Telegram Web Link
રીત: રવામાં દહીં અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. અડધો કલાક ઢાંકીને રેસ્ટ આપવો. ત્યારબાદ સમારેલી શાકભાજી, લસણ-આદુ-મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરો. વઘારિયામાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, તલ અને હીંગનો વઘાર કરી ખીરામાં રેડો. નોનસ્ટિક તવા પર નાનો પૂડલો પાથરી ફરતે તેલ મૂકી મધ્યમ આંચ પર બંને બાજુ શેકો. મનપસંદ ચટણી અને દહીં સાથે પીરસો.
પેરેન્ટિંગ:વર્કિંગ હોવાની સાથે બાળકો સાથે વધુ સમય કેવી રીતે વિતાવવો?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-to-spend-more-time-with-children-while-working-135154946.html

ઓફિસની લાંબી શિફ્ટ પૂરી કર્યા પછી બાળકોને પૂરતો સમય આપવો કેટલો મોટો પડકાર છે, એ કામકાજ કરતી માતા જ સારી રીતે જાણી શકે છે. ઘણી વાર જ્યારે બાળકો એમની માતાને સતત કામમાં વ્યસ્ત જુએ છે, ત્યારે તેમને લાગવા લાગે છે કે 'મારા મમ્મી પાસે સમય નથી.' આ લાગણી બાદમાં માટે સરળ નથી, અને જો સમયસર ધ્યાન ન આપીએ તો બાળકોના સ્વભાવ અને આત્મવિશ્વાસ પર તેની નકારાત્મક અસર પડી શકે છે!
પરંતુ હકીકત એ છે કે દરેક મા પોતાના સંતાનને વધારે સમય આપવા ઈચ્છે છે, પણ કારકિર્દી, ઘરની જવાબદારી અને થાક વચ્ચે ઘણીવાર તે શક્ય નથી થતું! છતાં પણ મા એ યોદ્ધા છે જે અશક્યને શક્ય બનાવી જાણે છે. થોડા પ્લાનિંગ સાથે તમે તમારી દિનચર્યામાંથી બાળકો માટે અણમોલ ક્ષણો ચોક્કસ ફાળવી શકો છો.
દિવસની સુંદર શરૂઆત... ઓફિસ જતા પહેલાંનો થોડો સમય બાળકો સાથે વિતાવો. તેમને સ્કૂલ માટે તૈયાર કરવામાં મદદ કરો, સાથે નાસ્તો કરો, અથવા તો માત્ર પ્રેમથી તેમને ગળે લગાડીને દરરોજ 'ગુડ મોર્નિંગ' કહો-આ ક્ષણો બાળકના અને તમારા આખા દિવસને ખુશનુમા બનાવે છે.
આવવા-જવાના સમયનો કરો ઉપયોગ... જો ઓફિસ આવતાં કે પછી ઘરે જવાના સમયે બાળકને તેના ક્લાસીસ વગેરેથી લેવા કે મૂકવાની જવાબદારી તમારી હોય તો રસ્તાનો એ સમય વ્યર્થ ના જવા દો. રસ્તામાં તેના સાથે વાતો કરો અને પૂછો કે તેના દિવસમાં શું થયું અને તેને તમારા દિવસ વિશે પણ વાત કરો. આ નાની વાતચીત પણ લાગણીભર્યું જોડાણ ઊભું કરે છે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરો... ઓફિસ દરમિયાન બ્રેક સમયે બાળક સાથે વીડિયો કોલ કરો. એક નાનકડું 'હાય' અને સ્મિતભર્યો ચહેરો તેનું દિલ ખુશ કરી દેશે. બાળકને લાગશે કે મા હંમેશાં તેની સાથે છે.
નૉ-સ્ક્રીન ટાઈમ નક્કી કરો... એક સમય એવો નક્કી કરો જ્યાં તમે અને તમારું બાળક મોબાઈલ, ટીવી કે અન્ય ગેજેટથી દૂર રહેશે અને આ સમયે સાથે રમો, વાર્તાઓ વાંચી કે એમજ વાતો કરો.
સાથે મળીને નાનાં ઘરકામ કરો... બાળકને ઘરના નાનાં કામોમાં સામેલ કરો, જેમ કે કપડાં ગોઠવવા, ટેબલ સાફ કરવું કે છોડને પાણી પીવડાવું. આ પ્રવૃત્તિ એક બાજુ તેને જવાબદારી શીખવે છે તો બીજી તરફ સાથે સુંદર સમય પણ આપે છે.
વીકેન્ડ ખાસ બનાવો... સપ્તાહના અંતે બાળકો સાથે કંઈકે ખાસ કરો.-પીકનીક, ફિલ્મ જોવી, પાર્કમાં ફરવા જવું અથવા ઘરમાં કોઈ મજેદાર પ્રવૃત્તિ કરવી. આ સમય ફક્ત બાળક માટે ફાળવો. તેમને લાગવું જોઈએ કે તેઓ તમારા માટે મહત્ત્વના છે. આ રીતે તેઓ દર વીકેન્ડની ઉત્સાહથી રાહ જોશે.
તેમની રુચિઓમાં રસ લો... બાળક શું પસંદ કરે છે તે જાણો અને તેમાં જોડાવાનો પ્રયાસ કરો. જે તેને ડ્રોઈંગ ગમતું હોય તો સાથે મળીને કરો, ક્રિકેટ ગમતું હોય તો સાથે રમો. આ રીતે તે તમારી વધુ નજીક હોવાનું અનુભવશે.
ઘરના અને ઓફિસના કામમાં સંતુલન બેસાડવું મુશ્કેલ હોય છે. પરંતુ થોડી યોજનાબદ્ધ રીતોથી તમે તમારા બાળક સાથે મજબૂત સંબંધ બનાવી શકો છો.બાળકને શૈશવમાં આપેલો મધુર સમય આવનારા ભવિષ્યમાં તેમને સદાય યાદ રહેશે.
મૂડ એન્ડ માઇન્ડ:દીવાસ્વપના સાથેનો સંઘર્ષ...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-struggle-with-divasvapana-135154943.html

ડો. સ્પંદન ઠાકર ઇપ્સા એક 24 વર્ષની યુવતી હતી. પોતાના ભવિષ્ય માટે સપનાથી ભરેલી, પરંતુ એ સપનાઓ હકીકતમાં નહોતા, એ તો એમના જ મનમાં ચાલી રહેલી કલ્પનાઓ હતા. એક સામાન્ય ઓફિસમાં નોકરી કરતી ઇપ્સા કામમાં ખૂબ હોશિયાર હતી, પણ મૌન અને એકલતા એના સ્વભાવનો ભાગ બની ગયો હતો.જ્યારે લોકો કામમાં વ્યસ્ત રહેતા, ત્યારે ઇપ્સા ખોવાઈ જતી, પોતાની કાલ્પનિક દુનિયામાં. એ દુનિયા એવી હતી જ્યાં એ મુખ્ય પાત્ર હતી, સૌ એના આભારી હતા, અને એનું જીવન સંપૂર્ણ લાગતું હતું. મોટા ભાગે, જ્યારે એકલો સમય મળતો, ત્યારે ઇપ્સા સપનાની દુનિયા ચાલી જતી અને હકીકતથી દૂર એક કાલ્પનિક દુનિયામાં જ્યાં બધું તેના મુજબ ચાલતું.શરૂઆતમાં ઈપ્સાને પણ એવું લાગતું કે એ માત્ર કલ્પનાઓ કરે છે. પણ ધીમે ધીમે એ સમજવા લાગી કે એ કલ્પનાઓને રોકી શકતી નથી. એ પોતાને કહેતી કે ‘થોડીવાર માટે જ’, પણ પછી કલાકો પસાર થઈ જાય. તેનાથી તેના ઓફિસના કામમાં ભૂલ થવા લાગી. ઈમેઇલ્સ લાંબા સમય સુધી મોકલાય નહીં, મીટિંગ્સ છૂટી જાય. સંબંધોમાં પણ એ વધારે દૂર થવા લાગી. મિત્રો સાથેના સંબંધો મંદ પડી ગયા. ક્યારેક તો આ કલ્પનાઓને કારણે ઊંઘ પણ ગમવા લાગી હતી .ઇપ્સાને એ પણ લાગતું કે હવે એ પોતાને ઓળખી શકતી નથી. કલ્પનાઓમાં બધું એવું સારું લાગતું કે હકીકત ઓછી રસપ્રદ લાગતી. આ વાત તેને અંદરથી તોડતી હતી. એક દિવસ એ સજાગ થઈ. એ વિચારવા લાગી કે આખરે આવું કેમ થાય છે? એ મનોવિજ્ઞાનીને મળવા ગઈ. થેરાપીમાં એને સમજાયું કે આ સ્થતિને ‘ડે ડ્રિમીન્ગ’ કહેવામાં આવે છે . ધોળા દિવસના સપના હકીકત નથી પણ રિયલ લાઈફની જેમ જ જીવનનો ભાગ બની જાય છે.બાળપણમાં મળેલી એકલતા અને લાગણીઓનો અભાવ એને કલ્પનાઓ તરફ ખેંચતો રહ્યો. જીવનમાં ચાલતી નકારાત્મક ઘટનાઓને ભૂલવા માટે સપનાની દુનિયા એક આધાર બની ગઈ . એ કલ્પનાઓ તેના માટે એક સલામત જગ્યા બની ગઈ હતી, પણ હવે એ જગ્યા હકીકતથી ભાગવાનો રસ્તો બની ગઈ હતી.થેરાપી દ્વારા ઇપ્સાએ ધીમે ધીમે જાતને સમજવી શીખી. તેણે જર્નલ લખવાનું શરૂ કર્યું, માઇન્ડફુલનેસનું અભ્યાસ કર્યો અને દિવસનો સમય સુનિયોજિત વહેંચવાનો પ્રયાસ કર્યો. હવે એ જાણતી હતી કે કલ્પનાઓ ખરાબ નથી, પણ જ્યારે એ આપણું વર્તમાન ખાઈ જાય, ત્યારે ખતરનાક બની જાય છે. ઇપ્સા હજુ પણ સપનાઓ જુએ છે , પણ હવે એ સમય સીમિત છે. હવે એ જીવન પણ જીવે છે , સંબંધો બનાવે છે, લક્ષ્યાંકો નક્કી કરે છે અને એના પર પ્રયત્ન કરે છે.મૂડ મંત્ર: ‘કલ્પનાઓ સારી છે, જો એ સુનિયંત્રિત હોય. પણ જો એમાં જ જીવવા લાગીએ, તો હકીકત હાથમાંથી સરકી જાય.’
અતીતની યાદો:અતીતની યાદો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/memories-of-the-past-135154994.html

રાત્રે કોલેજનું સ્ટડી કરી રહી હતી. કાલે જ એસાઇન્મેન્ટ લખીને સબમિટ કરવાનું હતું. મારા હાથ જોડે આંખો અને મગજ પણ તેજીથી ભાગી રહ્યા હતા. પણ, મન એટલું ચંચળ હતું કે અડધું મગજ પેપરની જગ્યાએ કશે બીજે જ ભટકી રહ્યું હતું, અને એ હતી મારી અતીતની યાદો.
‘નવ્યા, આ અતીતની યાદો પણ કેવી હોય છે? અમુક યાદો તરત ભૂંસાઈ જાય પણ અમુક ક્યારેય પીછો નથી છોડતી. પેલા કાર્બન પેપરની જેમ બીજા પાનાં પર છાપ પડે એમ આ યાદો પણ છાપ છોડી જાય છે.’ હું પોતાના જોડે મનમાં વાત કરતાં બોલી રહી હતી. પેન હજુ પણ રમરમાટ દોડી રહી હતી પણ બુકમાં એસાઇન્મેન્ટના સત્તરમાં પેજની જગ્યાએ કંઈક બીજું જ લખાઈ રહ્યું હતું અને એ હતી અતીતની યાદો!
લખતાં લખતાં ક્યાં આખું પેજ લખાઈ ગયું ખબર જ ન પડી. મેં ચેક કરવા પેજ જોયું તો ત્યાં એક ટોપિક એક્સપ્લેન કરવાની જગ્યાએ કંઈક બીજું જ લખાઈ ગયું હતું. જોતાં જ મારા લમણે હાથ દઈ દીધો. ‘આ મેં શું લખી દીધું!’ ઊંડો શ્વાસ લઈને મેં બુક બંધ કરીને સાઇડમાં મૂકી અને બે-ત્રણ ઘૂંટ પાણી ગટગટાવી લીધું. હું ખુરશીનો ટેકો લઈને બેસી ગઈ અને વિચારવા લાગી.
અતીતની યાદો જ એવી હોય છે કે જ્યારે એકલા પડીએ કે રાત પડે ત્યારે આપણી પાસે પરત ફરે છે. એ પણ એક આત્મા જેવી અમર છે, ભલે કામમાં વ્યસ્ત હોઈએ ત્યારે એનું અસ્તિત્વ હોવા છતાં આપણને અનુભવાતું નથી પરંતુ જ્યારે આપણે નવરાશની પળોમાં બેઠા હોઈએ ત્યારે જ એનું અસ્તિત્વ અનુભવાય છે. અતીત ખરેખર એટલી ભયંકર વસ્તુ છે કે એ વર્તમાનનો પણ દાટ વાળી શકે છે અને ભવિષ્યને અંધકારમય પણ બનાવી શકે છે પરંતુ એ આપણાં ઉપર છે કે આપણે આપણાં અતીતને કેવી રીતે સમજીએ છીએ અને કેવી રીતે પરિસ્થિતિ હેન્ડલ કરીએ છીએ.
‘પણ પરિસ્થિતિ હેન્ડલ થાય તો ને?’ નવ્યાએ પોતાને જ પ્રશ્ન કર્યો.
ક્યાંક સાંભળ્યું છે કે ખરાબ ભૂતકાળ ભૂલીને આગળ વધવું જોઈએ, જીંદગીની ચડતી પડતી પ્રમાણે ભૂતકાળને જેટલું પકડીએ એટલું એ આપણને દુઃખી કરે છે, લાઇફમાં આગળ નથી વધી શકાતું. ઘણા લેખકો મુવ ઓન કરવા માટેના ઉપાયો, સ્પીચ, લેખો વગેરે પોતાના વાચકો સુધી પહોંચાડે છે પરંતુ એ ખરેખર કારગત નીવડે છે ખરા?
નવ્યા પોતાની જોડે જ વાતો કરી રહી હતી. અચાનક એની નજર રૂમમાં રહેલા કાનાના ફોટા પર પડે છે. એ કાના જોડે વાતો કરવા લાગી.
કાના, જો તે પાસ્ટને મગજમાંથી ભૂંસી નાખવાની શક્તિ રાખી હોત તો? ઘણા લોકોને તેમનો પાસ્ટ ઘણો હેરાન કરતો હોય છે કારણકે દરેકની એટલી ક્ષમતા નથી હોતી કે તે પોતાના પાસ્ટને પચાવીને ભૂલી શકે. આજના સમયમાં જેમ મોબાઈલમાં સ્ટોરેજ ભરાઈ જાય અને junk Files કાઢી નાખવાનો ઓપ્શન આવે એમ મગજમાંથી ખરાબ પાસ્ટ કાઢી નાખવાનો ઓપ્શન હોવો જોઈએ. તેથી માણસ પોતાની લાઇફમાં પાછળનું ભૂલીને આગળ વધી શકે કારણકે આજના સમયમાં માણસની સહનશક્તિ એટલી ઘટી ગઈ છે કે માણસ કોઈ વસ્તુ પચાવી શકતો નથી તે ભલે સારું હોય કે ખરાબ!
આ કળિયુગનો માનવી ઈર્ષા, દ્વેષ અને અહંકારથી યુક્ત છે. મારે પણ મારો ભૂતકાળ એક junk Files ની જેમ delete કરી નાખવો છે.
ત્યાં જ તેના દિલમાંથી અવાજ આવે છે, ’ખરાબ કે સારા ભૂતકાળને ન ભૂલી શકવાનો અર્થ અને હેતુ એ છે કે એનામાંથી આપણે કંઈક શીખીને જીંદગીમાં શિક્ષા તરીકે ઉતારીને તેનાથી વર્તમાન અને ભવિષ્ય ઊજળું બનાવીએ. જો ભૂતકાળ ભૂલી જઈશું તો જીંદગીમાં અનુભવો થકી આગળનું ગાડું કેવી રીતે હાંકીશું? આપણો ભૂતકાળ આપણને જીંદગીની પરિસ્થિતિઓ સાથે લડવા અને તાલમેલ સાધી જીવવામાં જ માર્ગદર્શક બને છે.
જેમ એક બગડેલી કેરી બીજી કેરીઓને બગાડે એ પહેલાં આપણે એ કેરી ને ઢગલામાંથી દૂર કરીને બીજી કેરીઓ બગડતાં બચાવી શકીએ એમ આપણે ભૂતકાળને જરાક સાઇડ કરીને વર્તમાન અને ભવિષ્ય જરૂર બચાવી શકીએ.
અને નવ્યા એક સ્મિત સાથે કાનાનો આભાર માનીને પરત પોતાનું એસાઇન્મેન્ટ પૂરું કરવા લાગે છે. - અક્ષત ત્રિવેદી
શરીર પૂછે સવાલ:પુરુષોને પણ મેનોપોઝમાંથી પસાર થવું પડે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/do-men-also-have-to-go-through-menopause-135154949.html

પ્રશ્ન : મારી ઉંમર 25 વર્ષની છે. હું પીરિયડ્સ દરમિયાન સેનેટરી પેડનો ઉપયોગ કરું છું, પણ આજકાલ બજારમાં ટેમ્પૂન અને મેન્સ્ટ્રુઅલ કપ્સ પણ મળે છે. શું હું તેનો ઉપયોગ કરી શકું? ટેમ્પૂન અથવા મેન્સ્ટ્રુઅલ કપના ઉપયોગથી શરીરને કંઇ તકલીફ થાય ખરી? યોગ્ય માર્ગદર્શન આપશો. - એક યુવતી
ઉત્તર : આજકાલ પીરિયડ્સ દરમિયાન ઘણી યુવતીઓ ટેમ્પૂન અથવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરતી હોય છે. જો તમારે સેનેટરી પેડ, ટેમ્પૂન અથવા મેન્સ્ટ્રુઅલ કપમાંથી પસંદગી કરવાની હોય તો સેનેટરી પેડ સૌથી સરળ અને ઉપયોગી છે. સેનેટરી પેડ્સને શરીરમાં કંઇ લગાવીને અથવા ચોંટાડવાના ન હોવાથી તેનો ઉપયોગ કરવાનું સરળ રહે છે. જો તમને રોજિંદા જીવનમાં વધારે પડતી દોડધામ અને વ્યસ્ત રહેતાં હો, તો ટેમ્પૂન કે મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરી શકો છો. તમે આ ત્રણેયમાંથી કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરો, પણ સાથોસાથ શારીરિક સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જેથી અંદરના ભાગમાં ચેપ અથવા અન્ય કંઇ સમસ્યા ન થાય.
પ્રશ્ન : મને ગર્ભાવસ્થાનો ચોથો મહિનો ચાલે છે. હું જોબ કરું છું અને જોબમાં ઘણી વાર કામ વધારે હોય તો મને સ્ટ્રેસ અનુભવાય છે. શું સ્ટ્રેસને કારણે મારા કે મારા ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે? મારે સ્ટ્રેસ ન થાય તે માટે શું ધ્યાન રાખવું? - એક મહિલા
ઉત્તર : તમે વર્કિંગ વુમન છો અને ચાર મહિનાની પ્રેગ્નન્સી છે, તો આવા સમયે તમારે બને ત્યાં સુધી કોઇ પણ બાબતનો વધારે પડતો સ્ટ્રેસ ન લેવો જોઇએ. પ્રેગ્નન્સી દરમિયાન વધારે સ્ટ્રેસ લેવાથી મહિલાઓના શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધવા લાગે છે. જેની અસર પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજન જેવા હોર્મોન્સ પર થઇ શકે છે. પરિણામે અનેક સમસ્યાઓ થાય છે. ઘણી વાર વધારે સ્ટ્રેસને કારણે મહિલાઓને ભૂખ નથી લાગતી. પ્રેગ્નન્સી દરમિયાન માતાએ પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. ઘણી મહિલાઓને ઊંઘ નથી આવતી. આની અસર પણ તેમના શરીરની સાથોસાથ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર પણ પડે છે. તમે ભલે જોબ કરતાં હો, પણ કદાચ કોઇ કામ એક દિવસના બદલે બે દિવસે થાય, તો વાંધો નહીં, પણ તે માટે ખોટો સ્ટ્રેસ લઇને તમારા તેમ જ તમારા આવનારા સંતાનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકશો નહીં. જરૂર લાગે તો કાઉન્સેલિંગ કરો અથવા ગાયનેકોલોજિસ્ટને વાત કરો.
પ્રશ્ન : મારા લગ્નને છ વર્ષ થયાં છે અને આ દરમિયાન મારે બે દીકરીઓ છે. મારાં માતા-પિતાની ઇચ્છા છે કે અમારે હજી એક દીકરો હોવો જોઇએ. મારી પત્નીએ જ્યારે બીજી દીકરીને જન્મ આપ્યો, ત્યારે જ ડોક્ટરે જણાવી દીધું હતું કે હવે ત્રીજા સંતાનની માતા બનવાનું જોખમરૂપ નીવડે એમ છે. આ સ્થિતિમાં હું મારી પત્નીને ગુમાવવા નથી માગતો. શું કરવું? - એક પુરુષ
ઉત્તર : તમે ખરેખર સમજદાર છો કે તમારે સંતાનમાં બંને દીકરીઓ હોવા છતાં તમને ત્રીજા સંતાન તરીકે દીકરો આવે તેની લાલસા નથી. તમારાં માતા-પિતા આમ થાય એ ઇચ્છે કેમ કે તેમને માટે તમારો દીકરો મૂડીનું વ્યાજ છે. જ્યારે તમને બીજી દીકરીના જન્મ પછી ડોક્ટરે તમારાં પત્ની અંગે સ્પષ્ટ જણાવી દીધું છે કે ત્રીજી પ્રેગ્નન્સી જોખમરૂપ નીવડી શકે એમ છે, તો પછી એ જોખમ લેવાની જરૂર નથી. તમે તમારાં માતા-પિતાને સમજાવો કે તમારા માટે દીકરો હોય કે દીકરી બંને સમાન જ છે અને સાથે ડોક્ટરે તમને જે જણાવ્યું છે, તે પણ કહો. કોઇ પણ માતા-પિતા પોતાના દીકરાનો સંસાર નંદવાય એવું નહીં ઇચ્છે. તેઓ ચોક્કસ તમારી વાત માનશે અને જીદ છોડી દેશે.
પ્રશ્ન : મારે એક દીકરો છે. દીકરાના જન્મ પછી મારા પેટનો ભાગ ખૂબ વધી ગયો છે અને લચી પડ્યો છે. જેના કારણે મારું શરીર બેડોળ દેખાય છે. મને ક્યાંય બહાર જઇએ, ત્યારે ખૂબ સંકોચ થાય છે. આ સમસ્યાનો કોઇ ઉપાય ખરો? મારે શું કરવું જોઇએ? - એક મહિલા
ઉત્તર : સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન પેટના સ્નાયુઓ ખેંચાય છે અને સંતાનના જન્મ પછી તે સ્નાયુઓ ઢીલા પડી જતાં હોવાને કારણે પેટનો ભાગ લચી પડે છે. એ માટે કેટલાક ઉપાય છે, જેનાથી પેટનો ભાગ થોડો ઓછો થઇ શકે. સંતાનના જન્મ પછી પેટ પર બેલ્ટ અથવા કોઇ કાપડને પેટ પર ફિટ બાંધો. એથી પેટના સ્નાયુઓ તેના સ્થાને ગોઠવાઇ જશે અને ઢીલા નહીં પડે. જો તમારી નોર્મલ ડીલિવરી થઇ હોય તો પેટને લચી પડતું અટકાવવા ડોક્ટરની સલાહ લઇને એક્સરસાઇઝ પણ કરી શકાય છે. આ રીતે તમે લચી પડેલા પેટને પહેલાં જોવો આકાર આપી શકો છો.
પ્રશ્ન : મારી વય 45 વર્ષ છે. મેં સાંભળ્યું છે કે મહિલાઓની જેમ પુરુષોને પણ મેનોપોઝમાંથી પસાર થવું પડે છે. મને એ સમજાવશો કે મેલ મેનોપોઝ એટલે શું અને તેમાં શું ફેરફાર થાય છે? મને યોગ્ય માર્ગદર્શન આપશો. - એક પુરુષ
ઉત્તર : વય વધવાની સાથે સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં અનેક પરિવર્તન આવે છે, જે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. અમુક ઉંમર પછી હોર્મોન્સમાં ફેરફાર થાય છે, સામાન્ય રીતે લોકો એમ જ સમજે છે કે મેનોપોઝ માત્ર સ્ત્રીઓને જ આવતો હોય છે, જ્યારે ખરેખર તો પુરુષોમાં પણ મેનોપોઝનો સમયગાળો જોવા મળતો હોય છે. પુરુષોમાં મોટા ભાગે 45 વર્ષથી લઇને 50 વર્ષની વય દરમિયાન મેનોપોઝની અસર જોવા મળે છે. આ ઉંમર દરમિયાન પુરુષોમાં ટેસ્ટોટેરોનનું સ્તર ઓછું થવા લાગે છે અને તે સાથે અનેક માનસિક સમસ્યાઓ પણ જોવા મળે છે. એ માટે સતત એક્ટિવ રહો, બેલેન્સ્ડ ડાયેટ લો તે વધારે હિતાવહ રહે છે. આ ઉપરાંત, જરૂર જણાય તો કોઇ સારા સેક્સોલોજિસ્ટની સલાહ પણ લો.
પ્રશ્ન : મારા લગ્ન નથી થયાં, છતાં મને છેલ્લા ત્રણેક મહિનાથી પીરિયડ્સ ખૂબ જ અનિયમિત થાઇ ગયાં છે. મેં પીરિયડ્સ નિયમિત આવે તે માટેની ગોળીઓ પણ લીધી, પરંતુ કંઇ ફરક પડતો નથી, મારે શું કરવું? - એક યુવતી
ઉત્તર : તમારાં પીરિયડ્સ અનિયમિત થવાનું કારણ કદાચ હોર્મોન્સમાં ફેરફાર હોઇ શકે છે. તમે જો જોબ કરતાં હો, તો વધારે સ્ટ્રેસ ન લો. ઘણી વાર સ્ટ્રેસના કારણે પણ હોર્મોન્સમાં ફેરફાર થાય છે જેના કારણે પીરિયડ્સ અનિયમિત થઇ જાય છે. વળી, તમે જે ગોળીઓ લીધી તે કોઇ ડોક્ટરની સલાહ લઇને લીધી છે કે સેલ્ફ-મેડિકેશન કર્યું છે તે તમે જણાવ્યું નથી. તમે આ અંગે ડોક્ટરનું માર્ગદર્શન લો.
આભૂષણ:ચહેરાના આકાર મુજબ પહેરો નોઝપિન
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/wear-a-nose-pin-according-to-your-face-shape-135154965.html

નાક પર પહેરવામાં આવતી નાજુક નોઝપિન માત્ર એક આભૂષણ નથી, એ મહિલાના સમગ્ર રૂપને નવી ઓળખ આપે છે. એક નાનકડી નોઝપિન તમારા લુકમાં એવો ફેરફાર લાવી શકે છે કે તમે પોતે આશ્ચ્ર્યમાં પડી જશો. ઘણીવાર આપણે બજારમાં મળતી જાતભાતની ટ્રેન્ડી નોઝપિન પસંદ કરી ખરીદી તો લઈએ છીએ-વિના વિચાર્યે કે શું એ આપણા ચહેરા પર જામશે પણ કે નહીં!
સાચી પસંદગી માટે જરૂરી છે કે તમારા ફેસ શેપ પ્રમાણે પસંદ કરવામાં આવે. આજે જાણીએ ક્યાં ફેસ શેપ પર કેવા પ્રકારની નોઝપિન સારી લાગશે.
ગોળ ચહેરા માટે...જો તમારા ચહેરાની લંબાઈ અને પહોળાઈ લગભગ સમાન હોય અને ગાળો થોડા ભરાવદાર હોય, તો તમે રાઉન્ડ ફેસ ધરાવો છો.અહીં નાના સ્ટડ્સ કે નાજુક નોઝપિન્સ ખૂબ જ સારો વિકલ્પ છે. એ સિવાય તમે વર્ટિકલ ડિઝાઈનવાળી પિન્સ પસંદ કરો- જેમ કે ટીઅરડ્રોપ કે લાંબી ફૂલાકાર નોઝપિન, એ ચહેરાને થોડી ઊંચાઈ આપે છે અને નાનો બતાવે છે. મોટા રાઉન્ડ હૂપ્સ ટાળો, એ ચહેરાને વધુ ભરાવદાર દેખાડે છે.
ઓવલ શેપ માટે...ઓવલ ફેસ શેપને સૌથી સંતુલિત શેપ માનવામાં આવે છે. સહેજ લાંબી અને પોઈન્ટેડ ચીન ધરાવતો આ ચહેરો લગભગ દરેક પ્રકારની નોઝપિન માટે યોગ્ય ગણાય છે. તમે હૂપ્સ, રિંગ્સ, નાના સ્ટડ્સથી મંદીને થોડી ડરમેટિક અને ફન્કી નોઝપિન્સ પણ ટ્રાય કરી શકો છો. સ્ટોનવાળી કે ઝૂમકા સ્ટાઈલ નોઝપિન પણ ખૂબ શોભશે. ખાસ પ્રસંગે બોલ્ડ નોઝપિન્સથી એક ક્લાસી લુક મેળવી શકશો.
હાર્ટ શેપ ફેસ માટે...હાર્ટ શેપ ફેસ માં કપાળ પહોળું અને ચીન પોઈન્ટેડ હોય છે. આ પ્રકારના ચહેરા માટે નાની અને નાજુક નોઝપિન્સ શ્રેષ્ઠ પસંદગી છે. સિંગલ ડાયમન્ડ, નાનું મોટી કે નાજૂક ફૂલવાળી પિન્સ ચહેરાને નમણો દેખાવ આપશે અને ચહેરાની આકૃતિને સંતુલિત કરે છે. નાના હૂપ્સ પણ સારા લાગશે, પણ મોટી સાઈઝના હૂપ્સ પહેરવાનું ટાળશો.
સ્કવેર ફેસ માટે...ચોરસ શેપમાં મજબૂત જોલાઇન અને પહોળું કપાળ હોય છે. અહીં તમારા ચહેરાને થોડો સંતુલિત બતાવવા માટે રાઉન્ડ કે સ્પાઇરલ ડિઝાઈનવાળી નોઝપિન્સ શ્રેષ્ઠ રહેશે. ક્યારેય મોટા આકારની નોઝપિન્સ પસન્દ ન કરવી, એ ચહેરાને વધુ પહોળો બતાવશે.
ફેશન હંમેશાં સ્વયંને દર્શાવે તેવી પસંદ કરવી જોઈએ. નોઝપીન કદાચ એક નાનકડી એક્સેસરીઝ છે, પણ જો તમારાં ચહેરાની રચના અનુસાર તેને પહેરવામાં આવશે તો એ તમારા લુકને વિશિષ્ટ દર્શાવશે.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-very-invention-to-save-wildlife-is-today-the-enemy-of-the-environment-135161968.html

18 69ના વર્ષે ન્યૂયોર્કની એક જાહેરખબર કંપનીએ જાહેરાત કરી કે હાથીદાંતનો વિકલ્પ તૈયાર કરે તેને 10,000 ડૉલરનું (એ જમાનામાં) ઈનામ. કંપની બિલિયર્ડ બોલ તૈયાર કરતી હતી. ત્યારે હાથીદાંતના બિલિયર્ડ બોર્ડ બનાવવા સહિત અનેક ચીજોમાં ઉપયોગ થતો હતો. ઉપયોગ સતત વધતો જતો હતો. એટલે વધુ ને વધુ હાથીની હત્યા થવા લાગી. હાથીઓની હત્યા અટકે એટલા માટે પણ હાથીદાંતનો કૃત્રિમ વિકલ્પ જરૂરી હતો.
અમેરિકી વિજ્ઞાની જોન વેસ્લી હ્યાત નામના સંશોધકે પડકાર ઉપાડ્યો અને કૃત્રિમ (સિન્થેટિક) પોલીમર શોધી કાઢ્યું. એ સિન્થેટિક પોલીમરનું જાણીતું અને જગ ચોતરે ચડેલું નામ એટલે પ્લાસ્ટિક.
એ વખતે તો પ્લાસ્ટિકમાંથી હાથીદાંતમાંથી બનતી ચીજો જ બનાવાતી હતી, જેને વાળી શકાય, કેમ કે પ્લાસ્ટિકનો સૌથી મોટો લાભ એ હતો કે તેને વિવિધ આકારમાં વાળી-ઢાળી શકાતું હતું.
પ્લાસ્ટિક આવ્યું એટલે હાથીદાંત, કાચબાની ઢાલ, ગેંડાનાં શીંગડાં... વગેરેનો ઉપયોગ બંધ થવા લાગ્યો અને પ્લાસ્ટિકનો ઉપયોગ વધવા લાગ્યો. આજે હજારો ચીજો પ્લાસ્ટિકમાંથી બને છે. જોકે, કરુણતા એ વાતની કે જે હાથી, કાચબા, ગેંડા... જેવા થોડા સજીવોને બચાવવા માટે પ્લાસ્ટિકની શોધ થઈ હતી. આજે એ જ પ્લાસ્ટિક જગતનાં તમામ પ્રકારનાં, તમામ પ્રજાતિનાં, તમામ સ્થળોએ વસતા, તમામ કદના સજીવો માટે નડતરરૂપ છે. અરે, કાચબા માટે તો એ જીવલેણ છે જ, કેમ કે માછીમારોની પ્લાસ્ટિકની જાળમાં કાચબો ફસાયા પછી નીકળી શકતો નથી. જાળની ધારદાર દોરી કાચબાનાં શરીરનાં અંગો કાપી નાંખે છે. કાચબાની જેમ કોઈના શરીરને નુકસાન કરે છે, તો કોઈ સજીવનો જીવ લે છે. ને આ બધું થવામાં દોઢસો વર્ષ જેટલો જ સમય લાગ્યો છે.
ધરતી પર લાખો વર્ષથી વિકસેલુ નંદનવન પ્લાસ્ટિકે દોઢ સદીમાં બગાડ્યું છે અથવા તો પ્લાસ્ટિકની શોધ કરીને મનુષ્યોએ બગાડ્યું છે અથવા તો પ્લાસ્ટિકનો અતિ ઉપયોગ કરીને ધરતીવાસીઓએ બગાડ્યું છે.
કારણ ગમે તે હોય, સ્થિતિ એ છે કે જગતની પથારી ફેરવવાનું કામ પ્લાસ્ટિકે બખૂબી કર્યું છે. કરી રહ્યું છે અને ભવિષ્યમાં વધુ ગંભીરતાથી કરશે.
***
5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઊજવાય છે. અડધી સદી કરતાં વધુ સમયથી ઊજવાય છે. એમાં આ વખતની થીમ છે, બિટ ધ પ્લાસ્ટિક (#BeatPlasticPollution).
2018માં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ વિરોધી થીમ હતી અને 2023માં પણ હતી. આઠ વર્ષમાં ત્રીજી વખત રાષ્ટ્રસંઘે પ્લાસ્ટિકને જ મુદ્દા તરીકે પસંદ કર્યો છે. એ પણ સંકેત આપે છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ ગંભીરતાના સ્તરને ક્યારનું વળોટી ગયું છે.
***
જોન વેસ્લીએ પ્લાસ્ટિક શોધી કાઢ્યા પછી તેના ધીમા ધીમા ઉપયોગો થતા હતા. 1907માં લિઓ બેકલેન્ડે પ્લાસ્ટિકમાં સુધારો કરી બેલેકાઈટ પ્રકારનું
પ્લાસ્ટિક શોધી કાઢ્યું. અમેરિકાનું ત્યારે વીજળીકરણ થઈ રહ્યું હતું. વીજળીનો શોક ન લાગે એવી પ્રોડક્ટ મળી ગઈ હતી, નામ પ્લાસ્ટિક, માટે બેકેલાઈટનો ઉપયોગ વધવા લાગ્યો. કોર્પોરેટ જગતનાં પ્લાસ્ટિકનાં નવાં નવાં સ્વરૂપો વિકસાવવામાં રસ પડ્યો કેમ કે તેની ડિમાન્ડ હતી. ડિમાન્ડ હતી એટલે જંગી રોકાણ પણ થવા લાગ્યું અને પ્લાસ્ટિક બનવા લાગ્યું.
પહેલા અને બીજા વિશ્વયુદ્ધે પ્લાસ્ટિકનો વપરાશ વધારી દીધો. બીજા વિશ્વયુદ્ધ વખતે એકલા અમેરિકામાં પ્લાસ્ટિકનું ઉત્પાદન 300 ટકા વધી ગયુ. પ્લાસ્ટિકનું ઉત્પાદન વધ્યું પણ વિશ્વયુદ્ધ તો ખતમ થયું. એટલે પ્લાસ્ટિકના રોજીંદા જીવનમાં નવા નવા ઉપયોગો શોધાયા. વાસણોથી માંડીને કારમાં વપરાતી સ્ટીલની સામગ્રીનું સ્થાન પ્લાસ્ટિક લેવા માંડ્યું.
1960નો દાયકો આવ્યો ત્યારે પહેલી વાર લાગ્યું કે પ્લાસ્ટિકનું ગુલાબી ચિત્ર કલર બદલી રહ્યું છે. સમુદ્રમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ નોંધાયું, પણ ત્યારે પ્લાસ્ટિક પ્રદૂષણ એવો શબ્દ ન હતો. 1972માં પહેલી વાર ‘સાયન્સ’ જર્નલમાં રિસર્ચ પેપર રજૂ થયું, જેમાં સારગાસો સમુદ્રમાં પ્લાસ્ટિકના ટુકડા ફરતા હોવાની વાત હતી. ત્યારે સમુદ્રમાં પ્લાસ્ટિકની ચીજ કે વસ્તુઓ તરતી હોય એવી કલ્પના પણ
મુશ્કેલ હતી.
1986માં પહેલી વાર એક સંશોધકનું જહાજ ઉત્તર એટલાન્ટિક મહાસાગર ફર્યું અને સમુદ્રમાં પ્લાસ્ટિકનો ફેલાવો કેવોક છે, તેનો અભ્યાસ કર્યો. 1996માં ચાર્લ્સ જે મૂર નામનો સમુદ્ર સફરી ઉત્તર એટલાન્ટિકમાં પોતાની હોડી લઈને ફરતો હતો. તેના ધ્યાને આવ્યું કે સમુદ્ર પર જાણે આખો પટ્ટો બનાવ્યો હોય એમ ભંગાર તરે છે.
તેણે સમુદ્રવિજ્ઞાનીઓના ધ્યાને વાત મૂકી. તપાસ કરતા ખબર પડી કે એટલાન્ટિકમાં તો એ રીતે પ્લાસ્ટિક તરતું રહે છે. સંશોધકોએ તેને ‘ગ્રેટ પેસેફિક ગાર્બેજ પેચ (પેસેફિકમાં કચરાનો મોટો થર)’ એવું નામ આપ્યું. આજે એ થરનું કદ 16 લાખ ચોરસ કિલોમીટર (અડધા ભારત જેવડું) છે. પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જગતે થોડી ઘણી સાવધાની ત્યારથી દાખવવાની શરૂઆત કરી.
હવે પ્લાસ્ટિક પ્રદૂષણ શબ્દ જૂનો થઈ ગયો છે. માઈક્રોપ્લાસ્ટિકે પ્લાસ્ટિક પ્રદૂષણનું સ્થાન લઈ લીધું છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ખતરનાક છે, માઈક્રોપ્લાસ્ટિક તો એનાથી ક્યાંય ખતરનાક છે. રસ્તા પર જતી વખતે આપણને પ્લાસ્ટિક દેખાય. એ પ્લાસ્ટિક કોઈ સજીવના પેટમાં જશે કે પછી ચોમાસામાં પાણી માટે અવરોધરૂપ બનશે એ આપણે જાણીએ છીએ. માઈક્રોપ્લાસ્ટિક નામ પ્રમાણે માઈક્રો એટલે કે સૂક્ષ્મ છે.
માઈક્રોપ્લાસ્ટિકના કણો આપણાં શરીરમાં, છેક મગજ સુધી પહોંચી ગયા છે. અન્ય સજીવોનાં પેટમાં તો છે જ છે. એ માઈક્રોપ્લાસ્ટિક મગજને બહેર મારી દેવાથી માંડીને કિડની, હૃદય વગેરે અંગોને નકામા કરવા સક્ષમ છે. સમસ્યા એ વાતની છે કે માઈક્રોપ્લાસ્ટિક આપણને દેખાતું નથી. આપણાં શરીરમાં જાય તો પણ આપણને ખબર પડતી નથી.
***
પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવા શું કરી શકાય એ ઉપાયો કોઈને શીખવવા પડે એટલા અઘરા નથી. સવાલ એટલો જ છે કે આપણે પોતે પ્લાસ્ટિક પ્રદૂષણ ઓછું કરવા માંગીએ છીએ? કે પછી બહાર દેખાતા પ્લાસ્ટિકને માઈક્રોપ્લાસ્ટિક તરીકે આપણાં શરીરમાં જ સ્થાન આપી દેવા માંગીએ છીએ?
ઓફબીટ:મેગેઝિન : એકાંતમાં ઊજવાતો અવસર...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/magazine-an-occasion-celebrated-in-solitude-135162622.html

આ પણા સરનામે મેગેઝિન આવતાં. સરનામાને ઘર જેવું લાગતું! લોકેશનમાં સરનામું બિચારું થઈ ગયું છે. ભાડાનું ઘર બદલાય ત્યારે નવા સરનામાની જાણ કરતા પોસ્ટકાર્ડ લખાતાં! મેગેઝિનના નામ પરથી ઘરમાં કેટલા સભ્યો કઈ ઉંમરના હશે તે જાણી શકાતું. મેગેઝિનને આખું વર્ષ સાચવીને રખાતાં. એક જ લેખ કે એક જ કવિતા કે વાંચેલો પ્રસંગ સાચવવા માટે ઘણીવાર ઘણાં વર્ષો સુધી મેગેઝિન સાચવીને રખાતું.
મેગેઝિનોએ દાયકાઓ સુધી રાજ કર્યું. ભાવકોને ન્યાલ કર્યા. વાચકને ભાવક બનાવ્યા. હવે સોશિયલ મીડિયાએ નવી બારીમાંથી આકાશ જોતા કર્યા. મેગેઝિનની નકલ કરતા ફોલોઅર્સની સંખ્યા અનેકગણી વધારે હોય છે. તો પણ મેગેઝિનનું મૂલ્ય ઓછું નથી. તંત્રી અને સંપાદકની સૂઝબૂઝ સાથે સાહિત્યમાં જીવન અને જીવનમાં સાહિત્ય પ્રકાશિત થતું. તરોતાજા કૃતિ અને લખાણ વાંચીને, પાડોશી કે જાણીતી વ્યક્તિઓમાં ચર્ચા થતી. હવે માત્ર નામ પ્રગટ થયું છે કે નહીં – એટલું જોઈને આંખો ફોરવર્ડ થયેલા મેસેજને રીડનું બટન દબાવીને રોજિંદા કામમાં લાગી જાય છે.
‘જનકલ્યાણ’નો જમાનો હતો. માત્ર વૃદ્ધો માટેનું જ લખાણ એમાં નહોતું પ્રગટતું. જનસેવાનો નવો આયામ ખુલતો! ‘કુમાર’માં પ્રગટ થતા સાહિત્યને અનુલક્ષીને જીવવાની જવાબદારી ભાવકોએ મનોમન સ્વીકારેલી. ‘કવિલોક’માં પ્રગટતી કવિતાએ સાહિત્યની આબોહવામાં ઓક્સિજનનું કામ કર્યું. પેઢીઓની કવિતાનો રૂઆબ, સાહિત્ય અને જીવનનો અસબાબ એમાંથી મળી રહેતો. ‘સંસ્કૃતિ’નાં પાને પાને સાંપ્રતનું સનાતન ઐશ્વર્ય ઝળૂંબતું. નવ્ય વિચાર અને નવા યુગની સામે જે પ્રશ્નો ઊભા થવાના છે એની અગમચેતી એમાં છલકાતી. ‘કવિતા’ના અંકોમાં હંમેશાં કવિના અક્ષર અને ફોટોગ્રાફ્સ જોવાનું કૂતુહલ રહેતું. એના દળદાર અંકોની પ્રતીક્ષા હંમેશાં રહેતી.
‘ગ્રંથ’ અને ‘સમીક્ષા’માં નિરંજન ભગતની સાથે વિશ્વ કવિતાનો યુગ જીવે છે. હવે એવું વાંચનારા શોધવા ક્યાં જવા? અવલોકન સટીક, બારીક અને કાળદેવતાની તસવીરને ફોકસ કરીને વાંચનારની આંખોમાં આશ્વર્ય મૂકતા! ‘અખંડ આનંદ’ને વાંચવાનો પરમઆનંદ રહેતો. ડ્રોઈંગરૂમમાં આવનાર દરેકનું ધ્યાન ખેંચતું. ‘નવનીત’ અને ‘સમર્પણ’ એ વખતે જુદાં હતાં. વાર્તાઓનાં વિશ્વમાં નવો ઉઘાડ દેખાતો!
સાહિત્ય પલાંઠીવાળીને વંચાતું પણ મનનો પ્રવાસ યાત્રા બની જતો. ‘ઉદ્દેશ’નું નામકરણ કવિ સુંદરમે કરેલું. જીવનના ઉદ્દેશમાં સાહિત્યને ભેળવવાનો એ નિજાનંદ વાંચવાથી પણ વર્તાતો! બાળમેગેઝિનની રાહ જન્મદિવસ કરતાં વધુ તીવ્રતાથી જોવાતી! બાળપણને પાંખો અને આકાશ સાથે ફૂટતાં. વડીલોના હાથમાં પણ એ વાંચવાના બાળપણને અનુભવ્યું છે. ‘પરબ’ના અંકોમાં ‘સમાનો મંત્ર’ – આસ્વાદ અનુભવે. ‘શબ્દસૃષ્ટિ’થી નવાનવા સાહિત્યમાં પ્રવેશવાનું ઘણાં લોકો માટે બન્યું હશે.
મેગેઝિનોએ જીવનને બધી જ દિશામાંથી સ્પર્શ્યું છે. ‘નવજીવન’ના અંકોમાં શાશ્વતીનો ઉજાસ અનુભવાતો. ઘણાંય મેગેઝિનોનાં નામ ચાલતી કલમે રહી ગયાં હશે. સંસ્થાઓના મુખપત્રમાં જીવનોપયોગી ઉમદા કામ થયું છે. ‘વિચારવલોણું’ જીવનનું નવનીત લાગે! પૈસા ભેગા કરવા કે મોંઘીદાટ વસ્તુઓ જ સંઘરવી એવું ન માનતી એક આખી પેઢીએ હજુયે ઘરના ખૂણામાં એ મેગેઝિનના જૂના અંકો સાચવી જ રાખ્યા હશે. એ ખજાનાનું મૂલ્ય પૈસાથી આંકવાની ભૂલ જેમણે એ મેગેઝિનો આજે પણ સાચવી રાખ્યાં છે એ લોકો તો ન જ કરે! જમાના સાથે વિજ્ઞાનનો તાલમેલ કરી આપતું ‘સફારી’ કેમ ભૂલી શકાય? મેગેઝિનમાં પ્રગટ થતાં લખાણોનું જ્યારે પુસ્તક થાય ત્યારે એની હજ્જારોની સંખ્યામાં પ્રતો વેચાઈ જતી.
વ્યસ્ત જિંદગીમાં એક મેગેઝિન તો આપણાં ઘરના સરનામે આવવું જ જોઈએ. ઘણાંયે મેગેઝિનનો જોશ આજે પણ એટલો જ તરોતાજા છે. વાંચતાની સાથે આપણને મૂળ સોતા ભીના કરી શકે એવો રૂઆબ છે. માંહ્યલાની મિત્રતાને ઘનિષ્ટ બનાવતાં એ મેગેઝિનના અસ્તિત્વને આઉટડેટેડ માનવાની ભૂલ કે ભ્રમ કરવા જેવો નથી. ‘ગૂગલ’ ગુરુ છે તો એ મેગેઝિનો આરાધ્યદેવ જેવાં છે. આપણા સરનામે આવતી મેગેઝિનની ટપાલ, જન્મના પ્રમાણપત્ર વગર જીવવાનો અહેસાસ બળુકી રીતે, પુરાવા આપ્યા વગર ખુદને જ કરાવે છે. સરનામાને આનંદ આવે એવું જીવવામાં ઘરનો ઉજાસ વધુ પ્રગટે છે. ઑન ધ બીટ્સ
અહીં આપણે આપણા શબ્દ ગાવા, જમાનો તો બીજુંય માંગ્યા કરે છે.
-મનોજ ખંડેરિયા
ક્રાઇમ સિક્રેટ:અફીણની કરોડોની દલાલી કરતો અધિકારી હતો કોણ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/who-was-the-official-who-brokered-crores-of-rupees-of-opium-135161982.html

રાજ ભાસ્કર મીણા કેસ - 1 રા જસ્થાનના કોટા જિલ્લાના એન્ટી કરપ્શન બ્યુરોના એસ. પી. સુધીર ચૌધરીના કપાળે એ. સી. ઓફિસમાં પણ પરસેવાની બુંદો વળી ગઈ હતી. અત્યારે એમની સામે એક ઓફિસર ઈન્વેસ્ટિગેશન કરીને આવ્યા હતા અને માહિતી આપી રહ્યા હતા, ‘સર, અફીણની ખેતીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે! નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ખુદ ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના વજીપુર ક્ષેત્રમાં આવેલા જીવલી ગામના રહેનારા સહીરામ મીણા વર્ષ 2016થી કોટામાં નારકોટિક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર પદ પર નિયુક્ત છે. આ માણસ એક નંબરનો ભ્રષ્ટાચારી છે. અફીણની ખેતીમાં લાંચ લઈને એણે કરોડો રૂપિયા બનાવ્યા છે!’
‘એ બરાબર, પણ આ તો માત્ર વાત થઈ. ડિટેઈલ તો કહો…’
‘એ જ કહું છું સર! ચિત્તોડગઢ જિલ્લાના નિંબાહેડા તાલુકાના કનેરા ગામમાં રહેનારો કમલેશ ધાકડ નામનો દલાલ આમાં સંડોવાયેલો છે. આ વ્યક્તિ નારકોટિક્સ ડે. કમિશનર સહીરામ મીણાની દલાલી કરે છે.’
પણ આ લોકો પૈસા ખાય છે શેમાંથી ?’
‘સર, એ વાત જરા સમજવી પડે એમ છે.’
‘સમજાવ!’
‘સર, જે જે વિસ્તારોમાં અફીણની ખેતી થાય છે ત્યાં નારકોટિક્સ વિભાગ એક મુખિયા નિમતું હોય છે. એ સરકારી નિયુક્તિ નથી પણ પણ નિયુક્તિ ડે. કમિશનર દ્વારા થાય છે. સરકાર દ્વારા સૂચિત જમીનમાં જ અફીણની ખેતી થાય અને નિશ્ચિત હોય એટલો જ પાક લેવામાં આવે એ બધી બાબતોનું ધ્યાન મુખિયા રાખતો હોય છે. અફીણની ઊપજ પર નિગરાની, સમય સમય પર નારકોટિક્સ દ્વારા થતા આદેશોની ખેડૂતોને જાણ વગેરે બાબતો મુખિયાના હાથમાં જ હોય છે. એમ સમજી લો ને કે મુખિયા જ અફીણની ખેતીની ધરી છે. એટલે કે એ મુખિયા ખેડૂતો પાસેથી લાંચ લઈને એમને વધારે પાક ઉગાડવા દે, જે જમીન પર પાક ઉગાડવાની પરવાનગી નથી હોતી એના પર પણ ઉગાડવા દે વગેરે ભ્રષ્ટાચાર આદરે અને કરોડો રૂપિયા કમાય. આપ તો જાણો છો કે અફીણના બ્લેક માર્કેટમાં કરોડો રૂપિયા પેદા થાય છે. રાજસ્થાનમાં આ આખો ખેલ ચાલે છે. ખાસ કરીને કોટા અને આસપાસનાં ગામમાં!’
‘મુખિયાનું કામ અને નામ તો સમજાઈ ગયું! હવે ડે. કમિશનર સહીરામ મીણા અને બીજા અધિકારીઓ કેવી રીતે સંડોવાયેલા છે એ કહે?’
‘સર, બહુ સીધી વાત છે. અફીણની ખેતી કરનારા બધાનું ભાગ્ય મુખિયાના હાથમાં હોય છે અને મુખિયાનું ખુદનું ભાગ્ય નારકોટિક્સ અધિકારીઓના હાથમાં હોય છે. એક સાવ સાદો આંકડો ગણીએ તો પણ રાજસ્થાનમાં 1800 જેટલા મુખિયાઓ છે અને એ બધાની તકદીર લખવાનું કામ એક માત્ર અધિકારીના હાથમાં છે અને એ છે નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના ડે. કમિશનર સહીરામ મીણા. અમારી બાતમી મુજબ સહીરામ એક મુખિયા નિમવા માટે પાંચ લાખ રૂપિયા લે છે. એ પછીની કમાણી જુદી. એટલું જ નહીં સરકારની નિર્ધારિત ભૂમિ ઉપરાંત ગેર નિર્ધારિત ભૂમિ ઉપર અફીણની કરોડોની ખેતી થાય છે. એ બાબતે સહીરામ મીણા આંખ આડા કાન કરે છે અને એના બદલામાં મુખિયા દ્વારા ખેડૂતો પાસેથી લાખ્ખો રૂપિયાની લાંચ લે છે. આપણે એના ઘરે રેડ પાડવી જોઈએ.’
ઓફિસરની વાત સાંભળી એસ.પી. સુધીર ચૌધરી હચમચી ગયા હતા. ખુદ નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી આમાં સંડોવાયેલા હતા એ હાહાકાર મચાવનારી ખબર હતી. એ જ દિવસે એસ.પી. સુધીર ચૌધરીએ એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર જનરલ આલોક ત્રિપાઠીને આખી વિગત કહી. તેઓ પોતે પણ આ માહિતી સાંભળીને ચોંકી ગયા. તેમણે કહ્યું, ‘ચૌધરી, આટલા મોટા અધિકારીના ઘરે આપણે ડાયરેક્ટ રેડ નાખીશું તો એ કંઈક ને કંઈક આંટીઘૂંટી સર્જીને છટકી જશે. એના કરતાં એને રંગે હાથ પકડવાની યોજના બનાવો!’
‘આપ કહો એમ આગળ વધીએ સર!’
‘તમારી વાત મુજબ કમલેશ ધાકડ સહીરામ મીણા માટે દલાલી કરે છે. તમે એનો ફોન સર્વેલન્સ પર નાંખી દો. વાત ખતમ થઈ જશે.’ આ વાતચીતના અડધા જ કલાક પછી દલાલ કમલેશ ધાકડનો ફોન સર્વેલન્સ પર નાંખી દેવાયો અને અઠવાડિયામાં જ કમલેશ અને ડે. કમિશનર સહીરામ જાળમાં ફસાઈ ગયા. કમલેશે સહીરામ મીણાને ફોન કર્યો, ‘સર, એક અંગત કામ હતું! મારા પિતાને મુખિયા બનાવવા છે. બધું જ તમારા હાથમાં છે.’
‘પાંચ લાખ રૂપિયા થશે.’
‘હા, પણ એ મારા પિતા છે. મેં તમને કરોડો રૂપિયા કમાઈને આપ્યા છે.’
‘ઠીક છે, એ વાત પછી કરીશું, પણ પેલો એક મુખિયા બનાવવાનો હતો એના પાંચ લાખ લઈને તું આવવાનો હતો એનું શું થયું.’
‘સર, પૈસા તૈયાર જ છે.’
‘તો એક કામ કર! કાલે 26મી જાન્યુઆરી છે. અમારી ઓફિસમાં 9 વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ છે. હું 11 વાગે ફ્રી થઈ જઈશ. તું મારા ઘરે આવી જા!’
‘ઠીક છે સર! કાલે આવી જઈશ.’
વાત પૂરી ગઈ ગઈ. એસ.પી. સુધીર ચૌધરીએ આ વાત જાણી અને એ ઉછળી પડ્યા. એમણે તરત જ ડાયરેક્ટર જનરલ સાહેબને ફોન કરીને માહિતી આપી. એમણે લીલી ઝંડી આપતાં કહ્યું, ‘પકડી લો સાલાને. અને એવા રિમાન્ડ લેજો કે એની સાત પેઢી સુધી ભ્રષ્ટાચાર કરવાનું નામ પણ ના લઈ શકે. સરકારનું ખાય છે અને સરકાનું જ ખોદે છે સાલા!’
સાહેબની સૂચના મળ્યા બાદ એસ.પી. સુધીર ભ્રષ્ટાચારના ભોરિંગને પકડવા માટેની જાળ ગૂંથવા લાગ્યા. (ક્રમશ:)
રેઈનબો:વૃક્ષની વાર્તા અને વાર્તા બની ગયેલું વૃક્ષ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-story-of-the-tree-and-the-tree-that-became-the-story-135162632.html

રક્ષા શુક્લ વિ શ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ છે ‘પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત.’ તો #BeatPlasticPollution અભિયાન ચાલશે. માણસને પ્લાસ્ટિકથી કફથી કેન્સર સુધીના રોગો થઇ શકે છે. પર્યાવરણ રક્ષણ માત્ર સરકારનું કામ નથી, સહકારનું કામ છે. વિચારો આ પ્લાસ્ટિક પર્યાવરણને કેટલું નુકસાન કરતું હશે. વૃક્ષો તો માણસ કરતાં પણ વધુ સંવેદનશીલ છે. પ્લાસ્ટિકપુરાણથી થતા નુકસાનની કથા કરવા બેસીએ તો નવ દિવસ પણ ઓછા પડે!
વૃક્ષ બોલી નથી શકતાં એનો ગેરફાયદો માણસ ઉઠાવી રહ્યો છે. શહેરની ભાગદોડમાં વૃક્ષોની ડાળીઓ તમને ‘હેલ્લો’ કહી આવકારે છે પણ તમે તો ઓફિસ પહોંચવાની પળોજણમાં જ હો છો, આનાથી મોટી કમનસીબી, કંગાલિયત બીજી શું હોય! વૃક્ષોનું આડેધડ છેદન કરતા માણસે એક વાત શીખવી જ પડે કે વૃક્ષોનું જતન કરશો તો વતન રળિયામણું થશે. વધુ ને વધુ વૃક્ષો વાવીશું તો જ એ આપણાં પ્રાણરૂપ અને પ્રાણપ્રિય વરસાદને ખેંચી લાવશે, નહીં તો એનાં દુષ્પરિણામો આપણી જ પેઢી ભોગવશે. પછી કોરા વરસાદમાં નાહતાં શીખવું પડશે.
પહેલા વરસાદ પછી માટીમાંથી આવતી મબલક મહેક સામે પાંચ હજારના સ્પ્રેનું પાંચિયું પણ ન આવે. આ વરસાદનું વહાલ મેળવવા વાયા વૃક્ષ જવું પડે. માળા બનાવવા માટે વૃક્ષો શોધતા, થાકેલા પંખીના ગળામાં પીડાની ચીસ પણ અટવાઈ ગઈ છે. કોરોના-પાઠ પછી પર્યાવરણની જાળવણી કરવા માટેનું માણસને લાધેલું જ્ઞાન જાણે સ્મશાનવૈરાગ્ય જેવું નીવડ્યું. ખરેખર તો પ્રકૃતિ સાથે અરસપરસ જીવાતા જીવનમાં દરેક નાનામાં નાના જીવની મહત્તા છે.
પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનો એક મહત્ત્વનો હિસ્સો એટલે વૃક્ષો. ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝે પ્રથમ વાર દુનિયાને જણાવ્યું કે વનસ્પતિમાં જીવ હોય છે. ઉપનિષદના ઋષિએ સદીઓ પહેલાં કહ્યું: ‘વૃક્ષમાં જીવાત્મા રહેલો છે.’ વૃક્ષો ધરતીનો શણગાર તો છે જ પણ એ ધરતીનું સંરક્ષણાત્મક ઢાંકણ બોલે તો કવચ પણ છે. વૃક્ષોને અને છોડને સંગીતની સૂરાવલિ સંભળાવતા તેનો ઝડપથી વિકાસ થયાનાં ઘણાં ઉદાહરણ આજે તો આપણી સામે છે.
કોઈ પણ એન્ગલથી વૃક્ષ રમણીય જ લાગશે, એનામાં ફૂડકપટ નથી. પાનખરનાં પીળાં પર્ણો પણ વહેતી હવા સાથે એક લયબદ્ધ નૃત્ય કરે છે. કોઈ જો ખરેલાં પર્ણોને મૃત કહેતું હોય તો એ એની દ્રષ્ટિ મર્યાદા હશે. તમે સુગંધને ખોબામાં ભરી છે કદી? જૂઈના ઝરી ગયેલાં ફૂલોને હળવેથી હથેળીમાં લેજો...થોડું નીરખીને જોજો...બે ઘડી વાત પણ કરી લેજો..પછી ખોબો ખાલી કરશો તો પણ એ સુગંધથી મહેકતો હશે. જ્યારે સઘળાં વૃક્ષો વસંતના વધામણાં ગાય છે ત્યારે ‘ઋતુનામ્ કુસુમાકર:’ કહેતા હરિ આંગણે આવે છે. ધીરેથી કોમળ પર્ણો ફૂટતાં હોય ત્યારે પરોઢ જાણે નરસૈયાનું પ્રભાતિયું સંભળાવે છે. બે પાંદડે થવું એટલે કે સુખી થવું. પ્રકૃતિ સાથે હોવું મતલબ સુખી હોવું. પ્રકૃતિ વચ્ચે રહેતો માણસ સુખી જ હશે. આદિમાનવોએ વૃક્ષો સાથે, જંગલો સાથે ખૂબ સોહાર્દપૂર્ણ વ્યવહાર કર્યો હતો, જાણે વૃક્ષો પોતાના પૂર્વજો હોય. તેઓનું ખાવું, પીવું, રહેવું, ઓઢવું દરેક ક્રિયાઓ વૃક્ષો, વનસ્પતિ કે ઘાસ પર જ આધારિત હતી. આદિમાનવો નિષ્કપટ હતા. વૃક્ષને ચાહનાર માણસ કદી કપટ આચરી શકે ખરો? જેણે આંગણામાં પ્રેમથી વૃક્ષો ઉછેર્યાં હોય એ વૃક્ષો તેનાં સ્વજન સરીખા હોય છે. વૃક્ષ અને માણસ વચ્ચે જેમ જેમ સંવાદ રચાતો જાય છે તેમ તેમ એની ભીતર પણ થોડું વૃક્ષત્વ ધામા નાખવા લાગે છે.
વૃક્ષનું લયબદ્ધ લળીને ડોલવું એવું લાગે કે જાણે એ વેદમંત્રો ભણતું હોય. વૃક્ષના પ્રેમમાં પાડવા જેવું ખરું! હમણાં જ કાને પડેલા વાક્યને મેગા સિટીનાં દરેક હોર્ડિંગ પર લગાવવા જેવું ખરું કે ‘હે યુવાનો, વૃક્ષને પણ એટલો જ પ્રેમ કરજો જેટલો વૃક્ષ પાછળ બેસીને તમે કર્યો છે.’ અનેક પર્વોની ઉજવણીમાં પણ વૃક્ષપૂજન મહત્ત્વનું છે.
વૃક્ષ તો માણસના જીવનમાં જન્મથી લઈને મૃત્યુ સુધી વણાયેલું છે. પારણાથી લઈને જીવ પ્રાણ ત્યાગે ત્યાં સુધી વૃક્ષનું લાકડું મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડાળીઓના દરબારમાં વૃક્ષનો વૈભવ અનેરો હોય છે. વૃક્ષો ભગવાન શિવ જેવા. બંને વિષપાન કરીને જગતનું કલ્યાણ કરે છે. વૃક્ષો ધરતીની ઝેરી પ્રદૂષણયુક્ત હવા પોતે પીવે છે અને સૃષ્ટિના જીવોને શુદ્ધ હવા પ્રદાન કરે છે. વૃક્ષ સાથેનો તમારો અફેર ક્રશ બની મહામૂલી કાયનાત બનશે.
વસ્તીવધારાને લીધે દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધુ જમીનની જરૂર પડી અને વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું. બ્રસેલ્સ દુનિયાનું એકમાત્ર એવું મહાનગર છે, જેની મધ્યમાં વિશાળ જંગલ આવેલું છે. નેપોલિયને ત્યાં આક્રમણ કર્યું ત્યારે લશ્કરને સૂચના આપેલી એ કે જંગલને નુકસાન પહોંચાડવું નહીં. કુદરતે સર્જેલાં આ જંગલો બનતા હજારો વર્ષ લાગે છે પરંતુ માણસે માત્ર છેલ્લાં 100 વર્ષમાં આ જંગલોનો વિનાશ કરી નાખ્યો.
પૃથ્વીનાં ફેફસાં ગણાતા એમેઝોનનાં જંગલ આજે 80% કાપી નાખવામાં આવ્યાં છે. આવા અગણિત જંગલોનો વિનાશ થતા ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું. હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક રીતે વધ્યું. પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાં સૌથી મહત્ત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો વિવિધ ફળો, અનાજ વગેરે તો આપે છે જ પણ મુખ્યત: તેનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે. તેનાં મૂળિયાં, ફૂલો, ફળો કે પર્ણો ઔષધી તરીકે વપરાય છે.
‘એક હતું વૃક્ષ લખાય’ એની પહેલાં ‘એક હતી સૃષ્ટિ’ લખવું પડશે તો? ઇતિ
વર્તમાનના આનંદને એવી રીતે ભોગવવો જોઈએ કે ભવિષ્યના આનંદને ક્ષતિ ન પહોંચે.- સેનેકા
આત્મમંથન:આતંક ફક્ત બહાર નહીં આપણી અંદર પણ હોઈ શકે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/terror-can-be-not-only-outside-but-also-within-us-135162627.html

અરવિંદસિંહ રાણા હા લના સમયમાં માનવજાતના સૌથી મોટા બે દુશ્મનો છે, એક ‘ગ્લોબલ વોર્મિંગ’ અને બીજો ‘આતંકવાદ.’ દુનિયાનો અંત લાવવામાં પણ કદાચ આ બે જ કારણો જવાબદાર બનશે તેવું જણાઈ રહ્યું છે. જોકે, વિશ્વ કક્ષાએ ઘણાં સંગઠનો અને સરકારો આ બંનેને નિયંત્રણમાં લાવવાના જેવા તેવા પ્રયાસો પણ કરી રહ્યા છે. તેમ છતાં ભવિષ્યમાં આ બંને સમસ્યાઓ કંટ્રોલમાં આવશે કે કેમ! તેના વિશે કંઇ કહી શકાય તેમ નથી.
આતંકવાદનું મૂળ શું છે?
ઘણીવાર એવો સવાલ થાય કે આ આતંકવાદ એટલે શું? કેમ તેઓ આતંક ફેલાવી રહ્યા છે?
કેમ નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે? જો તેમની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમના આતંકવાદ પાછળનું કારણ તેમના ‘વિચારો’ અને ‘માન્યતાઓ’ છે.
આ માન્યતાઓ તેમના માં આરોપીત કરવામાં આવી છે. તેમને લાગે છે કે ફક્ત પોતાનો જ ધર્મ સાચો છે, બીજા ધર્મ ખોટા છે. બીજા ધર્મનાં લોકોને પૃથ્વી પર જીવવાનો કોઈ અધિકાર નથી. જે તેમના કાયદા અને ધર્મનું પાલન ન કરે તે બધાં તેમના ધર્મના દુશ્મન છે. આ પ્રકારના વિચારો અને માન્યતાઓ તેમનાં માનસમાં એટલે ઊંડે સુધી ઉતરી ગયાં છે કે તેઓ તેના માટે ગમે તેનો જીવ લઈ પણ શકે છે અને પોતાનો જીવ આપી પણ શકે છે.
આપણને લાગે કે આ તે કેવી જડ માન્યતા! પોતાના કાયદા અને ધર્મને ન માને તેનો જીવ લઈ લેવો! આ જઘન્ય અપરાધ કહેવાય કે નહીં? તો હવે હું એમ કહું કે આ પ્રકારની માન્યતા ઓછા-વત્તા અંશે આપણાં બધાંમાં પણ રહેલી છે, તો કોણ સ્વીકારશે? શું આ પ્રકારની માન્યતાઓ આપણાં અંદર પણ છુપાયેલી છે?
આવો, કેટલાક સવાલો પોતાની જાતને પૂછીને જાણવાનો પ્રયાસ કરીએ…
1. શું આપણે આપણાં કરતાં ભિન્ન મત ધરાવતા વ્યક્તિને સંપૂર્ણપણે સ્વીકારી શકીએ છીએ?
2. શું આપણે પોતાનું ધાર્યું કરાવવા માટે ગુસ્સે થવું, રિસાઈ જવું, દયામણા બનવું, રડવું કે ઈમોશનલ કાર્ડ રમવું વગેરે જેવા પેંતરા નથી અજમાવતા?
3. આપણાં બાળકો જેવાં છે તેવા નહીં પણ તે આપણી અપેક્ષાઓ મુજબનું જીવન જીવે તેવો આગ્રહ નથી રાખતા?
4. આપણે જે પોલિટિકલ પાર્ટીને સારી માનતા હોય તેના વિશે કોઈ ખરાબ બોલે તો આપણને તે વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી થતો?
5. મિત્ર સાથે, પરિવારમાં, પાર્ટનર સાથે અથવા સહકર્મચારી સાથે કોઈ મતભેદ થાય તો મોટાભાગે આપણને એમ જ નથી લાગતું કે આપણે જ સાચા છીએ સામેવાળા જ સમજતા નથી?
6. આપણે જે કહીએ તેને તરત માની લેતા અને આપણી સાથે મોટે ભાગે સહમત થતાં વ્યક્તિઓ શું આપણને વધુ વહાલાં નથી લાગતાં?
7. જો આપણે કોઈ વિચારધારા કે સંપ્રદાયમાં માનતા હોય તો અન્ય વિચારધારા કે સંપ્રદાયના લોકો નાસમજ, અબુધ કે ઉતરતા નથી લાગતા?
8. આપણી જાતિ મહાન, આપણો પ્રદેશ મહાન, આપણો દેશ મહાન, આપણાં જેવું કોઈ નહીં, શું આવું વારંવાર બોલતા અને માનતા નથી?
સૂક્ષ્મ આતંકવાદ
આ બધી આપણી માન્યતાઓ જ છે. તેમાં કેટલું સત્ય છે, તથ્ય છે તે કોઈ જાણતું નથી. શું આપણે જાતે જ નક્કી કરી શકીએ કે આપણે જે માની રહ્યાં છીએ તે સાચું જ છે? ફરક માત્ર એટલો જ છે કે આપણે હથિયાર દ્વારા હિંસા નથી કરતા બસ. પરંતુ જાણે અજાણે ભાવનાત્મક અને વૈચારિક હિંસા તો કરતા જ હોઈએ છીએ, જે સામેવાળી વ્યક્તિ માટે નાનો-મોટો આતંક જ હોય છે.
એક નાનો આતંકવાદી આપણામાં પણ હોઈ શકે છે. જે ભિન્ન મત, ભિન્ન વિચાર અને બિન આચારને સહજ રીતે સ્વીકારી શકતો નથી. માનસિકતાની પકડ ઘણીવાર હથિયાર કરતાં પણ વધુ ખતરનાક હોય છે. આખી દુનિયામાં વ્યાપ્ત સંઘર્ષોનાં મૂળમાં કોઈ ને કોઈ ‘વિચાર કે માન્યતા’ જ રહેલાં છે. જેનો ઉદભવ બીજે ક્યાંય નહીં પણ માનવીનાં ‘મન’માંથી જ થતો હોય છે. વિચાર કે માન્યતાની પ્રબળતા જેટલી તીવ્ર તેટલો જ તે વ્યક્તિ માનવજાતિ માટે વધુ ખતરનાક.
આપણી આસપાસ થતી આત્મહત્યાઓ, શારીરિક અને માનસિક સમસ્યાઓ, વ્યક્તિગત પારિવારિક અને સામાજિક ઝઘડા-કંકાસ વગેરે આપણા દ્વારા ફેલાવેલા આતંકનું જ એક સ્વરૂપ છે. આતંક ફક્ત બાહ્ય નહિ, આંતરિક પણ હોઈ શકે
આપણે ફક્ત બાહ્ય આતંકવાદ સામે જ નહિ, પણ આપણાં મનમાં છુપાયેલા આતંકવાદી વિચાર સામે પણ જાગૃત થવું પડશે. જ્યારે આપણે વિચારો અને માન્યતાઓની ભિન્નતા સહન કરવાનું શીખીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં ‘શાંતિપ્રિય સમાજ’ બનાવી શકીશું.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/jayaprakash-narayan-the-great-leader-of-the-complete-revolution-135162619.html

પ્રકાશ ન. શાહ હ વે થોડાં અઠવાડિયાં, અને કટોકટીરાજ જાહેર થયું એની પચાસવરસીએ પહોંચીશું. તે નિમિત્તે વર્તમાનમાં ખોડાઈ લગરીક ભૂત ને કંઈક ભાવિ જોવાતપાસવાનો સણકો કમબખ્ત કેડો મેલતો નથી.
2025ના જૂનની પાંચમીના ઉંબર કલાકોમાં ઊભી આજે 1974 અને 1975ના જૂનની પાંચમી નિમિત્તે થોડીક દિલખુલાસ નુક્તેચીની કરવા ચહું છું.
1975ના જૂનના પહેલા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ગુજરાતના ચૂંટણી પ્રવાસમાં હું જયપ્રકાશજીની જોડે હતો. વચ્ચે વચ્ચે યદૃચ્છા વાતો થતી રહેતી એ ગુજરાત વિશે કંઈક પૂછેસંભારે; વળી આ દિવસોમાં બિહારમાં શું હશે, શું નહીં, એનીયે વાત કંઈક સ્વગતોક્તિની રીતે કરે.
મુદ્દે, આગલા વરસની, 1974ની, પાંચમી જૂન એમને સારુ ખાસ હતી. અને ઓણ એ તારીખે તે બિહારમાં નથી, એનો કંઈક વસવસો પણ એમને હશે. જતી જિંદગીએ, જોકે નવપ્રભાતે, એક સિપેહસાલાર જુએ એવાં ક્રાંતિસપનાં એ જોતા હશે- અને તાકડે પોતે સીધી સમરભૂમિ એટલે કે બિહારમાં નથી, એ વાસ્તવિકતાએ કંઈક સોરવાતા પણ હશે.
નવનિર્માણના છાત્રયુવા સમુદાય સાથે દોસ્તી દિલ્લગી ને દિલની વાતો કરવાનો તો ગાંધી-રુઝાન ધરાવતી બિરાદરી સાથે લોકઆંદોલનને સંભવિત વળાંકની રીતે પ્રગટ મંથનનો એક દોર પૂરો કરી એમણે ફેબ્રુઆરીના બીજા-ત્રીજા અઠવાડિયામાં દિલ્હી મુકામ કીધો હતો. વડાંપ્રધાન ઈંદિરા ગાંધી સાથે તેમ વિપક્ષ નેતાઓ સાથેની વાતચીતમાં હજુ એ સંવાદખોજની ભૂમિકાએ હતા.
બિહાર પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિમાં સરકાર ને સત્તા પક્ષના છેડેથી છાત્રયુવા અજંપા સાથે દમનદોરનો જે અનુભવ કર્યો તે કેમ જાણે હમણેના ગાળામાં કફનમાં છેલ્લા છેલ્લા ખીલા જેવો હતો. શાંતિમય હિલચાલની શરતે એમણે યુવાનોનું નેતૃત્વ સ્વીકાર્યું ને આંદોલન આગળ ચાલ્યું. મને સાંભરે છે, એ જ મહિનાઓમાં તો ધર્મવીર ભારતીએ કાવ્યકેમેરે આબાદ ચિત્ર કંડાર્યું હતું:
ખલક ખુદા કા, મુલુક બારશાકા
હુકુમ શહર કોતવાલકા
હર ખાસો આમકો આગાહ કિયા જાતા હૈ
કિ ખબરદાર રહેં
ઔર અપને અપને કિવાંડો કો અંદરસે
કુંડી ચઢાકર બંદ કર લેં
ગિરા લેં ખિડકિયોં કે પરદે
ઔર બચ્ચોં કો બહાર સડક પર ભેજેં
ક્યોં કિ
એક બહત્તર બરસકા બૂઢા આદમી
અપની કાંપતી કમજોર આવાજ મેં
સડકોં પર સચ બોલતા હુઆ નિકલ પડા હૈ!
જયપ્રકાશ ચિત્રમાં આવ્યા ત્યારે એમને મન મુદ્દો કેવળ રાજીનામાંમાં સીમિત નહોતો. ધોરણસરની નવી ચૂંટણીની વાત તો જાણે ખરી, પણ કાયદા કાનૂનની ન એવીતેવી વાતે અગર આટેપાટે અટકવાનો ખયાલ મુદ્દલ નહીં: ગાંધીમાહોલમાં એ આઝાદીના જંગમાં કૂદી પડ્યા હતા તે માત્ર ગોરા સાહેબોને સ્થાને કાળા કે ઘઉંવરણા સાહેબોના સ્થાપના સારુ તો નહીં- એ લડાઈ સમાજ પરિવર્તનની હતી.
વંદેમાતરમનો નારો ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના દોર સાથે નકરા રાજપલટાથી આગળ જવા સારુ હતો. સન સુડતાલીસ પછી ધારો કે એ ધારા છૂટી ગઈ હોય તો હવે આ એના પુન:આ‌વાહનની પળ હતી- હાસ્તો, ’47નું ઊંધું ’74! 1974ની પાંચમી જૂને એટલે સ્તો પટણાના ગાંધી મેદાનમાં વિરાટ રેલીને સંબોધતા જયપ્રકાશે કહી નાખ્યું’તું કે આ જંગ સાપનાથ જાય અને નાગનાથ આવે એટલા પૂરતો નથી... સંપૂર્ણ ક્રાંતિનો આ જંગ છે, સંપૂર્ણ ક્રાંતિનો! બરાબર અંતે વરસ પૂરું થઈ રહ્યું છે ને ત્યારે પોતે પટણામાં એની રૂ-બ-રૂ યાદ
આપવા વાસ્તે નથી એનો એમને કંઈક ખટકો હતો. સ્વગતોક્તિની રાહે એ કંઈક ગણગણતા પણ જણાયા હતા- ગર મૈં વહાઁ હોતા.
સામ્રાજ્ય પરિવરત્નના આંદોલનમાં સત્તા પરિવર્તન - વિધાનસભાની ચૂંટણીએ ફતેહ સાથે અને છતાં બેડો ગરક તો નહીં થઈ જાય ને એ એમની અમૂઝણ હતી.
ગમે તેમ પણ, નડિયાદની જાહેર સભા પછી વિઠ્ઠલ વિદ્યાલયમાં ઉત્સાહી યુવજનો સાથે વાર્તાલાપ કરવાનો બન્યો ત્યારે જયપ્રકાશ પાછા અસ્સલ મિજાજમાં આવી ગયા. કોઈએ ચંબલના બાગીઓ વિશે પૂછ્યું તો એમણે જે જવાબ આપ્યો એ હતો પણ રસિક એટલો જ સૂચક કે એના કરતાં હાલનું કામ લગાર કાઠું છે!
વડોદરા પહોંચ્યા, જ્યોતિના ગેસ્ટ હાઉસમાં- ને એ કંઈક આરામ સારુ આડા પડ્યા ત્યાં મને (અલબત્ત એમના માટે) મળવા પત્રકાર મિત્રો કિરીટ ભટ્ટ ને વિક્રમ રાવ આવી પહોંચ્યા. એમની ચિંતા રાજ્યના મંત્રી અને પૂર્વ મેયર ઠાકોરભાઈ જેવા બધી જ રીતે પહોંચતા ઉમેદવાર સામે જનતા મોરચાના આજીવન સેવાવ્રતી ને અક્ષરશ: અકિંચનવત પેંઢારકરની ઉમેદવારીને અંગે હતી. એ તો વાત કરીને ગયા, પણ જેપી ઊઠ્યા ત્યારે એમને મેં આ વાત કરી. પેંઢારકરને એ જૂના સમાજવાદીને નાતે જાણતા પણ હશે.
એમણે મને કહ્યું, તું એક ચિઠ્ઠી લખીને તૈયાર રાખજે અને મારા વક્તવ્યમાં હું હાલની ચૂંટણીપ્રથા ને આકરા ખર્ચા વિશે કહું કે તરત મને આપજે. હું એક રાજકીય સંપન્ન સામે સમર્પિત વિપન્નનું સમર્થન એ લોકશાહીની જરૂરત છે તે નામજોગ સમજાવીશ. કહેવાની જરૂર નથી, આ ચિઠ્ઠી કરામતે ચૂંટણી પરિણામમાં રંગ દાખવ્યો હતો!
બીજે દિવસે રાત્રે રાજકોટની સભા પૂર્વે મેં ચિમનભાઈ શુક્લને કહ્યું કે જેપીના ભાષણ પૂર્વે અમારી સાથેનાં મંદાબહેન, બિહાર આંદોલનનું ધ્રુવગીત ગાશે: ‘જયપ્રકાશ કા બિગુલ બજા તો જાગ ઊઠી તરુણાઈ હૈં.’ જયપ્રકાશે ભાષણની શરૂઆતમાં જ આ ગાન સંભાર્યું ને કહ્યું કે તે કોઈ ચૂંટણીગીત નથી. પરિણામ પછી પણ ચાલુ લડતનું એ સંકલ્પગાન છે ને પોતે એની જોડપંક્તિ ઉમેરી: ‘તિલક લગાને તુમ્હેં જવાનોં ક્રાંતિ દ્વાર પર આયી હૈ.’
જૂન ’74થી જૂન ’75 વચ્ચેની એક વરસની મજલમાં જેપી ભરજોસ્સે કદાચ જોતા હતા કે તિલક ને દ્વાર વચ્ચે અંતર હોવાનું છે.
ગતકડું:દૂધને પણ ઉભરાવાનો ઉમળકો હોય!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/even-milk-has-the-urge-to-bubble-135162151.html

ડૉ. પ્રકાશ દવે દૂ ધ ગરમ કરવા મૂક્યા પછી એક બહેનને ઓચિંતા બહાર જવાનું થયું. એણે એના પતિને દૂધનું ધ્યાન રાખવા કહ્યું. પતિ એઝ યુઝવલ મોબાઈલમાં વ્યસ્ત હતો. મોબાઈલમાં એક બાબા પ્રવચન આપી રહ્યા હતા:
‘જિંદગીમાં ઉભરા તો આવ્યા જ કરશે. ઉભરો આવે ત્યારે ધીરજ રાખવી. દરેક ઉભરો અમુક સમય પછી આપોઆપ શમી જશે.’
બાબા બોલતા હતા એ જ સમયે દૂધનો ઉભરો આવ્યો. પતિનું ધ્યાન પ્રવચનમાં હતું. પત્ની આવ્યાં ત્યારે દૂધનો ઉભરો તો શમી ગયો હતો પણ પછી પત્નીને આવેલો ગુસ્સાનો ઉભરો ક્યારે શમ્યો એ ખબર નથી! દૂધ ઉભરાવા જેવી કટોકટી બીજી એકેય નથી. સ્ત્રીઓ દૂધ ગરમ કરવા મૂકે ત્યારથી ઉભરો ન આવી જાય ત્યાં સુધી કોઇપણ સંજોગોમાં ઘટનાસ્થળ છોડતી નથી. દૂધનો ઉભરો આવવાની આશંકાએ સ્ત્રી ગમે એવા અગત્યના કાર્યક્રમો પણ મોકૂફ રાખી ગેસ પાસે હાજર રહે છે. કોઈના ભરોસે દૂધનો ઉભરો આવવા દેવાય નહિ એ સ્ત્રીને ખબર હોય છે.
દૂધમાં પાણી નાખ્યું હોય કે પાણીમાં દૂધ નાખ્યું હોય હજારો વર્ષો થયા દૂધના ઉભરા એક જ પેટર્નથી આવે છે. માણસના દિલમાં આવતા સુખ-દુઃખના ઉભરા માટે તો કવિઓએ અનેક કવિતાઓ લખી છે, લેખકોએ દૂધ પી પીને વાર્તાઓ લખી છે, પણ દૂધના ઉભરા પર કોઈ કવિની કલમ ચાલી નથી અને કોઈ લેખકે દૂધના વાટકા ઉપર વાર્તા લખી નથી એ દૂધની કમનસીબી છે.
કવિનાં પત્ની દૂધ ગરમ કરવા મૂકીને બહાર જાય અને કવિને દૂધનું ધ્યાન રાખવાનું કહેતા જાય એ વખતે કવિ જો દિલના ઉભરા ઠાલવતા હોય તો દૂધના ઉભરા ભૂલી જાય છે. કવિને મન દૂધના ઉભરા કરતાં દિલના ઉભરા વધારે મહત્ત્વના છે. જોકે, કવિ પત્નીને આનાથી ઉલટું હોય છે. મારો મિત્ર મગન માને છે કે જે દિવસે કોઈ કવિ ‘દૂધ ઉભરાઈ ગયા પછી નાયિકાના મનોભાવો’ પોતાની કવિતામાં આલેખશે ત્યારે ગુજરાતી સાહિત્યને નવી ઊંચાઈ પ્રાપ્ત થશે. ‘દૂધના ઉભરા અને દિલના ઉભરા: એક તુલનાત્મક અધ્યયન’ એ વિષય પર પીએચ.ડી. કક્ષાનું સંશોધન થઇ શકે એમ છે!
દૂધ એ સંપૂર્ણ ખોરાક છે એવું ભણીને આપણે મોટા થયા છીએ, પણ ઘણા ડોક્ટરો આવું ભણ્યા વગર ડોક્ટર થઈ ગયા હોય કે કોને ખબર પણ દૂધને બહુ મહત્ત્વ આપતા નથી. અમુક ડોક્ટરો દૂધને નહિ દવાને જ સંપૂર્ણ ખોરાક માનતા હોય એવું પણ બને!
આપણને આપણા મનના ઉભરા ઠાલવવા માટે સ્વજનો મળી રહે છે. માનવી એટલા હોશિયાર છે કે પોતાના ઉભરા ઠાલવવા માટે કામચલાઉ સ્વજનો ઊભા કરી શકે છે. દૂધને આવી સમજણ કે સગવડ નથી. દૂધને એમ લાગે કે હવે ગરમી સહન નહીં થાય અને ઉભરો આવશે ત્યારે એ ધીમે ધીમે અવાજ કરી આપણને જાણ કરે છે. સ્ત્રીઓ વરસોના અનુભવના આધારે નક્કી કરી શકે છે કે આટલું દૂધ આટલા સમયમાં ગરમ થઇ જાય. એટલે એ ઉભરા સમયે ગમે ત્યાંથી હાજર થઈ જાય છે.
દૂધ ગરમ મૂક્યા પછી અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય ત્યારે સ્ત્રી ‘હું હમણાં આવું, દૂધનું ધ્યાન રાખજો’ એવો જનરલ આદેશ બહાર પાડે છે. અહીં નામ નામજોગ આદેશ ન હોવાથી ઘરમાં ઉપસ્થિત દરેકને એમ થાય છે કે આ આદેશ પોતાને જ કરવામાં આવ્યો છે. દૂધ એકંદરે ડાહ્યું હોય છે. એ બને ત્યાં સુધી ઉભરાવાનું મુલતવી રાખીને સ્ત્રીની રાહ જુએ છે પણ હવે એને એમ લાગે કે હવે પોતાને છોડીને ગયેલી સ્ત્રી પાછી આવશે જ નહિ ત્યારે એ કાળજું કઠણ કરીને ઉભરાવાની તૈયારી આદરે છે. ઘરના જે સભ્યને સૌ પ્રથમ દૂધ ઉભરાઈ રહ્યાની ખબર પડે એ મૌકા એ વારદાત પહોંચવાને બદલે બાકીના સભ્યોને પણ જાણ કરે છે પરિણામે ઉપસ્થિત તમામ સભ્યો રસોડા તરફ દોટ મૂકે છે. વૃદ્ધ દાદા અને દાદાના પગલે ચાલીને વૃદ્ધ બની ગયેલાં દાદી, એકાદ ટાબરિયું ઉપરાંત ખુદ ગબ્બર એટલે કે મજકુર મહિલાનો પતિ એમ આખું લાવ લશ્કર રસોડામાં જવા દોટ મૂકે છે.
દૂધને પણ ઉભરાવાનો ઉમળકો હોય છે. એ ઘરના સભ્યોને દોડીને આવતા જુએ એટલે બમણા વેગથી તપેલીનાં બંધનો તોડીને ઉભરાવામાં ઝડપ કરે છે. પતિ આ આપત્તિ આવે એ પહેલાં જ ગેસ સુધી પહોંચી તો જાય છે, પણ ઉતાવળમાં અને ગભરાટમાં ડ્રાઈવર બ્રેક દબાવવાને બદલે લિવર દબાવી દે એમ એ ગેસનું બટન બંધ કરવાને બદલે ફૂલ કરી દે છે પરિણામે તાપ અચાનક વધી જતાં દૂધ રોકેટ ગતિએ ઉભરાઈને પતિના હાથ પર અભિષેક કરે છે.
માતા-પિતા અને બાળકની હાજરીમાં પોતાનું દર્દ પ્રગટ ન થઈ જાય એ માટે પતિ ‘દર્દ સીને મે છુપા લેતે હૈ’ એવી ભાવના સાથે રસોડામાંથી બહાર ભાગે છે, પણ અક્કરમીનો પડિયો કાણો એ ન્યાયે સામે જ પત્ની ઊભાં હોય છે! પતિ હાથ અને દર્દ છુપાવવા પ્રયત્ન કરે ત્યાં ટાબરિયું વટાણા વેરી દે છે: ‘મમ્મી, મમ્મી, પપ્પા દાઝ્યા!’
‘ઓહ, લે , ક્યાં દાઝ્યા?’ પત્ની ઈમોશનલ થવાની અણી પર આવી જાય છે ત્યાં પેલું બાળક બ્રેકિંગ ન્યૂઝ આપે છે: ‘દૂધ પણ ઉભરાઈ ગયું!’
‘હેં? જો… મને ખબર જ હતી..’ એમ બોલી પત્ની પોતાના પતિને અને ઈમોશનલ થવાનું પડતું મૂકીને ઘટનાસ્થળે જવા નીકળી જાય છે.
મેનેજમેન્ટની ABCD:જાપાનની સફળતાનો રાઝ ‘જેન્ચી જેનબુત્સુ’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-secret-of-japans-success-is-genchi-genbutsu-135162127.html

બી.એન. દસ્તુર ત્રી સેક વર્ષ પહેલાં જાપનીઝ મેનેજમેન્ટ તકનીકોનો આપણા દેશમાં અને પશ્ચિમના દેશોમાં દબદબો હતો. જાપાન અને અન્ય દેશોનાં કલ્ચરમાં જે તફાવતો છે તેની બદૌલત આ દબદબો મોળો પડી ગયો.
આજે જ્યારે માહોલ અનિશ્ચિતતા અને પરિવર્તનોનો છે ત્યારે ફરી એક વાર નિષ્ણાતો જાપાન તરફ જોતા થઈ ગયા. એક શબ્દપ્રયોગ ચર્ચામાં છે- ‘જેન્ચી જેનબુત્સુ.’
ટોયોટા પ્રોડક્શન સિસ્ટમે લોકપ્રિય બનાવેલા આ શબ્દપ્રયોગનો અર્થ છે ‘જાતે જઈને જુઓ.’ જે બની રહ્યું છે તેનો સાચો તાગ મેળવવા માટે અન્યના રિપોર્ટ ઉપર આધાર રાખવાને બદલે જાતે ત્યાં પહોંચી જાવ. જેન્ચી એટલે actual place અને જેનબુત્સુ એટલે actual thing.
સંસ્થામાં કામ કરતા નોલેજ વર્કરોને, અન્ય વિભાગોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વાર-તહેવારે મોડી ડિલિવરીની ફરિયાદ કરતા સેલ્સપર્સનને પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન વિભાગોમાં મોકલવામાં આવે છે. ખરીદીની પ્રોસેસમાં છીંડાં શોધનાર ફાયનાન્સ મેનેજરને, પરચેઝ વિભાગમાં મોકલવામાં આવે.
જાપાનમાં, કંપનીમાં દાખલ થયેલા નવા નિશાળિયાને કંપનીના અન્ય વિભાગોમાં મોકલવામાં આવે છે. વિભાગો વચ્ચે તાલમેલ વધે છે, પોલિટિકલ બિહેવિયર નિયંત્રણમાં રહે છે, બકરાં શોધવાની પ્રવૃત્તિને બ્રેક વાગે છે, ડિફેન્સિવ રુટિનમાં ઓટ આવે છે. દરેક વિભાગના નોલેજ વર્કરને બીજા વિભાગોની સમસ્યાઓ, ચેલેન્જો વગેરેનું ભાન થાય છે.
દરેક જેન્ચી વિઝિટ વખતે નવા કર્મચારી સાથે કોઈ સીનિયર નોલેજ વર્કર જાય છે. નવા સેલ્સપર્સનના શરૂઆતના મહિનાઓમાં ગ્રાહકો ઉપર સ્વતંત્ર કૉલ ન કરવા દેવાનો શિરસ્તો છે.
આજની અટપટી સંસ્થાઓ ફક્ત નોલેજ વર્કરોનો સમૂહ નથી. એ છે એકબીજા ઉપર આધાર રાખતી ઈન્ટરડિપેન્ડન્ટ સિસ્ટમોનો સમૂહ. મેનેજમેન્ટનો અર્થ લોકોનું મેનેજમેન્ટ નથી. એ છે લોકોનાં જ્ઞાનનું મેનેજમેન્ટ. જે નોલેજ વર્કરને નીતનવા અનુભવો મળે છે તે જ સાચા અર્થમાં જ્ઞાની બને છે.
જેન્ચી જેનબુત્સુ, સિસ્ટમ્સ થિંકિંગમાં મદદ કરે છે. આજની આગેવાન કંપનીઓ સિસ્ટમ થિંકિંગનો ઉપયોગ કરે છે. જ્યારે કોઈ અગત્યનો નિર્ણય ઘોંચમાં પડ્યો હોય, જ્યારે એક જ પ્રકારની સમસ્યા વારંવાર માથું ઊંચકતી હોય, ભૂતકાળમાં સમસ્યાનું સમાધાન શોધવામાં નિષ્ફળતા મળી હોય. જેન્ચી જેનબુત્સુમાં દરેક નોલેજ વર્કરને બીજા બધા વિભાગોનો અનુભવ હોવાથી, સમસ્યાઓનાં સમાધાન શોધવામાં કંપની વધારે અસરકારક બને છે.
દરેક સિસ્ટમને, અન્ય સિસ્ટમની આંટીઘૂંટીની ખબર હોવાથી સાથ, સહકાર, મદદનો માહોલ બને છે. જેન્ચી જેનબુત્સુનું અન્ય નામ છે ‘જેમ્બા એટિટ્યૂડ.’ જેમ્બા એટલે જગ્યા. જ્યાં બનવા જેવું બનતું રહે છે. જેન્ચીનું અનુકરણ ‘મેનેજમેન્ટ બાય વોન્ડરિંગ એરાઉન્ડ’ (MBWA)માં
થાય છે. ઓફિસમાં બેસી મેનેજમેન્ટ કરવાના દિવસો વહી ગયા છે. બુધવારનો બોધ
સાધન વિનાના માનવીમાં અક્કલ ઓછી. (ગીતા 2/66)
20 17માં મહારાષ્ટ્રમાં મરાઠા માટેનું અનામત આંદોલન જોર પકડી રહ્યું હતું. એ સમયે આંદોલનને અનપેક્ષિત અને અકલ્પ્ય જગ્યાએથી ટેકો જાહેર કરાયો હતો. પાકિસ્તાનના બલુચિસ્તાનસ્થિત સંસ્થા ‘ધ મરાઠા કોમી ઈત્તેહાદ’ દ્વારા સોશિયલ મીડિયા પર મરાઠા આંદોલનને ટેકો જાહેર કરતી પોસ્ટ મુકાઈ હતી. ઘણા અભણ-અધૂરા વિદ્વાનો બબડ્યા કે આ તો ભારતના સામાજિક ઘર્ષણને આગ આપવાની પાકિસ્તાનની અવળચંડાઈ છે. પાકિસ્તાનને એવું કરવું ગમે, પણ આ ટેકો અપવાદ હતો. આ તો બલુચિસ્તાનમાં મરાઠી વંશના લોકોએ ટેકો જાહેર કર્યો હતો.
બલુચિસ્તાનમાં મરાઠા? હા, આ આશ્ચર્યનાં મૂળ છેક ઈ.સ. 1761માં દફન છે. મરાઠા અને અફઘાનિસ્તાનના અહમદશાહ અબ્દાલી વચ્ચે જાન્યુઆરીમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ લડાયું હતું. અફઘાન લશ્કરને પોતાની બહાદુરીનો એવો સ્વાદ ચખાડ્યો કે ફરી ક્યારેય અબ્દાલીએ ભારતમાં પગ ન મૂક્યો. આ યુદ્ધમાં મરાઠા સેનાના ત્રીસ હજાર યુદ્ધમાં ખપી ગયા, 10 હજાર પાછા જતી વખતે માર્યા ગયા અને 10 હજાર લાપતા થયા. બસ, આપણા કુતૂહલનો જવાબ આ લાપતા મરાઠામાં છે.
લગભગ 500 જેટલા મરાઠા સૈનિકો હરિયાણાના જંગલમાં જીવ બચાવવા જતા રહ્યા. આજે એમના વંશજોની સંખ્યા સાતથી દસ લાખ છે. તેઓ હરિયાણામાં રોડ (અમુક ઉચ્ચારણ ‘રોર’) મરાઠા તરીકે ઓળખાય છે. હરિયાણાના ભીવાની, કર્નાલ અને રોહતકમાં વસતી આ ખમીરવંતી પ્રજામાં સૌથી જાણીતું નામ એટલે ટોકિયો ઓલિમ્પિક્સનો ભારતીય હીરો નીરજ ચોપરા.
પરંતુ યુદ્ધમાં બચી ગયેલા બધા મરાઠા સૈનિકો નસીબદાર નહોતા. લગભગ 22 હજાર (આંકડા અલગ અલગ મળે છે) મરાઠા પુરુષ-સ્ત્રીને અબ્દાલીની સેનાએ પંજાબ-હરિયાણામાંથી પસાર થતી વખતે પકડી લીધાં. ભારતીય સરહદ ઓળંગીને બલુચિસ્તાનના ડેરા બુગતી પ્રાંતમાં પહોંચ્યા. બલુચ શાસકના સૈનિકોય પોતાને માટે લડ્યા હોવાથી અબ્દાલીએ બધા મરાઠા યુદ્ધકેદીઓને ગુલામ તરીકે ભેટ આપી દીધા. હકીકતમાં અહીં અબ્દાલીનો બલુચ માટે પ્રેમ નહોતો, પણ આટલા બધા યુદ્ધકેદીઓને સાચવવાનું અને ખાવા-પીવાનું આપવાનું એના કરતાં ભેટના બહાને છૂકારો મેળવવાનું એને વધુ ગમ્યું.
એ સમયથી બલુચિસ્તાનમાં આ મરાઠા રહી ગયા. આ બધાને સાથે રાખવાને બદલે અલગ-અલગ ચૂથમાં વહેંચી દેવાયાં હતાં. 250થી વધુ વર્ષનાં વહામાં વાયા એમાં બુગતી મરાઠા, શૉ મરાઠા, પેશવાની મરાઠા, મોસ્ની મરાઠા, શંભાણી મરાઠા, કલ્પર મરાઠા અને નોથાની મરાઠા સહિતની 20 જાતિમાં વહેંચાઈ ગયા. આ બધાની અટક પાછળ મરાઠા શબ્દ મળે. આ લોકોએ મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશ, પ્રાંત અને રાષ્ટ્રમાં માત્ર નામ સાથે ‘મરાઠા’ નથી જાળવી રાખ્યું, પણ પરંપરા, સંસ્કૃતિનું જીવના જોખમે જતન કર્યું છે.
સંજોગો, દબાણ અને લાચારીવશ ભલે મુસ્લિમ ધર્મ અપનાવ્યો ને 185 વર્ષને અંતે 1944માં તેમને ગુલામી પ્રથામાંથી મુક્તિ મળી. હજી એમનાં નામ, પ્રથા, વ્યવહાર પરંપરામાં, તહેવારમાં હિંદુત્વ-મરાઠીપણું યથાવત છે. તેઓ માતાને ‘અમ્મીજાન’ને બદલે ‘આઈ’ કહે છે. ગણેશોત્સવ ઊજવે છે, હલદી-કંકુની વિધિ કરે છે, સંતાનોનાં નામ પણ મરાઠા જેવા રાખે છે. સરકારની નીતિને કારણે છત્રપતિ શિવાજી મહારાજની જયંતી ઊજવી શકતા નથી, પણ કાયમ હૃદયસ્થ રાખે છે. અરે, ફિલ્મ ‘તિરંગા’માં નાના પાટેકરના ડાયલોગ ‘મરાઠા મરતા હૈ યા મારતા હૈ’ પર સિનેમાઘરને તાળીઓથી ગજવી નાખે છે.
એક સમયે આ મરાઠાઓએ બલુચિસ્તાનમાં ખૂબ અન્યાય-અત્યાચાર સહન કરવા પડ્યા હતા. સ્થાનિક ભાષામાં આ મરાઠાને ‘જિરગા’ કહેવાતા હતા. ત્યાંના કાયદા મુજબ કોઈ બલુચી જો જિરગાની હત્યા કરે તો એ અપરાધ નહોતો ગણાતો, કોઈ સજા કરાતી નહોતી. આમ છતાં મરાઠાઓએ જબરદસ્ત ધીરજ રાખી, શાંતિ રાખી. પોતાના કૌશલને બળે ખેતી કરી અને બલુચિસ્તાનને ખેતી પદ્ધતિ શીખવી. સમય વીતવા સાથે ધીરે-ધીરે બધું બદલાતું ગયું.
ક્યાંક વાંચ્યું કે બલુચિસ્તાનના પણ મરાઠી મૂળ ધરાવતા ગાયક-ગીતકાર સબ્જ અલી બુગાટીના ગીત પરથી બોલિવૂડના લોકપ્રિય ગીત ‘ચિટિયાં કલાઈયાં હૈ (ફિલ્મ ‘રોય’) અને ‘બેબી ડોલ સોને દી’ (ફિલ્મ ‘રાગિણી એમએમએસ) પ્રેરિત હતાં. દુર્ભાગ્યે, સબ્જ અલી બુગાટી વિશે ઈન્ટરનેટ પર વિગતો મળતી નથી, પણ થોકબંધ વિડીયો ઉપલબ્ધ છે. એક અંદાજ મુજબ આજે બલુચિસ્તાનમાં દસથી વીસ લાખ મરાઠા વંશજો છે. ખનીજ અને કુદરતી સંપત્તિથી સમૃદ્ધ બલુચિસ્તાનમાં આજેય શિક્ષણ, તબીબી સારવાર, રોજગાર કે માળખાકીય સુવિધા નથી, કારણ કે પાકિસ્તાનને આ દુઝણી ગાયના દૂધમાં જ રસ છે.
ભારત અને પાકિસ્તાન સાથે જ આઝાદ થયેલા બલુચિસ્તાન અર્થાત્ 1947માં સ્ટેટ ઓફ કલાત તરીકે ઓળખાતા આ પ્રાંતે 277 દિવસ સ્વતંત્રતા ભોગવી હતી. પરંતુ પછી પાકિસ્તાને બળજબરી અને મીઠી-મીઠી વાતોથી તેના પર કબજો જમાવી લીધો હતો. પાકિસ્તાનને બલોચ પ્રજાના વિકાસ, પ્રગતિ કે શાંતિમાં રસ નથી, એની મેલી મુરાદો તો આ પ્રાંતની જમીનમાં પડેલાં સોનું, ચાંદી, તાંબુ, કુદરતી ગેસ અને સંખ્યાબંધ ખનીજોમાં છે.
2025/07/11 21:04:57
Back to Top
HTML Embed Code: