Telegram Web Link
ડૂબકી:ભ્રમ અને સત્ય વચ્ચેની ભેદરેખા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-line-between-illusion-and-truth-135189235.html

રેક વ્યક્તિના અંગત અને પ્રજાના સામૂહિક જીવનમાં એવો સમય આવે છે, જ્યારે કશું બનતું ન હોય, છતાં ઘણું બની રહ્યું છે એવો ભ્રમ ઊભો કરવામાં આવે છે. આપણને કશું દેખાતું ન હોય, છતાં કહેવામાં આવે કે જુઓ, કેટલું બધું બની ગયું અને હજી ઘણું બનવાનું બાકી છે. એવા સમયે નક્કી કરી શકાતું નથી કે સાચું શું છે અને શું ઉપજાવી કાઢવામાં આવ્યું છે. જેમ સત્યની કોઈ ગેરંટી હોતી નથી તેમ ભ્રમની પણ કોઈ ગેરંટી હોતી નથી.
ઘણા લોકોને વિસ્મૃતિની બીમારી લાગુ પડે છે. એમના જીવનમાં બનેલી ઘણી બાબતો એમને યાદ આવતી નથી. પરિવારની કે નજીકની કોઈ વ્યક્તિ એમને એમના જીવનમાં બનેલી સત્યઘટનાની યાદ અપાવે અને એમને કહે કે આ તમારી સાથે બન્યું હતું ત્યારે સ્મૃતિ ગુમાવી બેઠેલી વ્યક્તિ દ્વિધામાં મુકાય છે. એ તે વાત સાચી માનવા માગે છે, પરંતુ ભુલાઈ ગયેલી સ્મૃતિમાંથી એને લગતા કોઈ પુરાવા મળતા નથી. એ વ્યક્તિ પોતાને બે અલગ અલગ વ્યક્તિરૂપે જોવા લાગે છે. એક વ્યક્તિ, જેના જીવનમાં એ બનાવ ખરેખર બન્યો હોઈ શકે અને બીજી એ વ્યક્તિ, જે એને સાચું માનવા માગે છે, પરંતુ સાચી માની શકતી નથી. એના માટે સત્ય અને ભ્રમ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય છે.
થોડા સમય પહેલાં લખવા ધારેલી નવલકથાના સંદર્ભમાં સ્મૃતિ વિશે વધારે માહિતી મેળવવાની જરૂર પડી. વાંચ્યું ત્યારે સ્મૃતિના વિવિધ પ્રકારો વિશે જાણવા મળ્યું. એમાં એક પ્રકાર હતો ‘ફોલ્સ મેમરીઝ’નો. કેટલાક લોકો વિસ્મૃતિનો ભોગ બને છે એમ કેટલાક લોકો ફોલ્સ – બનાવટી કે ઉપજાવી કાઢેલી – સ્મૃતિઓમાં રાચે છે. એની સાદી સમજણ આપવામાં આવી હતી – વ્યક્તિ બની ન હોય તેવી ઘટના કે વાતો મનમાં ઉપજાવી કાઢે છે અને પછી એને સાચી માનવા લાગે છે. ફોલ્સ મેમરીઝમાં કલ્પનાનું તત્ત્વ વધારે હોય છે.
અભ્યાસીઓ કહે છે તેમ લોકો એમની સ્મૃતિમાં બધું સાચવી શકતા નથી. કેટલુંક ભુલાઈ જાય છે. એથી કેટલાક લોકો સ્મતિમાં પડેલી ખાલી જગ્યા પૂરવા માટે એમાં કલ્પનાના રંગ ઉમેરે છે. નાનકડા રાજ્યની સરહદ પર જંગલમાં આવેલા એક ગામડાના વયોવૃદ્ધ પુરુષને એટલું યાદ હતું કે એ કિશોર હતો ત્યારે એના રાજ્યની રાણી એમના ગામની મુલાકાતે આવી હતી. વૃદ્ધ થયા પછી તે સમયે શું બન્યું હતું એની વાસ્તવિક વિગતો એ ભૂલી ગયો હતો. પછી એની વાત કરે ત્યારે એ વૃદ્ધ દરવખતે એમાં કશુંક નવું ઉમેરતો. ક્યારેક કહેતો, રાણી એની ઝૂંપડીમાં આવી હતી અને એમની સાથે ભોજન લીધું હતું. ક્યારેક કહેતો કે રાજાએ રાણીને મહેલમાંથી કાઢી મૂકી હતી. એ લપાતીછુપાતી આ ગામમાં આવી હતી. સૈનિકો એને પકડવા પાછળ પડ્યા હતા. વૃદ્ધના પિતાએ રાણીને પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો હતો.
વૃદ્ધાવસ્થાના આરે પહોંચેલી બે સ્ત્રીઓનું આ દૃષ્ટાંત પણ રસપ્રદ છે. એકનું નામ જશોદા અને બીજીનું કમલા, બંને પડોશી. ઘણાં વર્ષોથી એકલી રહે છે. રોજ સાંજે ગામની બહાર તળાવકાંઠે બેસી એમનો અંગત ભૂતકાળ યાદ કરે. જૂની વાતો કરવામાં એમને બહુ મજા આવતી. ધીરેધીરે સાચી બનેલી બનેલી વાતો ખૂટી પડી એથી એમણે એમના જીવનમાં ન બનેલી કેટલીક ‘ખાનગી’ વાતો કહેવાનું શરૂ કર્યું. એમાં સત્ય કરતાં કલ્પના વધારે હતી.
જશોદાએ કહ્યું, ‘કમલા, આ વાત મેં કોઈને કહી નથી, આજે તને કહું છું. મારાં લગ્ન થયાં તે પહેલાં મારા જીવનમાં એક પુરુષ આવ્યો હતો.’ કમલાની આંખો પહોળી થઈ ગઈ.
એણે કહ્યું, ‘ના હોય!’
જશોદાએ કહ્યું, ‘હું તારી પાસે ખોટું બોલું જ નહીંને. હું સોળ-સત્તર વર્ષની હતી ત્યારે આપણા ગામમાં નાટકમંડળી આવી હતી. એમાં એક યુવક વાંસળી વગાડતો. મને બહુ ગમતો, હું પણ એને ગમતી. અમે ચોરીછૂપીથી મળવા લાગ્યાં. અમે ભાગીને પરણવા માગતાં હતાં, પણ મારાં માબાપને ખબર પડી ગઈ એટલે મારા ભાઈઓ મારા પ્રેમીને પકડી, મારી-કૂટી, ક્યાંક ફેંકી આવ્યા અને મને રાતોરાત પરણાવી દીધી.’
જશોદાની વાત સાંભળીને કમલાને પણ ચાનક ચડી. એણે પણ એના જીવનમાં બનેલી એક ‘ખાનગી’ વાત જશોદાને કહી સંભળાવી. એ પરણી પછી એનો વર પૈસા કમાવા માટે દૂરના શહેરમાં ગયો. સાત-આઠ વર્ષ સુધી પાછો ન આવ્યો. તે વચ્ચે એ એક પરપુરુષના સંપર્કમાં આવી, ગર્ભવતી થઈ, દીકરો જન્મ્યો અને લોકલાજે એને અનાથાશ્રમનાં બારણાં પાસે મૂકી આવી.
એ દિવસ પછી તો બંનેને જાતજાતની ઉપજાવી કાઢેલી વાતો કરવાનું વ્યસન થઈ ગયું. એ વાતોમાંથી એ બંને એમના એકલવાયા જીવનનો ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતી હતી. એટલું જ નહીં, એમણે ઉપજાવી કાઢેલી ઘટનાઓને એ પોતે સાચી માનવા લાગી હતી. ભ્રમ પણ સત્ય લાગવા માંડે ત્યારે વાસ્તવિકતા ધૂંધળી પડે છે અને એમાં ડૂબેલી વ્યક્તિ પોતાના સ્મૃતિલોકમાં અલગ જ વિશ્વ ઊભું કરવા લાગે છે.
હિન્દીના સર્જક નિર્મલ વર્માએ એમના એક લેખમાં રશિયન વાર્તાનો ઉલ્લેખ કર્યો છે. એક યુવતી એના મિત્ર સાથે બરફથી ઢંકાયેલા પહાડ પરથી નીચે સરકવાની રમત રમતી હતી. સખત પવન ફૂંકાતો હતો. એક દિવસ અચાનક યુવતીને પાછળ રહી ગયેલા યુવકનો અવાજ સંભળાયો: ‘હું તને ચાહું છું.’
યુવતી નક્કી કરી શકતી નથી કે એ યુવક ખરેખર એવું બોલ્યો હતો કે એને ભ્રમ થયો છે?
નિર્મલ વર્મા કહે છે, ‘શું આ પણ ક્રાંતિની એક ટ્રેજેડી નથી કે લોકો કહેવા કશુંક માગતા હોય, ઇતિહાસ કશુંક જુદું કહેતો હોય અને આપણે સાંભળીએ છીએ કશુંક જુદું?’ }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/bollywood-music-made-by-china-135189231.html

મીરાં ત્રિવેદી હુમુખી પ્રતિભાના સ્વામી સંગીતકાર વસંત દેસાઇના બેનમૂન વ્યક્તિત્વને શબ્દોમાં બાંધવું ખરેખર અઘરું કામ છે. મૂળ નામ આત્મારામ દેસાઇ. એ જ આત્મારામ દેશના ઘરેઘરમાં વસંત દેસાઇ તરીકે ગુંજતા થયા એ પહેલાં એમણે કરેલા .
મહારાષ્ટ્રના સોનાવડ ગામે જન્મેલા આત્મારામ કિશોરાવસ્થામાં કોલ્હાપુર આવ્યા અને વી. શાંતારામની ‘પ્રભાત ફિલ્મ કંપની’ સાથે સંકળાયા. 1930માં આ ફિલ્મ કંપનીની પહેલી મૂક ફિલ્મ ‘ખૂની ખંજર’ માં વસંત દેસાઇએ અભિનય કર્યો. આ ફિલ્મી અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ. પછી તેમણે‘માયા મચ્છિંદ્ર’, ‘અમૃત મંથન’ અને ‘ધર્માત્મા’માં વિવિધ ભૂમિકા નિભાવી. ‘આદમી’ ફિલ્મમાં પહેલા અભિનેતા તરીકે વસંત દેસાઇની પસંદગી થઇ હતી, પણ કોઇ કારણસર અભિનેતા બદલી નાખવામાં આવ્યાં. આ ઘટનાએ વસંત દેસાઇને ઊંડો આઘાત આપ્યો. એટલે તેમણે અભિનયને અલવિદા કહીને સંગીતના ક્ષેત્રમાં કારકિર્દી આગળ વધારવાનું નક્કી કર્યુ.
ભૂતપૂર્વ અભિનેતામાંથી સંગીતકાર તરીકેની ઓળખ ઊભી કરવાના ભરપૂર પ્રયત્નો આદર્યા અને ગોવિંદ રાવ તાંબેના સહાયક બન્યા. વસંત દેસાઇએ સંગીતની તાલીમ બાબા દેવલ,અબ્દુલ કરીમ ખાં, મુંજી ખાં, વાજે બુઆ અને ગોવિંદ રાવ તામ્બે પાસેથી મેળવી અને સંગીતની બારીકીઓ શીખ્યા. ‘અમૃત મંથન’ સહિતની અન્ય ફિલ્મોનાં ગીતોમાં વસંત દેસાઇએ ગીતો ગાયાં. એટલે તેમણે શાસ્ત્રીય સંગીત પર વધારે ફોકસ કર્યું. અનેક મોટા ગજાના ખાંસાહેબો પાસેથી સઘન તાલીમ પ્રાપ્ત કરી. એ સાથે એમના જીવનમાં નવો વળાંક આવ્યો.
1932માં રજૂ થયેલી મરાઠી ફિલ્મ ‘અયોધ્યાચા રાજા’માં વસંત દેસાઇએ ‘જય જય રાજાધિરાજ...’ ગીત ગાયું. ફિલ્મ નિર્માતા માસ્ટર વિનાયકે વસંત દેસાઇને ‘છાયા’ ફિલ્મમાં સંગીત દિગ્દર્શનનું કામ વસંત દેસાઇને સોંપ્યું, પણ તેમણે ફિલ્મમાં ક્રેડિટ ન મળી.
વસંત દેસાઇ મુકામ પોસ્ટ મુંબઇ પહોંચ્યા. 1942માં સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની પ્રથમ હિંદી ફિલ્મ ‘શોભા’ હતી.
1943માં રિલીઝ થયેલી ફિલ્મ ‘શકુંતલા’એ વસંત દેસાઇને સફળતાનાં દ્વાર સુધી પહોંચાડ્યા. આ ફિલ્મ સંગીતને લીધે સુપરહિટ નીવડી. વી. શાંતરામ સાથે તેઓ લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા.
‘ડૉ. કોટનીસ કી અમર કહાની’ ફિલ્મનું સંગીત બનાવવા માટે વસંત દેસાઇ ચીન ગયા. ત્યાં બે વર્ષ સુધી તેમણે ચીનના સંગીતની બારીકીઓ જોઇ, જાણી અને સમજી. પછી તેમણે ‘નઇ દુલ્હન...’ ગીતની રચના ચીનના લોકસંગીતનો આધાર લઇને બનાવી. જયશ્રીના કંઠે ગવાયેલાં આ હિંદી ગીતનાં મૂળ ચીન સુધી પહોંચ્યા! આ રીતે બોલિવૂડ સંગીતમાં ચીનના સંગીતનો ઉપયોગ કરનારા જીનિયસ સંગીતકાર વસંત દેસાઇ હતા.
હિંદી, મરાઠી સિનેમામાં અને મરાઠી સંગીત નાટકોમાં સુમધુર સંગીત પીરસ્યું હતું. સંગીતના ક્ષેત્રે તેમણે બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમણે કેટલીક હિંદી ફિલ્મો માટે બેકગ્રાઉન્ડ સ્કોર બનાવેલો. ઉચ્ચ કોટિના સંગીતકાર વસંત દેસાઇની પ્રતિભાની જોઇએ એવી કદર તો નહોતી જ થઇ, એ એમનું દુર્ભાગ્ય!
પ્રતિભા, પુરુષાર્થનો સરવાળો હંમેશાં ધૂંઆધાર સફળતા જ હોય એવું જરૂરી નથી. એ માટે ભાગ્યનો સાથ મળવો પણ છે.
પ્રતિભાશાળી સંગીતકાર વંસત દેસાઇ ભારતીય શાસ્ત્રીય સંગીતના રાગ પર આધારિત તર્જ બનાવવામાં માહેર હતા અને આ જ તેમણે રચેલા ગીતોની વિશેષતા ગણાય છે. તેમણે કુદરત-પ્રકૃતિનો નૈસર્ગિક અવાજ પોતાના સંગીતમાં સુંદર રીતે વણી લીધો. દાખલા તરીકે ગાયના ગળામાં ભરાવેલી ઘંટડીઓનો રણકાર, વૃક્ષનાં પાંદડાંઓની ફરફર. આ બધું તેમના સંગીતમાં સમાવિષ્ટ હતું. તેમણે પોતાના નામને બદલે કામને બોલતું કર્યું. ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’ના એક સુમધુર ગીત ‘તેરે સુર ઔર મેરે ગીત, દોનો મિલકર બનેગી પ્રીત…’માં ‘વસંતપણું’ એક એક સૂરમાં ઘરેઘરમાં ગુંજી ઊઠ્યું હતું.
ફિલ્મ જગતમાં જમાવટ કરવા માટે વસંત દેસાઇએ કદી પોતાના કામ સાથે સમાધાન કર્યું નહોતું. પોતાની ઝળહળતી કારકિર્દી દરમિયાન વસંત દેસાઇને પ્રચંડ પુરુષાર્થ સિવાય પ્રપંચ-કાવાદાવા-પોલિટિક્સ એક પણમાં રસ નહોતો. તેમના નામને ચરિતાર્થ કર્યું એમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. સંગીતના ક્ષેત્રે વસંત દેસાઇના પગલે પગલે ખરેખર ‘વસંત’ આવી અને જામી હતી.
વિખ્યાત ફિલ્મમેકર વી. શાંતારામ અને વસંત દેસાઇના સૂરમયી સંબંધમાં ભરવસંતે પાનખર બેઠી. વી. શાંતારામ સાથે છેડો ફાડ્યાનો સંવેદનશીલ સંગીતકારને જોરદાર આઘાત લાગ્યો તેમ છતાં તેમણે કદી જાહેરમાં વી. શાંતારામ વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. વી. શાંતારામ વિશે કદી કોઇ ફરિયાદ ન કરી.
સાઠના દાયકામાં તેમની મોટા ભાગની ફિલ્મો પૌરાણિક કે ઓછા બજેટમાં બનાવી હતી પણ, વસંત દેસાઇ જે ફિલ્મમાં સંગીત આપ્યું તે દિલ દઇને આપ્યું અને પોતાના નામને અને વધારે કામને સાર્થક કર્યું. આ સમયગાળા દરમિયાન વસંત દેસાઇ મરાઠી ફિલ્મો અને મરાઠી સંગીત નાટકો અને બાળનાટકો અને અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત રહ્યાં.
ચાળીસના દાયકામાં આરંભાયેલી સંગીતની સફર દરમિયાન 50થી વધુ ફિલ્મોમાં સંગીત પીરસ્યું.તેમણે
22 ડિસેમ્બર, 1970ના રોજ વસંત દેસાઈએ ‘ગુડ્ડી’ ફિલ્મનું જાણીતું ગીત ‘બોલે રે પપીહરા...’ રેકર્ડ કર્યુ. અને
22 ડિસેમ્બર, 1975ના રોજ વસંત દેસાઇ પોતાના એપાર્ટમેન્ટ બિલ્ડિંગની લિફ્ટમાં ચઢ્યા અને ટેક્નિકલ ખામીને કારણે, લિફ્ટ ચાલુ થઇ ગઇ અને કચડાઈને તેમનું મૃત્યુ થયું. આવા હોનહાર સંગીતકારની જીવનયાત્રાનો દુ:ખદ અંત આવ્યો.}
વિકાસની વાટે:નિરાશા સાથે કામ પાડવાની સરળ, સચોટ; સક્ષમ ચાવી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/a-simple-accurate-and-effective-key-to-dealing-with-disappointment-135189223.html

હસમુખ પટેલ દ્યાર્થીઓ પરીક્ષામાં નિષ્ફળ જાય કે અપેક્ષા મુજબનો દેખાવ ન કરી શકે ત્યારે નિરાશ થતા હોય છે. ઘણીવાર આ નિરાશા પરીક્ષાનું પરિણામ આવે ત્યારે નહીં; પરીક્ષા આપીને બહાર નીકળે અથવા પરીક્ષાખંડમાં જ શરૂ થઈ જતી હોય છે. આવે સમયે શું કરવું?
પરીક્ષા કક્ષમાં તો નિરાશ થવાનો સવાલ જ નથી. પરીક્ષા સમયે તો પૂરેપૂરું ધ્યાન પરીક્ષા પર જ આપવાનું છે. તે સમય પરીક્ષાના દેખાવનું મૂલ્યાંકન કરવાનો નથી, તે તો દેખાવ કરવાનો સમય છે. ક્રિકેટનો બેસ્ટમેન રમતી વખતે તે જ દડો રમે છે, પાછળનો દડો તે કેવો રમ્યો, કેવો રમવો જોઈતો હતો, એવો શું કામ રમ્યો તેનો વિચાર કરતો નથી. તેનું ધ્યાન તો તે જ દડો રમવા પર હોય છે.
પરીક્ષા વિદ્યાભ્યાસની હોય કે જીવનની, દરેક જગ્યાએ તે સમાન રીતે જ લાગુ પડે છે. કસોટીના સમયે તો કસોટીમાંથી ઉત્તીર્ણ થવા પર જ લક્ષ્ય હોવું ઘટે.
પરીક્ષા પછીની નિરાશાનું શું કરવું? જાણીતા કટાર લેખક અને પ્રશિક્ષક બી. એન. દસ્તુર પાસેથી બે દાયકા પહેલાં આ અંગે મને એક સરસ સાધન મળ્યું છે. તેને તેઓ ‘અબક તબક’ સિદ્ધાંત કહે છે. ‘તબક એટલે તમે બધું કર્યું?’ અને ‘અબક એટલે અમે બધું કર્યું.’
પરીક્ષા પૂર્ણ થાય ત્યારે જાતને સવાલ કરવાનો, ‘તમે બધું કર્યું?’
જો જવાબ મળે ‘હા અમે બધું કર્યું’ તો નિશ્ચિત થઈને સૂઈ જવાનું. તેઓ તો એમ કહે છે કે રોજ રાતે સૂતાં પહેલાં અરીસા સામે ઊભા રહી પોતાની જાતને પ્રશ્ન કરવો ‘આજે તમે બધું કર્યું?’ અને જો જવાબ મળે કે ‘હા, અમે બધું કર્યું’ તો નિરાંતની નીંદર લેવી.
પણ જો જવાબ મળે કે ‘ના, અમે બધું નથી કર્યું’ તો? તો જે ન કર્યું હોય તે કરવા કટિબદ્ધ થઈ સૂઈ જવું. આ કહેવું સહેલું છે, કરવું નહીં. માત્ર ‘અબક તબક’ કરવાથી વાત પૂરી નથી. ખરી કસોટી તો તે પછી આપણે શું કરીએ છીએ તેના પર છે. જવાબ નકારમાં મળે ત્યારે મોટા ભાગના લોકો બહુધા અપરાધભાવમાં સરી પડતા હોય છે. વિદ્યાર્થીઓની નિષ્ફળતાનું આ સૌથી મોટું કારણ છે. માત્ર વિદ્યાર્થીઓનું જ નહીં, દરેક ક્ષેત્રની વ્યક્તિનું.
‘તમે બધું કર્યું’ તે પ્રશ્નનો જવાબ નકારમાં મળે ત્યારે અપરાધભાવમાં પડનાર વ્યક્તિ પોતાની જિંદગીની જવાબદારી લેવા તૈયાર નથી. આવી વ્યક્તિ જિંદગીમાં નિષ્ફળ જ જવાની. જિંદગીમાં બધું જ સરખું ચાલે તે જરૂરી નથી. તેના માટે ક્યારેક આપણે જવાબદાર હોઈએ, ક્યારેક બીજા અને ક્યારેક સંજોગો પણ તેની જવાબદારી તો આપણે જ લેવાની થાય. આપણે જવાબદારી લઈએ તો જ પરિણામ આપણા હાથમાં રહે, તો જ સફળ થવાય. સફળ લોકોની સફળતા પાછળનું સૌથી મોટું કારણ તેમની જવાબદારી લેવાની તત્પરતા છે, તેમ હું માનું છું, તેવો મારો અનુભવ છે.
જવાબદારી લેવી એટલે? જવાબદારી લેવી એટલે બીજાઓ કે સંજોગોનો કે પોતાનો દોષ જોવાને બદલે હવે પછી આવું ના થાય તે માટે કટિબદ્ધ થવું. અત્યારે ગમે તે કારણે જે થયું તે થયું પરંતુ હવે પછી જે કરવાનું છે તે હું જ કરીશ, તેમાં સફળ ન થાઉં તો પણ તેને હું જ સરખું કરીશ.
‘તમે બધું કર્યું’ તે પ્રશ્નનો જવાબ નકારમાં મળે ત્યારે બીજા દિવસે કરવા માટે કટિબદ્ધ થવું એટલું જ નહીં, બીજા દિવસની કાર્યયોજના બનાવવી અને તે મુજબ કામે લાગી જવું અને દિવસ દરમિયાન કાર્યયોજનાનું મૂલ્યાંકન કરતા રહેવું અને જરૂર મુજબ તેમાં ફેરફાર કરતા રહેવું જરૂરી છે.
દસ્તુરસાહેબના આ સિદ્ધાંતનો હું વિધિસર ઉપયોગ કરતો નથી પરંતુ પ્રતિક્ષણ સાર્થક અને ફળદાયી રીતે જીવવાનો મારો સ્વભાવ થઈ ગયો છે. જો દિવસ બગડ્યો હોય તો મને સાંજે અસુખ થાય. બીજા દિવસે સરખું કરવાનું નક્કી કરું. ક્યારેક એવું પણ થાય કે બે-ચાર દિવસ સુધી મેં મારા સમયનો અસરકારક ઉપયોગ કર્યો ન હોય તો મને રાત્રે ઊંઘ ના આવે અથવા ઊંઘમાંથી જાઉં ને વિચારે ચડી જાઉં. તે જ વખતે આગળની કાર્યયોજના બનાવી નોંધપોથીમાં લખી લઉં તે પછી જ ઊંઘ આવે.
દસ્તુરસાહેબને જ્યારે મળવાનું થાય ત્યારે તેમની પાસે નવું શીખવાનું હોય જ. તેઓ અનુભવોની રસલહાણ કરે. એકવાર એમણે સ્વામિનારાયણ સંસ્થા વિશેનો અનુભવ કહ્યો હતો. લંડનમાં સંસ્થાની મિલકત વિશેનો કેસ આખરી અદાલતમાં હારી ગયા ત્યારે સંતો બહુ દુઃખી હતા.
સાંજે પ્રમુખસ્વામી મહારાજ પાસે બેઠા ત્યારે તેમણે પૂછ્યું, ‘તમારે કરવું જોઈતું હતું તે બધું તમે કર્યું હતું? તમારાથી થાય તે બધું તમે કર્યું હતું?’
સામેથી સંતોએ જવાબ આપ્યો, ‘હા’. તો ‘જાઓ બધા નિરાંતે સૂઈ જાવ.’ સ્વામીએ કહ્યું.
નિરાશા સાથે કામ પાડવાની આનાથી સરળ, સચોટ અને સક્ષમ ચાવી ન હોઈ શકે. }
મજાતંત્ર:તબિયત સાચવવાનું નક્કી કર્યું હોય ત્યારે જ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/only-when-you-are-determined-to-stay-healthy-135189227.html

ચેતન પગી ર પૈડાંવાળાં ખાણીપીણીના ખૂમચા-લારીઓ બે પગવાળા મનુષ્યોની પ્રગતિ આડે આવતો સૌથી મોટો અવરોધ છે. ના, રસ્તા પરના દબાણની વાત નથી. એ તો શહેર સુધરાઈવાળા ફોડી લેશે. તમે તબિયતનું ધ્યાન રાખવાનું મનોમન નક્કી કરીને બેઠા હશો, જીમમાં બે-ચાર સેશન પતાવીને આવ્યા હશો ત્યારે જ તાજા તળાઈને ઊતરેલાં ભજિયાં, ફાફડા-ગાંઠિયા કે વડાપાઉં વચ્ચે ઠાંસવા માટે શેકાઈ રહેલા લાલ મરચાંની સુગંધ તમારા મક્કમ નિર્ધારો, પ્રતિબદ્ધતાઓ, કટિબદ્ધતાઓ જેવા તમામ અઘરા શબ્દોની પથારી ફેરવી દેશે.
પાંત્રીસની વય પછી બહાર આવેલું પેટ એવું શારીરિક દબાણ છે જે એ. એમ. સી.વાળા પણ દૂર કરી શકે એમ નથી. મોટા ભાગના લોકો પાસે સારા ડૉક્ટર કરતા સારાં દાળવડાં મળે એવી જગ્યાઓના વિકલ્પ વધારે જ હોય છે. આ સ્પર્ધામાં ટકી રહેવા માટે ડૉક્ટરોએ પ્રિસ્ક્રિપ્શન સાથે ચટણી અને તળેલાં મરચાં આપવા જોઈએ અને પહેલા તો આ પ્રિસ્ક્રિપ્શન પ્રકારના મગજની કઢી કરે એવા અઘરા શબ્દોને તિલાંજલિ આપવા જેવી છે. એની સામે લારીવાળાઓ કેટલા સારા? ખરેખર કઢી આપે છે એ પણ માગો એટલીવાર.
‘કૌન બનેગા..’માં જેમ અમુક લેવલ પાર કરો પછી અઘરા સવાલો શરૂ થાય છે એ જ રીતે અસલી જીવનમાં પણ 35 વર્ષની વય પાર કર્યાં પછી ચોક્કસ પ્રકારના અણિયારા સવાલો પુછાય છે. આ જ કેટેગરીનો એક સવાલ છે-‘તબિયત-પાણી કેવાં છે?’
એટલું જ નહીં પાંત્રીસ પછી આવતા બર્થ ડેમાં પણ ‘વિશ યૂ અ હેલ્ધી લાઇફ’ જેવી શુભેચ્છાઓ મળવાની શરૂ થાય છે. પચીસ-ત્રીસ સુધી આ પ્રકારના સવાલો-શુભેચ્છાની પળોજણ નથી હોતી.
ટૂંકમાં, મૂળ ડખો પાંત્રીસ-ચાળીસ પછી શરૂ થાય છે. આપણે ભલે મરીએ ત્યાં સુધી જીવવાનું કે પચાસ-પંચાવને પણ યુવાન છીએ એવું ફીલ કરવાનું નક્કી કર્યું હોય તો પણ મિત્રો-સ્વજનો કાયમ આપણને વધતી વયની યાદ અપાવવા ટાંપીને બેઠા હોય છે.
મોટેરાઓને પોતે ‘હજુ તો મારી ઉમર ક્યાં થઈ છે?’ જેવી સ્વઘોષિત માન્યતામાં રાચતા હોય છે. બીજી તરફ બાળકોના કેસમાં સ્થિતિ તદ્દન જુદી હોય છે.
મોટેરાઓને પોતે મોટા થયા એવું સ્વીકારવા તૈયાર નથી જ્યારે બાળકો પોતે ‘બાળક’ છીએ એવું માનતા નથી. હવે તો ચાર વર્ષના બાળકને પણ ‘હું નાનો હતો ત્યારે દરિયામાં નહાવા ગયો હતો.’ જેવું બોલતા સાંભળવા મળે છે.
હવે એ ભોળા જીવને કેવી રીતે સમજાવવું કે ‘ભઈલા, તું હજુ પણ બાળક જ છે.’ આવતાં દસેક વર્ષમાં ચાર-પાંચ વર્ષનાં બાળકો સોફામાં બેસીને સેન્સેક્સની ચડઊતર વિશે ચર્ચા કરતા જોવા મળે એવી શક્યતાને જરા પણ નકારી શકાય એમ નથી.
બાળકો પણ જન્મજાત પોલિટિશિયન હોય છે. એમને પાકી ખબર હોય છે કે કઈ જરૂરિયાત વેળાએ પોતાની ઉમર કેટલી રાખવી. એટલે કે સેન્સર બોર્ડે જેને પુખ્ત વયનાઓ માટેનું પ્રમાણપત્ર આપ્યું છે એ ‘ડેડપુલ’ જોવા માટે જે બાળક ‘હું તો હવે મોટો થઈ ગયો છું.’ એવું જાહેર કરે છે, એ જ બાળક શોપિંગ દરમિયાન ગમતું રમકડું ખરીદવા માટે ફરી બાળક બની જાય છે.
કુદરતી ગોઠવણ મુજબ પુખ્ત થયા પછી બાળક બની શકાતું નથી પણ ખરેખર બાળક હોય તેઓ મરજી પ્રમાણે વયમાં વધઘટ કરી શકે છે. પણ આવી સુવિધા મોટા થયા પછી મળતી નથી.
હા, એ જુદી વાત છે કે સરકારી ચોપડે પુખ્ત બનેલી વ્યક્તિ માનસિક સ્તરે બાળક હોય એ બની શકે છે. નિકાસ અને આયાત વચ્ચેની ખાધ મોટી હોય એ અર્થતંત્ર માટે સારી વાત નથી એ જ રીતે શારીરિક વય અને માનસિક વય વચ્ચેની ખાધ પણ પહોળી હોય તો ગરબડ થવાના ચાન્સીસ વધી જાય છે. એક જૂની રમૂજ છે કે ‘તું મોટો થઈને શું બનીશ?’ એ પૂછવા પાછળનો મોટેરાઓનો આશય ખરેખર તો પોતે શું કરવું જોઈએ એ અંગેનો આઇડિયા મેળવવાનો છે. }
લક્ષ્યવેધ:અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ વધાર્યો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/increased-confidence-in-speaking-english-135189165.html

પી. એસ. સી.માં સફળતા નહોતી મળી રહી, આંખો પલળી રહી હતી. પપ્પાએ કહેલું ભૂકંપમાં આપણે કેટલું ગુમાવ્યું હતું પાછું ઊભું થઈ ગયુંને? આ પણ એક પરીક્ષા જ છે. બધું જ મળી જશે, ધીરજ રાખજે.’ કેવલ મહેતાના પિતા પોતાના દીકરાના જમીનદોસ્ત થઈ ગયેલા આત્મવિશ્વાસને ફરી ઊભો કરવા ટેકો આપી રહ્યા છે.
કેવલ મહેતાનો જન્મ ભૂજમાં થયો. ભણવામાં તેજસ્વી. ઘર પરિવારમાં ઘણાખરા લોકોનો ઝુકાવ વ્યવસાય તરફ. નોકરીની માનસિકતા ખાસ નહીં. કેવલ મહેતાના સિવિલ સેવા પરીક્ષાના વિચાર સામે ઘણા અવરોધ આવ્યા. પ્રારંભિક નિષ્ફ્ળતાઓએ તેમના ‘નોકરી ના કરાય’ એવી સલાહ આપનાર સલાહકારોને ઘણા પોરસાવ્યાં. પણ કેવલ કેવળ પોતાના વિચારને વળગી રહ્યા.
ધોરણ દસમા સારી ટકાવારી પછી કેવલભાઈ સાયન્સ જ કરે એવી સામાજિક જીદ લઈને હિતેચ્છુઓ બેઠા હતા. ત્યારે પણ મનમાં કોમર્સનો નિર્ણય કર્યો હતો અને કોમર્સ જ ભણ્યા. અમદાવાદમાં બી. કોમ. કર્યા બાદ સિવિલ સેવાની લાંબી તૈયારી શરૂ કરી.
યુ. પી. એસ. સી.ની સિવિલ સેવા પરીક્ષા દેશની કઠિનતમ પરીક્ષાઓમાંની એક છે, એ સ્પર્ધાનો રોમાંચ જ મનમાં હતો. સ્કૂલના દિવસોમાં એક એક માર્ક્સ માટે કેવલભાઈએ અભ્યાસનિષ્ઠા દાખવેલી. ‘કંઈક ચેલેંજિંગ કરવું છે’ એ વિચાર જ મનને ઊર્જાથી ભરી દેતો. સપનાના વાવડ આંખોને મળે એટલે સતત લડવાની જીદ આવી જ જાય.
કેવલભાઈને કમ્પ્યૂટર ગેમ્સ બહુ ગમતી. આમ તો ગેમિંગના ફાયદા નુકસાન બંને છે, પણ ગેમિંગ જો મર્યાદિત સમય માટે કરવામાં આવે તો ફાયદાકારક પણ થઇ શકે છે. આંખ મગજ હાથના ત્રિસંધાન સાથે અવિલંબિત નિર્ણય લેવાની એકાગ્રતા ખીલી શકે છે. આ શોખથી નીપજેલું કૌશલ્ય હિતકારી નીવડ્યું. કોઈ પણ પરીક્ષા એક પ્રકારની ‘કાઉન્ટર સ્ટ્રાઇક’ જ છે.
તેઓ દિલ્હી ગયા, બહુ મજા ન આવી. તૈયારી શરૂ કરી. શરૂઆતમાં પોતાની રીતે જ તૈયારી કરવા માટે યૂ-ટ્યૂબ પર વિડીયો જોયા પણ એમની સલાહો પર ખાસ ધ્યાન ન આપી. પ્રીલિમિનરી માટે પેપર લખવા જોઈએ, એ વાત અવગણી. પરીક્ષાની રણનીતિના મૂળિયાં જ ઊંડાં નહોતાં, પરિણામે પ્રીલિમિનરીથી આગળ વધી જ ન શકાતું.
કેવલભાઈ ‘સ્પીપા’ અમદાવાદ ખાતે પ્રવેશ મેળવે છે. પદ્ધતિ વિના પછડાટ મળે એ અહીં સમજાયું. ‘સ્પીપા’ની નિયમિત ટેસ્ટ સિરીઝે મગજને પ્રીલિમિનરી માટે તૈયાર કર્યું. પ્રીલિમિનરી એક પ્રકારનું બ્રેન એથ્લીટિક્સ છે, જેમાં માત્ર જાણકારી ખબર હોવી પૂરતી નથી. સવાલની અંદર ગૂંથાયેલો મૂળ સવાલ સમજવો પડે છે, વિકલ્પોના વાંકાચૂકા રસ્તાઓમાંથી સાચો જવાબ શોધવો પડે. આંખ જેટલી ટેવાય એટલા છેતરામણા સવાલો અને વિકલ્પોથી ઉમેદવાર પોતાને બચાવી શકે છે. વારંવાર અભ્યાસ જ ઉમેદવારને ઝાંઝવાના જળમાંથી ઉગારી શકે છે.
પ્રીલિમિનરીનો કોઠો વીંધી ન શકનાર કેવલભાઈ સતત પ્રીલિમિનરીની ટેસ્ટ આપવાના કારણે એકદમ સરળતાથી પ્રીલિમિનરીમાં ઉત્તીર્ણ થવા લાગ્યા. કટ ઑફની સીમારેખાથી ક્યાંય ઉપર. સતત પડતાં પાણીનાં ટીપાનું સાતત્ય પત્થરને વીંધી નાખે એવી વાત.
મેન્સમાં પોલિટિકલ સાયન્સ મુખ્ય વિષય હતો. અઠવાડિયે એક-બે વાર ફુલલેન્થ પેપર લખતા. નિબંધમાં ઓછા માર્ક્સ આવતા. પહેલા બધાથી નોખો લાગે એવો વિષય પસંદ કરીને નિબંધ લખવાનું નક્કી કર્યું હતું પણ એ રણનીતિ નકામી નીવડી. પછી જે વિષયમાં સમજણ સારી પડે એમાં જ નિબંધનો વિષય પસંદ કર્યો. આમ નિબંધના પેપરમાં ગુણ વધી ગયા. જવાબને વધુ બહુઆયામી બનાવવાની કોશિશ કરી. ટૂંકમાં ઝાઝું કહેવાની કળા વિકસાવી. રણનીતિ સફળ થઇ અને પર્સનાલિટી ટેસ્ટના દરવાજા ખૂલ્યા.
અંગ્રેજીમાં બોલવામાં થોડો આત્મવિશ્વાસ ઓછો હતો, પરંતુ વારંવાર મોક ઇન્ટરવ્યૂ આપવાના કારણે એ ડર દૂર થયો. પર્સનાલિટી ટેસ્ટમાં કઈ ભાષામાં ઇન્ટરવ્યૂ આપવો એની પસંદગી ફોર્મ ભરતી વખતે જ કરી શકાય છે. પ્રાદેશિક ભાષા પસંદ કરો તો દુભાષિયા પણ ઉપલબ્ધ હોય છે, પરંતુ સામાન્ય રીતે દેશના મોટા ભાગના ઉમેદવારો અંગ્રેજી અને હિન્દીમાં જ ઇન્ટરવ્યૂ આપતા હોય છે.
પર્સનાલિટી ટેસ્ટમાં ગુજરાત અંગે સવાલો પુછાયા. સેમિકન્ડકટર ઉદ્યોગ અને ધોલેરા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા. ટેક કંપનીઓ ધોલેરામાં કેમ રોકાણ કરી રહી છે? ધોળાવીરા અને સિંધુ સંસ્કૃતિ તેમજ સરક્રીક વિશેના સવાલો ઇન્ટરવ્યૂમાં પુછાયા.
અડધા દાયકાની મહેનત પરિણામના દિવસે જાણે મોં તાકીને જોતી હોય એમ લાગે. આ વર્ષે તેમના પિતાની આંખમાં આંસુ હતા, ખુશીના આંસુ. ઓલ ઇન્ડિયા રેન્ક 756 સાથે કેવલ મહેતાનો લક્ષ્યવેધ સિદ્ધ થયો હતો.
લોકોના અભિપ્રાયોની સામે તરીને જાતમહેનતથી કરેલી ભૂલોથી પોતાનાં સપનાં સાકાર કરવાની યાત્રા એટલે કેવલ મહેતાનો લક્ષ્યવેધ. ક્ષમતા હોય તો નિખારી શકાય અને ન હોય તો કેળવી શકાય, અટકી જવામાં જ અભિશાપ મળે છે, સતત ચાલતા રહો તો પ્રવાસ નવા સરનામે પહોંચાડતો જ રહે છે. }
સાપ્તાહિક ભવિષ્યફળ:ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/fortune-telling-based-on-the-moon-sign-2025-135189220.html

જયેશ રાવલ અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 08-06-2025થી તા. 14-06 -2025 સુધી) મેષ (અ. લ. ઈ.)
નકારાત્મક અસરો ઓછી થતી જાય અને સુમેળભર્યા દૃષ્ટિકોણથી કામનો ઉકેલ આવે. ધનલાભ તથા અણધારી સફળતા મળે. પ્રોફેસર બુદ્ધિજીવીઓ, સંશોધકો, એનાલિસ્ટ, અર્થશાસ્ત્રી વગેરેના વ્યવસાયમાં નિખાર આવે. વિદ્યાર્થીઓની તેજસ્વિતા વધે. આત્મસંતોષ વધે. આળસ ખંખેરવી. બાળકોના આરોગ્યની ચિંતા રાખવી. તા. 08-13-14 સ્ત્રી લાભ. તા. 09 પીડાદાયક. વૃષભ (બ. વ. ઉ.)
વેપાર, નોકરી, વ્યવસાયમાં સ્થિરતા આવે. ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળે. વહીવટી કાર્યદક્ષતા વધે. નિર્ણયો લઈ શકાય. અટપટા સંજોગોમાં આંતરસૂઝનો ઉપયોગ કારગત નીવડે. પ્રતિષ્ઠા વધે. બે પક્ષો વચ્ચે સમાધાન કરનારા અને ન્યાય તોળનારાનો પ્રભાવ વર્તાય. સ્ટ્રેસ ન વધે તે જોવું. તા. 08-09-14 શત્રુવિજય. તા. 12 ભાગ્યહાનિ. મિથુન (ક. છ. ઘ.)
આવકનાં સાધનો વધતાં આર્થિક સ્થિતિ સારી બને. સૌમ્યતાભર્યો વ્યવહાર આપને સફળતા અપાવશે. પ્રગતિનાં નવાં સોપાનો સર થઈ શકે. લેખકો અને કવિઓને નવી રચના કરવાની તમન્ના ફળદાયી નીવડે. શેરબજાર અને સાહસિક કાર્યમાં સફળ થવાય. દાંપત્યજીવનના પ્રશ્નો ઉકેલાય. માનસિક તાણ જન્મે. તા. 09-10-11 હરીફથી ફાયદો. તા. 08 સંતાનચિંતા. કર્ક (ડ. હ.)
આવકવૃદ્ધિ થાય. વ્યવસાય, નોકરીમાં પ્રગતિ થાય. નોકરીમાં પ્રમોશન થઇ શકે. પિતાથી ધનલાભ થશે. કારોબાર વધે. કલાકારોની કાર્યશક્તિ તથા નવા વિચારો સાથે નવી કલા વિકસે. સુખ સગવડનાં નવાં સાધનો વિકસાવી શકાશે. કો વાણીમાં વિસંવાદિતા અને ક્રોધ વધે. અકસ્માતથી સાચવવું. તા. 12-13-14 પ્રસન્નતા. તા. 10 આરોગ્ય ચિંતા. સિંહ (મ. ટ.)
સામાજિક અને વ્યાવસાયિક ક્ષેત્રમાં લાભદાયક સ્થિતિ સર્જાય. આવકમાં વૃદ્ધિ અને ધનલાભ થાય. સ્થાવર મિલકતને લગતાં કાર્યો સારી રીતે થઈ શકશે. નવી પ્રવૃત્તિ કરવાની તક મળે. દાંપત્યજીવનના અને કોર્ટને લગતા પ્રશ્નોમાં સમજી વિચારીને આગળ વધવું. મહત્ત્વના નિર્ણયો ટાળવા. તા. 07-08-14 પરાક્રમવૃદ્ધિ. તા. 11 ક્રોધ ઊપજે. કન્યા (પ. ઠ. ણ.)
વ્યવસાય, નોકરીના ક્ષેત્રમાં નવા સંબંધો કેળવાય. ઉચ્ચ અધિકારી સાથેના સારા સંબંધો કામ કઢાવી આપે. પરિવારના સભ્યો અને સ્નેહીજનો સાથે પ્રેમાળ સંબંધો વિકશે. દાંપત્યજીવનમાં નિકટતા વધે. ભાગ્યોદય થાય. બિનજરૂરી માનસિક ભારણ કે ગંભીરતા ઊભાં કરવાં નહીં. સમય વ્યર્થ ન જાય તે જોવું. તા. 09-10-11 માતૃસુખ ઉપકારક સાબિત થાય. તા. 13 ગમગીની. તુલા (ર. ત.)
આવકનાં નવાં સમીકરણો રચાય. આર્થિક સિદ્ધિ તરફ પ્રયાણ થાય. બચત વધશે. નવા વિચારો સ્ફૂરે. જ્ઞાન પ્રાપ્ત કરવાની અને સંશોધન કરવાની પ્રેરણા જાગે. કાયદાકીય અડચણો દૂર થાય. જમીન અને બાંધકામ સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય વૃદ્ધિ થાય. મનના આવેગોને કાબૂમાં રાખવા. તા. 08-11-12 આનંદપ્રમોદ. તા. 14 અસ્વસ્થતા. વૃશ્ચિક (ન. ય.)
મન આનંદિત રહે. જુસ્સા અને ઉમંગથી પોતાના કાર્યમાં લાગેલા રહેવાશે. પ્રતિસ્પર્ધીઓને વશમાં રાખી શકાશે. આરોગ્ય સારું રહેશે. સંતાન સાથે પ્રેમથી કામ લેવું. માતા-પિતાના આરોગ્યની સંભાળ રાખવી. નોકરિયાતો એ પોતાના કામકાજમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવું. અડચણનો સામનો કરવો પડશે. તા. 09-10-14 માનસિક દૃઢતા. તા. 08 બંધન. ધન (ભ. ધ. ફ. ઢ.)
નવી જગ્યાએ પ્રવૃત્ત થઇ શકાય. પ્રગતિનાં નવાં સોપાન સર કરી શકાય. રોકાણોનું સારું વળતર મળશે. નવા કૌટુંબિક સંબંધો વિકસે. ભાગીદારો સાથે નિકટતા વધે. સુરક્ષા અને સૈન્ય સાથે સંકળાયેલી વ્યક્તિઓ માટે ઉત્સાહપ્રેરક સંજોગો બને. પારિવારિક અને સામાજિક જીવનમાં નુકસાન થઇ શકે. તા. 11-12-13 સુખ-સુવિધા વધે. તા. 09 નિરાશા. મકર (ખ. જ.)
પરિસ્થિતિ અનુકૂળ થાય. ધારેલાં કાર્યમાં સફળતા મળશે. આર્થિક રીતે લાભદાયી. આવકનાં નવાં સાધનો ઊભા કરી શકાય. આવક વધે. જૂના કરજમાંથી મુક્તિ મળે. નવું દેવું કે વધારાની આર્થિક ઉપાધિ ન લેવી. સરકારી અને કોર્ટ કચેરીનાં અટકેલાં કામો આગળ વધે. તબિયત સુધરે. વાદવિવાદમાં ન પડવું. તા.09 -10-14 ધનલાભ. તા.12 વિપદા. કુંભ (ગ. શ. સ.)
ધીરજ અને સમજદારીપૂર્વક કાર્યસિદ્ધિ મળે. વ્યાપાર-વ્યવસાયમાં સમજી વિચારીને આગળ વધવું. ઉધાર લેવડ-દેવડ ન કરવી. બજાર અને અન્ય રોકાણોમાં સાહસ કરી શકાય. ઉતાવળિયા નિર્ણયો ન લેવા. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. સ્વભાવ ઉપર કાબૂ રાખવો. દિશાશૂન્ય અવસ્થામાં ખોટો નિર્ણય લેવાઇ શકે. તા. 10-11-12 વ્યાવસાયિક લાભ. તા. 13 વિઘ્ન. મીન (દ. ચ. ઝ. થ.)
સુખ અને ઐશ્વર્ય વધશે. ધંધાકીય રોકાણોમાંથી સારાં પરિણામ મળે અને લાભ થાય. વિદ્યા અભ્યાસની નવી દિશા મળશે. પારસ્પરિક સંબંધોનો વિકાસ થાય. રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ વધે. અનિયંત્રિત અને અસ્થિરતાના સંજોગોનો સામનો કરવો પડે. કોઈના ઉપર વધુ પડતો ભરોસો કરવો નહીં. તા. 11-12-13 અર્થપ્રાપ્તિ. તા. 10 ક્રોધ ઊપજે.
સદાબહાર સંગીતકારો Á ડૉ. પદ્મનાભ જોશી
પાનાં: 294 Á કિંમત: 750 રૂ.
‘હિન્દી ફિલ્મજગતના કેટલાક સદાબહાર સંગીતકારો’માં ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ સંગીતકારોના જીવનની અને ફિલ્મસંગીત ક્ષેત્રે એમના પ્રદાનની રસપ્રદ વાતો આલેખવામાં આવી છે. આ પુસ્તકના લેખક પદ્મનાભ જોશીએ તેમાં ઘણી માહિતીપૂર્ણ સામગ્રી તૈયાર કરી છે. તેમાં હિન્દી ફિલ્મ સંગીતની શરૂઆત. મૂંગી ફિલ્મોમાં સંગીત કેવી રીતે ફિલ્મનું અવિભાજ્ય અંગ બની રહેલું. તેમજ પહેલી બોલતી ફિલ્મનાં ગીતો અને તેનું સંગીત વગેરે જેવી બાબતોને સ્થાન આપવામાં આવ્યું છે.
ગીત-સંગીત ક્ષેત્રે સંકળાયેલા મહારથીઓનું ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન વિશે પણ તેમાં તેમનાં લોકપ્રિય ગીતો સાથે વર્ણન કર્યું છે. નૌશાદ અલી, પહેલા મહિલા સંગીતકાર સરસ્વતી દેવી, એસ. ડી. બર્મન, વસંત દેસાઇ, ગુલામ મોહમ્મદ, હંસરાજ બહલ જેવા ઘણા મહાનુભાવોએ કારકિર્દીમાં કરેલો સંઘર્ષ પણ આ પુસ્તકમાં સવિસ્તારે છે.
આ ઉપરાંત શાસ્ત્રીય સંગીત અને વાદ્યો, સંગીતનાં બદલાતા રૂપો વિશે પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફિલ્મો અને સંગીતપ્રેમીઓને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સંગીતકાર - ગીતકાર વિશે જાણવું હોય તો તેમના માટે આ પુસ્તક માહિતીસભર છે.
***
કાર્યેષુ મંત્રી Á રક્ષા શુક્લ
પાનાં: 168 Á કિંમત: 325 રૂ.
જાણીતાં કવયિત્રી રક્ષા શુક્લનું આ 27મું પુસ્તક છે. ‘કાર્યેષુ મંત્રી’માં નારીચેતનાને ઉજાગર કરતા 25 ચરિત્રનિબંધો છે. અલગ અલગ ફિલ્ડની સમગ્ર વિશ્વની નારીઓના સંઘર્ષ અને ખાસ તો એમના અજાણ્યા ખૂણાઓ ખોલી આપ્યા છે. સત્યભામાથી સરોજ ખાન સુધીના લેખો છે. દરેક લેખ સાથે નારી સંવેદનાનાં કાવ્યો આ પુસ્તકની વિશેષતા છે. મીરાંબાઈથી મિતલ મકરંદ સુધીની કવયિત્રીઓનાં કાવ્યો છે. આકર્ષક ચિત્રો સાથે નારીવાદને બદલે નારીસંવાદ આલેખિત થયો છે. આ પુસ્તકમાં આલેખિત મહિલાઓની એક વિશેષતા એ પણ છે કે ‘એમણે ઘરને સાચવ્યું છે અને પોતાના કાર્યક્ષેત્રમાં પણ અવ્વલ રહી છે.’ લેખિકા પાત્રાલેખનમાં કલ્પનાના રંગો પૂરી પોતાનાં રસપ્રદ અવલોકનો આપે છે, તે આસ્વાદ્ય છે. દરેક મહિલાએ વાંચવા જેવું.
***
ફેન્ટાસ્ટિક ફેસબુક ફેસ્ટિવલ Á યોગેન્દ્ર જાની
પાનાં: 205 Á કિંમત: 300 રૂ.
સોશિયલ મીડિયા પર જેમ કોમેડી, સામાજિક કે પ્રેરક સાહિત્ય, વિજ્ઞાન વિશે જાણકારી, શોધ તથા ઉપદેશો, મનોરંજન એમ બધો જ મસાલો મળી રહે છે તેમ ‘ફેન્ટાસ્ટિક ફેસબુક ફેસ્ટિવલ’ પુસ્તકમાં પણ નાનાથી માંડી મોટેરાઓ માટે કંઈને કંઇ વાંચન સામગ્રી મળી રહેશે. લેખકની ફેસબુકમાં પોસ્ટ થયેલી મોટા ભાગની લેખન સામગ્રી આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં લેખકનાં 15-16 કાવ્યો પણ છે અને 2 અંગ્રેજી કાવ્યો તો અલગ.
શરીરને લગતી અજાયબ વાતો, જીવનની ફિલસૂફી, શબ્દ વિજ્ઞાનની ઉત્પત્તિ અને જીવનચરિત્રો અને ફેસબુક ફેસ્ટિવલ જેવા 89 લેખો આ પુસ્તકમાં છે. આ ઉપરાંત ‘વાત્સલ્યના વહેણમાં’, ‘મેં જોયા છે, તમે જોયા?’, ‘ક્યાં છે પ્રભુ’, ‘our planet, why worry’ જેવાં ગુજરાતી અને અંગ્રેજી કાવ્યો પણ પુસ્તકમાં સમાવવામાં આવ્યાં છે. ટૂંકા લેખોમાં મહત્ત્વપૂર્ણ માહિતીનો રસથાળ છે.
***
હવાઈ સફર Áડૉ. કિશોર પંડ્યા
પાનાં: 104 Á કિંમત: 170 રૂ.
પોતાના બાળકમાં અભિવ્યક્તિની અને લેખનની ક્ષમતા કેળવાય એ માટે માતા-પિતા સજાગ રહે છે. આ માટે તેઓ બાળપણથી બાળકોમાં વાંચનની ટેવ વિકસાવે છે. આ ટેવ પાડવા માટે શરૂઆતમાં નાની નાની બાળવાર્તાઓ શ્રેષ્ઠ વિકલ્પ છે, જે તેમને વાંચવાની મજા આવશે અને તેમને શીખ પણ મળશે. બાળકોને વાંચનમાં રસ પડે એ માટે ‘હવાઈ સફર’ ઘણું ઉપયોગી પુસ્તક છે. તેમાં 15 જેટલી સચિત્ર બાળ વાર્તા છે.
‘લૂંટારું ટોળી’, ‘હવેલીનો ખજાનો’, ‘કરણની ચતુરાઈ’, ‘અધૂરો સવાલ’, ‘ સંગીતનો જલસો’, ‘આદિત્ય સૂર્યના માર્ગ પર’ અને ‘હવાઈ સફર’ જેવી વાર્તા છે. આ બધી વાર્તાઓમાં બાળકની ચતુરાઈ, સાહસ અને સમજદારીના પાઠ શીખવ્યા છે. આ બધી ટૂંકી વાર્તાઓ રસભરપૂર અને બોધરૂપ છે.
***
ક્રિકેટ ક્લાસિક્સ Á પ્રકાશ ભટ્ટ
પાનાં: 140 Á કિંમત: 275 રૂ.
ક્રિકેટ આખા ભારતની જેમ ગુજરાતીઓ માટે ધર્મથી કમ નથી, પરંતુ ગુજરાતીમાં ક્રિકેટ વિશેનાં પુસ્તકોની સંખ્યા જરૂર કમ છે. એમાં પ્રકાશ ભટ્ટનું આ પુસ્તક મહત્ત્વનું છે, કેમ કે લેખક પોતે ક્રિકેટ બોર્ડના સભ્ય છે, રેફરી છે, સૌરાષ્ટ્રની ટીમ માટે સિલેક્ટર સહિતનાં કામો કરી ચૂક્યા છે. ટૂંકમાં, એ બારમા ખેલાડી જેવા નજદીકી સભ્ય છે, માટે જે લખ્યું છે એ વધારે અધિકૃત્ત બને છે.
‘હદયસ્પર્શી સ્મરણકથાઓ’ એવું પેટાશીર્ષક ધરાવતા પુસ્તકમાં કુલ 51 પ્રકરણ છે. સચીન, કોહલી, સુનિલ ગાવસ્કર, ચેતેશ્વર, અમરનાથ, જેક રસેલ, લિલી, મિયાંદાદ, નેહરા, હેનરી ઓલોન્ગા.. જેવા અનેક ક્રિકેટરો સાથેના પ્રસંગો છે. તો વળી યુનિવર્સિટી કક્ષાની મેચના પ્રસંગો છે, ટીમ મેનેજરની વાતો છે અને બારમો ખેલાડી કઈ રીતે હીરો બને એનીય કથા છે. ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટના નવી રીતે દર્શન કરાવે છે આ નાનું પુસ્તક.
***
પાર્કિન્સન્સ વિશે મારી સમજ
જયશ્રી વ્યાસ Á પાનાં: 52 Á કિંમત: 90 રૂ.
પાર્કિન્સન્સ (કંપવા) આજના યુગની એક મોટી સમસ્યા છે, ખાસ તો મોટી ઉંમરે. શિક્ષિકા, સમાજસેવિકા એમ વિવિધ ઓળખ ધરાવતા લેખિકા પોતે જ પાર્કિન્સન્સનો ભોગ બન્યા. એ પછી મેડિકલ સારવાર તો સ્વાભાવિક રીતે જ શરૂ થઈ, પણ ભાષાના વિદ્યાર્થી રહી ચૂકેલાં જયશ્રીબહેને પોતાના અનુભવો લખવા શરૂ કર્યાં.
આ રોગનું નામ ઘણીવાર સંભળાય છે, પણ એ વિશેની જાગૃત્તિ સાવ ઓછી છે. એ જાગૃત્તિ વધે એ લેખિકાનો મૂળભૂત પ્રયાસ છે. એ માટે એમણે પોતાના અનુભવો, ફિઝિયોથેરપીની મદદ, શોખ કઈ રીતે રોગ સામે હથિયાર બન્યાં... વગેરે વાતો લખી છે. તો પાર્કિન્સન્સના દર્દીઓ માટે ઉપયોગી માહિતી પણ આપી છે.
***
ગાંધીજીનો વિચાર વારસો Á દિલીપ શાહ
પાનાં: 168 Á કિંમત: 150 રૂ.
પુસ્તકની ટેગ લાઇન છે: ‘પ્રવર્તમાન સમયમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા એક રચનાત્મક અભિગમ’ છે. આના પરથી સમજી શકાય છે કે આ પુસ્તકમાં ગાંધીજીના વિચારો આજના સંદર્ભમાં કેટલા પ્રસ્તુત છે એ લેખકે જણાવ્યું છે. ‘પ્રાસ્તાવિક’ સાથે પુસ્તકનો આરંભ થાય છે. કુલ 11 વિભાગોમાં વિભાજિત આ પુસ્તકનો અંત ‘પરિશિષ્ટ-3 વિશ્વમાં ગાંધી-સ્મૃતિ સાથે આવે છે. ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના ભૂતપૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે પુસ્તકનું આમુખ લખેલું છે. આ પુસ્તક લેખકના ગાંધીવિચારનું સતત વાંચન અને ગામોમાં ચાલતા કેટલાંક રચનાત્મક કાર્યોના અભ્યાસનો પરિપાક છે.
ફેશન:ક્લાસિક ચેક્સ : ફેશન જે ક્યારેય જૂની નથી થતી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/classic-checks-fashion-that-never-gets-old-135202498.html

શન એ સમય સાથે વહી જતો પ્રવાહ નથી ચેક્સ એ એવી જ એક ડિઝાઇન છે, જે દાયકાઓથી લોકોના મનમાં છવાયેલી છે અને સ્ટાઈલની દુનિયામાં તેનું સ્થાન યથાવત છે. ચેક્સ એટલે માત્ર એક પેટર્ન નહીં, એક અભિવ્યક્તિ છે જ્યાં સિમ્પ્લિસિટી અને સ્ટેટમેન્ટ બંને હાજર છે. ચેક્સ પેટર્નનો ઉદ્ભવ યુરોપના સ્કોટલેન્ડમાં થયો હતો. આ પેટર્ન સમય સાથે ફેશન જગતમાં પ્રવેશી અને હવે તે એક ગ્લોબલ ટ્રેન્ડ છે.
મહિલાઓ માટે ચેક્સ એટલે જ્યાં સાદગી અને સ્ટાઈલ સાથે મળે! ચેક્સ દરેક અવસરે, દરેક ઉંમરે અને દરેક બોડી ટાઈપ પર શોભે થાય છે. બજારમાં તમને દરેક પ્રકારના ચેક્સ મળી રહેશે. નાના ચેક્સ, મોટા ચેક્સ, મલ્ટીકલર ચેક્સ કે બ્લેક-વ્હાઈટ ક્લાસિક ચેક્સ. નાના ચેક્સ ઓછી હાઈટ ધરાવતા વ્યક્તિને વધુ શોભે છે જ્યારે મોટા ચેક્સ હાઈટ બોડી ધરાવતા વ્યક્તિને વધુ સરસ લાગે છે.
ફેશનની દુનિયામાં ચેક્સનાં લોકપ્રિય લુક વિશે જાણીએ.
1 ઓવરસાઈઝ ચેક્સ શર્ટ લૂક – ‘કેઝ્યુઅલ કવીન’ નાના ગેટ ટુ ગેધર પર કે શોપિંગ માટે બહાર જવું હોય તો ઓવરસાઈઝ લૂઝ ચેક્સ શર્ટ એકદમ પરફેક્ટ છે. તેને ડેનિમ જીન્સ કે લેગિંગ્સ સાથે પેર કરો. સાથે સ્નીકર્સ, હાઇ પોનીટેઇલ અને લાઈટ લિપસ્ટિક. હળવો લૂક જોઇતો હોય ત્યારે ઓવરસાઈઝ ચેક્સ શર્ટ તમારા માટે પરફેક્ટ ચોઈસ છે. લાઈટ બલ્યૂ અને વ્હાઇટ ચેક્સ શર્ટને સ્કિન-ફિટ જીન્સ સાથે પેર કરો. ચહેરા પર મીઠું સ્મિત, હાથમાં ટોટ બેગ અને ગોગલ્સ – બસ, તમે તૈયાર છો કેઝ્યુઅલ-કૂલ ડે માટે! આ લૂક દરેક યુવતીઓ માટે એવરગ્રીન અને કુલ છે.
2 ચેક્સ સાડી – ‘એથનિક એલિગન્સ’ ઘરમાં કોઈ પ્રસંગ હોય કે ઓફિસમાં ઓથેન્ટિક લુક જોઈએ, તો ચેક્સ સાડી ઉત્તમ છે. મ્યૂટેડ ટોનની કોટન સાડી, મિનિમલ બ્લાઉઝ અને ઓક્ડાસોઈઝ્ડ જવેલરી સાથે કલાસી દેખાવ મળે છે.
3 ચેક્સ ડ્રેસ – ‘ફેમિનિન લુક' પેસ્ટલ રંગના કે પછી લાઈટ શેડના ચેક્સ ફ્રોક બહુ સ્માર્ટ લાગે છે. તેમાં પિંક, યલો અને બલ્યૂ ટ્રેન્ડિગ રંગો છે. આ સાથે સફેદ સ્નીકર્સ, લાઈટ પર્ફ્યુમ અને એક ક્રોસબોડી પર્સ લગાવી લો એટલે પિકનિક કે ડે આઉટિંગમાં છવાઈ જશો.
4 ચેક્સ બ્લેઝર લૂક – ‘પાવર એન્ડ પોઝ’ ઓફિસ માટે પાવરફુલ સ્ટાઈલ જોઈએ છે? તો ચેક્સ બ્લેઝર સાથે મેચિંગ પેન્ટ તમને કોન્ફિડેન્ટ અને પ્રોફેશનલ બતાવે છે. ચેક્સ બ્લેઝર સાથેનો કો-ઓર્ડ સેટ પણ તમારો આત્મવિશ્વાસ વધારે છે. સાથે બ્લેક હીલ્સ, ડાર્ક લિપસ્ટિક અને ઘડિયાળ પહેરો એટલે એકદમ બોસ લેડી લુક મેળવશો!
5 ચેક્સ સ્કર્ટ – ‘ફ્યુઝન ફન’ પાર્ટી લુક માટે ચેક્સ સ્કર્ટ સાથે શોર્ટ ટોપ પહેરો. ફ્યુઝન અને વેસ્ટર્નનો મિક્સ લુક તૈયાર! ચેક્સ શર્ટ, સ્કર્ટ, સાડી, ડ્રેસ, જીન્સ અને બ્લેઝર્સ તો વર્ષોથી ફેશનમાં છે. આજે ચેક્સ માત્ર કપડાંમાં જ નહીં પણ પગરખાં, બેડશીટ્સ અને કુશન કવર જેવી લાઈફસ્ટાઈલ વસ્તુઓમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. ચેક્સ વાળા શૂઝ ખાસ કરીને કેજ્યુઅલ વેરમાં લોકપ્રિય છે. લાઈટ કલરના નાના ચેક્સ કે પછી બ્લેક એન્ડ વ્હાઈટ ચેક્સ ખૂબ સ્માર્ટ લાગે છે.
ઘરના શણગાર માટે ચેક્સ પેટર્ન ખૂબ સ્ટાઈલિશ અને ક્લીન લુક આપે છે. ચેક્સવાદી બેડશીટ રમને નવો અને સુંદર દેખાવ આપે છે. નાના ચેક્સ પેટર્નવાળા કુશન કવર સોફા પર ખૂબ એલિગન્ટ લાગે છે. ચેક્સ કાર્પેટ પણ ડ્રોઈંગ રૂમમાં મૂકી હોય તો તે રૂમને મોટો હોવાનો દેખાવ આપે છે.
શું કરવું અને શું ટાળવું?
શું કરવું
ચેક્સની સાથે અન્ય પોશાક સોલિડ કલરનો પહેરો. જેમ કે ચેક્સ સ્કર્ટ હોય તો પ્લેન ટોપ.
એક્સેસરીઝ લાઈટ રાખો. ચેક્સ પોતે જ એટલા બોલ્ડ હોય છે કે તેના સાથે વધુ ઝગમગાટ જરૂરી નથી.
મોટો ચહેરો ધરાવતી વ્યક્તિ એ નાના ચેક્સ પહેરવા.
શું ટાળવું
ચેક્સ પર ચેક્સ ન પહેરો – એટલે કે ટોપ અને બોટમ બંને ચેક્સ પહેરવાનું ટાળો.
પાતળા લોકોએ નાનાં ચેક્સ ન પહેરવા.
ચેક્સ સાથે સ્ટ્રાઇપ્સ કે પ્રિન્ટ મિક્સ ન કરો. અન્ય જે પણ પહેરો તે સોલિડ રંગ જ પહેરો.
તો તમારું વોર્ડરોબ ખોલો અને ચેક્સનો ખાસ સમાવેશ કરો. કારણ કે ચેક્સ ક્યારેય જૂના પડતા નથી. એ તો ફેશનની દુનિયાનો પરમેનેન્ટ સાથી છે.
પહેલું સુખ તે...:જીમ પ્રત્યેનો ડર કઈ રીતે દૂર કરશો?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/how-do-you-overcome-your-fear-of-the-gym-135202509.html

સપના વ્યાસ ણી વાર પહેલી વાર જીમમાં જનારાંને ડર લાગે છે, કોઇની સામે જોવાનું ટાળે છે, કયું મશીન કઇ રીતે કામ કરે છે, તે સાથે મનોમન એવી પણ પ્રાર્થના કરે છે કે કોઇ એમને જુએ નહીં. જીમમાં જવાથી ડરો નહીં, કેમ કે તમે એકલાં નથી.
જીમનો ડર કેમ લાગે છે?
મોટા ભાગે જીમ સંબંધિત ડરમાં આમાંથી કોઇ એક અથવા તમામ બાબતો સામેલ હોય છે.
તમે શું કરો છો, તે તમે જાણતા નથી એવી ભાવના.
લોકો તમારા શરીર અથવા ફોર્મને જજ કરશે તેની ચિંતા.
ત્યાં બધાં ફિટનેસ મોડલ છે એવો વિચાર.
ત્યાંના નથી અથવા તમે તેને લાયક નથી એવો સંકોચ.
જોકે ક્યાંકથી તો શરૂઆત કરવાની હોય જ છે અને મોટા ભાગના લોકો પોતાનું પ્રતિબિંબ કેવું લાગે છે, તે નિહાળવામાં જ વ્યસ્ત હોય છે. તો હવે આ ડરને દૂર કરીએ?
માત્ર ફરવા નહીં એક પ્લાન સાથે જાવ : જીમમાં જતાં પહેલાં વર્કઆઉટ માટે તૈયારી કરો. શરૂઆતમાં કોઇ એપ અથવા વિડીયો જુઓ કે કોઇ પર્સનલ ટ્રેનર રાખો, દસ મિનિટ ટ્રેડમિલ પર ચાલો, સ્ક્વોટ્સના ત્રણ સેટ્સ કરો, પુલ-ડાઉન કરો, બસ આટલું કરવાથી જ તમારો આત્મવિશ્વાસ જાગશે.
બને ત્યાં સુધી વધારે લોકો ન હોય ત્યારે જાવ : ઓફિસેથી છૂટ્યા પછી જીમમાં ન જતાં વહેલી સવારે અથવા સાંજે મોડા જાવ જ્યારે ઓછા લોકો હોય. એથી તમે કોઇ જોતું નથી એ ડર વિના જે કસરત કરવી હોય તે માટેની પૂરતી જગ્યા પણ મેળવી શકશો.
આરામદાયક કપડાં પહેરો : ટ્રેન્ડમાં રહેવા માટે તમને અગવડદાયક હોય એવું કંઇ ન પહેરો. તમારે કોઇની સાથે કપડાં મેચિંગ નથી કરવાના. તેથી તમારા માટે જરૂરી હોય અને તમને સારાં લાગે એવાં કપડાં પહેરો.
મશીન્સથી શરૂઆત કરો : વજન ઊંચકવાનું લાગે છે અનુકૂળ, પણ તે મુશ્કેલ છે. ટ્રેડમિલ વગેરે જેવા મશીન્સ પર ડાયાગ્રામ હોય છે જેનાથી તમને મૂવમેન્ટ્સનો ખ્યાલ આવે અને તમે હાસ્યાસ્પદ ન બનો. યોગ્ય રીતે એક્સરસાઇઝ કરો.
પ્લેલિસ્ટ બનાવો : સંગીત મૂડ બદલી નાખે છે. એક પ્લેલિસ્ટ બનાવો જે તમને બૂસ્ટ કરે. જેનાથી તમને લાગે કે તમે એ પ્લેલિસ્ટ પર ડાન્સ અથવા મૂવમેન્ટ્સ કરી શકો છો.
જીમમાં ચક્કર લગાવો : તમે નવું જીમ જોઇન કર્યું હોય તો એક વાર જીમમાં એક ચક્કર લગાવીને બધું જોઇ લો. ટ્રેનરને પણ જણાવો કે તમે કઇ એક્સરસાઇઝ કરવા ઇચ્છો છો અને તે કઇ રીતે ઉપયોગી થશે. એક વાર જીમ જોઇ લીધા પછી તમે અનુકૂલન સાધી શકશો.
નાના ગોલ સેટ કરો : રાતોરાત ફિટ થવાનું ધ્યેય ન રાખતાં નાનાં ગોલ સેટ કરે. જેમ કે, અઠવાડિયામાં ત્રણ વાર જીમમાં જાવ, નવા મશીનનો ઉપયોગ, દસ મિનિટ પૂરતાં થોભો.
સાથીદાર : કોઇ ફ્રેન્ડને સાથે રાખો જેનાથી તમે એન્ગ્ઝાઇટી ઓછી અનુભવો. કોઇ ન હોય તો એકાદ-બે સેશન્સ માટે ટ્રેનર રાખો. તમારા કમ્ફર્ટ લેવલ અનુસાર ફાસ્ટ-ટ્રેક પસંદ કરો.
જીમ પ્રેક્ટિસ માટે છે. ત્યાં તમારી માફક બધાં વર્કઆઉટ કરતાં હોય છે. માટે ડર કાઢી નાખો. તમે ધ્યેય પ્રાપ્ત કરી શકશો.
વુમનોલોજી:આપણી ડિયર ડોટર ડિફેન્સમાં જઈ શકે?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/can-our-dear-daughter-go-to-defense-135202656.html

રી એકવાર ભારતીય મહિલાનો જાંબાઝ વિક્રમ સર્જાયો અને એક નાનકડો નવો ઇતિહાસ બન્યો. તમને યાદ હશે વર્ષ 2021માં સુપ્રીમ કોર્ટે ડિફેન્સ એકેડમીમાં યુવતીઓના એડમિશન અંગે ચુકાદો આપેલો, જે અન્વયે 2022માં નેશનલ ડિફેન્સ એકેડમીમાં પહેલી મહિલા બેચનો આરંભ થયો.
તાજેતરમાં કુલ સત્તર મહિલાઓની પહેલી બેચ એન. ડી. એ. માંથી સ્નાતક થઈને બહાર નીકળી. ત્રણસો પુરુષ સહાધ્યાયીઓ સાથે આ સત્તર મહિલા કેડેટ પુણેથી તાલીમ લઈને બહાર નીકળ્યાં. ભારતમાં ઇતિહાસમાં આ પહેલી એવી બેચ છે, જેમાં ડિફેન્સમાં એકસાથે સ્ત્રી અને પુરુષ તાલીમ લેતા હોય. દિલ્હી ખાતે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી તેઓએ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી.
‘અહીં ત્રણ વર્ષમાં શિક્ષણ અને તાલીમ લેતી વખતે કેટલાક મિશ્રિત અનુભવો અને લાગણીઓ હતી. અમને એ વાતવરણ સાથે સંમિલિત થતા સમય પણ લાગ્યો, પરંતુ તમામ સ્ટાફ અને અમારા ઇન્સ્ટ્રકટરની મદદથી એકેડમીનો ભાગ બની શકી.’ પિતાનો વારસો બરકરાર રાખતી કેડેટ કેપ્ટન સૃષ્ટિ દક્ષે આર્ટ્સમાં ઉચ્ચતમ સ્થાન મેળવીને પોતાના નામનો પણ ઇતિહાસ રચ્યો.
પંડિત દીનદયાલ યુનિવર્સિટી, ગોરખપુરના વાઇસ ચાન્સેલર પૂનમ ટંડને આ મહિલા કેડેટને પ્રેરણા આપતાં કહ્યું, ‘સન્માન સાથે સેવા કરો, હિંમત સાથે નેતૃત્વ કરો અને જે મૂલ્યો અને આદર્શ મેળવ્યા છે એની સાથે સચ્ચાઈપૂર્વક કાયમ માટે રહો.’ વધુમાં એમ પણ જણાવ્યું કે, જ્યારે આ કેડેટ રાષ્ટ્ર ઉપયોગી થશે ત્યારે એમના નામ અને ખ્યાતિ આ એકેડેમી માટે ગુરુદક્ષિણા હશે.
‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન મીડિયા સમક્ષ ભારતીય સેનાના સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ વર્દીમાં આપણી સમક્ષ આવતાં ત્યારે આખા દેશની છાતી ફુલતી. આ પહેલાં પણ ફાઈટર પ્લેન ઉડાવતી ભાવના કંથ કે અવની ચતુર્વેદીની તસ્વીરો જોઈને આપણે ખુશ થયા છીએ. મૂળે મહિલાઓ સાથે જ્યારે વર્દી અને હિંમત નામના બે શબ્દો ઉમેરાય છે ત્યારે થોડું નવું લાગે છે. સન્માન અને અહોભાવ મિશ્રિત અનુભવ પણ થાય છે.
કિન્તુ પરંતુ પ્રશ્ન એ છે કે જો આપણા પરિવારની દીકરી કોઈ પણ પ્રકારના રિસ્ક ઝોનમાં જવાની વાત કરે તો આપણો અહોભાવ ઊતરી જાય છે. દીકરીની સુરક્ષા માટે ચિંતિત રહીએ છીએ પરંતુ દીકરી ખરા અર્થમાં સુરક્ષાના વ્યવસાયમાં જાય એ માટે જાગૃતિ અને સ્વીકૃતિ ઓછાં છે. દીકરીને સલામત સ્થળ, પરિવાર, શિક્ષણ, વ્યવસાય અને જીવનસાથી માટે આપણી પાસે સ્પષ્ટ રોડમેપ હોય છે. આપણે દીકરીઓને અન્ય સફળ છોકરીનાં ઉદાહરણો જોરશોરથી આપીએ છીએ, પણ જ્યારે પરિવારની છોકરી પોતાની ઈચ્છાના આકાશમાં ઊડવાનું કહે ત્યારે પવન પૂરો પાડવાને બદલે પાંખો કાપવાના પ્રયત્નો થાય છે.
સંધ્યા સમય અને રાત્રિના અંધકારનો ડર વાવતી ભીરુ માનસિકતાને ફાઈટર પાઈલટની ‘મૂન ફ્લાઈટ’ અને ‘ડાર્ક ફ્લાઈટ’ તાલીમની વાત ગળે ઊતરશે? દીકરીની સલામતી ચિંતિત સમાજે દીકરી રાષ્ટ્રની અને ખુદની સલામતી માટે શું કરી શકે તે વિચારવું જ રહ્યું.
રસથાળ:હોટેલ જેવી વિવિધ રોટી વેરાયટી ઘરે બનાવો
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/make-different-hotel-like-roti-varieties-at-home-135202645.html

બટર કુલચા
સામગ્રી: લોટ બાંધવા માટે : મેંદો-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, દહીં-2 ચમચી, ઇનો-પા ચમચી, ઘી-4 ચમચી, પાણી-જરૂર મુજબ, સમારેલી કોથમીર-4 ચમચી, કાળા તલ- 2 ચમચી, શેકવા માટે-બટર
રીત: સૌ પ્રથમ લોટ માટેની સામગ્રી લઈને નરમ લોટ બાંધો. કોટન કપડાં વડે ઢાંકીને અડધો કલાક રેસ્ટ આપવાનો છે. બાંધેલા લોટમાંથી મોટો લુવો લઈ અટામણ લઈ વણી લો. લોખંડની લોઢીને બરાબર ગરમ કરી વણેલાં કુલચાને પાણી લગાવી તેમાં ચોંટાડી દો. ઉપરની સાઈડ પણ પાણી લગાવી કાળા તલ અને સમારેલી કોથમીર છાંટી બરાબર દબાવી દો. ત્યારબાદ લોઢીને ઉલટાવીને ભઠ્ઠામાં સ્લો ફલેમ પર શેકો. કુલચાને બટર લગાવી ગરમગરમ સર્વ કરો. આ કુલચા છોલે સાથે ખૂબ સરસ લાગે છે. અગાઉથી બનાવીને રાખી શકાય. રૂમાલી રોટી
સામગ્રી: મેંદો-2 કપ, નવશેકુંદૂધ-જરૂર મુજબ, બેકિંગ સોડા-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-2 ચમચી
રીત : કથરોટમાં મેંદો, સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા અને ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરો. નવશેકું દૂધ રેડતાં જઈ નરમ લોટ બાંધો. બાંધેલા લોટને ઢાંકીને બે કલાક માટે રહેવા દેવાનો છે. હવે મીડિયમ સાઈઝના લુઆ કરી થોડી વણી લો. હાથમાં થોડું અટામણ લઈ વણેલી રોટલીને હવામાં ઉછાળી ઉછાળીને ગોળ ફેરવતાં જવાની છે. આમ ઘણી ધીરજ અને પ્રેક્ટિસ જોઈશે. જો એવું ન થાય તો અટામણ લઈને ખૂબ પાતળી રોટલી વણવાની છે. હવે એક કડાઈને ગેસ પાર ઊંધી મૂકી ગરમ કરવાની છે. તૈયાર થયેલી રૂમાલી રોટીને તેની પર લગાવી શેકવાની છે. ધ્યાન રાખવાનું છે કે રોટલી કાચી પણ ન રહે અને કડક પણ ન થાય. તૈયાર થયેલી રોટીને બટર લગાવી લાંબા રોલમાં ફોલ્ડ કરવાની છે. એ પછી તેની સાઈઝ મુજબ બે કે ત્રણ ટુકડામાં કાપી ગરમગરમ સર્વ કરો. હરિયાલી
ગાર્લિક નાન સામગ્રી: મેંદો-2 કપ, પાલક-1 કપ, સમારેલી કોથમીર-4 ચમચી, સમારેલું લીલું લસણ-2 ચમચી, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, સમારેલાં કૂદીનાનાં પાન-2 ચમચી, દહીં-અડધો કપ, મરી પાઉડર-પા ચમચી, ખાંડ-1 ચમચી, બેકિંગ પાઉડર-1 ચમચી, બેકિંગ સોડા-અડધી ચમચી, તેલ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, કલોંજી-1 ચમચી, બટર-જરૂર મુજબ
રીત: સૌપ્રથમ પાલકને સમારી ઉકળતા પાણીમાં બે મિનિટ માટે બાફી લો. ત્યારબાદ તેને નિતારી તેની પર ઠંડું પાણી રેડો. હવે એક મિક્સર જારમાં પાલક, કોથમીર, લીલું લસણ, ફુદીનાનાં પાન અને લીલાં મરચાંને ક્રશ કરી અધકચરી પેસ્ટ બનાવી લો. મેંદામાં મીઠું, દહીં, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને મરી પાઉડર મિક્સ કરી તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ મિક્સ કરી નરમ લોટ બાંધો. લોટને બે કલાક માટે ઢાંકી રેસ્ટ આપો. રેસ્ટ આપ્યા બાદ લોટને બરાબર મસળી એકસરખા લુઆ બનાવી લો. લંબગોળ વણીને તેની ૫૨ કલોંજી છાંટી અને ફરી થોડું વણો. ગરમ લોઢી ૫૨ વણેલી નાન પાણી લગાવીને ચોંટાડો. લોઢીને ભઠ્ઠામાં ઊંધી કરી અન્ય સાઈડ શેકો. સ્વાદિષ્ટ હરિયાલી નાન બટર લગાવીને સર્વ કરો. ચૂરચૂર નાન
સામગ્રી: સામગ્રી : લોટ માટેઃ મેંદો-2 કપ, ખાંડ-અડધી ચમચી, બેકિંગ પાઉડર-અડધી ચમચી, બેકિંગ સોડા-પા ચમચી, ઘી-3 ચમચી, દહીં- પા કપ, પાણી-જરૂર મુજબ, મીઠું-સ્વાદમુજબ
સ્ટફિંગ માટે: બાફેલાં બટાકાનો માવો-1કપ, છીણેલું પનીર-1 કપ, સમારેલી ડુંગળી-2 નંગ, સમારેલાં લીલાં મરચાં-2 નંગ, છીણેલું આદું-પા ચમચી, સમારેલી કોથમીર-2 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-અડધી ચમચી, ધાણાજીરું-1 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, મરી પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ
રીત: સૌપ્રથમ મેંદામાં ઉપર જણાવેલી સામગ્રી ઉમેરી નાનનો લોટ બાંધી લો. થોડું તેલ લગાવી ઢાંકીને 20 મિનિટ માટે રાખી મૂકો. સ્ટફિંગ તૈયાર કરવા માટે એક બાઉલમાં બટાકાનો માવો, છીણેલું પનીર, સમારેલી ડુંગળી અને બાકીની સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લો. હવે બાંધેલા લોટને થોડો મસળીને એક લૂઓ લઈને સ્ટફિંગ ભરીને નાન વણીને તૈયાર કરો. ઉપરની સાઈડ થોડું પાણી લગાવી કોથમીર ભભરાવીને હાથ વડે થોડી દબાવી લો. ચૂરચૂર નાનને બંને સાઈડ સારી રીતે શેકી લો. સર્વ કરતી વખતે નાનને મુઠ્ઠીમાં લઈ થોડી દબાવી સફેદ માખણ કે પછી બટર લગાવી સર્વ કરો.
બ્યૂટી:ગરમીમાં સતાવી રહી છે ડૅન્ડ્રફની સમસ્યા?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/are-you-suffering-from-dandruff-problem-in-the-heat-135202510.html

કાવ્યા વ્યાસ નાળાના દિવસોમાં પરસેવાના કારણે ત્વચા અને વાળની સમસ્યાઓ સામાન્ય બની જાય છે. વાળમાં ખંજવાળ, ડૅન્ડ્રફ અને સ્કાલ્પ પર ફોલ્લીઓ થઈ શકે છે. તેથી, વાળને દરરોજ ધોવા અને શક્ય હોય ત્યાં સુધી ઢાંકી રાખવાની સલાહ આપવામાં આવે છે.
જો ઉનાળામાં તમારા માથામાં ખંજવાળ અને ડૅન્ડ્રફની સમસ્યા થાય છે, તો અમુક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. એ માટે બજારથી મોંઘા શૅમ્પૂ, કન્ડીશનર અને તેલ લાવવાની જરૂર નથી. કુદરતી વસ્તુઓથી બનેલા આ માસ્ક તમારા વાળમાં થતી ખંજવાળ અને ડૅન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે.
1 દહીં, મેથી, ગ્રીન ટી અને એલોવેરા જેલનો ઉપયોગ કરીને હેર માસ્ક બનાવી શકાય છે. આ માટે એક કપ ખાટાં દહીંને સારી રીતે ફેટી લો. તેમાં બે ચમચી ભીંજવેલા મેથી દાણા ઉમેરી મિક્સરમાં પેસ્ટ બનાવી લો. એક પેનમાં ગ્રીન ટી ઉકાળો. આ પાણીને ગાળીને ઠંડું પડવા દો. પાણીને મેથી પેસ્ટ સાથે મિક્સ કરી એલોવેરા જેલ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો. આ હેર માસ્ક લગાવી અને બે કલાક રહેવા દઈ શેમ્પૂથી ધોઈ લો. આ હેર માસ્કને અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે. થોડા જ દિવસોમાં ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.
2 ફ્લોરલ હેર માસ્ક પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. તે સંપૂર્ણપણે કુદરતી અને કેમિકલ ફ્રી હોય છે. હિબિસ્કસ અને દહીંનો એન્ટી-ડેન્ડ્રફ માસ્ક બનાવવા માટે 5-6 હિબિસ્કસના ફૂલ તેમાં 2 મોટા ચમચી દહીં અને 1 મોટી ચમચી મધ લઈ મિક્સરમાં પેસ્ટ બનાવી લો. માસ્કને સ્કાલ્પ અને વાળ પર લગાવો. 30-40 મિનિટ પછી માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ માસ્કમાં હિબિસ્કસના એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે ડેન્ડ્રફ ઘટાડવામાં મદદ કરે છે. દહીં સ્કાલ્પની ખંજવાળને શાંત કરે છે અને વાળને નરમ બનાવે છે.
આ રીતે, ધરેલું હેર માસ્કનો ઉપયોગ કરીને તમે ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
જોબન છલકે:બાળપણનો મિત્ર, જીવનનો સાથી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/childhood-friend-life-partner-135202632.html

. શેફાલી પંડ્યા ‘અમી’ રાજના આનંદનો પાર નહોતો. એણે અત્યાર સુધી કરેલી મહેનત, અભ્યાસનું પરિણામ એને મળ્યું હતું. એને ગમતા ક્ષેત્રમાં જ જોબ મળી ગઇ હતી અને એટલે જ એ ખૂબ જ ખુશ હતી. અલબત્ત, થોડી નર્વસ પણ હતી કેમ કે આજ સુધી તો એ ઘરમાં, ફ્રેન્ડસર્કલમાં. બધે પોતાની જ કહેલી વાત મનાવતી આવી હતી. એણે હવે એના બોસની વાત માનવી પડશે. એમનું કહેલું કામ કરવું પડશે. આ જ વાતની ચિંતા એનાં મમ્મી-પપ્પાને પણ હતી, કેમ કે વિરાજના સ્વભાવથી તેઓ પરિચિત હતાં.
દીકરીને ક્યારેય કશી વાતની ખોટ પડવા નહોતી દીધી. એ દીકરી આજે પોતાની રક્ષણભરી દુનિયાથી થોડી અલગ થઇને વ્યવહારિક દુનિયામાં કદમ માંડવા જઇ રહી હતી, જ્યાં એનું રક્ષણ એણે પોતે જ કરવાનું હતું. જોકે વિરાજના પપ્પાને દીકરી પર વિશ્વાસ હતો કે વિરાજ સમય અને સંજોગો અનુસાર ઢળી જાય એવી છે.
આખરે વિરાજ તૈયાર થઇને, મમ્મી-પપ્પાને અને ભગવાનને પગે લાગી જોબ પર જવા નીકળી. મમ્મીએ દહીંની ચમચી એના મોંમાં મૂકતાં કહ્યું, ‘બેટા, આજે તું દુનિયા સાથે કદમ મિલાવવા જઇ રહી છે. એક વાત યાદ રાખજે કે તું સાચી હોય ત્યાં ક્યારેય નમતું ન જોખીશ.’ જ્યારે એના પપ્પાએ માત્ર એટલું જ કહ્યું, ‘વિરાજ, દુનિયા માટે તું મારી દીકરી છો, પણ મારા માટે તો દીકરાથી પણ વિશેષ છો. મારો દીકરો ક્યાંય પાછળ નહીં પડે મારા આશીર્વાદ છે…’ અને વિરાજ ફરીથી પપ્પાના ચરણસ્પર્શ કરી નીકળી ગઇ.
વિરાજ હોશિયાર હોવાથી માત્ર એક અઠવાડિયાનો સમય જ એને કામ શીખવામાં લાગ્યો, પછી તો એ સારી રીતે બધું કામ સંભાળવા લાગી. દિવસો પછી અઠવાડિયાં અને મહિનાઓ પસાર થવા લાગ્યા. થોડા દિવસ પછી એની ઓફિસમાં બહારગામથી એક યુવાનની ટ્રાન્સફર થઇ અને એ અમદાવાદ આવ્યો. વાતચીતમાં વ્યવસ્થિત અને દેખાવમાં પણ હેન્ડસમ! આવા આકર્ષક ઇશાન સાથે વિરાજનો પરિચય થયો. વિરાજને એના બોસે ઇશાન સાથે કામ કરવા જણાવ્યું અને ઇશાનને જ્યાં સમજ ન પડે ત્યાં વિરાજનું માર્ગદર્શન લેવા કહ્યું.
સમય વીતતો ગયો. ઇશાન અને વિરાજ સાથે મળીને કંપનીનું કામ એટલી સારી રીતે કરતાં કે દર છ મહિને એક યા બીજા કામ અંગે ઇશાન અને વિરાજનું નામ અગ્રેસર રહેતું.
એક સાંજે ઘરે જવા તૈયારી કરી રહેલી વિરાજને ઇશાને કહ્યું, ‘ચાલો, આજે થોડું મોડું થયું છે, તો હું તમને તમારા ઘરે ઉતારતો જાઉં.’ વિરાજને એનું સૂચન ગમ્યું, પણ એમ કંઇ કોઇ કહે એટલે હા કહી દેવાનું એને યોગ્ય ન લાગ્યું. ઇશાને ફરી કહ્યું તો વિરાજ આ વખતે માની ગઇ.
ઘરે પહોંચીને વિરાજે ઇશાનનો પરિચય સૌની સાથે કરાવ્યો, ત્યારે ઇશાને સસ્મિત વિરાજના પિતાને કહ્યું, ‘અંકલ, તમે પણ મને ન ઓળખી શક્યા ને?’ આ સાંભળી વિરાજના પપ્પા ચોંક્યા. ‘અરે અંકલ, હું તમારા ફ્રેન્ડ મહેશભાઇનો ઇશુ. તમે તો મને નાનપણમાં કેટલી વાર પપ્પાના હાથનો માર ખાતાં બચાવ્યો છે! તમે કઇ રીતે મને ભૂલી ગયા?’
‘અરે બેટા, તું ઇશુ… આટલો મોટો થઇ ગયો… અને આ જોબ…’ વિરાજના પપ્પા બોલ્યા, ત્યારે ઇશાને કહ્યું, ‘અંકલ, હું અને વિરાજ નાનાં હતાં, ત્યારથી જ મને વિરાજ ખૂબ ગમતી હતી. તમે તો જોબમાં ટ્રાન્સફર થતાં ફેમિલી સાથે જતા રહ્યા, પણ મારા મનમાંથી વિરાજની ટ્રાન્સફર ન થઇ શકી. મારા પપ્પાને ખ્યાલ હતો આ વાતનો એટલે એમણે તમારા બધાની જાણકારી મેળવી લીધી છે. આવતી કાલે મારાં મમ્મી-પપ્પા અમારાં - મારા અને વિરાજનાં લગ્નની વાત કરવા માટે આવવાનાં છે. એ જણાવવા જ આજે હું વિરાજ સાથે ઘરે આવ્યો.’
વિરાજનાં મમ્મી-પપ્પા. ખાસ તો એના પપ્પાના આનંદનો પાર ન રહ્યો. પોતાની દીકરીનો બાળપણનો સાથી અને પોતાના ખાસ મિત્રનો દીકરો જ આજે એમની સામે ઊભો હતો. વિરાજના કપાળે ચુંબન કરતાં એના પપ્પા બોલ્યા, ‘બેટા, મને ખાતરી હતી કે તારે લાયક કોઇ યોગ્ય પાત્ર ચોક્કસ તને મળી રહેશે અને જો, આજે તો તારો બાળપણનો સાથી જ તને સામે ચાલીને મળી ગયો.’ અને વિરાજ શરમાઇને નીચું જોઇ ગઇ.
તમારી શોપિંગ પર્સનાલિટી કેવી છે?:શો​​​​​​​પિંગ કોને પસંદ નથી? પરંતુ દરેક વ્યક્તિનો શોપિંગ કરવાનો અંદાજ અલગ હોય
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/what-is-your-shopping-personality-like-135202488.html

શોપિંગ કોને પસંદ નથી? પરંતુ દરેક વ્યક્તિનો શોપિંગ કરવાનો અંદાજ અલગ હોય છે. શોપિંગના અંદાજથી વ્યક્તિની પર્સનાલિટી વિશે ઘણું જાણવા મળે છે. દરેક સ્ત્રીની પોતાની એક શોપિંગ સ્ટાઈલ હોય છે. કોઈ તરત પસંદ કરી લે છે, તો કોઈ આખી બજાર ફરી ન વડે ત્યાં સુધી એને શાંતિ ન મળે! ચાલો, જાણીએ તમારી શોપિંગ પર્સનાલિટી વિશે.
1. ફટાફટ પસંદ કરનાર – ક્વિક ડેસીશન મેકર
આ પ્રકારની મહિલા બજારમાં પ્રવેશતાં જ 10 મિનિટમાં ખરીદી પૂરી કરી લે. તેઓ જાણે છે તેમને શું જોઈએ છે, જેવું જોઈએ છે તે ક્યાંથી મળી રહેશે. અને બિલકુલ સમય બગાડતી નથી. વિવિધ દુકાને ફર્યા વગર એક જ દુકાનેથી ડ્રેસ, જૂતા અને જ્વેલરી લઇને પ્રસન્નતાથી ઘેરે પાછી વળે છે!
2. વિન્ડો શોપર – જોવું અને જોતા જ રહેવું
એમને ખરીદી કરતા વધારે મજા આવે છે વિન્ડો શોપિંગમાં. નવું કલેકશન જોવું, ટ્રાયલ રૂમમાં જાતજાતના ડ્રેસ પહેરીને સેલ્ફી લેવી વગેરે એમની શોપિંગનો હિસ્સો છે. ખરીદે છે કે નહીં એ પછીની વાત! તેઓ દરેક વસ્તુની કિંમત પૂછે છે, તેને ઉલટ-પલટ કરે છે. આવા લોકો સાથે શોપિંગ કરવા જવું સરળ કામ નથી. જો તમારી પાસે ઘણો ફ્રી ટાઈમ છે, તો જ તમે તેમના સાથે શોપિંગ માટે જઈ શકો.
3. ડીલ હન્ટર –ઑફરની રાણીઓ
‘ફ્લેટ 50%’ કે ‘Buy 1 Get 1’ જેવા બોર્ડ જોતા જ આંખ ચમકી ઉઠે. એમની પાસે કૂપન, ડિસ્કાઉન્ટ એપ અને સેલ ન્યૂઝ હોય છે એ પણ અપડેટ સાથે.
4. ઈમોશનલ ખરીદદાર – મૂડ પર આધારિત
આજે હું દુઃખી છું એટલે કંઈક ખરીદી લઈએ… આજે હું ખુશ છું એટલે પણ ખરીદી કરીએ!
5. પરિવારપ્રેમી ખરીદદાર
આ મહિલાઓ માત્ર પોતાનાં માટે નહીં, પણ પતિ, બાળકો, સાસુ-સસરા સૌ માટે વિચાર કરે છે. ભલે પોતાની માટે એક સાડી ઓછી લે પણ પરિવાર માટે કંઈકે તો ચોક્કસ લેશે!
6. નોર્મલ શોપર્સ
નોર્મલ શોપર્સ ખરીદી માટે ખર્ચ કરે છે, પરંતુ ભવિષ્ય માટે બચત પણ કરે છે. સામાન્ય રીતે, તેઓ એક સાથે ઘણી વસ્તુઓ નથી ખરીદતા, પરંતુ બચત કરીને એક-એક વસ્તુ ખરીદે છે. જો તમે પણ નોર્મલ શોપર છો, તો આ સારી વાત છે.
7. કમ્પલ્સિવ શોપર્સ
આ લોકો શોપિંગ કરવાનું ખૂબ જ પસંદ કરે છે. જો તેમને કોઈ વસ્તુ પસંદ આવે, તો તે તેને ખરીદ્યા વિના નથી રહેતા. આવા લોકોને દરેક વસ્તુ સારી લાગે છે અને તે તેને ખરીદી લેવું ઇચ્છે છે. ઘણીવાર તણાવ દૂર કરવા માટે પણ શોપિંગનો સહારો લે છે અને અનાવશ્યક શોપિંગ પણ કરી લે છે.
8. સાઈકોટિક શોપર્સ
આ લોકો વિચાર્યા વિના શોપિંગ કરતા હોય છે. આવા લોકો શોપિંગ પર હદથી વધુ ખર્ચ કરે છે. શોપિંગના દીવાના આવા લોકો ઘણીવાર ગંભીર નાણાકીય સમસ્યામાં પણ ફસાઈ જાય છે. જો તમે પણ સાયકોટિક શોપર છો, તો તમારી શોપિંગની લત પર લગામ લગાવો. જે લોકો વધુ શોપિંગ કરે છે, તેમની સંગતથી દૂર રહો અને જેટલી જરૂર હોય તેટલી જ શોપિંગ કરો.
શોપિંગ એક પ્રકારની આત્મસંતોષની પ્રક્રિયા છે. દરેક મહિલા પોતાની અંદરના રોલને લઈને બજારના રંગમાં રંગાઈ જાય છે. તમારી શોપિંગ પર્સનાલિટી કઈ છે? એ ઓળખવું પણ એક મજાની સફર છે!
પેરેન્ટિંગ:કેમ માસૂમ નથી રહ્યું હવે બાળપણ?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/why-is-childhood-no-longer-innocent-135202473.html

ક સમય હતો જ્યારે બાળકો સ્કૂલનું હોમવર્ક પૂરૂં કરીને ગલીઓમાં મિત્રો સાથે રમતા હતા. ગિલ્લી-ડંડા, લખોટી, લંગડી, ખો-ખો અને પકડમપકડી રમતા હતા. થાકી જતાં ત્યારે ઘરે આવીને રાજા-રાણીની કે પંચતંત્રની વાર્તાઓ સાંભળીને સુઈ જતાં. પરંતુ હાઈટેક યુગ આવ્યા પછી આજના બાળકો અગાઉના બાળકો કરતા સ્માર્ટ બની ગયા છે. દાદા-દાદી કે નાની-નાનીની વાર્તાઓ સાંભળવી તેમને પસંદ નથી. મિત્રો સાથે દેશી રમતો રમવી અને નિર્દોષ વાતો કરવી પણ હવે તેમને ગમતી નથી. કારણ શું છે ચાલો જાણીએ.
એક્સપોઝર અને ટેક્નોલોજી
આજના સમયમાં દરેકને, બાળકોને વધુ પડતું એક્સપોઝર અને દરેક માહિતી સરળતાથી ઉપલબ્ધ છે. બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, પરંતુ સમસ્યાઓ પણ ઊભી કરી છે. આજના બાળકો ઢીંગલા-ઢીંગલી કે અન્ય રમકડાંઓથી નહીં નહીં, પણ વિડીયો ગેમ્સ અને મોબાઈલ ગેમ્સથી મોહીત થાય છે. તેમનો મોટાભાગનો સમય ગેજેટ્સ સાથે વીતે છે. દરેક બાળકો પાસે સ્માર્ટ ફોન છે, જ્યાં તેઓ કન્ટ્રોલ વગર કંઈ પણ જોવે છે.
સોશિયલ મીડિયા અને સસ્તું મનોરંજન
બાળકો સોશિયલ પ્લેટફોર્મ્સ પર સક્રિય રહે છે. રીલ્સ બનાવે છે. પેરેન્ટ્સ પણ તેમને ડાન્સ અથવા અન્ય પ્રકારના રીલ્સ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર સસ્તું મનોરંજન ઉપલબ્ધ છે, જેનો બાળકોના માનસ પર પ્રભાવ પડે છે.
પ્રેક્ટિકલ અભિગમ અને વાંચનની આદત
બાળકો મોટા લોકો પાસેથી શીખે છે. તેઓ જુએ છે કે તેમના પેરેન્ટ્સ પૈસા અને સુવિધાઓને કેટલું મહત્વ આપે છે. કેવી રીતે સગાવહાલાંથી દૂર ભાગે છે. સ્ટેટ્સ સિમ્બોલના નામે ખોટા ખર્ચ કરે છે. સ્વાભાવિક છે બાળકને પછી એ જ સાચું લાગવા લાગે.
આજ કારણ છે કે બાળકો હવે ભાવનાત્મક ઓછા અને પ્રેક્ટિકલ વધુ જોવા મળે છે. તેઓ સગાવહાલાંઓથી દૂર ભાગે છે. મૉલથી બ્રાન્ડેડ વસ્તુઓ લેવી તેને વધુ કૂલ લાગે છે. બીજું કે, મશીનોના યુગમાં બાળકો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે, પરિણામે સારું વાંચન તેમના સુધી પહોંચી નથી રહ્યું.
જંક ફૂડ
બાળકોને ઘરનું ખાવું ઓછું ગમે છે. એ પેરેન્ટ્સ ઉપર છે કે તેઓ કેવી રીતે બાળકોને ધરનો ખોરાક ખાવા માટે પ્રોત્સાહન પૂરું પાડે.
બાળકોમાં વધતી હિંસક અને ગુનાઈત વૃત્તિ
બાળકોમાં ગુનાઈત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. નશાની લત અને પોર્ન જોવા જેવી આદતો હિંસક અને ગુનાહિત માનસિકતા વધારી રહી છે.
હવેના સમયનું પેરેન્ટિંગ સરળ નથી કારણ કે ન્યુક્લિયર ફેમિલી વધુ હોય છે. બીજું કે બંને પેરેન્ટ્સ વર્કિંગ હોવાથી બાળકો માટે સમય ઓછો હોય છે, આથી કમ્યુનિકેશન ઓછું થાય છે.
આટલું અવશ્ય કરવું...
પેરેન્ટ્સને બાળકોની પ્રવૃત્તિઓ અને બદલાતા વર્તન પ્રત્યે સજાગ રહેવું જોઈએ. મિત્ર વર્તુળ વિશે જાણકારી રાખવી.
બાળકોને જરૂરત અને શોખ વચ્ચેનું અંતર સમજાવો.
તેમને પૈસાનું મહત્ત્વ ચોક્કસ સમજાવો પરંતુ સંબંધોની પ્રાથમિકતા વિશે પણ જણાવો.
ઘરનાં નાનાં-મોટાં કામ તેમની પાસે કરવો, જેથી તેઓ સદંતર પોતાની દુનિયામાં ન રહે.
ઘણા પેરેન્ટ્સનું એવું કહેવું હોય છે કે અમે બહુ અનુશાસન સાથે મોટા થયા, આથી બાળકોને બધી છૂટ આપીશું! આવું કરવાથી બાળકો ખોટા માર્ગે જઈ શકે છે.
દરેક જીદ તરત પૂરી ન કરવી. અમે બાળપણમાં અભાવ સાથે જીવ્યા, હવે તેઓ કેમ એવું જીવે. આવા વિચારો બાળકોને વધુ બગાડશે.
બાળકોને આપણા ધર્મ, પરંપરા, તહેવારો વિશે સમજાવો.
શરીર પૂછે સવાલ:સંતાનપ્રાપ્તિ માટે તમામ પ્રયત્નો કરી ચૂક્યાં છીએ, હજી સુધી પ્રાપ્ત થયું નથી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/we-have-tried-everything-to-have-children-but-have-not-yet-succeeded-135202455.html

પ્રશ્ન : મારી ઉંમર બત્રીસ વર્ષની છે અને હું એક સંતાનની માતા છું. મારી સમસ્યા એ છે કે મને માસિકસ્રાવ આવે તે પહેલાં અને પછીના થોડા દિવસ સુધી યોનિમાંથી સફેદ પાણી નીકળે છે. આવું કેમ થતું હશે? આની કોઇ સારવાર થઇ શકે ખરી? - એક યુવતી
ઉત્તર : ઘણી મહિલાઓને માસિકસ્રાવ પહેલાં અને પછી આ રીતે વ્હાઇટ ડિસ્ચાર્જ (સફેદ પ્રવાહીનો સ્રાવ) થાય છે. આ વ્હાઇટ ડિસ્ચાર્જ થોડો ચિકાશયુક્ત હોવાથી યોનિની આસપાસનો ભાગ ભીનાશ પડતો રહે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે, જે હોર્મોનલ ફેરફારને કારણે થાય છે. આ સ્રાવ સર્વિક્સ અને યોનિની સ્વચ્છતા અને સુરક્ષામાં મદદ કરે છે. આ પાણી પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે નીકળે છે. માસિકસ્રાવ પછી નીકળતું પાણી સહેજ પાતળું હોય છે જ્યારે માસિકસ્રાવ પહેલા થતો સ્રાવ થોડો ઘટ્ટ અને ચીકાશયુક્ત હોય છે. જો તેના લીધે દુર્ગંધ આવતી હોય, ખંજવાળ આવે, બળતરા થાય અથવા તો તેનો રંગ બદલાય તો વહેલી તકે ડોક્ટરને બતાવો.
પ્રશ્ન : મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમારી સમસ્યા એ છે કે મને અને મારી પત્નીને ઉનાળા દરમિયાન જાતીય સંબંધ માણવાની ઇચ્છા થાય છે ખરી, પણ ગરમીને કારણે અમે વધારે સમય નિકટતા માણી શકતા નથી. આવું કેમ થતું હશે? યોગ્ય માર્ગદર્શન આપશો. - એક પુરુષ
ઉત્તર : આવી સમસ્યા માત્ર તમારી જ નહીં, ઘણા લોકોની હોય છે. ઉનાળામાં ઘણા દંપતીઓની ફિઝિકલ એક્ટિવિટીમાં ઘટાડો થતો હોય છે. તેનું કારણ એ છે કે સતત ગરમીની અસર શરીર અને મન પર થાય છે. ઉનાળામાં શરીરમાં પાણીની ઊણપ, થાક, ચીડિયાપણું અને ઊંઘ ઓછી આવવી વગેરે સમસ્યાઓને કારણે શારીરિક ઊર્જામાં ઘટાડો થાય છે. એની અસર જાતીય સંબંધો પર પણ પડે છે. ગરમી વધારે હોવાથી પરસેવો વધારે થાય છે, જેના કારણે ત્વચા ચિકાશયુક્ત થઇ જાય છે અને તેના કારણે શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા ઓછી થઇ જાય છે. વળી, શરીરનું તાપમાન વધવાને કારણે હોર્મોન્સનું સંતુલન બગડવાની અસર પણ જાતીય સંબંધ પર થાય છે. સારી રીતે જાતીય સંબંધ માણવા માટે શરીરને પૂરતું હાઇડ્રેટ રાખો, હળવું ભોજન કરો અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ઉનાળા દરમિયાન જાતીય સંબંધ માણતાં પહેલાં દંપતી સ્નાન કરે, એકબીજાને માનસિક રીતે કમ્ફર્ટેબલ અનુભવ કરાવે, વાતાવરણમાં પૂરતી ઠંડક હોય તો સારી રીતે જાતીય સંબંધ માણી શકાય.
પ્રશ્ન : મારી ઉંમર બત્રીસ વર્ષ છે. મને છેલ્લા બે મહિનાથી માસિકસ્રાવ આવ્યો નથી. મેં પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ચેક કર્યું, પણ એમાં કોઇ રીઝલ્ટ જોવા મળતું નથી. આમ થવાનું શું કારણ? હું પ્રેગ્નન્ટ નહીં હોઉં? તો પછી મને માસિકસ્રાવ કેમ નહીં આવ્યો હોય? મારે શું કરવું?- એક મહિલા
ઉત્તર : આજકાલ દોડધામભરી જીવનશૈલીને કારણે માસિકસ્રાવ અનિયમિત થઇ શકે છે. સતત સ્ટ્રેસમાં જીવવાને લીધે હોર્મોન્સ અસંતુલિત થાય છે, જેની અસર માસિકસ્રાવ પર પણ થાય છે. વજનમાં સતત થઇ રહેલો ફેરફાર, હોર્મોન્સની અનિયમિતતા અને મહિલાઓમાં વધતી જતી મેનોપોઝની વહેલી શરૂઆત પણ આનું કારણ હોઇ શકે છે. જો બેથી વધારે મહિનાથી માસિકસ્રાવ ન આવ્યો હોય, તો ગાયનેકોલોજિસ્ટને બતાવવું જરૂરી છે. લોહીમાં હીમોગ્લોબિનનું ઓછું પ્રમાણ પણ કેટલીક વાર માસિકસ્રાવને અસર કરે છે. તમે કોઇ ગાયનેકોલોજિસ્ટને બતાવો અને તેમની સલાહ લો એ વધારે હિતાવહભર્યું રહેશે.
પ્રશ્ન : હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારે એ જાણવું છે કે આજકાલ માર્કેટમાં અનેક સિન્થેટિક અંડરવેર્સ (અંત:વસ્ત્રો) મળે છે. તેના લીધે શરીરનો શેપ જળવાઇ રહે છે અને ખરાબ દેખાતાં નથી. શું સિન્થેટિક અંડરવેર્સના કારણે કોઇ સમસ્યા થઇ શકે? - એક યુવતી
ઉત્તર : તમે સિન્થેટિક અંત:વસ્ત્રો પહેરવાનું વિચારો છો, પરંતુ તેના કારણે અનેક સમસ્યા થઇ શકે છે. સિન્થેટિક અંત:વસ્ત્રો એકદમ સ્કિનટાઇટ આવતાં હોવાથી તે ત્વચા સાથે ઘસાય છે અને તેના કારણે ખંજવાળની તકલીફ થાય છે. એટલું જ નહીં, આવાં અંત:વસ્ત્રો પરસેવો શોષી શકતાં ન હોવાથી બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહે છે. સિલ્ક કે અન્ય આવાં મટીરિયલનાં અંત:વસ્ત્રોનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરતાં કોટનનાં અંત:વસ્ત્રો પહેરો તો વધારે સારું રહેશે.
પ્રશ્ન : મને અઢાર વર્ષ થયાં છે. બે વર્ષ પહેલાંથી મને માસિકસ્રાવની શરૂઆત થઇ ગઇ છે, પણ જ્યારે મને માસિકસ્રાવ આવે ત્યારે ખૂબ જ થાક અને નબળાઇ લાગે છે. હું એ દિવસો દરમિયાન ઘરનું કામકાજ તો ઠીક, મારા અભ્યાસમાં પણ ધ્યાન આપી શકતી નથી. મને યોગ્ય ઉપાય જણાવશો? - એક યુવતી
2025/07/09 07:42:07
Back to Top
HTML Embed Code: