Telegram Web Link
ક્રિકેટ ખેલાડીઓમાં અંધશ્રદ્ધા:તર્કસંગત ન હોય તેવા વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા એટલે અંધશ્રદ્ધા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/superstition-is-a-belief-that-manifests-itself-in-irrational-thoughts-and-behavior-135208837.html

તર્કસંગત ન હોય તેવા વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા એટલે અંધશ્રદ્ધા. ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ ભાગમાં તેને વહેંચી શકાય. આજે ક્રિકેટ ખેલાડીઓની (વ્યક્તિગત) અંધશ્રદ્ધા જોઈશું. કોઈ એક વ્યક્તિ કોઈ તારીખને , કોઈ વારને, સમયને, સ્થળને, રંગને, વ્યક્તિને કે પ્રક્રિયાને શુકનવંતી કે અપશુકનિયાળ માનતી હોય છે.
1971ના ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની વાત કરીએ તો, પસંદગી સમિતિના અધ્યક્ષ વિજય મરચંટના મતથી અજિત વાડેકર ભારતના કેપ્ટન નિમાયા અને સુનીલ ગાવસ્કરને ભારત તરફથી રમવા પહેલીવાર પસંદ કરાયા.
પ્રવાસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચ રમાઈ. પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી. બીજી પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ જેમાં ભારતનો વિજય થયો. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ પ્રથમ વિજય હતો. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ ફરી ડ્રો રહી. પાંચમી અને અંતિમ ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ માટે શ્રેણી સરભર કરવાના હેતુથી જીતવી જરૂરી હતી.
ભારત તરફથી પહેલી જ વાર રમી રહેલા સુનીલ ગાવસ્કર જબરદસ્ત ફોર્મમાં હતા. સામા પક્ષે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ગેરી સોબર્સ પણ ત્રીજી ટેસ્ટ મેચમાં 108 નોટ આઉટ અને ચોથી ટેસ્ટ મેચમાં 178 રન ફટકારી ચૂક્યા હતા. પાંચમી ટેસ્ટમાં ભારતના પહેલા દાવના 360 રન સામે ગેરી સોબર્સના 132 રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 526 રન બનાવી 166 રનની મહત્ત્વની સરસાઈ મેળવી હતી. ચોથા અને છેલ્લા દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 262 રન બનાવવાના હતા.
ભારતના કેપ્ટન અજિત વાડેકરે જોયું કે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસથી દરરોજ મેચ શરૂ થાય તે પહેલાં ગેરી સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવતા અને કેપ્ટન અજિત વાડેકર સહિત દરેક ખેલાડીને મળતા, પણ તે શ્રેણીમાં ખાસ ફોર્મમાં ચાલી રહેલા સુનીલ ગાવસ્કરના ખભાને સ્પર્શ કરતા જેથી ગાવસ્કરના સારા નસીબ ગેરી સોબર્સમાં ટ્રાન્સફર થતાં તેવું સોબર્સ માનતા.
મેચના છેલ્લા દિવસે સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવે તે પહેલાં વાડેકરે ગાવસ્કરને વોશરૂમમાં મોકલી દીધા અને વોશરૂમનું બારણું બંધ કરી દીધું. નિયમ મુજબ સોબર્સ આવ્યા, દરેક ખેલાડીને મળ્યા પણ ગાવસ્કર ન દેખાતા તેમને મળ્યા વગર ભારે હૃદયે પાછા ફર્યા.
અજિત વાડેકરની વાત સાથે સહમત ન થતાં સુનીલ ગાવસ્કરે કહેલું કે ગેરી સોબર્સ તેને (ગાવસ્કરને) ચાલુ મેચે પણ ખભા પર અડી શકે છે. જવાબમાં અજિત વાડેકરે કહ્યું કે રમત શરૂ થયા પહેલાં ડ્રેસિંગ રૂમમાં સોબર્સ આ ક્રમ જાળવે તો જ બેટિંગમાં સફળ થાય છે.
સોબર્સ જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે આબીદઅલીના પહેલા જ દડે શૂન્ય રન પર bowled out થયા.
પાંચમા દિવસની રમત પૂરી થતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઠ વિકેટે 165 રન બનાવી શકી અને મેચ ડ્રોમાં પરિણમી. ભારતે પહેલી જ વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીમાં વિજય મેળવ્યો.
પોતાની પહેલી જ ટેસ્ટ શ્રેણી રમતા સુનીલ ગાવસ્કરે 4 ટેસ્ટમાં 774 રન બનાવ્યા જે આજસુધી કોઈ બેટ્સમેને પોતાની પહેલી શ્રેણીમાં બનાવેલ રન માટેનો વિક્રમ છે.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન ગેરી સોબર્સે સૌથી વધારે 597 રન બનાવેલા.
શું આપણે સહમત થશું કે મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સને રન બનાવવા આવા કોઈ નસીબની જરૂર હતી?
એપ્રિલ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ શ્રેણી વિજય મેળવી ભારતની ટીમ જુલાઈ 1971માં અજિત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવા ઇંગ્લેન્ડ પહોંચી. લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમાયેલી પહેલી અને બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી.
ત્રીજી ટેસ્ટ મેચ ઓવલના મેદાન પર રમાઈ. પહેલા દાવમાં ઇંગ્લેન્ડે 355 રન બનાવ્યા. જવાબમાં ભારતની ટીમ 284 રન બનાવી શકી અને ઇંગ્લેન્ડને 71 રનની સરસાઈ મળી.
આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી બેટિંગમાં છઠ્ઠા ક્રમે આવતા વિકેટકીપર એલન નોટ ઇંગ્લેન્ડની પરિસ્થિતિ નાજુક હોય ત્યારે સારી innings રમી ઇંગ્લેન્ડને ઉગારવામાં સફળ રહેતા. ત્રીજી ટેસ્ટના પહેલા દાવમાં પણ એલન નોટે 90 રન બનાવ્યા હતા.
શ્રેણીની ત્રણેય ટેસ્ટ મેચ દરમિયાન ભારતના ફોરવર્ડ શોર્ટ લેગના શ્રેષ્ઠ ફિલ્ડર એકનાથ સોલકરે જોયું કે આખી શ્રેણીમાં એલન નોટ જ્યારે બેટિંગ કરવા આવતા ત્યારે Guard લઈને પહેલો દડો રમતાં પહેલાં Stumps ઉપર bails ને અડતા. સોલકરે આ વાત ફારુખ એન્જિનિયરને જણાવી આથી જ્યારે બીજા દાવમાં એલન નોટ બેટિંગ કરવા આવ્યા ત્યારે એકનાથ સોલકરના જણાવ્યા મુજબ ભારતના વિકેટકીપર ફારુખ એન્જિનિયરે Stumps પર પોતાના હાથ મૂકી દીધા જેથી એલન નોટ તેમનો નિત્યક્રમ જાળવી ન શક્યા અને બેટિંગ શરૂ કરી.
એ દાવમાં ત્રણ દડા રમી ચોથા દડે શ્રીનિવાસ વેંકટ રાઘવનની બોલિંગમાં એકનાથ સોલકરના ફોરવર્ડ શોર્ટ લેગ પરના આબાદ કેચથી એલન નોટ માત્ર એક રન બનાવી આઉટ થયા. નોટની આ વિકેટ વેંકટ રાઘવનને બદલે સોલકર અને એન્જિનિયરની વિકેટ તરીકે યાદ રખાય છે. બીજા દાવમાં ઇંગ્લેન્ડની ટીમ 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારતે જીત માટે જરૂરી 174 રન છ વિકેટે બનાવી ટેસ્ટ મેચ અને શ્રેણી બંને જીતી લીધા. ભારત તરફથી ભગવત ચંદ્રશેખરે 38 રન આપી 6 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની 26 ટેસ્ટ બાદ પ્રથમ હાર થઈ.
આમ 1971નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ગૌરવવંતુ રહ્યું. ભારત બહાર પહેલી જ વાર વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય મેળવ્યો.
- અતુલ એન. જોશી
ઓફબીટ:કબીર કેમ આજે પણ પ્રસ્તુત છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-is-kabir-still-relevant-today-135208868.html

ક બીર સંત છે. ભક્ત છે. જ્ઞાની છે. તપસ્વી છે. કબીર જીવનનો સંપૂર્ણ અર્થ છે. કબીર ધુમ્મસની આડમાં અનુભવાતો કૂણો તડકો પણ છે અને પંખીના ગળામાંથી નીકળવાનો બાકી એવો ટહુકો પણ છે. કબીરને પામીને ભારત ધન્ય બન્યું છે. એમની કવિતામાં શ્રદ્ધાની આપબડાઈ નથી. જાતિ-ધર્મમાંથી બહાર નીકળીને વહેતી માણસાઈ છે.
કબીર પ્રસન્ન છે. પ્રત્યેક પળનો આનંદ માણે છે. દેહમાંથી બહાર નીકળીને બ્રહ્માંડના વ્યાપને પામે તે કબીર! એમના મન, વચન અને કર્મમાં સુમિરનનો સારાંશ છે. ચમત્કાર અને સાક્ષાત્કાર વચ્ચેના સૂક્ષ્મ સેતુ પર કબીરનું મંદિર છે. કબીર બધે જ છે. જે વ્યાપમાં અવ્યાપ અને માપમાં અમાપ તે કબીર.
ભગતિ ભજન હરિનામ હૈ, દૂજા દુ:ખ અપાર,
મનસા વાચા કર્મના કબીર સુમિરન સાર.
જીવનના સંગીત પાસે કબીરનો પોતાનો શાશ્વત સૂર છે. અનહદના નાદમાં એ આપણને ભેટે છે. સોંસરવું અને સીધેસીધું કબીર પાસે સહજ મળે છે. જીવનને તમામ પાસાંઓથી જે ચાહે છે તે બધામાં કબીર આજપયઁત છે.
દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખ મેં સુમિરન કરે, દુ:ખ કાહે કો કોઈ.
જીવન માયાજાળ કે જંજાળ નથી. પ્રભુ પ્રસાદ છે. ભક્તના હૃદયનો આર્તનાદ કબીર પાસે વધુ સ્પષ્ટ સંભળાય છે. એમના શબ્દોની ચાદરમાં જે વણાય છે તેમાં ઈશ્વરનો ચહેરો આપોઆપ સન્મુખ થાય છે. કબીર પીંછીથી સંગીત પ્રગટાવે છે. શબ્દોમાં મૌન સંભળાવે છે. સંગીતમાં ચિત્રને દોરીને ઈશ્વરના હસ્તાક્ષર કબૂલાવે છે. ભાષાના બધા જ અલંકારોથી ઉપર કબીરનો પોતાનો હિમાલય અને સોંસરવી વિશાળતા છે.
સાઈ ઈતના દીજિયે,
જા મેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહૂં,
સાધુ ના ભૂખા જાય.
પોતાને સ્વીકારીને પછી ઓગાળવાની વાત કબીર લોકબોલીમાં કરે છે. આડંબર વગરની સભ્યતામાં કબીર શિરમોર છે. સાબિતી માંગતી દુનિયાને અરીસો બતાવીને કબીર સાથે લઈને ચાલે છે. પોતાની ધૂનમાં મસ્ત છે. એમની ફકીરી એમની હાજરીમાં દુનિયાને પોસાય એવી નહોતી. એ જ એમની જાહોજલાલી છે. એમની વાતોમાં સહજ રીતે વણાતી સમીક્ષા પણ શાણપણ અનુભવે છે.
જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજિયે જ્ઞાન,
મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન.
સાચવવાની ખેવના સાથે એમણે કશું લખ્યું નથી. આપોઆપ સચવાઈ ગયું છે. થવાનું હોય ત્યારે પણ ગંભીર થયા વિના કબીર વાતને વણી આપે છે. એમણે સોંપવા માટે કશું સર્જ્યું નથી. જીવન ઊજવવા માટે છે. પ્રભુએ બનાવેલી દુનિયાને પ્રેમ કરીને પ્રભુનો આભાર વ્યક્ત કરવા માટે ગાયું છે. જ્યાં આપોઆપ ઉત્સવ છે ત્યાં બધે જ કબીરનો પગરવ છે. કબીરની છાયામાંથી બહાર નીકળીને કશું નવું સર્જન કરવું મુશ્કેલ છે, કારણ કે કબીર એવું વૃક્ષ છે જે ધરતીમાં જેટલું છે એટલું જ આકાશમાં ફેલાયેલું છે.
દરેક વાતમાં કબીરને ટાંક્યા વિના રહેવાય એવું નથી. દરેકના મૂળ કબીર સાથે તંતુ જોડી આપે એવા તંતોતંત વણાયા છે. અભ્યાસુને વધારે અચરજ થાય. ભક્તને વધુ ઈશ્વરના નૈકટ્યનો અનુભ‌વ થાય અને ફિલસૂફને પોતાના જ્ઞાન પર આનંદ આવે એવી બાનીમાં કબીરના વણાટકામને જમાનો મૂલવે છે. કબીર ખરેખર કોણ છે? પ્રતિનિધિ?
સામાન્ય ભક્તિને સાધનારો અસામાન્ય? કબીર કેમ આજે પણ પ્રસ્તુત છે? પ્રેમની સાંકડી ગલીમાં કબીર દરિયાદિલ સંત છે. એમને માટે ઈશ્વર કરતાં વધુ મહત્ત્વ ગુરુનું છે. જીવનમાં જે ‘લઘુ’ છે એ પણ ‘ગુરુ’ બની શકે છે એવી તીવ્રતાને કબીર ખૂબ નજીકથી પિછાણે છે. નિસાસા નાંખીને બેસી રહેવાથી કશું પામી શકાતું નથી. પ્રયત્ન કરવામાં વિચાર સહુથી પહેલાં નિમિત્ત બને છે. કર્મમાંથી છટકીને ભક્તિ નથી કરી શકાતી. કબીર પોતાના વર્તન દ્વારા આ વાતને વધુ ગહનતાથી સમજાવે છે.
માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોય,
એક દિ ઐસા આયેગા, મેં રોંદૂંગી તોય.
કોણ કોને બનાવે છે? કોણ કોનામાં ભળી જાય છે? પ્રશ્નો સાથે ઉત્તર પણ ઓગળી જાય છે. કબીર શ્રદ્ધામાં સમજણ ઉમેરીને આપણને જગતથી જાણગાંડા બનાવે છે. બધું જ શીખવાડીને ભૂલી જવાની વૃત્તિને સ્થિર કરે છે. છીપાયા પછીની તરસ પાસે જે ભવિષ્ય હોય છે ત્યાંથી કબીરનું સરનામું શરૂ થાય છે.
કબીર ક્યાં નથી? જે સમસ્તમાં મસ્ત છે તે બધામાં કબીર આખેઆખા સહસ્ત્ર
છે. ઓન ધ બીટ્સ
જહાં દયા નહીં ધર્મ હૈ, જહાં લોભ તહાં પાપ,
જહાં ક્રોધ તહાં કાલ હૈ, જહાં ક્ષમા તહાં આપ.
- કબીર
બ્લેક એન્ડ વ્હાઈટ:પિરિયડ્સ મુદ્દે આવું પછાતપણું!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/such-backwardness-on-the-issue-of-periods-135208829.html

મે, 2025ના પ્રથમ સપ્તાહમાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક ગામમાં આઘાતજનક અને આખા ભારતીય સમાજ માટે શરમજનક ઘટના બની.
એ ઘટનામાં પિરિયડ દરમિયાન રસોઈ બનાવવાને કારણે એક 26 વર્ષીય યુવતીના જીવનનો અકાળે અને કરૂણ અંત આવ્યો હતો. જલગાંવ જિલ્લાના કિનોદ ગામની 26 વર્ષીય યુવતી ગાયત્રી કોળીના સાસરિયાઓએ મે 1, 2025ના દિવસે તેના પિયરમાં જાણ કરી હતી કે ગાયત્રીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
ગાયત્રીના પિયરમાં એ સમાચાર મળ્યા એટલે બધાંના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેઓ ગાયત્રીના સાસરે દોડી ગયાં હતાં. એ પછી ગાયત્રીના ભાઈ સાગર કોળીએ પાડોશમાં તપાસ કરી ત્યારે તેને ખબર પડી હતી કે ગાયત્રી પિરિયડમાં હોવા છતાં તેણે ઘરમાં જમવાનું બનાવ્યું હતું. ગાયત્રીની સાસુને એ ગમ્યું નહોતું એટલે તેણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે ‘વહુએ માસિકધર્મ દરમિયાન ભોજન બનાવવાનું પાપ કર્યું છે એટલે તેને સજા આપવી જોઈએ.’ ગાયત્રીના ભાઈએ પત્રકારોને કહ્યું હતું કે ‘મારી બહેને માસિકધર્મ દરમિયાન ઘરમાં ભોજન બનાવ્યું એને કારણે તેના સાસરિયાઓએ ઉશ્કેરાઈને તેને ક્રૂરતાપૂર્વક મારી હતી અને પછી ગળાફાંસો આપીને તેનું ખૂન કરી નાખ્યું હતું.
થોડા સપ્તાહ અગાઉ ઝાંસીની યુવતી પ્રિયાંશા સોનીએ ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો. ભક્તિભાવવાળી 36 વર્ષીય પ્રિયાંશાએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતારાણીની પૂજા અને વ્રત માટે કેટલાય દિવસોથી તૈયારી કરી રાખી હતી. તેણે 29 માર્ચના દિવસે પતિ મુકેશ પાસે પૂજાનો બધો સામાન પણ મગાવી લીધો હતો, પરંતુ નવરાત્રિના પ્રથમ દિવસે જ તે પિરિયડમાં આવી ગઈ એને કારણે તે દુ:ખી થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી. પ્રિયાંશા તેના જ્વેલર પતિ મુકેશ સોની અને બે દીકરીઓ જાનવી તથા માનવી સાથે ખુશખુશાલ જીવન વિતાવી રહી હતી. મુકેશે તેને સમજાવી પણ હતી કે એમાં ઉદાસ થવાની જરૂર નથી. એ પછી તે તેની જ્વેલરી શોપ પર જતો રહ્યો હતો. પાછળથી તેને પાડોશીએ કોલ કર્યો કે તારી પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી છે. મુકેશ દોડીને ઘરે ગયો અને પ્રિયાંશાને હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તે હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી.
આપણો સમાજ સમય સાથે આધુનિક બનતો જાય છે એવું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. નહીં તો આવી ઘટનાઓ બને નહીં.
સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી અપાતી નથી. એ દિવસો દરમિયાન તેને રસોડામાં પ્રવેશ મળતો નથી. આજના સમયમાં પણ સમાજ આવી વાહિયાત વિચારસરણી ધરાવતો હોય એ અત્યંત આઘાતજનક કહેવાય અને એથી પણ વધુ આઘાતજનક અને શરમજનક વાત એ છે કે આવા મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન સાબિત થતી હોય છે. થોડા સમય અગાઉ સુપ્રીમકોર્ટના સિનિયર જજ બી.વી. નાગરત્ના અને જજ એન. કોટેશ્વરની બેન્ચે મધ્ય પ્રદેશની છ મહિલા જજોના સસ્પેન્શનની સુનાવણી વખતે આકરી ટિપ્પણી કરી હતી.
એ સુનાવણી વખતે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું, ‘જો પુરુષોને પણ પિરિયડ આવતા હોત તો તેઓ સમજી શકતા હોત કે સ્ત્રીઓની શું સ્થિતિ થતી હોય છે!’ મધ્ય પ્રદેશની છ મહિલા જજો પર એવો આક્ષેપ મુકાયો હતો કે તેમણે ખરાબ પ્રદર્શન કર્યું છે. એમાંથી એક જજ અદિતિ કુમાર શર્માને ગર્ભપાતનો સામનો કરવો પડ્યો હતો. તે કોવિડગ્રસ્ત બન્યાં હતાં અને અને ગર્ભપાત પછી તેમને શારીરિક અને માનસિક તકલીફ થઈ રહી હતી અને છતાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એ બધી તકલીફોને નજરઅંદાજ કરી હતી.
થોડા સમય અગાઉ સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન રજા આપવા માટે પણ માગણી ઊઠી હતી. એલ. એન્ડ ટી. સહિત કેટલીક કંપનીઝે આ દિશામાં પહેલ પણ કરી છે. આપણા દેશમાં પિરિયડ્સ લીવને લઈને હજી કોઈ કાનૂન નથી, પણ જુલાઈ, 2024માં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી થઈ હતી એની સુનાવણી કરતા તત્કાલીન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દો નીતિ સંબંધિત છે અને અદાલતને વિચાર કરવા માટે નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પિરિયડ્સ લીવ વિષે કાનૂન બનાવવા માટે કહ્યું હતું.
એટલું સારું છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ દર્દ અને અન્ય શારીરિક અસુવિધાઓનો સામનો કરવો પડે છે એ હકીકત સ્વીકારીને આપણા દેશનાં કેટલાંક રાજ્યોની સરકારો પણ આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવતી થઈ છે. ઓડિશા સરકારે સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પિરિયડ્સ લીવ આપવાની શરૂઆત કરી છે, તો કર્ણાટક સરકાર પ્રાઈવેટ અને સાર્વજનિક બંને ક્ષેત્રોમાં મહિલાને વર્ષમાં છ મહિના માટે પિરિયડ્સ લીવ આપવા માટે વિચાર કરી રહી છે. તમામ રાજ્યોએ આ દિશામાં વિચાર કરવો જોઈએ.
સ્ત્રીઓ પિરિયડમાં આવે એ એક કુદરતી પ્રક્રિયા છે અને એ કુદરતી પ્રક્રિયા માટે તેને દોષી ગણીને તેની સાથે ખરાબ વર્તાવ કરાય એ સ્થિતિ ભારતીય સમાજ માટે લાંછનરૂપ ગણાય. મોટાભાગની સ્ત્રીઓએ પિરિયડ દરમિયાન તકલીફો ભોગવવી પડતી હોય છે. એ વખતે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને બદલે તેમની સાથે અયોગ્ય વર્તન કરાય ત્યારે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. અને એ માનસિક સ્થિતિમાં ઘણી સ્ત્રીઓ ડિપ્રેશનમાં પણ સરી પડતી હોય છે.
ગયા વર્ષે મુંબઈની એક ટીનેજર છોકરી પ્રથમ વખત પિરિયડમાં આવી ત્યારે તેણે અસહ્ય પીડા અને ગભરાટને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. આવી આઘાતજનક ઘટનાઓ આપણા દેશમાં બનતી રહે છે. આવા કિસ્સાઓ ટાળવા માટે આપણા દેશની દરેક શાળામાં મેન્સ્ટ્રુઅલ એજ્યુકેશનની શરૂઆત થવી જોઈએ.
મધ્યાહ્ન:ઉનાળાનો ફૂટી નીકળ્યો છે ‘અવાજ’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-voice-of-summer-has-burst-forth-135208870.html

ડૉ. હિતેન્દ્ર જોશી ગ્રી ષ્મના પંખીનો ટહુકો આમ્રવૃક્ષની મંજરીએ-મંજરીએ આનંદનો કલરવ દોરતો જાય છે ને હૈયાંના સાગરમાં સૂતેલું સ્વપ્નનું વૃક્ષ પવનની પાંસળીઓ પર બેસીને છેક નક્ષત્રોને પેલે પાર ઉડીને ગયેલા પ્રિય પંખીના પડછાયાને સ્પર્શવા માટે પોતાના ડાળખીઓ રૂપી વિશાળ બાહુઓને લંબાવતું જાય છે.
ચોરેચૌટે ને નગરે-નગરે આ ઉનાળાના ગુસ્સામાં લાલચોળ બનેલ ક્રોધી સ્વભાવની ટીકાઓ થતી જાય છે; પણ નિર્મમ ને નફ્ફટ બનીને કોઈ ઉગ્ર રાજવીના રાજમદની જેમ પોતાના જ તેજ-પ્રતાપ ને શક્તિમાં મદમસ્ત બનેલો આ ઉનાળો આખી દુનિયાની આંખોમાં દૃષ્ટિનું તેજ ભરીને અજવાળું પાથરતો હોય, પણ હાલ તો આ ઉનાળો સખત ક્રોધાંધ બન્યો છે... પોતાના પ્રભાવમાં પુરાઈને કરમાઈ જતા કોઈ વન્યપશુની જેમ જ! અને એટલે જ તેને જાણે વાચા ફૂટી છે.
ઉનાળામાં બધું જ આકરું લાગે છે... કોઈ સુંદરતમ વનિતાના ઋજુમાં ઋજુ અંગના સ્પર્શનું સ્વપ્ન પણ ગભરામણું લાગે છે, આ ઉનાળામાં.
આથી જ આ ઉનાળો વિપ્રલંભની અસહ્ય આતુરતાનો મહિમા કરે છે ને તથાગત બુદ્ધને સૂઝેલા પૃથ્વીલોકની અર્થશૂન્યતાના વૈતથ્યને વાચા આપે છે, આ ઉનાળો. વિરહના સૌંદર્યનો મહિમા કરે છે આ ઉનાળો; આંબાડાળે ટહુકા કરતા એકલદોકલ પંખીને જોઈને!
વિરહિણીના હૈયાની પરીક્ષા કરે છે આ ઉનાળો; ઉમંગોનાં ખીલવા મથતાં પુષ્પોની પાંખડીઓને સંકોરી લે છે; આ ઉનાળો. કિરણોરૂપી કંટકોના અણીદાર પ્રવાહો વડે; ‘અંદર આગ, બહાર આગ ને જ્યાં જુઓ ત્યાં કેવળ આગ હી આગ.’ રૂપગર્વિતાના રૂપનો કેફ પણ ઉતરી જાય છે; આ
ઉનાળામાં. વિલાઈને કરમાઈ ગયેલા કોઈ ઝરણાના ભૂતકાળની જેમ ઠૂંઠ પર ફૂટેલ કૂંપળના અસ્તિત્વ જેવું સહવાસનું સુખ જોજનો પાર ગયેલા ઊંટના કાફલાની જેમ કંઠમાં તરસના ટહુકાની જેમ હાલ તો સુષુપ્ત છે...!
કાગળમાં ચીતરેલા ફૂલ જેવું અક્ષરના અજવાળે જોતી અભિસારવિવશ નાયિકાની ચોળીના પરસેવામાં છુપાયેલી રતિની ગંધ કોઈ જાણતલ જ અનુભવી શકે! ને આ વિવશ નાયિકાની હૈયામાં પડેલી ઉત્કંઠાઓ પણ હૈયાની તિજોરીમાં પડેલા નકલી પ્રેમના સિક્કાની જેમ હાલ તો ગ્રીષ્મના તાપમાં ઠૂંઠવાઈ ગઈ છે.
ઈશ્વરના ઘર જેવું જ પવનનું ઘર હોય એવું સતત લાગ્યા કરે છે, આ ઉનાળામાં. કોઈ વૃદ્ધ સંન્યાસી ધોમધખતા આકરા તાપમાં લહેરખીનો સ્પર્શ પામીને ઈશ્વરના પ્રેમનો સ્પર્શ પામ્યો હોય તેવો અનુભવ કરે છે, આ ઉનાળામાં.
કુદરતી વાયરાના કેસરિયા લહેરાતા પવનને જોઈને પર્ણનો હસતો ચહેરો દેખાય છે, આ ઉનાળામાં. નિસર્ગ વૃક્ષની ડાળખીએ... ડાળખીએ... ફૂટી નીકળ્યો આ ઉનાળો; પથરાય છે ધરતી પર એની તેજલવરણી કાયા. બપોરની અલસતામાં ગ્રીષ્મની છાયા ભળે વૃક્ષે વૃક્ષે, એટલે સર્જાય મીઠી ઝણઝણાટી પર્ણે પર્ણે ને હૈયે હૈયે.
પવનની પાંખે પાંખે વૃક્ષો, લતાઓ અને વનરાજીને ઉડાડે છે આકાશમાં આ ઉનાળો. આ ઉનાળો ધૂળની ડમરીને લઈ જાય છે, અણજાણ પ્રદેશમાં! ઝાડીએ... ઝાડીએ... ડાળીએ... ડાળીએ... ઝૂમખે... ઝૂમખે... સહસ્ત્રલિંગ કિરણે... કિરણે... ચળાઈને આવતો આ ઉનાળો ઊંટની તરસરૂપે ઝરણે ઝરણે ફૂટી નીકળ્યો છે! રણમાં અરણ્યની આકાંક્ષા જગાવી રહ્યો છે આ ઉનાળો!
આકાશ અને ધરતીને એકાકાર કરી દેવાના બણગા ફૂંકતો સૂરજ આ ઉનાળામાં તીક્ષ્ણ તીરો વડે વીંધે છે હિમશૃંગોની ટોચો, વૃક્ષોનાં મથાળાં અને કોચી નાખે છે હિમબિંદુઓથી પોચી બનેલ ધરતીને. અંધકારના પાકથી લચમચતાં ખેતરોમાં ખરી પડેલ તારાના મૃત્યુથી રાત્રિએ સેવેલ સફેદ મૌનને પાથરે છે, આ ઉનાળો! બપોરી નગરની નીરવતામાં!
આથી જ કોઈ એકલદોકલ ગાય કાગળના ડૂચા સાથે આરોગે છે આ ઉનાળાને અને વાગોળે છે લીલાં લીલાં
ધાન્યને! આંખોને કંઈક જોયાનો આનંદ આપતા કેસુડાને અજવાળી અજવાળીને છલકાય છે આ ઉનાળો! કેસરી સિંહ બનીને ને ગભરાવી મૂકે છે એ ગાયને! જંગલે જંગલે પવનથી સર્જાતા ઝંઝાવાતમાં અને કુટિરે કુટિરે ફર... ફર... ફરકતા... પંખામાં પીપળાને કૂંપળ ઊગવાને બદલે પાંદડું ઊગે તેમ આ ઉનાળાનો ફૂટી નીકળ્યો છે અવાજ!
💯1
આજ-કાલ:ભૂલો ભલે બીજું બધું, રમવાનું ભૂલશો નહીં
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/no-matter-what-dont-forget-to-play-135208824.html

સિં ગિંગ કોમ્પિટિશન, ડાન્સ શો, રિયાલિટી શો અને ક્રિકેટ માટેનો મોહ વધતો જાય છે. આ સિવાય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, એમ.બી.એ., અને કોમ્પ્યુટરમાં ડિગ્રી મુખ્ય ધ્યેય હોય. ઘણાંને ફિલ્મ સ્ટાર્સ બનવું હોય છે, પણ ચિત્રકાર, ખેલાડી (ક્રિકેટર સિવાય) કે વિજ્ઞાની કેટલાંને બનવું હોય છે? વાંક બાળકોનો નથી, યુવાનોનો પણ નથી. તકલીફ આપણી, સમાજની અને દેશની છે. આપણા રોલ મોડેલ જ ખોટા છે, નકામા છે.
ભલે કરિઅર ગોલ ગમે તે હોય સાથે રમતને મહત્ત્વ અપાવું જ જોઈએ. પછી ભલે એ રમત કોઈ પણ હોય. મેદાન, બગીચા અને દરિયાકિનારા માટેનો સમય કોમ્પ્યુટર સ્ક્રીન અને મોબાઈલ ફોનને આંચકી લેવા દઈને આપણે સૌ મહાભયંકર ભૂલ, મહાપાપ કરી રહ્યાં છીએ. આંકડાબાજીમાં ન પડીએ પણ કોમ્પ્યુટર સ્ક્રીન, મોબાઈલ ફોન, રીલ્સ અને ઓટીટી પ્લેટફોર્મનો અતિરેક માનવ સંસ્કૃતિ, શિક્ષણ, બુદ્ધિમતા, માનવતા અને લાગણીની ઘોર ખોદી રહ્યાં છીએ.
આ સ્થિતિની ગંભીરતાને સમજીને 11મી જૂનને ઈન્ટરનેશનલ ડે ઓફ પ્લે જાહેર કરાયો છે. કમનસીબે આપણે જેટલાં વધુ ભણતાં જઈએ છીએ એટલાં વધુ અભણ થતાં જઈએ છીએ. યુનિસેફ દ્વારા આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરતી વખતે એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરીન રસેલે બહુપયોગી વાત કરી હતી: ખેલ એક સ્થિતિ કે નિશાન છે. બાળકને સલામતી, ઉછેર અને પ્રેમ આપે છે. એમને લાગે છે કે ગમે તેવી મોટી મુશ્કેલીમાં પણ તેઓ બાળક રહી શકે છે. ખરેખર આ દિવસ સૌમાં, ખાસ તો બાળકોમાં, રમવાને જાળવવા, વધારવા અને પ્રાથમિકતા પર ભાર મૂકે છે અને લેખની ક્ષમતાને સંપૂર્ણ વિકસાવીને પ્રશંસા-ઈનામ ભણી લઈ જાય છે.
આપણે લખોટી, ગિલ્લીદંડા સહિતની કેટકેટલીય પોતીકી અને પરંપરાગત રમતોની હત્યા કરી નાખી છે. એને બદલે બાળકો વીડિયો ગેમ્સમાં મારકાપ, હિંસા અને વિનાશને સહજ રીતે સ્વીકારતા થઈ ગયાં છે. ભાવિ પેઢીને સંઘર્ષ અને પડકાર માટે તૈયાર કરાતી નથી. જીતવા માટે ઝઝૂમવા અને હારને સ્વીકારતા-પચાવવાની તાલીમ મળતી નથી.
ઓલિમ્પિક્સ એટલે ખેલનો વૈશ્વિક મહાકુંભ. 2020માં એક ગોલ્ડ અને બે સિલ્વર સાથે કુલ સાત મેડલ જીત્યા એ આપણું બેસ્ટ પર્ફોર્મન્સ! 1900થી આપણે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું એ કુલ 41 મેડલ જીત્યા. 26 રમતોસ્વમાં આપણે ટોટલ 46 મેડલ જીતીને ઘરે લાવ્યા. વર્લ્ડ રેન્કિંગમાં આપણો ક્રમ છે 57મો. 150 કરોડની વસ્તીમાં પાંચ વર્ષમાં 15 એવોર્ડ જીતવાની ક્ષમતા, તાકાત, કુશળતા કેળવાતી કેમ નથી?
વૈશ્વિક ફલકને થોડું નાનું કરીએ. કોમનવેલ્થ ગેમ્સ પર આવીએ. આ રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61 મેડલ જીતી શક્યું છે. 1922ની કોમનવેલ્થ ગેમ્સમાં છ મેડલ સાથે ભારત છઠ્ઠા ક્રમે આવ્યું હતું, જ્યારે આપણા દેશના કદ અને વસ્તીમાં ક્યાંય ઊભું ન રહી શકે એવું ઓસ્ટ્રેલિયા 22 સુવર્ણ, 13 રજત અને 12 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે હતું.
તો એશિયન ગેમ્સમાં ભારતને નામે 753 ચંદ્રક છે. આ આંકડો સારો લાગે પણ સબુર. નંબર એક ચીન (3570 ચંદ્રક), નંબર બે જાપાન (3242 ચંદ્રક), નંબર ત્રણ સાઉથ કોરિયા (2425 ચંદ્રક) છે. વધુ સુવર્ણચંદ્રકને લીધે ઈરાન (671 ચંદ્રક) ચોથા ક્રમે છે અને પછી છે ભારત.
ખેર, જાત પર ઘણું હસ્યાં. હવે હાથ-પગને સક્રિય કરવાનો સમય વીતી જવામાં છે. ઊભા થાઓ, ચાલવા માંડો, દોડવા માંડો અને રમવા માંડો.
ઓનલાઈન-ઓફલાઈન
ખેલ-રમતનું વિરોધી કામ નથી, હતાશા છે.
- બ્રિઆન સુટોન-સ્મિથ (પ્લે થેરાપિસ્ટ)
રેઈનબો:કબીરા ખડા બાઝાર મેં…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kabira-khada-bazaar-in-135208882.html

રક્ષા શુક્લ ક બીરને એક યુવાને પૂછ્યું કે ‘ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. છોકરીઓ જોવાનું પણ ચાલી રહ્યું છે. તો મારે કેવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ?’
કબીરે કશો જવાબ આપવાને બદલે અંદર કામ કરતા પોતાના પત્નીને સાદ કરીને કહ્યું કે- ‘દીવો મૂકી જાજો’ અને પત્નીએ તુરંત આજ્ઞાનું પાલન કર્યું, પછી કબીર કામમાં મશગુલ થઈ ગયા.
પેલા યુવાને કહ્યું, ‘આપે મારા પ્રશ્રનો ઉત્તર આપ્યો નહીં.’
કબીર કહે તારા પ્રશ્રનો જવાબ તો મેં આપી દીધો ‘આ ભરબપોરે દીવાની જરૂર હતી? તોય દીવો અહીં મુકાઈ ગયો ને? બસ, આવું હોય તો લગન કર.’
પ્રેમની ગલીમાં બંને વ્યક્તિએ થોડું થોડું સંકોચાવું પડે, તો જ બંને સમાશે. લગ્નજીવન ‘લેટ ગો’ની ભાવના અને ‘ડેડિકેશન’ની સંભાવના ઉપર ઊભું છે.
કબીરના જીવનમાં જેટલો વિવાદ છે એટલો જ એમના જન્મ અને મૃત્યુ સંદર્ભે છે. અલગ અલગ સંદર્ભો મળે છે પણ એક વાત નિર્વિવાદ છે કે એમણે કાટ ખાઈ ગયેલી આપણી સંવેદનાને ધાર કાઢી છે. સામાજિક સુધારા કર્યા અને ધાર્મિક ધખારા સામે લાલ બત્તી ધરી. એ ખરા અર્થમાં સંત હતા, પણ કોઈ સંત કહે તો એમને ગમતું નહીં. સદા સેવક બની રહ્યા.
કબીરજીની ચોતરફ પ્રશંસા થવા લાગી ત્યારે એમને થયું કે ‘કંચન, કામિની અને કીર્તિ’ આ ત્રણ વસ્તુ ભજનમાં બાધારૂપ બને. એમનાથી દૂર થયા એટલે એમને નિરાંત થઈ. પછી શાંતિથી ભજન કરવા લાગ્યા.
કબીરને ગુરુ નહીં પણ સદગુરુ જોઈતા હતા. સદગુરુની શોધ આરંભાઈ. રામાનંદ સ્વામીની પ્રતિભાથી એ બહુ પ્રભાવિત થયા. જે રામના અંશાવતાર મનાય છે. આજે પણ એમની ‘અષ્ટપદી’ના પાઠથી દુઃખિયાના દર્દ મટે છે. એકલવ્યની માફક રામાનંદ સ્વામીની મૂર્તિને પૂજતા રહ્યા. એમની કથાને મહાકથા માની સૌની ચેતનાને જગાડતા રહ્યા. રામાનંદજીનાં ચંપલ અંધારામાં ગંગા કિનારે સૂતા કબીરના શરીર પર પડ્યાં અને તેમણે ‘રામ-રામ’નો ઉચ્ચાર કર્યો. આ રીતે કબીર દીક્ષિત થયા. ‘સદગુરુ કે પ્રતાપ સે મિટ ગયે સબ દુઃખ દંડ. દુવિધા મિટ્ટી, ગુરુ મિલિયા રામાનંદ.’
કબીર વર્ષો પહેલાં કહી ચૂક્યા કે જાતપાતનું જંતર વગાડવાનું બંધ કરો, પણ આપણા બહેરા કાનને ક્યાં કશું સંભળાય છે? વળી કાનની સાથે માનસિકતા પણ મૂક-બધીર. પણ કબીરે પરિણામ કે પરિમાણની ચિંતા કર્યા વગર લોકજાગૃતિ માટે રણશિંગુ ફૂંક્યા કર્યું. એમાં અનેક લોકો એના વિરોધી થયા. સત્ય કહેનારને માટે ઝેરનો પ્યાલો લઈને સમાજ તૈયાર જ હોય છે. કબીર સામાન્ય લોકોને મળવાનું વધુ પસંદ કરતા હતા. શ્રેષ્ઠીઓની ચમક ક્યારેય એમને આંજી શકી નથી.
કબીર એકવાર સાંધ્ય સ્મરણ માટે બેસવાના હતા ત્યાં એક દુ:ખિયારો આવ્યો અને પોતાની પીડા કલાકો સુધી કહી. એની પીડાનું સમાધાન કર્યું ત્યાં રાત પડી ગઈ. એ ગયો પછી બાજુમાં બેઠેલા અનુયાયીએ કહ્યું કે ‘આજે તમારું સાંધ્ય સ્મરણ ચુકાયું.’ કબીરે કહ્યું કે ‘કોઈની પીડા ઓછી થતી હોય એનાથી મોટું બીજું કોઈ સાંધ્ય સ્મરણ ન હોઈ શકે.’
કબીરે વૈષ્ણવ, સૂફી અને નાથ સંતોની વિચારધારાને ભક્તિમાં ઉતારી હતી. અખંડ એકતા અને સમરસ સુમેળ માટે સતત પ્રયત્ન કર્યા. એમણે કહ્યું કે ‘પહેલાં માણસને માણસ જેમ જુઓ, બીજું બધું પછી.’ કબીરે ક્યારેય હાથમાં કલમ પકડી નથી, આ તો એમના શિષ્યોએ કબીરદાસની વાણી શ્લોક, દોહા, સાખી ઈત્યાદિ સ્વરૂપે કાગળ પર કંડાર્યાં. એમણે વેદ, ઉપનિષદ કે અન્ય કોઈ મહાન શાસ્ત્રોનો વિધિવત અભ્યાસ કર્યો નહોતો. અનુભવના એરણથી ઉતરેલા એમના શબ્દ ચમક્યા. મધ્યકાળના રૂઢિચુસ્ત માહોલમાં પણ આધુનિકતાની છડી પોકારી હતી. વિશ્વના ઉત્તમ સંતોની યાદી કરવી હોય તો ભારતમાંથી કબીરનું નામ પ્રથમ હરોળમાં મૂકવું પડે.
યોગી અને ઉપયોગી બંને વિશેષણો કબીરને શોભે છે. સાક્ષીભાવને કબીર સૂફી સ્વભાવમાં સહજ રીતે વણી શકે છે. ‘કાણાને કાણો અને દ્રષ્ટિવાનને દ્રષ્ટિવાન’ ખણખણતા ખોંખારા સાથે કહે તે કબીર. આખાબોલા અખા અને કારેલા જેવા કબીરે તંદુરસ્ત સમાજનું નિર્માણ કર્યું છે.
માનવ પ્રકૃતિ છે કે દુઃખમાં દરિદ્રનારાયણ અને સુખમાં સોની સાંભરે છે. બધાં દુ:ખમાં ઈશ્વર પાસે આવે છે પણ સુખમાં ઈશ્વરને સ્મરે તો દુઃખ રહે જ નહીં. ફેસબુકના ફળિયે વાંચ્યું કે ‘આપણે ઈશ્વરને કહીએ છીએ કે મારું દુઃખ મોટું છે પણ દુઃખને કેમ કહેતા નથી કે મારો ઈશ્વર મોટો છે.’ કબીરસાહેબ ગુજરાતમાં અનેકવાર આવ્યા હોવા જોઈએ. ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે હીંડતે, જહિયા, તહિયા, હતા વગેરે તેમની બીજકની રચનામાંથી પ્રાપ્ત થાય છે.
કબીરવડમાં જે શિલાલેખ પ્રાપ્ત થયો છે તેમાં કબીર સાહેબ સં. 1465માં કબીરવડના સ્થળે આવેલા તે હકીકત જણાવેલી છે. ભારતના મોટા ભાગના મહાપુરુષોનું કોઈક ને કોઈક રીતે ગુજરાત કનેક્શન જોવા મળશે. ‘સાહેબ’ તો કબીર એક જ હો! ઇતિ
વિશ્વાસથી વિશ્વાસ અને અવિશ્વાસથી અવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
- પ્રેમચંદ
સહજ સંવાદ:કારાગારોમાં બંધ સંઘર્ષની કવિતાઓ…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/poems-of-struggle-locked-up-in-prisons-135208850.html

જૂ ન મહિનાનો આ મધ્યાહન છે. 50 વર્ષ પૂર્વે 25-26 જૂન, 1975ના એકદમ અચાનક રાષ્ટ્રપતિભવનથી જાહેર કરવામાં આવી હતી આંતરિક કટોકટી. પછી તેના પગલે પગલે પ્રી-સેન્સરશિપ, ગાઈડ લાઇન્સ, મિસા નામે અટકાયતીધારો અને ડી. આઈ. આર.ની કાનૂની કારવાઈ. પછીથી નિયુક્ત થયેલા જસ્ટિસ શાહ તપાસ પંચે 200 જેટલાં પાનાં અને પરિશિષ્ઠમાં આ બધી વિગતો આલેખીને જણાવ્યું છે કે કેવી રીતે સ્વતંત્રતા પછી પહેલી જ વાર આંતરિક કટોકટીની જોગવાઈનો ઉપયોગ કરીને જવાહરલાલ નેહરુના શબ્દોને સાચા પાડવામાં આવ્યા હતા.
નેહરુએ તો ગુલામીના સમયે કહ્યું હતું કે બ્રિટિશ અમલીકરણથી દેશ આખો કારાગાર બની ગયો છે, પછી બહાર હોઈએ કે જેલમાં, શું ફરક પડે છે? ઓછામાં ઓછું જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મોરારજીભાઈ દેસાઇ, ચંદ્રશેખર, બાળાસાહેબ દેવરસ જેવા પક્ષો કે સંગઠનોના સૂત્રધારોને અને 100 જેટલાં નાનાં અખબારોના પત્રકારોને તો આનો અનુભવ તિહાડ, બેંગ્લુરુ, લખનૌ, ચંડીગઢ, રોહતક, વડોદરા, અમદાવાદ, થાણા , યરવડા, સાબરમતી અને બીજી જેલોમાં અટકાયતી તરીકે બે વર્ષ રહેવાનું થયું, તેમને તો નેહરુજીની વાતનું પુનરાવર્તન જરૂર અનુભવાયું હતું.
વડાપ્રધાન કાર્યાલયના સચિવ બી. એન. ટંડનના પુસ્તક ‘પીએમઓ ડાયરી-1’ પરથી તો સ્પષ્ટ થઈ જતું હતું કે મૂળમાં સત્તાનું હાલકડોલક થવું જ કારણરૂપ હતું. એક તો જૂન જોગીઓ કે. કામરાજ, નિજલિંગપ્પા, સંજીવ રેડ્ડી, મોરારજીભાઈ દેસાઇ વગેરેથી વિભાજન કરીને અલગ કોંગ્રેસ ઊભી કરવી, અલ્હાબાદ અદાલતે ઈન્દિરાજીની ચૂંટણી અમાન્ય ઠેરવવી, બિહારમાં જયપ્રકાશના આંદોલનની શરૂઆત, ગુજરાતમાં પોતે નક્કી કરેલા મુખ્યમંત્રીપદના ઉમેદવારની સામે કોંગ્રેસમાંથી જ ચીમનભાઈ પટેલનું ઊભા રહેવું, વિજય મેળવવો અને વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનને લીધે વિધાનસભાને વિસર્જિત કરવી…
આ બધું કોંગ્રેસની અંદર બીજા કેટલાક નેતાઓને માટે મોકળું મેદાન આપતું હતું, તે ઈન્દિરાજીએ જોયું અને પોતાના વિશ્વાસુ સાથીદારોની સલાહથી કટોકટીનો ઘાતક ઉપાય અજમાવ્યો, એવું ના કર્યું હોત તો કટોકટીનો કાળો અને કલંકિત અધ્યાય રચાયો ના હોત.
… પણ, 26 જૂન, 1975થી 18 જાન્યુઆરી 1977ના કટોકટી પાછી ખેંચવા સુધીના દિવસો અને રાતો ભય અને ભ્રમ સાથેના સત્તાવાદના પુરવાર થાય. લોકસભા નામની રહી, તેના ઘણા વિરોધ પક્ષના નેતાઓ જેલોમાં હતા. સેન્સરશિપને લીધે સંસદની કાર્યવાહી લોકો સુધી પહોંચી નહીં. એવું જ ધારાસભાઓનું થયું. પછી લોકોને તેની ખબર તો ક્યાંથી પડે કે કટોકટીની સામે દેશ અને વિદેશમાં નાનો કે મોટો પ્રયાસ ચાલુ હતો. નોબેલ-વિજેતાઓએ ભારતના વડાપ્રધાનને કટોકટી પાછી ખેંચવા અપીલ કરી હતી, પંજાબમાં અકાલી દળનો પ્રભાવી સત્યાગ્રહ થયો હતો, સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને સત્યાગ્રહની આગેવાની લીધી હતી. જેલોમાં વિરોધ પક્ષોની એકતાનું મનોમંથન ચાલતું હતું, હજુ યુવકો સંઘર્ષના મેદાનમાં હતા, અનેક ભૂગર્ભ પત્રો-પત્રિકાઓ લોકો સુધી પહોંચી રહ્યાં હતાં .
સંઘર્ષનો એક મજબૂત ગઢ હોય છે સાહિત્યનો. શિવરામ કારન્થ , જયવંત દળવી, દુર્ગા ભાગવત, ફણીશ્વરનાથ રેણુ , સ્નેહલતા રેડ્ડી, ડો. રઘુવંશ, ધર્મવીર ભારતી, બર્નાર્ડ કોપ્સ, મનુભાઈ પંચોલી , હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની વગેરેએ વિરોધનો અવાજ વ્યક્ત કર્યો.
જ્હોન ઓલિવર પેરી અમેરિકન અધ્યાપકે એક મહત્ત્વનું પુસ્તક સંપાદિત કર્યું હતું, તે ‘વોઈસીસ ઓફ ઇમર્જન્સી’માં તે સમયનાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કેટલાંક તો પછીથી લખાયાં હોય તેવું સ્પષ્ટ થાય છે. પણ, અટલ બિહારી વાજપેયીની આ કવિતા તો સમગ્ર સંઘર્ષનું ગીત બની ગઈ:
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
સત્ય કા સંઘર્ષ સત્તા સે,
ન્યાય લડતા નિરંકુશતા સે,
અંધેરે ને દી ચુનૌતી હૈ,
કિરણ અંતિમ અસ્ત હોતી હૈ.
દીપ નિષ્ઠા કા લિયે નિષ્કંપ,
વજ્ર તૂટે યા ઊઠે ભૂકંપ,
યહ બરાબર કા નહીં હૈ યુદ્ધ,
હમ નિહત્થે, શત્રુ હૈ સન્નદ્ધ,
હર તરહ સે શસ્ત્ર સે હૈ સજ્જ,
ઔર પશુબલ હો ઊઠા નિર્લજ્જ.
કિન્તુ ફિર ભી જૂઝનેકા પ્રણ,
અંગદ ને બઢાયા ચરણ,
પ્રાણ-પણ સે કરેંગે પ્રતિકાર,
સમર્પણ કી માંગ અસ્વીકાર.
દાઁવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે,
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
એક બીજી રચના એ સમયે જેલના સળિયા પાછળથી આવી હતી, જેનો કવિ આજ સુધી અ-નામ રહ્યો છે:
ન કરો મનમાનીયાં ઇતની,
ના જાને કૌન સે ક્ષણ,
બદલ જાયે રૂખ હવાઓં કા,
કપટ, છલ, છદ્મ કી સત્તા,
કિયા કરતી હૈ મનમાની,
સમય આતા કી લગતી,
કાટને પરછાઇયાં અપની…
બીજી એક કવિતા કોઈ ‘રાહી’ના નામે જેલોમાં ફરતી રહી હતી. તેમાં ઉઘાડું દુખ છે: પરિભાષા બદલ ગયી હૈ, દેશભક્તિ કી, પ્યાર કી, પ્રજાતંત્ર મર ગયા, અબ સત્તા મહેમાન બન ગયી..
આ કાવ્યો કોઈ એક ભાષામાં લખાયાં નહોતાં. પંજાબી, બંગાળી, હિન્દી, ઉર્દૂ, તમિળ, તેલુગુ, હિન્દી, મરાઠી, ગુજરાતી અને બીજી ભાષાઓમાં રચના થઈ. જેલોમાં ક્યાંક કવિતા, ક્યાંક નવલકથા અને નિબંધો લખાયા.
મનદુરસ્તી:જીવ-સમાન જીવનસાથીનો અચાનક વિયોગ થાય ત્યારે...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/when-a-life-partner-suddenly-passes-away-135208931.html

ન યનભાઇની આંખો લાલ હતી. ઉજાગરા સ્પષ્ટ દેખાતા હતા. કાર્ડિયોલોજીસ્ટના વેઈટિંગ રૂમમાં એમની સાથે એમનો દીકરો માર્કંડ ખડે પગે હતો. હમણાં જ કરાવેલ કાર્ડિયાક રિપોર્ટ્સમાં ચિંતાજનક ફેરફારો દેખાઈ રહ્યા હતા. ડૉક્ટરે જરૂરી દવાઓ સાથે મનોવૈજ્ઞાનિક મદદ લેવાનું સૂચન કર્યું.
એક મહિના પહેલાં જ પંચાવન વર્ષના નયનભાઇના બાવન વર્ષના જીવસમાન પત્ની લીનાબહેન હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં હતાં. નયનભાઇના માથે આભ તૂટી પડ્યું હતું. બન્યું એવું કે એમનું મૃત્યુ થયું એ જ દિવસે એમની એનિવર્સરી પણ હતી. જે દિવસે પતિ-પત્ની બંને એક થયાં હતાં એ જ દિવસે કાયમ માટે છૂટા પણ પડી ગયાં હતાં.
આ આઘાત ભયાનક હતો. એમના માટે લીનાબેન મિત્ર, પત્ની, સ્વજન અને સર્વસ્વ હતાં. આવી વ્યક્તિની કાયમી વિદાય સૌથી વધુ પીડા આપતી હોય છે. છેલ્લા એક મહિનાથી નયનભાઇને બરાબર ઊંઘ નહોતી આવતી. વહેલી સવારે એકાદ કલાક થાકીને આંખ મળે કે તરત જ ઝબકીને જાગી જવાય. મનમાં રડવાનું ચાલુ રહેતું હતું પણ આંખોમાંથી પાણી નહોતું નીકળતું. ધીમે ધીમે નયનભાઇની પણ જીવવાની ઈચ્છા મરતી જતી હતી. અમેરિકાના શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ડાયના કિરીનોસના એક રિસર્ચ મુજબ સારી રીતે પરસ્પર સંકળાયેલાં જીવનસાથીનું મૃત્યુ એ વાસ્તવમાં તીવ્ર દુઃખદાયક અને તણાવજનક ઘટના હોય છે. આને લીધે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી ડિસ્ટર્બ્ડ થઈ જાય છે. નિદ્રાના વિક્ષેપો થવાના શરૂ થઈ જાય છે.
આવી ઊંઘની ખલેલોને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ અને મૃત્યુ સુદ્ધાનું જોખમ વધી જાય છે. અનિદ્રાથી શરીર પર સોજા પણ આવી શકે. બ્લડપ્રેશરમાં ફેરફારો થાય. કોન્સન્ટ્રેશનમાં તકલીફો થાય. ચીડિયાપણું આવે, સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય.
સાયકોસોમેટિક મેડિસિન જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં જણાવ્યા મુજબ ઈન્ફ્લેમેશન એટલે કે સોજાનું સ્તર વધવાથી હૃદયરોગની સંભાવના વધે છે. પોતાના મૃત જીવનસાથી સાથે મજબૂત લાગણીથી જોડાયેલાં વિધવા કે વિધુરને જો અનિદ્રાની તકલીફ રહે તો હૃદયરોગની શક્યતા પણ બેથી ત્રણ ગણી વધી જાય છે. 101 લોકો પર થયેલો આ અભ્યાસ ખૂબ મહત્ત્વનો હતો. જેમાં સોજાનું પ્રમાણ શરીરના સાયટોકાઈન્સ નામના રસાયણના પ્રમાણ પરથી નક્કી કરવામાં આવ્યું હતું. જે રોગની સામે ટૂંકા ગાળાની લડત આપે છે. પરંતુ જો તે પ્રમાણ લાંબો સમય વધેલું રહે તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ સાથે પણ સંકળાય છે. તદઉપરાંત અન્ય ઈન્ફેક્શન તેમજ મનોદૈહિક રોગો થવાની પણ શક્યતા વધતી જાય છે. સતત ખાલીપો ડિપ્રેશન આપે છે. પ્રિય સ્વજનનું મૃત્યુ સ્ટ્રેસ માટેનું સૌથી મોટું કારણ છે.
જીવનસાથીના મૃત્યુ બાદની એકલતા અને પરવશતાની લાગણી ભલભલાને હચમચાવી શકે છે. ભારત જેવા દેશમાં વિભક્ત થતાં કુટુંબોમાં ઉંમરલાયક વિધુર કે વિધવાઓને સૌથી વધારે ચિંતા એ હોય છે કે એમને સંતાનો કેવી રીતે રાખશે. અલબત્ત, આ માટે બંને સાથીઓ જીવતાં હોય ત્યારે મજબૂત આર્થિક પ્લાનિંગ કરેલું હોય તો સલામતીની લાગણી મજબૂત રહે છે. કોઈપણ એક વ્યક્તિ મોટે ભાગે પહેલાં જ જવાની છે. એ દુઃખદ બાબત સ્વીકારવી પણ જરૂરી છે. સાથીના મૃત્યુનો જેટલો વહેલો સ્વીકાર થાય તેટલા ઝડપથી દુઃખ અને ડિપ્રેશન ઝડપથી ઘટતા કાઉન્સેલિંગથી ચોક્કસ ફાયદો થઈ શકે.
આવી સ્થિતિમાં શું કરવું? પોતાના જેવા જ અન્ય વિધુર કે વિધવા લોકોનું એક ગ્રૂપ બનાવી શકાય. આવા ગ્રૂપમાં અવનવા વિષયો પર ચર્ચા કે મજાની વાતચીત કરી શકાય. પોતે સદગતની સાથે ગાળેલી આનંદની પળોને વાગોળીને તેમજ તેના તરફથી થયેલા દુઃખદાયક વર્તનને માફ કરવાથી હળવાશ અનુભવાય છે.
જીવનસાથીની સ્મૃતિઓનો સંગ્રહ જીવનનું શ્રેષ્ઠ ભાથું બનાવી શકાય. જો પોતે પહેલાં મૃત્યુ પામ્યા હોત તો જીવિત રહેનાર જીવનસાથીને પોતે શું સલાહ આપેત એ વિચારીને એ જ બાબત પોતાના પર પણ લાગુ પાડવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા રોજ યોગ, પ્રાણાયામ અને કસરત તેમજ મોર્નિંગ વોક અનિવાર્ય કરવા. મૃત્યુ વિશેની આધ્યાત્મિક સમજ પણ ખૂબ મોટી સકારાત્મક ભૂમિકા ભજવી શકે. સદગત સ્મૃતિમાં હેલ્થ કે એજ્યુકેશન પાછળ નાણાં, સમય કે શક્તિ વાપરવાથી અગમ્ય શાંતિ મળે છે, એ હકીકત છે. એટલેજ કહેવાયું છે ને કે, પ્રિયજન સાથે વર્તમાનની ક્ષણો આનંદથી જીવી લેવામાં સંસારનો સાર છે. વિનિંગ સ્ટ્રોક
સંવેદનામાં એકાકાર થયેલા સદગતની સ્મૃતિની એક્સપાયરી અઘરી હોય છે.
લઘુકથા:પ્રાર્થનાનો સાદ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/call-of-prayer-135208855.html

મિતેષ આહીર ‘એ સુખા, હવે હિસાબ તો કરી જા.’ મોટા તપેલામાં ચા ઉકાળતાં-ઉકાળતાં ડાયાભાઇએ બાજુના પાનના ગલ્લે ઊભેલા સુખાને બૂમ મારી.
સુખાએ જવાબ વાળ્યો, ‘આપી દઈશ. એકાદી મોટી વર્ધી તો મળવા દયો.’ સુખાના હાથમાંથી સોપારીના બે-ચાર દાણા લેતાં લેતાં રવજી બોલ્યો, ‘કેમ, હમણાં ઠંડું હાલે છે?’
સુખો નિસાસાભેર બોલ્યો, ‘હમણાં ભારે કઠણાઇ ચાલે છે. ઘરના ખાડા માંડ પૂરું ત્યાં આ ગાડીનાં કંઈક ને કંઇક ખર્ચા ઊભા જ હોય છે. હવે મારો રામ કંઇક મેરબાની કરે તો હારૂં.’
વાતો કરતાં કરતાં સુખો ગાડીના કાચ લૂછવા માંડ્યો. થોડીવાર માટે હજુ શાંતિ છવાઇ ત્યાં તો બાજુની શિવમ હોસ્પિટલમાં રોકકળ અને દેકારો શરૂ થઇ ગયો. આ રોકકળ ચાલુ થઇ અને બીજી જ મિનિટે સુખાના ખિસ્સામાં રહેલો મોબાઇલ રણક્યો. સુખાએ ફોન ઉપાડી વાત કરી અને પછી મલકાઇને રવજી તરફ જોઈ બોલ્યો, ‘શિવમ હોસ્પિટલમાંથી જ કોલ હતો, ગોંડલનો ફેરો છે.’
રવજી બોલ્યો, ‘જોયું ને? ભગવાને તારી પ્રાર્થનાનો સાદ સાંભળી લીધો ને!’
સુખો બોલ્યો, ‘હા દોસ્ત.’ બોલીને પોતાની એમ્બ્યુલન્સ ગાડીમાં રહેલું શબ મૂકવાનું સ્ટેન્ડ અને સ્ટ્રેચર સરખું કરવાના કામમાં લાગી ગયો.
રવજી મનોમન બબડ્યો, ‘વાહ રે કુદરત વાહ, અજબ છે તારી લીલા હોં. કોઇને રડાવે અને કોઈને હસાવેય ખરો. કોઈની પ્રાર્થના કબૂલ કરવા તારે, કોઈની પ્રાર્થના ઠુકરાવવી પણ પડે છે. અરેરે, સુખાની રોજીરોટીની પ્રાર્થના કબૂલ કરી એ તો સમજાયું, પણ હોસ્પિટલમાં પણ જે જીવે વિદાય લીધી એની જિંદગી માટે પણ પ્રાર્થના થઈ જ હશે ને? ક્યારે કોની પ્રાર્થના કબૂલ કરવી એ માટે કયું ગણિત કામ કરતું હશે? જે હોય તે તારા હિસાબ હે ભગવાન તું જાણ.’
કામ કળા:બાળકના જન્મ પછી જાતીય સુખ ઘટે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/does-sexual-pleasure-decrease-after-childbirth-135208934.html

સમસ્યા: હું અને મારી પત્ની એકબીજાને અત્યંત પ્રેમ કરીએ છીએ. અમારાં લગ્નને 2 વર્ષ થયાં છે. હવે અમે બાળક વિશે વિચારીએ છીએ. તો શું અમારે અત્યારે બાળક કરવું જોઈએ? હું આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ છું, પણ ચિંતા એ વાતની છે કે બાળકના જન્મ પછી અમારી સેક્સલાઈફને પહેલાંની જેમ એન્જોય કરી શકીશું?
ઉકેલ : તમારી જેવી મૂંઝ‌વણ બીજાં ઘણાં કપલ અનુભવે છે. બાળક પહેલાં જે રીતે રોમેન્ટિક લાઈફ પસાર થતી હતી એવી જ એન્જોયભરી લાઈફ બાળકના જન્મ પછી રહેશે કે નહીં એની ચિંતા બહુ બધાને થાય છે. કેટલીક સ્ત્રીઓ એવું પણ વિચારતી હોય છે કે તેઓ પહેલાંની જેમ સુંદર નથી લાગતી. આવી અસુરક્ષિતતાની લાગણી અને વિચારોને તેઓ પોતાના સાથી સમક્ષ પણ વ્યક્ત કરતી નથી. તો ઘણી વાર અપૂરતી ઊંઘ, નવજાત શિશુની સતત કાળજી લેવાની ચિંતાને કારણે, માનસિક અને શારીરિક થાકને કારણે તેઓ પોતાના પાર્ટનરને જાતીય સુખ આપી શકતી નથી.
આમ પણ પરિણીત યુગલોને બાળકના જન્મ પછી પહેલાંની જેમ રોમેન્ટિક બનતા સમય લાગે જ છે. એનું કારણ છે કે પ્રસૂતિ પછી સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ જાય છે. હકીકત એ છે કે બાળક જન્મે પછી ઓછામાં ઓછા એક મહિના સુધી યુગલે જાતીય સુખ ન માણવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળ વધવું જોઈએ.
પુરુષોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે પત્ની હમણાં મા બની છે અને શારીરિક પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થઈ છે, તો પહેલાં જેવી સ્થિતિમાં પાછાં આવતા સમય લાગે જ. થોડી કાળજી અને થોડા સમયની જરૂર છે, જે સમજદારીભર્યું પગલું કહેવાય. તેથી દરેક યુગલે એકબીજાની લાગણી અને જરૂરિયાતોને માન આપવું જોઈએ.
સમસ્યા: મારો એક મિત્ર એક ગે સાથે શારીરિક સંબંધ બાંધે છે. એને ડર છે કે એનાથી કોઈ નુકસાન થશે તો?
ઉકેલ: સ્ત્રી-પુરુષના સંબંધો જાણે મજાક બનીને રહી ગયા છે. શાસ્ત્રો પણ કહે છે કે સમલૈંગિકતા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. આને કારણે અનેક બીમારીઓ ઊભી થાય છે. લગભગ 95 ટકા સમલૈંગિક કોઈક બીમારીથી પીડાતાં જોવા મળે છે. એક બાળકનો સંપૂર્ણ વિકાસ માતા-પિતા કરી શકે, જ્યારે સમલૈંગિક કપલ એવું ન કરી શકે. તેઓ બાળક પેદા ન કરી શકે. ઘણી બધી એવી વાતો છે જે માતા-પિતા શીખવાડે છે, પણ સમલૈંગિકમાં તે અશક્ય છે.
આ ઉપરાંત બીજી ઘણી બાબતોનું નુકસાન તેમણે ભોગવવું પડે છે. આવનારી નવી પેઢી પર પણ તેની સારી અસર નહીં પડે, કારણ કે બાળક જે જુએ તેવું કરે છે. કુદરતના નિયમ મુજબ સ્ત્રી અને પુરુષ એકબીજા વગર અધૂરાં છે. એકબીજા વિના તેમનું કોઈ અસ્તિત્વ નથી, પણ પુરુષ-પુરુષ અને સ્ત્રી-સ્ત્રી સાથે રહે ત્યારે કુદરતના આ નિયમનો ભંગ થાય છે.
શારીરિક સંબંધો પણ માણસની મોટી જરૂરિયાત છે. અને એનાથી અપરાધ જેવી પ્રવૃત્તિ પણ અટકે છે, જ્યારે સમલૈંગિકોમાં આવું બનતું નથી. આવી ઘણી બધી બાબતોને કારણે સમલૈંગિકોએ નુકસાન ભોગવવું પડે છે. તેથી આવા સંબંધો યોગ્ય ન કહેવાય. તમે તમારા દોસ્તને આ બાબતો સમજાવજો. હા, સમલૈંગિકોનાં લગ્ન બાબતે કાયદા નવા ભલે બન્યા હોય, પણ સમાજમાં તેમને યોગ્ય સ્થાન નથી મળતું.
મેનેજમેન્ટની ABCD:માનસિક તંદુરસ્તીની ABCD
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/abcd-of-mental-health-135208858.html

બી.એન. દસ્તુર મા નસિક તંદુરસ્તી ઉપર કૉન્સોલિટેડ લેખતી ફરમાયશો થતી રહે છે. પોતાની નજરમાં ઈમેજ
માનસિક તંદુરસ્તી ધરાવનાર ઈનસાન માને છે કે એની જિંદગીમાં એકંદરે બધું ઠીકઠાક ચાલી રહ્યું છે અને બીજી કરોડોની સરખામણીમાં એ બહેતર જિંદગી જીવે છે.
પ્રેમ, હેપ્પીનેસ, આશા, ઉમંગ, ગુસ્સો, અદેખાઈ, ચિંતા, ડર જેવી લાગણીનો અતિરેક ન થાય એનું ધ્યાન રાખે છે.
પોતાની તાકાતો અને મર્યાદાઓનું એને ભાન હોય છે.
સાયકોલોજીની પરિભાષામાં એ ‘ઈન્ટર્નલ’ છે. એનાં વર્તનની જવાબદારી સ્વીકારે છે.
ન બનવાનું બને કે બનવા જેવું ન બને તો એ ડિપ્રેસ થતો નથી. ભૂલોને શિક્ષક ગણે છે, એકની એક ભૂલ ફરી કરતો નથી.
માને છે કે જિંદગીનો હેતુ છે હેપ્પી રહેવાનો અને બની શકે તો બીજાઓને હેપ્પી કરવાનો.
બીજાઓ સાથેના સંબંધો
માનસિક તંદુરસ્તી ધરાવનાર વ્યક્તિને પ્રેમ, મદદ, સાથ, સહકાર આપતા અને લેતા આવડે છે.
માને છે કે કૃતઘ્નતાનું પ્રાયશ્ચિત નથી.
એની સાથે સંમત ન થનારની એ ઈજ્જત કરે છે. એને ન ગમતા બિહેવિયર જોડે પણ પોતાની ખાનદાનીને અનુરૂપ વહેવાર કરે છે.
નાક પકડીને એ વ્યક્તિ કોઈને દોરતી નથી કે દોરવાતી નથી.
માનસિક તંદુરસ્તી ધરાવતી વ્યક્તિ કોઈથી ડરતી નથી, કોઈને ડરાવતી નથી. એને ‘ના’ પાડતાં આવડે છે.
પોતાના જ્ઞાનનું, આવડત, અનુભવનું પ્રદર્શન કરવું પસંદ નથી.
દોસ્તી કરવા, નિભાવવા અને નિખારવા માટે કરવા જેવું બધું જ કરે છે.
જિંદગીના તકાજાઓ
માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ, દરેક સમસ્યા ઉપર ‘ચેલેન્જ’નું લેબલ મારી લડતી અને શીખતી રહે છે. ક્યારે બાંય ચડાવવી, ક્યારે સમાધાન કરવું, ક્યારે પીછેહઠ કરવી એની એને ખબર હોય છે.
કાવડિયાની કિંમત સમજે છે. દેખાડા કરવા માટે નાણાં ખર્ચવા એને પસંદ નથી. આવકમાંથી બચત બાદ કરી વધેલી રકમ ખર્ચે છે. ઈ.એમ.ઈ. કઈ જાતનું જાનવર છે એની એને ખબર નથી.
પોતાની તંદુરસ્તી, બેંક બેલેન્સ અને સંબંધો સાચવતાં એને આવડે છે. પોતાની શારીરિક અને આર્થિત તંદુરસ્તીના ભોગે એ ન કરવા જેવું કરતી નથી. સંબંધોમાં જરૂરી મર્યાદાઓ સાચવે છે.
આવી વ્યક્તિ પોતાની જાતને એક ‘પ્રોડક્ટ’ માને છે. જાતમાં સુધારા-વધારા કરી એ છેવટે ‘સિમ્બોલિક પ્રોડક્ટ’ બને છે- સિમ્બોલ ઓફ સક્સેસ. સફળતાનું પ્રતીક.
નિર્ણયો લેવામાં સાવધાની વર્તે છે. નિષ્ણાતોની મદદ લે છે, પણ પરિણામની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે.
જિંદગીને અને માહોલને બહેતર બનાવવા પોતાનાં મૂલ્યો સાથે વધારે પડતી છૂટછાટ આવી વ્યક્તિ લેતી નથી.
સંતોષી રહેવું અને સંતોષી બની રહેવું એ બે અલગ રમતો છે એવું માને છે.
માને છે કે પરિસ્થિતિ ઉપર મનસ્થિતિનું નિયંત્રણ હોય છે.
આવી વ્યક્તિઓ માટે શાયર સાહિર લુધિયાનવી સાહેબે લખ્યું છે-
‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મહસૂસ હો જહાં,
મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા.’
હેલ્મેટ પુરાણ:હમણાં હમણાં દરેક જગ્યાએ પોલીસની હેલ્મેટ માટેની ડ્રાઈવ ચાલે છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/there-are-police-helmet-drives-going-on-everywhere-these-days-135209059.html

જતીન ભટ્ટ ‘નિજ’ હમણાં હમણાં દરેક જગ્યાએ પોલીસની હેલ્મેટ માટેની ડ્રાઈવ ચાલે છે. જરૂરી જ છે. હું પોતે બે વખત જીવલેણ એક્સિડન્ટથી બચી ગયો છું.
મારો મિત્ર મનુ મને કહે: ‘જતલા, એવું નથી કે હેલ્મેટ ફક્ત જીવ બચાવે, ભાઈઓ, બહેનો બચ્ચાં સહિત હંધાય માટે હેલ્મેટના આડકતરા ફાયદાય છે એ તને ખબર છે?’
‘હેં શું કીધું?’
‘જો, ઘરમાં વેલણના ઘાથી માથું બચાવી શકાય, મારામારી વખતે ગદાની જેમ વીંઝી શકાય, એટલું જ નહીં શાકભાજીની થેલી ભૂલી ગયા હોય તો હેલ્મેટમાં શાક મૂકીને સ્ટીયરિંગ પર લટકાવી દેવાની. અલબત્ત પોલીસ આજુબાજુ ન હોવી જોઈએ, બરાબર?’
‘જબરું લાયો.’
હમણાં હું એક નવી હેલ્મેટ ખરીદવા ગયો. ભાવ પૂછ્યો. તો કહે: વીમો પકવવો હોય તો આ સસ્તી લઈ જાઓ અને પ્રીમિયમ નિયમિત ભરવા હોય તો મજબૂત, ટકાઉ પણ મોંઘી છે એ લઈ જાઓ.’
બોલો છે ને વાત?
પહેલાં તો હેલ્મેટ વજનદાર ચીજ ગણાતી હતી, જે સ્પોન્ડિલાઈટિસ કરી શકતી હતી. હશે, પણ હમણાંની હેલ્મેટ ઓછા વજનવાળી ને વધારે સગવડભરી આવતી હોય છે. જેમકે, તમે કોઈ કળ દબાવો એટલે સનગ્લાસ નીચે ઊતરી જાય. બ્લૂટૂથ પણ આવે. આપણા ટ્રાફિક જવાનો માટે વિથ એસી અને ફેનવાળી હેલ્મેટ. જાત જાતની હેલ્મેટ હવે આવે છે. આના વિશે કોઈને વધારે નોલેજ હોય તો ટોર્ચનો શેરડો ફેંકવા વિનંતી...
કદાચ ફ્યુચરમાં આવી પણ હેલ્મેટ શોધાશે જેમ કે:
હેલ્મેટમાં નાની પિચકારી મૂકેલી હશે જે દબાવવાથી માથા પર નવરત્ન તેલનો છંટકાવ થશે.
હેલ્મેટ પહેરવાથી વાળ જતા રહેશે એવું માનતા લોકો માટે હેર ઓઈલનો છંટકાવ થાય એવી હેલ્મેટ બજારમાં આવી જશે.
ટાલિયાઓ માટે વિગવાળી હેલ્મેટ (ના, ના મારી પાસે આવી નથી, ઓકે?).
પાછળ બેસવાવાળાઓ માટે સાદા કાચની જગ્યાએ વર્ચ્યુઅલ ગોગલ્સવાળી હેલ્મેટ (કદાચ માર્કેટમાં આવી પણ ગઈ હોય અથવા આ વાંચીને નવી શોધ થઈ પણ જાય, ભલું પૂછવું).
સામેથી આવતા વ્યક્તિને તમારી ઓળખાણ ન પડતી હોય તો તમારું નામ હેલ્મેટના કાચ પર સ્ક્રોલિંગ થયા કરે એવી પણ હેલ્મેટ ભવિષ્યમાં આવી શકે.
પાછળ બેઠેલી વાઈફ (તમારી જ ભાઈઓ, ખુશ ન થાઓ) તમારા માથા પર ખરેખર તબલા વગાડે એવી તબલા હેલ્મેટ...
તો સો વાતની એક વાત કે હેલ્મેટ પહેરો અને બીજાને પણ પહેરવાનો આગ્રહ કરો...
હાસ્ય ડેઝર્ટ
એક ભાઈને નાનકડો એક્સિડન્ટ થયો. માથા પર થોડું વાગ્યું હતું. ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે પ્રશ્નો પૂછ્યા, ‘માથા પર કેવી રીતે વાગ્યું?’
‘બાઈક ચલાવતો હતો, સામે પોલીસ ઊભેલી દેખાઈ, પાછળ વાઈફ બેઠેલી, તેની પાસેથી હેલ્મેટ માંગી.’
‘પછી શું થયું?’
‘પછી શું? વાઈફને પ્રેમનો ઉભરો આવ્યો તો એણે મને ચાલુ બાઈકે હેલ્મેટ પહેરાવી.’
‘તો પછી પણ કેમ વાગ્યું?’
‘તેણે હેલ્મેટ તો પહેરાવી પણ કાચ પાછળ રાખેલો.’
મિઠડ઼ી કચ્છી:ગઁ, કુધરતજો પૂજક: કનકપર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/g-worshiper-of-nature-kanakapar-135209046.html

ગો ઠજો નાલો પંજ અખર, ન કાનું ન મંતર.વરી કચ્છીમેં બ સબધ ધાર કરીયું ત ‘ કન’ નેં ‘ કપર’ ભનેં.સજો સૉંનજો નગર કનકપર તાં આય જ.ગૅડ઼ે પટ વીરભૉમ અબડ઼ાસેમેં પાંચાડ઼ે કનાં ઉચાંઇંમેં વસલ ગોઠજી ચૉફેર મૉં ઠારીંધલ મોથારો,ઓતરો નૂંધાતડ઼,ઉગૉણું ભવાનીપર,ડખણૂં સણુંસરો ત વાંઊં કોઠારો.
ગોઠજા પગ઼ ધુએતો કનકાવતી ડેમ નેં વાંયેં ભરા પિંગલેસર માડેવ તિરસુલ ખણી હાજરાહજુર ઐં.છઠ છ મૅંણેં રેલગાડી માડૂઍંજી અચવિંઞ લા અચીંધી. ગોઠમેં જ બાલમિંધર વટા કૉલેજજી ભણતરજી સવગડ઼ આય.બેર,સક્કરટેટી,કારંગા નેં આમાં ત જામ હુવા પ હાંણેં ત સીલરીજે રસમિંજા કોય ધવાઇ વિગરજો ડેસી ગુડ઼ પ ભનેતો.લેખજી સિરુઆતમેં ‘ ગૉં નેં કુધરતજો પૂજક ગોઠ’ જી ગાલ કથા- કિરતન જૅડ઼ી પુંઞાઇવારી આય,ઇંનજી વિગતેં ગાલ કરીયૂં.
ગોઠમેં ગાંઇયૂં હાથણીયેં જૅડ઼યૂં,ગૌમાતાજા છેંણ,મુતર વાડ઼ીયેંમેં ખાતર તરીકૅં વાવરાજેં ઇતરે ડેસી ખેતી કધાખર સજી ધુનીયાંમેં હિતે હૂંણી ખપે.માડૂ આડૂ ગૉંજો જ ખીર પીયેં.મે કે જંગલી જિનાવર ચૅં ઇતરે મેજો મેમા નિપટ નાંય.ખીરજીયું નયૂં વઇંત્યું.મખણ લાય નેં ‘ કનકેસર’ ડેસી ઘે વડી કીંમતેં પ વિકજી વિંઞે.ગોઠજીયેં સૅરીયેંમેં કખ,કાગ઼ર,કચરો ક ચિપટી ધૂડ઼ પ ન લજે.
વાર પિરભૅં,ટાણેં અવસરૅં સૌ કો રાજીપે ગૌમાતા લા ડાંન પુંઞ કરીયેં.મોથારેજી સીમમેં બસૉ એકરમેં ગૌમાતા લા બરુકો ઘા વૅંઢારાજે,સજો ગોઠ ઘા વઢી,ભરીયૂં બધી નેં વથાણજે વાડ઼ેમેં રખે તૅંમેં ગોઠજો ઘરઘરજો માડૂ મૅનત કરેલા વિંઞે.જૅંજે નાલેમેં નીરપ,ધીરપ,મિઠાંસ આય ઍડ઼ા સિવિલ ઍન્જીનીયર પ સોરૉ આનાં મૅનતુ નેં મૉભતીલા વાડ઼ીલાલ પોકાર કમટાંણેં પગ઼વારે નેં વીયૅં ન.મિડ઼ે નિંઢાવડા ‘પિંઢુકો અવસર’ સમજી મૅનત કરીયૅં.ચાય પાણી નેં ખારી ભાંત,છાયજી પિરસાધી ભેરા વિઇ રાજી રાજીયાણાં થઇ ખૅં.કર બારૉય મૅંણાં મેડ઼ો વે ઍડ઼ી હીંયારી ભરલ ‘ ગૉં ગોઠ’ જી ભરકત નેં ભલાઇજો ભેરપો હલે વિઠો.
સજો ગોઠ ખેડૂઍંજો.સજે ગોઠમેં ઘર સઠ પાંસઠ મડ મડ.પ સલારા ખેડૂ.કનકાવતી,કોઠારો,બેરાચીયા નેં મોથારે પટજૅં ડૅમેસૅં ધ્રયલ મિઠી મિટીયાર જિમીનું.હાંણેં ત ડાડેજે ગલેમેં શેષનાગજી અડ઼ીયલ નેં વારલ આંટીવારેજીં મા નરમધા પુજેમેં આય.સજે ગોઠમેં સિરમેટીયાર રસ્તા,કાટખૂંણેં સૅરીયૂં,જભરીયું મૉલાતું,જભરા અંઙણ,પુખ્તા રસ્તા નેં ઘરોઘર મિઠો પાણી પિંઢમૉડ઼ો ટાંકૅંકે સરાર ભરલ જ રખે.કિતે પ અંઙણેંમેં પાણીજા ટાંકા નૈં ઇતરે પાણીજ્યૂં મૉટરું નેં પંપ પ નૈં,વરી પાણી કોસો કરે લાય સિજતપસેં કમકાજ હલે ઇતરે બ્યૅં ગંજૅંમેં લાઇટ જામ વાવરાજે પ હિતે લાઇટબીલ પ ઓછો અચે.કરમકે જ ધરમ મંઞીંધલ હિંન ગોઠમેં હૉટલ નાંય ક જિતે ચાર છ જિણાં વિઠા જ વૅં,વરી ચાયજા ઠામડ઼ા ધૂવાજૅં,ભુકી હારાજે ત કુત્તા મિના પ આંટો ડીયેં પ કોય પ નિપટ નિવરો પ નાંય નેં હાથણી જૅડ઼ીયૂં ગૌમાતાઉં બ ટાણાં હાંઢા ભરે ખીર ડીયેં ઇતરે ચાય જુકો પીયેં સે પિંઢપિંઢજે ઘરૅં જ ભને.
ન બીડ઼ી બાંકસ,ન પનપટી,ન જડ઼ધો તમાકુ,ન ભૂંગરી ભજરજી હટડ઼ી ક કૅબીનજો ખુમચો પ ન,બ્યો ત ઠીક ડાડ઼ી વાર કતરાયલા મોથારો ક નુંધાતડ઼ વિંઞણૂં પૅ.રસકસજ્યું ટનછન ત્રૅ ધુકાનું.ચીજ વસત ગિની,આનાં ચુકાય ક લિખાય નેં ગિરાક પુજે ઘરેં. મિંધર ગામરાજજા પૂરા ચાર.લિછમી નારાંણ ભગવાંન,બારો બીજજા ધણી નીલા નેજાધારી બાબા રામડેવજી પીર,સીંધરીયા નરવીર કષ્ટભંજન હુડ઼માન ડાડા નેં ડેવૅંજા ડેવ કનકેસ્વર માડેવ.તૅં સવા ન ડીયરી ન પિડ઼.ભૉ ખીરજી ડેરી આય.ભાકીં બાલમિંધર, અઠ ચૉપડ઼ી તઇંજી નીસાડ઼,નૉંથી બારૉજી હાઈસ્કૂલ નેં બી.એ. નેં બી.કૉમ.લાય કૉલેજ ક જુકો હાજાપરજા હામી વીર નેં ધારાસભ્ય સ્વ.જેન્તીલાલ પરસોતમ ભાનુશાલી પિંઢજે સુરગવાસી કંધોતર સ્વ.અનિરુદ્ધજી સ્મૃતિમેં ભનાયનેં પિંઢ પ અજ઼ સ્મૃતિશેષ થઇ વ્યા.
ખેતી જભરી.હર ખેડૂ વટે બ નું કરે ત્રૅ આંકડ઼ૅંમેં ચાર ચાર,છ છ વાડીયૂં.બ બ ચાર ચાર બોર નેં ટિપક પદ્ધતિસેં જરુર પૂરતો પાણી વાવરાજે.નેં કપા,હિંઢીયા,ગિઉં,રાયડ઼ો,ભકાલો,વનફડ઼ ચૉંધે ડાડ઼મ,આમાં,બેર,સક્કર ટેટી,કારંગા ઍડ઼ા પાક ગિનાજેં.ખેડૂ પિંઢ તીં છોટા ઉદેપુર,પંચમહાલ જો મજુર મુલી નેં ઠેઠ હરીયાણા,પંજાબનું ખેતી કરેલા બાર બચ્ચૅં સૉંત ત્રી પાંત્રી વરે મૉંધ કૈક કુટમ કભીલા ખીરમેં ખન વારેજીં ભિરીનેં કમકાજમેં જુપ્યા પ્યા ઐં.ભાગીતી ખેતી નેં મુલ બીં કંધૅં વૅવાર સૅવાર,ટાણાં અવસર સાંવચેમેં સરમ નેં સબંધ બૉય ડિનલ જિભાંન નેં પારલ બોલતૅં કનકપર નાલે સૉંનનગરીજા નિંઢાવડા મિડ઼ે બ પનૅં નીરા,બ અગડ઼ીયું,બ પિતરીયા,છિલલ ખૂંચૅં નેં અંઙણ બધલ મલીર મતારા ડુજાણાં નેં ટ્રૅકટર,ગાડીઍં બરુકા ડિસી અખ ઠરેતી.
ગૌમાતાજી સેવાસેં ગોઠજી પુંઞાઇ સારા નેં સચ્ચા સંસ્કાર સાંચવેંનેં.ગોઠજા સરપંચ શ્રીમતિ ચંદ્રિકાભેંણ રંગાણી સુર નેં સબધજા મરમી ઐં.તમામ વસંધી ભા ભૅંણ,માઇતર વીયા થઇનેં રૅતી.હર છનીવાર હુડ઼માનડાડાજા લડું થીયેં.ખાસેં ટાંણેં- અવસરૅં ‘ગૌ ડાંન’ મેં હરકોય હામી રાજી થઇ ફોડ઼ો લિખાય.નીસાડ઼મેં ચાર માસ્તર તાં હિંન ગોઠજા જ ઐં ત હિકડ઼ા નાલે નેં સુભાવેં રતનસાહેબ સજી જમાર હિતે જ ગુજાર્યૉં ત કે.વી.સીજુ,હસુભાઈ રંગાણી તીં મિડ઼ે કાવપ્રેમી નેં નેવું કે ઓડા મોતીલાલ સેવકસાહેભ અઞાં કડ઼ેધડ઼ે ઐં નેં રાષ્ટ્રીય તૅવાર તીં વડા ડીં પ રંઙૅંચંઙૅં મનાવાજેં.
મૉંધલે જનમેંજી પુંઞાઇસૅં હી લિખંધલજી ધી પ્રૉ. ડૉ.કેકા ભટ્ટકે કનકપર કૉલેજમેં નૉકરી મિલઇનેં ગોઠજી કચ્છી કવિયત્રી વૈશાલી મારવાડા’ વૈશું’ જી કવિતા તીં ગોવિંદભા જા ભજનનેં ધાવડ઼ેજે વિદ્યાર્થી દીનેશ રવજી પટેલજી હીંયારીનેં સજે ગામજી હીંયારી નેં સેવા મૂર્તિ ભણલગુણલ વાડ઼ીલાલ પોકારજી વલપસૅં માડેવજી મૂરમેં ભૅંણી ભનલ હોઈ સે ઠારાય,ભનાય નેં ભિડ઼ીંગ કરે ડિનૉં જિતે સિભુ સાંજી ગૌમાતા પુંઞાઇ ભરલ ગૌરજ છંઢીંધી પાવન કરીંધી વિંઞે- ઉતે વિઇનેં હી લેખ લિખ્યો.અચૉ..અચૉ..અસાંજે ગોઠ ક જિતે માડુ નેં ગૌમાતા બૉય પૂજાજૅંતા.અચૉ..ડેસી ગુડ઼ ખારાઇબો.
અઢીઅખરું કચ્છ:રાષ્ટ્રની આર્થિક નીતિના પાયામાં માંડવી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/laying-the-foundation-for-the-nations-economic-policy-135209029.html

નવીન જોષી ક ચ્છ કમાલનો પ્રદેશ છે અને કચ્છમાં પણ માંડવી એટલે વાત ન પૂછો! આ શહેર અને તાલુકાની વિવિધતા અને વિશેષતાઓનો પાર નથી, રત્નાકરની સાક્ષીએ ઉછરેલા આ મુલકના માનવીઓ પણ જીંદગીની અનેક ભરતી-ઓટનો સામનો કરીને સામાપૂરે તરવાની એટલું જ નહીં તરીને પાર ઉતરવાની તાકાત ધરાવે છે. તમે માત્ર નામોની યાદી બનાવો એટલે માંડવીની મોટાઇનો અંદાજ આપોઆપ આવી જશે.
આ યાદીમાં સૌ પ્રથમ નામ સ્વાભાવિક રીતે જ ક્રાંતિકારીઓના જનક પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું આવે અને તાજેતરની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં સૌ પ્રથમ કચ્છી તરીકે બેઠેલા જસ્ટીસ નિલયભાઇ અંજારિયા...
માંડવીએ કચ્છને જ નહીં પણ દેશને એવાં રત્નો આપ્યાં છે કે, આજે સદીઓ બાદ પણ દેશ એમનું ઋણી છે, શાસકોએ ભૂલાવેલા અર્થશાસ્ત્રી પ્રો. કે. ટી. શાહ કે જેમણે રાષ્ટ્રની લોકશાહીમાં એમ કહીને મહામૂલું યોગદાન આપ્યું હતું કે, કોઇ પણ ચૂંટણી બિનહરીફ ન જ થવી જોઇએ, તેઓ ખુદ વિપક્ષી ઉમેદવાર તરીકે હાર નિશ્ચિંત હોવા છતાં રાષ્ટ્રની સર્વપ્રથમ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં
ડો. રાજેન્દ્ર પ્રસાદના હરીફ તરીકે ચૂંટણી લડ્યા... વિપક્ષ હોવાથી કોંગ્રેસની સરકારોએ તેમને ભુલાવી દીધા.
જસ્ટીસ નિલયભાઇ અંજારિયાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદે બેસીને કચ્છને ગૌરવાંતિત કર્યું તો એક માંડવીવાસી એવા અંજારિયા પણ થઇ ગયા કે, જેમને ઠેઠ 1957માં ભારત સરકારે પદ્મશ્રી ખિતાબથી નવાજ્યા હતા. જોકે, કચ્છ એ પદ્મશ્રીને વિસરી ગયું છે. તો આવો આજે એ પ્રા. જશવંતરાય જયંતિલાલ અંજારિયાને થોડા ઊંડાણપૂર્વક યાદ કરીએ.
માંડવીની પાઠશાળામાં નાનાલાલ વોરા આચાર્ય પદે હતા. એ મેઘજી થોભણ સંસ્કૃત પાઠશાળામાં એક વર્ષ ભણેલા પ્રા. જે. જે. અંજારિયાનો જન્મ જુલાઇ 1908માં માંડવીમાં થયો. 14 વર્ષની વયે જી. ટી. હાઇસ્કૂલમાં તેઓ મેટ્રિકમાં આવ્યા પણ તે વખતે મેટ્રિક માટે 15 વર્ષની વય જરૂરી હોવાથી એક વર્ષ સંસ્કૃત પાઠશાળામાં ભણીને બાદમાં કરાંચી કેન્દ્ર પરથી મેટ્રિકની પરીક્ષા આપનાર અને મેટ્રિકમાં જ સરપ્રાગજી ફર્સ્ટ સ્કોલરશિપ અને દીવાન મણિભાઇ જશભાઇ પ્રાઇઝ પ્રાપ્ત કરનારા જશવંતરાય અનુક્રમે ભાવનગર, મુંબઇ અને પુનામાં ભણીને તેજસ્વિતાના આધારે સ્કોલરશિપ-એવોર્ડ જીતીને 1934માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એમ.સી.સી. થઇને જોડાયા. અમદાવાદમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને 1943માં વિલસન કોલેજમાં અધ્યાપક થયા. વચ્ચે 1942માં બોમ્બે સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના રીડર થયા.
આ તો એમની શિક્ષણ ક્ષેત્રની જ્વલંતયાત્રા, પણ ત્યારબાદ તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જોડાયા. ત્યાંથી વોશિંગ્ટન ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં ઓલ્ટરનેટ ડાયરેક્ટર અને અમેરિકાથી પરત ફરીને પાછા રિઝર્વ બેંકના આર્થિક વિભાગમાં સેવારત રહ્યા. ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આયોજન પંચની રચના કરી તો ડો. સી. ડી. દેશમુખ કે જે પંચના અધ્યક્ષ હતા તેમણે પ્રા. અંજારિયાને આયોજન પંચના સભ્ય બનાવ્યા.
માંડવીના દરિયાકિનારે શૈશવકાળ વિતાવીને દેશનાં વિવિધ ક્ષેત્રોમાં સેવારત આ વડનગરા નાગરે દેશના વિકાસાર્થે સર્વ પ્રથમ 1951-56, 56થી 61 અને 61થી 66ની પંચવર્ષીય યોજનાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી... કેવી ભૂમિકા જાણો છો? દેશના વડાપ્રધાન અને નાણામંત્રી જ તેમનાથી ઉપર હતા.
એટલું જ નહીં 1962માં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, આઇએમએફ)ના ગવર્નિંગ બોર્ડ પર ભારતના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદે પણ નિમાયા, આયોજન પંચ અને આઇએમએફની તેમની કામગીરીને કેન્દ્રમાં રાખીને કેન્દ્ર સરકારે તેમની રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર તરીકે નિમણૂક કરી અને એ મુદ્દત સંપન્ન થતા ભારત સરકારે આ પ્રતિભા માટે ફોરવર્ડ ટ્રેડિંગ સિક્યોરિટીઝ આર્થિક પ્રશ્નો અંગેની એક સમિતિની રચના કરી અને આર્થિક મુદ્દે ઉઠતા પ્રશ્નોના નિરાકરણાર્થે અંજારિયાને અધ્યક્ષ બનાવ્યા.
સતત જાગૃત માંડવી ગામ-તાલુકા-શહેરમાં આજે ક્યાંયે પ્રથમ કચ્છી પદ્મશ્રી એવા પ્રો. જે. જે. અંજારિયાની સ્મૃતિમાં કંઇ છે? ના કોઇ અર્ધ પ્રતિમા પણ નથી... આવી પ્રતિભાઓ અનેક ભટકેલાઓને માર્ગદર્શન આપી શકે, પ્રેરણા પૂરી પાડી
શકે જો ક્યાંક પણ તેમની સ્મૃત્તિ હોય તો તેમની સેવાઓની કદર ગણાય. આજે આપણે રિઝર્વ બેંકના ગર્વનર રહીને પછી વડાપ્રધાનપદે પહોંચેલા અર્થશાસ્ત્રી મનમોહનસિંહને દેશના આર્થિક વિકાસનો યશ આપીએ છીએ, પણ યાદ રહે કે ભાગલા બાદ, ત્રણસો વર્ષના અંગ્રેજોના જુલ્મી શાસન બાદ સમગ્ર દેશ ડામાડોળ હતો ત્યારે આર્થિક ક્ષેત્રે સ્થિરતા માટે પ્રો. જે. જે. અંજારિયા જેવા માંડવીવાસી કચ્છીઓનું યોગદાન કંઇ મામુલી ન્હોતું.
1970માં 63 વર્ષની વયે અવસાન પામેલા પ્રો. જે. જે. અંજારિયાએ અર્થશાસ્ત્ર પર સ્વતંત્ર અને સહલેખક તરીકે લખેલાં પુસ્તકોને આજે પણ ઇકોનોમિક્સ ક્ષેત્રે ભારે સન્માનથી જોવાય છે. માંડવીના જ એક સપૂત નારાયણ શનિશ્ચરાના પુસ્તક ‘ઉછાળી દે આભને’માં આવી એક નહીં અનેક પ્રતિભાઓની ઓળખ અપાઇ છે.
મેંદી રંગ લાગ્યો:રણઝણ રણઝણ ઝાલર વાગે...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-bells-are-ringing-ringing-135208992.html

રણઝણ રણઝણ ઝાલર વાગે,
મધુરસ મોરલી રે હો વાગે.
વાલો મારો આવશે ને ઉતારા મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને પોઢણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને દાતણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને નાવણ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને ભોજન મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
વાલો મારો આવશે ને મુખવાસ મગાવશે,
અધઘડી ઊભલા રે હો રે’જો.
રણઝણ રણઝણ ઝાલર...
ગુજરાતી લોકગીતોની પ્રસ્તુતિની અસલ પરંપરા એવી છે કે કોઈ એક વ્યક્તિ ગાય અને બાકીનાં બધાં ઝીલે એટલે કે કોરસ કરે. લોકગીતો આમ જ ગવાયાં, કંઠસ્થ પરંપરાથી વહેતાં રહ્યાં. ગામડાંમાં વારે-તહેવારે અથવા કોઈ જ કારણ ન હોય તો પણ ખુશીથી મહિલાઓ ભેગાં થઈને રાસડા લેતાં લેતાં લોકગીતો ગાતાં એમાં એક બેન ગવડાવે ને બાકીનાં ઝીલે. રામમંદિરે કે એવી કોઈ જગ્યાએ પુરુષો પણ ટપ્પો લેતાં લેતાં કે બેસીને તબલાં, ઝાંઝપખાઝ સાથે રામ, કૃષ્ણનાં કે એવાં ભક્તિભાવસભર લોકગીતો ગાતાં, એમાં પણ ક્રમ તો એક ગાય ને બીજા ઝીલે એવો જ હતો.
સમય જતાં લોકગીતો વધુ ને વધુ લોકપ્રિય થવા લાગ્યાં, એના જાહેર કાર્યક્રમો થવા લાગ્યા, સારા કંઠવાળાં ગાયક-ગાયિકાને લોકોએ સ્વીકાર્યાં, સન્માન્યાં ને સારાં આપવાનું શરૂ કર્યું એટલે કે એના વ્યાવસાયીકરણનો આરંભ થયો. સ્વાભાવિક છે કે એક કાર્યક્રમ હોય તો એક ગાયક, એક ગાયિકા, એક કાર્યક્રમ સંચાલક એટલે કે લોકસાહિત્યકાર કમ હાસ્ય કલાકાર અને ચારેક સાજિંદા મળીને સાતેક કલાકારોની મંડળી થાય.
આટલાં લોકોનો પરિવહન સાથેનો પુરસ્કાર લોકો, સંસ્થાઓ ચૂકવી દેતાં ને એમ લોકડાયરાની લોકપ્રિયતા સાથે વ્યાપ વધ્યા. કલાકારોના આ માળખામાં ત્રણ-ચાર કોરસના કલાકારો સમાવવા એ થોડું અઘરું કામ છે કેમકે સંખ્યા વધે એટલે આયોજકોને ખર્ચ વધે ને વળી કોરસની એટલી ઉપયોગ નહીં જણાયો હોય એટલે કોરસની બાદબાકી કરી, ગાયક અને ગાયિકા લોકગીત ગાય એવો સિલસિલો શરૂ થયો જે હજુ મહદઅંશે યથાવત છે.
‘રણઝણ રણઝણ ઝાલર વાગે...’ અનેક લોકગીતો જેવું એક ગાયક ગાય ને બીજા ઝીલે તો જામે એવું લોકગીત છે. કોઈક આરાધ્ય વ્યક્તિ આવવાની છે. એના આગમન પૂર્વે ઝાલર રણઝણી ઊઠી છે, મોરલીનો મધુરસ પણ વહેવા લાગ્યો છે, બસ, મારો વાલો હમણાં આવશે! મોરલાના સૂર છેડનાર આવવાનો હોય તો સ્પષ્ટ છે કૃષ્ણની જ અહીં વાત હોય. કનૈયો આવશે એટલે ઉતારા, પોઢણ, નાવણ, દાતણ, ભોજન, મુખવાસ મગાવશે. ભગવાન શ્રીકૃષ્ણના યજમાન આ બધું જ માત્ર અડધી ઘડીમાં આપી દેશે! ગાયોના ચારનાર ગોવિંદ જો આપણા મહેમાન બનતા હોય તો એમને માટેની સુવિધા અધઘડીમાં થઇ જ જાય એવો યજમાનનો ભાવ છે. અહીં કોણ છે મહેમાન મુરારિના યજમાન? આ ગીત ગાનારાં સૌ કોઈ! જે લોકો ગાય એનો સૌનો ભાવ એવો હોય કે કાન બને અમારો મહેમાન!
આપણે ત્યાં આવાં લોકગીત પણ છે-
હમણાં વાલો આવશે ને ઉતારા મગાવશે,
વનમાં ઉતારા ક્યાંથી? રે વાલો ગોકુળ ગ્યા’તા.
અર્થાત્ કનૈયો તો આવીને ઉતારા સહિત બધું માગશે પણ વનમાં અમારે સગવડ કેમ કરવી?
2025/07/08 22:11:05
Back to Top
HTML Embed Code: