Telegram Web Link
એન્કાઉન્ટર:પતિ-પત્નીના ઝઘડાનું કારણ શું હોય છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-the-reason-for-quarrels-between-husband-and-wife-135143440.html

 આજે સૌથી સુખી કોણ?
(મહાસુખ દરજી, અમદાવાદ)
- તમારો પડોસી.
 સરકાર કહે છે, ‘રેલવે ખોટમાં ચાલે છે.’ તમે શું કહો છો?(રિયા ધોકાઇ, મીઠાપુર)
- તે હશે… પણ સરકાર નફામાં ચાલે છે.
 સ્કૂલની જેમ કૉલેજમાં યુનિફૉર્મ ફરજીયાત કેમ નહીં?
(શશિકાંત મશરૂ, જામનગર)
- ત્યાં પૂરાં કપડાં પહેરો, એમાં બધું આવી ગયું!
 સૅલિબ્રિટીઓની વાઇફોને તો ડાયવૉર્સમાં પણ ધરખમ કમાણી… કેમ? (ડૉ. સંકેત શેઠ, કરમસદ)
- બધામાં બહુવચનો ન વપરાય!
 ‘તૂ છુપી હૈ કહાં...’માં મેડમ ક્યાં સુધી સંતાઇ રહેવાનાં છે? (કનુ જોશી, વડોદરા)
- ખોવાઇ ગયા છે? ... કૉંગ્રેચ્યુલેશન્સ!
 જામનગરમાં વર્ષોથી ગાંધીનગર છે, પણ ગાંધીનગરમાં હમણાં જ ‘જામ’નગર બન્યું. બોલો!
(વિદુર પંડ્યા, ગાંધીનગર)
- શું હાથમાં આવ્યું?
 પાછળ બેઠી બેઠી વાઇફ હંમેશાં મને બાઇક કેમ ચલાવવી એની સૂચનાઓ આપતી રહે છે…
(અભિષેક ભટ્ટ, સુરત)
- હકી તો ટ્રાફિકને પણ સૂચનાઓ આપતી રહે છે.
 પ્રેમનો અંત કેવો હોવો જોઇએ?
(હિતેશ દમણીયા, સુરત)
- કેટલામો છે?
 પ્રેમ આંધળો કેમ કહેવાય છે?
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- ઓહ.… તો પેલી હવે દેખતી થઇ ગઇ?
 મોટી ઉંમરના ડિવૉર્સને ‘ગ્રે-ડિવૉર્સ’ કહેવાય, તો મોટી ઉંમરનાં લગ્નને શું કહેવાય? (અશ્વિન મોરે, વડોદરા)
- ‘ગ્રે-મૅરેજ’!
 શું બીજા રફીસાહેબ ક્યારેય નહીં આવે?
(અબ્બાસભાઇ કોકાવાલા, સુરત)
- બીજા અબ્બાસભાઇ આવવાના છે?
 હકીભાભીએ કયાં વ્રતો કર્યાં હતાં કે એમને આવું ફળ મળ્યું? (ઈશાબા જાડેજા, જામનગર)
- ઓહ… હવે એ ઊલટાં વ્રતો કરવાં માંડી છે!
 ‘ટૂંકમાં કહું છું’, બોલીનેય લોકો લાંબી વાતો કેમ કરે છે? (વિનાયક શુક્લ, ગોધરા)
- બોલો. હું ટૂંકમાં જવાબ આપું?
 નેતાઓની પૅન્શન યોજના બંધ થવી જોઇએ કે નહીં?
(ગિરીષ પંચાલ, અમદાવાદ)
- શું કરવા ગરીબોના પેટ પર લાત મારો છો?
 ધાર્યું ધણિયાણીનું થાય,’ બાબતે આપનું શું માનવું છે?
(ભરત જોગી, ગોંડલ)
- મારા ઘરમાં તો મારું જ ધાર્યું થાય છે. બસ, હું ધારતો નથી!
 દારૂને સોમરસ કેમ કહે છે? (રેહાના શેખ, સુરત)
- હું એકવાર પીઉં પછી ખબર પડે!
 બાળકોને ચોકલેટ કેમ બહુ ભાવે છે?
(કુસુમ નગરીયા, પાલનપુર)
- ના. હવે તો હું મોટો થઇ ગયો છું.… તમે?
 પતિ પરમેશ્વર, તો પત્ની?
(કિરણ અછવાડીયા-બનાસકાંઠા)
- પરમેશ્વરના ઘેરથી.
 શહેરના લોકો રસ્તાના ખાડામાં પડે છે કે ડિમ્પલમાં?
(સુનીલ વર્મા, અમદાવાદ)
- બાબાભ’ઇ હજી નાના છો. ‘ડિમ્પલ બા’ કહેતા શીખો.
 તમને કોઇ ગૉલ્ડ મૅડલ મળ્યો છે?
(દર્શન શેઠ, ડીસા)
- ક્યૂ દિલ જલા રહે હો, બચ્ચે?
 સૌથી સસ્તું શાક કયું?(અંકિત સોલંકી, બોટાદ)
- લેવા નીકળ્યા છો કે વેચવા?
 અર્ચના પુરણસિંગને બસ… હસ હસ જ કરવાનું છે? અને એય ખોટું?(પંકજ ગોસ્વામી, ગોંડલ)
- એને ખોટું હસવાના પૈસા સાચા મળે છે.
 તમે હૉર્ન માર્યા વિના ગાડી ચલાવી શકો?
(ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા)
- મારવું હોય તો હૉર્ન જ મરાય.… મોટી આંગળી ને અંગૂઠો મોંમાં ખોસીને સિસોટીઓ ન મરાય!
 એકેય ખાતામાં ભ્રષ્ટાચાર ઓછો થયો?
(મિતેશ શાહ, વડોદરા)
- ઓછો કરીને તમારે કામ શું છે?
 પગમાં ફાંસ વાગે ત્યારે શું કરવું?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- પગ પોતાનો હોય તો ગોળનો ગરમ લબ્દો ચોડી દેવો… ને સાસુજીનો હોય તો એમને ઉપાડીને લબ્દા ઉપર ચોડી દેવા.
 ‘આ કાંઇ નાની માના ખેલ નથી.’ એવું બહુ સાંભળ્યું છે. તો આ નાનીમા કોણ છે?
(ભૂમિ સરવૈયા, ગીરસોમનાથ)
- નાનાની વાઇફ.
 આ અંબાલાલભાઇની આગાહીઓ સાચી તો પડતી નથી....ખોટા ડરાવે છે ને? (ફિરોઝ હાફેઝી, સુરત)
- ખોટા ડરો છોને?
 ટૅટુ કરાવવાનો ફાયદો શું?(હર્ષ હાથી, ગોંડલ)
- હાથ ખોવાઇ ન જાય માટે.
 અમેરિકાનું રાજકારણ તો આપણા રાજકારણનેય સારું કહેવડાવે એવું નિમ્ન કક્ષાનું બની રહ્યું છે!
(પરેશ અંતાણી, રાજકોટ)
- ઓકે… હમણાં તમે એકલા પતાવી આવો. મારી તબિયત સારી નથી.
 એક વાર બકુલ ત્રિપાઠી, રતિલાલ બોરીસાગર અને તમે દિલ્હીના સર્કિટ હાઉસમાં ભરાઇ પડ્યા હતા… સાચી વાત?(ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- ભરાવાનું અમારે માટે નવાઇ નથી. આવી રીતે અમે ત્રણ વડોદરામાંય ભરાઇ ગયા હતા… હવે લોકો અમારા ઘર માટે સમજે છે!
 વહુ વિફરે ને સાસુ ભડકે… એમાં ગોરધનનું શું?
(ડૉ. મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)
- તમારે તો બેય બાજુથી સોનાં-ચાંદી જ છે....લહેર કરો, માસ્તર!
 99.99 કીટાણુઓ મારવાનો દાવો કરતા ઉત્પાદનો 0.01 ટકા બચી કેમ જાય છે? (જયેન્દ્ર ગોર, કડી)
- એનાથી તો ઓછું કેટલું કરે?
 ડૉક્ટરની નિશાની ‘પ્લસ’ કેમ હોય છે?
(મધુકર માંકડ, રાજકોટ)
- દર્દીઓને માઇનસ કરવાના હોય છે.
લઘુકથા:ઉત્સાહ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/enthusiasm-135143373.html

અનંત પટેલ. મે ભાડાનું મકાન ખાલી કરીને પોતાના મકાનમાં રહેવા ગયા પછીય જૂના પડોશીઓની માયા અને સારી મિત્રતાને લીધે એમને મળવા અવારનવાર જતા હતા. મારા મિત્ર સુમનભાઇનો દીકરો ચેતન ખૂબ જ રખડેલ અને આવારાગર્દી જ કર્યા કરતો. એ ઝટ સુધરે એમ લાગતું ન હતું.
વહુનાં પગલાં પછી એ કંઇક ઠરીઠામ થશે એવી ગણતરીથી એક સંસ્કારી અને હોશિયાર કન્યા શોધીને સુમનભાઇએ એને પરણાવી દીધો. એનાં લગ્ન પછી છએક મહિના બાદ એની વહુને અમે મળ્યા ત્યારે એનો એના પતિ વિશેનો અભિપ્રાય જાણવાની મને ભારે ઉત્કંઠા હતી, તક મળતા મેં વાત કાઢી તો એની વહુ અમને કહેવા લાગી, ‘એમણે તો , બહાર રખડવાનું, કોઇની હારે ધમાલ કરવાનું, કોઇને ખીજવવાનું, જોરજોરથી બૂમો પાડવાનું, નશો કરવાનું ને લોકો હારે ઝઘડા કરવાનું કે એવું બધું… તમે માનશો?’
‘છોડી દીધું એમ જને?’ મેં ઉત્સાહમાં આવી જઇને પૂછ્યું.
‘હજી લગારેય છોડ્યું નથી.’ વહુએ વાક્ય પૂરુ્ં કર્યું. }
ડૂબકી:કાટમાળમાં ભટકવાનો અભિશાપ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-curse-of-wandering-in-the-rubble-135143391.html

તંકવાદના અનેક ચહેરા હોય છે. એના ભોગ બનેલા લોકોની અંગત પીડા ઘણી વાર વણકહી રહી જાય છે. 1990નાં વર્ષોમાં કાશ્મીરી પંડિતો પર જીવલેણ હુમલા થવા લાગ્યા ત્યારે એમણે ઘરબાર છોડી કાશ્મીરમાંથી સામૂહિક હિજરત કરવી પડી હતી અને પોતાના જ દેશમાં શરણાર્થી બની જવું પડ્યું હતું. કાશ્મીરી પંડિતો પેઢીઓથી કાશ્મીરના વતની હતા અને કાશ્મીરની અસ્મિતા એમના લોહીમાં છલોછલ ભરી હતી.
એમની સમસ્યા પર ઘણું લખાયું છે. ફિલ્મ પણ બની છે. જાણીતા હિન્દી લેખક, નાટ્યકાર, ફિલ્મકાર, અભિનેતા માનવ કૌલે પણ એ જ બેકગ્રાઉન્ડમાં ‘રૂહ’ નવલકથા લખી છે. વિરાજ દેસાઈએ એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
માનવ કૌલ કાશ્મીરી પંડિત છે. એમને પણ નાની ઉંમરે એમના પરિવારની સાથે કાશ્મીર છોડવું પડ્યું હતું. એ લોકો મધ્યપ્રદેશના હોશંગાબાદમાં રહેવા લાગ્યા. તે સમયે અને ત્યાર પછી એમને થયેલા અનુભવોની વાત આત્મકથનાત્મક નવલકથા ‘રૂહ’માં છે.
ઘણાં વર્ષો પછી નવલકથાનો નાયક કાશ્મીરના પ્રવાસે જાય છે અને બદલાયેલા કાશ્મીરને જુએ છે. લેખક પોતે જ ‘રૂહ’ નવલકથાનો નાયક છે, એથી સ્વાનુભવના ઘણા પ્રસંગોનું નિરૂપણ થયું છે. આ નવલકથામાં એ કાશ્મીર અને પોતાના આત્માની ખોજ કરવાનો પ્રયત્ન કરે છે. કાશ્મીરનાં વિવિધ સ્થળોની મુલાકાત લે છે, નાનપણના મિત્રો અને સ્થાનિક લોકોને મળે છે.
એમના અનુભવો જાણ્યા પછી લેખકનું તારણ છે કે આ કાશ્મીર એમનું નથી. આ કોઈનુંય કાશ્મીર નથી. આ ફક્ત કાશ્મીર છે, જેનું અસ્તિત્વ એના જાજરમાન કુદરતી સૌંદર્ય થકી છે, પરંતુ એમાં માનવતાનો કોઈ અંશ રહ્યો નથી. સંવેદનશીલ લેખકને સમજાયેલી આ વાસ્તવિકતા હૃદયદ્રાવક છે.
લખે છે કે કાશ્મીર વિશેની એમની સ્મૃતિઓ જ્યારે બધું વાસ્તવિક હતું તે સમયની છે. એ પિતાની ખરબચડી દાઢીને અડકી શકતા હતા. નાનપણના ઘરની બારી બહાર દેખાતું આકાશ, બુખારી અને કાંગરી બધું સાચું હતું, સ્મૃતિનો અંશ નહોતું. વતનમાંથી ઉચ્છેદાઈ જવાની પીડા પીડિતોના મનમાં જીવનભર રહે છે. આ સત્ય ‘રૂહ’માં લેખક અને એમના પિતા બંનેના સંદર્ભમાં સમાંતરે પ્રગટ્યું છે.
કાશ્મીર છોડ્યા પછી પિતાએ વેઠેલી વેદના લેખકે જોઈ હતી, પરંતુ તે ઉંમરે એ એનું ઊંડાણ પૂરું સમજી શક્યા નહોતા. એમને લાગતું કે પિતાનું કાશ્મીર અને પોતાનું કાશ્મીર અલગ છે, વતન કાશ્મીર વિશે પંડિતોની બે પેઢીમાં આવી ગયેલા અંતરનું કારણ આપતાં માનવ કૌલ લખે છે કે પંડિતોની નવી પેઢીએ જે કંઈ બન્યું તેના વિશે માત્ર સાંભળ્યું છે, જેમને ખરેખર અનુભવો થયા છે એ લોકો યા તો વૃદ્ધ થઈ ગયા છે અથવા મૃત્યુ પામ્યા છે.
પિતાના મૃત્યુ પછી લેખક એમની પીડાના મૂળ સુધી પહોંચી શકે છે. એક કવિતામાં કહે છે – એ જ્યારે પણ પિતાની તસ્વીર જુએ છે ત્યારે એમને થાય છે – શું તસ્વીરમાં એ પિતાને જોઈ રહ્યા છે કે ખુદ કાશ્મીરને જોઈ રહ્યા છે?
માનવ કૌલના પિતાએ કાશ્મીર છોડવું પડ્યું પછી પણ એમણે એમનામાં સચવાયેલું ‘કાશ્મીરીપણું’ છોડ્યું નહોતું. શિવરાત્રિ કે ઈદના પ્રસંગે પિતા કાશ્મીરમાં રહેતા દોસ્તો-પરિચિતોને ફોન કરતા ત્યારે હંમેશાં કાશ્મીરી પોશાક પહેરીને જ વાત કરતા. વાતોની વચ્ચે એમનું ખુલ્લું હાસ્ય સંભળાઈ જતું. એવી ક્ષણોમાં હોશંગાબાદના ઘરનો એક ખૂણો કાશ્મીર બની જતો.
પિતાએ એક કબાટમાં કેટલાય સરકારી દસ્તાવેજો, બિનસરકારી કાગળો, અંગત પત્રો કાળજીપૂર્વક સાચવી રાખ્યા હતા. એ કબાટની ચાવી હંમેશાં એમની કમર પર બાંધી રાખતા. પીળા પડી ગયેલા એ કાગળો એમના માટે પોતે કાશ્મીરી છે એ વાતના પુરાવા હતા. પિતા કહેતા કે પરિસ્થિતિ સુધરશે ત્યારે એ કાગળો-દસ્તાવેજો જાતે ત્યાં જઈને બતાવશે.
પિતાએ છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર પાછા ફરવાની આશા ગુમાવી નહોતી. સમયની સાથે આશા ક્ષીણ થવા લાગી ત્યારે એમણે વર્ષોથી સાચવી રાખેલાં કાશ્મીરની ઠંડીમાં કામ લાગે એવાં ઊનનાં વસ્ત્રોનો નિકાલ કરી નાખ્યો હતો, ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી નાખ્યું હતું અને ખાટલા પર જ બેસી રહેતા, માનવ કૌલ લખે છે તેમ પિતાએ એક પ્રકારની શરણાગતિ સ્વીકારી લીધી હતી, છતાં એ જીવ્યા ત્યાં સુધી એમણે પોતાના કાશ્મીરને એમના ખાટલાથી નીચે પડવા દીધું નહોતું.
માનવ કૌલ કહે છે – પોતાની માતૃભુમિથી વિખૂટા પડવાનો આઘાત ધીરેધીરે એ વ્યક્તિના જીવનના દરેક હિસ્સામાં પ્રવેશી જાય છે. આ વાત પિતાની જેમ ‘રૂહ’ના લેખક-કથક માટે પણ સાચી છે. કાશ્મીર છોડીને નવી જગ્યામાં ગોઠવાવું એમના માટે પણ ખૂબ મુશ્કેલ બન્યું હતું.
નવી જગ્યામાં કોઈ એમને કોઈ સ્વીકારતું નહોતું. તેઓ અહીં બહારનાં લોકો જ રહ્યાં. એમને સંબોધીને બોલાતાં બધાં વાક્યો ‘બિચારાં’ શબ્દથી શરૂ થતાં હતાં. એમને નાની ઉંમરે સમજાઈ ગયું હતું કે એ ક્યાંયના નથી.
માનવ કૌલ જ્યાં જન્મ્યા, નાનપણ વિતાવ્યું અને પછી અચાનક છોડી દેવું પડ્યું તે ઘર, ગામ, મિત્રોને એ ભૂલી શક્યા નથી. વર્ષો પછી ‘રૂહ’ના નાયકના રૂપમાં એ કાશ્મીર જાય છે ત્યારે પોતાનું જૂનું ઘર જોવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં કાશ્મીરનાં બીજાં સ્થળોની મુલાકાત લે છે, પરંતુ પોતાને ગામ અને ઘર જોવા જવાનું છેવટ સુધી ટાળે છે.
પછી જાય છે ત્યારે સ્મૃતિમાં સાચવી રાખેલા નાનપણના ઘરનો ‘વાદળી દરવાજો, સફેદ દીવાલો’ જેવું કશું જોવા મળતું નથી. એ ક્ષણોમાં એમની પીડા ચરમસીમાએ પહોંચે છે. બોલી ઊઠે છે કે હવે એમને વાદળી દરવાજા અને સફેદ દીવાલોનાં સપનાં નહીં આવે, કાટમાળનાં જ સપનાં આવશે.
કોઈ વાંક વિના વતનમાંથી ઊખડી ગયેલા લોકોએ સપનામાં જ નહીં, આખો જન્મારો એમના જીવનના કાટમાળમાં જ ભટક્યા કરવાનો અભિશાપ વેઠવો પડે છે. }
અમલપિયાલી:કોઈ ટહુુકે તેેની  જ પ્રતીક્ષાામાંં􀉉 સહુુ હોય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/everyone-is-waiting-for-someone-at-some-point-135143048.html

વિનોદ જોશી `તમે ટહુકયા ને આભ મને ઓછું પડ્યું,
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...’
- ભીખુ કપોડિયા મ કહી શકાય કે સૃષ્ટિ ૫૨ જે કંઈ છે તે સઘળું અર્થપૂર્ણ છે. પણ કઈ વસ્તુ ક્યારે અર્થપૂર્ણ લાગશે તે કહી શકાતું નથી. અચાનક આંખો ગુમાવી દેનારને પ્રકાશ અગાઉ કદી ન લાગ્યો હોય એટલો અર્થપૂર્ણ લાગવા માંડે છે. કોઈની પ્રતીક્ષા કરી રહ્યા હોઈએ ત્યારે ઘડિયાળના ટિક ટિક અવાજનો વિશિષ્ટ અર્થ સાંપડે છે. પરિસ્થિતિ જ્યાં સુધી સામે આવતી નથી ત્યાં સુધી તેને વિશે ખાસ કશી સભાનતા હોતી નથી. બધી પરિસ્થિતિઓ લગભગ સામાન્ય જ હોય છે. પણ એ અસામાન્ય બને ત્યારે જ આપણા ધ્યાનમાં આવે છે. આકાશ આપણી આસપાસ ચોપાસ છે. તેને વિશેની સભાનતા આપણને ભાગ્યે જ હોય છે. પણ આ પંક્તિ જ જુઓઃ ‘તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું....’
અત્યાર સુધી આભ તો હતું જ પણ એક ટહુકો સંભળાયો તે સાથે જ એ કંઈક જુદી જ રીતે અનુભવાયું. પણ આ તો કવિની ભાષામાં કહેવાનું છે. એટલે એ એમ કહે છે: ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે આખું ગગન મારું ઝોલે ચડ્યું! એક ટહુકો સંભળાયો. ફરી ફરીને સંભળાયો અને એ સાંભળનારને એક પછી એક પાંખો ફૂટવા લાગી. ઉડ્ડયન આરંભાયું. અને હવે સ્થિતિ એ થઈ કે આખું ગગન હિલોળા લેવા લાગ્યું. બધું જ અર્થપૂર્ણ બની ગયું!
પંક્તિનો આરંભ ‘તમે’ એવા સંબોધનથી થાય છે. આ સંબોધન કરનાર કોઈ યુવતી છે. એ પહેલી વાર જે ગગનની વાત કરે છે તે આપણે સહુએ જોયેલું—જાણેલું આભ છે. એ આભ એને ઓછું પડ્યું છે. અને એ કારણે જ એણે એક બીજું આભ નીપજાવી લીધું છે, જેને એ `ગગન મારું’ કહે છે.
આ ગગન એનું સુવાંગ છે. આપણું જોયેલું કે જાણેલું નથી. જે ઝોલે ચડ્યું છે તે તો એ અંગત એવું ગગન છે. આપણે તો પેલા જોયેલા—જાણેલા આભને જ અવલોકી રહ્યાં છીએ, કારણ કે આપણને પેલો ટહુકો ક્યાં સંભળાયો છે? પોતાના અંગત એવા અનુભવ જગતનું નિર્માણ કરી લેનારી કાવ્યનાયિકા ભારે ચતુર છે. એ પોતાને આપણા સહુથી જુદી પાડીને પછી પોતાની વાત માંડે છે. આપણાં સહુને માટે જે આભ છે તે એનાં ગગનથી જુદું છે. આભ આપણું છે. ગગન એનું છે. એક જ બાબતને બે શબ્દોનો ઉપયોગ કરી એણે પોતાની અને અન્યની એમ વિભાજિત કરી દીધી!
આ ટહુકો એટલે કોઈ ગમતીલો પ્રસ્તાવ, કોઈ નમણાં શમણાં જેવું મધુર સ્પંદન. તેના પ્રગટવાની સાથે જ આ ષોડશીને જે રોમાંચ થઈ આવ્યો તેનું આવેગશીલ અને દીવાનગીભર્યું ચિત્ર આ પંક્તિઓમાં છે. જોવાનું એ છે કે આ નૈસર્ગિક અનુભવનો ઉન્માદ નિસર્ગના તત્ત્વોની મદદ લઈને કવિએ પ્રગટાવ્યો છે. જે નૈસર્ગિક હોય તે હંમેશાં ગતિશીલ જ લાગે. વળી અહીં તો ટહુકો સાંભળવાની સાથે જ પાંખો ફૂટવાની વાત છે. પાંખો આવે પછી તો ઉડ્ડયન રોક્યું રોકી શકાય ખરું? અને એ ઉડ્ડયનની ગતિને નાથી શકાય ખરી? જે સ્થિર હતું તેમાં એક ટહુકાએ સંચાર ભરી દીધો. ગતિ આપી. હવે તેની શક્યતાઓનો કોઈ પાર ન રહ્યો.
બસ, કોઈ ટહુકે તેની જ પ્રતીક્ષામાં સહુ હોય છે. પછી પાંખો તો આપોઆપ ફૂટે છે અને પોતાનું કહેવાય તેવું `ખાસ’ ગગન હિલોળા લેવા લાગતું હોય છે. એક મનગમતો ટહુકો, ધીમે ધીમે ખૂલતી પાંખો અને પછી પોતાનું કહેવાય તેવું ગગન.
કોઈકનો ટહુકો કોઈકના ઊડ્ડયનનું કેવું કારણ બની શકતો હોય છે! હનીફ `સાહિલ’ની એક રચનામાં કહે છે : `પંખી કહો છો જેને હકીકતમાં કંઈ નથી, પાંખો રચાઇ હોય છે ટહુકાની આસપાસ…’
સહુને પોતપોતાનાં આવાં ઉડ્ડયનની અને ગગનની અભિલાષા હોય છે. કવિ તો માત્ર ટહુકો ચિંધ્યાનું પુણ્ય જ લે છે. }
સ્વરૂપ Says:સરયૂના સથવારે અયોધ્યાની ગાથા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-story-of-ayodhya-under-the-protection-of-saryu-135142989.html

સ્વરૂપ સંપટ અયોધ્યા પહોંચીને પ્રાચીન સરયૂ નદીના કિનારે ચાલવાનું શરૂ કર્યું. આસપાસ શહેર પર નજર ફેરવતાં મને સફેદ ધોતિયું પહેરેલાં સાધુઓ જોવા મળ્યા, તુલસીમાળા વેચતા કેટલાક લોકો અને સવારના મંત્રોચ્ચાર કરતા મમરા વેચતા ફેરિયાઓ. ઘાટ પર પહોંચતા જ બધાં અવાજો જાણે શાંત થઇ ગયા!
નજર સામે સરયૂ નદી… પહોળી અને શાંત. ઊગતા સૂર્યના સોનેરી કિરણોમાં ચમકતી સરયૂ નદી સૈકાઓથી અહીં વહે છે. હજી હું ત્યાં ઊભી હતી ત્યાં એક વૃદ્ધ સાધુ મારી પાસે આવ્યા. ‘તમે અયોધ્યા જોવા આવ્યા છો?’ તો તમારે સૌથી પહેલાં જે સરયૂ કહે છે એ સાંભળવાની જરૂર છે .’
હું પાસે જ પગથિયાં પર બેસી ગઇ. અમે શાંતિથી વહી રહેલા સરયૂના પ્રવાહને જોયા કર્યો. પછી એ મહારાજ બોલ્યા, ‘આ નદી માત્ર અહીં વહેતી જ નથી. તે એક સ્મૃતિ છે, અયોધ્યાની સાક્ષી છે.’
તેમણે મને કહ્યું, ‘સરયૂનો ઉલ્લેખ રામાયણ ઉપરાંત ઋગ્વેદ, મહાભારત અને પુરાણોમાં પણ જોવા મળે છે. સદીઓ પહેલાં જ્યારે અયોધ્યામાં રામ રાજ્ય કરતા હતા ત્યારે પણ તે અહીં જ, આ પવિત્ર ધરતી પાસે જ વહેતી હતી.’
મહારાજે કહ્યું, ‘રામાયણમાં સરયૂ વિના અયોધ્યાનું વર્ણન વાલ્મીકિ ન કરી શક્યા હોત. તેના વિના અયોધ્યાનું અસ્તિત્વ નથી.’
હું એમના વાતનો ગૂઢાર્થ સમજવાનો પ્રયત્ન કરતી હતી. શહેરની ભૂગોળ માત્ર તેની રચના અનુસાર જ નહીં, પણ પૌરાણિક રીતે પણ આ નદીન પાણીનો પ્રવાહ જાણે દેવોનો આવવા-જવાનો માર્ગ છે.
તેમણે મત્સ્ય પુરાણમાંમથી મને એક કથા કહી - કઇ રીતે ભગવાન વિષ્ણુએ રાક્ષસ શંખાસુરે ચોરેલા વેદોને બચાવ્યા તેનાથી આનંદ અને દૈવી અશ્રુધારાઓ વહી. તેને બ્રહ્માએ એકત્રિત કરી માનસરોવર બનાવ્યું અને પછી રાજા વૈવશ્વત મનુએ તેમાંથી પાણી છોડ્યું અને તેમાંથી સરયૂ નદી બની.
તેમણે સસ્મિત કહ્યું, ‘કેવી મજાની વાત છેને, એક નદી વરસાદ વરસવાથી નહીં પણ દૈવી ભાવનાઓના વહેણથી વહે છે!’ અમે બંને ‘રામ કી પૈડી’ તરફ ચાલવા લાગ્યાં. ત્યાંનાં પગથિયાં સરયૂ નદીનાં પાણીથી નિશદિન ધોવાય છે. સાધુમહારાજે જણાવ્યું, ‘ભગવાન રામ અહીં સ્નાન કરતા હતા.’
મેં કલ્પના કરી એક રાજકુમાર વનવાસ માટે જતાં પહેલાં અહીં પોતાના ભાઇઓ સાથે ભગવા વસ્ત્રો ધારણ કરી સરયૂમાં પોતાના પગ ધૂએ છે. ‘એક વાર લક્ષ્મણે રામને પૂછ્યું કે જો ભારતમાં તેમણે તમામ પવિત્ર સ્થળોનો પ્રવાસ કરવો હોય તો ક્યાં જવું જોઇએ?’
‘તમને ખબર છે, રામે શું જવાબ આપ્યો?’ મેં નકારમાં માથું હલાવ્યું.
‘રામે પોતાના ભાઇને કહ્યું, ‘અહીં સરયૂમાં સવારે સ્નાન કરી લેવું. એથી એવું લાગશે જાણે તમે દરેક પવિત્ર સ્થળનાં દર્શન કરી લીધાં છે.’
આ જગ્યાનો એવો પ્રભાવ છે. અહીં ભક્તિ સમાયેલી છે. નજીકમાં જ એક પરિવાર બાળકને નદીમાં સ્નાન કરાવતો હતો. પુરુષ કમર સુધીનાં પાણીમાં ઊભો હતો અને મહિલા નદીમાં દીપ તરતો મૂકી રહી હતી. સાધુએ ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘જોકે આ નદીએ એનો અંત પણ નિહાળ્યો છે.’
તેમણે કહ્યું, ‘ પૃથ્વી પર રામરાજ્યના અંતિમ સમયગાળો હતો. અયોધ્યા પર 13,000 વર્ષોથી પણ વધારે (હા, તેમણે આંકડા સાથે જણાવ્યું) ભગવાન રામ સરયૂનાં પાણીમાં ચાલ્યા અને તેમના દૈવી નિવાસસ્થાન વૈકુંઠમાં પાછા ફર્યા.’
સાધુમહારાજે મૃદુ સ્વરે કહ્યું, ‘એ મૃત્યુ નહોતું, સંપૂર્ણતા હતી.’
લક્ષ્મણ પણ તેમનું જીવન વિતાવ્યા પછી આ પાણીમાં પ્રવેશ્યા અને અંત શેષ તરીકે તેમના મૂળ સ્વરૂપને ધારણ કર્યું, ભગવાન વિષ્ણુ આરામ કરે છે એ શેષનાગ પર. સરયૂ તેમને પોતાની સાથે લઇ નથી ગઇ, પણ તેમનો સ્વીકાર કર્યો છે. તે માધ્યમ બની છે, જેના દ્વારા બ્રહ્મ પુ્ન: બ્રહ્માંડમાં સમાય છે.
તે પછી સારી એવી વાર સુધી અમે બંને મૌન રહ્યાં. સરયૂ નદી વહેતી રહી… શાંત, ધીર-ગંભીર અને નિર્મળતાથી…વેદથી લઇને લોકગીતોમાં, તુલસીદાસના રામચરિતમાનસમાં…
તેમણે કહ્યું :
‘અવધપુરી મમ પુરી સુહાવની,
ઉત્તર દિસા બહે સરયૂ પાવની.’
(ઉત્તર દિશામાં આવેલી મારી પ્રિય નગરી અયોધ્યા, પવિત્ર સરયૂ દ્વારા વધુ પવિત્ર બની છે.)
સાધુમહારાજે કહ્યું, ‘ઇતિહાસમાં અને સામાન્ય લોકોના અંતરમાં પણ આ નદીનો પાવન પ્રવાહ વહે છે.’
હું નદીના કિનારે એકલી ઊભી રહી. મારા હાથની અંજલિમાં મેં સરયૂનું પાણી ભર્યું અને મારી આંગળીઓમાંથી તેને વહેવા દીધું. અત્યંત ઠંડું, જીવંત, પ્રાચીન…
એ શાંત પળમાં મને વિચાર આવ્યો, માત્ર રામ જ નહીં, પણ અહીં દરેક વસ્તુ વણદેખી છે, મારી નજર સામે અનેક સાધુમહારાજો હતા. ઋષિઓએ ક્યારેક અહીં તપશ્ચર્યા કરી હતી, સમયની રેત અને એક મહાન હસ્તીનાં દૈવી ચરણોનો અહીં સ્પર્શ થયો હતો.
એટલે જ કદાચ તે સાચા અર્થમાં અયોઘ્યાની મુલાકાત હતી - તેની ગલીઓમાં માત્ર ચાલવાનું જ નહીં કે ત્યાંનાં મંદિરોની સવારની આરતીમાં હાજરી જ નહીં, પણ સરયૂના કાંઠે બેસી તેના ખળખળ વહેતા જળપ્રવાહનો કલનાદ સાંભળવો. અયોધ્યા કદાચ શાશ્વત હશે, પણ સરયૂ નદી છે, તેની ગાથા ગાય છે. }
મીઠી મૂંઝવણ:પ્રેગ્નન્ટ વાઇફને એનાં મમ્મી એને ત્યાં લઈ જવા માગે છે, પણ અમે દૂર રહેવા નથી માગતા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-pregnant-wifes-mother-wants-to-take-her-there-but-we-dont-want-to-stay-away-135154910.html

મોહિની મહેતા પ્રશ્ન : હું અને મારી વાઇફ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અત્યારે એ પ્રેગ્નન્ટ હોવાથી એનાં મમ્મી એને તેનાં લઈ જવા માગે છે, પણ હું કે મારી પત્ની એકબીજાથી દૂર રહેવા નથી માગતા. અમારે શું કરવું?- એક યુવાન
ઉત્તર : તમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરો છો, એ ખૂબ સારી વાત છે. તમારે બંનેએ એકબીજાથી દૂર રહેવાની જરૂર પણ નથી. છતાં જો તમારાં સાસુ પોતાની દીકરીને એમનાં ઘરે લઇ જવા માંગતા હોય, તો એ સ્વાભાવિક છે. માતા-પિતાને પણ ઇચ્છા હોય કે પોતાની પુત્રીની પ્રસૂતિ એમની દેખરેખ હેઠળ થાય અને એમાંય જો પ્રથમ વારની ગર્ભાવસ્થા હોય તો ઘણા લોકોમાં નિયમ હોય છે કે પિયરમાં જ પ્રસૂતિ થાય. માટે તમારાં સાસુ જો પોતાની પુત્રીને ઘરે લઇ જવાં ઇચ્છતાં હોય તો એમને જવા દો. તમે બંને ભલે એકબીજાથી દૂર રહેવા ન ઇચ્છતાં હો, તો થોડા થોડા દિવસે તમે પત્નીને મળવા જઇ આવો. તે વધારે યોગ્ય રહેશે.
પ્રશ્ન : મારી દીકરી બાવીસ વર્ષની થઇ. એની સગાઇ તો કરી દીધી છે, પણ એને અન્ય કોઇ બાબતની કશી સમજણ પડતી નથી. મને ચિંતા થાય છે કે લગ્ન પછી એને જીવનમાં કંઇ વાંધો તો નહીં આવે ને? એ સાવ નાસમજ છે. કઇ રીતે એને હોશિયાર બનાવું?
- એક મહિલા
ઉત્તર : અત્યારે બાવીસ વર્ષની દીકરી તમે જણાવો છો એટલી સાવ નાસમજ તો ન હોઇ શકે અને એને કોઇ બાબતમાં કશી સમજણ પણ ન પડે એવું માનવું પણ થોડું અતિશયોક્તિભર્યું લાગે. છતાં શક્ય છે કે તમારી દીકરીને ખરેખર કંઇ સમજણ ન પડતી હોય, તો માતા તરીકે તમારી જવાબદારી છે કે તમે એને જીવનમાં સારું-ખરાબ શું તે સમજાવો. કોની સાથે કઇ રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર કરવો એ બધું તમારે જ એને એની માતા તેમ જ બહેનપણી બનીને સમજાવવાનું છે. તમે એને જેટલી શાંતિથી અને પ્રેમથી દરેક વાત જણાવશો તેમ તેમ એને ખ્યાલ આવતો જશે અને એ ધીરે ધીરે હોશિયાર બની જશે.
પ્રશ્ન : મારી સાથે જોબ કરતી એક યુવતી મારાથી બે વર્ષ મોટી છે. મને એ ખૂબ ગમે છે, પણ અમારા બંનેની જ્ઞાતિ અલગ હોવાને કારણે કદાચ અમારાં માતા-પિતા લગ્ન કરાવી આપવા તૈયાર ન થાય એમ વિચારી હું એ યુવતીને કંઇ કહેતો નથી. કઇ રીતે હું મારા દિલની વાત એ યુવતીને જણાવું? - એક યુવાન
ઉત્તર : તમારી સાથે જોબ કરતી યુવતી વયમાં તમારાથી મોટી છે, પણ એ બાબતનો ખાસ વાંધો ન આવે કેમ કે આજકાલ યુવતીઓ મોડા લગ્ન કરવાનું વિચારતી હોય છે. રહ્યો સવાલ તમારાં માતા-પિતાની સંમતિનો કે એ તમારી જ્ઞાતિ અલગ હોવાથી તેઓ લગ્ન કરાવી આપવા તૈયાર ન હોય તો તમારે એમને સમજાવવાં જોઇએ. હવે એવું નથી રહ્યું કે જ્ઞાતિ અલગ હોય કે એક જ હોય તો લગ્ન કરાવી આપવા કે ન કરાવવા. તમે પહેલાં તમારાં માતા-પિતાને વાત કરો અને તે પછી એ યુવતીને કહો. જો એને પણ તમારા માટે લાગણી હશે તો ચોક્કસ એ તમારી વાતનો સ્વીકાર કરશે.
પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે. મારા ભાવિ પતિ અવારનવાર મને મળવા આવે છે અને અમે બંને સાથે બહાર ફરવા જઇએ છીએ. અમે જ્યારે કોઇ ગાર્ડનમાં જઇએ ત્યારે એ મને નજીક ખેંચી મારા શરીર પર સ્પર્શ કરે છે અને મને ચુંબન કરે છે. આથી મારી ઉત્તેજના કાબૂમાં નથી રહેતી, પરંતુ હું યેનકેન પ્રકારે મારા પર નિયંત્રણ રાખું છું. મારે શું કરવું? - એક યુવતી
ઉત્તર : તમે સગાઇ પછી ભાવિ પતિ સાથે બહાર ફરવા જાવ ત્યારે સ્વાભાવિક રીતે જ તમારા ભાવિ પતિ પોતાની ભાવિ પત્ની સાથે થોડા અંતરંગ થવાનો પ્રયત્ન કરે. એવામાં તમે ઉત્તેજિત થઇ જાવ છો અને છતાં તમારા પોતાના પર નિયંત્રણ રાખી શકો છો એ સારી વાત છે. તમે આ બાબતે તમારા ભાવિ પતિને વિશ્વાસમાં લઇ, શાંતિથી ચર્ચા કરો અને તેમને કહો કે તેમના વર્તનને કારણે તમે શું અનુભવો છો. એ ચોક્કસ સમજશે અને પોતાની જાત પર નિયંત્રણ રાખીને તમને નાહક ઉત્તેજિત નહીં થવા દે.
પ્રશ્ન : મારો દીકરો દસમા ધોરણમાં પાસ થઇ ગયો, પણ હવે બારમા ધોરણમાં એ નપાસ થયો છે. એ દિવસથી એ સાવ સૂનમૂન થઇ ગયો છે અને કોઇની સાથે કશી વાત કરતો નથી. અમને લાગે છે કે એ ડિપ્રેશનમાં સરી પડ્યો છે. એને કઇ રીતે આ અવસ્થામાંથી બહાર લાવવો? - એક પુરુષ
ઉત્તર : ઘણી વાર કિશોર વયના બાળકોની આવી સ્થિતિ થતી હોય છે. કેટલીક વાર માતા-પિતાની આશા-અપેક્ષા પરિપૂર્ણ ન કરી શકવાને કારણે પણ સંતાનો આ રીતે સૂનમૂન થઇ જતાં હોય છે અને વાતચીત કરવાનું બંધ કરી દે છે. તમારી શંકા સાચી પણ હોઇ શકે કે એ ડિપ્રેશનમાં સરી પડ્યો હોય એવું બનવાજોગ છે. તમે એને કોઇ કાઉન્સેલર પાસે લઇ જાવ અથ‌વા સાયકોલોજિસ્ટને બતાવો. જે એની સાથે પોતાની રીતે વાતચીત કરીને એના મનમાં શું છે તે જાણવાનો પ્રયત્ન કરશે અને શક્ય છે કે થોડા સમય પછી તમારો દીકરો નોર્મલ થઇ જાય.
પ્રશ્ન : મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે, પરંતુ ક્યારેક જો તેમના મિત્રો ઘરે આવે અને હું તેમની સાથે વાત કરું, તો એ એમને ગમતું નથી. એ પછી મારા પર ગુસ્સે થાય છે અને બોલવાનું બંધ કરી દે છે. મારે એમને કઇ રીતે સમજાવવા? - એક મહિલા
ઉત્તર : સૌથી પહેલાં તો તમારા પતિને કહો કે ઘરમાં મહેમાન આવે તો તેમની સાથે સામાન્ય ઔપચારિક વાતચીત કરવી જોઇએ. ભલે એ તમારા પતિના મિત્રો જ કેમ ન હોય - અન્યથા એમનું એટલે કે તમારા પતિનું જ ખરાબ દેખાશે. વળી, તમે તેમના મિત્રો સાથે વાત કરો છો તે જો એમને ન ગમતું હોય તો બને ત્યાં સુધી તેમની સાથે ઓછી અથવા જરૂર પૂરતી જ વાત કરો. એક વાર તમારા પતિ સાથે શાંતિથી બેસીને ચર્ચા કરી લો કે જો એ તમને ખરેખર ખૂબ પ્રેમ કરતા હોય તો નાહક શંકા કરવાનું છોડી દે, કેમ કે તમારા માટે તમારા પતિથી વિશેષ આત્મીય જન બીજા કોઇ નથી.
પ્રશ્ન : અમે જ્યારે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં, ત્યારે મારા પતિ વારંવાર મારા જેઠની સરખામણી કરી-કરીને અલગ રહેવા તૈયાર થઇ ગયા. હવે અમે બંને અને અમારા બંને સંતાનો અલગ રહીએ છીએ, ત્યારે અમે બંને જોબ પર જઇએ તો ઘરમાં સંતાનો એકલાં હોય તેથી એમને લાગે છે કે સંયુક્ત પરિવારમાં સંતાનો સચવાઇ જતા હતાં. એ ફરી પરિવાર સાથે રહેવા જવા ઇચ્છે છે. હવે કઇ રીતે જવું? - એક મહિલા
ઉત્તર : તમારા પતિ જેઠની સરખામણી કરીને પોતે જ પોતાના પરિવારથી અલગ થયા. હવે જ્યારે એમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને સંયુક્ત પરિવારનું મહત્ત્વ સમજાયું ત્યારે તેમને પાછા પરિવાર સાથે રહેવા જવું છે. એમનું આવું સ્વાર્થી વર્તન પરિવારજનોના મનમાં અવશ્ય ખૂંચે. હવે જો તમે બંને પરિવારમાં ફરી સાથે રહેવા જશો, તો પણ એક વાર મનમાં જે અંતર પડી ગયું તેનો કોઇ ઉપાય નથી. પરિવારમાં તમે બંને અને તમારાં સંતાનો અલગ થઇ ગયા છે એ વાત તેઓ ભૂલી શકશે નહીં. ઘરમાં પહેલાં જેવી આત્મીયતા નહીં અનુભવાય. માટે હવે તો જેમ ચાલે છે, તેમ ચાલવા દો અને બને તો સંતાનોની સંભાળ માટે કોઇ બહેનને કામે રાખી લો એ જ હિતાવહ રહેશે.
મહિલા સશક્તિકરણ:ઓપરેશન સિંદૂર : બોર્ડર પર મહિલા સૈનિકોની ટુકડીનું નેતૃત્વ કરનાર નેહા ભંડારી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/operation-sindoor-neha-bhandari-who-led-a-contingent-of-women-soldiers-on-the-border-135155027.html

ટુકડીનું નેતૃત્વ કરનાર નેહા ભંડારી
બીએસએફની આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નેહા ભંડારી LoC પર કાર્યરત મહિલાદળની આગેવાની કરતી પહેલી મહિલા અધિકારી બની છે. તેણે ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન છ મહિલા જવાનો સાથે દુશ્મન તરફથી થતા ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જમ્મુના અખનૂર સેક્ટરમાં તેમનું પોસ્ટિંગ હતું. પાકિસ્તાની ચેકપોસ્ટ ત્યાંથી ફક્ત 150 મીટર દૂર છે. ત્યાં આ મહિલા સૈનિકોની ટુકડીએ પોતાના પુરુષ સહકર્મચારીઓ સાથે મળીને પાકિસ્તાન તરફથી થતા ફાયરિંગનો દૃઢતાથી સામનો કર્યો હતો અને દુશ્મન સેનાને પીછેહટ કરવાની ફરજ પાડી હતી. પાકિસ્તાનની ત્રણ ચોકીઓને આ સૈનિકોએ શાંત કરી દીધી હતી. નેહા ભંડારીના પરિવારની ત્રણ પેઢીઓ સુરક્ષા દળોમાં રહી ચૂકી છે. તેમના દાદા ભારતીય સેનામાં હતા, માતા અને પિતા બંને સીઆરપીએફમાં રહી ચૂક્યા છે. નેહા કહે છે કે સરહદ પર દેશની રક્ષા કરવી એ અમારા માટે ગૌરવની વાત છે અને તે પોતાની ટીમ સાથે એ દિશામાં સમર્પિત છે! મહારાષ્ટ્રમાં 8 જિલ્લાઓમાં પોલીસ સ્ટેશનમાં જ મહિલાઓ માટે ટ્રોમા સેન્ટર શરૂ કરાશે
મહારાષ્ટ્રના આઠ જિલ્લાઓના 108 પોલીસ સ્ટેશનોમાં બળાત્કાર, ઘરેલું હિંસા, દહેજ વગેરેનો ભોગ બનેલી મહિલાઓ અને બાળકો માટે ટ્રોમા સેન્ટર શરૂ કરવામાં આવશે. જે આવા પીડિતોને કામચલાઉ આશ્રય આપવાનું તેમજ કાઉન્સેલિંગ કરવાનું કામ કરશે. આ કેન્દ્ર પર મહિલાઓને પોલીસ ફરિયાદ કરવામાં તો મદદ મળશે જ પણ સાથે જ તેમને તબીબી અને કાનૂની સહાય પણ મળશે. વડોદરાની નિશા કુમારીએ એવરેસ્ટ સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
નેપાળ ખાતે એવરેસ્ટ સમીટ યોજાયું હતું જેમાં વડોદરાની નિશા કુમારીએ અન્ય નવ ભારતીય પર્વતારોહકો સાથે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એવરેસ્ટ એલાયન્સ નેપાળ દ્વારા આયોજિત બે દિવસીય સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ઑસ્ટ્રિયા, ચીન અને યુએઈ જેવા દેશોના 200થી વધુ પર્વતારોહકો અને પર્વતારોહણ નિષ્ણાતોએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય ક્લાઈમેટ ચેન્જ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 2023માં એવરેસ્ટ સર કરતી વખતે થયેલા ગંભીર ફ્રોસ્ટ બાઈટને કારણે નિશાને કેટલીક આંગળીઓ કપાવવી પડી હતી. છતાં 2024માં, નિશાએ વડોદરાથી લંડન સુધી 16,000 કિલોમીટરનો સાઇકલ પ્રવાસ કર્યો, જેમાં 16 દેશો પસાર કર્યા અને દરેક દેશમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી હતી. પ્રસૃતિની રજા એ મહિલાઓનો બંધારણીય હક છે: સુપ્રીમ કોર્ટ
ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા 23 મે, 2025ના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં, મેટરનિટી લીવને મહિલાઓના બંધારણીય અધિકાર તરીકે માન્યતા આપી છે. સુપ્રીમની દલીલ છે કે ત્રીજા બાળકો માટે પણ મહિલાઓ રજાની હકદાર છે. આ ચુકાદો તામિલનાડુની એક સરકારી શાળાની શિક્ષિકાના કેસમાં આવ્યો હતો. તેને ત્રીજા સંતાન માટે માતૃત્વની રજા મળી નહોતી, કારણ કે રાજ્યની નીતિ પ્રમાણે માત્ર બે સંતાનો માટે જ રજાની મંજૂરી મળી શકે તેમ હતી. ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે આ ચુકાદામાં જણાવ્યું હતું કે, મેટરનિટી લિવ એ મહિલાઓનો અધિકાર છે, જે ભારતીય બંધારણના કલમ 21 હેઠળ સુરક્ષિત છે. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારને આ શિક્ષિકાને બે મહિનાની અંદર તમામ બાકી માતૃત્વ લાભો આપવા આદેશ આપ્યો છે.
પાચનશક્તિ:કુદરતી રીતે પાચનતંત્રને કેવી રીતે મજબૂત બનાવી શકાય?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-can-the-digestive-system-be-strengthened-naturally-135155008.html

ગયા અંકમાં આપણે પાચનશક્તિ કેમ નબળી પડે છે અને તેની શું અસર થાય છે એ અંગે જાણ્યું. આજે વાત કરીશું કુદરતી રીતે પાચનતંત્ર મજબૂત બનાવવા શું કરી શકાય.
1. ખોરાકની ખોટી પસંદગી : આજકાલનો ખોરાક બહુ તીખો, તળેલો અને બહારના ફાસ્ટ ફૂડવાળો બનતો જાય છે. લોકો ખાવાનું પસંદ કરતી વખતે શરીરની જરૂરિયાત કરતાં મગજની ઇચ્છા પ્રમાણે પસંદ કરે છે. સતત આવો ખોરાક ખાવાથી પાચનતંત્ર પર ભાર પડે છે.
સાચા અર્થમાં પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ખોરાકની પસંદગી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે આજથી જ થોડું વિચારીએ: ‘આ ખોરાક મારા શરીરને શક્તિ આપશે કે થકાવશે?’
2. અનિયમિત ખાવા-પીવાનું : આજકાલની જીવનશૈલીમાં ઘણા નાસ્તો ચૂકી જાય, તો કોઈ દિવસ લંચ મોડો થાય, અને રાત્રે બહુ મોડું અને ભારે ભોજન લેવાનું બની જાય છે. ક્યારેક તો ભૂખ લાગ્યા વિના પણ ભોજન લેવાય છે, અને ક્યારેક ભૂખ લાગતી હોવા છતાં સમય ના મળે તો ખાવું રહી જાય છે. પરિણામે પેટમાં ભારપ, એસિડિટી, થાક અને ઊર્જાની અછત જેવી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. સમયસર અને શાંતિથી ભૂખ પ્રમાણે ભોજન લેવું શરીર માટે આદર્શ છે.
3. મોબાઈલ કે ટીવી સ્ક્રીન સામે જમવાનું : મોટાભાગના લોકો ભોજન કરતી વેળા ટીવી જોઈ રહ્યા હોય છે, મોબાઈલમાં વ્યસ્ત હોય છે. જ્યારે માનસિક દૃષ્ટિ ખોરાક પર ન હોય, ત્યારે પાચનક્રિયા યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી, અને વધુ ખાવાની શક્યતા પણ વધતી જાય છે.
4. હલનચલનનો અભાવ : ઓફિસમાં, ગાડીમાં, ટીવી સામે અથવા કમ્પ્યૂટર પર. જ્યારે આપણે હલનચલન કરતા નથી, ત્યારે પાચનક્રિયા ધીમી થઈ જાય છે. ખોરાક યોગ્ય રીતે પચતો નથી. તે અર્ધપચ બનીને આંતરડામાં એકત્ર થવા લાગે છે. આવું અર્ધપચિત ખોરાક શરીરમાં ‘ટોક્સિન' સમાન હોય છે, જે આસપાસના અંગો પર ભાર પેદા કરે છે અને તેમની કાર્યક્ષમતા ઘટાડે છે. નિયમિત ચાલવાથી, યોગના અભ્યાસથી અને સક્રિય જીવનશૈલીથી પાચનશક્તિ મજબૂત બને છે, અને આપણે આરોગ્યપૂર્ણ જીવન જીવી શકીએ છીએ.
5. તણાવ અને ઊંઘનો અનિયમિત સમય : આજના સમયમાં ઘણા લોકો સતત માનસિક દબાણ હેઠળ જીવે છે. વધારે વિચારવું, ભવિષ્યની ચિંતા કરવી, દિવસભર ઘર્ષણમાં રહેવું અથવા ઘરના કે નોકરીના તણાવમાં અફરાતફરી અનુભવવી — આવી પરિસ્થિતિઓમાં શરીરનો આખો તંત્ર ‘બચાવ સ્થિતિ’ (જેને વૈજ્ઞાનિક રીતે ‘સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ’ કહેવામાં આવે છે) માં પ્રવેશી જાય છે. આ રીતે શરીરમાં પાચન પ્રક્રિયા માટે જવાબદાર જઠરાગ્નિ નબળી પડી જાય છે કારણ કે શરીર તાત્કાલિક બચાવ માટે ઊર્જાનો ઉપયોગ કરે છે, પાચન માટે નહીં.
જો ઊંઘનું સમયપત્રક અવ્યવસ્થિત હોય, વ્યક્તિને પૂરતી ઊંઘ મળતી ન હોય, અથવા ઊંઘના સમય પહેલાં મગજમાં વધુ વિચારો ચાલતા રહે તો શરીરમાં દિવસે જઠરાગ્નિ પુનઃસક્રિય થતી નથી. ઊંઘ એ માત્ર આરામ માટે નહીં, પણ શરીરનાં આંતરિક તંત્રોને ફરીથી કાર્યશીલ કરવા માટે આવશ્યક છે. આથી, તણાવને નિયંત્રિત રાખવો અને નિયમિત ઊંઘનું પાલન કરવું એ બંને પાચનશક્તિ સુધારવા માટે ખૂબ અગત્યના પગલા છે.
યોગના વિવિધ અંગો જેમ કે આસન, પ્રાણાયામ અને મનને શાંત કરનારી ધ્યાનપ્રક્રિયાઓ તણાવ ઘટાડી શકે છે અને ઊંઘને વધુ ગુણવત્તાવાળી બનાવી શકે છે.
‘શરીર એ આપણું મંદિર છે’.આ પ્રાચીન શિક્ષણ આપણને સમજાવે છે કે શરીરની સંભાળ રાખવી અને તેને સ્વસ્થ રાખવું.- ડૉ. સિમોની ઠક્કર
ફેશન:બીચ વેર : દરિયાકિનારે ફેશન- આરામનો પરફેક્ટ મેળ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/beach-wear-the-perfect-combination-of-fashion-and-comfort-at-the-beach-135154964.html

ઉનાળાની ગરમીમાં મન બીચ તરફ દોડે-ઠંડું પાણી, નરમ મુલાયમ રેતી અને તાજી હવા! પણ દરિયાકાંઠે જવું હોય તો સ્ટાઈલ સાથે કમ્ફર્ટ પણ એટલું જ જરૂરી છે. બીચ પર પહેરવા માટે યોગ્ય કપડાં પસંદ કરવા એ ફેશનનો એક ખાસ પડકાર છે. 'બીચ વેર' એટલે ફક્ત સુંદર દેખાવ નહીં, પણ જાતને આરામદાયક લાગવું અને સૂરજની ગરમીમાં પણ મુક્તમને ફરવું. ચાલો જાણીએ કે બીચ પર કઈ રીતે ફેશનેબલ રહેવાય અને સાથે આરામદાયક પણ!
બીચ વેરની સૌથી સારી વાત છે કે તેનું લાઈટ ફેબ્રિક, સરળતાથી પહેરી શકાય તેવું અને પરસેવો કે પાણીને તરત સૂકવી દે એવું હોય છે.
મહિલાઓ માટે બીચ વેરના પોપ્યુલર વિકલ્પો
શોર્ટ્સ અને ક્રોપ ટોપ
સ્વિમસૂટ અને બિકીની
કફ્તાન, ટયુનિક અને સરોંગ ડ્રેસ (સરોંગ એટલે રેશમી કે સુતરાઉ લુંગી જેવો ડ્રેસ, જેને કમર પર લપેટીને પહેરવામાં આવે છે)
શોર્ટ ફ્રોક, સ્લીટ ડ્રેસ
સ્વિમસૂટ અને બિકિની આજની સ્ટાઈલિશ મહિલાઓ માટે સ્વિમસૂટ એ ફેશનનો બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ ભાગ બની ગયો છે. મોનોકીની, હાઈ વેસ્ટ બિકિની, ટેન્ક ટોપ વિથ બોટમ- આમ, દરેક બોડી ટાઈપ માટે અલ;અલગઅલગ વિકલ્પો ઉપલબ્ધ છે. જો તમને ડાયરેક્ટ સ્વિમસૂટ પસંદ ન હોય તો, તેને સરોંગ કે કફ્તાન સાથે પેર કરો.
શોર્ટ્સ અને ટોપ્સ ક્લાસિક બીચ લુક માટે ડેનિમ શોર્ટ્સ અને નૂડલ સ્ટ્રેપ, ઑફ શોલ્ડર અથવા હાલ્ફ શોલ્ડર સ્લીવ વાળું ટોપ પહેરો. આ લુક ફૂલ, કોન્ફિડેન્ટ અને એવરગ્રીન છે.
સરોંગ અને સ્કાર્ફ સરોંગ એક લાબું કપડું છે જેને કમર પર બાંધી શકાય છે. બીજું તે મલ્ટીપર્પઝ હોય છે. એકવાર તમે તેને સ્કર્ટ તરીકે વાપરો, પછી સ્કાર્ફ કે કવર તરીકે પણ કામ આવે.
કફ્તાન અને ટયુનિક લૂઝ, લાઇટવેઇટ અને લંબાઇવાળા કફ્તાન આજે ફ્રેશ વિશ્વમાં ટ્રેન્ડી બની ચૂક્યા છે. તમે તેને સ્વિમસૂટ સાથે પર કરી શકો છો. અથવા શોર્ટ્સ સાથે પણ પહેરી શકો છો. ટયુનિક પણ એક વર્સેટાઈલ ઓપશન છે ખાસ કરીને પેસ્ટલ કલર્સમાં.
શોર્ટ ફ્રૉકસ ગોઠણ સુધી આવે એવા શોર્ટ ફ્રોક બીચ પર સૌથી વધુ આરામદાયક રહે છે. વધુ કલાક વિતાવવા હોય ત્યારે આવા શોર્ટ ફ્રોક તમારા માટે યોગ્ય પસંદગી બની રહેશે. એમાં પણ ફ્લોરલ પ્રિન્ટ કે પછી ફન્કી ડિઝાઇન વાળા રંગબેરંગી ફ્રોક તમને અલગ જ આત્મવિશ્વાસ આપશે.
સ્લીટ ડ્રેસ એક સાઈડ પર સ્લીટ હોય એવા ડ્રેસ બીચ લુકમાં ખૂબ ક્લાસી લાગે છે. સ્લીટના લીધે દરિયાકિનારે રેતી પર ચાલવામાં પણ સરળતા રહે છે.
ફેબ્રિક અને રંગોની પસંદગી બીચ માટે એવું કપડું પસંદ કરો જે હળવું, આરામદાયક અને ઝડપથી સુકાઈ જાય, જેમકે કોટન, શિફોન, રેયોન અને લિનન. રંગોની વાત કરીએ તો, બીચ માટે બ્રાઇટ અને ટ્રોપિકલ શેડ્સ વધુ સરસ લાગે છે. જેમ કે ટર્કોઇઝ બ્લ્યૂ, મિન્ટ ગ્રીન, સન યલો, પિન્ક ફ્લેમિંગો કે લાઈમ ઓરેન્જ. ફ્લોરલ અને પામ લિફ જેવી પ્રિન્ટ્સ પણ બીચ લુકને ધમાકેદાર બનાવી દે છે.
કમ્પ્લીટ લુક આપશે એક્સેસરીઝ
ફ્લિપ ફ્લૉપ્સ : હળવી, પાણીમાં પહેરી શકાય તેવી અને રંગીન હોવી જોઈએ.
સનગ્લાસ : સૂર્યપ્રકાશથી આંખોને રક્ષણ આપશે અને લુકમાં એટિટ્યૂડ ઉમેરશે.
બ્રોડ હેટ : ફેશન અને સન પ્રોટેક્શન બંનેનું બેલેન્સ
બીચ બેગ : મોટી, સ્ટાઈલિશઅને વૉટરપ્રૂફ જેમાં ટુવાલ, સનસ્ક્રીન, પાણીની બોટલ, લિપ બામ વગેરે સરળતાથી મૂકી શકાય.
ખાસ ટીપ્સ
સનસ્ક્રીન જરૂરી છે. SPF 30થી ઉપરવાળું સનસ્ક્રીન જરૂરથી લગાવો.
પોશાક લૂઝ અને લાઈટ રાખો. તાપમાં ત્વચા શ્વાસ લઈ શકે એનું ધ્યાન રાખવું.
બોડી શેમિંગથી દૂર રહો. દરેક બોડી સુંદર છે, જે પણ પહેરો આત્મવિશ્વાસ સાથે પહેરો.
વોટર રેસિસ્ટન્ટ મેકઅપ પસંદ કરો. જેમ કે લાઈટ BB ક્રીમ, વોટરપપ્રૂફ કાજલ અને લિપ બામ.
વાળ માટે SPF હેર મિસ્ટ અથવા સ્કાર્ફ યૂઝ કરો. વાળ સૂર્યથી સુરક્ષિત રહેશે.
બીચ વેર એ ફેશન છે પણ સાથે ફ્રીડમનું પણ પ્રતિક છે. તમારો લુક તમારા મનની પરિભાષા છે. જ્યારે તમે બીચ પર હો, ત્યારે એ લુકની મજા લો. આરામ અને આત્મવિશ્વાસ સાથે બીચ પર તમારી આગવી સ્ટાઇલ લહેરાવો.
રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ:તમારું રસોડું જ તમારું ‘હોમ ક્લિનિક’ બની શકે...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/your-kitchen-can-become-your-home-clinic-135154990.html

આયુર્વેદ કહે છે, ‘જમવાનું તમારા માટે દવા બને તો કોઈ દવા લેવાની જરૂર ન પડે.’ આપણા ઘરમાં, રસોડામાં, વાવેતરમાં એવી અનેક ઔષધિઓ છે જે રોગ થાય તે પહેલાં અને પછી બંને સમયે કામ આવે છે
રસોડામાં સરળતાથી મળતી ઔષધિઓ, જેમ કે શતાવરી, અશ્વગંધા અને હળદર, નાની માત્રામાં ઉપયોગ કરવાથી તમારું સ્વાસ્થ્ય નોંધપાત્ર રીતે સુધરી શકે છે. યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આ પ્રાકૃતિક ઔષધિઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, રોગો દૂર કરે છે અને સંતુલન જાળવે છે. આજે દરેક ઔષધિના ફાયદા અને રસોડામાં તેનો ઉપયોગ જાણો.
શતાવરી એટલે મહિલાઓની સહેલી
શતાવરી એ ઔષધિ છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક ગણાય છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે ચૂર્ણ તરીકે કરી શકાય, જે દૂધ સાથે મિક્સ કરીને લેવાથી શરીરને શક્તિ આપે છે. તે હોર્મોનલ સંતુલન જાળવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દરરોજ ઓછી માત્રામાં લેવાથી તેનો સારો ફાયદો થાય છે, જે મહિલાઓના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
ગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી શતાવરીનો ઉપયોગ વિશેષ રીતે ફાયદાકારક છે, કારણ કે તે શરીરને પુનઃસ્થાપિત કરે છે. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી તેનો ઓછી માત્રામાં નિયમિત ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.
અશ્વગંધા એટલે પુરુષોનો મિત્ર
અશ્વગંધા એ પુરુષોના સ્વાસ્થ્ય માટે જાણીતી ઔષધિ છે, જે શરીરની શક્તિ અને સ્થિરતા વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ ચૂર્ણ રૂપે દૂધમાં મિક્સ કરીને કરી શકાય. ખાસ કરીને રાત્રે સુતા પહેલાં એક ચમચી લેવાથી તણાવ દૂર થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે, જે પુરુષોના દૈનિક જીવન માટે ફાયદાકારક છે. પુરુષો માટે શારીરિક શક્તિ અને માનસિક સ્થિરતા માટે અશ્વગંધા અત્યંત ઉપયોગી છે. વધુ પ્રમાણમાં સેવન કરવાથી ખોટા પરિણામો મળી શકે, તેથી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
અર્જુનની છાલ એટલે હૃદયનો રાજા
અર્જુન છાલ હૃદયના સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ ઔષધિ છે, જે રક્તપ્રવાહ અને હૃદયની સબળતા વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ કડવી ચા બનાવવા માટે કરી શકાય. દરરોજ સવારે એક કપ પીવાથી રક્તચાપ અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે. તે હૃદયની સંભાળ માટે ખૂબ જ લાભદાયક છે, જો કોઈ હૃદય સંબંધિત સમસ્યા હોય તો અર્જુન છાલનો નિયમિત ઉપયોગ ફાયદો કરી શકે છે. પરંતુ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
પુનર્નવા એટલે લિવરનો પણ બાપ
પુનર્નવા લિવરની સફાઈ અને સુધારા માટે જાણીતી ઔષધિ છે, જે શરીરના ઝેરી પદાર્થોને દૂર કરે છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે કાઢા તરીકે કરી શકાય, જે એક ચમચી પાઉડર પાણી સાથે લેવાથી લિવરની ચરબી દૂર થાય છે. તે પાચન શક્તિ પણ સુધારે છે, જે લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ હોવાથી પુનર્નવાનો નિયમિત ઉપયોગ લિવરને મજબૂત બનાવે છે.
આંબળા એટલે આંખોનો તારણહાર
આંબળા વિટામિન સીનો ખજાનો છે, જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રસોડામાં તેનો ઉપયોગ જ્યુસ, ચટણી કે મુરબ્બા તરીકે કરી શકાય. દરરોજ તેનો જ્યુસ પીવાથી ત્વચા ખીલે છે. બાળકો માટે તે ઉત્તમ દવા છે. તેનો સ્વાદ સુધારવા તેમાં મધ ઉમેરી શકાય. વધુ પ્રમાણમાં સેવન ટાળવું, કારણ કે તે એસિડિટી વધારી શકે.
હળદર એટલે ગળાની માળા
હળદર ગળાના રોગો અને શરીરના સંક્રમણ માટે ઉત્તમ ઔષધિ છે, જે એન્ટી-બેક્ટેરિયલ ગુણો ધરાવે છે. રસોડામાં તેનો ઉપયોગ શાકમાં કે દૂધમાં મિક્સ કરીને કરી શકાય. દૂધ સાથે પીવાથી ગળાની સમસ્યા દૂર થાય છે. દરરોજ ઓછી માત્રામાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
લવિંગ એટલે દાંતોનો સેનાપતિ
લવિંગ દાંતના દુખાવા અને મોંની સમસ્યાઓ માટે ઉત્તમ ઔષધિ છે, જે બેક્ટેરિયાને દૂર કરે છે. રસોડામાં તેનો ઉપયોગ ચા કે મોંની સફાઈ માટે કરી શકાય. દરરોજ એક લવિંગ ચાવવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. તે શ્વાસમાં સુગંધ લાવે છે અને મોંના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. ઉપરાંત એ પાચનમાં પણ મદદ કરે છે.
ઉપચાર તો તમારા રસોડામાં વર્ષોથી રાખેલા મસાલાઓમાં છુપાયેલાં જ છે! આયુર્વેદ એવું કહે છે કે ‘જમવું એ પણ દવા છે, જો સમજો તો!’ એટલે કે તમારું રસોડું જ તમારું 'હોમ ક્લિનિક' બની શકે છે.
- મહેક જે. મહેતા
કાવ્યાયન:યુદ્ધસ્ય કથા રમ્યા?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/played-the-war-story-135154953.html

હરદ્વાર ગોસ્વામી બરફ-થીજેલી પ્હાડ સોડમાં
મરણ પાથરી સઘળા સૈનિક સાથ સૂતા.
(સૂરજનાં કિરણો ડૂબ્યાં).
તારો નીકળ્યો:
સૂનકાર હલ્યો, તારા નીકળ્યા;
વાયુનાં ખંડેર હલ્યાં, થીજ્યા પગલે
ધીરે ધીરે, ગામે ગામે,
તારાઓએ તારાઓને મૃત સૈનિકની કીધી વાત,
તારાએ તારાએ ઢોળ્યાં આંસુઓથી ભીંજવી રાત.
- નલિન રાવલ દૂકની અણી કે તોપનું નાળચું તાકો પણ અમે કહીશું ‘હા, અમે હિંદુ છીએ’
દોસ્ત સલમાન સાથે કલમા પણ પઢયા છે, પણ હવે... સિંદૂર ભૂંસીને આતંકવાદીઓએ કહ્યું હતું ‘મોદીને જઈને કહેજો...’ પછી મોદીએ જવાબ આપ્યો ત્યારે તમારે ‘ટ્રમ્પને કહેવું પડ્યું ને ?’ પાકિસ્તાનીઓ પાદવાની પહોંચ નહીં અને તોપચીમાં નામ લખાવવા હાલી નીકળ્યા છો...!
પહેલગામની આ ઘટના પહેલી નથી. અગાઉ અનેકવાર યુદ્ધ હારવા છતાં પાકિસ્તાન પાછું હારવા આવ્યું. ભારતે 'ઓપરેશન સિંદૂર' દ્વારા સંદેશ આપ્યો. તમે અમારા નાગરિકના કપડા ઉતાર્યા અને દુનિયા સામે આખા પાકિસ્તાનના કપડા ઉતર્યા... જો કે નાગો નાશે શું અને નિચોવશે શું ? 2016 માં ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને 2019 માં બાલાકોટ એર સ્ટ્રાઈક પછી, એ સ્પષ્ટ થઈ ગયું કે ભારતે સંયમને નબળાઈ માનનારાઓના ગાલ પર તસતસતો તમાચો મારી દીધો છે. યુદ્ધ બે રાષ્ટ્રો વચ્ચે મોટાભાગે રાજકીય હેતુસર ખેલાતો સશસ્ત્ર સંઘર્ષ.
વદતોવ્યાઘાત એ છે કે ‘યુદ્ધો શાંતિ માટે લડાયાં છે!’ યુદ્ધ એ અંતિમ વિકલ્પ છે. જ્યારે સત્યની વાત આવે ત્યારે શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ ઉપાડવું પડે. આપણા તો દેવી દેવતાના હાથમાં પણ હથિયાર છે. યુદ્ધની કથા સાંભળવી બહુ ગમે પણ એનું પરિણામ બહુ દાહક હોય છે. યુદ્ધ જીતો કે હારો પણ એનું પરિણામ તો ભોગવવું પડે છે. હવેના સમયમાં તો સરહદ કરતા સોશિયલ મીડિયા પર યુદ્ધ વધુ ખેલાય છે. અતિશયોક્તિનું આકાશ ખડકી દેતી ચેનલ્સથી તો તૌબા..!
માથા પડે છતાં ધડ લડ્યાના દાખલાઓ આપણી સંસ્કૃતિમાં શોભાયમાન છે. ગૌરક્ષા માટે શહીદ થયેલાના પાળિયા ગામેગામ પૂજાય છે. વિધર્મીઓના આક્રમણ સામે ક્ષત્રિય અંતિમ ક્ષણ સુધી લડ્યા છે. યુદ્ધ શરુ કરવાની તારીખ હોય છે પણ પૂરું થવાની નહીં. કુરુક્ષેત્રનું યુદ્ધ જ્યાં થયું હતું ત્યાં કહેવાય છે કે ‘હજુ પણ ઊંડું ખોદો તો માટી લાલ મળે છે’, એટલું લોહી ત્યાં વહ્યું હતું. માખનલાલ ચાતુર્વેદીની ‘પુષ્પ કી અભિલાષા’ કાવ્યમાં ફૂલ કહે છે કે ‘મારે પ્રેમિકાની વેણીમાં, સમ્રાટોના શબ પર કે ઈશ્વરના મસ્તિષ્ક પર નથી ચડવું પણ સૈનિકના ચરણોમાં પડવું છે.
જો કે હવે પછીના યુદ્ધ તો કમ્પ્યુટર પર ખેલાશે. હાથી-ઘોડા અને તીર-તલવારનો જમાનો ગયો. જગતમાં બે વસ્તુ સુંદર છે, એક ન દેખાતો ઈશ્વર અને બીજો દેખાતો સૈનિક. વતન માટે જીવની પરવા પણ ન કરતા સૈનિકની નોકરી નથી હોતી પણ સમર્પણ હોય છે. જગતની સૌથી મોટી લડાઈ પોતાની જાત સાથેની છે, જો આ લડાઈ માણસ જીતી જાય તો એને બુદ્ધ થતા કોઈ રોકી નહીં શકે. મને મૂકી તલસરાના તાપણે ! સાયબા, ક્યાં હાલ્યા ?
રંગ શમણાંના ઘોળી ને પાંપણે! સાયબા, ક્યાં હાલ્યા ?
માથે હિમાળો થઈ ઊભો જીવતરનો પોષ;
સાવ ખુલ્લી ચોપાટ અને સોગઠાં ખામોશ;
માંડ બાજી માંડી'તી હજી આપણે ! સાયબા, ક્યાં હાલ્યા ?
મને મેળા -ફજેત કેરા કર્યા વદાડ,
અને આડા મૂકી દીધા ઊંચેરા પહાડ,
મને ઓરડેથી કાઢીને આંગણે ! સાયબા, ક્યાં હાલ્યા ?
- લેફ્ટેનન્ટ સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’

ઓપરેશન સિંદૂર, દેશમાં સબ કુછ ચંગા ચંગા,
આતંકીઓનાં આકા ધ્રૂજ્યા,ભારતથી લીધા પંગા.
શત્રુ તમારા કબ્રસ્તાનમાં દહેશતનાં ઓછાયા,
પાણી પાણીનાં પોકારો, નદીઓ ડેમો સૂકાયા.
જહન્નમ-જન્નતની હૂરોનાં ટોળાનાં અઠીંગા
બંદૂક નાળચા તાકી તમે નારીનાં સિંદૂર ભૂંસ્યા,
હાય રે! આવી કાયરતા ક્યા સંસ્કારે શીખ્યા?
ભારતનાં ભડવીર જવાનો! દુનિયામાં દીધાં ડંકા.
- નગીન દવે

આ તો ઓપરેશન સિંદુર
ધર્મ પૂછીને,ધાંય ધાંય બે ધરબી દઈને, હસી હસીને ભૂંસ્યા'તા સિંદુર..?
તો લે, ધરમ બજાવ્યો તારા નવ નવ ઠામ ઠેકાણા ફૂંકી કર્યા ચકનાચૂર...
ભાઈ ભાઈનાં ગાણાં ગાઈ નાનો સમજી માફ કર્યા'તો,
તો ય માકડાં, ના સમજ્યો?
રોજરોજનાં મર્કટચાળા, તો ય કર્યા'તા થાબડભાણા,
તો ય અસૂર તું ના અટક્યો?
તેં જ કરી શરૂઆત, દીધો આધાત, પહેલગામે જઈ કાયર,
આવો થૈ ગ્યો ક્રુર?
નામશેષ થઈ જા તે પહેલાં રૂંવે રૂંવેથી લોહી નિગળતા
રોવું હોય તો રોઈ લેજે,
ખૂણે ખૂણેથી ખેંચી ખેંચી પૂરેપૂરા ખાનદાનની ઘોર ખોદશું, જોઈ લેજે,
હવે તબાહીથી તું થાશે કાયર કુત્તા દુનિયામાં મશહૂર...
- પીયૂષ ભટ્ટ

ચાલી રહ્યું છે કેવું તુમુલ યુદ્ધ
નિરંતર મારા મનમાં !
ને હુંયે છું કેવો સાવ અબુધ!
હું લડુ છું, શાં માટે? કોના માટે?
તેના ઉત્તરો નથી મારી પાસે,
કૈં યુગોથી ચાલતી આ જંગ
ક્યારે અટકશે? સતત લડતા જ રહેવું
એજ જાણે હશે મારી નિયતિ?
- પુષ્કરરાય જોષી ધર્મ પૂછીને ગોળી મારે, એ શેતાનને ગોળી મારો,
બંદૂક તાકી જે હત્યારે, એ શેતાનને ગોળી મારો.
વ્યંગ, કટાક્ષ, વાક્બાણોથી, ઉશ્કેરે છે લોકોને જે,
દેશ વિરુધ્ધ શબદ ઉચ્ચારે, એ શેતાનને ગોળી મારો.
- મીના વ્યાસ

સહનશીલતાની હદ પર પહોંચી, અન્યાયનો ત્રાહિમામ પોકારે,
અત્યાચારની બધી સીમાઓ પાર કરી, ગુસ્સો જ્યારે નાચ નચાવે!
અપમાનના કડવા ઘૂંટડા જ્યારે બદલાની જ્વાળા સળગાવે,
ક્યાં રહે કોઈ વિકલ્પની આશ! ત્યારે તો માત્ર યુદ્ધ જ કલ્યાણ!
- હાર્દિક જોષી "રઘુ

યુદ્ધ પછીની નિરવ શાંતિ જોઈ
ફફડી ઊઠ્યું પારેવડું...!
- સુદર્શન માસ્તર

ચાલતું આંતરિક યુદ્ધ મનમાં,
હજુ બાકી કેટલાં સંઘર્ષ જીવનમાં?
શસ્ત્રો નથી કોઈ દેખાતાં ક્યાંય,
તોય ચાલતું યુદ્ધ જીવનમાં !
- સ્નેહલ રાજન જાની રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રિનો ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા ! જુઓ વાગી રહી નોબત,
અમારી ઊપડી વણઝાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી –
હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી હોઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા ! અણમોલ કસ્તૂરી,
સમી ખૂશ્બો અને સુરખી, તમારી આંખની ભૂરી,
જુઓ મસ્જિદમિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખૂશ્બો, નહિ મ્હેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર-ગાનના શોખીન-નહિ ઇજ્જત.
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને આ વાત થઈ પૂરી. નાથાલાલ દવે
3.6.1912 - 25.12.1993
અંત પછીનો આરંભ:અંત પછીનો આરંભ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-beginning-after-the-end-135154977.html

શહેરની એક ધમધમતી કોફી શોપમાં આર્યા અને વિરાટ સામસામે બેઠા હતા. તેમના ચહેરા પર ઉદાસીની છાયા હતી. તેમની વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલા સંબંધોનો આજે અંત આવવાનો હતો.
`તો આખરે તું એ જ કહેવા માગે છે ને કે હવે આપણે સાથે નથી?' આર્યાનો અવાજ ભારે હતો.
વિરાટે ઊંડો શ્વાસ લીધો. 'આર્યા, તું જાણે છે કે આ મારા માટે કેટલું મુશ્કેલ છે. પણ હવે આ સંબંધમાં કશું બચ્યું નથી.'
`કશું નથી બચ્યું? વિરાટ, આપણે સાથે કેટલા સુંદર પળો વિતાવ્યા છે! શું એ બધું તું આસાનીથી ભૂલી જઈશ?' આર્યાની આંખોમાં પાણી આવી ગયું.
`હું કશું નથી ભૂલી રહ્યો, આર્યા. પણ સત્ય એ છે કે હવે આપણા વિચારો અલગ છે, આપણી મંઝિલ અલગ છે. આપણે એકબીજાને દુઃખી જ કરીશું.' વિરાટનો અવાજ મક્કમ હતો, પણ તેમાં દર્દ છુપાયેલું હતું.
`તો શું તું એવું કહેવા માંગે છે કે મારો પ્રેમ ઓછો પડી ગયો?' આર્યાએ તીખા સ્વરમાં પૂછ્યું.
`ના, આર્યા. તારા પ્રેમમાં કોઈ કમી નથી. કદાચ મારી જ લાયકાત નથી કે હું તને ખુશ રાખી શકું.'
'આ બધું બહાનું છે, વિરાટ! તું ક્યારેય મારા માટે ગંભીર નહોતો. તને હંમેશાં બીજા વિકલ્પોની શોધ રહેતી હતી.' આર્યાનો ગુસ્સો હવે આંસુઓમાં ભળી ગયો.
વિરાટે ટેબલ પર હાથ મૂક્યો. 'આર્યા, પ્લીઝ આવું ના બોલ. મેં તને હંમેશાં ચાહી છે, પણ સંબંધો માત્ર પ્રેમથી નથી ચાલતા. તેમાં સમજણ, વિશ્વાસ અને ભવિષ્યની સમાન દૃષ્ટિ પણ હોવી જરૂરી છે.'
'અને હવે તને એ બધું બીજામાં દેખાય છે, ખરું ને?' આર્યાએ વ્યંગમાં કહ્યું.
વિરાટ ચૂપ રહ્યો. તેની ચુપકીદી આર્યા માટે કોઈ જવાબથી ઓછી નહોતી.
થોડીવાર શાંતિ છવાઈ રહી. પછી આર્યાએ પોતાનો પર્સ ખોલ્યો અને પોતાનો જૂનો ફોન કાઢ્યો. એ ફોન તેમણે સાથે વિતાવેલા શરૂઆતના દિવસોમાં ખરીદ્યો હતો.
'યાદ છે આ ફોન?' આર્યાએ ફોન વિરાટ સામે ધર્યો. 'આપણા પ્રેમની શરૂઆતના કેટલા મેસેજ અને કોલ્સ હશે આમાં.'
વિરાટે ફોન તરફ જોયું. તેના ચહેરા પર એક ઝાંખી સ્માઈલ આવી ગઈ. 'હા, યાદ છે. તારો પહેલો 'આઈ લવ યુ' મેસેજ પણ આમાં જ હતો.'
'અને આજે આ ફોન પર આપણી છેલ્લી વાત થઈ રહી છે.' આર્યાનો અવાજ ફરીથી ભીનો થઈ ગયો.
'આર્યા, પ્લીઝ તું રડીશ નહીં. મારા માટે આ બધું કહેવું પણ આસાન નથી.' વિરાટે તેનો હાથ પકડવા પ્રયત્ન કર્યો, પણ આર્યાએ પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
'હવે સ્પર્શ પણ નહીં, વિરાટ. જ્યારે સંબંધ જ નથી રહ્યો તો સ્પર્શનો શું અર્થ?'
વિરાટનો ચહેરો ફિક્કો પડી ગયો.
આર્યાએ ફોનમાં કંઈક ટાઈપ કર્યું અને પછી ફોન વિરાટ સામે મૂકી દીધો. 'આ મારો છેલ્લો મેસેજ છે તારા માટે. વાંચી લે.'
વિરાટે ફોન ઉપાડ્યો અને સ્ક્રીન પર જોયું. મેસેજમાં લખ્યું હતું: 'હું તને ક્યારેય માફ નહીં કરું, પણ હું તને હંમેશાં પ્રેમ કરતી રહીશ.'
વિરાટની આંખો પણ ભીની થઈ ગઈ. તે કશું બોલી શક્યો નહીં.
આર્યા ઊભી થઈ. 'મારો સમય પૂરો થયો. ગુડબાય, વિરાટ.'
તે ઝડપથી કોફી શોપની બહાર નીકળી ગઈ. વિરાટ ત્યાં જ બેસી રહ્યો, હાથમાં આર્યાનો જૂનો ફોન પકડીને. એ ફોન જાણે તેમના તૂટેલા સંબંધોની મૂક સાક્ષી હતો. એ 'છેલ્લો ફોન' એક અધૂરી પ્રેમ કહાનીનો અંત હતો, જેમાં કદાચ બંનેના દિલમાં ક્યાંક પ્રેમની એક નાની ચિનગારી હજી પણ સળગી રહી હતી.- હેતલ જાની શિવા
વુમનોલોજી:સુંદરતાના સિક્કાની કદરૂપી બાજુ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-ugly-side-of-the-beauty-coin-135154904.html

દરતાની બીજી બાજુ કેમ કુરૂપ હોય છે? સુંદરી હોય ત્યાં વિવાદ થાય જ? વાત એમ છે કે, ભારતના યજમાનપદે વિશ્વ સુંદરીની સ્પર્ધા આયોજિત થઇ છે. 31મી મેના રોજ ફાઇનલ રાઉન્ડ છે. એ પહેલાં મિસ ઇંગ્લેન્ડ મિલા મેગીએ આ સ્પર્ધા એક મોટા અને ગંભીર આક્ષેપ સાથે છોડી. મિસ ઇંગ્લેન્ડનો આક્ષેપ છે કે, આયોજક અને સ્પોન્સરરને ખુશ રાખવાની માગણી મને બજારુ મહિલા જેવો અનુભવ કરાવે છે. આ ઉપરાંત ભારતનું ગરીબ ચિત્ર પણ એણે મીડિયા સમક્ષ મૂક્યું. ‘હું તો પરિવર્તન માટે ગઈ હતી, પરંતુ ત્યાં તો જાણે વાંદરાની જેમ બેસીને ચેનચાળા કરવાના હતા અને નૈતિકતાની દૃષ્ટિએ હું એનો ભાગ ન બની શકું.’
આવી ચકચાર અને ચર્ચા સાથે ઇંગ્લેન્ડની રૂપસુંદરીએ અધવચ્ચેથી સ્પર્ધા છોડી ત્યારે તમામ વિવાદોની જેમ આ ઘટનાના પણ બે પક્ષ તૈયાર થઇ ગયા. સ્ત્રીના હિત, અધિકાર અને ખાસ કરીને સન્માનને મહત્ત્વ આપતા તમામ લોકો આ ઘટના વખોડે જ. અલબત્ત મિસ વર્લ્ડ સ્પર્ધાના સીઈઓ તથા તેલંગણા સરકારના ચીફ સેક્રેટરી જયેશ રાજને આ આખી બાબતને રદિયો આપતાં પૂરી સ્પષ્ટતા કરી છે.
સ્પર્ધામાં નિષ્ફળ જવાના એંધાણથી સ્પર્ધા છોડતા પહેલાં વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચાય એ હેતુથી મિસ ઇંગ્લેન્ડે ભારત, હૈદરાબાદ તથા સંપૂર્ણ ઇવેન્ટના આયોજક પર ભદ્દા આક્ષેપ મુક્યા છે અને એના તમામ પુરાવા પણ મીડિયા સામે આપવામાં આવશે એવું કવરેજ છે. હોલિવૂડ, બૉલિવૂડ, ફેશનવર્લ્ડ કે અન્ય કોઈ પણ ગ્લેમર જગતમાં કાસ્ટિંગ કાઉચ, સેક્સ સ્કેન્ડલ અને સ્ત્રીનું વસ્તુકરણ વધુ જોવા મળે છે. આથી મિલાની વાત પુરાવા વગર માની લેવાય છે.
બિલકુલ એ જ રીતે કોઈ પણ સ્ત્રી જયારે સફળતાનાં રસ્તે આગળ વધે છે ત્યારે પહેલો પ્રશ્ન તેના ચારિત્ર્ય અને નૈતિકતા વિશે થાય છે. સ્ત્રીની સુંદરતા, આકર્ષક શરીર સૌષ્ઠવ અને બહિર્મુખી અભિવ્યક્તિ હંમેશાં સન્માનને બદલે ગેરસમજ, માનહાનિ અને સંઘર્ષને આમંત્રણ આપે છે. સ્ત્રીના કેરેકટરની વ્યાખ્યામાં હંમેશાં તેના પુરુષ સાથેના સંબંધ ધ્યાને લેવાય છે. ધારો કે કોઈ સ્ત્રી તેનાં સહ કર્મચારીઓ માટે આકરી હોય, માતા-પિતાનું અપમાન કરતી હોય કે પછી દુકાનમાં જઈને નાની બાબત માટે ઝગડો કરે એના ચારિત્ર્યની વાત ન થાય પરંતુ પુરુષ મિત્ર સાથે લાંબા સમય સુધી કોમ્યુનિકેશન રાખે, વ્યવસાયની જગ્યા એ તેને પુરુષ દ્વારા વધુ એટેન્શન મળે તો તેની જાણ બહાર તેના કિસ્સા-કહાનીઓ વાઇરલ થાય.
સિક્કાની બીજી બાજુમાં એક સ્ત્રી સમુદાય પણ એવો જોવા મળે છે કે, જેઓ બુદ્ધિ કે ક્ષમતાની અવેજીમાં એમના કામણ કે સુંદરતાનો ઉપયોગ કરે છે. બળાત્કારના પ્રયત્નો કે પોક્સો એક્ટ જેવી ગંભીર બાબત માટે પણ એવી ‘રમત’ રમાય છે, જેના કારણે એનો ભોગ બનેલ સ્ત્રી કે પુરુષ માટે અનેક સમસ્યાઓ ઉભી થાય છે.
સ્ત્રીને તેની બૌદ્ધિક ક્ષમતા, વ્યવસાયિક સજ્જતા કે જે તે ક્ષેત્રની તેની કુશળતા જોવાને બદલે એના શરીરના માપ, એના પુરુષ સાથેના સંબંધ જેવા માપદંડ રાખીએ તો આખું સર્ટિફિકેટ જ ખોટુ બને. કોઈ પણ સ્ત્રીને આસાનીથી 'ચાલુ' કહી દેતા લોકોને કઈ રીતે ચાલતી પકડાવવી એ આપણા હાથમાં છે.
જો એક સ્ત્રી તરીકે તમે તમારા વ્યક્તિત્વ અને ઓળખને પ્રાધાન્ય આપવા માગો છો તો તમારું ફોકસ આકર્ષણ કે ધ્યાન નહીં, સ્વીકાર અને સન્માન હોવા જોઈએ.
સુનામી:તમારી વચ્ચે વિરાટ-અનુષ્કા જેવી પાર્ટનરશિપ છે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/do-you-have-a-partnership-like-virat-anushka-135154900.html

લોકો રેકોર્ડસ અને માઇલસ્ટોનની વાત કરશે...પણ મને હંમેશા યાદ રહેશે એ આંખો-જેમાં ક્યારેય પણ આંસુ નથી આવ્યા, એ લડાઇઓ જે કોઇએ નથી જોઇ...અને એ ફોર્મેટ સાથેનો તારો અતૂટ પ્યાર-જેને હર સમયે તું શિદ્દતથી જીવ્યો....મને ખબર છે-આ બધું તારી પાસેથી કંઇ કેટલુંય છીનવી ગયું...હર ટેસ્ટ સિરીઝ પછી તું સહેજ વધારે સમજદાર થઇને ઘરે પાછો ફરતો-થોડો વધુ વિનમ્ર....અને આ સફરમાં તને ધીરે-ધીરે-વધારે ને વધારે પરિપક્વ થતા જોવો એ મારું સૌભાગ્ય રહ્યું. ક્યારેક લાગતું કે ઇન્ટરનેશનલ ક્રિકેટને તું સફેદ જર્સીમાં અલવિદા કહેશે. પણ તેં હંમેશા દિલનું સાંભળ્યું અને આજ મારે માત્ર એટલું જ કહેવું છે કે-માય ડિઅર લવ...ગુડબાયની આ પળોનો તું સાચો હકદાર છે.... !!
ટેસ્ટ ક્રિકેટમાંથી વિરાટ કોહલીએ રિટાયરમેન્ટ લીધું એ પછી એની પત્ની અનુષ્કા શર્માએ પોતાનાં ઇન્સ્તાગ્રામ પર આ પોસ્ટ લખી. દેશને જીતાડવા માટે વિરાટ વર્ષો સુધી બીજા ખેલાડીઓ સાથે મેદાન પર પાર્ટનરશિપ કરતો રહ્યો અને દેશ જીતતો રહે એ માટે એક પત્ની મેદાનની બહાર પાર્ટનરશિપ કરતી રહી!
અનુષ્કાની આ પોસ્ટ એક પત્નીની પાર્ટનરશિપનું પ્રમાણ છે ! જ્યારે તમે સેલિબ્રિટી હોવ, તમારો પતિ સેલિબ્રિટી હોય, તમે શું કરી રહ્યા છો એના પર આખા દેશની નજર હોય-પતિનું પરફોર્મન્સ નબળું પડી રહ્યું હોય-નબળા પરફોર્મન્સને કારણે પતિ સમય કરતા વહેલો રિટાયર થઇ રહ્યો હોય-દેશભરનાં મિડીયા તમારા પતિ સામે તાકી રહ્યા હોય એવા સમયે પતિનો નિર્ણય પત્નીનાં સેલિબ્રિટીપણાંને-પત્નીની પબ્લિક ઇમેજને પણ અસર કરતો હોય છે. પણ આમાંથી કોઇની પણ પરવા કર્યા વિના-તમે પતિની પડખે અડીખમ ઊભા રહો ત્યારે પતિ સાથેની પાર્ટનરશિપમાં લગ્નજીવનની સદી ફટકારતા હોવ છો!
અનુષ્કા પાસેથી દરેક પત્નીઓએ પાર્ટનરશિપ શીખવી જોઇએ! રિટાયરમેન્ટ પછી વિરાટની બોડી લેંગ્વેજ ઢીલી પડી પણ અનુષ્કા ઢીલી પડી નહીં-એ વિરાટ સાથે પ્રેમાનંદ મહારાજને પણ મળી અને અયોધ્યા દર્શન પણ કરી આવી-ટૂ્ંકમાં પતિની સાથે અડીખમ રહીને એણે જાત્તે પોત્તે તો પતિએ લીધેલા નિર્ણયનું સન્માન તો કર્યું જ પણ પતિને દુનિયા સામે સહેજ પણ ઢીલો ન પડવા દીધો!
દરેક પતિ-પત્ની, દરેક પ્રેમી કે પ્રેમિકા વચ્ચે આવી પાર્ટનરશિપનું હોવું ખૂબ જરૂરી છે. આપણે ત્યાં કેટલીક પત્નીઓ પતિનાં રિટાયરમેન્ટ સમયે એવું કહેતી હોય છે, ‘ઘરે બેસીને શું કરવાનાં?’, ‘આમ સમય કરતા વહેલા રિટાયર થશો તો લોકોને લાગશે કે તમને કાઢી મૂકયા કે તમે કોઇ ગોટાળો કર્યો!’
આવી પત્નીઓને પોતાનાં પતિનાં રિટાયરમેન્ટ વિશે કિટ્ટી પાર્ટીની બેનપણીઓ કે બાજુમાં રહેતા મનિષાબેન કે દૂરનાં સંબંધી સવિતાબેન શું કહેશે-એની ચિંતા રહેતી હોય છે અને જાણ્યે અજાણ્યે આવી પત્નીઓ પતિનાં આત્મવિશ્વાસ પર વારંવાર કુહાડીઓ ઝીક્યા કરતી હોય છે!
અનુષ્કાએ એની પોસ્ટમાં સાફ લખ્યું છે કે, ‘મને હતું કે તું ઇન્ટરનેશનલ ક્રિકેટને સફેદ જર્સીમાં અલવિદા કહેશે!’ એટલે એનો અર્થ એ થયો કે એ તો નહોતી જ ઇચ્છતી કે એનો પતિ અત્યારે અલવિદા કહી દે….અને છતાં એણે પોતાનો વિચાર પતિ પર થોપવાનો પ્રયાસ કર્યો નહીં, પતિનાં નિર્ણયને માન આપ્યું-સન્માન આપ્યું.
લગ્નજીવન હોય કે પ્રેમ સંબંધ હોય એ પણ ક્રિકેટની જેમ પાર્ટનરશિપ-ટીમ વર્ક પર ટકી જાય છે. જ્યારે તમારી ગમતી વ્યક્તિ ખૂબ બોલે ત્યારે ચૂપ રહેવાની પાર્ટનરશિપ, જ્યારે તમારી ગમતી વ્યક્તિ બિલકુલ ના બોલે ત્યારે એની પાસે બોલાવવાની પાર્ટનરશિપ, ઉદાસીની પાર્ટનરશિપ, સન્નાટાઓની પાર્ટનરશિપ, અવાજોની પાર્ટનરશિપ, મૌનની પાર્ટનરશિપ, ચીસોની પાર્ટનરશિપ, આંસુઓની પાર્ટનરશિપ, સપનાંઓની પાર્ટનરશિપ, ઇચ્છાઓની પાર્ટનરશિપ, અધૂરી રહી ગયેલી ઇચ્છાઓમાં પાર્ટનરશિપ, તૂટી ગયેલા સપનાંઓમાં પાર્ટનરશિપ, સંવાદોમાં પાર્ટનરશિપ, બાકી રહી ગયેલા સંવાદોમાં પાર્ટનરશિપ, ઝગડાઓનાં પાર્ટનરશિપ, સુલેહોમાં પાર્ટનરશિપ!
પાર્ટનરશિપનો અર્થ પચાસ-પચાસ ટકા એવો બિલકુલ નથી થતો. જીતવા માટે સો રન જોઇતા હોય અને એક જ રન બાકી હોય ત્યારે એ એક રન થઇ શકે એ માટે સ્ટ્રાઇક પર ઊભેલા પાર્ટનરને કરાતી મદદ-સપોર્ટને પાર્ટનરશિપ કહેવાય.
આપણે લગ્નજીવનમાં કે પ્રેમ સંબંધમાં પતિ કે પત્ની મટી કે પ્રેમી કે પ્રેમિકા મટી એકબીજાનાં દોસ્ત બનવાની કોશિષો કરતા રહીએ છીએ. કારણ કે-આપણે એવું માનીએ છીએ કે એક બેસ્ટ ફ્રેન્ડ એનાં બીજા બેસ્ટ ફ્રેન્ડને બધું જ કહી દે! પોતાનો પતિ કે પ્રેમી પોતાને બધું કહી દે એ માટે એની દોસ્તાર બનવાની કોશિષ કરતી પત્વની કે પ્રેમિકા એનાં પાર્ટનર બનવાનું ચૂકી જાય છે અને પાર્ટનરશિપનાં અભાવે ક્યારેક હૂંફની, ક્યારેક વિશ્વાસની તો ક્યારેક સમજણની મેચ હારી જતી હોય છે!
હવે સવાલ એ છે કે પતિ-પત્ની, પ્રેમી કે પ્રેમિકા સાથેની પાર્ટનરશિપ કેવી રીતે કરવાની? તમારી પાર્ટનરશિપ એક્સિલેટર જેવી હોવી જોઇએ, તમારી પાર્ટનરશિપ બ્રેક ના બને એની કાળજી લેવાવી જોઇએ.
તમારી પાર્ટનરશિપ બાકી બચેલા એક બોલ છ રનમાં બોલને સ્ટેડિયમ બહાર ફટકારવાની હિંમત અને આત્મવિશ્વાસ આપી શકતી હોવી જોઇએ! તમારી પાર્ટનરશિપ આંગળીમાં પહેરાયેલી ચેન્ટિંગ કાઉન્ટની વીંટી જેવી હોવી જોઇએ, તમારી પાર્ટનરશિપ દરિયો તરવા માટે પકડાયેલા તરણાં જેવી હોવી જોઇએ!
તમારી પાર્ટનરશિપ એ એકબીજા પરની પચાસ ટકાની માલિકી નથી, પણ તમારી પાર્ટનરશિપ એકબીજા પરનાં અધિકારને જતો કરાયા પછી શરૂ થતી હોય છે! એક પછી એક સતત નબળું પરફોર્મ કરતા પાર્ટનરને બીજા પાર્ટનરે ‘લેટ્સ અનધર ટ્રાય’ કે ‘યુ કેન ડુ ઇટ’નાં મોટીવેશનલ વાઇડ બોલ નથી ફેંકવાનાં હોતા, ‘મને ખબર જ હતી’નાં કેચ પણ પકડવાનાં નથી હોતા. થાકી ગયેલા-જાત સામે હારવાની સરહદે આવીને ઊભા રહી ગયેલા પાર્ટનર માટે બીજા પાર્ટનરે સ્ટમ્પમાં જાતે બેટ મારી આવવાનું હોય છે!
આ પાર્ટનરશિપ છે! દરેક પતિ-પત્ની કે દરેક પ્રેમી-પ્રેમિકા વચ્ચે જો આ પ્રકારની પાર્ટનરશિપ હોય તો એમનો સંબંધ પ્રેમની મેચ મોટાભાગે હારી જતો નથી! બોલો, તમારા અને તમારા પાર્ટનર વચ્ચે કયા પ્રકારની પાર્ટનરશિપ છે?
રસથાળ:સ્વાદમાં લાજવાબ અને ઝટપટ બનતા ચટાકેદાર પૂડલા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/delicious-and-quick-to-make-delicious-pudla-135154897.html

વેજ પનીર ઓટ્સ પૂડલા
સામગ્રી: ઓટ્સ– 1 કપ, રવો – 1 ચમચી, મિક્સ વેજીટેબલ્સ (ઝીણા સમારેલા) – અડધો કપ, સમારેલું લીલું મરચું–1 નંગ, સમારેલી કોથમીર– 2 ચમચી, છીણેલું પનીર–અડધો કપ, મીઠું– સ્વાદ મુજબ, જીરું–અડધી ચમચી, ચાટ મસાલો-અડધી ચમચી, તેલ–જરૂર મુજબ
રીત: સૌથી પહેલાં ઓટ્સને કોરા જ તવીમાં લગભગ 2 મિનિટ શેકી લો. તેમાં રવો ઉમેરી મિક્સરમાં ક્રશ કરી લો. હવે આ મિશ્રણમાં મીઠું, જીરું અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ખીરું ન તો વધુ પાતળું ન તો વધુ જાડું હોવું જોઈએ. નોનસ્ટિક તવીને ગરમ કરો અને તેના પર થોડું તેલ લગાવો. તૈયાર કરેલું ખીરું પાથરી સમારેલા શાક, કોથમીર ચાટ મસાલો અને છીણેલું પનીર ભભરાવો. થોડું તેલ મૂકી ધીમા-મધ્યમ તાપે બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. પૂડલાને કોથમીરની ચટણી સાથે ગરમાગરમ પીરસો. પોષક તત્વોથી ભરપૂર આ ઓટ્સ પૂડલા દિવસના આરંભ માટે એકદમ યોગ્ય છે! બીટ પૂડલા
સામગ્રી: બીટ-1 નંગ, ટામેટાં-2 નંગ, લીલા મરચાં-2 નંગ, ડુંગળી-1, આદુ- નાનો ટુકડો, લસણ પેસ્ટ- અડધી ચમચી, ચણાનો લોટ-2 કપ, સેઝવાન સોસ-2 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ઘી અથવા માખણ-શેકવા માટે
રીત: સૌપ્રથમ બધાં શાકભાજીને સારી રીતે ધોઈ કાપી લો. એક વાસણમાં થોડું પાણી લઇ તેમાં મીઠું ઉમેરો અને બધી શાકભાજીઓને ધીમા તાપે બાફી લો. હવે બાફેલી શાકભાજી, લસણ પેસ્ટ સાથે સેઝવાન સોસ, ગરમ મસાલો અને મીઠું મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. આ પેસ્ટમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ખીરું બહુ પાતળું ન હોવું જોઈએ. હવે નોનસ્ટીક તવા પર એમ ઘી અથવા માખણ લગાવો અને પૂડલા પાથરો. બંને બાજુથી સારી રીતે શેકી લો. ગરમા-ગરમ, પોષણયુક્ત અને મસાલેદાર બીટ પૂડલા કોથમીરની ચટણી સાથે સર્વ કરો. ચીઝી આલુ પૂડલા
સામગ્રી: બાફેલા બટાકા– 4થી 5, સમારેલું કેપ્સિકમ- પા કપ, સમારેલી કોથમીર–પા કપ, કોર્નફ્લોર–3થી 4 ચમચી, છીણેલું ચીઝ- અડધો કપ, ચીલી ફ્લેક્સ–સ્વાદ પ્રમાણે, મીઠું–જરૂર મુજબ, ઘી–શેકવા
રીત: બાફેલા બટાકાને છીણી લેવા. તેમાં કોર્નફ્લોર, કોથમીર, કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો. સારી રીતે મિક્સ કરો જેથી લીસ્સો અને થોડો ઢીલો માવો તૈયાર થશે. નોનસ્ટિક તવી ગરમ કરી થોડું ઘી લગાવી બટાકાના માવામાંથી થોડો માવો લઈ અને હાથ વડે પાથરો. ઘી લગાવી બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. શેકાયેલા પૂડલા પર છીણેલું ચીઝ અને થોડું ચીલી ફ્લેક્સ ભભરાવો. ઢાંકીને 2 મિનિટ ચીઝ પીગળી જાય ત્યાં સુધી તવી પર રહેવા દો.ચીઝી આલુ પૂડલા ટામેટા સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો. બાળકોને અને મોટાઓને પણ બહુ ભાવશે! મમરાના પૂડલા
સામગ્રી: મમરા- 2 કપ, દહીં-1 કપ, ચણાનો લોટ- અડધો કપ, સમારેલી ડુંગળી-અડધો કપ, સમારેલા ટામેટાં-પા કપ, બારીક સમારેલા લીલા મરચાં-અડધી ચમચી, છીણેલું ગાજર- પા કપ, સમારેલું કેપ્સિકમ-પા કપ, બાફેલા વટાણા-પા કપ, છીણેલું આદુ- નાનો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-પા કપ
રીત: સૌપ્રથમ મમરાને સાફ કરી અને એક વાસણમાં દહીં સાથે પલળવા મૂકો. લગભગ દસ મિનિટ ઢાંકીને રહેવા દો જેથી મમરા નરમ થઈ જાય. હવે તેમાં ચણાનો લોટ અને બાકીની બધી સામગ્રી મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું સારી હલાવીને ખીરું તૈયાર કરો. ખીરું એટલું જ નરમ હોવું જોઈએ કે તવા પર સારી રીતે ફેલાઈ શકે. નોનસ્ટીક તવા પર થોડું તેલ લગાવી પૂડલો પાથરો. ધીમા તાપે બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી શેકો. ગરમા-ગરમ પૂડલા લીલી ચટણી કે ટામેટાં કેચઅપ સાથે સર્વ કરો. દુધીના પૂડલા
સામગ્રી: ચણાનો લોટ– 1 કપ, છીણેલી દુધી–અડધો કપ, આદુ-મરચાં-લસણની પેસ્ટ–2 ચમચી, અજમો–પા ચમચી, હળદર- અડધી ચમચી, લાલ મરચું પાઉડર– અડધી ચમચી, હીંગ-પા ચમચી, મીઠું–સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-પા કપ, પાણી-જરૂર મુજબ, તેલ–શેકવા માટે
રીત: એક બાઉલમાં ચણાનો લોટ, છીણેલી દુધી, આદુ-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, અજમો, હળદર, લાલ મરચું, હીંગ અને મીઠું ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરી અને જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. ગરમ તવી પર થોડું તેલ લગાવી ખીરું પાથરો અને બને સાઇડ સરસ શેકી લો. રવાના પૂડલા
સામગ્રી: શેકેલો રવો– 1 કપ, દહીં-અડધો કપ, પાણી-પોણો કપ, ઝીણા સમારેલા શાકભાજી (કોબીજ, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, લીલું લસણ, લીલી ડુંગળી)-1 કપ, લસણ-આદુ-મરચાંની પેસ્ટ–1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ – 1 ચમચી, રાઈ–1 ચમચી, તલ–1 ચમચી, હીંગ–ચપટી
2025/07/12 04:24:38
Back to Top
HTML Embed Code: