શિકારને છુપાવતો નથી. એ જાતભાઈઓને પણ સાદ કરી બોલાવે છે. મુશ્કેલીમાં મુકાઈ ગયેલા સાથીદારને તે જીવના જોખમે પણ મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે.
આ પંખી હંમેશાં રહસ્યવાદ, દંતકથાઓ અને રહસ્યોથી ઘેરાયેલું છે. એક કાગડો બીજા કાગડાનું માંસ કદી ખાતો નથી. ‘કાગડાને માત્ર એક આંખ હોય છે…’ આવી પ્રચલિત માન્યતાઓ વજૂદ વગરની છે. વાયદાના વેપારી હોય એના માટે કહેવાય છે કે ‘ઠાગા ઠૈયા કરું છું ચાંચુડી ઘડાવું છું, જાવ કાબરબાઈ કાલ સવારે આવું છું!’
‘કાગડા બધે કાળા કેમ હોય છે’ એવું કોઈ પૂછે તો તરત કહી દેવું ‘કારણ કે બગલા ધોળા હોય છે.’

ઇતિ...
રાજા હોય કે મજૂર, જેને પોતાના ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય તે દુનિયાનો સૌથી સુખી માણસ. - ગેટે
કળશ ન્યુઝ:કાંગસિયાં: કાંસકી, કસરત અને કલાનો સંગમ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kangsian-a-confluence-of-combing-exercise-and-art-136395169.html

હેપી ભેંસદડિયા ગયા વખતે આપણે ‘એ કોઈ કાંગસિયું લ્યો રે…, કાંગસિયું લ્યો રે…’થી વાત શરૂ કરેલી. પ્લાસ્ટિકના દાંતિયા, કાંગસી મળતાં થયાં ત્યારથી આ સાદ હવે તો સાંભળવાય મળતો નથી. આ કાંગસિયાઓની એક નહીં, અનેક વિશેષતા છે. કાંગસિયાં નટ લોકોની જેમ ગામડાંમાં જઈ મલના ખેલ પણ કરી બતાવતા હોય એટલે તેઓ ‘મલ’ના નામે પણ ઓળખાય છે. મલની રમત: કાંગસી બનાવવાની જેમ તેઓ મલની રમતો પણ વારસાગત રીતે શીખતાં આવ્યાં છે. તેમના આ ખેલ સર્કસમાં બતાવવામાં આવતા અંગ કસરતના ખેલ જેવા હોય. અને તે ગામડાંની તેમજ શહેરની પ્રજાને મંત્રમુગ્ધ કરી મૂકે છે. તેમના ખેલ કસરતબાજ અખાડિયનોની તથા સર્કસના ખેલાડીની ઝાંખી આપે છે તથા શાબાશીના પોકારોથી નવાજાય છે. ખેલની શરૂઆત વખતે એક માણસ ગુલાંટ ખાય છે અને એકાદ જણ તેઓને તાન ચઢાવવા જોરશોરથી ઢોલક વગાડે છે. આ પછી ખેલ રંગ પકડે છે. એ લોકો બે હાથનાં બેલેન્સ ઉપર ચાલે છે. તેમજ તે રીતે કમાન (અર્ધગોળાકાર) વળી ગુલાંટ ખાઇ વળી પાછાં ઊભા થઈ તરત જ પાછળ હવામાં અદ્ધર માથું કે શરીર જમીનને અડાડ્યા વગર) ગુલાંટ ખાઇ છે. આમ તેઓ શરીર પાછળ ઊંધી અને અદ્ધર ગુલાંટ ઘણી જ ઝડપથી ખાય છે. તેઓ બે-ચાર જણ સાથે રહી પિરામિડ પણ બનાવે છે. એક ઉપર બીજો અને બીજા ઉપર ત્રીજો ચઢી કોઈપણ વસ્તુનો સહારો લીધા વગર પોતાનું સમતોલન જાળવી રાખે છે. આ ઉપરાંત એકબીજાના ઉપરાઉપરી ચઢી ઉપરવાળો ઊંધા માથે શીર્ષાસન, બેલેન્સ, ટાઇગર, બેલેન્સ, કે કમાન વગેરે કરે છે અને સમતોલપણું જાળવી રાખે છે. તેઓ પોતાના દાંત ઉપર માત્ર ખાટલાનો એક જ પાયો અડાડી રાખી આખો ખાટલો અદ્ધર સમતોલપણે જાળવી રાખે છે. સાત પાયા ખુલ્લા રાખી માત્ર પોતાના દાંત ઉપર રાખેલા એક પાયાના આધારે બંને ખાટલાને સમતોલપણે રાખે છે. આ જ રીતે તેઓ દાંત ઉપર ઊભા હળને સમતોલપણે રાખે છે. તેમજ લાંબા વાંસ ઉપર રાખેલ લોઢાના ખીલાની અણી ઉપર ઈંઢોણી ગોઠવી તે ઉપર એકાદ જણ પેટ રાખી આડો સૂઈ ગોળ ગોળ ફૂદરડી ફરે છે. તેઓ પથ્થરના ગોળ દડાઓ સીધા આકાશમાં ઊંચા ફેંકે છે અને તેને પોતાના ગળામાં બાંધેલી લાકડાંની એક પાટલી ઉપર ઝીલે છે. આ પાટલી પ્રથમ ગળા નીચે છાતી આગળ રાખી દડા ઝીલે છે. બીજી વાર પેટ પર રાખી ત્યાં આગળ ઝીલે છે. તેઓનો એક પણ દાવ નિષ્ફળ જતો નથી. આમાં તેમને ખૂબ જ સાવધાની રાખવાની હોય છે. જો તે ચૂકે તો પથ્થરનો દડો સીધો માથામાં જ આવે અને ખોપરી ફાડી નાખવાનો ભય રહે છે. પણ તેમની કુશળતા લોકોને મંત્રમુગ્ધ કરી મૂકે છે. પારેવડી: તેઓ બે નાના લાકડીના દંડા વચ્ચે એક આંટી બાંધેલી સુતરાઉ પાકી દોરી ઉપર લગભગ મગદળ (લાડુના આકારનો) આકારનો વચ્ચેથી કાપાવાળો પાતળો અને બંને છેડે પહોળો એવા આકારના પથ્થરને પોતાના હાથમાં રાખેલ દાંડિયા ઊંચા-નીચા કરી તે વચ્ચેની દોરીની ધાર ઉપર પથ્થરને ફેરવે છે અને તેમ ફેરવતાં ફેરવતાં તે દ્વારા એ પથ્થરને આકાશમાં ઊંચે ઘા કરી વળી પાછો તે પથ્થરને દાંડિયાવાળી દોરીની ધારમાં આબાદ રીતે ઝડપીને દોરી ઉપર ફરતો રાખી ફરી પાછો આકાશમાં ઘા કરે છે. આમ તેઓ બહુ જ કુશળતાથી દોરીની ધારમાં પથ્થર રમાડે છે અને ઘા કરી ફરી તેમાં જ ઝડપી લે છે એટલે કે ઝીલી લે છે. એ પથ્થરને તેઓ ‘પારેવડી’ કહે છે. લગભગ એક વેંત અને ચાર આંગળના ગાળાના દોરડાની બારી બનાવી બે માણસ જે પકડી રાખે છે અને એક માણસ દોડતો આવી તેમાંથી ગળકી (ટાઈગર જંપ કરીને) જાય છે. એક ખુલ્લી તલવારને દોરડાથી કેડે બાંધીને બે હાથ-પગ જમીન ઉપર રાખી તલવાર ફેરવતાં સાથે તે ફૂદરડી ફરે છે, પોતાની મૂંછ સાથે ગાડું બાંધીને પણ તાણે છે. આમ, મલની રમતો રમી ગ્રામજનોને મનોરંજન પૂરું પાડતાં અને તેના બદલામાં તેમને આનો, બે આના કે વાટકો લોટ વગેરે પોતાની શક્તિ અનુસાર લોકો આપતા. એક સમયે તો ગામડાંની ગલીઓમાં ને શહેરોની પોળોમા આ કાંગસિયાં સ્ત્રીઓ નજરે પડતી. હવે તો આજના આધુનિક યુગમાં લીખ ને ટોલા પણ ગયાં અને તેની સાથે સીસમની કાંસકી પણ લુપ્ત થઈ ગઈ છે.
મનદુરસ્તી:પરમેનેન્ટલી પરાધીન રહેવાની પ્રોબ્લેમેટિક ટેવ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-problematic-habit-of-being-permanently-dependent-136369967.html

‘ડૉક્ટર, આ મારી વાઇફ ઝરણા છે. એ એમ.એ. વિથ ઇંગ્લિશ છે. સ્કૂલમાં પ્રાઈમરી ટીચર તરીકે પાર્ટ ટાઇમ જૉબ કરે છે. હું એક બિલ્ડરને ત્યાં આર્કિટેક્ટ છું. વાત એમ છે કે, ઝરણા આટલી હોંશિયાર હોવા છતાં પોતાના નિર્ણય જાતે લઇ શકતી નથી. એનો કૉન્ફિડન્સ નબળો છે. મારે બે દીકરા છે. એ લોકો માટે કપડાં ખરીદવા હોય તો પણ મને પૂછે. અરે, વાત વાતમાં મને ફોન કરે. હું કોઇ ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરતો હોઉં, બહુ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય, બરાબર એ જ સમયે એનો મોબાઇલ પર ફોન આવે. ‘આજે સાંજના જમવામાં શેનું શાક ખાશો?’ હું ઘણી ધીરજ રાખીને જવાબ આપું. ‘કંઇ પણ ચાલશે’ તો પણ ફરી પૂછે, ‘એટલે બટાકા, ભીંડા અને પરવરમાંથી કયું ચાલશે?’ હું કહી દઉં, ‘ભીંડા ચાલશે.’ તો કહે, ‘હજુ પરમ દિવસે તો ભીંડા ખાધા હતા.’ પછી મારે જબરજસ્તી કોઇપણ એક ઓપ્શન વિચાર્યા વગર આપી દેવો પડે.’ આદિત્ય અને ઝરણા મારી સામે કન્સલ્ટિંગ રૂમમાં વાત કરી રહ્યાં હતાં. ‘ડૉક્ટર, આવા સાદા પ્રશ્નો મારા ઇમ્પોર્ટન્ટ કામ વચ્ચે માથામાં વાગતા હોય એવું લાગે. મને એના માટે ભરપૂર લાગણી છે, તો પણ પછી ક્યારેક એના પર ગુસ્સે થઇ જવાય. એવું થાય તો પછી સખત રડવા લાગે. અરે! છોકરાઓ મનાવે ત્યારે માંડ શાંત થાય. મારે માફી માંગવાનું તો ઊભું જ હોય. એનો પણ વાંધો નથી, પણ ઝરણાને કોઇ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોઇ શકે?’ આદિત્યએ પૂછ્યું. ઝરણાને જે તકલીફ છે એને ‘ડિપેન્ડન્ટ પર્સનાલિટી’ કહેવાય. રોજીંદા જીવનમાં વ્યક્તિની ‘ટુ બી ઓર નૉટ ટુ બી’ જેવી સ્થિતિ થતી હોય છે. મોટે ભાગે સામાન્ય નિર્ણયો લેવાનું પણ ટાળે છે. કહો ને કે જવાબદારી લેવાનું ટાળે છે. ક્યારેક કોઇ વાત ન ગમતી હોય તો વિરોધ કરવાનું પણ ટાળે. એમાં સામાજીક અસ્વીકૃતિનો ભય છુપાયેલો હોય છે. નવાં કામ જાતે શરૂ કરવાની ‘એન્ટરપ્રાઇઝિંગ હિંમત’નો અભાવ હોય છે. આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. હંમેશાં બીજાનો ટેકો તો જોઇએ જ. કોઇના સાથ વગર અનકમ્ફર્ટેબલ ફિલિંગ થયા કરે. એવો સતત ભય હોય છે કે મારાથી કોઇ ભૂલ થઇ જશે તો? મારા બાળકોનો ઉછેર બરાબર નહીં કરી શકું તો? મારો લાઇફ પાર્ટનર મને છોડી તો નહીં દે ને? મોટેભાગે આવા અતાર્કિક ભય સતાવ્યા કરે છે. આવા લોકોએ જાતે કેટલાંક પગલાં લઇને સુધારણા શરૂ કરી શકાય. સૌ પ્રથમ નાના નિર્ણયો રિસ્ક સાથે પણ લેવાની પોતાની જાતને ફરજ પાડવી. એ ખોટા પડશે એવું માનીને જ શરૂ કરવું. પોતે યોગ્ય રીતે બૌદ્ધિક વિચારણા કરતા હોય તો એ નિર્ણયો વાસ્તવમાં ખોટા પડવાની સંભાવના ઓછી હોય છે. નિષ્ફળ જવાશે તે તો માત્ર કાલ્પનિક ભય જ હોય છે. જેમ જેમ શરૂ કરેલાં એ નાનાં કામ સફળ થતાં જાય તેમ તેમ કોન્ફિડન્સ વધતો જાય છે. આવી શરૂઆત વાહન ચલાવવાથી પણ થઇ શકે. કોઇ વ્યક્તિ પોતાને સ્વીકારે કે ન સ્વીકારે પોતે સાચા હોય તો ગભરાવાની જરૂર નથી હોતી. મોટેભાગે આવી અતાર્કિક વિચારણા આપણા જીવન પર ખૂબ મોટી નકારાત્મક અસરો કરે છે. એટલે આજથી અને અત્યારથી જ જાત ઉપર ભરોસો મૂકવાનો શરૂ કરવો. પ્રયત્ન કરશો તો સફળતા મળવાના ચાન્સ છે, પણ પ્રયત્ન જ નહીં કરો તો નિષ્ફળતા નક્કી છે. લેટ્સ ટ્રાય ટુડે. ઝરણાની સારવારમાં એમને ‘કોગ્નિટિવ બિહેવિયરલ સાયકોથેરાપી’ આપવામાં આવી. પોતાની જાત પ્રત્યે અને બીજા પ્રત્યે અંતઃદૃષ્ટિ વિકસે તેમજ અકારણ ભય દૂર થાય એના સિટિંગ્સ આપવામાં આવ્યા. જવાબદારીપૂર્ણ સ્વતંત્રતા વિકસે એ માટે કાઉન્સેલિંગ થયું. જીવનને હળવાશથી લેવાનો એટિટ્યૂડ ઊભો થયો. પોતાની આસપાસના લોકોની સાથેના સંબંધો સુધરે એ જોવામાં આવ્યું. ઝરણા ચિકિત્સાને અંતે હવે ધીમે ધીમે સ્થિર સ્વતંત્ર અને સ્વનિર્ભર થઇ ગઇ છે. આદિત્ય પણ હાશ અનુભવી રહ્યો છે. વિનિંગ સ્ટ્રોક
ક્યારેક આઉટ થઇ જવાના ભયથી કોઇ બેટર ગ્રાઉન્ડ ઉપર રમવા જ ના જાય તો તો એ રમ્યા પહેલાં જ આઉટ થઇ ગયો કહેવાય.
અમરેન્દ્ર મર્ડર કેસ -2:વાઈરસ દ્વારા મર્ડરનો અનોખો કેસ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-unique-case-of-murder-by-virus-136369892.html

રાજ ભાસ્કર 26 નવેમ્બર-1933ની ઘટના છે. બ્રિટશ રાજમાં પાકુડ રિયાસતના યુવરાજ અમરેન્દ્ર ચંદ્ર પાંડે હાવરા રેલ્વે સ્ટેશને ઊભા ત્યારે અજાણ્યો વ્યક્તિ તેમને સોય જેવું કંઈ મારીને ભાગી ગયો. એ પછી તેઓ બીમાર પડે છે અને 4 ડિસેમ્બરે તેમનું મોત થઈ જાય છે. તેમના બ્લડમાંથી બ્યૂબોનિક પ્લેગના બેક્ટેરિયા મળે છે. આ પ્લેગ 1896માં આવીને 1918માં લગભગ નાબૂદ થઈ ગયો હતો. તો પછી એનો વાઈરસ યરસિનિયા પેસ્ટિસ અમરેન્દ્રના શરીરમાં આવ્યો કેવી રીતે? બ્રિટિશ સરકારને આની જાણ કરવામાં આવે છે. પછી આખો કેસ એ વખતના તેજતર્રાર ઈન્સ્પેક્ટર શરતચંદ્ર મિત્રાને સોંપાય છે. તપાસમાં ખબર પડે છે કે આ બેક્ટેરિયાના અંશો તો બોમ્બેની હૈફકિન ઈન્સ્ટિટ્યૂટમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. હવે સવાલ એ હતો કે લગભગ 15 વર્ષ પહેલાં ખતમ થઈ ગયેલા પ્લેગના બેક્ટેરિયા, એ પણ એક મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં સુરક્ષિત રખાયા હતા, એ અમરેન્દ્રના શરીરમાં આવ્યા કેવી રીતે? ઈન્સ્પેક્ટર મિત્રા અમરેન્દ્ર ચંદ્ર પાંડેનું ફેમિલી બેકગ્રાઉન્ડ તથા હૈફકિન ઈન્સ્ટિટ્યૂટ અને પાકુડનું કનેક્શન શોધે છે. માહિતી મળે છે કે ડો. તારાનાથ ભટ્ટાચાર્ય નામનો કોલકાતાનો એક માત્ર એવો ડોક્ટર હતો જેનું કનેક્શન હૈફકિન ઈન્સ્ટિટ્યૂટ સાથે હતું. લગભગ બે વર્ષ પહેલાં એ ત્યાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. ઈન્સ્પેક્ટર મિત્રા તેમની ટીમ લઈને હૈફકિન ઈન્સ્ટિટ્યૂટ પહોંચ્યા. ત્યાંથી ખબર પડી કે ડો. તારાનાથ ભટ્ટાચાર્ય જર્મ્સ પર કામ કરી રહ્યા હતા અને વધુ સંશોધન માટે હૈફકિન ઈન્સ્ટિટ્યૂટ આવવા માંગતા હતા. એ માટે તેઓ કોલકાતાના જ એક પ્રખ્યાત ડોક્ટર ડો. શિવાપાદા ભટ્ટાચાર્યનો રેફરન્સ લેટર લઈને ત્યાં આવ્યા હતા. આથી તેમને લેબમાં રિસર્ચ માટે પરવાનગી મળી ગઈ હતી. પણ એ માત્ર બે મહિનામાં જ ત્યાંથી પાછા ચાલ્યા ગયા હતા. આ કેસમાં અન્ય ડોક્ટરનું નામ સામે આવ્યું. એ હતા કોલકાતાના ડોક્ટર વિકિલ. ત્રણેય ડોક્ટરોની તપાસમાં ખબર પડી કે પાકુડ રિયાસતના વારસદાર યુવરાજ અમરેન્દ્ર ચંદ્ર પાંડેનો સાવકો ભાઈ બિનોયેન્દ્ર આ ત્રણેય ડોક્ટરોના સંપર્કમાં હતો અને આખો ખેલ એણે જ ખેલ્યો હતો. ઈન્વેસ્ટિગેશન બાદ ઈન્સ્પેક્ટર મિત્રાએ ભારતના આ પહેલા બાયો વેપન મર્ડરનો ભેદ ઉકેલી નાંખ્યો અને પુરાવા પણ એકઠા કરી લીધા. દરમિયાન બિનોયેન્દ્રને આની ગંધ આવી જતા એ ભાગી ગયો. બાદમાં થોડા જ દિવસોમાં એને આસનસોલ રેલ્વે સ્ટેશનેથી પકડી લેવામાં આવ્યો. એની પૂછપરછમાં આખી કહાની સામે આવી ગઈ આ કહાની સત્તાના સંઘર્ષની હતી અને કંઈક આવી હતી. પાકુડ રિયાસતમાં પણ મોટાભાગની અન્ય રિયાસતો જેમ ગાદીને લઈને ઘણા ઝઘડા ચાલતા હતા. અમરેન્દ્ર ચંદ્રના પિતા હયાત નહોતા. બિનોયેન્દ્ર અમરેન્દ્ર પાંડેનો સાવકો હતો અને એનાથી 10 વર્ષ મોટો હતો, પણ પરિવારજનો અને રાજ્યના લોકો રાજા તરીકે અમરેન્દ્રને જ પસંદ કરતા હતા, કારણ કે અમરેન્દ્ર સીધા-સાદા, નિર્વ્યસની અને ભલા માણસ હતા. જ્યારે બિનોયેન્દ્ર ઐયાસ અને શરાબી હતો. પણ આટલી મોટી રિયાસતનું રાજ એ છોડવા નહોતો માંગતો. એટલે એણે અમરેન્દ્રને મારી નાંખવાનું આયોજન કરવા માંડ્યું. બિનોયેન્દ્રએ વિચાર્યું કે જો કોઈ રોગના વાઈરસ અમરેન્દ્રને આપી દેવાય તો કોઈને ખબર નહીં પડે. ડો. તારાનાથ ભટ્ટાચાર્ય એના મિત્ર હતા. એણે વાત કરી અને લગભગ બે વર્ષ પહેલાં બંનેએ ભેગા મળીને અમરેન્દ્રના મર્ડરનું ષડયંત્ર કર્યું. તારાનાથે ટિટનસના જીવાણુઓવાળા ચશ્મા બિનોયેન્દ્રને લાવી આપ્યા, પણ એ ચશ્મા અમરેન્દ્રએ પહેર્યા જ નહીં. પછી બંનેએ પંદર વર્ષ પહેલાં નાબૂદ થઈ ગયેલા બ્યૂબોનિક પ્લેગના વાઈરસથી મર્ડર કરવાનો વિચાર કર્યો. એ વાઈરસ બોમ્બેની હૈફકિન ઈન્સ્ટિટ્યૂટમાં હોવાની ખબર પડતાં ત્યાં સંશોધન માટે જઈને એ ચોરવાનો પણ પ્લાન કર્યો, પણ આસાનીથી પરવાનગી ના મળી. બિનોયેન્દ્રએ ડો. વિકિલ નામના તેના બીજા મિત્ર ડોક્ટરનો સંપર્ક કર્યો. તેમને વાત કરી કે ડો. તારાનાથ બોમ્બે સંશોધન માટે જવા માંગે છે અને તે માટે ભલામણપત્રની જરૂર છે. ડો. વિકિલને ષડયંત્રની જાણ નહોતી. તેમણે ડોક્ટર શિવાપાદા ભટ્ટાચાર્યનો સંપર્ક કરાવીને રેફરન્સ લેટર લખાવી આપ્યો. એ લેટર લઈને ડો. તારાનાથે ત્યાં રિસર્ચના નામે એડમિશન લીધું અને ત્યાંના સ્થાનિક ડોક્ટરોને લાંચ આપીને થોડા જ દિવસોમાં ત્યાંથી યરસિનિયા પેસ્ટિસના બેક્ટેરિયા ચોરી લીધા. પછી બિનોયેન્દ્ર સાથે મળીને એક કોન્ટ્રેક્ટ કિલરને રોક્યો. તેણે હાવરા રેલ્વે સ્ટેશને એક ઈન્જેક્શન મારફતે યુવરાજ અમરેન્દ્ર ચંદ્ર પાંડેના શરીરમાં એ વાઈરસ ઈન્જેક્ટ કર્યા, જેનાથી તેમની તબિયત બગડી અને તેઓ મૃત્યુ પામ્યા. આ રીતે ભારતના પહેલું બાયોલોજિક વેપન તૈયાર કરાયું અને તેના દ્વારા હત્યાને અંજામ અપાયો. પછી કોર્ટમાં કેસ ચાલ્યો. ઈન્સ્પેક્ટર
મિત્રાએ કોર્ટ સામે અનેક પુરાવાઓ મૂક્યા. લગભગ નવ મહિના સુધી આ સુનાવણી ચાલી. આ કેસમાં બીજા ડોક્ટરો પુરાવાઓના અભાવે નિર્દોષ ઠર્યા. માત્ર બિનોયેન્દ્ર અને ડો. તારાનાથનું આ આખુ કાવતરું હોવાનું પુરાવાર થયું. સ્થાનિક કોર્ટે એમને મોતની સજા ફટકારી, પણ આરોપીઓ હાઈકોર્ટમાં ગયાં. ત્યાં લાંબી સુનવાણી બાદ 10 જાન્યુઆરી, 1936ના રોજ હાઈકોર્ટેના ન્યાયાધીશ જે. લોર્ડ વિલિયમ્સે ડો. તારાનાથ અને બિનોયેન્દ્રને આજીવન કેદની સજા ફટકારી અને આંદામાનમાં કાળા પાણીની સજા માટે મોકલી આપ્યા. પાપ કર્યું હોવા છતાં બંનેનાં નસીબ સારાં હતાં. 1947માં દેશ આઝાદ થયો ત્યારે સેલ્યુલર જેલના રાજકીય કેદીઓ સાથે આ ક્રિમિનલોને પણ માત્ર 11 વર્ષ બાદ આઝાદી મળી ગઈ. જેલમાંથી આવ્યા બાદ બિનોયેન્દ્ર લગભગ પાગલ થઈ ગયો હતો. એક દિવસ એણે પરિવારને સામે ઊભો રાખી ગોળીએ ઉડાવી દેવાની ધમકી આપી. એ ગોળી ચલાવી દેવાનો હતો ત્યાં જ પોલીસ આવી ગઈ અને ગોળીબારમાં એનું મોત થઈ ગયું.
સાયબર સિક્યુરિટી:OTP જણાવ્યા વિના ફ્રોડ કેવી રીતે થાય છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-does-fraud-happen-without-revealing-the-otp-136369978.html

કેવલ ઉમરેટિયા આજકાલ ડિજિટલ દુનિયામાં બેન્કિંગ, ખરીદી અને પેમેન્ટ બધું જ મોબાઈલ પર થઈ રહ્યું છે. દરેક ટ્રાન્ઝેક્શન માટે OTP આવે છે. સામાન્ય રીતે આપણે એવું વિચારીએ છીએ કે જ્યાં સુધી આપણે કોઈને આપણો OTP ના જણાવીએ, ત્યાં સુધી આપણું બેંક ખાતું સુરક્ષિત છે. એટલા માટે જ હંમેશાં કહેવામાં આવે છે કે ક્યારેય કોઇની પણ સાથે OTP શેર ના કરવો જોઇએ. જોકે, આ વાત હવે જૂની થઇ ગઇ છે. આજકાલ સાયબર ગઠિયાઓ દરરોજ અવનવી તરકીબો વડે લોકોને ઠગી રહ્યા છે. હવે તેમને OTP આપવાની જરૂર નથી તેઓ જાતે જ મેળવી લે છે. આ પ્રકારનાં ફ્રોડ આજકાલ ખૂબ વધી ગયાં છે. ત્યારે સવાલ એ છે કે OTP જણાવ્યા વિના પણ ફ્રોડ કેવી રીતે થાય છે? કોલ મર્જિંગ
આ એક નવી અને ખતરનાક પદ્ધતિ છે, જેનો સાયબર ગઠિયાઓ ઉપયોગ કરી રહ્યા છે. જેમાં સાયબર અપરાધી કોઇના કોઇ બહાને યુઝરને કોલ મર્જ (Merge Call) કરવાનું કહે છે. તે દરમિયાન વોઇસ OTP સાંભળી લે છે.
સૌથી પહેલાં ઠગ તમને કોલ કરે છે અને દાવો કરે છે કે તમારો નંબર તેને તમારા કોઈ મિત્ર કે સંબંધીએ આપ્યો છે. ત્યારબાદ તમને તે વ્યક્તિ કોઇ ઑફર કે લોટરી વિશે વાત કરે છે. આ વાતચીત વચ્ચે ઠગ કહે છે કે તમારો તે મિત્ર/પરિચિત તમને ફોન કરશે, તમે કોલ મર્જ કરી દો (કોન્ફરન્સ પર લઇ લો). આવું કહી તે કોલ મર્જ કરવા માટે દબાણ કરે છે.
થાય છે એવું કે ફોન ચાલતો હોય તે દરમિયાન જ ઠગ બીજા નંબર પરથી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની કોશિશ કરે છે અથવા તમારો UPI પિન બદલવાની કોશિશ કરે છે, જેના કારણે તમારી બેંક તરફથી ઓટોમેટેડ વોઇસ OTP કોલ આવે છે. જેવો તમે કોલ મર્જ કરો છો, બેંકનો વોઇસ OTP ઠગ સ્પષ્ટ રીતે સાંભળી લે છે. OTP મળતાંની સાથે જ, ઠગ તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે અથવા તમારા એકાઉન્ટનો કંટ્રોલ મેળવી લે છે. સિમ સ્વેપ અને સિમ ક્લોનિંગ
આ પણ એક એવી રીત છે, જેમાં તમારે OTP આપવાની જરૂર જ પડતી નથી, કારણ કે ગઠિયાઓ OTP પોતે જ મેળવી લે છે. અત્યારે ઇન્ટરનેટ પર સરળતાથી આપણો પર્સનલ ડેટા વેચાઇ રહ્યો છે. ગઠિયાઓ સરળતાથી આ ડેટા મળેવી લે છે, જેમાં તમારું નામ, સરનામું, જન્મતારીખ અને તમારો મોબાઇલ નંબર હોય છે. ત્યારબાદ તે તમારા મોબાઇલ ઓપરેટર (Airtel, Jio, Vi વગેરે)ને કોલ કરે છે અને પોતાની જાતને તમે છો એમ રજૂ કરે છે. તે એવું બહાનું બનાવે છે કે જૂનું સિમ કાર્ડ ખોવાઈ ગયું છે અથવા ખરાબ થઈ ગયું છે. તે તમારા નંબર પરથી એક નવું સિમ કાર્ડ ઇશ્યૂ કરાવી લે છે. જેવું નવું સિમ કાર્ડ ઠગ પાસે એક્ટિવેટ થાય છે, તમારું જૂનું સિમ કાર્ડ તરત જ બંધ થઈ જાય છે (તમારા ફોનમાં નેટવર્ક જતું રહે છે). હવે તમારી બેંક કે અન્ય સેવાઓ તરફથી આવતા બધા કોલ, મેસેજ અને ઓટીપી સીધા ઠગના નવા સિમ કાર્ડ પર જવા લાગે છે.
હવે ઠગ તમારું બેંક ખાતું એક્સેસ કરે છે અને જ્યારે બેંક ઓટીપી મોકલે છે, ત્યારે તે ઓટીપી ઠગના ફોન પર આવી જાય છે અને તે સરળતાથી તમારા ખાતામાંથી પૈસા કાઢી લે છે. રિમોટ એક્સેસ/સ્ક્રીન શેરિંગ
આ પદ્ધતિમાં, ઠગ ટેકનિકલ સપોર્ટ આપવાનું બહાનું કરીને તમારા ફોન કે લેપટોપનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ લે છે. ઘણી વખત અજાણ્યા સોર્સ પરથી આવેલી .apk ફાઇલ ઇન્સ્ટોલ કરો તો ફોનનો એક્સેસ બીજા પાસે જતો રહે છે. ગઠિયાઓ મોટેભાગે બેંક કર્મચારી, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ અથવા કોઈ સરકારી અધિકારીના રૂપમાં તમને કોલ કરે છે. તેઓ તમને કહે છે કે તમારા ખાતામાં કોઈ સમસ્યા છે અથવા તમને રિફંડ મળશે. ત્યારબાદ તમને તમારા ફોન કે લેપટોપ પર AnyDesk, TeamViewer અથવા QuickSupport જેવી કોઈ રિમોટ એક્સેસ એપ ડાઉનલોડ કરવી પડશે. એપ ડાઉનલોડ થયા પછી તે 9 કે 10 અંકનો કોડ (ID) પૂછે છે. જેવો તમે તે કોડ આપો છો, તમારા ડિવાઇસનો પૂરો કંટ્રોલ તેમના હાથમાં જતો રહે છે.
હવે જ્યારે બેંક ઓટીપી મોકલે છે, ત્યારે તે ઓટીપી તમારા ફોનની સ્ક્રીન પર આવે છે, જેને ઠગ પોતાની સ્ક્રીન પર લાઇવ જોઈ લે છે. આ રીતે, તે પૂછ્યા વિના ઓટીપી મેળવીને ફ્રોડ કરી લે છે.
(સવાલ પૂછનાર: ભરત પટેલ, જામનગર)
હવે હિન્દી ફિલ્મ કે ચંબલમાં ડાકુ દેખાતા નથી. એ જોખમી જીવન અને રઝળપાટને બદલે વધુ આસાનીથી અધધ કમાણીવાળી ગુનાખોરી વ્યવસાય બની રહી છે. નવી અપરાધિક વ્યવસ્થામાં ગબ્બર સિંહને ‘હોલી કબ હૈ’ પૂછવું પડતું નથી કે જય-વીરૂનો સામનો કરવો પડતો નથી. મોટેભાગે તો એ.સી. બંગલો, ફ્લેટ કે ઓફિસમાંથી માત્ર ઈન્ટરનેટ કે મોબાઈલફોનથી એનો ધંધો ચાલે છે, એકદમ ધીકતો. આ બધા પ્રતાપ છે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના.
આપણે ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમના જમાનામાં જીવીએ છીએ. આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ ટોળકીઓએ વિશ્વને ભયંકર ઝેરીલા ભરડામાં લઈ લીધી છે. આની સામે કોઈ વ્યક્તિ તો ઠીક ભલભલી સરકાર પણ લાચાર છે. અમુક માઠી સરકાર કે નેતા તો ‘હરાવી-નાથી ન શકો તો એની સાથે જોડાઈ જાઓ’ને અનુસરીને વહેતી વોડકામાં સ્નાન કરીને પોઢેલા પડ્યા રહે છે.
ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની તાકાત, પહોંચ, આવક, વગ અને પ્રસાર એટલાં પ્રચંડ છે કે એનાથી ભાગ્યે જ કોઈ દેશ કે પ્રાંત બચી શક્યા છે. દેશ નહીં, એક-એક માનવી કોઈને કોઈ રીતે જાણતા-અજાણતા એની નાગપાશમાં ઝકડાયેલો છે. આમાંથી છૂટી શકાય? ભલે નિરાશાવાદ લાગે પણ કહી શકાય કે એ અસંભ‌વ છે. આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરીના આ વ્યાપની ગંભીરતા અને જોખમોને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રસંઘે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. આ મહાકાય રાક્ષસને નેસ્તનાબૂદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે 15મી નવેમ્બરને ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ પ્રિવેન્શન ઓફ એન્ડ ફાઈટ અગેઈન્સ્ટ ઓલ ફોર્મ્સ ઓફ ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ જાહેર કર્યો છે.
આમાં ‘ઓલ ફોર્મ્સ’ શબ્દો સમજવાથી ખબર પડશે કે નાના-મોટા, ગરીબ-અમીર, શિક્ષિત-અભણ એમ સૌ કઈ રીતે એની ચુંગાલમાં ફસાય છે. આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાખોરીમાં શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરી, માદક દ્રવ્યોના ધંધા, દુર્લભ પ્રજાતિનાં પ્રાણીઓની દાણચોરી, બનાવટી દવા અને તબીબી ઉત્પાદનોના ધંધા, માનવ તસ્કરી સહિતનાં ભયંકર કુકર્મ આવી જાય.
આ બધામાં ટર્નઓવર અને નફો એટલાં તોતિંગ છે કે અવરોધ બનનાર વ્યક્તિ કે સંસ્થાનું નિકંદન કાઢી નાખવામાંય તેઓ અચકાતા નથી. એટલું જ નહીં, સરકાર ઉથલાવી નાખવાથી લઈને નડતરરૂપ પ્રધાન કે અમલદારોને પતાવી નાંખવા, પદભ્રષ્ટ કરાવી નાંખવા કે પદ પરથી હટાવી દેવાની તાકાત છે આ લોકો પાસે. ઘણા રાજકારણી, અમલદારો અને એન.જી.ઓ.ના આંખ આડા
કાન કરીને ગજવાં, તિજોરી ભરતા રહે છે. જીવ બચે, પદ બચે અને જલસો થતો રહે એ બોનસ.
એક અંદાજ મુજબ વિશ્વભરમાં વરસેદાડે 125થી 236 મિલિયન યુરો ડોલરનો ગેરકાયદે શસ્ત્રોનો વેપાર થાય છે. આ આંકડો સત્તાવાર અને કાનૂની શસ્ત્ર વેપારના 10થી 20 ટકા જેટલો છે. આ ગેરકાયદે શસ્ત્રો કોને વેચાય? આતંકવાદીઓ, વિદ્રોહીઓ, ગેંગસ્ટર, નક્સલીઓ, બાહુબલીઓ સહિતના ગેરકાયદે ધંધો કરનારા સૌને આ કાળા ધંધાના લાભાર્થે જ ઘણા દેશોમાં અશાંતિ સર્જાય છે.
દુનિયામાં કાયમ ક્યાંક યુદ્ધ, આંતરવિગ્રહ ચાલતાં રહે એમાં આ તત્ત્વોને રસ હોય છે. શાંતિ એમને ખૂંચે, કારણ કે લડાઈ-વિગ્રહ ન થાય તો શસ્ત્રો ખરીદે કોણ? આ ધંધામાં ગુનેગારો ઉપરાંત કેટલાક બદમાશ દેશોય સામેલ છે, જેમને પોતાને ન ગમતી સરકારો ઉથલાવવામાં રસ હોય છે. શા માટે? ન ગમતી સરકારની નીતિને લીધે આર્થિક ફટકો પડે તો? આના દાખલા રાખવાની જરૂર નથી. રોજેરોજ અખબારોનાં પાને આવી દાદાગીરી ચમકતી રહે છે.
મારે-તમારે શસ્ત્રો સાથે સીધો પનારો નથી પડતો, પણ આ સંગઠિત ગુનાખોરીની સૌથી ચિંતાજનક પ્રવૃત્તિ છે બનાવટી દવા અને તબીબી ચીજોનાં ઉત્પાદન અને હેરફેર. કલ્પના કરો કે ગંભીર માંદગીને લીધે કોઈ વ્યક્તિ સ્વજનનો જીવ બચાવવા જીવનમૂડી ખર્ચી નાખે પણ ઈલાજ બનાવટી ઉપકરણોથી થાય અને પછી ડુપ્લિકેટ દવા મળે તો શું થાય? ઈન્ટરપોલની ચેતવણી મુજબ તો કોરોના વાઈરસ પણ વ્યક્તિગત રક્ષાત્મક સાધનોમાં બનાવટી ચીજોના ઘોડાપુરે કોરોના વાઈરસ ફેલાવવામાં નિમિત્ત હોઈ શકે. આ કોરોનાકાળના હાહાકાર વચ્ચે નફો રળી લેવા માટે એની કૃત્રિમ અછત ઊભી કરીને કેટલાંય બનાવટી દવા-ઉત્પાદનો વિશ્વભરના બજારોમાં ઠલવાયાં હતાં. જરા કલ્પના કરો કે બાળકને એકદમ ફિટ રાખવા માટે અમુક પ્રોટીન કે વિટામિન અપાય, પણ એ બનાવટી હોય તો શું થાય? ફાર્માસ્યુટિકલ ઉત્પાદન માટે આકરી ચકાસણી થતી હોવા છતાં આવો માલ માર્કેટમાં ફરતો થઈ જાય એ વ્યવસ્થતંત્રની ઘોર નિષ્ફળતા જ ગણાય ને?
શસ્ત્રોની ગેરકાયદે હેરાફેરી અને કેફી પદાર્થ બાદ ત્રીજા નંબરનો સૌથી મલાઈદાર ધંધો છે માનવ તસ્કરી. આમાં વરસે 150 બિલિયન ડોલરનો નફો છે. માનવ અધિકારોની ક્રૂર મજાક સમા આ વેપલામાં બાળકો-યુવતઓને દેહવિક્રય માટે ધકેલવાથી લઈને ગુલામી કરાવવા સુધીના ગોરખધંધા આવી જાય. ક્યાંક ઈન્ટરનેટ પરથી ભારતમાંથી અપહરણ કે લાપતા થતા માનવીઓના આંકડા પર નજર નાખજો. કેટલાં અપહરણ થાય છે અને એમાંથી કેટલાં પાછાં આવે છે કે જીવતાં મળે છે એ આંકડા આંખા ઉઘાડવા માટે પર્યાપ્ત છે.
ટ્રાન્સનેશનલ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં વિશ્વની મોટાભાગની સરકાર મહદઅંશે નિષ્ફળ ગઈ છે. ક્યાંક સરકારમાં આ મહાબલી સામે લડવાની તાકાત નથી, ક્યાંક શાહમૃગી નીતિ અપનાવાઈ છે, તો ક્યાંક ગજવાં ગરમ કરીને સંબંધિત શાસકો આંખ-કાન બંધ કરી દે છે. ભલે આવો દિવસ નક્કી થાય પણ સફળ બનાવવું સંયુક્ત રાષ્ટ્રસંઘના હાથમાં નથી, પણ એના અન્ય દેશોની એ જવાબદારી છે. ઓનલાઈન-ઓફલાઈન
સંગઠિત ગુનાખોરી જેટલી એકતા સારા-ભલા માણસોમાં નથી.
- પાંડજી પ્રાગીવાક્સોનો (ઈન્ડોનેશિયન સ્ટેન્ડઅપ કોમેડિયન)
આંતરમનના આટાપાટા:પ્રભાશંકર પટણી પરોપકારના દીવાન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/prabhashankar-patni-the-diwan-of-philanthropy-136395150.html

ડૉ. જય નારાયણ વ્યાસ ભાવનગર રાજ્યના કાબેલ અને દક્ષ દીવાન તરીકે સર પ્રભાશંકર પટણીનું નામ ઇતિહાસનાં પાને અમર છે. પ્રભાશંકર પટણી કોઈ પણ વાતનો તાગ પામી તેમની સામે કરવામાં આવેલી રજૂઆત સાચી છે કે ખોટી તેનું વિશ્લેષણ કરવાની આગવી શક્તિ ધરાવતા હતા. એમના ભાવનગર રાજ્યના દીવાન તરીકેના કાર્યકાળને રાજ્યની પ્રગતિ અને વહીવટનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. કાયદો અથવા નિયમ એ પ્રજાને સવલત અથવા નિર્ભયતા બક્ષવા માટે છે અને એનો મૂળભૂત હેતુ ધ્યાનમાં રાખીને જ આ કાયદાની અમલવારી કરવી જોઈએ અથવા એનો ભંગ કરનારને યોગ્ય તે સજા કરવી જોઈએ જેથી પ્રજાનું જનજીવન સામાન્ય, સલામતીપૂર્ણ અને કોઈ પણ પ્રકારની આડખીલીઓથી મુક્ત બની રહે. આવા પટણીસાહેબના જીવનમાંથી એક પ્રસંગની વાત આજે કરવી છે. એ દિવસે સવારથી જ પટણીસાહેબને માથું ભારે લગતું હતું, શરીરમાં ઝીણો તાવ હતો. કોઈ કામકાજમાં મન લાગે તેવી સ્થિતિ નહોતી એટલે તેઓએ પોતાના બંગલે આરામ કરવાનું નક્કી કર્યું. એવામાં રાજ્યના તાબાના પાંચ પીપળા ગામનો ખેડૂત એમની પાસે આવ્યો. આફતોના ડુંગર એના પર તૂટી પડ્યા હોય એવા ગંભીર અને ગમગીન ચહેરે એણે પટણીસાહેબના ચરણસ્પર્શ કર્યા અને ઊભો રહ્યો. પટણીસાહેબે એના સામે પ્રશ્નાર્થસૂચક નજર નાખી એટલે રડમસ ચહેરે એણે રજૂઆત કરી. એ કહી રહ્યો હતો, ‘હજૂર, મારે માથે છેલ્લાં કેટલાંક વર્ષથી મહેસૂલ આપવાનું ચઢી ગયું છે. અગાઉનાં વર્ષો ખરાબ આવ્યાં એટલે આમ થયું. રાજનો પૈસો ડૂબાડવાનો મારો કોઈ ઇરાદો નહોતો. ઉપરથી મારે માથે છેલ્લાં 3-4 વર્ષ દરમિયાન વેપારીનું પણ કરજ ચઢતું ગયું. રાજનું દેવું અને વેપારીના દેવા વચ્ચે ફરક એ હતો કે વેપારીના દેવા ઉપર વ્યાજ ચઢતું હતું. એ હું પૂરું ન કરું તો વ્યાજ ભરવામાં જ પાયમાલ થઈ જાઉં. મુદ્દલ તો એમની એમ જ ઊભી રહે. હું જૂઠ્ઠું નહીં બોલું, ભગવાનની દયાથી આ વરસ સારું આવ્યું છે. પાક ધાર્યા કરતાં સારો ઉતર્યો છે પણ મારી મજબૂરી હતી એટલે વેપારીનું દેવું પૂરેપૂરું ભરી દીધું, જેથી વ્યાજના ચક્કરમાંથી મુક્તિ મળે. રાજનું દેવું પણ હું ભરી દઈશ. અમે કષ્ટ વેઠીને જીવીશું પણ બચત થતી જશે તે રાજના દેવા પેટે ભરપાઈ કરી દઈશું એની હું આપ નામદારને ખાતરી આપું છું પણ...’ કહીને ખેડૂત અટક્યો એટલે પટણીસાહેબે જરા કરડાકીથી પૂછ્યું, ‘પણ શું?’ સામે ખેડૂતનો જવાબ હતો કે, ફોજદારે રાજ્યનું દેવું નહીં ભરવા બદલ એના ઘરની માલસામાન સાથે જપ્તી લઈ આખા કુટુંબને ઘરબહાર તગેડી મૂકી ઘરને તાળું મારી દીધું હતું. એનું કુટુંબ અત્યારે કોઈ ઘરવખરી વગર ઝાડના છાંયડે ભૂખ્યું-તરસ્યું બેઠું હતું. પટણીસાહેબને એની વિનંતી હતી કે, રાજના કરજના સરળ હપ્તા કરી આપે. જવાબમાં પટણીસાહેબે કહ્યું, ‘તું તારી અરજી મને આપી દે. હું એને ખાતામાં મોકલીશ અને યોગ્ય કાર્યવાહી કરી જપ્તી જલદી ઊઠે એવા પ્રયત્ન કરીશ.’ ખેડૂત ત્રાસ્યો હતો. એણે ગજવામાંથી ચાર બંગડીઓ કાઢી અને દીવાનસાહેબને કહ્યું કે ‘મારું કુટુંબ ઉપર આભ અને નીચે ધરતીને આશરે ભૂખે-તરસે ટળવળતું બેઠું છે. હું તમારી પાસે ખૂબ મોટી આશા લઈને આવ્યો હતો ત્યારે તમે વાતને ટલ્લે ચઢાવો છો એ બરાબર નથી. દીવાનપદું કરવાને બદલે આ બંગડીઓ પહેરો નહીંતર મને તાત્કાલિક ન્યાય આપો.’ ખેડૂતે પેલી બંગડીઓ પટણીસાહેબના હાથમાં મૂકી. કુટુંબની વેદનાએ એની વિવેકબુદ્ધિ ભૂલાવી. તેણે આજીજી કે વિનંતી કરવાની હોય એના બદલે આક્રોશ વ્યક્ત થઈ ગયો. ખેડૂતને પણ મનોમન એની ભૂલ સમજાઈ પણ હવે એને સુધારવાનો કોઈ ઉપાય નહોતો. પટણીસાહેબના હાથમાં એણે પેલી બંગડીઓ મૂકી દીધી હતી. મનોમન એ ધ્રૂજી રહ્યો હતો, પણ કહેવાય છે કે, સંત પુરુષો અથવા સજ્જનો પરોપકારી હોય છે. પટણીસાહેબ ઝડપથી મહેસૂલ ખાતાની ઑફિસે પેલા ખેડૂતને લઈને પહોંચ્યા. એના વડા તરીકે એક અંગ્રેજ શ્રીમાન બર્ક એ ખાતું સંભાળતા. દીવાનસાહેબને જાતે આવેલા જોઈ તેમણે પોતાની ખુરશીમાંથી ઊભા થઈ એમનું અભિવાદન કર્યું. પટણીસાહેબે બધી વાત સમજાવી. અંગ્રેજ અધિકારીનો અભિપ્રાય એવો હતો કે, ‘વહીવટની બાબતમાં લાગણીશીલતા ન ચાલે. આ ખેડૂતે તો તમને બંગડીઓ આપી તમારું અપમાન કર્યું હતું તો પછી શા માટે એમની પેરવી કરો છો?’ પટણીસાહેબનો જવાબ હતો કે રાજ્યના દીવાન તરીકે એ મારી પાસે ન્યાયની આશાએ આવ્યો હતો. એની દાનત ખરાબ નહોતી. પટણીસાહેબે ત્યાં ને ત્યાં હુકમ કરાવ્યો. જપ્તી પાછી ખેંચાવી અને ઉપરથી ગજવામાંથી પેલા ખેડૂતને એના ગામ જવાના ભાડા પેટે પૈસા પણ આપ્યા. કદાચ આ કારણથી જ પટણીસાહેબને આજે પણ આપણે યાદ કરીએ છીએ.
સરકારે કંપનીઝને આવી છેતરામણી જાહેરાત કરતા અટકાવવી જોઈએ અને બીજી બાજુ સેલિબ્રિટીઝે નૈતિક જવાબદારી સમજીને આવી જાહેરાતો કરવાની ના પાડવી જોઈએ નવેમ્બર, 2025ના પ્રથમ સપ્તાહમાં રાજસ્થાનના કોટા શહેરની ગ્રાહક અદાલતમાં એડવોકેટ ઈન્દરમોહન સિંઘ હનીએ ફરિયાદ નોંધાવી કે ‘રાજશ્રી પાનમસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર ફિલ્મસ્ટાર સલમાન ખાન કેસરયુક્ત એલચી તથા કેસરમિશ્રિત પાનમસાલા જેવાં ઉત્પાદનોની જાહેરાત કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ દાવા સદંતર જુઠ્ઠા છે કેમ કે ચાર લાખ રૂપિયા કિલોના ભાવથી વેચાતું કેસર પાંચ રૂપિયામાં મળતા પાઉચમાં વપરાતું હોય એ શક્ય નથી. બીજું આ જાહેરાતથી યુવા પેઢી આ પાનમસાલા ખાવા માટે લલચાય છે અને એના કારણે ઘણા યુવાનો મોંઢાના કેન્સરનો ભોગ બને છે.’ તેમની એ ફરિયાદ પછી અદાલતે રાજશ્રી કંપની અને સલમાન ખાનને નોટિસ મોકલાવી હતી. નવેમ્બર, 2025ના પ્રથમ સપ્તાહમાં જ દિલ્હીના એક ડિજિટલ માર્કેટર અને પબ્લિક સ્પીકર સારાંશ સાગરે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી કે ‘દિલ્હીના નોઇડા ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશનમાં વિમલ ગુટખાની સરોગેટ એડ (સરોગેટ એડ એટલે કોઈ ઉત્પાદનની જાહેરાત પર પ્રતિબંધ હોય તો અન્ય નિર્દોષ ઉત્પાદનની આડમાં પ્રતિબંધિત વસ્તુની જાહેરાત કરવી છે એ દિલ્હી મેટ્રોની પરવાનગી સાથે લગાવાઈ છે?’ તેમણે ચિંતા વ્યક્ત કરી કે ‘આ પ્રકારની જાહેરાતથી કોઈ પણ વ્યક્તિ વિમલ ગુટખા તરફ આકર્ષાઈ શકે છે અને તેને તેની લત લાગી શકે છે.’ એ પછી દિલ્હી મેટ્રોએ ખુલાસો કર્યો કે ‘આ જાહેરાત અમે જે પ્રોડક્ટસ પર પ્રતિબંધ મૂક્યો છે એ અંતર્ગત નથી આવતી. એટલે આ જાહેરાત મુકાઈ છે.’ સરોગેટ એડ નામનું આ તિકડમ આપણા દેશમાં ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. નૈતિકતાને નેવે મૂકીને આવી જાહેરાતો કરાય છે. વિમલ ગુટખાની સીધી જાહેરાત ન થઈ શકે એટલે વિમલ ઇલાયચીની જાહેરાત થાય અને એ પાઉચનો ફોટો વિમલ ગુટખા જેવો જ હોય છે. શાહરૂખ ખાન જેવા સુપરસ્ટારનો ફોટો એ જાહેરાત પર હોય એટલે તરત લોકોનું ધ્યાન એ તરફ ખેંચાય. 2022માં શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ એ બધા સામે વિમલની જાહેરાતને મુદ્દે ખૂબ વિરોધ પણ ઊઠ્યો હતો. અક્ષય કુમાર, અજય દેવગણ અને શાહરુખ ખાને વિમલની જાહેરાત કરી એને કારણે તેઓ ખૂબ ટ્રોલ થયા અને લોકોએ તેમની વિરુદ્ધ ખૂબ કમેન્ટ્સ કરી એ પછી અક્ષય કુમારે જાહેર કર્યું હતું કે ‘હું હવે આવી જાહેરાતો નહીં કરું.’ ડિસેમ્બર, 2023માં અલાહાબાદ હાઇ કોર્ટે અક્ષયકુમાર, આજે દેવગણ અને શાહરૂખ ખાનને નોટિસ પણ મોકલાવી હતી.
ઘણી વખત કોઈ કંપની અન્ય નિર્દોષ ઉત્પાદનની આડશમાં તમાકુની કે શરાબની કંપની સોડાની આડશમાં શરાબની જાહેરાતો કરતી હોય છે. આવી જાહેરાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં નથી કંપનીઓને કોઈ છોછ કે નથી તો આપણા ફિલ્મ સ્ટાર્સ કે અન્ય ક્ષેત્રની સેલિબ્રિટિઝ આવી જાહેરાત માટે શરમાતા. સચિન તેંડુલકરે ઓનલાઇન ગેમ્સની જાહેરાત કરવાની ઓફર સ્વીકારી એને કારણે તે વિવાદોમાં ઘેરાયો હતો. 2024માં તેના બોડીગાર્ડે આત્મહત્યા કરી લીધી એ પછી તેના પર ખૂબ પસ્તાળ પડી હતી. મહારાષ્ટ્રની સ્ટેટ રીઝર્વ પોલીસના 39 વર્ષીય જવાન પ્રકાશ કાપડેએ એટલા માટે આત્મહત્યા કરી હતી કે તેને ઓનલાઈન ગેમનું વ્યસન થઈ ગયું હતું અને ઓનલાઈન જુગાર રમવાને કારણે તેના પર મોટું દેવું થઈ ગયું હતું. અને એ ઓનલાઈન ગેમની જાહેરાત ખુદ તેંડુલકર કરતો હતો! સચિન તેંડુલકર, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા અત્યંત સફળ માણસો પૈસા કમાવા લોકો માટે નુકસાનકારક સાબિત થાય એવી જાહેરાતો કરવા તૈયાર થઈ જાય છે એ આઘાતજનક ગણાય.
સરોગેટ જાહેરાતોનો ઉપયોગ તમાકુ, શરાબ અને બેટિંગ જેવી હાનિકારક વસ્તુઓની જાહેરાત પર લાગેલા પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા માટે થાય છે. અનેક કંપનીઝ દારૂ અને તમાકુ જેવી વસ્તુઓની જાહેરાત પરના કાયદાકીય પ્રતિબંધને ટાળવા માટે સરોગેટ જાહેરાતનો ઉપયોગ કરે છે. આવી જાહેરાતોમાં સામાન્ય રીતે દારૂ કે તમાકુની બ્રાન્ડનું જ નામ અથવા લોગો રાખીને અન્ય કોઈ નિર્દોષ ઉત્પાદનનો પ્રચાર કરાય છે, જેના થકી એ કંપનીની બ્રાન્ડ પ્રચલિત બને છે અને તમાકુ કે દારૂ જેવી વસ્તુઓની પરોક્ષ જાહેરાત થાય છે. આને કારણે દેશમાં આરોગ્ય અને સામાજિક સમસ્યાઓ ગંભીર રીતે વકરે છે. સરકારે આવી સરોગેટ એડ્સ મુદ્દે કડક નિયમો ઘડવા જોઈએ. ઓગસ્ટ 2024માં આરોગ્ય મંત્રાલયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને બીસીસીઆઈ જેવી રમતગમત સંસ્થાઓને આદેશ આપ્યો હતો કે ખેલાડીઓ દારૂ અને તમાકુ જેવી વ્યસન લગાવતી વસ્તુઓની સરોગેટ જાહેરાતોમાં ભાગ ન લે એની તકેદારી રાખો, પણ આટલું પૂરતું નથી. સરકારે વધુ સખત પગલાં લઈને કંપનીઝને આવી જાહેરાત કરતા અટકાવવી જોઈએ અને બીજી બાજુ ફિલ્મજગત તથા રમતગમત જગતની કે અન્ય કોઈ પણ ક્ષેત્રની સફળ વ્યક્તિઓએ નૈતિક જવાબદારી સમજીને આવી જાહેરાતો કરવાની ના પાડવી જોઈએ.
પૈસા માટે કોઈપણ પ્રકારની જાહેરાત કરવા તૈયાર થઈ જતા કલાકારોએ કે ખેલાડીઓએ સુનિલ દત્ત અને એલેક ગિનિસ જેવા કલાકારોને યાદ રાખવા જોઈએ. સુનિલ દત્ત ફિલ્મ અભિનેતા તરીકે ખૂબ સફળ થયા હતા. અનેક વખત સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને કેન્દ્રીય પ્રધાન પણ બન્યા હતા, પરંતુ તેમણે જીવનમાં કેટલાંક મૂલ્યોનું જતન કર્યું હતું. તેમણે પૈસા કમાવાની લાલચ માટે પોતાની વિચારસરણી બદલાવી નહોતી. સુનિલ દત્ત જ્યારે ખૂબ સફળતા પામી ચૂક્યા હતા એ વખતે એક શરાબ ઉત્પાદક કંપનીના માલિકે તેમનો સંપર્ક કર્યો. તે શરાબ ઉત્પાદકે તેમને ઓફર કરી કે ‘તમે મારી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનો અને મારી કંપનીના શરાબની જાહેરાત કરો.’ સુનિલ દત્તે તેમને કહી દીધું કે ‘હું તમારી ઓફર નહીં સ્વીકારી શકું. હું માનું છું કે મારે શરાબની જાહેરાત ન કરવી જોઈએ. હું મારી માન્યતા સાથે બાંધછોડ નહીં કરું.’ આવો જ કિસ્સો હોલિવૂડમાં પણ બન્યો હતો. ગઈ સદીના અત્યંત સફળ અભિનેતા એલેક ગિનેસ જ્યારે હોલિવૂડમાં સફળ સ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા ત્યારે તેમને પણ શરાબની જાહેરાત કરવા માટે ઊંચી રકમની ઓફર થઈ હતી પરંતુ તેમણે એ ઓફર સ્વીકારવાની ના પાડી દીધી હતી. એ વખતે અમેરિકાની શરાબ કંપનીએ તેમને કોરો ચેક આપીને એમાં રકમ ભરી લેવાની ઓફર કરી હતી એ ઓફર તેમણે એક ક્ષણ પણ વિચાર્યા વિના ઠુકરાવી દીધી હતી. ઓક્ટોબર, 2024માં પ્રખ્યાત અભિનેતા અનિલ કપૂરે પણ આવી એક ઓફર ઠુકરાવી દીધી હતી. તેને એક કંપનીએ પોતાની પાનમસાલા બ્રાન્ડની જાહેરાત માટે દસ કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પણ કપૂરે એ અને કહ્યું હતું કે મારા ઓડિયન્સ પ્રત્યે મારી નૈતિક જવાબદારી છે અને મારી જાહેરાતને કારણે લોકોનું આરોગ્ય જોખમાય એવું હું નહીં કરું.
વસુંધરાના વહાલાં દવલાં:તમિલનાડુમાં પક્ષીઓ માટે ત્રણ દાયકાથી ‘શાંત તહેવારો’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/silent-festivals-for-birds-in-tamil-nadu-for-three-decades-136395119.html

દેશના સૌથી મોટા પર્વ દિવાળીએ વિદાય લીધાને બહુ દિવસ થયા નથી. ખાસ કરીને આ તહેવારે આખા દેશમાં ભલે ફટાકડાઓ ફૂટ્યા હોય, પણ તમિલનાડુનાં ગામડાંઓમાં નીરવ શાંતિ હોય. અને એનું સૌથી મોટું કારણ છે સ્થાનિકોએ પોતે લીધેલો પક્ષી સંવર્ધન અને સંરક્ષણનો નિર્ણય! તહેવારો ઊજવવા જ જોઈએ તેમાં કોઈ બેમત નથી, પણ આજે વાત કરવી છે, એવાં ગામડાંઓની જેમણે નિર્ણય લઇ સામૂહિક રીતે તેનું પાલન કર્યું છે. તેમનાં કેન્દ્રમાં રૂપકડા જીવ છે. શિવગંગા જિલ્લામાં વેટ્ટાગુંડીપક્ષી અભયારણ્યની નજીક આવેલા કોલ્લુકુડીપટ્ટી, એસ મામ્પટ્ટી અને વેટ્ટંગુડીપટ્ટીમાં પ્રકાશનો તહેવાર ફટાકડાના અવાજથી નહીં, પરંતુ કુદરતની સહાનૂભૂતિ સાથે શાંતિથી ઊજવવામાં આવે છે. ત્રણ દાયકાથી વધુ સમયથી, અહીંના લોકો સભાનપણે આવો કોઈ અવાજ કરતા નથી. મતલબ કે લગ્નો અને મંદિરના તહેવારોના સમયગાળામાં ફટાકડાઓને તિલાંજલિ આપવામાં આવી છે. વેટ્ટાગુંડીપક્ષી અભયારણ્ય, દક્ષિણ ભારતના સૌથી જૂના સંરક્ષિત વેટલેન્ડમાંનું એક છે. મદુરાઈ-કારાઈકુડી હાઇવે પર 36 હેક્ટરમાં આ પક્ષીઓનું અભ્યારણ્ય વિસ્તરેલું છે. દર શિયાળામાં, આ અભયારણ્ય 200થી વધુ સ્થળાંતર કરતી પક્ષીઓની પ્રજાતિઓનું ઘર બની જાય છે, જેમાં ઈગ્રેટ, ઇન્ડિયન સ્પોટ-બિલ્ડ ડક, ડાર્ટર, એશિયન ઓપનબિલ સ્ટોર્ક અને બ્લેક-હેડેડ આઇબિસ સહિતની વિવિધ પક્ષીની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. આ રૂપકડાં પક્ષીઓ સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાથી આશ્રય, ખોરાક અને સુરક્ષિત સંવર્ધન સ્થળોની શોધમાં અહીં સુધી આવતા હોય છે. સ્થાનિક ગ્રામજનો માને છે કે, આ પક્ષીઓનું આગમન ઋતુ પરિવર્તન અને કૃષિ વચનનો સંકેત છે. ‘જો પક્ષીઓ આ અભયારણ્યની મુલાકાત નહીં લે, તો સારી લણણી નહીં થાય,’ તેમ સ્થાનિક ખેડૂત એ. રમનએ જણાવ્યું હતું.
છેલ્લાં 30 વર્ષોથી, ગામલોકોએ પ્રકૃતિ સાથે એક અસ્પષ્ટ કરાર કર્યો છે. પક્ષીઓ દર વર્ષે અહીં આવે છે અને બદલામાં ગામલોકોએ એક રક્ષણાત્મક મૌન જાળવી રાખ્યું છે, જેમાં કોઈ જોરશોરથી તહેવારની ઉજવણી કરતા નથી. કોઈ ફટાકડાના ધડાકા નહીં, પરંતુ વન્યજીવ સંરક્ષણ માટે ફક્ત શાંતિ પસંદ કરી છે, જેથી પક્ષીઓ તેમના ગામની આસપાસ મુલાકાત લેતા રહે અને ટકી રહે!
મજાની અને આશ્ચર્યની વાત એ પણ છે કે, ફટાકડામુક્ત તહેવાર કે પ્રસંગનો નિર્ણય કોઈ વનવિભાગ કે પ્રશાસનના અધિકારી દ્વારા લાગુ કરવામાં આવતો નથી પરંતુ તે સમુદાય દ્વારા સ્વયં-સંચાલિત નિર્ણય છે, જે પેઢીઓથી ચાલતો આવે છે, જેનો બધા દ્વારા આદર કરવામાં આવે છે. પ્રશંસાના ભાવ સાથે, તમિલનાડુ વન વિભાગ દર દિવાળીએ ગામનાં દરેક ઘરને અડધો કિલો મીઠાઈનું વિતરણ કરે છે. પર્યાવરણ પ્રત્યેના અસાધારણ નિર્ણય માટે તેમની પીઠ પણ થપથપાવે છે. વર્ષ 2023માં અભયારણ્યમાં ફક્ત 800 સ્થળાંતર કરનારાં પક્ષીઓ આવ્યાં હતાં, ત્યારે 2024માં આ સંખ્યા 3,500થી 4,000 થઈ
ગઈ છે. સ્થાનિકો સ્થળાંતર કરનારાં પક્ષીઓનું વહેલું આગમન એક શુભ શુકન માને છે. તેઓ જણાવે છે કે, પક્ષીઓ આપણા કરતાં વરસાદને વધુ સારી રીતે જાણે છે. જો તેઓ નીચાણવાળા વિસ્તારોમાં માળો બાંધે છે, તો વધુ વરસાદ નહીં પડે. જો તેઓ ઊંચા માળો બાંધે છે, તો અમે ભારે ચોમાસાની અપેક્ષા રાખીએ છીએ. સમાન રીતે, સેલમના વાવવ્લ થોપ્પુ, નાગપટ્ટીનમનાં મંદિર નગર સીરકાઝી નજીકનાં ગામ પેરામ્બુર અને કાંચીપુરમ નજીક વિશરના લોકો તેમના વિસ્તારોમાં મંદિર અને અન્ય જગ્યાએ વસતાં ચામાચીડિયાઓને ડરથી બચાવવા માટે ફટાકડા ફોડવાનું ટાળે છે. પેરામ્બુરના ગ્રામજનો કહે છે કે, ચામાચીડિયા અને પક્ષીઓ ડરતાં હતાં તેથી આ નિર્ણય લગભગ એક સદી પહેલાં લેવામાં આવ્યો હતો.
ડૉક્ટરની ડાયરી:એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-there-is-such-a-kind-hearted-person-in-the-world-he-will-help-but-not-make-us-helpless-136395101.html

ડો. રાબડીયા ભાણવડ ખાતે આવેલા પોતાના ક્લિનિકમાં બેસીને દર્દીઓને તપાસી રહ્યા હતા ત્યારે કમ્પાઉન્ડરે આવીને કહ્યું, ‘સાહેબ, નાથુભા બાપુ આવ્યા છે. એમને બેસાડું કે તમારી પાસે મોકલું?’
ડો. રાબડીયા આજકાલ સતત ચિંતામાં રહેતા હતા. તેઓ જનરલ પ્રેક્ટિશનર હતા પણ સવાર-સાંજ દર્દીઓને તપાસતી વખતે પણ તેમના માથા પર જાણે ગિરનારની કાળમીંઢ પથ્થરની શિલા મૂકાયેલી હોય તેવા દબાણમાં રહેતા હતા. નાથુભા દરબાર આવ્યા છે એ જાણીને કાળમીંઢ પથ્થરની એકને બદલે બે શિલાઓ ખડકાઈ ગઈ. આવું કેમ બન્યું એ સમજવા માટે ડો. રાબડીયાનો પાછલા કેટલાક મહિનાનો ભૂતકાળ જાણવો જરૂરી છે. મૂળ જામનગર જિલ્લાા લાલપુર ગામના પટેલ પરિવારનો દીકરો મોહન કડી મહેનત અને દિમાગી તેજસ્વિતાથી મેરિટ ઉપર ડો. રાબડીયા બન્યો. એના બીજા સાત ભાઈઓ હતા. ડો. રાબડીયાને વિચાર આવ્યો, ‘મારી જિંદગી તો બની ગઈ. હવે મારા ભાઈઓ માટે મારે કંઈક કરવું જોઈએ.’ ડો. રાબડીયાએ ખાંડસરી (શેરડીના રસમાંથી ખાંડ બનાવવા)ની ફેક્ટરી શરૂ કરવાનું વિચાર્યું. બેન્કમાંથી મોટી રકમની લોન લેવા માટે અરજી કરી. પોતાના સિવાય બીજા ઓગણીસ ભાગીદારો શોધી કાઢ્યા. ગામે-ગામના ખેડૂતો પાસેથી શેરડીનો પાક ખરીદવો અને ફેક્ટરીમાં એના રસમાંથી ખાંડ બનાવવી એ કૂકરની સિટી વગાડવા જેટલું સહેલું કામ નથી. એના માટે જટિલ ટેકનિક હોવી જરૂરી છે અને મોંઘાં મશીનો હાવ પણ ફરજીયાત છે. અહીં સુધીનું તો બધું ધારણા મુજબ ચાલ્યું, પણ પછી આસમાની આફત દુષ્કાળનું રૂપ લઈને ત્રાટકી. 1982નું વર્ષ. સતત દુષ્કાળો પડવા લાગ્યા. ફેક્ટરીનું કામકાજ ઠપ્પ થઈ ગયું. એક તરફથી લોનના હપ્તા અને વ્યાજની ઉઘરાણી અને બીજી તરફ જે ખેડૂતો પાસેથી શેરડીનો જથ્થાબંધ માલ ખરીદ્યો હતો એની કિંમતની ચૂકવણી, આ બંને બાબતો ડો. રાબડીયાને પીડવા માંડી. ખેડૂતો વીસ ભાગીદારોમાંથી માત્ર ડો. રાબડીયાને એકને જ ઓળખતા હતા, ‘ડોક્ટર સાહેબ, અમે બીજું કંઈ ન સમજીએ. અમારી શેરડીના રૂપિયા અમને આપી દો.’ ડો. રાબડીયા દરેક ખેડૂતને હૈયાધારણ આપતા, ‘ભાઈ, હું પણ તમારી જેમ ખેડૂતનો દીકરો છું. ઉનાળાનો આકરો તાપ વેઠીને અને ચોમાસાના વરસાદમાં પલળીને તમે ખેતી કરો છો એની મને જાત-માહિતી છે. ધારું તો હું નાદારી જાહેર કરી શકું છું, પણ હું હીરજીભાઈનો દીકરો છું. હું તમારી એક-એક પાઈ ચૂકવી આપીશ. મારી એક જ વિનંતી છે, મને સમય આપો. હવે તમારું કરજ મારે કારખાનાની કમાણીમાંથી નહીં પણ દવાખાનામાંથી કાઢવાનું છે.’ બધા ખેડૂતો માની ગયા. ડો. રાબડીયા ધીમે ધીમે એક પછી એક લેણદાર ખેડૂતને થોડી-થોડી રકમ આપતા ગયા અને આજે અચાનક નાથુભા બાપુ આવી ચડ્યા. ડો. રાબડીયા શું જવાબ આપવો એના માટે મનમાં શબ્દોની ગોઠવણી કરી રહ્યા. નાથુભા એમની સામે આવી બિરાજ્યા. ડોક્ટરનો ઊતરી ગયેલો ચહેરો જોઈને એમને થોડો-ઘણો ખ્યાલ આવી ગયો. એમણે પૂછ્યું, ‘કોણ મરી ગયું છે? આવું સોગિયું મોંઢુ લઈને કેમ બેઠા છો?’ ડો. રાબડીયાએ મનમાં વિચારી રાખેલા બધા સુંવાળા શબ્દો ઊડી ગયા, ‘બાપુ, શું કહું? શેરડીના કારખાનામાં મોટી ખોટ ગઈ છે. લેણદારોથી ઘેરાઈ ગયો છું. તમે પણ ઉઘરાણી માટે જ આવ્યા હશો, પણ અત્યારે તો મારી પાસે...’ ડો. રાબડીયાનો અવાજ ઢીલો પડીને અટકી ગયો. નાથુભા બાપુ જામજોધપુરના ચુર ગામેથી આવ્યા હતા. ત્યાં એમની મોટી ખેતી હતી. એમણે પણ શેરડી ડો. રાબડીયાને વેચી હતી. જો ક્ષત્રિયની આંખ લાલ થાય તો ડોક્ટરે ઊભા-ઊભા ઉછીના લઈને પણ રૂપિયા ચૂકવી દેવા પડે. નાથુભાનો જમણો હાથ એમની મૂછ ઉપર ગયો, ‘ડોક્ટર, આટલી નાની વાતમાં આમ ઢીલા પડી જવાતું હશે? મરદ છો કે પછી...?’ ડો. રાબડીયાના મોંમાંથી શબ્દો સર્યા, ‘બાપુ, છું તો મરદ.’ બાપુએ મૂછે તાવ દીધો, ‘તો સાંભળી લો. મરદનો વહેવાર એની મૂછના વાળ ઉપર નભેલો હોય છે. આજ પછી જો આ નાથુભા તમારી પાસે ઉઘરાણી માટે આવે તો સમજી લેજો કે એ ક્ષત્રિય નથી. જાઉં છું. જ્યારે સગવડ થાય ત્યારે...’ બાપુ ચાલ્યા ગયા. ડો. રાબડીયા સ્તબ્ધ બનીને બેસી રહ્યા. જ્યારે કમ્પાઉન્ડરે પૂછ્યું, ‘સાહેબ, બીજા પેશન્ટને મોકલું?’ ત્યારે ડોક્ટર વિચારમાંથી બહાર આવ્યા. દોઢેક વર્ષ જેટલા સમયમાં ડો. રાબડીયાએ બધા ખેડૂતોનું કરજ ચૂકવી દીધું. છેલ્લો વારો નાથુભાનો આવ્યો. એમના અઢાર હજાર રૂપિયા થતા હતા. 1982ના સમયમાં આ ખૂબ મોટી રકમ ગણાતી હતી. જ્યારે ડોક્ટરે અઢાર હજાર રૂપિયા નાથુભાના હાથમાં મૂક્યા, ત્યારે નાથુભાએ એમાંથી પંદર હજાર જ લીધા, ત્રણ હજાર પાછા આપ્યા, કહ્યું, ‘પંદર પૂરતા છે. જો કારખાનામાંથી રળ્યા હોત તો વીસ હજાર લઈ લેત, આ તમારી મહેનતની કમાણી છે. ત્રણ હજાર રાખો તમારી પાસે.’ આ ઘટનાને પણ છ-આઠ મહિના થઈ ગયા. એક દિવસ નાથુભા બાપુ દવાખાને આવ્યા. આ વખતે એમનો
ચહેરો ઊતરેલો હતો. ડોક્ટરે કારણ પૂછ્યું. જવાબ મળ્યો, ‘ભાઈ, આમ તો બધું સારું છે. માત્ર બે મહિના માટે પૈસાની ખેંચમાં છું. તમે જાણો છો કે મારી ખેતી મોટી છે. મોલ ઝૂલી રહ્યો છે, પણ હાલમાં મજૂરોને આપવાના પચીસ હજાર રૂપિયા મારા હાથ પર નથી. જ્યારે પાક વેચાઈ જશે ત્યારે રૂપિયા...’ ‘બાપુ, અવાજ કરો ને! મારે એ નથી જાણવું કે તમારે શા માટે નાણાં જોઈએ છે, મારે માત્ર એટલું જ જાણવાનું હોય કે તમારે નાણાં જોઈએ છે.’ ડો. રાબડીયાએ કમ્પાઉન્ડરને ઘરે દોડાવ્યો, પટલાણીને સંદેશ કહેવડાવ્યો એટલે પત્ની નિર્મળાબહેને (એ જમાનામાં મસમોટી ગણાય) રૂપિયા પચીસ હજારની રકમ મોકલી આપી. નાથુભા બાપુએ રકમને હાથ લગાડતચાં પહેલાં એક કામ કર્યું. થેલીમાંથી કપડાંની પોટલી કાઢીને ડોક્ટરની સામે મૂકી દીધી, ‘આમાં સોનાનાં ઘરેણાં છે. એ તમે રાખો. બે મહિના પછી જ્યારે હું રૂપિયા પાછા આપું ત્યારે આ...’ હવે પટેલનો વારો હતો. ડો. રાબડીયાનો જમણો હાથ ઉપલા હોઠની ઉપરની ચામડી પર ગયો. અને પછી એમનું વાક્ય બહાર પડ્યું, ‘નાથુભા, તમે જ કહ્યું’તું ને કે મરદનો વહેવાર એની મૂછના વાળ પર નભેલો હોય છે. ભલે હું મૂછ વધારતો નથી, પણ હુંય મારી મર્દાની મૂછનો માલિક છું. એક ક્ષત્રિયાાણીના દેહ પર ચડેલા, એક જોગમાયાની કાયા ઉપરથી ઊતરેલા આ ઘરેણાંને હું હાથ પણ અડાડું તો હું પટેલનો દીકરો નહીં.’ નાથુભા શિવુભા જાડેજા ઊભા થઈને ડો. મોહનભાઈ રાબડીયાને ભેટી પડ્યા. લાગણીના આવેગથી ભીની-ભીની બનેલી બંનેની આંખોમાંથી ખાનદાની, વિશ્વાસ અને મૈત્રીનો ત્રિવેણી પ્રવાહ અશ્રુબુંદ સ્વરૂપે ટપકી રહ્યો હતો. આ દૃશ્ય જોવા માટે ત્યાં માત્ર કમ્પાઉન્ડર હાજર હતો. મૂછને ભીંજવતા બબ્બે મર્દોને એકસાથે નિહાળવાનું સદભાગ્ય કોને સાંપડે?
- શીર્ષકપંક્તિ: મરીઝ
ઈમિગ્રેશન:ભારતના સિટીઝન બીજા દેશમાં લગ્ન કરી શકે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-an-indian-citizen-get-married-in-another-country-136395113.html

રમેશ રાવલ સવાલ: ભારતીય નાગરિકતા ધરાવતાં સ્ત્રી કે પુરુષ વિઝિટર વિઝા ઉપર અમેરિકા, કેનેડા અથવા ઓસ્ટ્રેલિયામાં જઈને તે દેશના નાગરિક સાથે લગ્ન કરી શકે?
- શશીકાંત વણીકર, અમદાવાદ
જવાબ: હા, લગ્ન કરી શકે. પરંતુ જે તે દેશના ત્યાંના ઈમિગ્રેશનના કાયદાના નિષ્ણાતની સલાહ લેવી. એ પછી વિઝિટર વિઝા દ્વારા ત્યાંના સિટીઝન સાથે લગ્ન કાયદેસર થઈ શકે કે કેમ તે જાણીને આગળ કાર્યવાહી કરવી જોઈએ. અમેરિકાના નિયમો અનુસાર આ પ્રકારનાં લગ્ન કેટલીક શરતોને આધીન કાયદેસર લગ્ન થઈ શકે. પરંતુ હાલમાં કાયદામાં નવા સુધારા થયા હોવાથી તે પ્રમાણે સલાહ લેવી જોઈએ.
સવાલ: અમારી ફેમિલીની F-4ની પિટિશન માર્ચ, 2016ની છે. તેનો WAC નંબરવાળો લેટર આવ્યો છે. પરંતુ એપ્રૂવલ લેટર આવ્યો નથી. તો શું કરવું જોઈએ?- ઉમાબેન પટેલ, અમેરિકા
જવાબ: એપ્રૂવલ લેટર પિટિશન કરનારા ઉપર જ આવે. ભારતના ફેમિલી ઉપર આવે નહીં. તેથી તમે તમારું ઈમેલ જોતા રહો. ઘણાં વર્ષો પિટિશન ફાઈલ કર્યાનાં થઈ ગયા હોવાથી તમારે ત્યાંના ડિપાર્ટમેન્ટમાં અર્થાત્ U.S.C.I.S.માં અથવા તો નેશનલ વિઝા સેન્ટરમાં તપાસ કરવી જોઈએ.
સવાલ: મારા અમેરિકાના વિઝિટર વિઝા એપ્રિલ 2026માં પૂરા થાય છે. તો ફરીથી અમેરિકા માટે વિઝા લેવા ડ્રોપબોક્સમાં એપ્લાય થાય?- કુમારપાળ શર્મા, સુરતरर
જવાબ: હા, ડ્રોપબોક્સના હાલના ચાર નવા નિયમો જે નીચે મુજબ છે. અને તે પ્રમાણે જ એપ્લાય કરી શકાય:-
1. અમેરિકાના વિઝા અગાઉ કોઈ પણ વખત રિજેક્ટ થયા હોવા જોઈએ નહીં.
2. તમને જ્યારે વિઝા મળ્યા ત્યારે ફિંગરપ્રિન્ટ થયેલી હોવી જોઈએ એટલે કે Ten Finger Prints.
3. તમને જે વિઝા મળેલા જેવા કે B-1, B-2 અથવા તો બીજા કોઈ પણ પ્રકારના વિઝા મળ્યા હોય તે માટે જ એપ્લાય કરવું જોઈએ.
4. તમારા વિઝા જે તારીખે પૂરા થતા હોય અર્થાત્ તેની વેલિડિટીની તારીખથી એક જ વર્ષ સુધી એપ્લાય કરી શકાય.
આ ઉપરાંત જો કોઈ ઉપરોક્ત શરતોમાંથી એક પણ શરતનો ભંગ થતો હોય તો પ્રોબ્લેમ થઈ શકે. ધ્યાન રાખો કે, તમને પહેલાં જે વિઝા મળેલા ત્યાર બાદ બીજા કન્ટ્રીના વિઝા રિજેક્ટ થયા તો તે પ્રોબ્લેમ કરી શકે.
સવાલ: હું અને મારી પત્ની ભારતમાં ડોક્ટર છએ. અમારે બંનેને અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરવું છે. પરંતુ મારી પત્નીના ભાઈએ મારી પત્ની માટે ગ્રીનકાર્ડ સારુ પિટિશન ફાઈલ કરેલી છે. મારું સમગ્ર કુટુંબ તેમને ગ્રીનકાર્ડ મળ્યા પછી અમેરિકામાં જ રહે છે. તો અમને વિઝા મળવાના કેટલા ચાન્સીસ છે? કેટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને કેટલું ફાયનાન્સ જોઈએ?- એક ડોક્ટર, સુરત
જવાબ: તમારા કેસમાં તમારી સ્ટ્રોંગ ફેમિલી ટાઈઝ અમેરિકામાં છે. જો તમે પુરવાર કરી શકો કે તમારા ફેમિલીમાં બાળકો કે બીજા રિલેટિવ્સ ભારતમાં તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, તો જુદી વાત છે. તમારા ફેમલીના બીજા કયા કયા મેમ્બર્સ અમેરિકામાં છે તે જાણવું જરૂરી છે, કારણ કે જેની ગ્રીનકાર્ડ માટે પિટિશન પેન્ડિંગ હોય તેને વિઝિટર વિઝા જવલ્લે જ મળે છે. તમારી માસિક આવક ઘણી સારી હોવી જોઈએ. વિઝા ફોર્મ તથા ઈન્ટરવ્યૂ પરફેક્ટ રીતે તૈયાર કરવા જોઈએ. તમારું વિઝા ફોર્મ જોયા પછી જ કેટલા ચાન્સીસ છે તે કહી શકાય.
સવાલ: મને ડ્રોપબોક્સ અર્થાત્ V.F.S.માંથી એવો ઈમેલ આવ્યો છે કે મારા અમેરિકાના વિઝિટર વિઝા માટેનો પાસપોર્ટ હાલમાં એમ્બેસી/કોન્સ્યુલેટ પાસે છે. અને તે પ્રોસેસિંગમાં છે તેમજ તેમાં વધુમાં જણાવ્યું છે કે મને કોઈ 221gનો લેટર મળ્યો છે કે નહીં તે કન્ફર્મ કરવું. તો હવે મારે શું કરવું જોઈએ?- એક વાચક, મુંબઈ
જવાબ: તમારે 221gનો લેટર મળ્યો છે કે નહીં તેનો તાત્કાલિક જવાબ આપવો જોઈએ અથવા તો રૂબરૂ જઈને તપાસ કરી શકાય. તમારી અરજી એડમિનિસ્ટ્રેટિવ રિવ્યૂ માટે પ્રોસેસમાં છે તેવું જણાય છે.
સવાલ: મારાં પેરેન્ટ્સના અને મારા અમેરિકાના વિઝિટર વિઝા રિજેક્ટ થવાથી મેં F-1 સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું, પણ પછી મને ઈન્ટરવ્યૂ વિઝા માટેના સ્લોટ મળતો નથી અને રિજેક્શન આવે છે. તે પહેલાં મારા વિઝિટર વિઝા રિજેક્ટ થયા છે તેનું કારણ આ હશે?- એમ. આર. પટેલ (સ્ટુડન્ટ), અમદાવાદ
જવાબ: હા, આ તમારા વિઝિટર વિઝાના રિજેક્શનનું કારણ હોઈ શકે. તેથી ઈમેલ કરીને જવાબ માંગી શકો છો. તમે વિઝિટર વિઝા રિજેક્ટ થયા હોવા છતાં સ્ટુડન્ટ વિઝા માટે તરત જ એપ્લાય કર્યું તે બરાબર નથી. તમે બીજા કોઈ કન્ટ્રી માટે એપ્લાય કરી શકો છો.
આઠમી અજાયબી:5,000 વર્ષ જૂની ઈમારત બોલી, ‘હું ઉરુક યુગની છું...’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/5000-year-old-building-says-i-am-from-the-uruk-era-136369991.html

માયા ભદૌરિયા હમણાં જ ઈરાકમાં પુરાતત્ત્વવિદોએ 5,000 વર્ષ પ્રાચીન ઈમારતોના અવશેષો શોધી કાઢ્યા. પુરાતત્ત્વવિદો માટે પ્રાચીન સ્થળોએ ખોદકામ કરવું કંઈ નવી વાત નથી, પણ અહીં આશ્ચર્ય એ વાતનું થવું જોઈએ કે આ ઈમારતના અવશેષો મૂળ ઉરુક યુગના સમયના છે કે જ્યારે વિશ્વમાં સૌપ્રથમ શહેર વિકસી રહ્યાં હતાં. કઈ જગ્યાએ ખોદકામ થયું?
ઉત્તર ઈરાકનો સુલેમાનિયાહ પ્રાંત અને ત્યાં આવેલી ઝાગ્રોસ પર્વતમાળા. અહીં કાની શાઈ પુરાતત્ત્વ સ્થળે ખોદકામ દરમ્યાન આ મહાકાય માળખું મળી આવ્યું. શોધકોના મતે આ વિશાળ ઈમારત કે માળખું ઈ.સ. પૂર્વે અંદાજે 3300થી 3100 વચ્ચેના ઉરુક યુગની છે. અને તેનું નામ દક્ષિણ મેસોપોટેમિયામાં આવેલા ઉરુક શહેર ઉપરથી પડ્યું છે. કાની શાઈ: મેસોપોટેમિયાનું ભુલાયેલું સાંસ્કૃતિક નગર
કાની શાઈ ઉરુક શહેરથી લગભગ 300 માઈલ ઉત્તર દિશામાં આવેલું હતું. એટલે કે, ત્યાં સુધી પગપાળા પહોંચવામાં લગભગ 15 દિવસ જેટલો સમય લાગતો. નવી શોધમાં એ પણ જાણવા મળ્યું કે કાની શાઈ ઉરુક યુગ દરમિયાન અંતરિયાળ કે ઉપેક્ષિત વિસ્તાર નહોતો, પણ પ્રાચીન મેસોપોટેમિયામાં ફેલાયેલા વિશાળ સાંસ્કૃતિક અને રાજકીય તંત્રનું મહત્ત્વનું કેન્દ્રબિંદુ હતું. મતલબ કે કાની શાઈ માત્ર એક પ્રાચીન વસાહત નહીં, પરંતુ ઉરુક યુગની સંસ્કૃતિ, કલા અને વહીવટી કુશળતાનું જીવંત પ્રતિબિંબ હતું. ખોદકામ દરમ્યાન શું મળ્યું?
શોધકોને કાની શાઈના ખોદકામમાં સોનાનાં આભૂષણોના ટુકડાઓ મળ્યા, ઉરુક યુગના સિલિન્ડર સીલ મળી આવ્યા તેમજ આ ટીમે પ્રાચીન વૉલ કોન્સ પણ શોધ્યા. વૉલ કોન્‍સ એટલે પ્રાચીન મેસોપોટેમિયામાં દીવાલોને શણગારવા માટે વપરાતા નાનાં શંકાકાર ટુકડા. અને તે સામાન્ય રીતે બેક કરેલી માટી અથવા પથ્થરથી બનેલા હોય. સરળ શબ્દોમાં કહીએ તો વૉલ કોન્‍સ એટલે એ સમયની રંગીન શંકાકાર ટાઈલ્સ. આવી કોન્‍સ દીવાલમાં ગોઠવવામાં આવતી, ત્યારે તેની રંગીન સપાટીઓ સાથે મળી મોઝેક જેવી સુંદર રચના ઊભી થતી. જેમ કે ત્રિકોણ, ઝિગઝેગ અથવા ગોળ આકાર સર્જાતા. ઉરુક યુગ: સંસ્કૃતિ, શહેર અને લેખનનો આરંભ
ઉરુક યુગ માનવ ઇતિહાસનો એવો સમયગાળો છે, જેમાં પ્રથમ વખત ગામડાંઓ શહેરોમાં પરિવર્તિત થયા અને વ્યવસ્થિત નાગરિકતાનો ઉદય થયો. તેનું નામ ઉરુક નામના શહેર પરથી પડ્યું, જે આજે દક્ષિણ ઇરાકમાં આવેલું છે. ઉરુક તે સમયનું સૌથી મોટું શહેર હતું. એ સમયે શહેરમાં 80,000ની વસ્તી હતી અને શહેર લગભગ 400 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું હતું. આખું શહેર ગ્રીડ જેવી રચનામાં વિકસ્યું હતું. ગ્રીડ જેવી રચના એટલે શહેરની ગલીઓ અને રસ્તાઓ એકબીજા સાથે સમાનાંતર અને સમાંતર ખૂણે બનેલા હોય કે જેથી આખું શહેર જાણે ચોરસ ખંડમાં વહેંચાયેલું હોય એવું લાગે. આ યુગની સૌથી વિશેષ સિદ્ધિ હતી લેખન પદ્ધતિની શરૂઆત. વેપાર, કર વસૂલાત અને વહીવટ માટે લોકો માટીનાં ટેબ્લેટ પર ચિહ્નો દ્વારા માહિતી નોંધવા લાગ્યા. માનવ ઇતિહાસનું એ પ્રથમ લખાણ બન્યું. આ સમય દરમિયાન મંદિરો અને ધાર્મિક ઇમારતો શહેરોનાં કેન્દ્ર તરીકે વિકસ્યાં, જ્યાંથી વહીવટી અને ધાર્મિક કાર્યોનું આયોજન થતું. આ યુગમાં વેપાર, કલા, હસ્તકલા અને સ્થાપત્ય ક્ષેત્રોમાં પણ પ્રગતિ થઈ. માટીનાં વાસણો, કોતરણીવાળાં સિલિન્ડર સીલ અને શણગારેલી દીવાલો એ સમયની સમૃદ્ધ કલાનો પુરાવો આપે છે. આ યુગમાં ઉરુકની સંસ્કૃતિ ધીમે ધીમે ઉત્તર ઇરાક, સિરિયા અને ઇરાનના વિસ્તારોમાં ફેલાઈ, જેમાં કાની શાઈ જેવી વસાહતોનો પણ સમાવેશ થતો હતો. ઉરુક યુગ એ માનવ નાગરિકતાનો ઉદયનો સમય હતો કે જ્યાંથી લેખન, શહેરી જીવન અને સંસ્કૃતિનાં પ્રથમ પગલાં ભરાયાં.
મેંદી રંગ લાગ્યો:કાનકુંવર ગેડીદડે રમવા જાય રે…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kankunwar-is-going-to-play-in-the-gedidade-136370003.html

સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો,
કાનકુંવર ગેડીદડે રમવા જાય રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
કાનજીએ ડુંગરથી દડૂલો દોટાવિયો,
જઈ પડ્યો જમુનાજી ભરપૂર રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
જમુનાજીને કાંઠે કદંબ કેરાં ઝાડવાં,
ઝાડવે ઝાડવે કાળી નાગ રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
જોતાં નાગણીઓ ટોળે વળી,
આવ્યો ક્યાંથી નાનો બાળ રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
કાં તો તારી માતાએ તને મારિયો,
કાં તો તારે દાદે દીધી ગાળ્ય રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
ગેડીદડે રમતાં દડૂલો અહિ આવિયો,
નાગણ જગાડ્ય તારો નાગ રે,
સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.
શાસ્ત્રો અને ગ્રંથોમાં તો ઘણું બધું હોય પણ એ કોણ વાંચી શકતું? જે સુશિક્ષિત હોય, સંસ્કૃત ભાષાનું પૂરતું જ્ઞાન હોય, અઘરો ધર્મબોધ પણ સરળતાથી સમજી શકે પણ એવા લોકો આપણે ત્યાં કેટલા હતા? આજેય કેટલા? ધર્મગ્રંથોમાં સમાવિષ્ટ કથાઓ, દંતકથાઓ, વ્યવહારુ જ્ઞાન આપે એવી સત્યકથાઓ તો એકએક જન માટે જરૂરી હતી, આજેય છે, ભવિષ્યમાં પણ જરૂર રહેશે. એટલા માટે આપણા લોકકવિઓએ શાસ્ત્રીય વાતોનો આધાર લઈ બોલચાલની ભાષામાં એનાં લોકગીતો રચી નાખ્યાં. આવાં કેટલાંય ગીતો આપણી પાસે છે. અને એ સાંભળી લો એટલે પૌરાણિક કથા વાંચી લીધા તુલ્ય ગણાય! ‘સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો. . . ’ આવું જ લોકગીત છે. ભગવાન શ્રીકૃષ્ણ સાથે સંલગ્ન અનેક કથાઓ શ્રીમદ્ ભાગવતમાં છે પણ એ વાંચ્યું હોય કેટલા લોકોએ? આજથી સો-બસો વર્ષ પહેલાં અક્ષરજ્ઞાન ન્હોતું અથવા નહિવત હતું ત્યારે એના વાચકો જૂજ હોય એ સ્વાભાવિક છે. એટલે કોઈ એક રસપ્રદ પ્રસંગ લઈને એનું ગીત બનાવી નાંખવામાં આવે તો લાખો લોકો સુધી પહોંચી જતું ને એમ આવાં અનેક લોકગીતો આપણને મળ્યાં છે. બાલકૃષ્ણ દ્વારા ‘નાગદમન’ની ઘટના બહુ જાણીતી છે. યમુના નદીમાં રહેતા ખૂંખાર કાળી નાગને કૃષ્ણએ ગણતરીની મિનિટોમાં નાથ્યો હતો એનું નરસિંહ મહેતાએ સુગેય પદ રચ્યું છે -‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળહત્યા લાગશે. . . ’ આજે પણ આ પદ સમજવું થોડું કઠિન લાગે છે ત્યારે બસો-ત્રણસો વર્ષ પહેલાંના આપણા પૂર્વજો સમજી શકે એવી અપેક્ષા કેમ રખાય? નરસિંહે લખ્યું છે કે ‘બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણાં ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.’ વાહ! સમજાય તો જ મજા છે, સમજાવવું પડે તો મજા મરી જાય!
નરસિંહ મહેતાના પદની ‘લોકઆવૃત્તિ’ એટલે ‘સોનલા ગેડી ને રૂપલા દડૂલિયો.’ આ તો લોકજ્ઞાતાનું સર્જન છે એટલે એણે લાકડાંની ગેડીને સોનાની અને દડાને રૂપાનો કહ્યો, કેમકે કૃષ્ણ તો સોના-રૂપાના ગેડી દડાથી જ રમે ને! મૂળ કથામાં કનૈયો યમુનાને કાંઠે રમતો હતો એવું કહ્યું પણ અહીં ડુંગર પરથી દડાને ફટકાર્યાની વાત છે તો કાળી નાગને પણ કદંબને ઝાડવે ચડાવ્યો છે. કૃષ્ણ
અને નાગણીઓનો સંવાદ પણ થોડો બદલાયો છે. મૂળ પદમાં નાગણીઓ કૃષ્ણને મેણું મારે છે કે તારી માતાને કેટલા દીકરા છે? તું એને અળખામણો લાગે છે એટલે તને અહીં મરવા માટે મોકલી દીધો લાગે છે, જ્યારે અહીં માતાપિતાનો સંદર્ભ બદલાયો છે. છેલ્લે કૃષ્ણ નાગને જગાડવાની વાત કરે છે ને લોકગીત પૂરું થાય છે. સંભવ છે કે વધુ અંતરા હોય પણ કાળની ગર્તામાં ખોવાઈ ગયા હોય. કૃષ્ણની દરેક લીલા આપણા માટે ઉપદેશાત્મક હોય છે. યમુનામાં કૂદીને કાળી નાગ નાથવો એટલે જળપ્રદૂષણ દૂર કરવું. આજે આપણી આજુબાજુનાં નદીનાળાંમાં કાળી નાગના ઝેર સમું પ્રદૂષણ વ્યાપ્યું છે, આપણે કૃષ્ણ બનીને એને નાથીએ એ સમયની માંગ છે.
ઓક્સિજન:ટ્રાન્સપ્લાન્ટેશન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/transplantation-136369901.html

‘અ મેઝિંગ! આટલું અદભુત કામ કેટલી સરળતાથી થઈ ગયું!’ કેમિકલ કંપનીના પ્લાન્ટમાં વૃક્ષારોપણ થઈ રહ્યું હતું. કંપનીના એમડીએ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજયભાઇના જે રીતે વખાણ કર્યા તે યોગ્ય હતા. સંજયભાઇએ ફળોથી લદાયેલાં, પાકટ વૃક્ષોને મંગાવીને રોબોટિક મશીન્સની મદદથી અહીં ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યાં હતાં. સિનિયર મેનેજમેન્ટ, કર્મચારીઓ સૌ અહીં હાજર હતા. પ્રાસંગિક ઉદબોધનમાં એમડીએ જણાવ્યું ‘પાકટ વૃક્ષો વિનમ્ર હોય છે. ફળોની સમૃદ્ધિ હોવા છતાં તે અક્કડ ના રહેતાં ઝૂકેલાં રહે છે.’ સંજયભાઈનો વારો આવ્યો. તેમણે ટેક્નોલોજીનો સંદર્ભ આપી સુંદર વાત કહી ‘ટ્રાન્સપ્લાન્ટેશન કેટલી ઉપયોગી ટેક્નિક છે. ફળદ્રુપ ઝાડને આપણે બહારથી લાવી શકીએ છીએ તો પ્લાન્ટનાં વર્ષોથી અડીખમ બેસી રહેલાં, સાવ બિનઉપયોગી થઈ ગયેલાં ઝાડને ઉખાડીને ફેંકી પણ શકીએ છીએ.’ અઠવાડિયા પછી, ‘સંજયભાઇ, હું જોઈ રહ્યો છું કે સિનિયર મેનેજમેન્ટમાં નવી ઊર્જા દેખાઈ રહી છે. આ લોકોને મેં આટલા એક્ટિવ, પ્રોડક્ટિવ ક્યારેય નથી જોયા.’ સંજયભાઇએ એમડીની વાતમાં હામી પુરાવી, કારણ કે આવો બદલાવ તેમણે પણ જોયો હતો. એમડી કહે, ‘તમને એનું કારણ ખબર છે?’ સંજયભાઇ કંઈ જવાબ આપે તે પહેલાં પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ સંજયભાઈના ખભે વિશ્વાસથી હાથ મૂકી તે બોલ્યા, ‘તમે!’ સંજયભાઇને થયું કે એમણે શું કર્યું? એમડીએ ટ્રાન્સપ્લાન્ટેશન સમયે સંજયભાઈએ કહેલી વાત યાદ કરાવી કે આ ટેકનિકથી પ્લાન્ટના બિનઉપયોગી ઝાડને ઉખાડીને ફેંકી શકાય છે. તે સમજી ગયા કે પાનખરનાં ઝાડ બની બેઠેલા કર્મચારીઓ તેમનો આ સંદેશ સમજી ગયા અને પોતાના કામમાં વસંત લાવવા મથવા લાગ્યા. સંજયભાઇ મલકાઈને કહે, ‘ફળ અને છાંયો આપવો તે છે વૃક્ષની પ્રકૃતિ, એમ જ, જેટલાં મોટાં થઈએ એટલું વધુ આપવાની રાખીએ વૃત્તિ.’
સહજ સંવાદ:150મા વર્ષે રાષ્ટ્રના આત્માને વ્યક્ત કરતું રાષ્ટ્રીય ગીત
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-national-anthem-expressing-the-soul-of-the-nation-in-its-150th-year-136369897.html

ભલે તેને રાષ્ટ્રગીત તરીકે બંધારણ સભાએ પસંદ નથી કર્યું, પણ વિકલ્પે રાષ્ટ્રીય ગીત તરીકે તો સ્વીકારવું પડે એવી તેની અસ્મિતા છે. કાર્તિક સુદ નવમી, શક સંવત 1717, એટલે કે 9 નવેમ્બર, 1875ના દિવસે કોલકાતા નગરની નજીકના નૈહાટી ગામના કાંટાલપાડા મહોલ્લામાં એક બે માળની ઇમારતના એક નાનકડા કમરામાં લાલ ટેનના અજવાળે રચાયું હતું તે ‘વંદે માતરમ્.’ તેના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, 'આનંદમઠ' નવલકથાના લેખક. ઓગણીસમા વર્ષે ગામને પાદરથી 1857ના સાધુઓ માતૃશક્તિનું ગાન લલકારતા નીકળે, તેમાં આ ગીતનાં બીજ રોપાયાં હતાં. 'બંગ દર્શન' નામે સામયિકમાં 1880માં નવલકથા 'આનંદમઠ' પ્રકાશિત થવા માંડી, તે 1882 સુધી ધારાવાહી સ્વરૂપે ચાલી, તેમાં જ આ ગીતનો પણ સમાવેશ થયો હતો. બરાબર તેર વર્ષ પછી, આ ગીત ફાંસીના ફંદાથી રાજમાર્ગ સુધી લોકચિત્તમાં ગર્જી ઊઠ્યું. શ્રી અરવિન્દે તેમને રાષ્ટ્ર નિર્માતા કહ્યા, અને 1907ના એક લેખમાં લખ્યું: ‘તેઓ એક મહાન કવિ હતા. અત્યંત સુંદર ભાષાના આચાર્ય હતા. જીવનના પૂર્વાર્ધમાં ભલે તેઓ માત્ર કવિ કે સાહિત્યકાર રહ્યા, પણ ઉત્તરાર્ધમાં રાષ્ટ્ર નિર્માતા બન્યા. તેમનું કાર્ય માત્ર બંગાળ માટે નહીં, સમગ્ર ભારતને માટે છે. તેમની ભાષા પાંડિત્યપૂર્ણ નહોતી, કે સામાન્ય લોકભાષા પણ નહોતી. મૂળ ઉદ્દેશની સફળતા માટે જરૂરી સંસ્કૃત ભાષાની શક્તિ, સૌંદર્ય, ઓજસ્વિતા, ઉત્સાહ અને ગતિશીલતાથી સભર હતી. તેમણે બંગાળના આત્માને જાગૃત કરી દીધો.’ 8 એપ્રિલ, 1894ના દિવસે 56 વર્ષની વયે બંકિમબાબુએ વિદાય લીધી. પણ ખરેખર? આજે પણ વંદે માતરમ્ હોઠ પર આવે અને સમગ્ર ભારતમાતાનું દિવ્ય, ભવ્ય, પ્રેરક ચિત્ર આંખો સામે ખડું થઈ જાય છે અને તેની પાછળ એક પાઘડીધારી વ્યક્તિનો ચહેરો દેખાય છે તે છે બંકિમબાબુ! કોઈ સામયિકમાં ધારાવાહી સ્વરૂપે પ્રકાશિત નવલકથાએ ઇતિહાસ રચ્યો હોય તેવાં માત્ર બે જ ઉદાહરણ છે, ને તે બંને બંગાળનાં છે. બંકિમચંદ્રની આનંદમઠ છપાઈ બંગદર્શનમાં, અને થોડાંક વર્ષો પછી 'બંગવાણી' સામયિકમાં રામાપ્રસાદ મુખર્જીએ શરદબાબુની 'પથેર દાબી' નવલકથા છાપી અને બ્રિટિશ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો. તેની હસ્તપ્રત પર શરદચંદ્રે પોતાના હસ્તાક્ષરોમાં લખ્યું હતું: ‘શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. જન્મકુંડળી, પછી એક શબ્દ: મૃત્યુ. વળી આડા હાંસિયામાં: ‘કશું લખી ન શક્યો. શરત. 19 જ્યેષ્ઠ, 1333. ‘પથેર દાબી'નો બીજો ભાગ જો હું પૂરો ન કરી શકું તો મારા દેશમાં કોઈ બીજી વ્યક્તિ કરશે.’
અને પછી એક પંક્તિ:
જે ફૂલ ના ફૂટિત,
ઝરીલ ધરણીને,
જે નદી મરૂપથે હારાલ ધારા,
જાનિ હે જાનિતાઓ હયનિ હારા! ‘પથેર દાબી'નો નાયક તો ખુલ્લી રીતે દેશની સ્વાધીનતા માટેના રક્તરંજિત પથનો યાત્રિક છે. બંગાળ અને બર્મા તેની રણભૂમિ છે. તેનું સાચું નામ કોઈ જાણતું નથી, સૌનો તે પ્રેરક સવ્યસાચી છે. 'પથેર દાબી' તેની ક્રાંતિ મંડળીનું નામ છે. પથનો અધિકાર. સ્વાધીનતાનો અધિકાર. બચપણમાં શસ્ત્રવિહોણા ભાઈએ મૃત્યુની ક્ષણોમાં કહ્યું હતું: ‘પોતાનું રાજ હેમખેમ રાખવાની લાલસાથી જે લોકોએ આખા દેશના માણસને માણસ જેવો રહેવા દીધો નથી, એમને તું કદીયે માફ ના કરજે.’ એટલે તો સવ્યસાચીએ વિરાટ દેશનો નિવાસી ભય-મુક્ત બનીને સ્વાધીનતા માટે લડે તે માર્ગ પસંદ કર્યો. સાથીદારો તો કેટલાક જ હોય, જ્યાં માથે મોતનો પડછાયો હોય? એક ભારતી અને સુમિત્રા. ભૂલથી આવી ચડેલો અપૂર્વ. સવ્યસાચી માટે કોઈ એક સ્થાન નક્કી હતું જ નહીં, કથાના અંતે તે બર્મા છોડે છે. ડરીને નહીં, બીજા દેશોમાં ભારતીય સ્વાધીનતા માટે. એક પ્રસંગે તે કહે છે: ‘યુગોથી અંધારમાં રહીને જે લોકોએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી છે, એમનો શો દોષ? ભારતી, તારો આ મોટો ભાઈ- સવ્યસાચી- ફાંસીના માચડે ચડે ત્યારે એટલું નક્કી માનજે કે પરદેશીઓના હુકમથી ફાંસીનું દોરડું તો પોતાના જ દેશબંધુએ તેના ગળામાં પહેરાવ્યું હશે. કસાઈને ત્યાં ગાયનું માંસ ગામ સુધી પહોંચાડે તો બળદ જ!’ છેક 1905થી જ દેશ-વિદેશમાં વંદે માતરમનો જયઘોષ સ્વતંત્રતાનો પ્રાણ બની ગયો હતો. બંગાળના વિભાજન સમયે તે પ્રચંડ રણઘોષ બની ગયો. ગદર આંદોલનમાં તે અમેરિકા, કેનેડા સુધી પહોંચી ગયું. લંડનમાં પહેલાં મદનલાલ ધીંગરા અને પછી સરદાર ઉધમ સિંહે ફાંસી પર ચડ્યા ત્યારે વંદે માતરમનો બુલંદ અવાજ કર્યો. ભગત સિંહ, રાજગુરુ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા, સોહનલાલ પાઠક, ભગવતી ચરણ વોહરા, લાહોર કેસ 1, 2, 3,ના ફાંસીએ ચડેલા વીર નાયકો, લંડનમાં ઇન્ડિયા હાઉસના ક્રાંતિકારો, સુભાષબાબુની આઝાદ હિન્દ ફોજના સૈનિકો, કાલા પાનીની સજા ભોગવનારા 1000થી વધુ ક્રાંતિકારો, ભગિની નિવેદિતા અને અરવિંદ ઘોષ, સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્મા, મેડમ કામા
અને સરદારસિંહ રાણા, વીરેન્દ્રનાથ અને બિપિનચંદ્ર પાલના 'વંદે માતરમ્' અખબારો, લાલા હરદયાલનો યુગાંતર આશ્રમ... સર્વત્ર વંદે માતરમનો મંત્ર ફેલાયેલો રહ્યો. અરે, હાલના બાંગ્લાદેશના ચટગાવ, જલાલાબાદ અને ઢાકા, કે પાકિસ્તાનના લાહોર સુધીનો પ્રભાવ રહ્યો. દોઢસોમા વર્ષે બીજું કંઈ નહિ તો દરેક શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયોમાં આ ગીતનું અધૂરું નહિ, સંપૂર્ણ ગાન થવું જોઈએ. આ આખું વર્ષ આટલું કરી જુઓ. કેવું પરિવર્તન આવે છે. ગુજરાતમાં સરકાર, સમાજ અને શિક્ષણ સંસ્થાઓ આટલું કરે તોયે દોઢસો વર્ષનું પર્વ સાર્થક થાય.
2025/11/15 02:07:39
Back to Top
HTML Embed Code: