Telegram Web Link
વાત તનમનની:પાકિન્સન્સ એટલે શું? તેનો ઉપાય શું છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-parkinsons-what-is-the-treatment-for-it-135277024.html

મનન ઠકરાર પ્રશ્ન : શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનો શું સંબંધ છે?
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એ મનુષ્યના સમગ્ર જીવન માટે એકબીજાને પૂરક અને પરસ્પર આધારિત છે. મન અને શરીર – બંનેના હેતુ અલગ હોય છતાં, બંનેનું કામકાજ પરસ્પર સંકળાયેલું છે. જો માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોય તો શરીર પર અસર પડે છે અને જો શરીરમાં બીમારી હોય તો મન પણ અસ્વસ્થ રહે છે. આ સંબંધને તબીબી ભાષામાં ‘મન-શરીર જોડાણ’ કહેવામાં આવે છે.
માનસિક તાણ હોય ત્યારે લોકો ઘણીવાર માથાના દુખાવા, પેટમાં તકલીફ, ઊંઘમાં ખલેલ, શરીરમાં થાક, હૃદય ધબકારા વધ્યા જેવી શારીરિક તકલીફ અનુભવતા હોય છે. લાંબા સમય સુધી માનસિક ચિંતા રહે તો રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, જેના કારણે ચેપ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, ઘણાં લોકોમાં માનસિક તણાવથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા હૃદયના રોગો ઊભા થઈ શકે છે.
બીજી બાજુ, જો શરીર બીમાર હોય – જેમ કે કિડનીની બીમારી, કેન્સર કે લાંબા સમયથી ચાલતી પીડા જેવી બીમારીઓ હોય – તો એ વ્યક્તિ ડિપ્રેશનમાં જઈ શકે છે. શારીરિક તકલીફે જીવનની મજા ઓછી કરી નાખી હોય, પોતે બીજાને ઊપયોગી નથી એવું લાગતું હોય, તો મનમાં નકારાત્મકતા ઘૂસે છે.
માનસિક સ્વાસ્થ્ય એ શરીરની અંદરથી ચલાવનાર એનર્જી છે. તમે નમ્ર, આશાવાદી અને સ્થિર માનસિકતા ધરાવો છો તો શરીર પણ વધુ સારી રીતે પ્રતિસાદ આપે છે. ઊંઘ સારી મળે છે, પાચન સુધરે છે, અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રહે છે.
શું કરી શકાય?
નિયમિતપણે યોગાભ્યાસ અને ધ્યાન કરવું. ધ્યાન અને યોગ શરીરને શાંત અને મનને સ્થિર કરે છે. ચાલવા જેવી હળવી કસરત, વ્યાયામ કરીને, શરીરને એક્ટિવ રાખવું. આમ કરવાથી ડોપામિન, એન્ડોરફિન હોર્મોનનો સ્રાવ થાય છે. તેથી આનંદ અનુભવાય છે.
ઘરનું વાતાવરણ સકારાત્મક રાખવું. પરિવારમાં સ્નેહ, મૈત્રી, સહકાર હોય તો મન પ્રફુલ્લિત રહે છે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જ્યારે તમને લાગે કે તમે અનિદ્રાનો ભોગ બની રહ્યા છો , અનાવશ્યક ચિંતા કરી રહ્યાં છો, ઊર્જા નથી રહી ત્યારે તબીબી માર્ગદર્શન લેવું. એટલે જ કહેવાય છે કે સ્વસ્થ દેહમાં સ્વસ્થ મન વસે છે અને સ્વસ્થ મન સ્વસ્થ દેહ બનાવી શકે છે. બંને એકબીજા પર આધારિત છે.
પ્રશ્ન : પાર્કિન્સન્સ એટલે શું? તેનો ઉપાય શું છે?
પાર્કિન્સન્સ એ મગજની બીમારી છે. તેમાં શરીરની હલનચલનને લગતો ફેરફાર થાય છે. સામાન્ય રીતે મગજમાં ડોપામિન નામનો રાસાયણિક પદાર્થ છે. તે શરીરના હલનચલનને નિયંત્રિત કરે છે – જેમ કે ચાલવું, હાથ હલાવવો, લખવું, બોલવું વગેરે. જ્યારે ડોપામિનનું પ્રમાણ ઘટી જાય છે, ત્યારે આ પ્રકારની ક્રિયાઓ ધીમી, અસામાન્ય અને કઠિન થઈ જાય છે.
પાર્કિન્સન્સનાં મુખ્ય લક્ષણોમાં હાથ કે પગ ધીમે ધીમે ધ્રૂજવા લાગે, ચાલવાની ધીમી ગતિ અને અશક્તિ, ચહેરા પર ભાવ ઓછા દેખાવા, અવાજ ધીરો થવો, જીભના લોચા વળે, હાથ-પગ હલાવવામાં મુશ્કેલી પડે, સંતુલન ન રહે, પડી જવાનું જોખમ વધી જાય, લખતી વખતે હસ્તાક્ષર નાના થવા વગેરેનો સમાવેશ થાય છે.
આ રોગ સામાન્ય રીતે 60 વર્ષની ઉંમર બાદ વધુ જોવા મળે છે, પણ ખાસ પરિસ્થિતિઓમાં 40-50ની ઉંમરથી પણ શરૂ થઈ શકે છે. આ રોગ ધીમે ધીમે વિકસે છે, એટલે શરૂઆતમાં લક્ષણો ખુબ નાજુક હોય છે – જેમ કે એક હાથ જ ધ્રૂજે, ચાલવામાં થોડો સંતુલન ગુમાય. પણ સમય જતાં સમસ્યા વધતી જાય છે.
મગજના સીટી સ્કેન અને તબીબી નિરીક્ષણ દ્વારા લક્ષણોનું મૂલ્યાંકન દ્વારા પાર્કિન્સન્સનું નિદાન થઇ શકે છે. તેની સારવારમાં મગજમાં ડોપામિનનું પ્રમાણ વધારવા માટે દવાઓ આપવામાં આવે છે. આનાથી રોગના કેટલાંક લક્ષણોને કાબૂમાં રાખી શકાય છે, પરંતુસંપૂર્ણપણે રોગને નાથી શકાતો નથી.
પાર્કિન્સન્સ ધરાવતા લોકોને રોજની કેટલીક ખાસ કસરતો શીખવવામાં આવે છે, જેનાથી સંતુલન સુધારી શકાય છે. અનેક દર્દીઓને બોલવામાં તકલીફ હોય છે. ધીરો અવાજ થાય છે. આવી સ્થિતિમાં ભાષા થેરપીથી અવાજ સુધારી શકાય છે.
કેટલાક ગંભીર કિસ્સાઓમાં તબીબો મગજમાં નાનું ઉપકરણ મૂકે છે, જે વીજપ્રવાહના માધ્યમથી ધ્રુજારી અને અન્ય લક્ષણોને નિયંત્રિત કરે છે. આ લાંબા ગાળાનો રોગ છે. દર્દી સાથે પ્રેમભરી વાતચીત, દરરોજ આશાવાદી વલણ અને સહાનુભૂતિપૂર્વકના વર્તનથી તેઓ વધારે આત્મવિશ્વાસ અનુભવે છે.
જીવનશૈલી અને ધ્યાન રાખવા જેવી બાબતો
નિયમિત દવા લેવી.
આરામ અને ઊંઘ પૂરતી લેવી.
દિનચર્યા માટે સહારો લેવો.
‘પાર્કિન્સન્સ સપોર્ટ જૂથો’માં જોડાવું.
લલિત ખંભાયતા અમદાવાદમાં થયેલા ‘એર ઈન્ડિયા’ના આઘાતજનક અકસ્માત પછી સૌની નજર કારણ શોધવામાં છે. શા માટે આવો ભીષણ અકસ્માત થયો એ સૌ કોઈ જાણવા માગે છે.
એ જાણવા માટે વિમાનના બ્લેક બૉક્સની તપાસ અનિવાર્ય છે.
સદભાગ્યે બ્લેક બૉક્સ બીજા જ દિવસે મળી આવ્યું છે. ગમે તેવા પ્રચંડ અકસ્માતમાં પણ બ્લેક બૉક્સને કંઈ થાય એવી શક્યતા ઓછી છે. એની રચના જ એવી કઠણ કાળજા જેવી છે.
પણ બ્લેક બૉક્સમાં એવું શું હોય છે કે એના દ્વારા વિમાની અકસ્માતની તમામ આંટીઘૂંટી ખૂલી જાય છે અને ચિત્ર બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ થાય. અલબત્ત, બ્લેક બૉક્સમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ થતું ચિત્ર જાહેર જનતા સુધી પહોંચે એવું જરૂરી નથી, કેમ કે એમ કરવાં જતા વિમાન બનાવનારી કંપની, એરલાઈન્સ કંપની, એરપોર્ટ ઓથોરિટી, નાગરિક ઉડ્ડયન વિભાગ એમ ઘણાંબધાંને મુશ્કેલી થઈ શકે. એટલે બ્લેક બૉક્સમાંથી વિગતો મળી આવે તો પણ એ વ્હાઈટ એટલે કે જાહેર થવાને બદલે બ્લેક એટલે કે અંધારામાં રહે એવી શક્યતા વધારે છે.
***
પહેલી વાત એ કે બ્લેક બૉક્સ નામ હોવા છતાં એ બ્લેક નથી, ભડકીલા કેસરી-લાલ રંગ (ઈન્ટરનેશનલ ઓરેન્જ કલર એવું નામ પણ છે)નું છે, કેમ કે એ વિમાન અકસ્માત પછી વેરાયેલા કાટમાળમાંથી આસાનીથી મળી જવું જોઈએ. જો નામ પ્રમાણે કાળો કલર ધરાવતું હોય તો મળતા બહુ વાર લાગે. વિમાનનો કાટમાળ જ બળીને કાળો થયો હોય ત્યાં કાળું ખોખું શોધવું આસાન નથી.
બીજી વાત એ કે બ્લેક બૉક્સ એ બે અલગ અલગ ભાગનો સંગમ છે. એકનું નામ છે ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને બીજાનું નામ છે, કોકપીટ વૉઇસ રેકોર્ડર (CVR). ફ્લાઈટ ડેટા રેકોર્ડરને ઘણીવાર ‘સોલિડ સ્ટેટ ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ પણ કહેવામાં આવે છે. હવેના રેકોર્ડર ડિજિટલ હોય એટલે ‘ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર’ એવું નામ પણ છે. નામ ગમે તે હોય, કામ સરખું જ છે. આ બંને સાધનો ભેગાં થાય એનું જ નામ બ્લેક બૉક્સ.
બંનેનાં નામ પરથી તેનું કામ સ્પષ્ટ થઈ આવે છે, છતાં પણ વિગતે સમજવા જેવું છે.
ફ્લાઈટ ડેટા રેકોર્ડર
પહેલી વાત તો એ કે ફ્લાઈટ ડેટા રેકોર્ડ થાય એટલે એક્ઝેટલી શું રેકોર્ડ થાય? વિમાનમાં છગનભાઈ બેઠા છે કે નહીં એ રેકોર્ડ થાય? કે પછી વિમાનમાં કોઈ બાળક સતત રડરડ કરે છે એ રેકોર્ડ થાય?
ફ્લાઈટ ડેટા એટલે કે માહિતી ગણવી કોને?
સમય
સ્પીડ
હવાનું દબાણ
દિશા
એક-બે-ચાર જેટલાં હોય એ દરેક એન્જિનનો પાવર
પાંખિયાં પર રહેલાં ફ્લેપનો એંગલ
બહારની હવાનું તાપમાન
રેડિયો ટ્રાન્સમિશનની વિગતો
ટેક ઓફ ડિસિઝન સ્પીડ
આ બધો તો ફ્લાઈટ ડેટા ગણાયને! આ બધા ઉપરાંત આવા ત્રણ હજારથી વધારે પેરામિટર્સ ડેટા રેકોર્ડરમાં નોંધવામાં આવે છે. 3 હજારનો આંકડો પહેલી નજરે મોટો લાગે, પણ વિમાનમાં સેંકડો સેન્સર્સ હોય, કોકપીટમાં જ સંખ્યાબંધ ચાંપો હોય, કિલોમીટર્સ લાંબા વાયર હોય.. એ બધાંની ગતિવિધિ ક્યાંય નોંધાતી હોય તો એ જગ્યાનું નામ ‘ફ્લાઈટ ડેટા રેકોર્ડર’ છે.
અમદાવાદમાં જે વિમાન તૂટી પડ્યું એ બોઈંગના ફ્લાઈટ રેકોર્ડમાં 1000થી માંડીને 2800 સુધીના પેરામિટર્સ એટલે કે માપદંડ એટલે કે નોંધો રેકોર્ડ થાય છે. બોઈંગની હરીફ કંપની એરબસે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે અમે અગાઉ 1972માં 100થી ઓછા પેરામિટર્સ નોંધતા હતા પણ અત્યારે 3500 જેટલા નોંધીએ છીએ.
એટલા બધાને શું કરવું, તેનો જવાબ અકસ્માત વખતે મળે છે, કેમ કે અકસ્માતનું ખરું કારણ અને એ કારણ જાણ્યા પછી ભવિષ્યમાં સલામતી માટેના પગલાં લેવાની સમજણ બ્લેક બોક્સમાં સચવાતી માહિતી જ આપે છે.
કોકપીટ વૉઇસ રેકોર્ડર
કોકપીટમાં પાઇલટ અને કો-પાઈલટ વચ્ચે, પાઈલટો અને એર ટ્રાફિક કન્ટ્રોલ વચ્ચે, પાઈલટ્સ અને ક્રૂ વચ્ચે એમ તમામ પક્ષકારો વચ્ચે કોકપીટમાં જે વાત થાય તેનું રેકોર્ડિંગ અહીં થાય છે.
એ રેકોર્ડિંગ અતિ મહત્ત્વનું છે, કેમ કે પ્લેન અકસ્માતગ્રસ્ત થયું હોય એની બરાબર છેલ્લી ક્ષણે બંને પાઇલટો વચ્ચે અથવા તો કોકપીટમાં શું વાત થઈ હતી એ જાણવું પડે. એના પરથી ઘણીવાર અકસ્માતનો ખ્યાલ આવે.
જેમ કે એર ઇન્ડિયા અકસ્માતમાં પાઈલટે છેલ્લે ‘Thrust not achieved, falling, Mayday’ એવું કહ્યું હોવાની વિગતો સામે આવી છે.
એ વાક્યનો અર્થ એવો થાય કે વિમાને ઉડાન ભરી લીધા પછી ઊંચે ચડવા માટે વધારે ધક્કો (થ્રસ્ટ) જોઈએ એ મળતું નથી, વિમાન પડી રહ્યું છે.
અમેરિકા પર 9-11 હુમલા વખતે યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ નંબર 93 પણ અપહૃત કરાઈ હતી. તેના મુસાફરોએ આતંકીઓનો સામનો કર્યો એટલે એ વિમાન ટકરાયું નહીં, જમીન પર તૂટી પડ્યું. બધા જ 40 મુસાફરો અને ચાર આતંકી મૃત્યુ પામ્યા. તો પછી ખબર કેમ પડી કે પેસેન્જરોએ આતંકીઓ સામે લડત આપી હતી? એ જાણકારી ફ્લાઈટ ડેટા રેકોર્ડરના વોઈસમાંથી મળી. વોઈસમાં સ્પષ્ટ થયું કે આતંકીઓ અને પાઈલટ-મુસાફરો વગેર શું વાત કરે છે. વિમાનના મુસાફરો બહાદુરોનું સન્માન પામ્યા અને તેના પર ‘યુનાઈટેડ 93’ નામે ફિલ્મ પણ બની.
એટલે જ કોઈ પણ વિમાન અકસ્માત થાય તો બ્લેક બૉક્સના બંને ભાગને સૌથી પહેલા શોધવામાં આવે છે. મોટા ભાગના અકસ્માત વખતે બ્લેક બૉક્સ મળી જ આવે, કેમ કે એ સિગ્નલ પ્રસારિત કરતું હોય છે. પણ માર્ચ 2014માં મલેશિયન એરલાઇન્સનું વિમાન (MH370) ગુમ થયું, આજ સુધી મળ્યું નથી. એટલું જ નહીં તેનું બ્લેક બૉક્સ પણ મળ્યું નથી.
એ શોધવા માટે સમુદ્રમાં મિનિ સબમરીન સહિતની સામગ્રી ઉતારાઈ પણ આજે 11 વર્ષેય એ વિમાન અકસ્માત રહસ્ય છે. જોકે એટલી જાણકારી મળી કે બ્લેક બૉક્સની બેટરી પણ ફ્લાઈટ વખતે બરાબર કામ કરતી ન હતી એટલે મળી આવે તોય એ અકસ્માતનું કારણ કહી શકે કે કેમ એ વળી બીજો પ્રશ્ન છે.
જોકે, બ્લેક બૉક્સ મળી આવે તો તેની વિગતો જાહેર થાય જ એવુંય જરૂરી નથી. ધારો કે, ‘એર ઇન્ડિયા’ અકસ્માતમાં એવી જાણકારી મળી આવે કે બોઇંગના ‘ડ્રીમલાઈનર’ વિમાનમાં ખામી હતી તો નુકસાન કોને થાય? વિમાનના બંને પાઈલટ તો મૃત્યુ પામી ચૂક્યા છે એટલે એમને નુકસાન થવાનું એ થઈ ગયું છે. માટે ઘણી વાર આવા કિસ્સામાં વિમાન ઉત્પાદક કંપની એ વાતે સતર્ક રહેતી હોય કે જવાબદારી પોતાના માથે ન આવે. અન્યથા તેના અબજો ડૉલરના માર્કેટમાં ગાબડું પડે.
બ્લેક બૉક્સમાં ડેટા એટલો બધો હોય છે કે આસાનીથી તેને વાંચી-સમજી-ઉકેલી શકાતો નથી. એ માટે નિષ્ણાતોની ટીમ કામે લગાડવી પડે છે.
1903માં વિમાન ઊડવાની શરૂઆત થઈ. 1950ના દાયકામાં વિમાનોની સંખ્યા એટલી વધી કે તેના અકસ્માતો પણ થવા લાગ્યા. એટલે ‘ફ્લાઇટ ડેટા રેકોર્ડર’ની શરૂઆત થઈ. સમયે સમયે તેની ટેક્નોલોજી બદલાઈ, ધારાધોરણો પણ સુધરતાં રહ્યાં છે. ‘ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈશેન’ના નિયમ મુજબ હવે રેકોર્ડરની મેમરી સોલિડ સ્ટેટ મેમરી ડિવાઈસમાં જ રેકોર્ડ થવી જોઈએ. માટે બ્લેક બૉક્સમાં એ વ્યવસ્થા પણ હોય છે.
એ બધા પછી પણ વિમાન તૂટી પડે ત્યારે તેનું સાચું કારણ મળી જ આવે એવુ જરૂરી નથી. અલબત્ત, બ્લેક બૉક્સ તો તેમાં રહેલી માહિતી બ્લેક એન્ડ વ્હાઈટ સ્વરૂપે રજૂ કરે પણ એ જાહેર થાય, ન પણ થાય.
ડૉ. જય નારાયણ વ્યાસ ઇ​​​​​​ઝરાયલે ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ હેઠળ ઇરાનની ન્યૂક્લિયર સાઇટ્સ ઉ૫૨ હુમલા કરવાની અને ઇરાનના ડ્રોન ઇઝરાયલની સરહદમાં પ્રવેશે તે પહેલાં તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે.
ઇઝરાયલે ઇરાનનાં સૈનિક ઠેકાણાંઓ અને અણુ ઊર્જા સાથે સંકળાયેલ મથકો ઉપર હુમલા કર્યા. એમને નુકસાન પહોંચાડ્યું અને ઇરાનિયન નેશનલ ગાર્ડના વડા તેમજ ત્રણ જેટલા ટોચના અણુ વૈજ્ઞાનિકો આ હુમલાઓમાં માર્યા ગયા. ત્યારથી ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ વકરતું ચાલ્યું છે.
આરબ દેશો પાસે અણુશસ્રો નથી પણ ઇરાન પાસે યુરેનિયમને અતિશુદ્ધ કરી એનો ઉપયોગ શક્ય બનાવવાની ક્ષમતા છે. જોકે, ઇરાને અમેરિકા સાથે જે અણુસંધિ કરાર કર્યા તેમાં ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિટી દ્વારા ઇરાનની અણુ ઊર્જા સવલતોનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ અનુસાર ઘણીબધી વખત ઇરાને પોતાની અણુ ઊર્જા શાંતિમય વપરાશ માટે છે તેનું આકલન થઈ શકે તે માટે પોતાની સવલતોનું ઇન્સ્પેક્શન કરવા દીધું હતું અને એની અણુ ઊર્જા સવલતો ક્યાં ક્યાં આવેલી છે, તે જગજાહેર છે.
આ સામે અમેરિકાનું બગલબચ્ચું ઇઝરાયલ જે કંઈ કરે છે તે એકદમ ખાનગી રાહે અને કોઈને એનો અણસાર સરખો પણ ન આવે એ રીતે કરે છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ 7, ઑક્ટોબર, 2023ના હમાસના ઇઝરાયલ ઉપરના હુમલાથી શરૂ થયું, જેમાં ઇઝરાયલના 1,000 કરતાં વધુ માણસો માર્યા ગયા અને 200 જેટલા બંધક બનાવાયા. ત્યાર બાદ ઇઝરાયલે ગાઝા ઉપર જે હુમલાઓ કર્યા એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિર્દોષોના નરસંહારની એક અભૂતપૂર્વ ગાથા બની રહી ગયું.
કરુણતા તો એ છે કે ઇઝરાયલે કરેલા આ હુમલાઓ માર્યા ગયેલાઓમાંથી 70 ટકા સ્ત્રીઓ અને બાળકો છે અને એથી મોટી કરુણતા ઇઝરાયલની નાકાબંધીને કારણે ગાઝામાં જે લોકો હજુ જીવી રહ્યા છે તે ભયંકર ભૂખમરો અને કુપોષણનો સામનો કરતા દોઝખમાં સબડી રહ્યા છે.
આખી દુનિયામાં ફાંકા ફોજદારી કરતું અમેરિકા માનવ અધિકારો વિશે દુનિયાના બીજા દેશોમાં દખલગીરી કરે છે પણ એનું આંગળિયાત ઇઝરાયલ જે બર્બરતાપૂર્વકના વ્યવહાર થકી માનવતાનો છેદ ઉડાડી રહ્યું છે તે સામે હસ્તક્ષેપ કરીને આ નાકાબંધી ખોલાવી ગાઝાના નિર્દોષ માણસોના માનવ અધિકારોનું રક્ષણ થાય તે માટે ઇઝરાયલને દોરવાનું કામ અમેરિકા નથી કરતું.
યુનાઇટેડ નેશન્સ પણ દાંત અને નહોર વગરનો વાઘ પુરવાર થયો છે, કારણ કે, એના ઠરાવોને પણ ઇઝરાયલ ગાંઠતું નથી. આમ, અમેરિકાના આશ્રિત ઇઝરાયલની જોહુકમી એવી વધતી ચાલી છે કે એણે હવે તોપનું નાળચું ઇરાન તરફ ફેરવીને એના મિલિટરી તેમજ અણુ ઊર્જા મથકો ઉપર સીધો હુમલો કર્યો અને મોટી ખુવારી નોતરી છે. અત્યાર સુધી ઇઝરાયલને પંપાળ્યા કરનાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ઊભી થઈ રહેલી પરિસ્થિતિ અમેરિકાની વિદેશ નીતિને કઠેડામાં ખડી કરી દે છે.
વિશ્વની અર્થવ્યવસ્થા એક બાજુ ટ્રમ્પના ટેરિફ વૉરને કારણે મંદીનો સામનો કરી રહી છે ત્યારે ઇઝરાયલનાં યુદ્ધવિમાનોએ ઇરાનનાં 100 જેટલાં સ્થળો (જેમાં તહેરાનનો પણ સમાવેશ થાય છે) ઉપર જબરદસ્ત હુમલો કર્યો છે. તેનો બદલો લેવા ઇરાન પ્રવૃત્ત ન બને તેવું બનવાનું નથી. જાણવા મળ્યું છે કે ઇઝરાયલ આવા હુમલાઓ હજુ બે અઠવાડિયાં ચાલુ રાખશે એવું તેણે અમેરિકાને જણાવ્યું છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઇરાન અણુ ઊર્જાનો ઉપયોગ શાંતિમય હેતુઓ માટે થાય તે માટે વાટાઘાટો કરી રહ્યા છે, જે આ હુમલાઓથી પડી ભાંગી છે. ટ્રમ્પે આ બળતામાં ઘી હોમવા જેવું કામ કરતાં કહ્યું છે કે, ઇઝરાયલના હવે પછીના હુમલાઓ ભયંકર હશે ત્યારે આ નરસંહારથી બચવા ઇરાને શક્ય તેટલા વહેલા અણુસંધિ કરાર કરી લેવા જોઈએ.
ટ્રમ્પની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે, તેની આજુબાજુમાં સાચી સલાહ આપી શકે એવા પીઢ વ્યક્તિઓ નથી અને સલાહ સ્વીકારવાની પરિપક્વતા દાખવે એવું ટ્રમ્પનું વ્યક્તિત્વ પણ નથી. આને કારણે ટ્રમ્પના ખુદના વર્તન બાબત ખાતરીપૂર્વક કશું કહી શકાય એવું રહ્યું નથી.
ઇઝરાયલનો આ હુમલો ઇરાનને અણુશસ્ત્રો બનાવવા માટે વધુ દૃઢ બની આગળ વધવા પ્રેરે તેવો છે. ઇઝરાયલ પોતાના સ્વબચાવના ઓઠા હેઠળ ઇરાન પર ભયંકર હુમલાઓ કરી ત્યાં સત્તાના ફેરબદલ માટે પ્રયત્નશીલ છે એવું પણ કહેવાય છે. જે રીતે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આગળ વધી રહ્યું છે અને જે ઝડપે એણે ગતિ પકડી છે, તેણે વિશ્વને લગભગ ત્રીજા વિશ્વ યુદ્ધનાં બારણે લાવીને ઊભું રાખી દીધું છે.
ઇરાને ઇઝરાયલી હુમલાઓનો જવાબ શ્રેણીબદ્ધ મિસાઇલ હુમલાઓ કરી આપ્યો છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલ લોકોમાં ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડનું 2019થી નેતૃત્વ કરનાર અને ઇરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીના વિશ્વાસુ હુસેન સલામી સામેલ છે. અનેક યુદ્ધોના અનુભવી સલામી ઇરાનમાં મિસાઇલ અને ડ્રોન વિકસાવવાના પરિબળમાંના એક હતા. હુસેન સલામી, મહંમદ બધેરી જેવા ટોચના મિલિટરી ઑફિસર્સ અને અણુ વૈજ્ઞાનિકોની હત્યા ઇઝરાયલના ગુપ્તચર વિભાગ ‘મોસાદ’ના આયોજનનું પરિણામ છે.
નેત્યનાહુની જાહેરાત કે આ ‘ઑપરેશન રાઇઝિંગ લાયન’ જરૂર લાગશે ત્યાં સુધી ચલાવાશે તે પણ પ્રમાણમાં આ યુદ્ધ લાંબુ ચાલે તેવી શક્યતાઓનો નિર્દેશ કરે છે. સામે પક્ષે ઇરાનની મદદે હુથી, હિઝબુલ્લા તેમજ હમાસ જેવાં ઉગ્રતાવાદી સંગઠનો પણ મેદાનમાં ઊતરીને યુદ્ધની આગને વધુ ભડકાવે તેવી શક્યતાઓ રહેલી છે.
ઉપરની બધી ઘટનાઓ જોતાં ઘણાબધા દેશોને સંડોવતું લાંબા ગાળા માટેનું એક મોટું યુદ્ધ આકાર લઈ રહ્યું છે એમ કહી શકાય. આ યુદ્ધની જ્વાળાઓ ઇતિહાસમાં પહેલી વાર આંતરિક કટોકટીમાં ઘેરાયેલા અમેરિકાને પણ મોટા પાયે દઝાડી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ઘણાબધા ભવિષ્યવેત્તાઓ તરફથી આગામી ત્રણ વર્ષ આ પૃથ્વી ઉપર પાથરેલી સંસ્કૃતિઓ અને જનજીવન માટે કપરો કાળ હશે એવી આગાહીઓમાં હવે તથ્ય જણાવા માંડ્યું છે.
આપણે આશા રાખીએ કે આ અમંગળ આગાહીઓ ખોટી પડે. ઇરાન-ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ અતિવિસ્ફોટક અને વિનાશક બને તે પહેલાં આ બે દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે દુનિયાના હિતમાં છે.
સ્વરૂપ સંપટ 66 વર્ષની વયે હિંદી ફિલ્મી ગીતોમાં કોઇ જૂનાં ભક્તિ-ગીતો સાંભળે. કેટલાક લોકો માટે ગીતો માઇલસ્ટોન હોય છે. મારી વાત કરું? ખાસ કરીને મને ગમતાં હિંદી ફિલ્મી ગીતોની? નાનપણમાં હું ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’ જોઇને થોડી બંડખોર બની હતી. ત્યારથી લઇને આજે અરિજિત સિંઘના સ્વરમાં સંગીતની અનેક રચનાઓ મને ગમે છે.
ખરેખર મારી જિંદગીની સંગીતરચના પણ અનોખી છે. મારા પપ્પા ખૂબ કડક અને પ્રોટેક્ટિવ વલણ ધરાવતા હતા. નાનપણમાં મને અંગ્રેજી ફિલ્મો તો ઠીક, હિંદી ફિલ્મો જોવાની પણ મંજૂરી નહોતી.
એક દિવસ બપોરે મારાં માસી મને ‘એપ્રિલ ફૂલ’ મૂવી જોવાં લઇ ગયાં. ઘરે આવીને હું એ ફિલ્મનું ગીત ‘એપ્રિલ ફૂલ બનાયા…’ સતત ગાયાં કરતી હતી. પરિણામ? પપ્પા મારાં મમ્મી પર ખૂબ ગુસ્સે થયા. ઘણા સમય સુધી મને હિંદી ફિલ્મો જોવાની મનાઇ ફરમાવી દેવામાં આવી. આખરે અગિયારમા ધોરણમાં આવી ત્યારે મેં ‘બોબી’ ફિલ્મ જોઇ, જે મારા માટે ફિલ્મથી વિશેષ મંત્રમુગ્ધ કરી દેનારો એક માર્ગ હતો. એનાં ગીતો ‘મૈં શાયર તો નહીં…’ અને ‘ઔર ચાબી ખો જાય…’ મારી ટીનએજ સફરનાં સમણાંનાં સદાબહાર ગીતો બની ગયાં.
એ પછી 1970ના દાયકાના અંતનાં અને 1980ના દાયકાનાં ગીતો… મારી યુવાનીના એ દિવસો અને એ સમયના હિંદી ફિલ્મી ગીતો પ્રત્યેનો પ્રેમ… ત્યારે ભારતીય ક્લાસિકલ, લોક ગીતો અને પાશ્ચાત્ય ટચ ધરાવતાં ગીતો ગજબનું ફ્યુઝન ધરાવતાં હતાં. યુવાનોની બદલાઇ રહેલી પસંદગીને એ ગીતો પ્રતિબિબિંત કરતાં હતાં.
એસ. ડી. બર્મન અને આર. ડી. બર્મન જેવા મ્યુઝિક કમ્પોઝર્સે જાણે સંગીતને ઉત્સવ બનાવી દીધું હતું! આપણને લતા મંગેશકર, મહંમદ રફી, કિશોરકુમાર અને આશા ભોંસલે જેવા ભાવનાસભર સ્વર ધરાવતા ગાયિકા-ગાયકો આપ્યાં.
આ બધામાંથી મારા મનપસંદ? ક્યાંથી શરૂઆત કરું? ફિલ્મ ‘કટી પતંગ’નું ‘પ્યાર દીવાના હોતા હૈ…’, ફિલ્મ ‘યાદોં કી બારાત’નું ‘ચુરા લિયા હૈ તુમને જો…, ફિલ્મ ‘જોની મેરા નામ’નું ‘પલ ભર કે લિયે…’ અને ફિલ્મ ‘આનંદ’ ફિલ્મનું મન્ના ડેના સ્વરમાં ‘જિંદગી કૈસી હૈ પહેલી હાય….’ આ ગીતો રેડિયો પર વાગે, ત્યારે મારા હૃદયના તાર રણઝણાવતાં હતાં.
એ જમાનામાં દૂરદર્શન પર દર રવિવારે બ્લેક એન્ડ વ્હાઇટ ક્લાસિકલ ફિલ્મો દર્શાવાતી. મને `50 અને ’60ના દાયકાનાં ગીતો સાંભળવાની ખૂબ મજા આવતી. એમાં કંઇક એવું હતું જે તમને કાયમ સાંભળવા ગમે - કર્ણપ્રિય સંગીત, અર્થસભર શબ્દો. કેટલાંક ગીતો જેવાં કે, ફિલ્મ ‘અનુરાધા’નું ‘કૈસે દિન બિતે, કૈસે બિતી રતિયા…’ એના સંગીતકાર હતા પંડિત રવિશંકર અને ઋષિકેશ મુખર્જી ડિરેક્ટર હતા. તેમની સાથે મેં પછીથી કામ પણ કર્યું હતું.
મને અભિનેત્રી નૂતન ગમે છે અને તેથી જ નૂતન પર ફિલ્માવાયેલાં તમામ ગીતો પણ… ખાસ કરીને ‘મોરા ગોરા અંગ લઇ લે…’, આ ગીતથી ગુલઝારે ગીતકાર તરીકે શરૂઆત કરેલી. ‘વો ચાંદ ખિલા…’, ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખત મેં…’, ‘બન કે પંછી ગાયે પ્યાર કા તરાના…’ બપોરની શાંતિમાં અથવા ચોમાસામાં સાંજે વરસાદ વરસતો હોય, ત્યારે એક વાર સાંભળજો…
1980ના દાયકાનાં ગીતોનો પણ આગવો જાદુ હતો. જોકે એ ગીતોમાં ધીમે ધીમે ‘વલ્ગરિટી’નું પ્રમાણ વધતું જતું હતું, છતાં મને તેમાંથી કેટલાંક સરળ, સાદા અને શાંતિદાયક ગીતો મળ્યાં. ફિલ્મ ‘યારાના’નું ‘છૂકર મેરે મન કો…,’ ફિલ્મ ‘માસૂમ’નું ‘તુઝસે નારાઝ નહીં જિંદગી…’ અને ફિલ્મ ‘અર્થ’નું ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો…’ દરેકે દરેક ગીત હું મારી જાતને સમજું તે પહેલાં ગીતો મને સમજતાં હોય એવું લાગતું હતું.
`90ના દાયકામાં શરૂઆત થઇ રીમિક્સ ગીતોની. કેટલાંક અવિસ્મરણીય હતાં, તો કેટલાંક મોજ કરાવે એવાં, પણ તેમાં લાક્ષણિકતા એ હતી કે એ દાયકામાં અનેક વિવિધ સ્વરનો જાદુ છવાયો - અલકા યાજ્ઞિક, કુમાર સાનુ અને ઉદિત નારાયણ. એ પછી આવેલા એ. આર. રહેમાને સંગીતની દુનિયામાં ધૂમ મચાવી દીધી… ‘ઉર્વશી…ઉર્વશી…’ ગીત સાથે મારા પગ તાલ મિલાવતા, તો એ સાથે મારાં ગીતોની પસંદગી પણ બદલાઇ. ‘તાલ સે તાલ મિલા…’ ગીત અનોખો માહોલ ઊભું કરતું હતું.
આજે હું સાંઠ વર્ષ વટાવી ગઇ છું ત્યારે હજી મને નવાં સુમધુર ગીતો સાંભળવાં ગમે છે અને અરિજિત સિંઘના સુમધુર સ્વરમાં ગવાયેલાં ગીતો જેવાં કે ‘કેસરીયા…’ અને ‘ઓ સજની રે…’ મારા દિલમાં આગવું સ્થાન ધરાવે છે. એ ગીતો લાગણીસભર છે. જેમ એક સમયે હું ‘મૈં શાયર તો નહીં…’ ગીતના પ્રેમમાં પડી ગઇ હતી, એવાં જ આ ગીતો પણ છે. મદન મોહન અને એ. આર. રહેમાન મારા મનપસંદ બે સંગીતકારો છે.
સંગીતના શહેનશાહ સમા મદન મોહન જેમણે ભારતીય ફિલ્મોને લાગણીશીલ અનેક રચનાઓની ભેટ આપી છે. તેમના સંગીતમાં અનોખો જાદુ હતો. કૌન આયા મેરે મન કે દ્વારે… અથવા રફીના સ્વરમાં દેશદાઝથી છલોછલ ફિલ્મ ‘હકીકત’નું ગીત ‘કર ચલે હમ ફિદા…’. ગઝલોમાં તો તેમની ઊંચાઇ સુધી કોઇ પહોંચી શકે તેમ નહોતું, પણ તેમનાં અનેક અવિસ્મરણીય ગીતો જેવાં કે ‘લગ જા ગલે…’ અને ‘દો પલ રુકા…’ સંગીતની સાથે જાણે સમય પણ થંભી જાય છે!
દાયકાઓ પછી એ.આર. રહેમાને ફિલ્મ સંગીતને નવો જ આયામ આપ્યો. મદન મહોનના સંગીતની જેમ રહેમાનનું ભારતીય શાસ્ત્રીય પરંપરા સાથે ઇલેક્ટ્રોનિક, ઓર્કેસ્ટ્રલ અને વર્લ્ડ મ્યુઝિક ટેક્સચર સાથેની રચનાઓ અત્યંત કર્ણપ્રિય છે. તેમની રચનાઓ ફિલ્મની સાથોસાથ આપણી સાથે પણ ભાવનાત્મક રીતે જોડાય છે, જેમ કે ‘બોમ્બે’, ‘દિલ સે’ અને ‘લગાન’ જેવી આઇકોનિક ફિલ્મોનું સંગીત ગણગણવું ગમે છે.
મારી જીવનગાથા સંગીતથી સુમધુર બની છે. દરેક દાયકામાં નવી રીધમ, દરેક તબક્કાનો આગવો રાગ છે. આનંદથી તરબતર કરી દેતા હિંદી ફિલ્મ સંગીત સાથેની મારી સફર ગાઢ પ્રેમ, અંગત વિદ્રોહ અને અત્યંત આનંદભરી રહી છે. આ ગીતો માત્ર સુમધુર નહીં, તે દરેક લાગણી, યાદ અને આઇડન્ટિટીનાં ચિહ્નો છે. }
લક્ષ્યવેધ:મેકિંગ ઓફ અ લાઈફ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/making-of-a-life-135276982.html

26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં ભૂકંપ આવ્યો. અંજાર તૂટી ગયું. અમુક મકાન જમીનદોસ્ત થયાં, અમુક બચી ગયાં. બરાબર ત્રણ દિવસ પછી ધરાશાયી ન થયેલા એક ઘરમાં આશાનું કિરણ જાગ્યું. દીપાલીનો જન્મ થયો. એમ તો છ મહિના સુધી દીપાલીને એનું નામ અને વેક્સિન બંને નહોતા મળ્યાં. ભૂકંપ પછી કચ્છને રિલીફ ફંડ રૂપે સહાય મળી. તેમના ઘરના લોકો હળવાશમાં દીપાલીને ‘સહાય’ કહીને ખીજવતા, કેમ કે દીપાલી ભૂકંપ પછી જન્મ્યાં.
જીવનને હચમચાવી દે એવા ધરતીકંપનો અનુભવ તેમને સાત વરસની ઉંમરે થયો. પિતાનો હાથ માથેથી ઊઠી ગયો. માતા અને દાદા-દાદીએ જવાબદારી સંભાળી લીધી. જોડે બીજાં ત્રણ ભાઈ-બહેન પણ સુખદુઃખના સાથીદાર બન્યાં.
દીપાલી હાડિયા માટે એમના પિતા એમ કહેતા કે તને ડી. આઈ. જી. બનાવવી છે. ડી. આઈ. જી. એટલે શું, એ આટલી નાની છોકરીને ખબર ન પડે પણ દોસ્તોની સ્લેમબૂકમાં એ આવું કંઈક લખે.
ઉંમર વધતી ગઈ એમ સમજણ આવતી ગઈ. દીપાલી બાળપણથી જ શિસ્તના આગ્રહી. અભ્યાસમાં અવ્વલ. ડી. આઈ. જી. થવું હોય તો આઈ. પી. એસ. બનવું પડે અને આઈ. પી. એસ. બનવું હોય તો યુ. પી. એસ. સી.ની સિવિલ સેવા પરીક્ષા આપવી પડે અને ગુજરાતમાં રહીને તૈયારી કરવી હોય તો અમદાવાદ જવું પડે એવું સાદું ગણિત મનની સ્લેટ પર ઘૂંટાઈ રહ્યું હતું.
અમદાવાદની એમ. જી. સાયન્સમાં મેથેમેટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અંજારની ભૂગોળથી અમદાવાદના આકાશમાં ઊડવાનો અનુભવ દીપાલી માટે નવો હતો. યુવતી તરીકેનાં સામાજિક બંધનોને તપાસવાની તક મળી. પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો.
સિવિલ સેવા પરીક્ષા વિશે થોડું ઘણું જાણ્યું અને કોરોનાના સમયગાળામાં તૈયારીઓ શરૂ કરી. એ તૈયારીના આધારે ‘સ્પીપા’ની પરીક્ષા આપી અને સ્પર્ધાત્મક પરીક્ષાના નવા યુગમાં જાણે તેમણે પ્રવેશ લીધો. સાથી ઉમેદવારો કેવું અને કેટલું વાંચે છે એ જોઈને તૈયારી કરવાની એક રીત મળી જાણે!
દીપાલી અનુભવોમાંથી શીખી રહ્યાં હતાં. મેથેમેટિક્સને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો હતો. એકદમ લાંબો અને સમય માગી લેતો આ વિષય તૈયાર કરતા તૈયારીનાં સમીકરણો ધ્રૂજી ગયાં. પણ પછી મજબૂત તૈયારી કરી.
આ વિષય ધીરજ માગી લે એટલો જિદ્દી છે પણ એકવાર મનમાં વસી ગયો તો તર્કના તાબા હેઠળ કાયમી વસવાટ કરી લે. આ જ કારણથી દીપાલી એક એક કન્સેપ્ટ પાછળ આખું અઠવાડિયું આપી દેતાં. કોઈ સંકલ્પના એકવાર સમજી લો પછી કોઈ પણ સવાલ ઉકેલી શકવાની મૂળભૂત ક્ષમતા કેળવી શકાય.
દીપાલી મહેનત ખૂબ કરતા પણ શરૂઆતમાં એ મુજબ પરિણામ ન મળ્યું. અમુક પુસ્તકો પાંચથી છ વાર વાંચ્યાં પણ પ્રીલિમિનરીમાં ઉપયોગી ન નીવડે. જાતમહેનતે શીખ્યા કે વાંચન સાથે પરીક્ષકના મનને પણ સમજવું એટલું જ જરૂરી છે. માહિતી ખરા સમયે યાદ આવે અને પુછાયેલા સવાલ મુજબ તર્ક તરફ દોરી જાય એ જ કામનું. દીપાલી જાતમહેનતે બધું શીખે છે. જીવનની કેટલીય વિપત્તિઓ સામે તેમનો લડાયક મિજાજ કાયમ રહ્યો. મનમાં બફારો બહુ થઈ જાય તો ડાયરી લખીને ઉકળાટ શાંત કરતા.
‘સ્પીપા’માં આવ્યા અને ડાયરી લખવાની શરૂ કરી. પહેલા પાના પર લખ્યું: મેકિંગ ઓફ એન આઈ. એ. એસ.’ જ્યારે સમય મળે ત્યારે લખે, વિચાર્યું કે પરીક્ષા પાસ કરશે ત્યારે પાછા વળીને વાંચશે.
પ્રીલિમિનરીની નિષ્ફળતા પછી મેન્સની નિષ્ફળતાઓ પણ મળી. મન એટલું ઊકળે. ઘરથી દૂર રહીને તૈયારી કરતા ત્રણેક વર્ષ થઈ ગયાં. નિષ્ફળતાઓ જીવનની ઘણીબધી બાબતોને નવી દિશા આપી રહી હતી.
પેલી ડાયરીનું ટાઇટલ બદલ્યું. આઇ. એ. એસ. પર ચેકો માર્યો અને એની જગ્યાએ લખ્યું: ‘મેકિંગ ઓફ એ લાઇફ’.
પ્રીલિમિનરીની મહેનતના કારણે સિવિલ સર્વિસની સાથે લેવાતી ફોરેસ્ટ સર્વિસનું હાઇ કટ ઑફ પણ પાર કરી લીધું. વિજ્ઞાનની સ્નાતકીય પૃષ્ઠભૂમિના કારણે ગણિત વિષય તો હતો જ બીજો વિષય ફોરેસ્ટ્રી રાખ્યો.
લખવાની શૈલી અને શિસ્ત મેન્સમાં ઉપયોગી થઈ. બહારની દુનિયાનું જ્ઞાન મર્યાદિત હતું. ડિજિટલ ન્યૂઝ પેપર વાંચતા અને યોગ્ય લાગે એ માહિતી કોપી પેસ્ટ કરી નોટ્સમાં સાચવતાં. જવાબ લખતી વખતે બધું જ કામ લાગ્યું.
પર્સનાલિટી ટેસ્ટમાં આવા કેટલાક સવાલો પુછાયા: કચ્છમાં ધરતીકંપ કેમ આવે છે? કચ્છનું નાનું રણ જળપ્લાવિત વિસ્તાર ગણાય? આ વિસ્તારમાં કયાં કયાં પક્ષીઓ આવે છે? તમારે વનસેવામાં શા માટે જોડાવું છે? પર્સનાલિટી ટેસ્ટના દિવસની આસપાસ પહલગામની ઘટના ઘટી હતી તો તે સંદર્ભે સમસામયિક સવાલો પૂછવામાં આવ્યા. પરિણામ આવ્યું અને ભારતીય વન સેવા સાથે જોડાવાનો લક્ષ્યવેધ ઓલ ઇન્ડિયા રેન્ક 82 સાથે સાર્થક થયો.
બીજા દિવસે દીપાલીએ પેલી ડાયરી કાઢી. પ્રવાસના ચરમ શિખરેથી તળેટીથી ઉપર આવતો આખો રસ્તો દેખાયો. વાંચતાં વાંચતાં ખબર પડી કે જીવનમાં મળેલી નિષ્ફળતાઓ તો નવી તકની દિશા આપી રહી હતી, જો એ ચૂકાઈ હોત તો આ શિખર સર ન જ કરી શક્યાં હોત! }
રણમાં ખીલ્યું ગુલાબ:હમ દોનોં કો હમ દોનોં જૈસે બહુત મિલેંગે, બસ હમ દોનોં કો હમ દોનોં નહીં મિલેંગે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/we-will-meet-each-other-as-much-as-we-can-but-we-will-not-meet-each-other-as-well-135276992.html

આઠ વર્ષનો સૌમ્ય ત્રાંસી નજરે દાદીમાની હિલચાલને જોઈ રહ્યો હતો. આવું કંઈ પહેલીવાર નહોતું બની રહ્યું, આ તો રોજ દિવસમાં દસ-પંદર વાર બનતું હતું. આઠ વર્ષના છોકરામાં ઝાઝી સમજણ તો ક્યાંથી હોય! પણ જે કંઈ બની રહ્યું છે તેમાં કશુંક અજુગતું છે એટલું તો બાળકને પણ લાગે.
એંશી વર્ષનાં દાદીમા એમના બેડરૂમમાં હતાં, પથારીમાંથી ઊઠ્યાં, જમણી દીવાલ પાસે રાખેલાં વર્ષો જૂનાં લાકડાંના કબાટ પાસે ગયાં, ચાવી વડે કબાટનું તાળું ખોલ્યું, કોઈ જોઈ ન જાય એ માટે બારણું જરાક ઉઘાડ્યું, પછી અંદરથી સ્નાન કરીને બદલવાનાં વસ્ત્રો બહાર કાઢ્યાં અને પછી તરત જ કબાટનું બારણું બંધ કરીને તાળું વાસી દીધું.
બસ, આ છેલ્લી ઘટના પૌત્ર સૌમ્યને સમજાતી ન હતી. એણે એક વાર એના મમ્મી-પપ્પાને પણ આ વિશે પૂછ્યું હતું, ‘કબાટમાં એવું તે શું છે કે દાદી એક સેકન્ડ માટે પણ એને ખુલ્લું છોડતાં નથી? આમ તો દાદી અમારાથી કંઈ છુપાવતાં નથી. અમને ખૂબ વહાલ કરે છે, વાર્તાઓ સંભળાવે છે, અમે એમના રૂમમાં પડેલી થેલીઓ, પોટલાંઓ બધું જ ફંફોસતાં રહીએ છીએ. દાદી ક્યારેય વઢતાં નથી, પણ કોણ જાણે એમણે કબાટમાં શું સંતાડ્યું છે કે અમે...!’
સૌમ્યના પપ્પા વિનાયકભાઈને પણ આ વાતની જાણ હતી. એમણે પણ પોતાની માતાને કબાટની ચુસ્ત સિક્યુરિટી જાળવતાં જોયાં હતાં. આટલી હદની ગુપ્તતા તો દેશનાં પરમાણુ મથકોની પણ ન જોવા મળે! પિતાને થયું કે દીકરાના મનમાં આટલી કુમળી વયે આવા વિચારો ન વિકસે તો સારું, એમણે સૌમ્યના સવાલોને રોળી-ટોળી નાખ્યો.
એક દિવસ સૌમ્યને તક મળી ગઈ. પપ્પા માને કારમાં બેસાડીને મંદિરે દર્શન કરાવવા માટે લઈ ગયા હતા. મા-દીકરાને પાછાં ફરવામાં સહેજે દોઢ-બે કલાક થઈ જવાના હતા. સૌમ્યની ચકોર નજરમાં એ આવી ગયું હતું કે દાદીમા કબાટની ચાવી સાથે લઈ જવાનું ભૂલી ગયાં હતાં.
દાદીના ગયાંને વીસેક મિનિટ્સ થઈ હશે ત્યારે સૌમ્ય એમના બેડરૂમમાં ઘૂસ્યો. ગાદલાં નીચે છુપાવેલી ચાવી શોધી કાઢી અને કબાટનું બારણું ઉઘાડ્યું. કબાટમાં બીજું બધું તો સામાન્ય લાગતું હતું પણ એક વસ્તુ સૌમ્યને અસામાન્ય લાગી. કબાટમાં કોઈ આધેડ વયના, અજાણ્યા પુરુષનો ફોટો મૂકેલો હતો. ફોટોની આગળ થોડાંક ફૂલો પડેલાં હતાં. એવું લાગતું હતું કે દાદીમા રોજ તાજાં ફૂલો એ ફોટો આગળ ધરતાં હશે!
ફોટોમાં દેખાતા પુરુષના ચહેરાને સૌમ્યે સ્મૃતિમાં સાચવી લીધો. પછી ઝટપટ કબાટનાં બારણાં વાસી દીધાં, ચાવી પાછી ગાદલાં નીચે મૂકી દીધી. એક ઘટના પૂરી થઈ ગઈ પણ સૌમ્યના મનમાં અગણિત પ્રશ્નોને જન્માવી ગઈ.
એ રાત્રે સૌમ્યે પપ્પાને આ વાત કરી અને પૂછ્યું, ‘પપ્પા, એ ફોટો કોનો હશે? દાદાજીનો? જો એ દાદાનો ફોટો હોય તો દાદીમા એને કબાટની અંદર સંતાડીને શા માટે રાખે છે? આપણે દાદાના ફોટાને ઘરની દીવાલ ઉપર શા માટે નથી રાખતા? દાદાજી એટલે તમારા પપ્પાને?’
વિનાયકભાઈને આ વાત ન ગમી, તેઓ ગુસ્સે થઈ ગયા, ‘તેં દાદીના કબાટમાં ખાંખાખોળા શા માટે કર્યા? દાદાજી તો વરસો પહેલાં મરી ગયા, એમને યાદ કરવાથી શું વળવાનું? તું તારા હોમવર્કમાં ધ્યાન આપ. હવે પછી ક્યારેય દાદાજી વિશે ઘરમાં કોઈને પણ પ્રશ્ન નહીં પૂછતો. સમજી ગયોને? નહીંતર માર ખાઈશ.’
સૌમ્ય ડરી ગયો. પપ્પા ક્યારેય હાથ ઉપાડતા ન હતા. દાદાજીની વાત સાંભળીને એ શા માટે ગુસ્સે થયા હશે? દાદાજી ખરાબ માણસ હશે? જો એવા હોય તો શા માટે દાદીજી એમની પૂજા કરે છે? પણ દાદી એવું ખાનગીમાં શા માટે કરતાં હશે? સેંકડો સવાલો હતા પણ જવાબ એકેય ન હતો.
આઠ વર્ષનો સૌમ્ય આઠ દિવસમાં આ ઘટનાને ભૂલી ગયો. સ્કૂલ, હોમવર્ક અને શેરીમિત્રો સાથેની રમતોમાં ખોવાઈ ગયો. એનો બેસ્ટ ફ્રેન્ડ બીજા વિસ્તારમાં રહેતો હતો. એનું નામ રોનક. બધા મિત્રો રોજ સાંજે રોનકના ઘરે જ ભેગા થતા હતા, કારણ કે રોનકનો બંગલો મોટો હતો. બંગલાની વિશેષતા એ હતી કે પાસે-પાસે આવેલા બે વિશાળ બંગલા વચ્ચે દીવાલ ઊભી કરવામાં આવી ન હતી. એટલે બહારનું કમ્પાઉન્ડ ખૂબ મોટું હતું.
સૌમ્ય, રોનક તથા બીજા છોકરાઓ રોજ સાંજે બે-ત્રણ કલાક એ મોટા, ખુલ્લા કમ્પાઉન્ડમાં એટલી ધમાલ કરતા કે ત્યાં રહેવું મુશ્કેલ બની જાય. મજાની વાત એ હતી કે આટલી ધમાલ રોનકનો પરિવાર તો સહન કરી લે, પણ બાજુના બંગલામાં રહેતું ફેમિલી પણ આ તોફાની બારકસોને ક્યારેય ઠપકો આપતું ન હતું.
એક દિવસ એક વિરલ બનાવ બન્યો. ક્રિકેટનો દડો બાજુવાળાના બંગલાની અંદર જતો રહ્યો. ત્યાં જ ફિલ્ડિંગ ભરતો સૌમ્ય દડો લઈ આવવા માટે ઘરમાં દોડી ગયો. એ પહેલી વાર એ અજાણ્યા બંગલાની અંદર ગયો હતો. અંદર પતિ-પત્ની હાજર હતાં. ત્રીસેક વર્ષનો પતિ ચેતન અને અઠ્ઠાવીસેકની પત્ની અંજના. એ બંનેએ હસીને સૌમ્યને કહ્યું, ‘દડો ત્યાં છે, સોફાની નીચે.’
સૌમ્ય સોફા પાસે ગયો. ત્યાં બાજુના નાના ટેબલ ઉપર ફેમિલી ફોટો મૂકેલો હતો. આઠ-દસ સભ્યોના એ ગ્રૂપ ફોટોગ્રાફમાં બરાબર વચ્ચે ‘હેડ ઓફ ધી ફેમિલી’ સજ્જન ઊભા હતા, એમની સાવ બાજુમાં એક જાજરમાન સુંદર સ્ત્રી હતી, જે સ્વાભાવિક રીતે જ એમની પત્ની હોઈ શકે. એ બંને ઉપરાંત બે દીકરીઓ, બે દીકરાઓ, પુત્રવધૂઓ વગેરે દેખાતાં હતાં.
સૌમ્યની નજર પરિવારના મુખ્ય સભ્ય પર પડી અને એની આંખો પહોળી થઈ ગઈ. એ પૂછી બેઠો, ‘અંજુઆન્ટી, આ કોણ છે?’
જવાબ અંજુઆન્ટીને બદલે એમના પતિ ચેતને આપ્યો, ‘એ ગુલાબદાસ છે. મારા સસરા છે અને અંજુના પપ્પા.’
‘ગુલાબદાસ? એ.... એ મરી ગયા છે ને?’ અણસમજુ સૌમ્યે ઉભડક રીતે પૂછી લીધું. ‘બેટા, એવું ન પુછાય.’ અંજુઆન્ટીએ સૌમ્યને પોતાના ખોળામાં બેસાડી દીધો, ‘મારા પપ્પા જીવે છે, હૈદરાબાદમાં રહે છે અને પૂરા તંદુરસ્ત છે.’
એ રાત્રે સૌમ્યે ઘરે જઈને પપ્પાને કહ્યું, ‘પપ્પા, મેં ફોટામાં જેમને જોયા એ ગુલાબદાસ આપણા દાદાજી જ છે. તમે તો એવું કહેતા હતા ને કે એ મરી ગયા છે!’
‘બેટા, હું બીજું શું કહું? તને કેવી રીતે સમજાવું કે વર્ષો પહેલાં ભરજુવાનીમાં તારા દાદા અમને છોડીને ક્યાંક જતા રહ્યા હતા? મારી માએ અમને કેવી રીતે મોટા કર્યા એ તને કેવી રીતે સમજાવું? અમે બધાં ભાઈભાંડુ આ જ સુધી એમને નફરત કરતા રહ્યાં છીએ. એક મારી મા ઘેલી છે જે તાળું મારેલા કબાટમાં એ ભાગેડુ પતિની છબિ સંતાડીને એની પૂજા કરી રહી છે. અમને આજ દિન સુધી ખબર ન હતી કે પપ્પા ક્યાં ચાલ્યા ગયા છે અને શા માટે ચાલ્યા ગયા છે! આજે સમજાઈ ગયું કે....’ સૌમ્યની કુમળી વયનો વિચાર આવ્યો એટલે વિનાયકભાઈ અટકી ગયા.
જે સત્ય હતું તે સામે આવી ગયું. જુવાનીના જોશમાં હોશ ગુમાવીને ગુલાબદાસ પોતાની પ્રેમિકાને લઈને દૂર ચાલ્યા ગયા. ત્યાં જઈને નવો સંસાર વસાવ્યો, સંતાનો પેદા કર્યાં, ધંધામાં મબલખ કમાયા અને દાયકાઓ સુધી પોતાના પ્રથમ કુટુંબથી અજ્ઞાતવાસમાં જીવ્યા.
આજથી છ દાયકા પૂર્વેના સમયમાં ગુમ થયેલી વ્યક્તિને શોધવાનું કામ અઘરું હતું. આઠ વર્ષના છોકરા સાથે બનેલી બે ઘટનાઓ આ કામ કરી આપ્યું, દાદીમાની ગેરહાજરીમાં કબાટ ખોલવું અને દડો લેવા માટે અજાણ્યાના ઘરમાં જવું.
એ પછી અંજુઆન્ટીએ પપ્પાને બોલાવ્યા અને બંને પરિવારોનું મિલન પણ કરાવ્યું. ગુલાબદાસે વૃદ્ધ પત્ની સામે બે હાથ જોડ્યા, માફી માગી, માત્ર પોતે જ ન રડ્યા, ત્યાં હાજર સહુને રડાવી દીધાં. એ સૌમ્ય નામનો છોકરો મોટો થઈને ગુજરાતનો લબ્ધપ્રતિષ્ઠ કવિ બન્યો. }
(પાત્રોનાં નામ બદલ્યાં છે.)
અમલપિયાલી:એકવિધતાના અસહ્ય ભારથી મુક્ત પણ થવાતું નથી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/cant-even-get-rid-of-the-unbearable-burden-of-monotony-135276986.html

વિનોદ જોશી એ જ તેજ
એ જ ભેજ
એ જ સેજ
એ જ એ જ
એ જ બેપગા
લગા લગા લગા લગા
- નિરંજન ભગત ટલું નાનકડું જ આ કાવ્ય છે. છંદ છે ગુલબંકી. પૂરા દસ શબ્દો પણ તેમાં નથી પ્રયોજાયા. તેનું શીર્ષક છે ‘એકસૂરીલું’. સૂરીલું હોય તે સહુને ગમે. પણ એકસૂરીલું કોઈને ગમતું નથી. એકસૂરીલું એટલે એકવિધ. એકધારું. વૈવિધ્ય વગરનું. અંગ્રેજીમાં જેને `મોનોટોનસ’ કહીએ તે. તેનું ભાષ્ય કરવા બેસીએ તો આખું પુસ્તક થઈ જાય.
એવું તે શું છે આ પંક્તિઓમાં? `એ જ’ એવા એકાક્ષરી બે શબ્દોથી પ્રારંભ થાય છે. કોઈને સંબોધીને કોઈ કશી વાત કરી રહ્યું છે તેવું તરત સમજાય છે. બોલનારના શબ્દો આપણને સંભળાય છે પણ સાંભળનારની પ્રતિક્રિયા શી હશે તેની ખબર પડતી નથી. તો, ઘડીભર એ સાંભળનાર આપણે જ બની જઈએ.
આ `એ જ’ એટલે `જે હતું તે જ’. અર્થાત્ તેનું તે જ. પણ અહીં કવિએ છુટ્ટા રહેલા `તે’ અને `જ’ને ભેગા કરી દીધા અને `તેજ’ જેવો શબ્દ નીપજાવી લીધો. હવે અહીં તેજનો અર્થ પ્રકાશ થશે. એનો એ જ પ્રકાશ એટલું તો સ્પષ્ટ થયું. પણ પ્રકાશ સાથે કવિએ ભેજને જોડ્યો. કદાચ એ શબ્દ `તેજ’ના પ્રાસથી ખેંચાઇ આવ્યો હોય તેવું બને. પણ તે પ્રકાશમાં કોઈ રોજિંદો ભેજ અનુભવાતો હોય તેવું પણ અહીં ધારી શકાય, કારણ કે પછી તરત આવતો શબ્દ છે ‘સેજ’.
આ સેજ પણ એની એ જ છે. તેમાં કોઈ ફેરફાર નથી અને તેના પર જે સૂએ છે તે પણ એ જ છે. એ જ બેપગા માણસો. બીજું કોઈ નહીં. કોઈ બદલાવ નહીં. બધું જ યંત્રવત્. એકધારું. ગુલબંકી છંદમાં એક લઘુ પછી એક ગુરુ વર્ણ અને એમ વળી પાછી એક લઘુ અને એક ગુરુની આવૃત્તિઓ હોય. તેમાં કોઈ પરિવર્તનને અવકાશ ન હોય. બધું જ એકધારું. કવિએ આ એકધારાપણું જેમાં પ્રતિબિંબિત થાય છે તે ગુલબંકી છંદને વાહન બનાવી એ જ રોજિંદી ઘટમાળમાં ફસાયેલા મનુષ્યની એકધારી જિંદગીનો નિર્દેશ અહીં સહજ રીતે કરી દીધો છે.
આ એકસૂરીલાપણાંમાંથી મુક્ત થવા આપણે જેમ જેમ ફાંફાં મારી છીએ તેમ તેમ તેમાં વધુ ને વધુ અટવાતાં જઈએ છીએ. છેવટે એ લાદવામાં આવેલી પરિસ્થિતિ સ્વીકારી લીધેલી પરિસ્થિતિ બની જાય છે. અને પછી ઘાણીના બળદ પેઠે એક જ ચકરડામાં અને એક જ ગતિમાં સહુ ચાલ્યા કરે છે. આ એકવિધતાનો ભાર વેઠાતો પણ નથી અને તેનાથી મુક્ત પણ થવાતું નથી. નવી નવી ઝંખનાઓ થયા કરે છે પણ તેને આંબી શકાતું નથી. આમ મળ્યું છે તેને કોઠે પાડી દેવાની મજબૂરીમાં અને નથી મળ્યું તે નથી જ મળવાનું તેની લ્હાયમાં જીવન જીવાયા વગર જ પૂરું થઈ જાય છે.
પ્રકૃતિમાં બધુ જ નિત્ય નૂતન છે. સૂર્ય-ચંદ્ર કે સમુદ્ર અને હવાની સ્થિતિ કદી એકધારી નથી. તેમાં દેખાતું પરિવર્તન જ તેમના પ્રત્યેનો અનુરાગ રચી આપે છે. પણ મનુષ્યજીવનની એ કરુણતા છે કે તે અમુક માપનું જ અને નક્કી કરી દેવાયેલું જીવન જ જીવી શકે છે. અને તે પણ એકધારું. બે પળના આયુષ્યમાં સહુએ અનંત જીવી લેવું હોય છે પણ તેમાં પુનરાવર્તન સિવાય કશું જ હોતું નથી. એક સમય એવો આવે છે કે બધું એકનું એક લાગ્યા કરે અને તેને અનિચ્છાએ પણ સ્વીકારી જ લેવું પડે.
કદી પૂરી ન થાય તેવી એક વાર્તા નાનપણમાં સાંભળેલી. એક ઝાડ પર ઘણી બધી ચકલીઓ બેઠી હતી. તેમાંથી એક ચકલી ઊડી, ફર્ર...પછી બીજી ચકલી ઊડી, ફર્ર...પછી ત્રીજી ચકલી ઊડી, ફર્ર... અને આમ એક પછી એક ચકલીઓ વાર્તામાં ઊડ્યાં જ કરે. વાર્તાનો અંત કદી આવે જ નહીં. પછી પેલું ચકલી ઊડ્યાં કરે તેનું એકધારાપણું કોઠે પડી જાય. પછી તો ચકલીનો અને ઊડવાનો અર્થ પણ મનમાંથી નીકળી જાય અને ભાષા માત્ર ધ્વનિ બનીને સંભળાયા કરે. પેલી એકવિધતા આપણને ઘેરી વળે અને આપણે નિરુપાય તેને વેઠ્યા કરીએ.
કવિ માઘનાં મહાકાવ્ય `શિશુપાલવધ’માં એક પંક્તિ છે તે યાદ રાખવા જેવી છે : क्षणे क्षणे यन्नवतामुपैति, तदेव रूपं‌ रमणीयतायाः (પ્રત્યેક ક્ષણે જે નવીનતા પ્રાપ્ત કરે છે તે રૂપ જ રમણીય હોય છે.)
આપણા કવિએ ગુલબંકી છંદના લઘુ પછી ગુરુ અને ગુરુ પછી લઘુના નિશ્ચિત અને એકધારા આવર્તનોમાં ભાષાને અને તેના અર્થોને પૂરી દઈ જીવનનું ખરું સૌંદર્ય આ આવર્તનોમાંથી મુક્ત થવામાં રહેલું છે તેવું સત્ય અહીં આસાન રીતે ખુલ્લું કરી આપ્યું છે અને શીરાની જેમ આપણા ગળે ઉતારી દીધું છે. }
હિડન ટ્રુથ:કોર્ટમાં એક હત્યા કેસમાં સ્વપ્ન બન્યું મહત્ત્વનો આધાર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-dream-became-an-important-basis-in-a-murder-case-in-court-135277020.html

જયેશ દવે સ્વપ્નમાં પૂર્વાભાસની વાત હજારો વર્ષ પહેલાંથી ચાલી આવે છે. એક સમય હતો જ્યારે બધાં જ સપનાંઓને કોઈ સંકેત કે પૂર્વાભાસ તરીકે જ જોવામાં આવતાં.
ઈટાલીના આર્તમિદોરસ નામના વિદ્વાને સ્વપ્નોની વ્યાખ્યા કરવાના સિદ્ધાંતનું પુસ્તક ‘આતીરોક્રિટક’ (આ ઇટાલિયન શબ્દનો અર્થ ‘સ્વપ્નભાસ’ એવો થાય છે.) લખ્યું હતું. આ એ સમયની વાત છે જ્યારે પુસ્તકો હાથે લખવામાં આવતા. પ્રિન્ટિંગ પ્રેસની શોધ થયા પછી આ પુસ્તક છપાયું અને પંદરમી સદીમાં તે બેસ્ટ સેલર પૈકીનું એક હતું.
સપનાં શું કામ દેખાય છે તેનો કોઈ જવાબ નથી અને તેથી સ્વપ્ન ખુદ એક રહસ્ય છે આથી પણ વિશેષ તેમાં દેખાતાં દૃશ્યો અને સંદર્ભો વધુ રહસ્યમય હોય છે.
મનોવૈજ્ઞાનિક ફ્રોઈડે સપનાંઓને માણસની ઈચ્છાઓ સાથે જોડ્યાં છે તો જ્યોતિષશાસ્ત્ર તેને ભવિષ્યના સંકેતો તરીકે જુએ છે. સપનામાં થતો પૂર્વાભાસ આ વાતને પુષ્ટિ આપે છે.
સપનામાં થયેલો પૂર્વાભાસ હત્યા કેસમાં અદાલતમાં માન્ય રખાયો હોય તેવી ઘટના પણ બની છે. ઇંગ્લેન્ડની આ ઘટના છે.
જ્હોન વિલિયમ નામના એક નાગરિકને ઇંગ્લેન્ડના તત્કાલીન નાણામંત્રી પર્સીવલ પ્રત્યે ખાસ લાગણી હતી. તેને એક વખત સપનામાં જોયું કે પાર્લામેન્ટમાં પર્સીવલની હત્યા થાય છે. આ સમયે પર્સીવલે સફેદ વસ્ત્રો પહેર્યા હોવાનું અને હત્યા કરનારનો ચહેરો પણ વિલિયમે જોયો. જ્હોન વિલિયમ એ પોતાના આ પૂર્વાભાસ અંગે પાર્લામેન્ટના સુરક્ષા કર્મીઓ અને અન્ય સભ્યોને પણ જાણ કરી. જોકે કોઈએ આ અંગે ધ્યાન ન આપ્યું.
આખરે થોડા દિવસ પછી પર્સીવલની પાર્લામેન્ટમાં જ હત્યા થઈ. આ સમયે તેણે સફેદ કપડાં પહેર્યાં હતાં.
વધુમાં હત્યારાની ધરપકડ થઈ ત્યારે જ્હોન વિલિયમે જે વર્ણન આપ્યું હતું તેવો જ આ આરોપી હતો! વધુમાં આ હત્યા કેસના ઇંગ્લેન્ડની કોર્ટમાં ચાલેલા કેસ દરમિયાન જ્હોન વિલિયમ્સને પણ સાક્ષી તરીકે માન્ય ગણવામાં આવ્યો હતો.
સપનાં તે માત્ર આપણી મનોદશા કે લાગણીઓ પૂરતા સીમિત નથી તેની સાથે વૈશ્વિક ચેતના પણ જોડાયેલી છે અને તેના સંકેતો પણ મળતા હોય છે. જોકે, આ સંકેતોને ઉકેલવા અઘરા હોય છે પરંતુ કેટલીક વ્યક્તિઓને આ સંકેત ખૂબ સ્પષ્ટ મળતા હોય તેને પૂર્વાભાસ તરીકે ગણવામાં આવે છે.
કાર્લ જંગે આપેલા સિદ્ધાંત ‘ધ કોન્સેપ્ટ ઓફ ધ કલેક્ટિવ અનકોન્શિયસ’માં સપનાં વિશે પણ વાત કરી છે. તેમણે કહ્યું છે ઈચ્છા પ્રમાણે સપના જોવા સંભવ નથી કારણ કે તે માત્ર પોતાની મનોદશા પર આધારિત નથી. હા, સપનામાંના સંકેતોને અભ્યાસ અને બારીકાઈથી સમજી જરૂર શકાય છે.
‘ફાઈનલ ડેસ્ટિનેશન’ ફિલ્મમાં મોતનાપૂર્વાભાસ અને મૃત્યુથી બચવાના નિરર્થક પ્રયાસની વાત છે. આવી જ ઘટનાઓમાં સ્વપ્નનો સંકેત સમજવા છતાં કાળ પીછો છોડતો નથી તેવા કિસ્સા પણ નોંધાયા છે. અમેરિકામાં એક સરકારી અધિકારીને સપનું આવ્યું કે આવતીકાલે તેનું અકસ્માતે મોત થવાનું છે. તેણે આ વાત તેણે પોતાની પત્નીને કરી. બંનેએ સપનાને ગંભીરતાથી લઈ આખો દિવસ ઘરની બહાર ન જવાનો નિર્ણય લીધો. સાંજ સુધી કશું જ ન થયું અને બંને રાહત અનુભવી.
દરમિયાનમાં પડોશી મિત્ર બીમાર હોવાના સમાચાર મળ્યા. બાજુમાં જ તેનું ઘર હતું અને પતિપત્ની બંને ત્યાં જવાં નીકળ્યાં. દરવાજાની બહાર નીકળ્યાં અને ફૂટપાથ પર ચાલી રહ્યાં હતાં ત્યારે પૂરપાટ આવતી જીપે તે અધિકારીને અડફેટે લીધા અને તેનું મૃત્યુ થયું.
સ્વપ્નમાં તથા પૂર્વાભાસની તથ્યતા તપાસવા ડો. જે. બી. રાયન અને તેમનાં પત્નીએ ભેગાં મળી વર્ષો સુધી કાર્ય કર્યું છે. પરીક્ષણો અને વિશ્લેષણના આધારે તેમણે જણાવ્યું હતું કે, માણસની અંદર રહેલી ચેતના ખૂબ દૂર સુધી સંપર્કો સાધી શકે છે આ ચેતનાની શક્તિ છે કેટલાક સંજોગોમાં ભવિષ્યના સંકેતો પણ આપે છે આ પૈકી બહુ થોડા સ્પષ્ટ હોય છે જ્યારે બાકીનાને સમજવા મુશ્કેલ હોય છે.
સ્વપ્નની દુનિયા આપણી સમજની બહાર હોય તેવું લાગે. પાંચ વર્ષની ઉંમરે દૃશ્ય અને શ્રવણ-શક્તિ ગુમાવી ચૂકેલી રશિયાની ઓસ્કૌરોખોદોવાએ ‘માય પરસેપ્શન એન્ડ કન્સેપ્શન ઓફ ધ વર્લ્ડ’ નામના પુસ્તકમાં સ્વપ્ન વિશે પણ લખ્યું છે.
તે કહે છે, ‘સ્વપ્નમાં કોઈ ચિત્ર ન આવે પરંતુ ધ્વનિ અને ગંધ પણ સ્વપ્ન તરીકે અનુભવાતાં હોય છે. આ ગંધ અને ધ્વનિ દ્વારા આખરે શું સંકેત હતો તે પણ સમજાઈ જતું હોય છે.’ તો કહી શકાય કે સ્વપ્ન તે માત્ર જોવાની જ પ્રક્રિયા નથી તે અનુભૂતિનો ભાગ છે. }
ફરીથી મળવું Áપારુલ કંદર્પ દેસાઇ
પાનાં: 112 Áકિંમત: 150 રૂ.
અગિયાર વર્ષના લાંબા સમય પછી પારુલબહેનનો આ બીજો વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. નાની, સરળ, સમજાય એવી કુલ 15 વાર્તાઓ સમાવાઈ છે. પુસ્તકનું નામ જેના પરથી છે એ ‘ફરીથી મળવું’ વાર્તા બે બહેનપણીઓ ફરીથી મળ્યા પછી કેવી રીતે પોતાના મતભેદો મૂકીને પણ મળે છે, તેની વાત કહેવાઈ છે. હિરોઇન પહોંચે છે પૂર્વ પ્રેમીના શહેરમાં. ‘એ શહેરમાં’ એવા પ્રેમીના નગરમાં પહોંચતી હિરોઇનની વાર્તા છે. પહોંચ્યા પછી શું થાય એમાં જ વાર્તા સમાયેલી છે. ‘રિયાની મમ્મા’ યુવતીઓની માતાની ચિંતા આબેહૂબ રીતે રજૂ કરે છે. ‘તેજલિસોટો’ પણ કંઈક દીકરીની માતા-પરિવાજનોની જ સમસ્યા રજૂ કરતી નવા દૃષ્ટિકોણની વાર્તા છે.
લગ્ન પછી પૂર્વ પ્રેમીની ‘ફ્રેન્ડ રિક્વેસ્ટ’ આવે તો શું થાય અને શું કરવું એનો પણ જવાબ છે. ‘પપ્પાનું ઘર’ નામ મુજબ પપ્પાના ઘરનો સદ્ઉયપોગ દર્શાવે છે. કોઈને લાંબા સમય પછી મળીએ તો એની સાવ નવી અને વાસ્તવિક ઓળખ મળે એ કથા ‘આફ્ટર અ લૉંગટાઇમ’માં છે. મોટા ભાગની વાર્તા સ્ત્રીની કથાને રજૂ કરે છે. સરળ રીતે નવા યુગની સમસ્યાઓ રજૂ થઈ છે.
***
મરલ્ડ Áપન્ના નાયક
Áતસવીર- સંપાદન: સંજય વૈદ્ય
પાનાં: 138 Áકિંમત: 350 રૂ.
મૂળ ભારતીય પણ અમેરિકા નિવાસી કવયિત્રી પન્ના નાયકનો સાહિત્યિક સર્જનનો આ તસવીરી સંગ્રહ છે. ‘એમરલ્ડ’ સંપાદન સંગ્રહમાં પન્ના નાયકનું સાહિત્ય અને બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો છે. સંપાદન સંગ્રહની શરૂઆતમાં ડાબી બાજુના પાને કવયિત્રી પન્ના નાયકની તસવીર છે અને સામેના પાને તેમનું સર્જન ‘હું’ છે. મમળાવવા જેવું ‘તને ખબર છે’ અછાંદસ કાવ્ય છે. આ ઉપરાંત લેખ ‘મારું જીવનસૂત્ર’ અને ટૂંકી વાર્તા ‘ફ્લેમિન્ગો’નો સમાવેશ કરાયો છે. આપણી ભાષાના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીએ પન્ના નાયકના ‘આ મારું ઘર’ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે. ગીતકવિ તરીકે પ્રસિદ્ધ કવિએ અછાંદસ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. પન્ના નાયકના હસ્તાક્ષરમાં ‘તને ખબર છે:’ સામેલ છે.
અને એક માછલી
સાગરનું સરનામું
શોધતી રહી…
આ સંપાદન સંગ્રહનું અંતિમ સર્જન છે. આ સંપાદન સંગ્રહની મજા એ છે કે કવિતાનું માધ્યમ કાવ્ય જ નહીં, પણ ચિત્ર પણ છે.
***
અંજળપાણી વાસુદેવ સોઢા
પાનાં: 120 Áકિંમત: 180 રૂ.
ટૂંકી વાર્તના આ સંગ્રહમાં સમાજજીવનનાં પ્રતિબિંબ ઝીલતી અને બેવડું નિશાન તાકતી કુલ 18 વાર્તાઓ સમાવિષ્ટ છે. સંગ્રહની શરૂઆત ‘તમાચો’ સાથે થાય છે અને અંતિમ વાર્તા ‘આળ’ છે. સંગ્રહની સોળમી વાર્તા ‘અંજળપાણી’ ટૂંકી વાર્તા સંગ્રહનું શીર્ષક બન્યું છે. સંગ્રહની 11મી વાર્તા ‘ગ્રહ (ગૃહ) નડતર’નો ઉપાડ ગ્રહ નડતરની ચાડી ખાય છે. સંગ્રહની તમામ વાર્તાઓમાં લેખકે પ્રયોગશીલતા કે પરંપરાના પ્રવાહમાં તણાયા વિના આગવું વાર્તાવિશ્વ સર્જ્યું છે. આ વાર્તાઓના દર્પણમાં સમાજનો સાફ ચહેરો દેખાય છે.
‘અંજળપાણી’ ઉપરાંત લેખકનો અન્ય વાર્તા સંગ્રહ ‘આયામ’ પ્રગટ થયો છે. તેમાં માનવમનની આંટીઘૂંટીને આકાર આપતી કુલ 20 ટૂંકી વાર્તાઓ છે. કુલ 92 પાનાંઓના આ સંગ્રહનો અંત ‘છેલ્લી છોકરી’ સાથે આવે છે.
***
કિંત્સુગી ટેલ્સ ઝરણાં
પાનાં: 120 Áકિંમત: 210 રૂ.
કિંત્સુગી ટેલ્સ એક જાપાનીઝ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘તૂટેલા વાસણને સોનાથી જોડવાની એક કળા’. બસ આ શબ્દની જેમ જ આ પુસ્તક કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતી મહિલાઓને એ પીડાદાયક અને દુ:ખદાયક યાતનાઓથી ભરેલી જિંદગીમાં હિંમત આપી આવી પરિસ્થિતિમાં પણ જીવનનો આનંદ માણવાનો શીખવી જાય છે. આ પુસ્તકમાં એક વાક્ય પણ છે કે, ‘કેન્સર એ માત્ર મેડિકલ બીમારી નથી, એ જિંદગીને બદલી નાખતી એક સફર છે.’ આ બીમારીમાં હતાશ થઈ જીવનથી હાર માની લેવાના બદલે જીવનને ભરપૂર રીતે માણવાનું શીખવે છે. આ પુસ્તક લોકોની એકલતા દૂર કરી એક આશા જગાડવા માટે પ્રેરે છે.
પુસ્તકમાં અલગ અલગ ઉંમરમાં થયેલા કેન્સર અને અલગ અલગ કેન્સરથી પીડાતા પીડિતની વાત છે. અહીં અંત પણ છે ને એક નવો આરંભ પણ છે.
***
શરદસાહિત્ય મારી નજરે Áજયશ્રી પટેલ ‘જયુ’
પાનાં: 166 Áકિંમત: 250 રૂ.
પુસ્તકના શીર્ષક ઉપરથી જ સમજાઈ જાય કે લેખિકાનું આ પુસ્તક સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર એવા શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનું છે. અહીં લેખિકાએ શરદબાબુની જાણીતી અને વિભિન્ન પ્રકારની વાર્તાઓનો રસાસ્વાદ કરાવ્યો છે, જેમાં શરદબાબુના સાહિત્યનો, તેમના જીવનકવનનો, એ સમયની સમાજવ્યવસ્થાનો તેમજ સામાજિક સંબંધોનો સંપૂર્ણ ચિતાર મળી આવે છે. સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ એ વખતે કેવી હીતે એનું પણ આબેહૂબ દર્શન પુસ્તકના માધ્યમથી મળી આવે છે. અહીં બીજી નોંધવાલાયક બાબત એ પણ છે કે નવલિકા, નવલિકાનો અનુવાદ કોણ કર્યો છે અને એ ઉપરથી જુદાં જુદાં સમયગાળામાં બનેલી ફિલ્મો, ડિરેક્ટર અને એક્ટરના નામનું પણ તેમણે ખાસ ધ્યાન રાખ્યું છે. ‘નવવિધાન’, ‘સતી’, ‘અવરણીયા’ જેવી નવલકથા અને ‘પથેર દાબિ’નાં પાત્રોની મજબૂત વાત પુસ્તકમાં દેખાઈ આવે છે.
***
હૃદયમાં ધબકે વાંસળીના સૂર
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
પાનાં: 100 Áકિંમત: 275 રૂ.
આ પુસ્તકમાં સાત વાર્તા છે અને સાતેય કૃષ્ણને સમર્પિત છે. એ રીતે કૃષ્ણને જુદી કલ્પના સાથે રજૂ કરવાનો લેખકે પ્રયાસ કર્યો છે. મોરપંખ, વાંસળીના સૂર, કૃષ્ણલીલા 2.0, મોરપીંછ, મણીનું રહસ્ય, કાન્હાની અન્ય લીલાઓ અને હૃદયમાં ધબકે વાંસળીના સૂર. પુસ્તકમાં ચિત્રો પણ મુકાયાં છે, જે ધોરણ 9ના વિદ્યાર્થીએ બનાવ્યાં છે.
***
એંધાણ Áલાલજીભાઈ બી.ઠાકોર
પાનાં: 64 Áકિંમત: 100 રૂ.
પુસ્તકમા લેખકે પોતાના જીવનમાં બનેલા, જોયેલા અનુભવોને પ્રસંગોને વાર્તા સ્વરૂપે લખ્યા છે. ‘કરમમાં લખેલું કયાં જાય’, ‘બખડિયા પીર’, ‘ગોવિંદડીનો ટીંબો’, ‘ગોલણબાપુ’, ‘ધાર્મિક પિતા’, ‘કેદારનાથમાં કહેરના એંધાણ’ એમ કુલ 14 કથા છે.
વિકાસની વાટે:દરેક વાંચન આપણામાં નવો બદલાવ લાવે છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/every-reading-brings-a-new-change-in-us-135277073.html

હસમુખ પટેલ ‘મારો સાક્ષાત્કારી હૃદય રોગ’ ડોક્ટર અભય બંગનું પુસ્તક છે. લેખક મહારાષ્ટ્રના નક્સલવાદથી અસરગ્રસ્ત આદિવાસી જિલ્લા ગડચિરોલીમાં ‘શોધગ્રામ’ નામની સંસ્થાના માધ્યમથી ત્યાંનાં રહીશોના આરોગ્ય અને ઉત્થાનનું કામ કરે છે.
આજથી ત્રણ દાયકા પૂર્વે 44 વર્ષની ઉંમરે લેખકને હૃદય રોગનો હુમલો આવે છે. ડોક્ટર તરીકે બધી જ જાણકારી હોવા છતાં સેવાની ધૂનમાં જીવનશૈલી જ હૃદયરોગ નોતરે તેવી બની જાય છે તેની ખબર સુધ્ધાં પડતી નથી. આ અનુભવ લેખક અને તેમના પરિવાર માટે ખૂબ જ આઘાતજનક હોય છે. આઘાતમાંથી બહાર નીકળી લેખક જીવનશૈલીમાં ફેરફાર કરે છે. વિભિન્ન સ્ત્રોતોથી માહિતી મેળવી તેઓ કસરત, ખોરાક, ધ્યાન આદિના પ્રયોગ કરે છે. સ્વઅવલોકન દ્વારા શીખતા જાય છે. ત્રણ વર્ષમાં સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય છે. તેઓના અનુભવ વિશેના વ્યાખ્યાન ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક થયાનું સાંભળ્યું છે.
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું. તેમાં માત્ર આરોગ્યની વાત નથી. તેમાંથી લેખકના રૂપાંતરણનો આપણને અનુભવ થાય છે. પુસ્તક મને એટલું ગમ્યું કે ઘણાં વર્ષો સુધી હું તેની નકલો મારી પાસે રાખતો અને સ્નેહીઓને ભેટ આપતો. છેલ્લા પાંચેક વર્ષથી ફરી વાંચવાનો વિચાર કરતો હતો.
હમણાં મેં પુસ્તક ફરી વાંચ્યું. ઝડપી વાંચનની મેં શીખેલી નવી તરકીબનો પહેલીવાર આખું પુસ્તક વાંચવા ઉપયોગ કર્યો. આ તરકીબ વિના આ પુસ્તક પૂરું થયું ન હોત!
આ પુસ્તક વાંચીએ અને આપણે બદલાઇએ નહીં તેવું ન બને. બલકે દરેક વાંચન આપણામાં નવો બદલાવ લાવે. આર્થિક સુધારાને પગલે આવેલા મૂડીવાદે આપણા જીવન પર કેવો કબજો જમાવ્યો છે?
લેખક લખે છે: ‘અગાઉ ઘરમાં શ્રીખંડ બનાવતા ત્યારે મારી માને બે દિવસ પહેલાં દહીં જમાવવું પડે. પછી તેમાંથી પાણી કાઢી નાખવા માટે તેને કપડાંમાં બાંધી લટકાવવું પડે. પછી તેમાં ખાંડ, કેસર, એલચી કૂટીને મઠા સાથે મસળવું પડે. સ્વાભાવિક રીતે ઘરમાં મીઠાઈ મહિને એક વાર બનતી. આજે બજારમાંથી રેડીમેડ શ્રીખંડ, આઈસક્રીમ, ગુલાબ જાંબુના ડબ્બા લઇ આવવાના, ડબ્બો ખોલવાનું માત્ર કષ્ટ કરવું પડે, હોટલમાં ગયા તો તે કષ્ટમાંથી પણ મુક્તિ, હોટલમાં જવાનું કષ્ટ ન લેવું પડે તે માટે હોમ સર્વિસ પણ શરૂ થઈ છે. કારખાનાંના હાથ ઘર સુધી પહોંચી ગયા છે.’
‘પ્રોસેસ ફૂડના ક્ષેત્રે નફો રળી લેવા માટે માર્કેટિંગની વ્યવસ્થા, વિજ્ઞાપનોનું જિંગલ્સ, ડિસ્કાઉન્ટ કુપન્સ – તમામ યુક્તિઓ અજમાવી આ નવી જીવનશૈલીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.’
‘આવી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટ ઇકોનોમી, આવી ભોગવાદી સંસ્કૃતિ પ્રચલિત હોય ત્યારે હું તથા સમાજની કોઈ પણ વ્યક્તિ નિરોગી આહાર કેવી રીતે ટકાવી શકે?’
‘જીવન માટે ઘાતક એવાં ખાનપાનની જાહેરાતો શા માટે? માણસ વધુ પ્રમાણમાં ઇન્દ્રિયો દ્વારા ભોગ ભોગવી શકે એટલા માટે? ભોગ શા માટે વધારવો? માલ ખપાવીને વધુ નફો રળવા માટે? આ નફામાં હિસ્સો મળે તે માટે અમારે જ તેના શેર વેચાતા લેવાના? ભાઈ, શા માટે શ્રીમંત થવું છે? બીજો વધુ શ્રીમંત છે માટે અમારી શ્રીમંત થવાની સ્પર્ધા છે. સ્પર્ધા સિવાય માણસ કામ કરતો નથી. એવી માણસ વિશેની ધારણા છે. લોભ સિવાય માણસ સ્પર્ધા કરતો નથી. સ્પર્ધા સિવાય પ્રગતિ થતી નથી. એવી આ બધી કારણ પરંપરા છે. ક્યાંક કંઈ ગરબડ થઈ છે. આ વિષચક્રમાં ફસાયા પછી થોભી જઈ પુન: વિચાર કરવાનો અવકાશ નથી.
‘આધુનિક સમૃદ્ધિનો આધાર ભોગ, સ્વાર્થ, સ્પર્ધા અને લોભમાં વધારો કરવાનો હોય તો એ માણસ આનંદી રહી શકે ખરો ? માણસની આ પ્રવૃત્તિઓને સતત ઉત્તેજિત કરનારા સમાજમાં એકલો માણસ નૈસર્ગિક, તાણરહિત આધ્યાત્મિક જીવનશૈલી કઈ રીતે જીવી શકે?’
દસ વર્ષ પહેલાં મેં આ પુસ્તક વાંચ્યું ત્યારે મને ગમતી વાતો પર મેં પેન્સિલથી નિશાની કરી છે. તેમાં ઉપરની વાતોનો સમાવેશ થતો નથી. ત્યારે મને આ વાતો સમજાઇ કે સ્પર્શી નહીં હોય. મારા આ હાલ હોય તો નવી પેઢી તો આ માયાજાળથી અંજાય તેમાં શી નવાઈ?
2010 સુધી મારા ઘરમાં ફ્રિજ ન હતું. હું ફ્રિજને રોગનું ઘર માનતો. ફ્રિજ રાખીએ તો વાસી ખાવાની આદત પડે તેવું હું માનતો. મારા આગ્રહને કારણે ઘરમાં ફ્રીજ આવ્યું ન હતું. પરંતુ તે મારા ઘરનાને પજવતું. આજે અમે સૌ ફ્રિજના ગુલામ છીએ. ગુલામી આ રીતે જ પગપેસારો કરતી હોય છે. મુઘલોને વિદેશી વેપારીઓ કમાઉ દીકરા જેવા લાગતા હતા. જેમણે છેવટે આપણને ગુલામ બનાવ્યા. આજે ભલે તેમણે દેશ છોડ્યો હોય આજે પણ તેમની આર્થિક વ્યવસ્થાના ગુલામ છીએ.
આપણી જીવનશૈલીની નાની નાની ચીજોને યાદ રાખી જાળવી લેવી પડશે. ઘડો મૂકીને ગૃહપ્રવેશ કરનારા સમાજમાં ઘડાનું સ્થાન ફ્રિજ લે, ઘડો અદૃશ્ય થશે પછી કશુંય બચશે નહીં.
મરક મરક:મોટી ઉંમરની પત્નીના ફાયદાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/advantages-of-an-older-wife-135277062.html

ધ્રુવ બોરીસાગર ફ્રા​​​​​ન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પોતાનાથી ચોવીસ વરસ મોટાં ડ્રામા ટીચર બ્રિજિટ સાથે પંદર વર્ષે પ્રેમ અને ત્રીસ વર્ષે લગ્ન કર્યાં ત્યારે આંગળિયાત પુત્રો પણ એનાથી મોટી ઉંમરના હતા. (આપણે ત્યાં તો આવું હોતું નથી તો પછી પિતાને ‘ભાઈ’ કહીને કેમ બોલાવતાં હશે?)
હમણાં આપણે ત્યાં પણ સુરતનાં શિક્ષિકાને એમના તેર વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમ થઈ ગયો. બંને ભાગ્યા પરંતુ ઝડપાઈ જતાં શિક્ષિકાએ ભાવિ પતિ અને ભારતે ભાવિ રાષ્ટ્રપતિ (મેક્રોન) ખોયા!
ફ્રાન્સ રાષ્ટ્રપતિ મેક્રોન પત્ની બ્રિજિટે મારેલો લાફો અને લાફો ખાધા પછી ‘જાણે કંઈ બન્યું જ નથી’ના અદભુત અભિનય માટે આજકાલ વધારે ચર્ચામાં છે. (કાંઈક શીખો ભારતીય પતિઓ, કાંઈક શીખો)
મેક્રોનની લીધેલી ટેલિફોનિક મુલાકાતમાં એમણે જણાવેલા મોટી ઉંમરની પત્નીના ફાયદાઓ – એમના જ શબ્દોમાં...
‘સૌપ્રથમ તો એ સ્પષ્ટતા કરી લઉં કે હું જ્યારે પણ ગુસ્તાખી કરું તો એ કાયમ મને બાળસહજ વહાલથી ટપલી મારે. એ દિવસે મેં વધેલી ઉંમરને કારણે મનચલીને પડેલી કરચલીની મજાક કરી હતી. કોઈ પણ સ્ત્રી માટે પોતાની વધેલી ઉંમરનો સ્વીકાર કરવો અઘરો હોય છે એ હું ભૂલી ગયો હતો અને એ ભૂલી ગઈ કે હું પતિ ઉપરાંત હવે રાષ્ટ્રપતિ પણ છું. પ્લેનનો દરવાજો અમારા ધાર્યા કરતાં જરા વહેલો ખૂલી ગયો. નૉ ડાઉટ એ દિવસે ટપલી નહોતી, ટપલો હતો, જેને જગતે લાફા તરીકે ઓળખ્યો. રહ્યો સવાલ વિમાનમાંથી ઊતરતાં મારા હાથમાં એણે હાથ નહીં પરોવ્યો એનો, તો એનું કારણ એ છે કે બ્રિજિટ રિસામણાં અને મનામણાં બાબતે ભારતીય સ્ત્રીઓને ફૉલો કરે છે!
વટસાવિત્રી નહીં, પણ વઢસાવિત્રી (પત્નીઓ) જો દસેક વર્ષ મોટી ઉંમરની શોધીએ તો પપ્પાની પરીમાં પરિપક્વતા, છત્રછાયા અને દયાભાવના ત્રિવેણીસંગમનો અનુભવ થાય છે! કઈ ટીવી સિરિયલ જોવી? પંખા અને એ. સી. કઈ સ્પીડથી ચલાવવાથી માંડીને અનેક મિસમૅચિંગ દરેકના સંસારમાં રહેવાનાં; પણ, ઉંમરના આ મિસમૅચિંગને કારણે પત્ની પતિને અનુકૂળ થવાનો પ્રયત્ન ચોક્કસ કરશે. સ્ત્રીઓના સ્વભાવને પણ સ્થિતિસ્થાપકતાનો નિયમ લાગુ પડતો હોવાથી આ સાનુકૂળ સ્થિતિ થોડો સમય જ રહેશે.
મોટી ઉંમરની પત્ની તમારામાં રહેલા નિર્ણયશક્તિના અભાવનો અહેસાસ તમને થવા જ નહીં દે, કારણ કે તમે નિર્ણય લો એ પહેલાં તો એણે લીધેલા નિર્ણયની તમને જાણ કરી અમલીકરણ પણ શરૂ કરી દેશે. પછી પતિએ ખાલી ખાલી ગાવાનું... ‘મિલે સુર, મેરા તુમ્હારા, તો સુર બને હમારા…’ હા, એટલું ખરું કે તમારા ખાધલક્ષી અર્થતંત્રને પણ કોઈ પણ સરકારની જેમ કૉસ્મેટિક, પ્લાસ્ટિક સર્જરી કરીને વિકાસલક્ષી અર્થતંત્ર બનાવી દેશે.
ઘરમાં લાઇવ ‘રામાયણ’ અને ‘મહાભારત’ ભજવનારાં અમર ઍન્ટિ પાત્રો જેવાં કે દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ તો ક્યારેક સાસુ-વહુ વચ્ચે પણ બહુ ઝાઝો ઉંમરનો તફાવત ન હોવાને કારણે એમના વચ્ચે સારું ટ્યૂનિંગ રહેવાની શક્યતા છે.
ઉંમરને ધ્યાનમાં રાખીને વીમા એજન્ટો દ્વારા પત્નીનો વીમો લેવાના આગ્રહો વધી જશે અને પતિઓ પણ આ વીમાઓ હરખભેર ઉતરાવશે, જેથી વીમાબજારમાં એક નવી તેજી આવશે. પચીસમી લગ્નતિથિએ લોકો આશ્વાસન આપશે કે ‘જેટલાં કાઢ્યાં એટલાં હવે કાઢવાનાં નથી!’ આ આશ્વાસન પુરુષના આયુષ્ય માટે ઈંધણનું કામ કરશે. ઉંમર પ્રમાણે જ જો વિદાયક્રમ ગોઠવાય તો ‘છેલ્લાં વર્ષોમાં ફરી થોડો સમય આઝાદી મળે તો સારું’ એવી દરેક પતિની ધરબાયેલી મહેચ્છા પૂરી થશે!
સામાન્ય રીતે પોતાના ધડની સલામતી ખાતર પતિ ક્યારેય પત્ની સાથે ધડ કરતા નથી. સાંભળ્યું છે કે તમારે ત્યાં પત્નીની ટકટકનું પ્રમાણ વધારે છે. નાનકુડિયા ચકુડિયા પતિ સાથે લમણાં લઈને શું ફાયદો? એવું વિચારીને મોટી ઉંમરની પત્ની ઓછી ટકટક કરશે. મહેમાનોની હાજરીમાં પતિના વાણીસ્વાતંત્ર્‌ય પર પત્ની તરાપ ઓછી મારશે. મારા અનુભવે ઉંમરને કારણે તકરારોના છૂટાછવાયા બનાવો સિવાય એકંદરે શાંતિ રહે છે. ટૂંકમાં, તમે કરેલું ઉંમરનું બલિદાન એળે નહીં જાય!
છેલ્લો પણ અગત્યનો ફાયદો, મોટી ઉંમરની પત્ની સાથે પરણ્યા પછી ભૂલ થઈ ગયા જેવું પતિને લાગશે તો થયેલી ભૂલ સુધારવા માટે પતિ પાસે પૂરતો સમય રહેશે!
ઇન્ટરવ્યૂ તો તમારી ગુજરાતી ભાષામાં જ છપાવાનોને? પાછો લાફો ખાવાનો, સૉરી ટપલો ખાવાનો વારો ન આવે એટલે પૂછું છું!’
આઇસ ક્યૂબ: પત્નીની ઉંમર મોટી હોય તો ભલેને કહ્યા કરતી ‘મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે’ પણ પતિને હોળી ઓછાં વર્ષો જોવી પડશે એ ફાયદો જને! }
કાવ્યાયન:શાળાના સરનામે સોનાનો સૂરજ ક્યારે ઊગશે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/when-will-the-golden-sun-rise-over-the-schools-address-135300596.html

હરદ્વાર ગોસ્વામી હાં રે અમે ગ્યાં’તાં હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે, અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે ઊડયાં હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે, આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં હો મહેલના કિનારે
પંખીના ઉતારે, કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે, પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે, કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં છલકંતી છોળે,
દરિયાને હિંડોળે, ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે, રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં તારાના તરંગે,
રઢિયાળા રંગે, આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
–સુન્દરમ્
સ્કૂલ ચાલુ થયા પછી પણ મામાના ઘરે જવાની સુખદ ક્ષણોનું રીટેલિકાસ્ટ થયા કરે છે. વેકેશન શબ્દ સાંભળતા જ મનના તમામ ભાર હડસેલી દેવાનું મન થાય છે. અરે મન સુધ્ધા ફગાવી દેવાનું મન થાય છે. હૃદય સાથે જલ્સેદાર જીવી લેવાની ક્ષણો એટલે વેકેશન. બાળપણમાં તો સ્કૂલમાં બેઠા એ દિવસથી જ વેકેશનની પ્રતીક્ષા કરતા હતા. વેકેશન એ વેકેશન અને બીજા બધા ટ્રેન વિનાના સ્ટેશન... પરીક્ષાની તૈયારી નહોતા કરતા એટલી તૈયારી વેકેશનના આયોજન માટે થતી હતી.
વેકેશનનો હેંગઓવર ઉતર્યો ન હોય ત્યાં સ્કૂલ ખૂલે છે. વિધાર્થીને એમ થાય કે ઘડીમાં વેકેશન પૂરું થઇ ગયું. આમ પણ આપણો ગમતો સમય ગરુડની ઝડપે જાય છે. પરીક્ષા વખતનો સમય કીડીની ગતિએ ચાલે છે. વેકેશન એ પાછલા વર્ષનું બોનસ અને આગલા વર્ષનો ઓવરટાઈમ છે. હોશિયાર વિદ્યાર્થીઓ મોટેભાગે વેકેશનમાં જ આવનારા ધોરણના અભ્યાસક્રમમાંથી પસાર થઇ જાય છે. જેને કારણે મનમાં એક પશ્ચાદભૂ રચાઈ જાય છે, જેથી વર્ગમાં બેઠા હોઈએ ત્યાં સ્વર્ગનો અનુભવ થાય, કંટાળાના કાટમાળનો નહીં.
વેકેશન પૂરું થતા શાળાના સૂમસામ આંગણા (હોય તો) ફરી જીવંત થાય છે. ક્લાસરૂમની એકલતા પર કલરવનો માળો સર્જાશે. બેન્ચને જીભ હોય છે એટલે જ દીવાલોને પણ કાન હોય છે એવું કહેવાયું હશે. વેકેશનની તીવ્રતા જેટલો જ ઉત્સાહ શાળા ઉઘડવાનો હોય તો શિક્ષણની નિસબત સાચી સમજવી.
શિક્ષણ એટલે માત્ર નોકરી એ કોન્સેપ્ટને કાઢી નાખવા જેવો છે. ધંધો કરવા પણ સારું શિક્ષણ જરૂરી છે. ઋષિ-મુનિઓ આશ્રમશાળામાં સર્વાંગી શિક્ષણ આપતા હતા. કોઈ ઉદ્યોગો નહોતા તોય કોઈ બેકાર ન હતું. તણાવમાં કોઈ વિધાર્થીએ આત્મહત્યા કરી નહોતી. આજના શિક્ષણને જીવનલક્ષી બનાવવાની વધુ જરૂર છે.
બાળકો જ્યારે પિતાને એમ કહેશે, ‘લગ્નમાં જઈશ તો મારું ભણવાનું બગડશે’ તો અને તો જ શાળાની સાર્થકતા સિદ્ધ થશે. શાળાને સન્માન નહીં આપીએ ત્યાં સુધી શાળા પણ આપણને સન્માન નહીં આપે. બાળકોને હોંશે હોંશે આવવાનું મન થાય એવું નિર્ભય – નિર્મળ વાતાવરણ રચાવું જોઈએ. આજકાલ શાળાઓ વાઈબ્રેટિંગ મોડ પર છે અને ટ્યુશન ક્લાસની તીવ્ર રીંગટોન સંભળાઈ રહી છે. દરેક વાલીને પોતાના બાળકને પહેલા નંબરે લાવવો છે અને આકાંક્ષાનો ટોપલો ઠેલવી દીધો છે. સવારના છથી તે સાંજના છ સુધીનું ટાઈમટેબલ બાળકની મૌલિકતાને હણી નાખે છે.
ટયુશનમાં શિક્ષક જેટલું શાળાના શિક્ષકને ગંભીરતાથી નથી લેતા. એમાં સરકારી મેન્ટાલિટી હશે જ. ગુરુ દક્ષિણામાં અંગુઠો આપી દેનાર એકલવ્ય નથી રહ્યો તો ગુરુદ્રોણ જેવા ગુરુ પણ ક્યાં રહ્યા છે! બંને પક્ષે ખાલીપો થયો છે. અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી જેમ્સ એન્જલ કહે છે કે, ‘શિક્ષકનું કામ રોટલો કેમ રળવો તે નહીં પણ કોળિયો મીઠો કેમ કરવો તે છે.’ મેકોલોએ આપેલી ચોક ડસ્ટર ને બેન્ચની શિક્ષણ પ્રણાલીને કારણે આજે પણ આપણે અંગ્રેજોના ગુલામ છીએ. નવી શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિ સાથે માનવીય અભિગમને વણી લેવાયા છે.
આશાના અજવાળાંમાં શિક્ષણનો સૂરજ ઊગશે. સાંદીપનિના આશ્રમથી આરંભાયેલી આપણી શિક્ષણ પરંપરા સર્વાંગી હતી. આજનું શિક્ષણ સ્વકેન્દ્રી થઇ ગયું છે. ‘માણસ બનાવવાનો આભ્યાસક્રમ યુનિ.માં સત્વરે દાખલ કરવાની જરૂર છે.’ ક્યારની ભીડી છે બાથ
ને મુકાબલો કરું છું આ કોરા કાગળનો
પણ ગળામાં અટવાયેલી ચીસ
અવતરતી નથી - શબ્દદેહે
દૂ...ર સુધી કળાતાય નથી કોઈ એંધાણ...
વિસ્મૃતિનું વરદાન પણ ક્યાં !
રૂબરૂ ન થતી એ સંવેદના
લોહીમાં ભળી કાગારોળ મચાવે છે અવતરવા
એક પણ ખૂણો લંબાશે
તો હથિયાવી લેશે આખું કોરું આકાશ
પણ ક્યાંક, કશુંક
ભટકે છે, છટકે છે, બટકે છે
વળી અટકે છે, ખટકે છે
ઊંડે...સતત ‘ને તોયે
હાથવગું બધું જાણે સરકે છે
માંહ્યલાની એ મથામણમાં
ભીતરનો દાહ...ઉષ્મા બને તો...
આ ભટકણ, છટકણ, બટકણને
પહોંચી વળાય....... ને....
હું સ્થિતપ્રજ્ઞ !
- રક્ષા એચ. દવે

જાઉં છું એમ ફરી બાળપણમાં,
પહોંચી જાઉં શાળાના આંગણમાં,
દોડતી જાઉં છું, ચાલી પગપાળા,
આજે શમણાંમાં આવે છે શાળા.
- લતા ભટ્ટ

સૂક્ષ્મકોષથી બ્રહ્માંડના જ્ઞાનને જોડતી શાળા,
એકમથી અબજો સુધી વિસ્તરતી શાળા,
ઈતિહાસના પન્નામાંથી દસ્તક દઈ,
નાગરિકતાની નાડ પરખતી શાળા,
નાનકડા ઓરડાથી આખી ભૂગોળમાં ફેલાતી
કાળા બેરંગ પાટિયા દ્વારા
જિંદગીને સાતેય રંગે રંગતી શાળા!
- હાર્દિક જોષી ‘રઘુ’ ક્યાંક ખોવાઈ ગઈ એ જિંદગી,
હાથ તાળી દઈ ગઈ એ જિંદગી.
આભને અડવા હતી જે નીકળી,
ખાખ થઈ ઉડી ગઈ એ જિંદગી.
જે હતી હસતી રહી તે આજથી,
મૌન કાયમ થઈ ગઈ એ જિંદગી.
યાદમાં એને સદાયે સાચવી,
જીવજો કાયમ રહી જે જિંદગી.
- કવિ નિ:શબ્દ

શાળાનો પહેલો દિવસ, શાળા છોડ્યાનો છેલ્લો દિવસ
બન્ને સરખાં હતાં, પહેલાં દિવસે શાળાએ જવું ના હતું
એટલે રડ્યા હતાં, છેલ્લા દિવસે શાળાને છોડવી પડી
એટલે રડ્યા હતાં.
- હર્ષિત દવે માંગ્યો નહોતો સાથ દૂર-સુદૂરનો
આમ સાત ડગલે છોડી ક્યાં ચાલ્યા?
ઓ ભેરુ, અમને મૂકીને ક્યાં ચાલ્યા?
કળી મટી હજુ સુમન બન્યા'તા તમે,
સુગંધ લઈ - દઈ ક્યાં ચાલ્યા ?
હતો સ્વભાવ શાંત નરમ તમારો,
કારમી ચીસો પાડી ક્યાં ચાલ્યા ?
હતાં સંવેદનાનાં સાગર તમે તો,
વેદનાનાં રણ દઇ ક્યાં ચાલ્યા ?
ખાલી હાથે જવાનું ભૂલી ગયાં તમે ?
અમારું સઘળું લુંટી ક્યાં ચાલ્યા ?
જીવતા'તા જે તમ અસ્તિત્વ ઓજથી
એને જીવતાં મારી ક્યાં ચાલ્યા...
- ડૉ. નલિની ગણાત્રા શાળા છોડવાનું પ્રમાણપત્ર લઈને
હાઈસ્કૂલનો દાદરો ઊતરતાં ઊતરતાં
પાળેલી એષણાઓ
આજે મારાં મેલાંદાટ પ્રમાણપત્રો પર
ખંડેર બનીને આક્રંદી રહી છે.
સતત ‘Sorry’ નો ચારો ચરતું
મારું Degree Certificate
બે બે વરસથી
મારા નામની શરણાઈને દૂર હડસેલી રહ્યું છે.
મારી મૂંઝવણોના વનમાં
Overage નામનો રાક્ષસ
આવીને વસે તે પહેલાં
મને કોઈ અલાઉદ્દીનના જાદુઈ
ચિરાગની વારતા તો કહો.
- ગોવિંદ પરમાર તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી,
ફૂલો પાસે જઈ-જઈને તમારી નિત ખબર માગી.
મોહબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી,
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબર માગી.
ખરેખર એ સમયની પણ બલિહારી છે, હે જીવન !
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.
ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ,
ખરેખર મુજ દુઆ કાજે ભલા કોકે અસર માગી.
ધરા ત્યાગી શકાયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત-જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.
બતાવી માર્ગ કોઈને જીવન-સિદ્ધિવરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.
મુકદરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો' વસ્તુ વગર-માગી.
નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!' તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી. -મુકબિલ કુરેશી 24-6-1925 16-6-2005
સજાવટ:સુંદર ગાલીચાની જાળવણી આ રીતે કરો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/this-is-how-to-maintain-a-beautiful-carpet-135300588.html

દિવ્યા દેસાઇ કોઇ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, જ્યારે ઘરની સફાઇની વાત આવે ત્યારે એ કોઇ કસર બાકી નથી રાખતી. ઘરમાં એક યા બીજી રીતે ધૂળ તો આવે જ છે. ઘરનું સૌંદર્ય વધારવામાં ગાલીચો ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ જો એ જ ગાલીચા પર ડાઘ પડી જાય તો તેના આખા સૌંદર્યનો સત્યાનાશ થઈ જાય છે. ગાલીચા પર ક્યારેક ચીજવસ્તુ કે પ્રવાહીના ડાઘ પડી જતાં હોય છે.
ઘરમાં બાળક નાનું હોય તો ગાલીચા પર કંઇ ખાવાની વસ્તુ ઢોળાય અથવા અન્ય કંઇ ઢોળાય તેના ડાઘ પડી જાય છે, જે સાફ થતા નથી. ઘરમાં પાળતુ કૂતરા કે બિલાડી જેવાં પ્રાણીઓ હોય ત્યારે તેમની રુવાંટી (વાળ) પણ ગાલીચા પર ખરે છે. આવી પરિસ્થિતિમાં પ્રોફેશનલ ક્લિનિંગ વારંવાર તો શક્ય ન બની શકે. ત્યારે ઘરે જ અમુક ઉપાયો અજમાવી તમારા પ્રિય અને મોંઘા ગાલીચાનું આયુષ્ય વધારીએ.
કેટલાક ઘરેલુ અને સરળ ઉપાય અપનાવી ગાલીચાને સાફ કરી શકો છો. એનાથી સમય બચશે અને લાંબા સમય સુધી ગાલીચો નવા જેવો રહેશે.
લીંબુનો રસ કાઢો. તેની છાલને સૂકવીને મિક્સરમાં ક્રશ કરી લો. તેને કોર્નફ્લોર સાથે મિક્સ કરી આખા ગાલીચા પર છાંટો. તે પછી મુલાયમ બ્રશથી હળવા હાથે ગાલીચાના રેસા ઘસો. તે પછી તેને આખી રાત અથવા બે-ત્રણ કલાક રહેવા દો. કોર્નફ્લોર અને લીંબુની છાલ ગંદકી અને દુર્ગંધ શોષી લેશે. થોડા કલાક પછી કે બીજા દિવસે વેક્યૂમ ક્લીનરથી ગાલીચાને સાફ કરી લો.
બીજા ઉપાય તરીકે લીંબુનો રસ અને પાણીને એક વાટકીમાં મિક્સ કરો. તેને સ્પ્રે બોટલમાં ભરી ડાઘા પર સ્પ્રે કરો. પાંચ-દસ મિનિટ પછી ચોખ્ખા કપડા અથવા સ્પોન્જથી અંદરથી બહારની તરફ આવે એમ ઘસો.
એથી ડાઘ પ્રસરશે નહીં. પછી સ્વચ્છ ભીના કપડાંથી એ જગ્યા લૂછી, કોરું થવા દો. આટલું કરશો તો તમારા પ્રિય કે મોંઘા ગાલીચાને ચોખ્ખા અને નવાનક્કોર રાખી શકશો.
ફેશન:વરસાદી મોસમમાં ટી-શર્ટ એ સ્ટાઇલ પણ, આરામ પણ!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/t-shirts-are-both-stylish-and-comfortable-in-the-rainy-season-135300584.html

ફેશનેબલ પ્રેક્ટિકલ વિકલ્પ એટલે ટી-શર્ટ. ટી-શર્ટ જોકે એવું આઉટફિટ છે જે દરેક મોસમમાં આરામદાયક સાબિત થાય છે. ગરમીમાં તાજગી આપે છે, શિયાળામાં જેકેટની અંદર પહેરીને ડિફરન્ટ લેયરિંગ કરી શકાય. ખાસ કરીને વરસાદી મોસમમાં તો તે સૌથી ઉપયોગી અને કમફર્ટેબલ વિકલ્પ બની જાય છે. એવામાં ટીશર્ટ એક સાહજિક પસંદગી છે.
ટી-શર્ટ મોટાભાગે કોટન કે બ્લેન્ડેડ ફેબ્રિકથી બનેલી હોય છે, જે ભેજવાળી હવામાં ત્વચાને શ્વાસ લેવા દે છે. વરસાદમાં ભીંજાઈ જવું સામાન્ય છે. ટી- શર્ટ ભીની થઈ જાય તો પણ જલદી સુકાઈ જાય છે આથી ત્વચા પર લાંબો સમય ભેજ રહેતો નથી. લેયરિંગ માટે પણ તે પરફેક્ટ છે. તેની ઉપર રેઈનકોટ, ડેનિમ શર્ટ કે શ્રગ પહેરી શકાય. અંદર કમ્ફર્ટ અને બહાર પ્રોટેક્શન.
આમ, બંનેમાં સંતુલન રહે છે. ઇમરજન્સી વેર તરીકે પણ ટીશર્ટ બેસ્ટ છે. ભીંજાઈ જાઓ તો બેગમાં ફોલ્ડ કરેલી ટીશર્ટ રાખવી પણ સરળ છે. જગ્યા ઓછી રોકે અને કામમાં વધુ આવે. આજકાલ ગ્રાફિક પ્રિન્ટ, રેટ્રો સ્ટાઇલ, સ્લોગન વાળી, કાર્ટૂન કે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પ્રિન્ટવાળી અને બેગી ટીશર્ટ્સ Gen Zમાં ખૂબ લોકપ્રિય છે.
ટ્રેન્ડમાં રહેલી વિવિધ સ્ટાઈલિસ્ટ ટી-શર્ટ્સ
ટી-શર્ટ હવે ફક્ત કેમ્પસ, કોલેજ કે કેઝ્યુઅલ વેર પૂરતી મર્યાદિત રહી નથી. અલગ-અલગ વેરાયટીઓ, કપડાં અને ફિટિંગ્સ સાથે ટી-શર્ટ ઉપલબ્ધ છે. ચાલો, જોઈએ કઈ ટી-શર્ટ્સ ટ્રેન્ડમાં છે.
રાઉન્ડ નેક
સૌથી ક્લાસિક અને કોમન વિકલ્પ
સામાન્ય બોડીટાઇપ માટે પરફેક્ટ
ડેનિમ સાથે ક્લાસિક લૂક આપે છે
V નેક ટીશર્ટ
નેકલાઇન થોડી નીચે હોય
ચહેરાને લાંબો લૂક આપે
મેન અને વુમન બંને માટે પર્ફેક્ટ
પોલો ટીશર્ટ
હાઈ નેક ટી-શર્ટ
ઓફિસ આઉટિંગ કે ઇન્ટરવ્યુ માટે યોગ્ય
ઓવરસાઈઝ ટીશર્ટ
આજકાલ Gen Zમાં ખૂબ જ ટ્રેન્ડી છે.
આરામદાયક અને કમ્ફર્ટ ફ્લોઈ લુક
સ્કિની જીન્સ, લેગિંગ્સ અથવા બાઈકર શોર્ટ્સ સાથે સ્ટાઇલ કરી શકાય
ગ્રાફિક કે સ્લોગન લખેલી ટીશર્ટ
સામાજિક સંદેશો, ફિલ્મી ડાયલોગ્સ કે ક્વોટ્સ છપાયેલી ટી-શર્ટ
વ્યક્તિગત અભિવ્યક્તિ દર્શાવતી સ્ટાઇલ
ટીનએજર અને કોલેજ યુવામાં ખાસ પોપ્યુલર
Crop T-Shirts
નાની ટી-શર્ટ જેમાં પેટનો થોડો ભાગ દેખાય.
ટ્રેન્ડી અને યંગ લુક માટે સારો વિકલ્પ.
સ્કર્ટ, હાઇ વેસ્ટ જીન્સ કે પલાઝો સાથે સુંદર લાગે.
ટીનએજ યુવતીઓની ખાસ પસંદ
લોંગલાઈન ટીશર્ટ
સામાન્ય ટી-શર્ટ કરતાં થોડી વધુ લાંબી.
લેયરિંગ માટે સારી (જેકેટની અંદર પહેરાય)
રેંગલન ટીશર્ટ
અલગ રંગની સ્લીવ્સ અને બોડી હોય છે.
સ્પોર્ટ્સ લુક માટે આદર્શ
ટેન્ક ટોપ કે સ્લીવલેસ ટીશર્ટ
ખાસ કરીને જિમ કે ફિટનેસ વેર માટે. બેગી ટીશર્ટ
આજે યુવા પેઢી ફિટિંગ નહીં, પણ ફ્રી ફ્લો અને ઓવરસાઈઝ લૂક પસંદ કરી રહી છે. ત્યારે બેગી ટીશર્ટ માત્ર ટ્રેન્ડ જ નહીં, પણ 'આઇ એમ કુલ' વાળું ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે.
ટી-શર્ટ ડ્રેસ
ટીશર્ટ ડ્રેસ એટલે એ રીતે ડિઝાઇન કરેલી લાંબી ટીશર્ટ જે ફ્રોક કે ડ્રેસ જેવી લાગે. તેને પહેરવામાં આરામદાયક ફિટિંગની મજા છે.
ટિપ્સ ફોર સ્ટાઇલિંગ
સ્લિમ ફિટ ટીશર્ટ પર ફ્લેર પેન્ટ્સ પહેરો.
ઓવરસાઈઝ અને લાંબી ટીશર્ટને બેલ્ટ સાથે ફ્રોકની જેમ પહેરો.
ગ્રાફિક ટીશર્ટ ઉપર લેયરિંગ કરો – જેકેટ કે કોટ સાથે.
કલર પોપ લુક માટે વિવિધ રંગો અજમાવો. યલો, લાઈમ ગ્રીન, લવેન્ડર અને ટર્કોઇઝ વગેરે રંગ ખૂબ ટ્રેન્ડમાં છે.
2025/07/01 07:23:50
Back to Top
HTML Embed Code: