Telegram Web Link
છાન્દોગ્ય ઉપનષિદમાં સાચા સુખની ચાવી બતાવી છે. ઋષિ કહે છે: ‘યો વૈ ભૂમા તત્સુખમ્ ન અલ્પે સુખમસ્તિ’. (સુખ વિશાળતામાં રહેલું છે, પામરતામાં નહીં). ઉપનષિદમાં આવી મૌલકિ સુખમીમાંસા થઈ છે. સાચા સુખની શોધમાં રત રહેવું એ પ્રત્યેક મનુષ્યનો અધ્યાત્મસદ્ધિ અધિકાર છે. પાઘડીનો વળ છેડે
કરુણામૂર્તિ બુદ્ધને કોઈકે સવાલો કર્યા: ‘આ જીવન તો જાણે એક ગૂંચવાયેલું કોકડું હોય તેવું જણાય છે. વળી ગૂંચ બહાર પણ છે અને અંદર પણ છે. આજની પેઢી તો વળી ભારે ગૂંચવાયેલી જણાય છે. આ ગૂંચવણને ઉકેલવામાં કોણ સફળ થશે?’
તથાગત થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પ્રશ્નાકર્તા એમની ધ્યાનસ્થ મુદ્રા નિહાળતો રહ્યો. થોડી વાર પછી ભગવાન બુદ્ધે જવાબમાં એ જિજ્ઞાસુને જે શબ્દો કહ્યા તે સાંભળીએ :
જ્યારે સારો માણસ, શાણો માણસ
અને વિચારવંત માણસ
ઊંચા પ્રકારની ચેતનાનો વિકાસ કરે,
ત્યારે એ ગૂંચવણને સમજવા પામે છે.
જ્યારે શાણો અને વળી આગ્રહી એવો
સત્યનો એ ઉપાસક સફળતા પામે
ત્યારે ગૂંચવણનો ઉકેલ એને પ્રાપ્ત થશે.
(સમુત્ત નિકાય) }
અપડેટ:ટેક્નોલોજીએ આપણું જીવન કેટલું બદલ્યું?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/how-much-has-technology-changed-our-lives-135189189.html

કેવલ ઉમરેટિયા ક્નોલોજી આપણા જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવી છે, આ વાત હવે નવી નથી. આ બદલાવની અસર વાતચીત, સંબંધો અને પરંપરા પર પડી છે. મોબાઇલ ઍપ્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશનનાં નવાં સાધનોએ આપણી વાત કરવાની, વિચારવાની, અનુભવવાની અને અભિવ્યક્ત થવાની રીતને પણ બદલી છે. જેમાં સરળતા છે, સુવિધા છે અને કેટલીક સમસ્યા પણ છે. સવાલ એ નથી કે શું શું બદલાયું, સવાલ એ છે કે - કેટલું અને કેવી રીતે?
1 ભાષાનું ડિજિટલ રૂપાંતર ભાષા એ ફક્ત બોલવાનું કે વ્યક્ત થવાનું માધ્યમ નથી, તે આપણા વિચારો, આપણી સંસ્કૃતિ અને આપણા સ્વભાવનો અરીસો છે. ટેક્નોલોજીએ આ અરીસાને અનેક નવા રંગોથી ભરી દીધો છે. ટેકનોલોજી અને ઇન્ટરનેટે ભાષાને ડિજિટલ બનાવી દીધી.
ટૂંકુ એટલું વધારે સારું
વોટ્સએપ અને સોશિયલ મીડિયાએ ભાષાને ટૂંકી, ઝડપી અને સરળ બનાવી છે. પહેલા લોકો પત્રોમાં ‘સપ્રેમ નમસ્કાર’ અને ‘તમારો આજ્ઞાકારી પુત્ર’ વગેરે લખતા હતા. જોકે, આજે ચેટિંગમાં આવી લાંબી અભિવ્યક્તિનું કોઇ સ્થાન નથી. લોકો હવે GN, TC અને LOL જેવાં ટૂંકાં સ્વરૂપો સાથે લાગણીઓ વ્યક્ત કરે છે. ભાષા હવે લાગણીઓ સાથે નહીં, સ્પીડ સાથે જોડાયેલી છે. વોટ્સએપને કારણે શબ્દોની ઔપચારિકતામાં ભારે ઘટાડો થયો છે. મને નથી ખબર એવું લખવાના બદલે હવે ‘idk’ લખવામાં આવે છે. As Soon As Possible ના બદલે ‘ASAP’ નો ઉપયોગ થાય છે.
ઇમોજીઃ વૈશ્વિક ભાષા
આ ઉપરાંત એક નવી વૈશ્વિક ભાષાનો પણ ઉદય થયો છે, ઇમોજીની ભાષા. જેને કોઇ દેશ કે પ્રદેશની સરહદ નથી નડતી. Unicode Consortium અનુસાર છેલ્લાં ત્રણ ચાર વર્ષોમાં 😂, ❤️, 🤣, 👍, 😭, 🙏, 😘, 🥰, 😍, 😊 આ બધા ઇમોજીનો સૌથી વધારે ઉપયોગ થઇ રહ્યો છે. ઇમોજી હવે ભાવનાત્મક વાતચીતનું માધ્યમ બની ગયા છે.
આખા વાક્ય કે ત્રણ ચાર શબ્દોની વાત હવે એક ઇમોજી કહી દે છે. એરે ત્યાં સુધી કે જે લાગણીઓ લખીને કે વ્યક્ત કરવી શક્ય ના હોય તે ઇમોજીની મદદથી વ્યક્ત કરી શકાય છે. આ જ કારણ છે કે ઇમોજીને આટલી લોકપ્રિયતા મળી છે. આ બધા વચ્ચે એક સવાલ તો ઊભો જ છે કે શું ઇમોજી શબ્દોના જાદુને ઘટાડી રહી છે?
ગુજલિશ અને હિંગલિશ
ટેકનોલોજીએ ગુજલિશ કે હિંગલિશ નામની નવી ભાષા પણ વિકસાવી છે. આજે આપણે ટાઇપ તો અંગ્રેજીમાં કરીએ છીએ પણ ભાષા ગુજરાતી હોય છે. જેમ કે ‘tame kyare avo chho?’ વળી આ માત્ર યુવાનો પૂરતું મર્યાદિત નથી, વડીલો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ આવું જ થઇ રહ્યું છે. કદાચ આટલા માટે જ 2017 માં કેમ્બ્રિજ ડિક્શનરીએ ‘હિંગ્લિશ’ શબ્દને સત્તાવાર રીતે માન્યતા આપી હતી.
2 સંબંધોનાં ડિજિટલ સમીકરણ ભાષાની સાથે સંબંધોની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. હવે સતત ‘ઓનલાઈન’ રહેવું એ સંબંધ જાળવવાની નિશાની બની ગઈ છે. આજકાલ, સંબંધોમાં ઝઘડા એ વાત પર પણ થાય છે કે ‘તેણે મારો મેસેજ જોયો પણ જવાબ ન આપ્યો!’
સંબંધોની ઓનલાઇન દુનિયા
સબંધોમાં ઓફલાઇન કરતા એકબીજાની ઓનલાઇન એક્ટિવિટી વધારે મહત્ત્વની બની ગઇ છે. લાસ્ટ સીન અને બ્લ્યૂ ટિક હવે વફાદારીના માપદંડ બની ગયા છે. સગાઇ માટે કોઇ બાયોડેટા આવે તો સૌથી પહેલા તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ ચેક કરવામાં આવે છે. તમારા પ્રેમની પરીક્ષા તમારા ‘વૉટ્સએપ સ્ટેટસ’ પરથી થાય છે. કોના બર્થડે પર ‘ઇન્સ્ટાગ્રામ’ સ્ટોરી મૂકવી અને કોના બર્થ ડે પર ના મૂકવી તેના માટે કલાકો સુધી વિચાર વિમર્શ પણ થાય છે.
સ્ક્રોલ, લાઇક અને લીવ
‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના એક અહેવાલ (2022) મુજબ, 57% યુવાનો માને છે કે તેઓ ટેક્સ્ટ દ્વારા તેમની લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે. જોકે, એક હકીકત એ પણ છે કે અહીંથી ગેરસમજની દુનિયા શરૂ થાય છે. Seen-zoning, Typing anxiety અને digital jealousy, આ બધી નવી સમસ્યા છે જેનો યુવાનો સામનો કરી રહ્યા છે. ‘ટિન્ડર’, ‘બમ્બલ’ જેવી એપ્લિકેશનોએ સંબંધોને નવી વ્યાખ્યા આપી છે — સ્ક્રોલ કરો, લાઇક કરો, ડિસ્લાઇક કરો અને છોડી દો. હવે પસંદગીનો પહેલો આધાર પ્રોફાઇલ પિક્ચર છે, સ્વભાવ નહી.
વૉટ્સએપ ગ્રૂપ કે યુદ્ધ મેદાન?
દરેક પરિવારનું એક ફેમિલિ ગૃપ હોય છે. જેમાં દરરોજ સવારે ગુડ મોર્નિંગના મેસેજનો મારો ચાલે છે. ભાગવાનના ફોટો આવે છે, ફેક્ટ આવે છે અને ફેક ન્યૂઝ પણ આવે છે. લોકો એરબીજા સાથે દલીલો કરે છે, દલીલ ઝઘડાનું રૂપ લઇ લે છે અને ‘ફેમિલી વોટ્સએપ ગ્રૂપ’ યુદ્ધ મેદાન બની જાય છે. જેની અસર ઓફલાઇન દુનિયામાં પણ થાય છે. આમ છતાં બીજા દિવસે સવાર થતા જ ફરી ગુડ મોર્નિંગના મેસેજ તો આવે જ છે. ટૂંકમાં હવે આવા ગ્રૂપ સમગ્ર પરિવાર સાથે કમ્યુનિકેશન માટેનો મુખ્ય સ્ત્રોત બની ગયા છે.
3 પરંપરાઓનો ડિજિટલ અવતાર સદીઓથી આપણી પરંપરાઓ મૌખિક અને સામૂહિક રહી છે. જો કે હવે પરંપરાઓ પણ ડિજિટલ બનીને પડદા પર આવી ગઇ છે. જ્યાં લોકો ફોન પર તિલક લગાવે છે, વોટ્સએપ પર દિવાળીની શુભેચ્છાઓ મોકલે છે અને કુંભના મેળામાં વિડીયો કોલના માધ્યમથી ડૂબકી પણ લગાવે છે.
Zoom પૂજા અને ડિજિટલ લગ્ન
કોરોના મહામારી ડિજિટલ દુનિયાને નવી ઉંચાઇ પર લઇ ગઇ. લોકડાઉન દરમિયાન તમામ મંદિરોએ ‘યૂ-ટ્યૂબ’ પર લાઇવ આરતી શરૂ કરી, ઓનલાન દર્શનની સુવિધા શરૂ કરી તો વળી પંડિતજીએ Zoom પર પૂજા કરાવવાનું શરૂ કરી દીધું. ત્યાં સુધી કે કેટલાંય લગ્નો પણ ઓનલાઇન થવાં લાગ્યાં. આ બધું નહોતું થતું એવું નથી, પણ કોરોનાએ તેમાં અનેકગણો વધારો કર્યો. કોરોના તો ગયો પણ આ ડિજિટલ પરંપરાઓ આપણી સાથે જ રહી ગઇ.
પરંપરા હવે વાઇરલ ટ્રેન્ડ
‘ઇન્સ્ટાગ્રામ રીલ્સ’ અને ‘યૂ-ટ્યૂબ શોર્ટ્સ’એ લોકગીતો અને પરંપરાગત નૃત્યોને નવા દર્શકો સુધી પહોંચાડ્યાં છે. આજના યુવાનો કદાચ ક્યારેય રાગિણી સાંભળવા માટે ન ગયા હોય, પરંતુ ‘ઇન્સ્ટાગ્રામ’ અથવા ‘યૂ-ટ્યૂબ પર 15 સેકન્ડનો એક વિડીયો તેમને હરિયાણાની પરંપરાગત રાગિણી સાથે જોડે છે. તેવી જ રીતે, જ્યારે ગુજરાતની કોઇ યુવતી પરંપરાગત ચણિયાચોળી પહેરીને ગરબા કરતી વખતે પોતાની રીલ બનાવે છે, ત્યારે તે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના લોકો સુધી પહોંચી શકે છે. જે વસ્તુઓ પહેલાં મેળા, તહેવાર કે ગ્રામીણ સંસ્કૃતિ સુધી મર્યાદિત હતી તે આજે ડિજિટલ મીડિયા દ્વારા વાઇરલ ટ્રેન્ડ છે. લોકગીતો, પરંપરાગત પોશાક, રિવાજો અને બોલીઓ વગેરે બધું હવે 7 ઇંચની સ્ક્રીનમાં સમાયું છે.
ટેક્નોલોજી દ્વારા પણ પરંપરાનું જતન
‘ગૂગલ’નો ‘લુપ્તપ્રાય ભાષાઓ પ્રોજેક્ટ’ વિશ્વભરની 3000થી વધુ ભાષાઓને ડિજિટલી સાચવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ફક્ત શબ્દો જ નહીં, પરંતુ તે ભાષાઓ સાથે સંકળાયેલી સંસ્કૃતિ, વાર્તાઓ, પરંપરાઓ અને અવાજોને પણ સાચવવાનો છે. ભારતમાં પણ ઘણા યુવાનો હવે ‘યૂ-ટ્યૂબ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ પર તેમની બોલીઓ, ગીતો અને વાર્તાઓ કહી રહ્યા છે. જેથી પ્રાદેશિક ભાષાને નવું માધ્યમ મળી રહ્યું છે. ભાષા વૈવિધ્યથી ભરપૂર ભારત જેવા દેશના સંદર્ભમાં આ ખૂબ મહત્ત્વનું છે.
ટેક્નોલોજીએ લગભગ આપણા જીવનના દરેક ભાગને સ્પર્શી લીધો છે. શું સારું થયું કે શું ખરાબ થયું તેની અહીં વાત છે જ નહીં, વાત છે પરિવર્તનની. એક તરફ ડિજિટલ મીડિયાએ આપણને અભિવ્યક્તિના નવા રસ્તા આપ્યા છે, તો બીજી તરફ વાતચીત અને સંબંધોનું સ્વરૂપ પણ બદલી નાખ્યું છે. દરેક પરિવર્તનનાં સારાં અને નરસાં બે પાસાં હોય છે. સમયની માગ એ છે કે આપણે બંને વચ્ચે સંતુલન જાળવીને આગળ વધીએ. }
જીવનના હકારની કવિતા:સહિયારા સ્નેહનું સ્પંદન…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-vibration-of-shared-affection-135189198.html

સમજણ તે આપણા બેની...
તારી તે હોડી ને મારાં હલેસાં છે
દરિયો તે આપણા બેનો
તારી તે ગાડી ને મારા છે ઘોડલા
રસ્તો તે આપણા બેનો
તારા બળદ ને મારાં હળલાકડાં
ખેતર તે આપણા બેનું
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખ્ખું નભ આપણા બેનું
તારી તે વાટ અને મારું છે તેલ મહીં
જ્યોતિ તે આપણા બેની
તારું તે ફૂલ અને મારું પતંગિયું
મધુરપ તે આપણા બેની
- ચંદ્રકાન્ત શેઠ
ઝિયારાની મિલકતના ભાગ પાડવા અઘરા છે. નાનપણમાં આ કવિતા ભણવામાં આવતી. સહિયારા સ્નેહનું સ્પંદન છે આ કવિતામાં. સાથે કાર્ય કરવાથી સફળતાને વેગ મળે છે. સમય આકરો નથી લાગતો! સંપ ત્યાં જંપ એટલે જ કહેવાયું છે.
શીર્ષકથી જ કવિતા શરૂ થઈ જાય છે. ‘સમજણ તે આપણા બેની.’ ગળથૂંથીમાં સમજણ પિવડાવતું આ કાવ્ય માત્ર બાળપણ પૂરતું નથી. જીવન આખાની સમગ્રતાનો વ્યાપ એમાં ઊડીને આંખે વળગે છે. જ્યાં બંનેવનું સહિયારું પ્રગટ થાય છે ત્યાં માલિકીભાવમાં સંપ અનુભવાય છે. ખરીદેલી વસ્તુઓની સાથે વારસામાં સહુને મળેલી સોગાદ પણ અનન્ય છે. એનો માલિકીભાવ શૂન્ય છે. સૂર્ય, દરિયો, રસ્તો, જમીન, આકાશ કોઈ એકના નથી. આપણી જેમ અનેકના છે. છતાંય આપણા જ હોય એવાં અંગત પણ છે.
સંગાથમાં સફર ખેડવી સરળ બની જાય છે. ખૂટતી કડી જો સામેવાળા પાસે હોય અને એનો સરવાળો થાય તો મંજિલ હાથવેંતમાં અનુભવાય. પરિશ્રમ સહિયારો હોય ત્યારે આનંદ અનેકગણો વધી જાય છે. હોડી કોઈકની (એટલે તારી) હલેસાં આપણાં! જો આપણે હલેસાથી હંકારવાની તત્પરતા બતાવીએ તો હોડીનો સાથ મળી જ જાય છે. પ્રતીકાત્મક વાતથી કવિ જીવનના પથનું દર્શન કરાવે છે.
ગાડી સાથે ઘોડા જોડાય તો રસ્તો સાવ ટૂંકો લાગે. બળદ અને હળલાકડાંની દોસ્તી ખેતર ખેડીને લીલીછમ ઊગી જ શકે. સૂરજ અને ચંદ્ર વહેંચીને–ધારીને પોતપોતાનો કરી શકાય પણ આકાશ તો સહિયારું જ રહેવાનું. રૂમાંથી દિવેટ બનાવી શકાય, તેલ મેળવી શકાય પણ એમાંથી પ્રગટતી જ્યોતિ બંનેની સહિયારી જ રહે.
ફૂલ અને પતંગિયાનો માલિક જુદો હોઈ શકે પણ ફૂલમાંથી પ્રગટતી મધુપર સહિયારી જ હોય. આ બધી સૂક્ષ્મ વાતોની સાથે કવિ જીવનના તમામ પડાવોનો સ્વભાવ પણ નક્કી કરી આપે છે. દોસ્ત સાથે વહેંચીને જીવવાનો આનંદ ગીત લખ્યાં કરતાં પણ વધુ ઉમળકાસભર હોય છે. સંગાથમાં જે સંપ પ્રગટે છે તેનાથી જે અશક્ય છે તે પણ શક્ય થઈ જાય છે.
જીવનમાં સમજણ હોય પણ એ સમજણનો યોગ્ય ઊપયોગ વધુ સફળ રીતે જીવનને પ્રગટ કરે છે એ વાતનો ગુંજારવ ચંદ્રકાંત શેઠના આ બાળકાવ્યમાં પ્રગટે છે. આ કાવ્ય દરેક ઉંમરે સ્તુતિ-મંત્રની જેમ યાદ રાખવા જેવું છે. મમળાવવા જેવું છે.
આવું જ બીજું કાવ્ય યાદ કરવા જેવું છે. ગામડામાં ભેરું સાથે જવાની મજા જુદી જ છે. વેકેશન ન પડ્યું હોય છતાં આપણા ભેરું સાથે ગામડે જઈએ ત્યારે આપોઆપ જીવન વેકેશન મોડ પર આવી જ જાય છે. નાથાલાલ દવેનું આ કાવ્ય પણ સાથોસાથ મમળાવવા જેવું છે.
એવા આવે છે ધરતીના સાદ રે... હાલો ભેરું! ગામડે
ભીની માટીની ગંધ આવે યાદ રે... હાલો ભેરું! ગામડે
બોલાવે આજ એના ખુલ્લાં આકાશ
મીઠા પરોઢના અલબેલા ઉજાસ
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે... હાલો ભેરું! ગામડે
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે
બાંધીશું હીંચકો વડલાની ડાળે
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે... હાલો ભેરું! ગામડે
ગાઓ રે બાંધવા! ગામડાનું ગીત
યાદ કરો ભોળુડા માનવીની પ્રીત
જાણે જિંદગીના મીઠાં નવનીત રે... હાલો ભેરું! ગામડે
ખૂંદવાને સીમ ભાઈ! ખેડવાને ખેતરો
ભારતના ભાવિનાં કરવા વાવેતરો
હે જી કરવા માભોમને આબાદ રે... હાલો ભેરું! ગામડે }
હિડન ટ્રુથ:ફાઈનલ ડેસ્ટિનેશન: મૃત્યુનો પૂર્વાભાસ થાય છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/final-destination-does-it-foreshadow-death-135189182.html

જયેશ દવે ઇનલ ડેસ્ટિનેશન’ હોલિવૂડની આ ફિલ્મ ફ્રેન્ચાઇઝી હિટ રહી છે. લાંબા સમય બાદ આ શ્રેણીની છઠ્ઠી ફિલ્મ આવી અને તે પણ સફળ રહી. આ ફિલ્મ શૃંખલામાં મૃત્યુ અંગેના પૂર્વાભાસ, મૃત્યુથી બચવાના પ્રયાસો અને આખરે મૃત્યુ નિશ્ચિત ઘટના સ્વરૂપે જ આવી પહોંચે તે દર્શાવાયું છે.
પૂર્વાભાસ-ભવિષ્યવાણી સર્વાધિક લોકપ્રિયમાંનો એક વિષય રહ્યો છે. માણસને ભવિષ્ય જાણવામાં હંમેશાં ઉત્કંઠા રહી છે અને એટલે જ નાસ્ટ્રાડેમસ, બાબા વેંગાથી માંડી ભવિષ્ય માલિકા પુસ્તક દ્વારા કહેવાયેલી વાતો રોમાંચક લાગે છે. પ્રિમોનિશન કે પ્રિડિકશન તરીકે ઓળખાતી આવી ઘટનાઓમાં કેટલીક ખુબ રસપ્રદ રહી છે.
આ પૈકી ખુબ જાણીતી ઘટના છે રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના મૃત્યુનો પૂર્વાભાસ. અમેરિકાના રાષ્ટ્રપતિ લિંકનને વિચિત્ર સ્વપ્ન આવ્યું. તેમણે સ્વપ્નમાં વ્હાઇટ હાઉસમાં કોઈનું કોફીન અને લોકો શોક સભામાં ઉપસ્થિત હોય તેવું જોયું. તેમણે ઉપસ્થિત લોકોને પૂછ્યું તો જાણવા મળ્યું કે રાષ્ટ્રપતિનું મૃત્યુ થયું છે. તેમણે પોતાના આ સ્વપ્નની વાત અંગત વર્તુળમાં પણ કરી હતી. કમનસીબે તેમણે જોયેલું આ સ્વપ્ન તેમના જ મૃત્યુનો પૂર્વભાસ હતો! આ સપનાના થોડા દિવસો પછી તેમની હત્યા થઈ.
સ્વપ્નમાં સૌથી વધુ પુર્વાભાસ થતો હોય છે. અધ્યાત્મમાં વૈશ્વિક ચેતના અને વિજ્ઞાન જેને યુનિવર્સલ કોન્સિયસનેસ કહે છે તેના દ્વારા આવા સંકેત મન જ્યારે આલ્ફા કે બીટા સ્ટેજમાં હોય ત્યારે તે ઝીલી શકવા સક્ષમ હોય છે. આવા સંકેત ક્યારેક સ્પષ્ટ તો ક્યારેક સંકેત સ્વરૂપે હોય છે. મનો વિજ્ઞાનિક કાર્લ જુંગના સિદ્ધાંત મુજબ, માનવનું વ્યક્તિગત અચેતન મન જ્ઞાન અનુભવોનો સંગ્રહ કરે છે તે જ રીતે એક વૈશ્વિક સામૂહિક અચેતન મન પણ છે જેમાં તમામ જ્ઞાન અને અનુભવોનો સંગ્રહ છે. આ મન સાથે કોઈ રીતે જોડાણ થાય ત્યારે પૂર્વાભાસ જેવા સંકેતો મળી શકે છે.
પ્રિન્સેસ ડાયનાનું ૩૧ ઓગસ્ટ - ૧૯૯૭ના અકસ્માતમાં મૃત્યુ થયું. આ અકસ્માત હતો કે કોઈ ષડયંત્ર તેની ચર્ચા પણ લાંબા સમય સુધી ચાલી હતી. આ ઘટના પુર્વે પ્રિન્સેસ ડાયનાને પોતાના મૃત્યુ અંગે પૂર્વાભાસ થઈ ગયો હતો. ડાયનાને પોતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થશે તેવો ભય સતાવતો હતો. તેણે આ અંગે પોતાના કર્મચારીઓ અને અંગત મિત્રોને વાત કરી હતી અને આખરે આ જ થયું! પેરિસમાં સર્જાયેલ કાર અકસ્માતમાં ડાયના, તેનો બોયફ્રેન્ડ ડોડી અલ ફાયદ અને ડ્રાઇવર હૅનરી પોલનું પણ મૃત્યુ થયું હતું.
અબ્રાહમ લિંકન અને પ્રિન્સેસ ડાયનાની આ ઘટનાઓમાં પોતાના મૃત્યુના પૂર્વભાસને મનોવિજ્ઞાનિકો માનસિક તણાવ સાથે પણ જોડે છે. તેમનો મત છે કે, તેઓ સતત દબાવ તળે હતા અને રાજકીય ષડયંત્રની શક્યતાઓ પણ હતી. આ સંજોગોમાં પોતાની હત્યા થશે તેઓ ભય તે પૂર્વાભાસ ન ગણી શકાય. જોકે લિંકનને પોતાનું મૃત્યુ થયું તેવું સ્વપ્ન ન હતું આવ્યુ અને પ્રિન્સેસ ડાયનાને કાર અકસ્માત સુધીની સ્પષ્ટતા સાથે પૂર્વભાસ થયો હતો. આ સંજોગોમાં માત્ર તણાવને કારણે આવતા વિચાર ગણીને પૂર્વભાસને અવગણી શકાય તેમ નથી.
૧૮૫૮માં આવી એક ઘટના નોંધાયેલી છે જેમાં ખૂબ જ સ્પષ્ટ રીતે પૂર્વાભાસ થયો હતો. સુખ્યાત અમેરીકી લેખક સેમ્યુઅલ ક્લેમેન્સને સ્વપ્નમાં પોતાના ભાઈના મૃત્યુનો પૂર્વાભાસ થયો હતો. તેમણે સ્વપ્નમાં જોયું કે, તેનો ભાઈ હેનરી કોફીનમાં સૂતો છે અને તેની છાતી પર સફેદ ફૂલોનો ગુલદસ્તો છે. તેમણે સ્વપ્નમાં સ્પષ્ટ રીતે એ પણ જોયું કે આ ગુલદસ્તામાં વચ્ચે એક લાલ કલરનું ગુલાબનું ફૂલ છે. થોડા દિવસ પછી હેનરીનું એક સ્ટીમ બોટ અકસ્માતમાં મૃત્યુ થયું.
જ્યારે સેમ્યુઅલ પહોંચ્યા ત્યારે હેનરીનું શબ કોફિનમાં હતું અને તેની છાતી પર એક વૃદ્ધાએ સફેદ ગુલદસ્તો મૂક્યો હતો જેમાં વચ્ચે ગુલાબનું એક ફૂલ હતું!
ભવિષ્યવાણી અને પૂર્વાભાસ બંને અલગ છે. ભવિષ્યવાણીમાં કોઈ એક આધાર લઈને વિવિધ બાબતોની ધારણા કરવામાં આવે છે. જેમ કે ગ્રહો, આંકડાઓ, હસ્તરેખા વગેરે.
પૂર્વાભાસમાં કોઈ આધાર અને વિવિધ ધારણાઓ નહીં પરંતુ કોઈ એક ઘટના કે વ્યક્તિ કેન્દ્રમાં હોય છે. આ બંને પરા મનોવિજ્ઞાનનો વિષય રહ્યો છે અને વિજ્ઞાન આવી ઘટનાઓ અંગે કોઈ સ્પષ્ટ ખુલાસા કરી શક્યું નથી. ટાઈટેનિક સહિતની કેટલીક સામૂહિક દુર્ઘટના અંગે પૂર્વભાસની ઘટનાઓએ પણ વિજ્ઞાનને વિચારતા કરી દીધા છે. આવી કેટલીક ઘટનાઓની વાત આવતા ક્રમે. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/complaint-box-in-the-name-of-life-mary-binti-listen-to-it-and-believe-it-135189202.html

ટાઈટલ્સ: અભાવ આપણો સ્વભાવ બની જાય છે. (છેલવાણી)
ભારત, ખેતીપ્રધાન જ નહીં પણ ‘ફરિયાદ–પ્રધાન’ દેશ છે. આપણે ત્યાં 140 કરોડ ફરિયાદો, આ દેશમાં વસે–શ્વસે છે. ફરિયાદ ઉર્ફે શિકાયત ઉર્ફે શિકવા વિશે લખાયેલું ગીત ‘તેરે બિના જિંદગી સે કોઈ શિકવા નહીં…’ એક જમાનામાં રેડિયો પર આકાશવાણીનું સૌથી લોકપ્રિય ગીત હતું.
ભારતીયોની તાસીર છે કે મુઘલ સલ્તનત હોય, અંગ્રેજો હોય કે પછી આઝાદી બાદ સરકાર કોઇ પણ હોય, આપણી અમુક ફરિયાદો એવીને એવી જ રહે છે. ક્યારેક થાય કે આપણે ફરિયાદ કરવા જ આઝાદ થયેલા કે શું? આમાં પબ્લિકનો વાંક નથી પણ ના બદલાતા સંજોગો સામે, સંગદિલ સરકારો સામે શું ફરિયાદો કરવાની?
ડિસેમ્બર, 2024માં પ.બંગાળના જલપાઈગુડીની પ્રાથમિક સ્કૂલના પ્રિન્સિપાલે એક ‘લેટર–બોક્સ’ મૂકેલું, જેમાં બાળકોને શિક્ષકો કે મધ્યાહ્ન ભોજન વિશે ફરિયાદ હોય તો લખીને બોક્સમાં મૂકે. મહિના બાદ લેટર–બોક્સને ખોલ્યું ત્યારે અધધધ 200 પત્રો બાળકોએ કાલીઘેલી ભાષામાં લખેલા. પણ નવાઈની વાત એ હતી કે એકપણ પત્રમાં શાળા વિશેની ફરિયાદ નહોતી. એમાં બાળકોએ પોતાના દિલની વાત લખેલી!
એક બાળક લખ્યું, ‘હું સવારે વધારે ઊંઘી શકતો નથી… મમ્મી વઢે છે!’ બીજી ફરિયાદમાં દુ:ખી બાળકે લખેલું, ‘મારાં મમ્મી-પપ્પા રોજ ઝઘડ્યાં કરે છે… ઘરે જવાનું મન જ નથી થતું, મને મારા મા–બાપથી છૂટાછેડા અપાવો.‘ ઘરમાં થતી ઘટનાઓની કેવી નિર્દોષ ફરિયાદો બાળકોના મનમાં ઘર કરી જાય છે.
ફરિયાદમાં બાળકો જ નહીં પણ વૃદ્ધો પણ કંઇ ઓછા નથી. એક ગામમાં વૃદ્ધ માણસ, સતત વરસાદથી પરેશાન હતો કારણ કે એના કુંભાર જમાઇનાં માટલાં વરસાદને લીધે સુકાતાં નહીં ને નુકસાન થતું.
વૃદ્ધે ભગવાનને પત્ર લખ્યો: ‘વહાલા પ્રભુ, એક અઠવાડિયું વરસાદ બંધ કરો. મારા જમાઈને માટલાં સૂકવામાં તકલીફ પડે છે.’ લેટર મંદિરની દાનપેટીમાં નાખી દીધો અને ખરેખર જ અચાનક બીજે દિવસે વરસાદ સાવ બંધ!
પેલા વૃદ્ધ માણસે ફરી મંદિરે આવીને ફરી નવો પત્ર લખ્યો: ‘પરમકૃપાળુ પ્રભુ, તમે ખરા છો! આમ મારું માનીને સાવ વરસાદ અટકાવાતો હશે? અરે, મારો બીજો જમાઇ ખેડૂત છે, એ વરસાદ વિના બરબાદ થઇ જશે. જરાં સમજો અંતર્યામી!’ અર્થાત્ ‘ફરિયાદ આપણો ‘સ્થાયીભાવ’ એટલે કે હંમેશાંનો સ્વભાવ છે. પછી કોઇ બાળક હોય, વૃદ્ધ હોય કે જુવાન.
એક જુવાન છોકરો, પ્રેમભંગથી દુઃખી હતો. એને છોડી ગયેલી પ્રેમિકાને ‘ફરિયાદ’ કરતો પત્ર લખ્યો: ‘પ્રિય પ્રિયા, તેં મારું દિલ ચોર્યું અને તારું દિલ ના આપ્યું. અને ઉપરથી મારું દિલ લઇને એ પણ પાછું ન આપ્યું!’ પછી એ લેટરને જ્યાં છોકરીને રોજ મળતો, એ કોફી હાઉસના ‘સજેશન બોક્સ’માં નાખી દીધો. કેફેના માલિકે, એ લેટરને ભીંત પર ‘આજ કા સ્પે. આઇટેમ‘વાળા મેન્યૂ–બોર્ડ પર ચોંટાડીને જાહેરમાં મૂક્યો.
બીજા અઠવાડિયે, પપ્પુની પ્રેમિકા પ્રિયાએ એ બોર્ડ પર જવાબ લખીને મૂક્યો: ‘મિ. બોરિંગ મજનૂ પપ્પુ, તારી ફરિયાદ મળી. હમણાં મારું દિલ સ્ટોકમાં અવેલેબલ નથી, તારો ઓર્ડર ‘વેટિંગ લિસ્ટ’માં છે. ત્યાં સુધી કોઇ સુધી નવું દિલ શોધી લે!’ (તા. ક. તારું દિલ, મારા સ્ટાન્ડર્ડ મુજબ બહુ ફાલતુ અને ચાલુ હતું, એને કચરામાં ફેંકી દીધું. પાછું નહીં મળે.) આમ કોફીહાઉસ, દિલજલા આશિકોનું કમ્પ્લેન–ખાતું બની ગયું.
ઇન્ટરવલ:
કહીં તો હૈ સપના ઔર કહીં તો હૈ યાદ,
કહીં તો હંસી હૈ, કહીં ફરિયાદ. (અમિત ખન્ના)
ઘણાને જીવન ઉપરાંત જન્મ પહેલાંની ઘટનાઓ વિશેય ફરિયાદ હોય. જેમ કે-માબાપની ભૂલને કારણે ધરતી પર અવતરવું પડ્યું. બીજાં મા-બાપ મળ્યાં હોત તો આજે સારું હોત! (હા, કદાચ સોમાલિયામાં જન્મ્યાં હોત તો સુખી હોત!)
વળી, સરકારી ખાતું ફરિયાદ નથી સાંભળતું એવું સાવ નથી. 2019માં, તામિલનાડુના એક ગામડામાં સુધરાઇની ઓફિસમાં પીવાનું પાણી, ઇલેક્ટ્રિસિટી ને કચરા જેવી સમસ્યાઓ માટે ‘કમ્પ્લેન બોક્સ’ મૂકાયું. એક જ અઠવાડિયામાં કમ્પ્લેન–બોક્સ ફરિયાદોથી ઉભરાઈ ગયું. એમાં સુધરાઇ સિવાઇની ફરિયાદો હતી : પત્નીની ખરાબ રસોઇ વિશે, ખોવાયેલ ભેંસ વિશે, સાસુના ત્રાસ વિશે… ફરિયાદો હતી! વળી એક બાળકે ફરિયાદ કરેલી: ‘સ્કૂલમાં હોમવર્ક બહુ આપે છે. શિક્ષકને કોઇ વઢો!’
આપણા સૌના જીવનમાં સાસ–બહુની સિરિયલોની લાંબી વાર્તાઓ જેમ ફરિયાદોનો અંત જ નથી આવતો. અરે, આપણે ત્યાં તો ભક્તિ સંગીતમાં ખુદ ઇશ્વરને ફરિયાદ કરતા કે ધમકાવતાં ગીતો–ભજનો લખાયાં છે તો સરકાર કે સુધરાઇની શું વાત કરવી?
2017માં ઇંગ્લેન્ડમાં પીટર નામના માણસએ નગરપાલિકાને રોડ પરનાં ખાડાઓ વિશે રમૂજી ફરિયાદ પત્ર લખ્યો. જેમાં એણે લખ્યું, ‘વિંડરમિયર વિસ્તારમાં મોટા ખાડાથી તળાવ બની જાય છે. તો એને ‘લેક વિંડરમિયર’ તરીકે જાહેર કરી દો. વળી એણે રમકડાંની ફિશિંગ રોડ સાથે માછલી પકડતો ફોટો પણ મોકલ્યો.’
નગરપાલિકાએ ખાડો તો રિપેર કર્યો અને છાપામાં સામો જવાબ આપ્યો: ‘મિ.પીટર, વિંડરરમિયરનું તળાવ ભરાઇ ગયું છે. પણ કૃપા કરીને શહેરના રસ્તાઓમાં માછલી ન પકડો! ઘરના બાથટબમાં આ મહાન કામ કરો.’ સારું છે કે ઈંગ્લેન્ડમાં ફરિયાદ સાંભળીને ખાડા રિપેર થયા. બાકી આપણે ત્યાં તો આવી ફરિયાદ કરીએ તો નગરપાલિકાવાળો ખરેખર ખાડાને ‘તળાવ’ જાહેર કરીને લોકલ નેતા દ્વારા ઉદ્ઘાટન કરાવે.
ઇન શોર્ટ, માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં ‘ફરિયાદ–જીવી’ લોકો વસે છે. પણ હા, આપણાં લોકોને તો પરમાત્માથી માંડીને પાર્લામેન્ટ સુધી આપણને ફરિયાદ કરવી વિશેષ ગમે છે.
એન્ડ ટાઇટલ્સ:
આદમ: મારી તારા સામે એક ફરિયાદ છે.
ઇવ: ફરીથી બોલ તો! }
રણમાં ખીલ્યું ગુલાબ:મેરી બેજુબાન આંખો સે, યે ગિરે હૈં ચંદ કતરે, વો સમજ સકેં તો આઁસૂ, ન સમજ સકેં તો પાની
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/my-speechless-eyes-they-are-falling-like-moon-drops-if-you-can-understand-they-are-tears-if-you-cant-understand-they-are-water-135189177.html

શિકાને તું ઓળખે છેને?’ પવન વખારિયાએ પૂછ્યું.
‘આશિકા મહેતાની વાત કરે છે? જે આપણા ક્લાસમાં જ ભણે છે તેની?’ તપને એક પ્રશ્નની સામે બે પૂછ્યા. પછી એને લાગ્યું કે હજુ કંઇક અધૂરું રહી ગયું છે, એટલે એણે ત્રીજો પ્રશ્ન પણ પૂછી લીધો, ‘આશિકાને કોણ નથી ઓળખતું?’
તપનના કહેવાનો અર્થ એ હતો કે આશિકા નામની છોકરીને જ્યારથી આખી કોલેજ ઓળખતી હોય ત્યારે એના વિશે એકમાત્ર તપનને પૂછવાનું શું કારણ?
પવન એ જ તો જણાવવા માગતો હતો. એણે અવાજને ધીમો કરીને કારણ જાહેર કર્યું, ‘આશિકા તારી સોસાયટીમાં રહે છે એવું મને જાણવા મળ્યું છે. મને એનામાં રસ છે. મારા ફ્રેન્ડ તરીકે તારે એની સાથે મારી ઓળખાણ કરાવી આપવાની છે.’
તપન ભડકી ઊઠ્યો. ભડકી ઊઠવાનાં એક કરતાં વધારે કારણો હતાં. એક જ સોસાયટીમાં રહેતા હોવા છતાં એને આશિકાની સાથે ‘હાય’ કહેવાથી વિશેષ કોઇ ઘરોબો ન હતો. સોસાયટીમાં તપનની છાપ એક હોશિયાર, ભણેશરી અને સંસ્કારી યુવાન તરીકેની હતી. ત્રીજું સૌથી મહત્ત્વનું કારણ તપન કંઇ પવનનો એવો ગાઢ મિત્ર ન હતો કે એના માટે આવું કામ કરવા માટે તૈયાર થઇ જાય.
પહેલાં તો તપને પવનને સ્પષ્ટ ‘ના’ કહી દીધી. પછી જ્યારે પવને એકધારી આજીજીઓનો અનરાધાર વરસાદ વરસાવ્યો, ત્યારે તપને નમતું જોખવું પડ્યું, ‘બોલ, હું તને કેવી રીતે મદદ કરી શકું? આજે રિસેસ દરમિયાન તને અને એને સામસામે ઊભા રાખીને પરિચય કરાવી દઉં?’
‘ના, હું એવી રીતે તો વાત નહીં કરી શકું. એને મારી સામે સાવ પાસે ઊભેલી જોઇને જ મારા તો પગ ધ્રૂજવા માંડશે. ગળામાંથી અવાજ નહીં નીકળે. એના કરતાં તું એક કામ કર, હું એક પત્ર લખીને આપું એ આશિકાને હાથોહાથ આપી દેજે.’ પવને સૂચન કર્યુ.
અત્યારના જમાનામાં કોઇને પણ એ સવાલ થાય કે જો લખેલો પત્ર જ આપવાનો હોય તો એ માટે કોઇ વચેટિયાની જરૂર જ શી રહે છે! સ્વયં પવન જ આશિકાને કેમ ન આપી શકે?
આ ઘટના 1975ના વર્ષની છે. ત્યારે મોબાઇલ ફોન નામનું રમકડું યુવાનોના હાથમાં આશીર્વાદ બનીને પ્રગટ્યું ન હતું. મોબાઇલ ફોનમાં તો ધડકતા દિલનું એક લાલ રંગનું ‘ઇમોજી’ રવાના કરી દો એટલે પત્યું! જે પરિણામ આવવાનું હોય તે તાત્કાલિક આવી જાય. એનો સૌથી મોટો ફાયદો એ કે છોકરીનાં સેન્ડલ્સનો માર ખાવાની શક્યતા ન રહે. કોલેજમાં હાથોહાથ પ્રેમપત્ર આપવામાં એવું જોખમ સો ટકાનું.
પવને પ્રથમ પ્રેમપત્ર બંધ પરબીડિયામાં મૂકીને તપનને સોંપ્યો. ટૂંકો પત્ર હતો. ચિઠ્ઠી જ કહેવાય. પરબીડિયું ખિસ્સામાં છુપાવીને તપન મનુકાકાના ઘરે પહોંચી ગયો. એણે બહાનું વિચારી રાખ્યું હતું, ‘આશિકા ક્યાં છે, અંકલ? આજે કોલેજમાં હું એક લેક્ચરમાં હાજર રહી શક્યો ન હતો, મારે આશિકા પાસેથી નોટ્સ લેવી છે.’
કારણ સાવ સહજ હતું. મનુકાકા અને સરોજઆન્ટીને એ નોર્મલ જ લાગ્યું. એમણે બૂમ મારી. આશિકા આવી. નોટબુક લેવા માટે એ પોતાના સ્ટડીરૂમમાં ગઇ, તપન પણ એની પાછળ ગયો. નોટબુક લીધી અને પરબીડિયું આપ્યું.
આશિકાની કાળી, મોટી, કામણગારી આંખોએ પૂછી લીધું, ‘આ શું છે?’ તપને ધીમા અવાજે કહ્યું, ‘હું જાઉં એ પછી શાંતિથી વાંચજે. પવન વખારિયાએ લેટર મોકલ્યો છે. હું આમાં ક્યાંય દોષી નથી. લેટર વાંચીને તારે જે કરવું હોય તે કરવાની તને છૂટ છે.’
ત્યારે તો આશિકાએ પત્રને એની વક્ષ-તિજોરીમાં દીધો, મોડી રાતે બેડરૂમમાં પુરાઇને વાંચ્યો. ક્લીન બોલ્ડ થઇ ગઇ. એક તો એની ઉંમર જ એવી, એમાં ઢોળાવ પરનું ઘર! વરસાદી પૂરમાં વહી ગયું. એણે પત્રનો ઉત્તર પત્ર દ્વારા તો ન આપ્યો પણ બીજા દિવસે કોલેજમાં તપન દ્વારા મૌખિક સંદેશા સ્વરૂપે આપી દીધો. તપન અને આશિકા એક જ સોસાયટીમાં રહેતા હોવાથી એ બંને ક્યારેક અલપઝલપ વાતચીત કરી લે તો એમાં કોઇને કંઇ અજુગતું લાગે નહીં.
તપને પણ હવે પવનના પ્રેમપત્રો કોલેજમાં જ આશિકાને હાથોહાથ આપવાનું શરૂ કરી દીધું. વારંવાર આશિકાના ઘરે જવામાં જોખમ હતું.
કોલેજમાં કાનાફૂસી થવા લાગી. છોકરીઓ સીધું પૂછવાને બદલે પંચાત કરવા માંડી, ‘જોયુંને! આશિકા ભારે ગણતરીબાજ નીકળી! એક જ સોસાયટીમાં પિયરિયું ને એ જ સોસાયટીમાં સાસરિયું! લગ્ન પછી જેવો પતિ કમાવા માટે જાય કે બહેનબા તરત જ પિયરભેગાં!’
છોકરાઓને શરમ ન નડે. એમણે સીધું તપનને જ પૂછી લીધું, ‘તપનિયા, તેં તો રાજધાની લૂંટી લીધી! એક જ સોસાયટીમાં રહેતા હોવાનો ફાયદો ઉઠાવી લીધો.’
તપને મોં બંધ રાખ્યું, કોઇને કહ્યું નહીં કે હું તો ટપાલીની ફરજ બજાવું છું.’
પવન એન. આર. આઇ. સ્ટુડન્ટ હતો. એનાં મમ્મી-પપ્પા ગાન્ડામાં રહેતાં હતાં. આશિકાને છૂટથી મળી શકાય એ માટે એ હોસ્ટેલ છોડીને એક પ્રાઇવેટ બંગલામાં શિફ્ટ થઇ ગયો. એના પપ્પાના મિત્રનો બંગલો હતો, ખાલી જ પડ્યો રહેતો હતો. આશિકાની અવરજવરથી બંગલાની આગળના ભાગમાં ઊગેલાં વૃક્ષો પણ લીલાંછમ બની ગયાં.
કોલેજનું અંતિમ વર્ષ. આખરી મહિનો. બીજા વિદ્યાર્થીઓ પરીક્ષાના રિઝલ્ટ માટે દિવસ-રાત ઉજાગરા કરવામાં મગ્ન હતા, ત્યારે આશિકાને પાછલા દિવસ-રાતના ‘ઉજાગરા’ કર્યા હતા એનું પરિણામ સામે આવી ગયું. મોર્નિંગ સિકનેસનાં સિમ્પટમ્સથી ડરી જઇને એ ગાયનેકોલોજિસ્ટ પાસે દોડી ગઇ. સોનોગ્રાફી મશીને એના ગર્ભાશયમાં ધબકતો નાનો જીવ પકડી પાડ્યો.
પવન ધ્રૂજી ગયો, ‘તપન, ગમે તે કર પણ અમને આ આફતમાંથી બહાર કાઢ. હું આશિકાની સાથે જઇશ અને જો કોઇ જોઇ જશે તો હું શું જવાબ આપીશ? મને ભારે ડર લાગે છે.’
‘જ્યારે આ બધું કરતો હતો ત્યારે ડર નો’તો લાગતો?’ તપને એને તતડાવ્યો પણ છેવટે એ મદદ કરવા તૈયાર થઇ ગયો. આશિકાને લઇને ગાયનેકોલોજિસ્ટ પાસે ગયો અને એબોર્શન કરાવી આવ્યો. ફીના રૂપિયા અલબત્ત પવને આપ્યા હતા. બિલવાલા તો દિલવાલાએ જ બનવું પડેને!
થોડા દિવસ પછી પરીક્ષા આવી. આશિકા માંડ પાસિંગ માર્ક્સ લાવી શકી. પવન ડિસ્ટિંક્શન મેળવીને યુગાન્ડાભેગો થઇ ગયો. આશિકાને ‘ગુડ બાય’ કહેવા માટે પણ ન રહ્યો. 1975માં પરદેશમાં કોઇનો સંપર્ક કરવાનું કામ આજના જેટલું સરળ ન હતું. પવન જાણે પવનનું ઝોકું બનીને ઊડી ગયો!
આશિકા સારી એવી બદનામ થઇ ચૂકી હતી. એણે કરાવેલા ખાનગી ગર્ભપાતની વાત પણ ખાનગીમાં જાહેર થઇ ગઇ હતી. જે ચર્ચા ચાલી રહી હતી તે ધારણા બહારની હતી, ‘તપન તો બેવફા નીકળ્યો! આશિકા જેવા સુગંધી રૂપાળા ફૂલનો રસકસ ચૂસીને ભમરાની જેમ ઊડી ગયો. મને તો ત્યારથી જ એના પ્રેમ પર શંકા હતી, જ્યારે તે કોલેજમાં આશિકાની જોડે ચિઠ્ઠી-ચપાટી કરતો હતો. ડોક્ટર પાસે ગર્ભપાત કરાવવા પણ તપન જ આશિકાને લઇ ગયો હતો.’ બીજું ઘણુંબધું.
આઘાતના મહાસાગરમાં ડૂબેલી આશિકા આત્મહત્યા કરવા માગતી હતી, પણ તપને એને બચાવી લીધી. તપનને લાગ્યું કે લોકો આશિકાના કમોત માટે એને જ જવાબદાર ગણશે. આશિકા એને ગમતી તો હતી જ. એણે આશિકાને સ્વીકારી લીધી. તપનની ઇજ્જત પણ બચી ગઇ અને આશિકાની જિંદગી પણ!
સુહાગરાતે શયનખંડના એકાંતમાં દાંપત્યજીવનની શરૂઆત કરતા પૂર્વે આશિકાએ તપનને પૂછ્યું, ‘તેં શું જોઇને મારી સાથે લગ્ન કર્યાં? તને તો મારી બધી જ વાતની…’
તપને આશિકાના કંપતા હોઠો પર પોતાની હથેળી રાખીને જવાબ આપ્યો, ‘મેં એ જોયું કે તું જે પુરુષને પ્રેમ કરે છે તેના માટે કેટલી હદ સુધી જઇ શકે છે! જે પુરુષ તારાં જેવી સ્ત્રીને છેતરી શકે છે એ સ્વયં બદનસીબ છે. સમાજ જેને ચારિત્ર્ય કહે છે, મેં એ નથી જોયું; મેં તારું સમર્પણ જોયું છે. હવે તું કહે કે તેં શું જોઇને મને પસંદ કર્યો!’
આશિકા પતિને વળગીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી, ‘મેં તારા મનની ઉદારતા જોઇને તને પસંદ કર્યો છે, તપન, મારા માટે તો આત્મહત્યા એ એક જ માર્ગ હતો. તેં મને નવી જિંદગી…’
રડતી આશિકાને રોકવાનો એક જ રસ્તો હતો, એને આગળ કંઇ બોલતી અટકાવવાનો. તપને પોતાના હોઠો વડે આશિકાની ‘બોલતી’ બંધ કરી દીધી. }
(શીર્ષકપંક્તિ: નઝીર બનારસી)
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/we-need-acceptance-not-pity-135189206.html

અજયસિંહ ચૌહાણ હેરમાં સેક્સ શબ્દ કાને પડતાં જ ઘણા લોકાના ભવા ખેંચાઇ જાય છે. બોલનાર તરફ એ રીતે જોવામાં આવે છે કે જાણે એણે આ શબ્દ બોલીને કોઈ મોટી ભૂલ કરી દીધી હોય. કહેવાનું તાત્પર્ય એ નથી કે એનો બૂમો પાડીને ઢંઢેરો પીટવાનો છે પણ, જ્યાં જરૂર જણાય ત્યાં એની સ્વસ્થ ચર્ચા પણ જરૂરી છે.
એકવીસમી સદીમાં સાહિત્ય અનેક પ્રકારના હાંસિયાઓ તોડી રહ્યું છે. જે સમુદાયો સદીઓથી પોતાની વાત જાહેરમાં મૂકી શકતા નહોતા; એમના માટે પોતાને અભિવ્યક્ત કરવાનું વાતાવરણ ઊભું થયું છે. એટલે જ એકવીસમી સદીમાં આપણને એક કિન્નરની આત્મકથા મળે છે; એમ ‘એક સેક્સ વર્કરની આત્મકથા’ પણ મળે છે. આ આત્મકથાની લેખિકા છે નલિની જમીલા.
મલયાલમ ભાષામાં આ આત્મકથા વર્ષ 2005માં પ્રગટ થઈ. એનું પ્રકાશન થતાં જ સો દિવસોમાં છ આવૃત્તિઓ થઈ અને 13,000થી વધુ પ્રતો વેચાઈ. વર્ષ 2017માં રચના ભોલા ‘યામિની’ એ એનો હિંદીમાં અનુવાદ કર્યો. એક સ્ત્રી આ ધંધામાં કઈ રીતે આવી, જીવનમાં કેવાં કેવાં સંઘર્ષ કરવાના આવ્યાં એનું કોઈ પણ પ્રકારના અંચળા વગરનું બયાન આ આત્મકથામાં છે.
મોટા ભાગની આત્મકથાઓની જેમ આ પણ શરૂ થાય છે નલિની જમીલાના બાળપણથી. કેરલના એક સામાન્ય ગામનું ઘર. પિતા લશ્કરમાંથી નિવૃત્તિ લઈને આવેલા. નિવૃતિ સમયે જે પૈસા મળ્યાં એમાંથી સારું ઘર બનાવેલું. એ સિવાય બીજી કોઈ આર્થિક આવક નહીં. માતા નોકરી કરતી ત્યાં સુધી ઘરમાં ઠીક ઠીક પૈસા આવતા; પણ પિતા માર્ક્સવાદી પાર્ટીના કાર્યકર થાય છે એટલે માતાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
પિતા સાથેની એવી કોઈ યાદો નથી. બસ જે દિવસ પેન્શન આવે એ દિવસે ઘરે આવતા એ બધા માટે એક એક નારંગી લઈને આવતા. પિતા પર એમના મોટાભાઇની પત્ની વલયમ્માનો પૂરેપૂરો કાબૂ હતો. એટલે નલિની નવ વર્ષની થઈ અને એને શાળામાંથી ઉઠાડી દેવામાં આવી. વલયમ્માએ કહ્યું એને ધાનનો હિસાબ રાખતા આવડે એટલું ભણી લીધું છે; એ બહુ છે.
નવ વર્ષની ઉંમરે નલિનીને ઈંટો બનાવતા ભઠ્ઠામાં અને માટીની ખાણમાં મજૂરીએ જવું પડે છે. એનું વર્ણન કરતાં લખે છે : ‘મુઝે દેઢ રૂપિયા મજદૂરી મિલતી થી. જબ હર કોઈ ચાવલ ઔર રાશન ખરીદતા, મૈં ભી કુછ ખરીદ લેતી. મૈં તૌલિયે મેં ચાવલ, મિર્ચી, વ ધનિયા બાંધે, કિસી ખાસ આદમી કી તરહ ઘર મેં કદમ રખતી તો માં કો આસુંઓં મેં ડુબા પાતી. ઉસકી યહી ઉમ્મીદ થી કી મૈં પઢ-લિખકર કોઈ બડી હસ્તી બનતી જબકી મૈં અપને મન-હી-મન મેં એક બડી હસ્તી ચૂકી થી. માં સોચતી કી મૈંને બહુત બડા બલિદાન કિયા થા. ટૂટી ઈંટે ઉઠાને સે મેરે હાથોં મેં જો ખરોંચે વ ચીરે આતે, ઉન્હે દેખ, વહ રો પડતી. વહ કહતી-‘કલ સે કામ પર મત જાના.’ લેકિન અગલે દિન જબ મૈં કામ પર જાને લગતી, તો વહ ચુપ્પી સાધ લેતી.’ છેલ્લી બે પંક્તિમાં મા-ની મમતા અને જીવનના સંઘર્ષનું કરુણ આલેખન છે.
નલિની પિતાની ઈચ્છા વિરુદ્ધ એના ભાઈને લગ્ન કરવામાં મદદ કરે છે. એ કારણે પિતા એને ઘરમાંથી કાઢી મૂકે છે. અઢાર વર્ષની છોકરીને રાત ક્યાં રહેવું એ મોટી મુશ્કેલી છે. સુબ્રમણ્યમ એને મદદ કરે છે. નલિની એની સાથે લગ્ન કરી લે છે. સુબ્રમણ્યમ દારૂડિયો હોય છે. એ દેશી દારૂ વેચવાનો પણ ધંધો કરતો હોય છે. નલિનીને એનાથી બે બાળકો થાય છે. સુબ્રમણ્યમને કેન્સર થતાં આત્મહત્યા કરે છે. એની સાથે રહીંને નલિનીને પણ દારૂની લત લાગી ગઈ હોય છે. સુબ્રમણ્યમનું મૃત્યુ થતાં બંને બાળકોની જવાબદારી નલિની પર આવી પડે છે. આવકનું કોઈ સાધન ન હોવાથી એ દેહવિક્રયમાં ધકેલાય છે.
જે બાળકોને જીવનમાં હવે ક્યારેય મળવાનું નથી એ બાળકો માટે રૂપિયા ઘરે મોકલે છે. દેહવિક્રયમાં કેવાં કેવાં ગ્રાહકો આવે, એમની શું માગણીઓ હોય, સેક્સ કર્યાં પછી પીડા આપતા પુરુષો, હત્યાના પ્રયાસ, પોલીસ દ્વારા હેરાનગતિ, રહેવા-જમવાની તકલીફો જેવી અનેક વાતોને જમીલા બેબાક રીતે આલેખે છે.
અનેક પુરુષો એને પત્ની તરીકે રાખવા માગે છે પણ જમીલાને ખબર છે કે આ બધા મફતમાં શરીર માણવાના પેંતરાઓ છે. આમ છતાં વિશ્વાસ કરીને સમીર નામના પુરુષ સાથે રહે છે. એનાથી એક દીકરી થાય છે. થોડા સમય પછી સમીર છોડીને જતો રહે છે.
અંતે શાહુલક્કા નામનો પુરુષ એને પત્ની તરીકે સ્વીકારે છે. એની સાથે ચૌદ વર્ષ રહે છે. આ દરમિયાન એ દેહવિક્રય છોડી ચૂકી છે. પતિ સાથે બોર્ડ બનાવવાનો ધંધો કરીને ચલાવે છે. નસીબનું ચક્ર ફરી ફરે છે. પતિ બીજી કોઈ સ્ત્રી પાસે જતો રહે છે. ચૌદ વર્ષની દીકરીને અનેક પુરુષોથી બચાવવાની જદ્દોજહદ વચ્ચે ફરી જૂના ધંધામાં ધકેલાય છે.
થોડા સમય પછી સેક્સ વર્કરો માટે કામ કરતી સંસ્થા ‘જ્વાલામુખી’ સાથે જોડાય છે અને જીવનમાં મોટો બદલાવ આવે છે. હવે એ પોતાના અધિકારો માટે જાગૃત થાય છે. જાહેર સભાઓ, ટેલિવિઝન જેવાં માધ્યમોમાં વક્તવ્યો આપે છે. દેહવિક્રય કરતી સ્ત્રીઓના પુનર્વસન માટે કાર્ય કરે છે.
અંતે હિંમત કરીને પોતાની આત્મકથા લખે છે. આ આત્મકથા દેહવિક્રય કરતી સ્ત્રીઓના જીવનમાં ડોકિયું કરવાની બારી છે. નલિની જમીલા કહે છે, ‘અમારે દયા કે કરુણાની નહીં સ્વીકૃતિની જરૂર છે.’ }
દરિયાના કારણે જ બે દેશ વચ્ચે વેપારનો પ્રારંભ થાય છે. એ નિમિત્તે વિવિધ સંસ્કૃતિનું આદાનપ્રદાન થયું અને માનવવિકાસ થયો. અનેક કોલંબસ અને અનેક અમેરિકા આ દરિયાના કારણે જ મળ્યા છે. ઋગ્વેદમાં ‘આકાશ જેવી મોટી હોડી’નો સંદર્ભ છે, સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાં બે હોડીનાં ચિત્રો મળી આવે છે. તરાપાથી સ્ટીમર સુધીના અન્વેષણે માનવજીવનને ઝડપી બનાવ્યું છે. દરિયાની વિશાળતા જાણે સૌને સત્કારવાની ભાવના, કિનારાની ભેખડને વાગતી મોજાંની અવિરત થપાટો જાણે દુઃખને ન ગણકારીને, કદી કાંઠા બહાર ન જઈને દરિયો મર્યાદાપુરુષોત્તમ બની જાય છે.
એક પછી એક ગુંજતું લહેરોનું સંગીત હોવાના હાર્મોનિયમ પર નૃત્ય કરે છે. કિનારા પરની ભીની પગલીઓની છાપ ક્ષણભંગુરતાને સાબિત કરવા જાણે તત્પર હોય છે! ચંદ્રનું સામિપ્ય બેનમૂન સૌંદર્યને બેનકાબ કરી, ભીતરના કવિનો સાક્ષાત્કાર કરાવે છે. ગોપનાથના દરિયાકિનારે સર્જાયેલું કાન્તનું કાવ્ય ‘સાગર અને શશી’ આજે પણ ભાવકના મનમાં ઊછળે છે. આંખની ખારાશ અને દરિયાની ખારાશનો સરવાળો કરી ખારવાઓ નવી આશા અને અપેક્ષાના સૂરજ સાથે સમુદ્રસાહસ માટે નીકળી પડે છે. દરિયો એના કિનારે પનપતી અને વિકસતી અનેક લોકસંસ્કૃતિના અનેક કિસ્સાઓનો સાક્ષી છે. પણ એ જ દરિયાએ આ સંસ્કૃતિઓના વિનાશને પણ જોયો છે. જયંત ખત્રીની કાળજું કંપાવી નાખે તેવી ટૂંકી વાર્તા ‘કાળો માલમ’માં અદભુત સમુદ્ર સંવેદના વર્ણવાઈ છે.
ગુણવંતરાય આચાર્યએ દરિયાખેડુની વાત લખવા કલમખેડુ બન્યા. એમણે સમૃદ્રસફરના વિશિષ્ટ અનુભવને આલેખતી નવલકથા ‘દરિયાલાલ’માં ઇતિહાસની પશ્ચાદભૂ છે, તો કિંવદન્તિઓનો કલાત્મક ઉપયોગ પણ થયો છે. લેખક લખે છે ‘ગુજરાતની દરિયાપારની યાત્રાઓ તો ઘણી જૂની છે અને એના ઘણા ઉલ્લેખો પણ મળી આવે છે. છેક ‘હરિવંશ’ના કાળથી તે સિકંદરની ચડાઈ સુધી અને સિકંદરની ચડાઈથી તે આજ સુધી ગુજરાતનાં વહાણોએ ધરતીપટ ઉપરનાં ચોર્યાસી બંદરોમાં પોતાનો વાવટો ફરકાવ્યો છે.’
‘હિન્દી મહાસાગરનો ઈતિહાસ’ નામની કિતાબના ઈતિહાસકાર લેખક સ્ટાન્લી રોજર્સનું નામ વહાણવટાના ઈતિહાસ-દર્શનશાસ્ત્રમાં ઘણું ઊંચું મનાય છે. સ્ટાન્લી રોજર્સ પોતાના આ ગ્રંથમાં બેત્રણ વાતો તો કબૂલ કરે છે. વહાણવટાનો ઉદય હિન્દી મહાસાગરમાં થયો એ એને મંજૂર છે. એ એટલી વાત પણ સ્વીકારે છે કે વાસ્કો-ડી-ગામા જ્યારે હામ હારીને માડાગાસ્કરના ટાપુમાંથી પાછો ફરતો હતો ત્યારે એક હિન્દી નાખુદાએ એને હિન્દનો જળમાર્ગ બતાવ્યો અને તે વ્યક્તિ માંડવીનો એક ખારવો હતો, તેનું નામ ‘કાનજી માલમ’ હતું. તેનું ચાંચિયાઈ જહાજ ‘કાલા જહાજ’ પંદરમી સદીમાં ઝડપીમાં ઝડપી જહાજ મનાતું હતું.’
દરિયાને મા-બાપ ગણતા ખારવા એકવાર દરિયાઈ સફરમાં નીકળે છે પછી પાછા ફરવાની કોઈ ગેરેંટી હોતી નથી. વહાણવટીઓના વિશિષ્ટ શબ્દપ્રયોગ અને એના જીવનનું સાહિત્ય હજુ જોઈએ તેવું સર્જાયું નથી. ‘Pirates of the Caribbean’ એ જેરી બ્રુકહીમર દ્વારા નિર્મિત કાલ્પનિક સ્વેશબકલર ફિલ્મોની શ્રેણી છે. જેમાં દરિયાના દંગાઓ અને શાનદાર સમુદ્રની સહેલગાહ છે. સમુદ્રી લૂંટારાની વાત આવે એટલે તુરંત હોલીવુડનો જેક સ્પેરો યાદ આવી જાય છે. પહેલી ગુજરાતી દરિયાઈ ફિલ્મ ‘દીવાદાંડી’ અને છેલ્લી ‘સમંદર’ બંને બોક્સ ઓફિસ પર પીટાઈ ગયેલી.
આપણે અસલી જિંદગીમાં સમુદ્રના લૂંટારાની વાત કરીએ તો બ્લેક બિયર્ડનું પ્રથમ હરોળમાં નામ આવશે. મૂળ નામ એડવર્ડ ટીચ હતું. બ્લેક બિયર્ડની લાઇફ લૂંટ અને લવ માટે મશહૂર હતી. જેણે દરિયામાં અનેક ખૂંખાર લડાઈ કરી હતી. તેણે 20 વર્ષ સુધી હથિયારોનો સૌથી મોટો વેપાર ચલાવ્યો હતો. બ્લેક બિયર્ડને મૃત્યુ વખતે તેના શરીર પર અનેક ગોળીઓ વાગી હતી છતાં લડવાનું ચાલુ રાખ્યું હતું. અનેક સુંદર સ્ત્રી સાથે એના સુવાળા સંબંધો રહેલા. દરિયા કિનારે આવેલા પારસીઓ આજે પણ આપણામાં દૂધમાં સાકાર ભળે એમ ભળી ગયા છે. મુઘલ સમયમાં સુરત શતરંગી બંદર તરીકે ખીલ્યું અને ખૂલ્યું હતું. ગુજરાતની શાનોશૌકતને દર્શાવતું હતું. અહીં દેશ-વિદેશના વેપારીની સતત આવન-જાવનથી નવાં પરિમાણો સર્જાયાં હતાં. જીવનને ઘડવા માટે કેટલીક દુર્ઘટનાઓ જરૂરી છે.
કાંઠે બેસી દરિયાને નીરખવો, પગ બોળી છબછબિયાં કરવા, ડૂબકી દેવી, તરવું અને મરજીવા બનવું, દરેકનો અલગ આનંદ છે. સૌ પોતાની ગતિમતિ પ્રમાણે આ આનંદ લે છે. બાકી ખારવાનો સ્વાદ ખિસકોલી શું જાણે? જે એમાં પડ્યા હોય એ જ જાણે. જેમ તરવાનું પુસ્તક વાંચી તરતા ન શીખાય. સમુદ્રમાં નહાવાથી ઓર નમકીન થઇ જવાય છે. આપણા દુઃખોને દરિયા કાંઠાની રેતી પર લખી નાખવા, જેથી સમયની એક લહેર આવી એને ભૂંસી નાખે.
દરિયાખેડુ દરિયાને દેવ ગણે છે. દરિયો ખેડવા જાય ત્યારે દરિયાની પૂજા થાય છે. અનેક પેઢીઓ દરિયામાં ડૂબી છતાં ખારવો કદી દરિયાને દુશ્મન નથી માનતી. ઊલટાનું એમ માને કે દરિયામાં ડૂબે તો મોક્ષને પ્રાપ્ત કરે. ગુજરાતનો વિશાળ દરિયા કાંઠો ગુજરાતની સમૃદ્ધિનો શંખનાદ કરતો રહ્યો છે.
‘સમુદ્રમંથન’ નાટક ગુજરાતી રંગભૂમિનું ગૌરવ છે. દરિયાને સમજવા દરિયાદિલી જોઈએ. ‘હાજી કાસમ તારી વીજળી’થી ‘ખારાં પાણીને ખમ્મા’ સુધી નવલકથામાં દરિયો છલકાતો રહ્યો છે. અર્નેસ્ટ મિલર હેમિંગ્વેની નોબેલ વિજેતા કૃતિ ‘ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’માં સમુદ્ર અને માછલીઓ જેવાં પ્રાકૃતિક પરિબળોનો અદભુત વિનિયોગ થયો છે. માણસના સતત સંઘર્ષના અંતે વિજયવાવટા ફરક્યાનું લાજવાબ લેખન છે. ખલીલ જિબ્રાને કહ્યું છે: ‘In one drop of water are found all the secrets of all the oceans.’ કવિઓ એટલે જ ટીપાની ટીંગાટોળી કરી કાગળના કિનારે મૂકતા હશે. સાગરનો શબ્દવૈભવ જોડણીકોશના કાંઠાને તોડીને બહાર નીકળી જનારો છે.
દરિયા કિનારે કોઈ ચોધાર આંસુએ રડ્યું હશે એટલે દરિયો ખારો થયો હશે. ક્યારેક ટીટોડી સામે દરિયાનું અભિમાન ખારું થઇ જતું હોય છે. દરિયા પાસે રહો એટલે આપોઆપ દરિયાદિલી આવી જાય છે. દરિયો એટલે માત્ર નદીઓનું ઉધાર નથી, ઉદ્ધાર છે. રાતની નીરવ શાંતિમાં દરિયાની સોડમાં બેસવાથી અનન્ય અનુભૂતિનાં દ્વાર ખૂલશે. વિરાટના હિંડોળે ઝૂલશો. દરિયા વિશે લખવા માટે તો પૃથ્વીનો કાગળ અને જંગલની કલમ જોઈએ. વર્ષમાં એક વાર તો દરિયાને આખો દિવસ અપલક તાકી રહેવાનું સુખ આંખોને આપવું જોઈએ. તમારી જાતને અફાટ-અદભુત અર્થો મળશે.
આવજો...
દુનિયામાં બે જ વ્યક્તિ પૂર્ણમાનવ છે, (૧) જે મૃત્યુ પામ્યો છે (૨) જે હજુ જન્મ્યો જ નથી. - ચીની કહેવત }
મરક મરક:મોબાઇલ વિના મોટી નિરાંત’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/great-peace-without-mobile-135189208.html

ધ્રુવ બોરીસાગર ઇ પણ ઘટના ઘટે એટલે માણસ ધારણા અથવા ધરણાં કરવા બેસી જાય છે. આજે મારી ધારણા સાંભળીને કદાચ તમે ધરણાં કરવા બેસી જાવ તો નવાઈ નહીં. ધારો કે નોટબંધીની જેમ જ આજે રાત્રે 8:00 વાગે જાહેરાત થાય: ‘ભાઈઓ અને બહેનો, આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી તમારો મોબાઇલ એક રમકડું થઈ જશે તો આપની પાસે બાર કલાક છે, જે પણ વાતો કરવી હોય કે ડીલીટ કરવું હોય તો કરી લેજો.’
નોટબંધી તો કાળું નાણું બહાર કાઢવા માટે થયેલી, પણ બહાર આવ્યા જાદુગરો, ક્યારે જાદુ કરીને નોટોના રંગ બદલીને નોટોને પાછી કબાટમાં ગોઠવી દીધી એની ખબર પડી તમને? મોબાઇલબંધીની જાહેરાત તો સૌ કોઈને લાગુ પડતી હોવાથી આખો દેશ આખી રાત વાતો કરવા માટે નહીં, પરંતુ ડીલીટ કરવા માટે જાગ્યો. હું પણ આખી રાત જાગ્યો, એ ધારવામાં કે મોબાઇલના જવાથી આપણું શું થશે?
‘ધરતી પર રહીને હવે શું કરીશું?’ આ પ્રશ્ન બધાંને કોરી ખાશે અને માનસિક બીમારીઓમાં સારો એવો વધારો નોંધાશે. નાની ઉંમરે થતો ‘કુછ કુછ હોતા હૈ’ રોગ હવે મોટી ઉંમરવાળાને થશે અને મોટી ઉંમરે વિટામિનની ખામીને કારણે લાગતી નબળાઈઓ હવે નાની ઉંમરવાળાને લાગશે. ટૂંકમાં, આખો દેશ ‘મોબાઇલેરિયા’ નામના રોગથી પીડાશે.
મોબાઇલ વિના સૌથી મોટી નિરાંત પતિને લાગશે. આવાં હરખનાં તેડાં પરિણીત પુરુષના જીવનમાં બહુ થોડાં આવે છે. બે વાસણ સાથે રાખીને ગમે તે સ્થળે મોબાઇલમાં ખખડાવીને પોતે ઘરે હોવાની સાબિતી આપનાર પતિદેવને હવે પત્ની પિયર ગઈ હોય ત્યારે ઘરે જ રહેવું પડશે! કોઈ પણ પ્રસંગમાં ગયા હોય ત્યારે પતિને ફોટા પાડવામાંથી અને પત્ની સાથે ફોટા પડાવવામાંથી મુક્તિ મળશે! પતિ-પત્ની વચ્ચે હવે સંવાદ ફરજિયાત બનશે, પણ આ સંવાદ વિસંવાદમાં પરિણમશે તો ઝઘડામાં નોંધપાત્ર વધારો થશે!
‘તમને સમય નથી અને મારો સમય નથી’ બાપુભાઈ ગઢવીની ગઝલમાં થતી ‘તમને સમય નથી’ની ફરિયાદ મોબાઇલના જવાથી રહેશે નહીં! મોબાઇલના વિરહને પ્રેમિકાના વિરહથી સહેજ પણ ઓછો આંકી ન શકાય ત્યારે જુદા પ્રકારના અજંપાને કારણે કવિઓની સંખ્યામાં વધારો થવાને પૂરો સંભવ છે!
મોબાઇલ વિના સૌથી મોટી મુશ્કેલી આપણને ટ્રાફિક પોલીસ રોકશે ત્યારે ઊભી થશે. આ ગુનામાંથી છટકવા સગાંનાં વહાલાંનાં સગાંને પણ પોતાનાં સગાં ગણીને છેડા અડાડીએ છીએ. મોબાઇલ વિના હવે તમારે આત્મનિર્ભર અને આત્મનીંભર (મૂઢ) થવું પડશે! અત્યંત વિનમ્ર ગરીબ થઈને વિનંતી કરશો તો દંડની રકમ ઓછી થશે, કારણ કે ટ્રાફિક પોલીસ જેટલી (સ્વ)જીવદયા બીજા કોઈનામાં હોતી નથી!
કોઈક મોબાઇલમાં વિડીયો ઉતારીને અપલોડ કરી દેશે એવી દહેશત ન રહેતા સરકારી ખાતામાં કામ માટે આવનારની ઇચ્છા અને કામ કરી આપનારની અપેક્ષા વચ્ચે મનમેળ ઊભું થવામાં સરળતા રહેશે. ભગવાનના મંદિરમાં વી. આઇ. પી. લાઇન અને ભક્તોના ભાવને બદલે ધરેલા પ્રસાદના ભાવને જો ધ્યાનમાં લેવાતા હોય તો સરકારી ખાતાને આપણે ખોટું બદનામ કરીએ છીએ એવું લાગે છે!
કેટલીક આડઅસરો ટૂંકમાં...
સોશિયલ મીડિયા ન રહેવાથી લાઇક્સ અને કૉમેન્ટના અભાવમાં સ્ત્રીઓ પોતાની સુંદરતા માપી શકશે નહીં.
મોબાઇલ વિના માણસ બેસણામાં એટલો ડાહ્યોડમરો અને ગંભીર થઈને બેસશે કે જનારને પણ વહેલા જતા રહ્યાનો અફસોસ થશે!
મોબાઇલ વિના કામ પર ધ્યાન કેન્દ્રિત થવાથી કબજિયાત ઘટશે!
સગાઈ અને લગ્ન વચ્ચેનો સુવર્ણકાળ મોબાઇલ વિના ફિક્કો થઈ જશે. પ્રેમની તડપ અને તરસ... બંને પ્રજ્વલિત થતા ફરી પાછી ‘હેડકી’નો જમાનો આવશે.
બાળક શાંતિથી બેસે અને મા-બાપને બેસવા દે એ માટે બાળકને અપાતા મોબાઇલ બંધ થતા બાળઉછેર અઘરો થઈ જશે.
રૂપિયાની ઉઘરાણી માટે લેણદારે દેવાદારના ઘરે રૂબરૂ ધક્કા ખાવા પડશે એટલે દેશને બદલે દેવાદાર માત્ર ઘર છોડી દેશે તો ચાલશે.
કરોડો મોબાઇલ ઉપભોક્તા ન રહેતાં મોબાઇલ કંપનીના માલિકો લગ્નપ્રસંગમાં કરેલો કરોડો રૂપિયાનો ખર્ચ મોબાઇલ રિચાર્જ દ્વારા વસૂલ કરી શકશે નહીં!
આગે આગે ગોરખ જાગે એવા ગોરખધંધામાં ઘટાડો થશે.
સેલ્ફી બંધ થતાં વાંકાંચૂકાં થતા છોકરીઓનાં મોઢાં નૉર્મલ રહેશે.
શુભસવાર અને શુભરાત્રિના સંદેશા બંધ થતા હવે દરેકના દિવસ સારા જશે.
ટૂંકમાં, મોબાઇલ વિનાનું જીવન... ‘યે જીના ભી ક્યા જીના હૈ લલ્લુ.’
આઇસ ક્યૂબ : ‘ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં, પણ આખા આ આયખાનું શું?’ કવિ જગદીશ જોશી. ‘હવે આખા આ આયખાનું શું થશે? અને ક્યારે પૂરું થશે?’ની ચિંતામાં આ કવિતા પરણ્યા પછી પણ બંને જણા ગાતા હોય છે! }
સ્વરૂપ Says:તમારું સંતાન સોશિયલ મીડિયા માટે તૈયાર છે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/is-your-child-ready-for-social-media-135189161.html

સ્વરૂપ સંપટ જે બાળકો ડિજિટલ દુનિયામાં મોટાં થઇ રહ્યાં છે ત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરનાં માતાપિતાને એક પ્રશ્ન સતાવે છે, ‘મારું સંતાન મોબાઇલ ફોન અથવા સોશિયલ મીડિયા માટે ક્યારે તૈયાર થશે?’ અધિકૃત રીતે પ્લેટફોર્મ પર વયમર્યાદા નિશ્ચિત હોવા છતાં માત્ર દસ વર્ષની વયે પણ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવનારાં સંતાનોનાં માતા-પિતા વધારે દબાણ અનુભવે છે. જોકે આ ત્વરિત લેવાતો નિર્ણય નથી. આમાં ખૂબ સમજી વિચારીને પછી આગળ વધવાનું હોય છે.
માતા-પિતા પાસે સૌથી મહત્ત્વપૂર્ણ પસંદગી એ છે કે તેઓ સંતાનોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં શક્ય એટલો વિલંબ થવા દે. સંશોધનો જણાવે છે કે સંતાન લગભગ સોળેક વર્ષનાં થાય ત્યાં સુધી મહત્ત્વપૂર્ણ વિકાસના લાભ મેળવી શકે છે. આજકાલ વય કરતાં વહેલી સમજણ આવી જવાને લીધે બાળકોનું મગજ હજી તો વિકસિત થઇ રહ્યું હોય છે - ખાસ કરીને એવી બાબતો જેમાં વિચારવું પડે, જરૂરી નિયંત્રણો રાખવા પડે અને ભાવનાત્મક રીતે નિયમિતતા હોવી જોઇએ. સંતાનોનો એટલો વિકાસ થયો હોય કે તેઓ કોઇ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં વિચારે. એટલું જ નહીં, તેનાથી તેમનામાં સોશિયલ સ્કિલ્સને વાસ્તવિક દુનિયામાં કંઇ રીતે અપનાવવી તે સમજવામાં પૂરતો સમય મળી રહે.
સોશિયલ મીડિયાના ઉપયોગમાં વિલંબ કરવાથી માનસિક સ્વાસ્થ્યનું પણ રક્ષણ થાય છે. સંતાનોનુ માનસ કુમળું હોય છે અને વારંવાર વિવિધ ચિત્રો વાસ્તવિકતાને ટ્વિસ્ટ્ કરવા સાથે સ્વમૂલ્યમાં પણ ફેરફાર કરે છે. ભારતમાં જ્યાં શૈક્ષણિક મુદ્દાઓમાં સ્પર્ધા અને સામાજિક અપેક્ષાઓનું ભારણ વધારે છે, ત્યારે ઓનલાઇન વેલિડેશનનું દબાણ તેમને વધારે પ્રતિકાર કરનારા બનાવી દે છે. એટલું જ નહીં, મોટાં થયેલાં સંતાનો કદાચ ડિજિટલ દુનિયાની કાયમી બાબતને વધારે સારી રીતે સમજે છે.
હવે એ ઓળખવું જરૂરી છે કે વિકાસ તો સતત થતો રહે છે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની ડિમાન્ડ પણ છે. બાર વર્ષના બાળકને સોશિયલ મીડિયા માટે ભાવનાત્મક અથવા સામાજિક રીતે વિકસિત થવાની જરૂર નથી. ખરેખર તો રાહ જોવી એ અસરકારક છે અને એક યોગ્ય નિર્ણય છે જેના લીધે સંતાનમાં ટૂંક સમયના ટ્રેન્ડ્ઝ પર લાંબા ગાળાની સ્વસ્થતા વધારે અસરકારક છે.
અલબત્ત, જો તમને લાગે કે તમારું સંતાન કદાચ સોશિયલ મીડિયાના ઉપયોગ માટે તૈયાર છે, તો પણ તેને કેટલુંક માર્ગદર્શન અવશ્ય આપો. સંતાનની એ જવાબદારી બને છે કે અન્ય ડિજિટલ લાભને પણ એ યોગ્ય રીતે મેનેજ કરે જેમ કે શૈક્ષણિક એપ હોય તેનો સમય અથવા ઓનલાઇન ક્લાસીસના સમયનો ખ્યાલ રાખે, તે માટે તૈયારી દાખવે. આમાં તેમની ભાવનાત્મક પરિપક્વતા જોવા મળે છે. કેટલાક કિસ્સામાં માતા-પિતા પ્લેટફોર્મ્સ પર નજર રાખવાની શરૂઆત કરવા સાથે ધીરે ધીરે તેમનો વિશ્વાસ જીતો.
મારી એક મિત્રની દીકરી 15 વર્ષની વિદ્યાર્થિની છે જેણે દસમા ધોરણ સુધી પોતાનું પહેલું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની રાહ જોઇ. એનાં માતા-પિતાએ એને પરિવારના સોશિયલ મીડિયા એકાઉન્ટથી પરિચિત કરી. એ તેર વર્ષની હતી ત્યારે એ જવાબદારીપૂર્વક પોસ્ટ મૂકતા શીખી અને ઓનલાઇન કેવી ખોટી માહિતી મળતી હોય છે તે પણ જાણ્યું. આ દરમિયાન એણે પોતાનું એકાઉન્ટ પણ બનાવ્યું. દીકરી કાયમ પોતાની પોસ્ટ શેર કરતાં પહેલાં માતા-પિતા સાથે ચર્ચા કરે છે, પોતે ઓનલાઇન શું પોસ્ટ કરે છે, તે અંગે વિચારે પણ છે.
તમારા સંતાનની ઓનલાઇન સફરના માર્ગદર્શક બનવામાં શબ્દો કરતાં તમારી આદતો તેમને વધારે અસર કરશે. સંતાનો તો જે જોશે તેમ કરશે. માતા-પિતા આખો દિવસ મોબાઇલ મચડતા હશે તો તેઓ પણ એમ જ કરવાના, પણ જો માતા-પિતા સમજીને સ્ક્રીન ટાઇમનો ઉપયોગ કરે, તો સંતાનો પણ વિચારશે. કંઇ પણ આડેધડ જાણકારી પોસ્ટ કરતાં પહેલાં એ જુઓ કે તમે શું પોસ્ટ કરી રહ્યા છો (ખાસ કરીને આપણા દેશમાં જ્યાં અફવાઓ આવા સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતી હોય છે), એવામાં તમારી પણ એક સક્રિય ઓનલાઇન નાગરિક તરીકેની જવાબદારી બને છે. માતા-પિતાએ અન્ય કોઇનો ફોટો તેમની પરવાનગી વિના કેમ પોસ્ટ ન કરવો અથવા સરનામું શેર કરવામાં કેટલું જોખમ રહેલું છે તે સમજાવવું જોઇએ.
સૌથી સહાયક સાધન પારિવારિક મીડિયા છે. તમે નક્કી કરો કે રાહ જોવી કે મર્યાદિત એક્સેસની મંજૂરી આપવી તે જરૂરી છે. ઘણા પરિવારોને પારિવારિક એકાઉન્ટ્સ શેર કરવાથી શરૂઆત કરવાનું યોગ્ય લાગે છે. તેમાં સંતાનનું ધ્યાન પણ રહે છે. સુશિક્ષિત પરિવારના સભ્યો મર્યાદારેખા તૈયાર કરી અને ગેરઉપયોગ થતો અટકાવી શકે છે. તમારા સંતાનના ઓનલાઇન અનુભવો વિશે નિયમિત વાતચીત કરો. એથી સંવાદમાં પારદર્શિતા આવશે. એકવાર સંતાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા લાગે પછી સલામતી અંગેનીએકાઉન્ટ ખાનગી રાખવું, ફ્રેન્ડ રિક્વેસ્ટને રિવ્યૂ કરવી અને જે કન્ટેન્ટ શેર થાય તેનું ધ્યાન આપવું વગેરે પાયાની બાબતો
માતાપિતાએ જણાવવી જોઇએ. બાળકોને એ પણ શીખવો કે કઇ રીતે તેઓ અનિચ્છનીય બાબત ઓળખીને તે અંગે રિપોર્ટ કરે અને પોતાની અંગત માહિતી શેર ન કરે. આ માટે પારિવારિક એકાઉન્ટમાં શેરિંગ કરવાથી તેઓ સહેલાઇથી સમજી શકશે અને કોઇ પ્રતિબંધ મૂક્યા વિના સંતાનનું ધ્યાન પણ રહેશે.
સંતાન ક્યારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે તૈયાર છે, તેનો નિર્ણય માત્ર એક જ વારનો નથી, પણ તે માટે સતત સંવાદ જરૂરી છે. એ માટે ધીરજ, સ્પષ્ટ મૂલ્યો અને સહાનુભૂતિ જોઇએ. સંતાનની ભાવનાત્મક અને માનસિક તૈયારી, હકારાત્મક વર્તન અને માર્ગદર્શનથી તમે તેને જવાબદાર ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદરૂપ બની શકો છો. }
ઈજ્જત:અનિતા અમેરિકામાં જન્મી અને મોટી થઈ હતી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/anita-was-born-and-raised-in-america-135189212.html

અનિતા અમેરિકામાં જન્મી અને મોટી થઈ હતી. તેને ઈન્ડિયામાં દાદાદાદીને મળવાની બહુ ઈચ્છા થતી પણ દાદાદાદી ઈન્ડિયામાં ગામડામાં રહેતાં હતાં. એટલે તેનાં મમ્મીપપ્પા અનિતાને ઈન્ડિયા આવવા દેતાં નહોતાં એમ કહીને કે ઈન્ડિયાના ગામડામાં ન જવાય; ત્યાં કોઈ સ્રીની ઈજ્જત કરતું નથી. આપણા ગામડે જગુ નામનો માણસ છે એ ગુંડા જેવો છે; તું મુશ્કેલીમાં મુકાઇ જઈશ.’
અનિતા જીદ કરી ઈન્ડિયા, ગામડે દાદાદાદીને મળવાં આવી. એક દિવસ ફરતાં ફરતાં બહુ દૂર નીકળી ગઈ. અનિતાએ જોયું કે એક વ્યક્તિ ક્યારની તેની ઉપર નજર રાખી રહી છે.
અનિતાએ ઝડપથી ઘરે જવા પગ ઉપાડ્યાં. પેલી વ્યક્તિ પણ અનિતાની પાછળ પાછળ આવતી હતી. અનિતા ગભરાટભરી જેમતેમ કરીને ઘરે પહોંચી. એ દાદાને ફરિયાદ કરવા જાય ત્યાં પેલી વ્યક્તિ ઘર તરફ આવતી દેખાઈ. અનિતાએ ભય સાથે કહ્યું,`દાદા આ વ્યક્તિ મારો પીછો કરતી હતી અને પીછો કરતી કરતી આપણા ઘર સુધી આવી ગઈ.’
`ના બેટા એ વ્યક્તિ તારો પીછો નહોતી કરતી પણ તારી ઈજ્જતનું રક્ષણ કરતી હતી. તું ગામડાની ભૂગોળથી અજાણી છો એટલે મેં જ જગુને તારું ધ્યાન રાખવાનું કહ્યું હતું.’
`આવ જગુ. તે તારું કામ ચોકસાઈપૂર્વક કર્યું.’
`બેટા ભલે અમે ગામડિયા કહેવાઇએ; જગુ ગામનો ગુંડો અને અનિષ્ટ તત્ત્વ કહેવાય પણ એ બહેનો, દીકરોઓ, વહુઓની ઈજ્જતને ગામની ઈજ્જતમાં માને છે.’’ }
- નરેન્દ્ર ત્રિવેદી
ડૉ. જય નારાયણ વ્યાસ મેરિકા યુદ્ધસામગ્રી અને સરંજામ ક્ષેત્રે રિસર્ચમાં પોતાના કુલ જીડીપીના સાડા ત્રણ ટકા હિસ્સો ખર્ચે છે. ચીન બીજા નંબરે આવે. એનો ડિફેન્સ રિસર્ચ પાછળનો ખર્ચો ચાઈનીઝ જીડીપીના અઢી ટકા જેટલો છે. જ્યારે ભારત અમેરિકા અને ચીનના જીડીપી કરતાં કદમાં અનુક્રમે લગભગ સાતમા અને પાંચમા ભાગ જેટલું હોવા છતાં એનો રિસર્ચ પાછળનો ખર્ચ પોતાના જીડીપીના માત્ર 0.64 ટકાનો છે. આ કારણથી ભારત હજુ પણ યુદ્ધ મશીનરી તેમજ સરંજામના ક્ષેત્રે દુનિયાનો મોટામાં મોટો આયાતકાર દેશ છે અને આ આયાત માટે એ અમેરિકા, ઈઝરાયલ, ફ્રાન્સ, રશિયા જેવા દેશો પર નભે છે.
‘યુનાઇટેડ નેશન્સના પીસકીપિંગ ફોર્સ’ના ઢગલાબંધ સર્ટિફિકેટ હોવા છતાં આપણી પાસે લશ્કરી સાધન-સામગ્રી માટેની આત્મનિર્ભરતા નહીં હોવાને કારણે આપણું લશ્કર આટલી સુંદર કામગીરી પણ અત્યંત કપરા સંજોગોમાં કરે છે. ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (DRDO)એ સંશોધન અને નવા વિકાસ માટે સમયસર અને પૂરતાં નાણાં મળતાં નથી એવું અવલોકન દેશના સંરક્ષણ મંત્રીની હાજરીમાં કર્યું હતું.
તાજેતરમાં ભારતના એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે કહ્યું, ‘એક પણ ડિફેન્સ પ્રોજેક્ટ સમયસર પૂરો થતો નથી, જેના કારણે સમયસર સરંજામની ડિલિવરી મળતી નથી.’ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં આપણને ડ્રોન, સ્કાય ડિફેન્સ સિસ્ટમ જેવી ટેક્નોલોજી કેટલી મહત્ત્વની છે એનો પુરાવો મળી ગયો છે. ભારતે ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવી હશે તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે બજેટ વધારવું પડશે.
થોડા સમય પહેલાં પાકિસ્તાન સાથેની અથડામણમાં તુર્કિયે અને અઝરબૈઝાને પાકિસ્તાનને ખુલ્લો ટેકો આપ્યો અને તુર્કિયેએ તો પોતાનું જહાજ પણ મોકલ્યું. એટલું જ નહીં પણ આ જ સમયગાળા દરમિયાન પાકિસ્તાનને આઈ. એમ. એફ.ની એક બિલિયન ડૉલર સહાય મંજૂર કરવામાં આવી, જેમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન સમેત બધાએ ટેકો આપ્યો અને ભારત એકલું પડી ગયું.
એ ઉપરાંત ચીને પણ પાકિસ્તાનને વધારાની નાણાકીય સહાય આપી. એ જોતાં વિદેશનીતિના ક્ષેત્રે ભારત ગાજ્યું તેટલું વરસ્યું નથી, એવું કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. દરેક દેશને પોતાના હિતો આગળ ધપાવવામાં રસ હોય અને એને આધારે જ એની વિદેશનીતિ ઘડાય એ સ્વાભાવિક છે, એટલો બોધપાઠ આપણે આના પરથી મેળવવો જોઈએ.
પ્રમુખપદની ચૂંટણી પહેલા ટ્રમ્પે જાહેર કર્યું હતું કે પોતે જો અમેરિકન પ્રમુખ તરીકે ચૂંટાશે તો રશિયા અને યુક્રેન વચ્ચે બીજા જ દિવસથી યુદ્ધવિરામ થઈ જશે, જે થયું નથી. હમાસ-ઇઝરાયલની સંધિ પણ હજુ હવામાં લટકે છે. એવામાં, ભારત-પાકિસ્તાન વચ્ચે આપસના મતભેદો કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી વગર ઉકેલવા માટેની સીમલા સમજૂતી થઈ હોવા છતાં અમેરિકાએ ખુલ્લેઆમ ભારત-પાકિસ્તાન વચ્ચેની અથડામણમાં કામચલાઉ વિરામ કરાવ્યો તેવું ટ્રમ્પ કહે છે અને અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વાન્સ પણ તેમાં સૂર પુરાવે છે. એટલે જ્યાં ઢાળ દેખાય એ દિશામાં ગાડું ગબડાવવું એ પ્રકારની નીતિઓ અમેરિકાને અને તેમાંય ખાસ કરીને ટ્રમ્પને સારી રીતે માફક આવે છે.
ભારતના પાકિસ્તાન સિવાયના પાડોશી દેશોમાં પણ હલચલ મચી છે. નેપાળમાં રાજાશાહી પાછી લાવવાની માગ સાથે આંદોલન ચાલી રહ્યું છે. બાંગલાદેશમાં પણ ચૂંટણીની માંગ ઉગ્ર બની રહી છે. પણ ભારતના બીજા પાડોશી ચીનને કાબૂમાં રાખવાની પ્રતિબદ્ધતા સાથે અમેરિકા હંમેશાં સક્રિય રહ્યું છે. અમેરિકામાં જો બાઇડેનનું શાસન પૂરું થયું અને કમલા હેરિસને પરાસ્ત કરીને પ્રમુખપદે ટ્રમ્પે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં તેને હજુ છ મહિના જેટલો પણ સમય થયો નથી. આટલા ટૂંકા ગાળામાં પીટ હેગસેથ, જે ટ્રમ્પના મંત્રીમંડળમાં ડિફેન્સ સેક્રેટરી જેવો મહત્ત્વનો હોદ્દો ધરાવે છે, તેમણે બે વખત એશિયા, ખાસ કરીને એશિયા-પેસિફિક ક્ષેત્રની મુલાકાત લીધી તેને અમેરિકા એશિયા-પેસિફિક વિસ્તારના દેશો તેમજ ચીનની પ્રવૃત્તિ સામે નિર્ણાયક ભૂમિકા ભજવવાની તેમની ક્ષમતાને કેટલી અગત્યતા આપે છે, તેનું ઉદાહરણ ગણી શકાય.
હિન્દ-પ્રશાંત વિસ્તારમાં ચીનની હલચલ ઉપર બાજનજર રાખવાની તેમજ તાઇવાન જેવા દેશોને ચીન ગળી ન જાય તે માટે એક અસરકારક અવરોધકની ભૂમિકાવાળી અમેરિકાની નીતિની સાથોસાથ પોતાના સાથી તેમજ ભાગીદાર દેશો સાથે ક્વાડના નામે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલીયા સાથે તો ફાઇવ-આઈ તરીકે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, કેનેડા અને બ્રિટન સાથે અમેરિકા જોડાયેલું રહીને આ ક્ષેત્રમાં નજર રાખે છે. ક્વાડમાં પોતાનો સાથી દેશ ઑસ્ટ્રેલિયા ચીનની વ્યૂહાત્મક અને સામરીક હિલચાલ પર નજર રાખે જ છે અને એ માટે ઑસ્ટ્રેલિયાને ન્યૂક્લિયર પાવર્ડ સબમરીન પણ મળે તેમાં અમેરિકાએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઉપરાંત નાટો જેવા ગઠબંધનોમાં જોડાયેલા રહીને અમેરિકા મહાસત્તા તરીકે પોતે જગતજમાદારી કરવા માટે સક્ષમ છે તે પુરવાર કરવા માટે સતત કાર્યરત રહ્યું છે.
હેગસેથની મુલાકાતની વાત કરીએ તો બે મહત્ત્વના મુદ્દાનો એમણે આ વખતે સીંગાપુર ખાતેની કૉન્ફરન્સ દરમિયાન કરેલ ભાષણમાં વિશેષ ઉલ્લેખ કર્યો. તેમાં મહત્ત્વની વાત ચીનની વિસ્તારવાદી નીતિ અને પાડોશીઓ સાથે એક યા બીજી રીતે અડપલાં કરતા રહેવાના સ્વભાવને રોકવા માટે અમેરિકા તો પ્રતિબદ્ધ છે જ પણ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાના સાથી તેમજ ભાગીદાર દેશોએ પોતાની સંરક્ષણ સુસજ્જતા વધારીને સંરક્ષણ પાછળ વધુ પૈસા ખર્ચવા પડશે એમ કહેતાં હેગસેથે યુરોપિયન દેશોનો દાખલો આપી કહ્યું કે, આ દેશો પોતાના સંરક્ષણ બજેટ માટે કુલ જીડીપીના પાંચ ટકા જેટલો ખરચ કરે છે. એટલે ચીનનો પ્રતિકાર કરવા એશિયા-પેસિફિક ક્ષેત્રના અમેરિકાના સાથી તેમજ ભાગીદાર દેશોએ પોતાનું સંરક્ષણ બજેટ સારું એવું વધારવું પડશે.
‘બે બિલાડી અને એક વાંદરો’ વાર્તા સુપ્રસિદ્ધ છે. બે બિલાડીઓ ઝઘડે તો જ વાંદરા પાસે ન્યાય મેળવવા જાય અને વાંદરો એમાંથી પોતાની કટકી કાઢી લે. આમાં અમેરિકાના બંને હાથમાં લાડુ છે. એની ટેક્નોલૉજી તેમજ શસ્ત્રોનું ટેસ્ટિંગ થઈ જાય. એની સાથોસાથ અમેરિકાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને વધુ ધંધો મળે. આમ એક કાંકરે બે પક્ષી મારવાનો રસ્તો હેગસેથે સાધ્યો છે. એમણે એ પણ કહ્યું, ‘અમેરિકાની વિદેશ સહાય સ્થગિત કરી દેવાની નીતિઓમાં અપવાદ કરીને એમણે 50 કરોડ ડૉલર જેટલી રકમ ફિલિપિન્સને પોતાની સામરીક શક્તિ વિકસાવવા માટે આપવાનું નક્કી કર્યું છે. તેમણે એ પણ કહ્યું કે, ભલે શી જિનપિંગે 2027 સુધીમાં તાઇવાન પર આક્રમણ કરી તેનો કબજો કરવા ચીની સૈન્યને તૈયાર રહેવા હુકમો આપ્યા છે પણ ચીનની આ મુરાદને અમેરિકાની હાજરી બર આવવા નહીં દે.
આમ, હેગસેથની એશિયા ખંડની ફિલિપિન્સ પછીની આ બીજી મુલાકાતમાં સીધેસીધો ચીનને પડકાર ફેંક્યો અને પોતાના સાથી રાષ્ટ્રોને ચીનના ભયને વાસ્તવિકતા ગણાવતા ચીન કોઈ પણ હ૨કત કરે તો એની એકાધિકારવાદી તેમજ વિસ્તારવાદી નીતિ સામે અસરકારક પરિબળ બનીને ઊભા રહેવા માટે પોતાની શસ્ત્રસજ્જતા વધારવા અપીલ કરી હતી. હેગસેથની આ મુલાકાત અમેરિકા એશિયા-પેસિફિક વિસ્તારને ચીન સામેના બેલેન્સિંગ ફેક્ટર તરીકે કેટલું મહત્ત્વ આપે છે તેનું ઉદાહરણ છે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં અમેરિકા હવે ચીનને પોતાનું મુખ્ય અને અવધો૨ક પરિબળ ગણે છે, જે સ્થાન એક જમાનામાં રશિયાના ભાગે આવતું હતું. }
માનસ દર્શન:મહાત્માઓની ખુશ્બૂ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-fragrance-of-the-greats-135189237.html

નાભાજી ‘ભક્તમાળ’માં લખે છે:
ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઈનકે પદ વંદન કિયે નાશે વિઘ્ન અનેક.
તો શ્રી નાભાજી કહે છે: ‘નાશે વિઘ્ન અનેક.’ દુનિયામાં વિઘ્નો કેટલાં છે? નાભાજીએ કહી દીધું કે અનેક વિઘ્ન, પરંતુ ગણવાં પડશે કે ક્યાં ક્યાં વિઘ્ન છે? કેટલાક જ્ઞાનમાર્ગનાં વિઘ્નો છે; કેટલાક ભક્તિમાર્ગનાં વિઘ્નો છે; કેટલાક કર્મમાર્ગનાં વિઘ્નો છે અને કેટલાક યોગમાર્ગનાં પણ વિઘ્ન છે. અને જ્યારે ફસલ પાકે છે ત્યારે ઉપરથી ઘણાં વિઘ્નો આવે છેને! ચારે બાજુ વાડ કરી દો; સમયસર સિંચાઈ કરી દો; સારું ખેતર હોય, સારું બીજ હોય, એ બધું હોય ત્યારે જ ઉપરથી પંખી આવે છે! હવે જુઓ, આજુબાજુમાંથી જે વિઘ્ન આવે એને સુરક્ષા કરીને હટાવી શકાય, મર્યાદાથી એને રોકી શકાય, પરંતુ ઉપરથી વિઘ્ન આવે એને કેવી રીતે અટકાવી શકાય?
ભક્તિની ખેતીમાં ભજનનું ખાતર હોય છે. તો ભજનનું દેશી ખાતર હોય, યુરિયા નહીં. ગૌમાતાનું જે ગોબર હોય છે એ અસલી ખાતર છે. એ મનોરથના બીજને ખાતર મળે; મર્યાદાની વાડ રખવાળું કરે પરંતુ ઉપરથી વિઘ્ન આવે તો શું કરવું? ઉપરથી વિઘ્ન આવે એનાથી બચવા માટે ખેતરમાં એક નાનો એવો માંચડો બનાવવામાં આવે છે અને એ માંચડા પર કોઈ બેસીને વિઘ્નરૂપી પક્ષીઓને નાના નાના પથ્થરથી ઉડાડતા રહે છે.
મારી દૃષ્ટિએ ભક્તિની ખેતીમાં માંચડા પર તો હનુમાનજી બેસે છે. હનુમાનજી આપણાં વિઘ્નો હટાવે છે. તો સારું ખેતર, સારું બીજ, સારા જળની સિંચાઈ, સારું ખાતર, સારી વાડ અને સારા રક્ષક હોય પછી તો કહેવું જ શું?
મને પૂછવામાં આવ્યું છે: ‘રામચરિતમાનસ’ હકીકત છે, તો સંભાવના શું છે? ‘રામચરિતમાનસ’ જો વાસ્તવિકતા છે, તો સંભાવના છે ‘પાયો પરમ વિશ્રામ.’ એ સંભાવના છે. બંને સત્ય છે. ‘રામચરિતમાનસ’ હકીકત છે, પરમ સત્ય છે, તો આપણા માટે આ ‘રામચરિતમાનસ’નું ગાયન કરવાથી ‘પાયો પરમ વિશ્રામ.’ એ સંભાવના છે. અને લખ્યું છે, ‘એ ક્યાં સુધી લઈ જાય છે એ સિદ્ધ કરી દો!’ સિદ્ધ કોર્ટમાં કરવામાં આવે છે, હાર્ટમાં નહીં. સિદ્ધ કોર્ટમાં કરવામાં આવે છે અને કોર્ટમાં તો કેટલી મુદત પડે છે! પરંતુ ગુરુની સામે બેસીએ, ગુરુનું દિલ ધડકે, આશ્રિતનું દિલ ધડકે અને બંનેની ધડકન એક થઈ જાય એમાંથી જે વિશ્વાસ પ્રગટ થાય છે એને સિદ્ધ કરવાની કોઈ જરૂર નથી. રામ રટો. અમારા તુલસીદાસજી બાપુ ગાતા રહેતા હતા:
રામ રટણ સાંજ સવારે, બીક પછી કોની અમારે?
સવાર-સાંજ જો રામભજન થતું હોય તો પછી કોનો ડર?
આ દુનિયા દોરંગી વ્હાલા ફાવે એમ બોલે.
આ દુનિયા તો દોરંગી છે. એ શું શું બોલશે? આપના પ્રત્યે રાગ હશે તો પ્રશંસા કરશે; આપના પ્રત્યે દ્વેષ હશે તો આલોચના કરશે! એ જ જયજયકાર કરનારો સમાજ, એમાંથી એક માણસ નીકળ્યો, જેણે મારી મા જાનકી અને રામભદ્ર માટે આંગળી ઉઠાવી!
સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે.
કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે.
ઈસુને શૂળી પર ચઢાવી દીધા! કોણે? સમાજે. જે ઈસુ પ્રેમનો સંદેશ લઈને આવ્યા હતા. શું બગાડ્યું હતું એમણે સમાજનું? એક માસૂમ હસ્તી હતી જિસસ ક્રાઈસ્ટ. તો દુનિયા તો આવી છે! કોઈ પણ પ્રવૃત્તિ વધારવી, વિકસિત થવું એ રજોગુણનું લક્ષણ છે. રજોગુણનાં ઘણાં લક્ષણોમાંનું એક લક્ષણ છે વધવું. પાંચ રૂપિયાના પાંચ હજાર કરી દઉં એ રજોગુણનું લક્ષણ છે. પાંચ હજાર થાય પછી એમ વિચાર આવે કે હવે પાંચ લાખ કરી દઉં એ રજોગુણ છે!
તો એક બીજ વાવો અને નિરંતર એ વધે એ રજોગુણ છે, પરંતુ એમાં જે ફૂલ આવે છે એ સત્ત્વગુણ છે; સાથોસાથ એમાં જે કાંટા છે એ તમોગુણ છે પરંતુ ખુશ્બૂ ગુણાતીત છે. મહાત્માઓની ખુશ્બૂ હોય છે, શાસ્ત્રોની ખુશ્બૂ હોય છે. પરમાત્માની એક સ્મેલ હોય છે. એ ગુણાતીત ખુશ્બૂ છે. એમાં નથી તમોગુણ, નથી સત્ત્વગુણ કે નથી રજોગુણ. એવા મહાપુરુષ જે જીવન જીવે એમને કોનો ડર હોય? અને આખરે મૃત્યુ આવે છે તો ભલે મૃત્યુ આવે! એમાં શું મોટી વાત? બધાંનું મૃત્યુ થાય છે. તો દુનિયા તો દોરંગી છે! આ સંદર્ભમાં એક હિન્દી શે’ર છે:
યહાં મેરા કોઈ અપના નહીં હૈ.
ચલો અચ્છા હૈ, કોઈ ખતરા નહીં હૈ!
જ્યાં લોકો કહે છે કે અમે તો તમારાં છીએ, અમે તો તમારાં છીએ ત્યાં ખતરો હોય છે! આગળથી દંડવત્, પાછળથી દંડા! મીરાંને પોતાના જ લોકોએ ઝેર આપ્યું! જિસસને કહેવાતા એમના અનુયાયીઓએ થોડા સિક્કાઓમાં પોતાના ગુરુના મોતનો ઈશારો કર્યો! ગુરુને વેચી દીધા! જેનો દૃઢાશ્રય ન હોય એવા આશ્રિતનો કોઈ ભરોસો નહીં! થોડા સિક્કાઓના બદલામાં જુડાસે જિસસને મોતના મુખમાં મૂકી દીધા હતા! પછી તો જિસસના મૃત્યુ પછી જુડાસ પણ આપઘાત કરીને મરી જાય છે, કેમ કે બુદ્ધપુરુષને મોતને ઘાટ ઉતાર્યા’તા એણે! }(સંકલન: નીતિન વડગામા)
2025/07/10 10:50:54
Back to Top
HTML Embed Code: