Telegram Web Link
ઓક્સિજન:પર્પઝ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/purpose-135208996.html

‘કો ઈ મિરેકલ જ તેને બચાવી શકે છે.’
ડોક્ટરના આ શબ્દો સાંભળી સીમી ભાંગી પડી. તેના પતિ જૈનિલની ઉંમર માત્ર 48 વર્ષ! જૈનિલને ભારે અકસ્માત થયો હોવાથી ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલો. ડોક્ટરે પૂછ્યું, ‘અકસ્માત થયો કેવી રીતે?’
સીમી વિચારોમાં ખોવાઈ ગઈ. જૈનિલ નાની ઉમરમાં માર્કેટિંગ હેડની પોસ્ટ ઉપર પહોંચ્યો હતો. સમય અને પરિવારને પાછળ રાખી નોકરીમાં ખૂંપી રહેવા માટે વળતર તો સરસ મળતું પણ સાથે સ્ટ્રેસ પણ એટલો જ રહેતો. એક દિવસ તેણે નક્કી કર્યું કે માત્ર 45 વર્ષની ઉમરે રિટાયરમેન્ટ લઈ લેવું છે. તે પરિવાર સાથે મુંબઈથી દૂર, ગ્રામ્ય વિસ્તારમાં રહેવા જતો રહ્યો અને તે આરામનું જીવન વિતાવવા લાગ્યો.
થોડાં વર્ષોમાં તેને ‘વહેલા રિટાયરમેન્ટ’ના દિવસો કઠિન લાગવા માંડ્યા. તેની પાસે સમય ઘણો હતો પણ, તે પસાર કરવા કોઈ કામ નહોતું, જાતને સાબિત કરવા તેણે એક માઉન્ટેનિયરિંગ હરીફાઈમાં ભાગ લેવાનું નક્કી કર્યું. પર્વતની ચઢાઈ, ઊંચા પગથિયાં, પાતળી હવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો હતો. તેણે મન મક્કમ કરી તૈયારીઓ શરૂ કરી. 6 મહિનાની તૈયારીઓ પછી તે હરીફાઈમાં જોડાયો, જીતવા માટે પૂરું જોર લગાવ્યું, પણ અતિશય થાક, ડિહાઈડ્રેશનને કારણે તે લડથડાયો અને ગબડ્યો. આમ તે ગંભીર ઇજા પામ્યો.
સીમીની વાત સાંભળી ડોક્ટર સમજી ગયા કે જૈનિલ પાસે સમય પસાર કરવાનું કોઈ કારણ ન હતું એટલે પોતાની ઉપયોગિતા સાબિત કરવાની લ્હાયમાં કેપેસિટી કરતાં વધુ શ્રમ કર્યો અને તેના તન-મન ભાંગી પડ્યાં. કારણ વગરનું જીવન માણસને બિનઉપયોગી બનાવી દે છે.
પેશન્ટને ભાન આવ્યું છે તેવી બૂમ પડતાં તેઓ ત્યાં દોડ્યા. કંઈક બોલવા મથી રહેલા જૈનિલના એટલા જ શબ્દો સંભળાયા ‘પર્પઝ.’
નીલે ગગન કે તલે:કભી આણ, કભી પાણ…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-much-water-how-much-water-135208854.html

સ્વ ર્ગસ્થ કપાસીસાહેબ એક અફલાતૂન હાઇસ્કૂલ ચલાવતા જે હજી ચાલે છે. તેમાં ગુજરાતી મીડિયમ હતું કિંતુ વર્ષો જતાં તેમાં ગુજરાતી લગભગ લુપ્ત થયું ને ઇંગ્લિશ મીડિયમ ચાલુ થયું. કારણ પૂછ્યું તો કપાસીએ એમની ઝુમ્મન શૈલીમાં ગુણગુણા સ્વરે જણાવ્યું કે ‘બાંકી આંપણાં માંસ્તરો ને કસરતમાસ્તર ને પટાવારા–બટાવારાનાં બધાંનાં બચ્ચાં બી હવે ઇંગ્લિસ મીડિયમમાં ભણવા જાય છે, તો અહીંયાં ગુજરાતી ભણવા કોણ આવે?’
ઇન્ડિયામાં અંગ્રેજોનું રાજ હતું ને ત્યારે એમણે આપણને ચૂસીચૂસીને ઇંગલેન્ડમાં હવામહેલ બનાવેલા. અનાજની સખત અછત રહેતી ને ઇન્ડિયામાં વારંવાર દુકાળ પડતા ને માણસો ભૂખે મરતા! અનાજનું રેશન હતું ને મુઠ્ઠીભર ઘઉં ને ચાવલ રેશનિંગની દુકાને લેવા જવાનું થતું. કહેવાતું કે ઇન્ડિયાનો ખેડૂત દેવામાં જન્મે છે, દેવામાં જીવે છે ને દેવામાં મરે છે! ને તે વખતના અંગ્રેજ પ્રધાનમંત્રી ચર્ચિલ ફિટકારથી કહેતા કે આટલા બધા ભૂખે મરે છે તો પેલો ફકીર ગાંધી કેમ હજી મરતો નથી!
તે સમયના અંગ્રેજો આપણને તુચ્છ, અભણ, અસંસ્કારી ને ગમાર ગણતા ને આપણે યસ યસ કરીને એમની ગુલામીમાં આળોટતા. એમણે બળજબરીથી અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું જેથી આપણે હંમેશાં માટે નમાયા ને એમના ઓશિયાળા બની રહીએ. સોરી, અંગ્રજોની વાત આવે છે ને ગગનઅંકલ ધૂણવા માંડે છે. કેમકે તે નમાયાપણું ને અંગ્રેજી પ્રત્યે પૂજ્યભાવ હવે તો સૌની રગેરગમાં ફેલાઈ ગયો છે.
અગાઉ આ પાનાંમાં અમે લખેલું કે હવેનાં ટાબર તો ગુજરાતી આંકડા (મીન્સ કે ન્યુમરલ્સ) પણ જાણતા નથી: કોઈને આપણે મોબાઇલ નંબર આપીએ કે ‘પાંચસો એકાવન…’ તો એલ્લોએલ અને ઇન્સ્ટાગ્રામનાં ધાવણ ધાવીને ઊછરેલાં ટાબર કહે છે કે વોટ ઇઝ એકાવન? અંકલ, ઇંગ્લિસમાં બોલો ને!
તો એમને એ તો ક્યાંથી ખબર હોય કે એક જમાનામાં એક રૂપિયાના સોળ આના હતા ને એક આનાના ચાર પૈસા હતા ને અને એક પૈસાની ત્રણ પાઈ હતી. જ્યારે હતા ત્યારે હતા, આજે ઈ પાઈ પૈસાનું શું છે? કહીને મોબાઇલમાં રીલ જોતાં ટાબરને જણાવવાનું કેમ જૂના પૈસાની વાત કરીને ગગનકાકા આવે છે જૂની સિક્રેટ એકાઉન્ટિંગ સ્ટાઇલ ઉપર, આણપાણ!
તે જમાનામાં હિસાબ-કિતાબમાં વપરાતી આણપાણ નામની અટપટી પદ્ધતિ, જે ફક્ત મુનીમજીઓ ને વેપારીઓ જ સમજી શકે, ગરીબ માણાહને વાંચતાંય માંડ આવડે ઈ આણપાણ ક્યાંથી સમજે! આણપાણમાં આખા રૂપિયા જેમકે હંડ્ડ્રેડ રૂપીઝ ઓન્લી દર્શાવવા ઓળાયો વપરાતો, જે 100 પછી જરા કોઈ જાડા સેઠની ફાંદના આકારનો જમણા કાંઉસ જેવો દેખાતો, સમથિંગ લાઇક ધિસ: 100). આજે પણ કોઈકોઈ સ્થળે 1/4, 1/2 અને 3/4 (સવા ને અડધું તથા પોણું) દર્શાવવા એક, બે કે ત્રણ ઊભી દાંડી કે ‘આણ’ વપરાય છે.
ઓળાયા ઉપરાંત આણપાણમાં આડી લીટી કે ‘પાણ’ અડધાનું અડધું દર્શાવવા વપરાતાં ને તે પછી પણ પૈસા, પાઈ... વગેરે માટે વિશેષ ચિહ્નો હતાં. ત્યારબાદ 1971માં નવા પૈસા આવ્યા પછી દશાંશ ચિહ્ન (ડેસિમલ પોઇન્ટ) આણપાણ કરતાં વધુ સગવડિયું થયું છે.
ગુજરાતી જ નહીં, સાચેસાચ તો ભારતની બધી ભાષાઓમાં અંગરેજી પગ પહોળા કરીને ફેલાયું છે. ગુજરાતીમાં હવે કોઈ બા–બાપુજી કે મામો-કાકો બોલતું નથી. અંગરેજીમાં ‘બેબી’ યાને બાળકને આપણે ગુજરાતીફાય કરી દીધાં છે. આપણે ઇંગ્લિશના ‘બેબી’ મીન્સ કે બાળકને ગુજરાતી જાતિ આપીને કરી દીધું છે. બેબી એટલે ડોટર ને તેનું ગુજરાતીફાઈડ પુલ્લિંગ ‘બાબો!’ સાળા- સાળેવી, સાળી–સાઢુ, બર્ધર/સિસ્ટર ને કાકા-મામા-માસા માટે સિમ્પલ અંકલ! કોઈ વળી માય મેટરનલ અંકલ કે પેટરનલ અંકલ કરે પણ માસા માટે કોઈ અંગરેજી શબ્દ નથી! પ્લસ, સાળા–સાળેવી વગેરે માટે શબ્દો છે પણ સાઢુભાઈ માટે? અને ગગનઅંકલની મૌલિક શોધ છે કે ‘સાઢુ’ભાઈ તે મૂળે ‘સાધુ’ભાઈ હશે ને સાધુભાઈને સાધુ કહો તે ન ગમે એટલે સાઢુભાઈ થયું હશે!
સાંભળ્યું છે કે દક્ષિણ ભારતમાં દરેક રિલેશનશિપ માટે વિશેષ શબ્દો પ્રયોજાય છે. દક્ષિણવાળા ‘હા’ કહેવું હોય કે ‘ના’ કહેવું હોય કે ‘હા હા સમજ્યો’ કહેવું હોય તે દરેકમાં લોકો લેફ્ટરાઇટ માથું ધુણાવે ને આપણે સમજી જાવાનું કે આ આણ છે કે પાણ છે! ઓળાયો છે કે ઊભી દાંડી છે!
ને જતાં જતાં વધુ એક કલ્પાંત: ઘણા રેલવેના ટુ ટીયર (2 tier) કે થ્રી ટીયર (3 tier)ના ટીયર યાને પાટલી કે પાટિયાંને tire ટાયર યાને ચકરડાં કહે છે જે એલ્લોએલ છે. ઘણાં એમેટર (amateur) યાને શૌકિયા સિંગર કે એક્ટરને એમેચ્યોર (amature) યાને અણઘડ સિંગર કે એક્ટર કહે છે જે એલએમએઓ છે. અને સાહેબ, તમારા સાધુભાઈની બેબીના વેડિંગમાં જવાનું હોય તેને મેરેજ ન કહેવાય, વેડિંગ કહેવાય. વેડિંગ એટલે ચાર ફેરા ફરવા તે વિધિ ને મેરેજ એટલે આખી જિંદગીનું––યુનો––ડોટડોટડોટ. જય શેરશાહ સુરી!
આઠમી અજાયબી:‘મા, મને તારું ઋણ ચૂકવવાનો મોકો જ ના મળ્યો...’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/mom-i-didnt-get-a-chance-to-pay-your-debt-135208974.html

માયા ભદૌરિયા સ્થળ : ગોરખપુર જેલ
દિવસ : 19 ડિસેમ્બર, 1927, સોમવાર
સમય : સવારે 6.00 વાગ્યાનો
‘I WISH THE DOWNFALL OF BRITISH EMPIRE’- ‘હું બ્રિટિશ સામ્રાજ્યનું પતન ઈચ્છું છું.’
ફાંસીના ફંદે લટકતાં પહેલાં આ છેલ્લા શબ્દો બોલ્યા હતા ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ. તેમની સાથે ક્રાંતિકારી અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્રનાથ લાહિડી અને ઠાકુર રોશન સિંહને પણ ફાંસી અપાઈ હતી. ક્રાંતિની મશાલ લઈને ફરતા આ ક્રાંતિકારી શ્રેષ્ઠ કવિ અને શાયર પણ હતા. તેમણે ઉર્દૂ તેમજ હિંદીમાં અજ્ઞાત, રામ તેમજ બિસ્મિલ તખલ્લુસથી ઘણી કવિતાઓ લખી. જોકે, સૌથી વધુ પ્રસિદ્ધ થયા બિસ્મિલ નામથી.
ત્રીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં જીવનના છેલ્લા ચાર મહિના અને દસ દિવસ ગોરખપુર જેલમાં વીતાવ્યા. અહીં તેઓ જેલની કોટડી નંબર-7માં રહેતા હતા. એ સમયે આ કોટડી ‘તન્હાઈ બેરક’ નામે જાણીતી હતી. હાલમાં આ કોટડીને બિસ્મિલનો રૂમ અને શહીદ પંડિત રામપ્રસાદ બિસ્મિલ બેરક નામથી જાળવી રાખવામાં આવી છે.
જેલમાં રહીને પણ તેમણે ઘણી રચનાઓ લખી. જોકે, અંગ્રેજોએ બાળી દીધી. પોતાની આત્મકથા ‘નિજ જીવન કી એક છટા’ પણ તેમણે જેલમાં રહીને છાનામાના લખી. ફાંસીના ત્રણ દિવસ પહેલાં જ તેમણે પોતાની આત્મકથાનો છેલ્લો અધ્યાય પૂરો કર્યો હતો.
અંગ્રેજોની કરતૂત તેમને ખબર હતી અને એટલે જ ફાંસીએ લટકતાં પહેલાં બિસ્મિલે પોતાની આત્મકથા તેમને મળવા આવેલા એક પરિચિત પાસે બહાર પહોંચાડી દીધી હતી. 1928માં ગણેશ શંકર વિદ્યાર્થીએ ‘કાકોરી કે શહીદ’ નામે તેમની આત્મકથા છપાવડાવી. બિસ્મિલની આત્મકથાએ અંગ્રેજોના હોશ ઉડાવી દીધા. આ પુસ્તક વાંચ્યા પછી લોકોનો ક્રોધ વધુ ભભૂક્યો. આ આત્મકથાના માધ્યમથી આજે પણ રામપ્રસાદ બિસ્મિલ આપણા હૃદયમાં જીવે છે. આજે પણ આ આત્મકથા લોકોને પ્રેરિત કરે છે. આત્મકથાનો એક અંશ... મારી મા...
સાચું કહું તો મારી મા દેવી છે. મારામાં જે નીડરતા છે તે ગુણ મારી મા પાસેથી જ મને મળ્યો છે. માતા પાસેથી મને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું અને સદવ્યવહાર પણ તેમની પાસેથી શીખ્યો. તેમણે શીખવેલા બોધપાઠને કારણે મારા જીવનમાં આવેલી તકલીફોના સમયે પણ હું મજબૂત બનીને ઊભો રહ્યો અને ક્યારેય હિંમત ન હારી.
અગિયાર વર્ષની ઉંમરે મા લગ્ન કરીને શાહજહાંપુર આવ્યાં. એ વખતે તે ગામડાંની સાવ અભણ છોકરી જેવી હતી. શાહજહાંપુર આવ્યાંના થોડા દિવસ પછી દાદીમાએ તેમનાં બહેનને બોલાવી લીધાં. તેમણે મારી માને ઘરકામ શીખવ્યું. થોડા દિવસમાં મા બધું જ શીખી ગઈ અને રસોઈ પણ બનાવવા લાગી. મારા જન્મના પાંચ-સાત વર્ષ પછી તેણે હિંદી શીખવાનું શરૂ કર્યું. ઘરનું બધું કામ પૂરું કર્યાં પછી સમય મળે ત્યારે મા ભણવા બેસતી.
મને જો આવી મા ન મળી હોત તો હું પણ અતિ સામાન્ય મનુષ્યોની માફક સંસારચક્રમાં ફસાઈને જીવન વીતાવી રહ્યો હોત. શિક્ષણ ઉપરાંત માતાએ મારા ક્રાંતિકારી જીવનમાં મને બધી જ રીતે મદદ કરી. મારા માટે માતાનો સૌથી મોટો આદેશ એ હતો કે કોઈનો જીવ ન લેવો. તેમનું કહેવું હતું કે શત્રુને ક્યારેય મૃત્યુદંડ ન આપવો. જોકે, તેમનો આદેશ પૂરો કરવા બે વાર મારે મારી પ્રતિજ્ઞા તોડવી પડેલી.
હે જન્મદાત્રી જનની! આ જીવનમાં મને તારું ઋણ ચૂકવવાનો મોકો જ ન મળ્યો. આ જન્મ તો શું અનેક જન્મોમાં પણ આખું જીવન પ્રયત્ન કરું તોય મા તારું ઋણ ચૂકવી નહીં શકું. મા, તારા કારણે જ હું દેશસેવામાં જોડાઈ શક્યો. જે રીતે તું મને બોધપાઠ આપતી તે યાદ કરીને તારી મનમોહક છબી મારી આંખો સામે આવી જાય છે અને મારું મસ્તક તારી સામે ઝૂકી જાય છે. મા તું મને વઢતી તોય પ્રેમથી. હું ઉદ્ધતાઈથી જવાબ આપતો ત્યારે તું પ્રેમથી કહેતી કે તને જે ગમે તે કર, પણ એનું પરિણામ સારું નહીં આવે.
આ દુનિયામાં મને કોઈ સુખ કે સંપત્તિની લાલસા નથી. ફક્ત એક ઈચ્છા છે, શ્રદ્ધાપૂર્વક તારાં ચરણોની સેવા કરીને મારા જીવનને સફળ બનાવી શક્યો હોત, પણ આ ઈચ્છા અધૂરી રહી જશે અને મા, તને મારા મૃત્યુના દુ:ખદ સમાચાર સાંભળવા મળશે. મા, મને વિશ્વાસ છે કે તું આ સમયે પણ ધીરજ રાખીશ કે તારા દીકરાએ ભારતમાતાની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપ્યું અને એણે તારી કૂખને ઉજાળી અને પોતાની પ્રતિજ્ઞા ઉપર મક્કમ રહ્યો.
મા, મને આશીર્વાદ આપ કે છેલ્લી ઘડીએ મારું હૃદય કોઈ પ્રકારે વિચલિત ન થાય અને તારાં ચરણસ્પર્શ કરીને પરમાત્માનું સ્મરણ કરતો કરતો આ શરીરનો ત્યાગ કરું. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...
મૂળ નામ ઠાકુર રામપ્રસાદ તોમર
બાળપણમાં મૌલવી પાસે ઉર્દૂ શીખ્યા
18 વર્ષે ‘મેરા જન્મ’ શીર્ષકથી દેશભક્તિની કવિતા લખી
હિંદી અને ઉર્દૂમાં કવિતાઓ લખી
એક કરતાં વધુ ભાષામાં પુસ્તકોનું ભાષાંતર કર્યું
જેલમાં રહીને આત્મકથા લખી બિસ્મિલના બલિદાનનો ઉલ્લેખ ભગતસિંહે ક્યાં કર્યો હતો?
બિસ્મિલના બલિદાનથી આઘાત પામેલા ક્રાંતિકારી ભગતસિંહે જાન્યુઆરી 1928ના કિરતી (પંજાબી માસિક)માં ‘વિદ્રોહી’ નામથી લખેલા પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો હતો, ‘ફાંસી પર લઈ જતી વખતે તમે બહુ જોરથી વંદે માતરમ અને ભારતમાતાની જયના સૂત્રોચ્ચાર કર્યા. તમે શાંતિપૂર્વક ચાલતાં ચાલતાં એક શેર બોલ્યા- ‘માલિક તેરી રજા રહે ઔર તૂ હી તૂ રહે, બાકી ન મૈં રહૂં ન મેરી આરજુ રહે... જબ તક કિ તન મેં જાન રગોં મેં લહૂ રહે, તેરા હી જિક્ર ઔર તેરી જુસ્તજુ રહે...’ ફાંસીને માંચડે લટક્યા ત્યારે તમે કહ્યું, ‘I wish the downfall of british empire અને પછી એક શેર બોલ્યા, ‘અબ ન અહલે વલવલે હૈં, ઔર ન અરમાનોં કી ભીડ, એક મિટ જાને કી હસરત, અબ દિલે-બિસ્મિલ મેં હૈ...’ પછી તમે ઈશ્વરને પ્રાર્થના કરી અને મંત્ર બોલવાનો શરૂ કર્યો. દોરડું ખેંચાયું અને રામપ્રસાદજી ફાંસીના માંચડે લટકી ગયા.
ક્રાઇમ સિક્રેટ:એસીબીનું નામ સાંભળતા સહીરામ થથરી ગયા!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/sahiram-was-shocked-to-hear-the-name-acb-135208828.html

રાજ ભાસ્કર રા જસ્થાનના કોટાના એન્ટી કરપ્શન બ્યુરોના એસ.પી. સુધીર ચૌધરીને બાતમી મળે છે કે નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના ડે. કમિશનર સહીરામ મીણા કમલેશ ધાકડ નામના એક દલાલ સાથે મળીને અફીણની ખેતીમાંથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરે છે.
એસીબી અધિકારીઓ કમલેશનો ફોન સર્વેલન્સ પર રાખી દે છે. અને એક દિવસ કમલેશ અને ડે. કમિશનરની વાતો સાંભળે છે. વાતો મુજબ 26મી જાન્યુઆરી 2019ના દિવસે 11 વાગે કમલેશ લાંચના પાંચ લાખ રૂપિયા લઈને સહીરામ મીણાના કોટા સ્થિત સરકારી નિવાસ પર આવવાનો હતો. એન્ટી કરપ્શન બ્યુરોના એસ.પી. તરત જ સહીરામને રંગેહાથે પકડવા માટે એક ટીમ નિયુક્ત કરે છે.
***
26 જાન્યુઆરી, 2019નો દિવસ. સવારના નવ વાગી રહ્યા હતા. રાજસ્થાનના કોટામાં મહાવીર કોલોનીમાં નારકોટિક્સ ડિપાર્ટમેન્ટનું મુખ્ય કાર્યાલય આવેલું છે. એના પ્રાંગણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ચાલી હતી. ધ્વજવંદન બાદ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર સહીરામ મીણા પ્રવચન માટે ઊભા થયા અને કહ્યું, ‘હું આપ સૌને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે એક સલાહ પણ આપું છું કે આપણો દેશ ભ્રષ્ટાચારમાં ડૂબી રહ્યો છે, એને એમાંથી બહાર કાઢો. જીવનમાં કદી લાંચ ન આપવાનો અને લાંચ ન લેવાનો સંકલ્પ કરો..!’ સાહેબનું ભાષણ સાંભળીને તાળીઓનો ગડગડાટ થઈ ગયો. કાર્યક્રમ પતાવીને તેઓ મહાવીર કોલોનીમાં જ આવેલા તેમના સરકારી નિવાસ પર આવ્યા. અગિયાર વાગીને પાંચ મિનિટે કમલેશ આવ્યો.
લાલચુ સહીરામે કહ્યું, ‘પૈસા આવ્યા કે નહીં?’
‘આવ્યા છે સર, આ લો!’ બોલતાં બોલતાં કમલેશે નોટોનું બંડલ સહીરામ સામે ધર્યું, પણ પૈસા ગણી લીધા પછી એમનો ચહેરો ઉતરી ગયો. એ કમલેશ પર તાડૂક્યા, ‘અલ્યા, આ તો એક લાખ રૂપિયા જ છે. બાકીના ચાર લાખ ક્યાં?’
‘ચિંતા ના કરો સર! કાલે થઈ જશે.’
‘તું યાર આવું ને આવું જ કરે છે. કાલનો પરમ દિવસ ના થવો જોઈએ.’ આટલું બોલતાં બોલતાં સહીરામે નોટોનું બંડલ ખિસ્સામાં સેરવ્યું. ત્યાં જ અચાનક દરવાજો ખોલી ચાર જણા અંદર પ્રવેશ્યા. એમને જોતાં જ સહીરામ હડબડાઈને બોલ્યા, ‘કોણ છો તમે? આમ અંદર કેમ ઘુસી આવ્યા છો?’
ચારમાંથી એક અધિકારી આગળ આવ્યો અને તેમના બંને હાથ પકડી પાછળથી બાંધી દીધા. બીજા અધિકારી બોલ્યા, ‘વી આર ફ્રોમ એન્ટી કરપ્શન બ્યુરો! યુ આર અંડર એરેસ્ટ!’
એસીબીનું નામ સાંભળતા જ કમલેશ અને સહીરામ બંને થથરી ગયા. અધિકારીઓએ સહીરામના ખિસ્સાં ફંફોસ્યાં. એમાંથી એક લાખ રૂપિયાની થોકડી મળી. એક અધિકારી બોલ્યા, ‘સહીરામ, તમે લાંચ લેતા રંગેહાથે પકડાઈ ગયા!’
સહીરામ તાડૂકીને બોલ્યા, ‘આ લાંચ નથી. કમલેશને મેં ઉધાર રૂપિયા આપ્યા હતા એ એ પાછા આપવા આવ્યો છે.’
એસીબીની ટીમ આગળ તેમનું કશું જ ના ચાલ્યું. તેમના ઘરની તપાસ કરી તો ચાર લાખ પંચાણું હજાર રૂપિયા અને દાગીના મળ્યા. એસ.પી.એ સહીરામ અને દલાલ કમલેશની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા.
કોર્ટના આદેશ મુજબ સહીરામ જેલમાં ગયા અને બીજી તરફ એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની બધી જ મિલકતો પર દરોડા પાડવાની કાર્યવાહી આરંભી દીધી. તેના પર્સનલ રહેઠાણ પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. તેમનું ઘર જયપુરના જગતપુરા વિસ્તારમાં આવેલા શંકર વિહારમાં હતું. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું, જેમાં ઘરની અંદરથી ત્રણ સૂટકેશો ભરીને રોકડા 2 કરોડ 26 લાખ રૂપિયા અને 6 લાખ જેટલાં સોના-ચાંદીના દાગીના મળ્યા. એસીબીની ટીમ ચોંકી તો ત્યારે ગઈ જ્યારે ઘરમાંથી 300 કરોડની સંપત્તિના દસ્તાવેજો મળ્યા.
અફીણની ખેતીમાંથી લાંચ લેવાના આ કાળા કારોબારની કહાની આટલેથી અટકતી નહોતી. એની હજુ પણ ઘણી પ્રોપર્ટી હતી. જયપુરમાં સીતાપુરા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી કોર્પોરેશન બેંકમાં સહીરામનાં લોકર હતાં. બીજા દિવસે તેમની પત્ની પ્રેમલતાની હાજરીમાં એ લોકરો ખોલવામાં આવ્યાં, જેમાંથી 29.46 લાખ રૂપિયાનું સોનું અને બીજી 200 કરોડની સંપત્તિના દસ્તાવેજો એસીબી ઓફિસરોને પ્રાપ્ત થયા. આ માણસે બે નંબરનો આટલો બધો રૂપિયો જમા કર્યો હતો એ જોઈ અધિકારીઓ ખુદ હચમચી ગયા હતા. એસીબીના ઈતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી હતી.
ફરીવાર સહીરામના રીમાન્ડ લેવામાં આવ્યા. સહીરામે બહાનાં બતાવા માંડ્યાં, આ સંપત્તિ પૈતૃક છે, પછી કહ્યું મારી પત્નીની છે, એ તો ઠીક પૈસાના આ લાલચુ માણસે પોતાના દીકરાને પણ ના છોડ્યો. એમણે કહ્યું, ‘મારો દીકરો એના વ્યવસાયમાં કંઈક કાળાં-ધોળાં કરીને પૈસા ભેગા કરતો હશે.’ પોલીસે આ બધી બાબતોના પુરાવા માંગ્યા, પણ સહીરામ ખોટા હતા એટલે કંઈ આપી ના શક્યા. એ માત્ર નીચું જોઈ રહ્યા.
એસ.પી. સુધીર ચૌધરી એ વખતે ત્યાં હાજર હતા. તેમણે કહ્યું, ‘સહીરામ, તમે તો હદ વટાવી દીધી છે. જે થાળીમાં ખાધું એમાં જ થૂંક્યા. તમે ભ્રષ્ટાચાર ના કરવો જોઈએ એવાં ભાષણો આપો છો અને બીજી તરફ તમે પોતે જ આટલો મોટો ભ્રષ્ટાચાર આચરો છો. એ તો ઠીક તમે તો અફીણની ખેતીમાં આ લાગવગો ચલાવી દેશની સરકાર સાથે, દેશના યુવાધન સાથે અને દેશના ભવિષ્ય સાથે પણ ગદ્દારી કરી છે. તમે માણસ કહેવડાવવાને લાયક પણ નથી. હું તમને એવી કડક સજા અપાવીશ કે તમારી સાત પેઢી યાદ રાખશે.’
આટલું બોલીને એ ટીમ સાથે બહાર નીકળી ગયા. રેશમના ગાદી-તકિયા અને આલિશાન એ.સી. રૂમમાં ઊંઘનારો સહીરામ કાળ કોટડીના અંધારામાં અદૃશ્ય થઈ ગયો.
અમલપિયાલી:શરણાગતિમાં દાસત્વ છે, સમર્પણમાં ઉદારતા છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/there-is-slavery-in-surrender-generosity-in-dedication-135229457.html

વિનોદ જોશી `સૈયર, હું રે ચપટીક છુટ્ટું ચૂરમું,
સાયબો પાંચે પકવાન...’
- મનહર જાની
તિ-પત્નીનાં સખ્ય જેટલી નિકટતા અન્ય કોઈ સંબંધમાં હોતી નથી. આ એક એવો પવિત્ર સંબંધ છે જેની પવિત્રતા બીજા કોઈ સંબંધોથી કદી અભડાતી નથી. તેમાં શરીર ઓગળી જાય છે અને શ્વાસ એક થઈ જાય છે. દામ્પત્યની આ મધુરતામાં જીભનો અને જીવનનો એમ બેવડો સ્વાદ ભર્યો હોય છે.
આ પંક્તિમાં પોતાના સાહ્યબા વિશે સૈયર પાસે હૈયું ખોલતી કાવ્યનાયિકા ઉન્માદ અને આદર બંને ભાવથી જાણે ઢળી પડે છે! એક તરફ મનમાં પોતાની સાથે એની તુલના ચાલે છે તો બીજી તરફ તેનામાં પોતે ઓતપ્રોત હોવાનો ભાવ જાગે છે.
પોતે શું છે તે વિચારતાં એ કહે છે, `હું રે ચપટીક છુટ્ટું ચૂરમું.’ પોતે હજી જેનો પિંડ બંધાયો નથી તેવી અપક્વ, વેરવિખેર, અણસમજુ. અને સાહ્યબો? સાહ્યબો પાંચેય પકવાન. એ તો સુબદ્ધ, જેનો ઘાટ ઘડાયેલો હોય તેવો. એટલું જ નહીં, સર્વ રીતે સભર. પાંચે પકવાન જેવો કહ્યા પછી તો તેનામાં શી ખામી હોય? વળી પોતે તો એક જેવી જ છે અને સામે પક્ષે આંકડો મોટો છે. સાહ્યબા વિશેના અહોભાવથી છલકાતી નાયિકા પોતાની લઘુતાને બહાને પોતાના પિયુને ગૌરવ આપે છે તે વાત બહુ નિરાળી છે. સાચા સખ્યનું તો તેમાં પ્રાગટ્ય છે જ પણ સાહ્યબાને મોટો કરી દેખાડવાનો અભરખો પણ તેમાં છે.
હવેનો સમય બદલાયો છે તેથી આ પંક્તિમાં રહેલું ભાવસૌંદર્ય બધાંને ન પણ પમાય. પરંતુ દામ્પત્યમાં સંતુલન સાધવાનો એક બીજો પ્રકાર પણ છે, અને તે છે સમર્પણ. તેમાં વધઘટનો હિસાબ નથી હોતો. વ્યવહારનાં ગણિત નથી હોતાં. મારું-તારું નથી હોતું. તેમાં હું અને તું-નું સહિયારાપણું હોય છે. અને તે પણ મિશ્રણસ્વરૂપે નહીં, સંયોજનસ્વરૂપે.
દામ્પત્યની આ સંહિતા ઉકેલવા માટે કોઈ ભણતર જરૂરી નથી. જરૂરી છે હૃદયની વિશાળતા અને ભાવોની નિરામયતા. કશો જ ડંખ નહીં. પૂરેપૂરું શાલીન એવું સમર્પણ. શરણાગતિ અને સમર્પણ એક નથી. શરણાગતિમાં દાસત્વ છે. સમર્પણમાં ઉદારતા છે. વળી, પોતાની સૈયરને પોતાનો સાયબો કેવો છે અને તેની પાસે પોતે કેવી છે તે વાત કરવા જેટલી નિખાલસતા પણ અહીં આપોઆપ ઊકલી આવે છે.
કોઈ દંભ કે છૂપાછૂપી નથી. પોતે જે છે તે છે. તે સ્થિતિ જ પોતાને માટે આનંદદાયી છે તેવો ઉદ્ઘોષ પણ તેમાં છે. સાયબાના ગૌરવની સાથે પોતાનું ગૌરવ પણ જોડાયેલું હોવાનો સહજ આનંદ પણ અહીં છલકે છે. અહીં સાયબા માટેનો ઈર્ષ્યાભાવ નથી. સહજીવનમાં ઓતપ્રોત થઈ ગયેલાં બે વ્યક્તિત્વનો એક અખંડ પિંડ અહીં દેખાય છે. ચૂરમું અને પકવાન અહીં દામ્પત્યજીવનના માધુર્યને ચીંધે છે. પકવાનને ઘાટઘૂટ છે અને ચૂરમું છૂટ્ટું છે. બંનેનો આ સ્વરૂપભેદ ચીંધી આપીને કવિ બંનેમાં રહેલા મીઠ્ઠા સ્વાદનું સમાન તત્ત્વ આગળ કરે છે અને તેને જ મધુર દામ્પત્યની આધારશિલા તરીકે જાણે સમજાવે છે.
જે દામ્પત્યમાં પરસ્પરનો ભેદ નહીં પણ પરસ્પરનું સામ્ય વધુ પરખાતું હોય ત્યાં આવા માધુર્યનો સંભવ હોય. આ સામ્ય વ્યવહારજગતની ભૂમિકાએથી નહીં પણ ભાવજગતની ભૂમિકાએથી જોવાનું હોય છે. આપણા એક લોકગીતમાં રામ અને સીતાના ઝઘડાની વાત આવે છે :
`લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો,
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો!’
કોઈ એવું વિચારી શકે કે પરસ્પર લડવાનાં આયુધો આવાં તે કંઈ હોય? મારવાની અને વેર વાળવાની ઘટનામાં તો કશીક આક્રમકતા હોવી જોઈએ. પણ અહીં લવિંગ નિમિત્તે સ્વાદ અને ફૂલ નિમિત્તે સુગંધનું રામ અને સીતા વચ્ચે પરસ્પર આદાનપ્રદાન થઈ રહ્યું છે તેવું સમજનારને રામ અને સીતાના મધુર દામ્પત્યનો અણસાર તરત આવી જશે.
કવિતા બહુ છેતરામણી હોય છે. તેમાંથી દેખાય તે સિવાયનું જ કશુંક પામવાનું હોય છે. છુટ્ટા ચૂરમામાં પણ પિંડ બંધાઈ શકવાનો સંભવ તો હોય જ છે. પણ મહત્ત્વ પિંડનું નહીં, સ્વાદનું હોય છે તે વાત ભુલાવી ન જોઈએ. }
લક્ષ્યવેધ:સોશિયલ મીડિયાથી અભ્યાસ કર્યો
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/studied-through-social-media-135229454.html

શુલ યાદવના દાદા હરિયાણાથી ગુજરાત પોલીસની સીધી ભરતીમાં સ્ટેટ રિઝર્વ પોલીસમાં લાગ્યા ત્યારબાદ તેમના પિતા પણ હેડ કોન્સ્ટેબલ તરીકે ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે. શાહીબાગના પોલીસ ક્વાટર્સમાં જ અંશુલ ઊછર્યા. પોલીસ કમ્યુનિટીએ સરકારી વ્યવસ્થાઓની કંઇક સમજણ તેમને આપેલી. કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો.
મહેનત એવી ફળી કે આઈ. આઈ. ટી. દિલ્હીમાંથી તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. એ ખ્યાતનામ કંપનીની નોકરી કરતા કરતા મનમાં એમ થયું કે આટલી ઊર્જા જાહેર સેવાઓ પાછળ વાપરું તો હૈયાને ટાઢક મળે. પિતાની નોકરી પણ એક છૂપો પ્રેરણાસ્ત્રોત ખરો.
નોકરીની સાથે તૈયારી કરી. બે પ્રયાસો આપ્યા પણ પ્રારંભિક સ્તરે જ નિષ્ફ્ળતા મળી. નોકરી છોડવાનો નિર્ણય કર્યો. એક નિમ્ન મધ્યમ વર્ગનો કમાતો દીકરો એકાએક નોકરી છોડવાનું કહે એમાં વ્યક્તિગત ઈચ્છા કરતાં પરિસ્થિતિની વિવશતાઓ એ નિર્ણયને રોકી શકે. પણ એ પરિસ્થિતિ આગળ અંશુલનો પરિવાર ઝૂક્યો નહીં. અંશુલ યાદવે નોકરી છોડી અને તૈયારી શરૂ કરી. જોખમ અને જવાબદારી એકસાથે.
અંશુલમાં એકલવ્ય વૃત્તિ હતી. મોંઘાદાટ કોચિંગના માર્કેટિંગ કે અન્ય પ્રલોભનોમાં તેઓ ફસાયા નહીં. યૂ-ટ્યૂબ અને ઇન્ટરનેટને ગુરુ બનાવ્યા. પોતાના રિસર્ચ અને સમજણ વડે સ્ત્રોત પસંદ કર્યા.
શરૂઆતની નિષ્ફ્ળતાના બોધપાઠ પણ ઉમેર્યા. અમદાવાદના પોતાના નાનકડા ઓરડાને જાત મહેનતથી અંશુલ અજવાળી રહ્યા હતા. તેમની તૈયારીમાં સતત પ્રયોગો ચાલતા. ટ્રાયલ એન્ડ એરર. પ્રયોગશીલતા અણધારી સફળતા અને નિષ્ફ્ળતા બંને આપી શકે છે. પરિણામ જે પણ હોય, પ્રામાણિક પ્રયોગોમાંથી પેદા થતી સમજણ વધુ ઊંડી અને વ્યાપક હોય છે. પડ્યા પછી વારંવાર ઊભા થવાની એક તાકાત પેદા થઇ જાય છે.
ખ્યાલ આવ્યો કે પ્રિલિમ્સમાં ગોખણપટ્ટી નકામી છે. વિષયને સમજ્યા બાદ, વાંચેલી માહિતી અને નિપજાવેલું જ્ઞાન વાપરતા આવડવું જોઈએ. જ્ઞાન ઘનીભૂત ત્યારે જ થાય જ્યારે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિમાં તેનો વિનિયોગ કરી શકાય. તરવાનું વિજ્ઞાન સમજવાથી તરવાનું આવડી જતું નથી. છીછરાથી માંડીને ઊંડા ધસમસતા પ્રવાહમાં કૂદો નહીં ત્યાં સુધી પેલું જ્ઞાન વાસ્તવિક જગત માટે નકામું છે.
અંશુલ યાદવે લગભગ 100 જેટલી ટેસ્ટ આપીને, પરીક્ષકના મનને પારખવાનું કૌશલ્ય વિકસાવી લીધું. સવાલો ગૂંચવણમાંથી સડસડાટ નીકળતા આવડી ગયું એટલે જ ત્રીજા પ્રયાસમાં પ્રીલિમિનરી ઉતીર્ણ કરી શક્યા.
ભૂલોની પરંપરા અહીં જ નથી અટકતી. મેન્સમાં ફિઝિક્સને મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે પસંદ કર્યો. વિષય સરસ છે, વસ્તુનિષ્ઠ છે પણ તૈયારી માટે આઠ-નવ મહિના જેટલો સમય માગી લે છે. અંશુલ યાદવનું ગણિત ફિઝકસ વિષયની તૈયારી બાબતે ખોટું પડ્યું. મેન્સમાં પાછા નીચે ગબડી પડ્યા. ગમતો વિષય જો રણનીતિમાં જામતો ન હોય તો પડતો મૂકવો, એવા જોખમી નિર્ણય પર અંશુલ આવ્યા.
ચોથા પ્રયાસમાં પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન વિષય પસંદ કરી સિવિલ સેવા પરીક્ષાના તોફાની દરિયામાં ઝંપલાવ્યું. અચાનક નિર્ણય લેવા એ દરિયામાં ચાલતા વહાણની દિશા એકાએક બદલવા જેવું છે, દૂરથી સહેલું લાગે પણ સઢનો મોરો ફેરવતા ખલાસીનો દમ નીકળી જાય.
થોડું ઝીણું આયોજન કર્યું. ઉપલબ્ધ સામગ્રીમાંથી કઈ વાંચવી એ પસંદ કરી અને તેને જ વળગીને તૈયારીના વહાણને આગળ ધપાવ્યું. અને મેઈન્સની લહેરમાં અંશુલભાઈનું વહાણ સહીસલામત તરી ગયું.
પર્સનાલિટી ટેસ્ટમાં ‘સ્પીપા’ સાથે જોડાયા. પર્સનાલિટી ટેસ્ટમાં સંવાદ થકી અભિવ્યક્તિ કરવાની છે. થોડી જ મિનિટમાં આટલાં વર્ષોની યાત્રાનો અર્ક પેનલ પામી શકે એનો પ્રયાસ કરવાનો છે. મનમાં સ્પષ્ટતા હોય તો અભિવ્યક્તિ સચોટ જ થાય. ભાષાના બંધનો સ્પષ્ટ વિચારોની અભિવ્યક્તિને વધારે રોકી શકતા નથી.
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પૃષ્ઠભૂમિ ધરાવતા અંશુલભાઈને ગુજરાતમાં પુન: પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતો વિશે સવાલો પુછાયા. ખાસ કરીને ગુજરાતમાં સૌર ઊર્જાની-સોલર રૂફ ટોપની અન્ય રાજ્યોની સાપેક્ષે સફળતા વિશે પ્રશ્ન પુછાયો. મહાકુંભથી લઈને ઇઝરાયલ-હમાસ તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધી સવાલો પૂછવામાં આવ્યા.
સિવિલ સેવા પરીક્ષાના કોઈ પણ તબક્કામાં અલગ અલગ વિષયોમાંથી સીધા પ્રશ્નો પુછાઇ શકે. મગજને એક વિષયમાંથી બીજા વિષયમાં તરત પ્રવેશ મેળવવા સક્ષમ બનાવવું પડે. શક્ય છે કે સિવિલ સેવકોને જાહેર જીવનમાં એક જ અડધા કલાકમાં ચાર અસંબંધિત બાબતો અંગે તાત્કાલિક નિર્ણય લેવા પડે. આવા ગુણો પર્સનાલિટી ટેસ્ટમાં ઘણા ઉપયોગી નીવડે.
અંશુલ યાદવે જીવનને સંતુલનમાં રાખ્યું. રોજ એક કલાકની કસરત, ચાલવું, દોડવું ફરજિયાત. બાકીનો સમય વાંચતા. સોશિયલ મીડિયાને સાવ બાકાત નહોતું કર્યું, પણ તેનો ઉપયોગ અભ્યાસ માટે કર્યો. જેમ કે ‘એક્સ’ (ટ્વીટર) ઉપર તેઓ અલગ અલગ વિષયના વિદ્વાનોને ફૉલો કરતા. તેનો ફાયદો એ કે સમસામયિક ઘટનાઓનું વિશદ્દ અને તત્કાલિન વિશ્લેષણ મળી શકતું. ઘટનાનાં પરિમાણો સમજી શકાતાં. પોતાના જવાબોમાં ઉમેરી શકાતા. }
રણમાં ખીલ્યું ગુલાબ:વીતી ગઇ તે વાતનો ઉલ્લેખ ના કર, જાગરણની રાતનો ઉલ્લેખ ના કર
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dont-mention-what-has-passed-dont-mention-the-night-of-vigil-135229443.html

ર્વરીએ બેગમાં ત્રણ દિવસ પહેરવાનાં કપડાં મૂક્યાં, એક શૉલ મૂકી, ટ્રૂથબ્રશ, પેસ્ટ, પગમાં પહેરવાનાં મોજાં, ફેસ ક્રીમ, બોડી મોઇશ્ચરાઇઝર ડાયરી, પેન બધું યાદ કરીને બેગમાં ગોઠવ્યું.
‘કોલકાતામાં ક્યાં રહીશ? હોટલમાં?’ પત્નીની ગતિવિધિ જોઇ રહેલા મકરંદે પૂછ્યું.
‘ના, બાબા, હોટલમાં રહેવાનું તો મોંઘું પડે. હું ત્રણ દિવસ માટે બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લેવા જઇ રહી છું, કોઇ હાઇ-ફાઇ ફેશન પરેડમાં મહાલવા માટે નથી જઇ રહી.’ શર્વરીએ થોડુંક હસવામાં અને થોડુંક વસવસાના ભાવમાં કહી દીધું.
‘તેં મારા સવાલોનો જવાબ ન આપ્યો, સ્ત્રીનું આ જ દુ:ખ હોય છે. કોઇ વાતનો સીધો જવાબ જ ન આપે. મેં એ પૂછ્યું કે તું કોલકાતામાં ક્યાં રહેવાની છો?’ મકરંદ વ્યવસાયે અને સ્વભાવે એન્જિનિયર હતો.
શર્વરી રમતિયાળ સ્મિત વેરીને બોલી, ‘હું વર્કિંગ વુમન છું, હું માત્ર વુમન નથી. એન્જિનિયર થયા એટલે નારી-નારીનો ભેદ પણ ન સમજો એ કેમ ચાલે! કોલકાતામાં હું મારા કોલેજ કાળના મિત્ર અને તખ્તાના જાણીતા કલાકાર અનિમેષ દોશીના ઘરે ઊતરવાની છું. મેં એમને જાણ પણ કરી દીધી છે. મારા રહેવાનો અને ભોજનનો ખર્ચ બચી જશે. માત્ર જવા-આવવાનું ટિકિટભાડું જ ખર્ચવાનું છે.’
શર્વરીની વાતમાં તથ્ય તો હતું પણ એની વાતમાં એક-બે મોટાં ગાબડાં પણ હતાં. આજથી સાડા ચાર દાયકા પૂર્વેની આ ઘટના. ત્યારે મધ્યમ વર્ગીય ઘરોમાં લેન્ડલાઇન ટેલિફોન પણ ન હતો. એ જમાનામાં પોસ્ટ કાર્ડથી વહેવાર ચલાવવાની પરંપરા હતી. જ્યાં નિકટનું સગપણ ન હોય ત્યાં મહાત્મા ગાંધીજીની જેમ પોસ્ટ કાર્ડમાં એક અથવા બે લીટીઓમાં વાત સમેટી લેવાની ફેશન ચાલતી હતી.
શર્વરી એક સારી બિઝનેસ વુમન તરીકે ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત થઇ ગઇ હતી. અનિમેષ દોશી તખ્તાના સિનિયર કલાકાર હતા. એમની રોમેન્ટિક ભૂમિકાઓએ અને રંગીન છટાઓએ યુવા પ્રેક્ષકોના દિમાગ પર કામણ પાથર્યું હતું. શર્વરી એકાદ વાર કોલેજના રિ-યુનિયનમાં એમને મ‌ળી હતી. ત્યારે અનિમેષે કહ્યું હતું, ‘કોલકાતા આવવાનું થાય છે? જો આવો તો મળજો.’
ત્યારે શર્વરીએ અનિમેષનું એડ્રેસ ટપકાવી લીધું હતું. ફોન નંબરની જરૂર એને લાગી ન હતી. શર્વરીએ પોસ્ટ કાર્ડ રવાના કરી દીધું: ‘શનિવારે કોલકાતા આવું છું. તમારા ઘરે રહેવાની છું. ત્રણ દિવસ આખા પરિવારને પજવવાની છું. લિ. શર્વરી મહેતા.’
પત્રના જવાબની પ્રતીક્ષા કર્યા વગર જ શર્વરી નીકળી પડી. આમ પણ પ્રત્યુત્તર માટેનો સમય જ ક્યાં રહ્યો હતો? પત્ર જ્યારે અનિમેષને મળ્યો ત્યારે શુક્રવાર થઇ ગયો હતો. અનિમેષ જવાબ લખીને રવાના કરે તો પણ એ પત્ર શર્વરીને મળવાનો ન હતો. અનિમેષે માંડી વાળ્યું.
શનિવારે સવારે અગિયાર વાગે ડોરબેલ વાગી. બારણાં ખૂલ્યાં. શર્વરી અનિમેષને જોઇ રહી. છુટ્ટી પાટલીનું ધોતિયું, શ્વેત રંગનો ઝભ્ભો, ખભા પર ખાસ અદાથી ગોઠવેલી શૉલ, કાળી ફ્રેમનાં ચશ્માં અને માથાના લાંબા વાળ સાથે ગુજરાતી કલાકાર નખશિખ બંગાળી ભદ્રપુરુષ જેવા શોભતા હતા.
‘ક્યાં સુધી બહાર જ ઊભાં રહેશો? અંદર નહીં આવો?’ અનિમેષે આવકાર આપ્યો.
શર્વરીએ ઘરમાં પ્રવેશ કર્યો. વિશાળ બંગલો હતો. સીસમનું પોલિશ કરેલું ફર્નિચર હતું. છત પર ટાંગેલું ઝુમ્મર અને ફર્શ પર બિછાવેલો ગાલીચો ગવાહી આપતો હતો કે અનિમેષ ખૂબ સારું ધન કમાયા હશે.
‘ચા તૈયાર છે. એ પી લીધાં પછી તમે ‘ફ્રેશ’ થઇ જાવ. બાર વાગે ભોજન પતાવીને આપણે નીકળીશું. પ્રથમ સેશન તો સમાપ્ત થઇ ગયું હશે, આપણે બીજા સેશનમાં જોડાઇ શકીશું.’ અનિમેષે કહ્યું.
‘મારે બીજા સેશનમાં જ બોલવાનું છે.’ શર્વરીને ચાનો બંગાળી ટેસ્ટ ગમ્યો હોય એવું લાગ્યું. ભોજન પતાવીને બંને બે વાગે નીકળી પડ્યાં. શર્વરી એટલી ઉત્સાહમાં હતી કે એને એ વાતનો વિચાર જ ન આવ્યો કે અનિમેષના બંગલામાં બીજું કોઇ કેમ હાજર નથી! કદાચ એણે એવું પણ ધારી લીધું હશે કે પત્ની બહાર કોઇક બહેનપણીને મળવા ગઇ હશે અને સંતાનો કોલેજમાં ભણવા ગયાં હશે.
બપોરનું બિઝનેસ -સેશન પૂર્ણ કરીને બંને ઘરે આવ્યાં. સાંજ ઢળી રહી હતી. શિયાળાના કારણે અંધારું વહેલું ઊતરી આવ્યું હતું. બંગલામાં દાખલ થયા પછી પહેલો સવાલ શર્વરીએ આ પૂછ્યો, ‘ઘરમાં કેમ કોઇ દેખાતું નથી?’
‘હોય તો દેખાયને?’ અનિમેષે ફોડ પાડ્યો, ‘પત્ની અને બંને સંતાનો સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ગુજરાત ગયાં છે. પાંચ દિવસ માટે.’
શર્વરીના દેહમાં આછી કંપારી આવી ગઇ, ‘ઓહ! એવું છે? તમે મને જણાવ્યું નહીં?’
‘કેવી રીતે જણાવું? તમે જણાવવા જેટલો સમય જ ક્યાં આપ્યો?’ અનિમેષ જાણે વગર અપરાધે ખુલાસો કરી રહ્યો!
‘એ મારી ભૂલ હું સ્વીકારું છું. પણ આજે બપોરે હું આવી ત્યારે તો તમે મને આ વાત કહી શક્યા હોત!’ શર્વરીના પ્રશ્નમાં ફરિયાદ ન હતી પણ હવે શું કરવું એ વાતની મૂંઝવણ ઝલકતી હતી.
‘કેવું લાગે? આપણે ત્યાં કોઇ મહેમાન આવે, હજુ તો ઘરમાં પગ મૂકે અને તમે એને કહી દો કે ઘરમાં હું એકલો જ છું, તમારે બીજે ક્યાંક રહેવા જવું પડશે, તો…!’ સોરી, હું એવું ન કહી શક્યો. હવે તમે જેમ કહો તેવી વ્યવસ્થા હું…’ અનિમેષ ઢીલો પડી ગયો.
શર્વરી મજબૂર હતી. અત્યારે આવા સમયે હોટલમાં ‘શિફ્ટ’ થવું પરવડે તેવું ન હતું. કોલકાતામાં એનું બીજું કોઇ પરિચિત ન હતું. એણે જે હતું તે સ્વીકારી લીધું. ભોજન પછી અનિમેષ અને શર્વરી મોડી રાત સુધી કોલેજની યાદોને વાગોળતાં બેસી રહ્યાં. એમાંને એમાં રાત્રિના બે વાગી ગયા.
શર્વરીએ બગાસું ખાધું. અનિમેષ એને બેડરૂમ તરફ દોરી ગયો, ‘આ તમારા માટે છે. હું બાજુના બેડરૂમમાં સૂઇશ. બંને રૂમમાં એટેચ્ડ ટોઇલેટ-બાથરૂમ છે. તમારા માટે પાણીની બોટલ મૂકી દીધી છે. કોઇ વસ્તુની જરૂર પડે તો તમે મને જગાડી શકો છો. શુભ રાત્રિ!’
શર્વરી બેડરૂમમાં ચાલી ગઇ. બંને શયનખંડની વચ્ચે જે કોમન ડોર હતું તેમાં એક પણ બાજુએ સ્ટોપર ન હતી. બારણું એમ જ વાસી દઇ શકાતું હતું. શર્વરી ઊંઘી ન શકી. અનિમેષની છાપ રસિક કલાકાર તરીકેની હતી. અંધારાનું સામ્રાજ્ય, બે વિજાતીય પાત્રો અને દેહને લલચાવનારું એકાંત. શું ન થાય?
અનિમેષના બેડરૂમમાં જરાક ખખડાટ જેવું થાય તો અહીં શર્વરી પથારીમાં બેઠી થઇ જાય. એ આવ્યા! હમણાં મને જકડી લેશે. હું છટકવા માટે તરફડિયાં મારીશ, પણ એના જેવા ઊંચા મજબૂત પુરુષને હું કેવી રીતે પહોંચી વળીશ? ચીસો પાડીશ તો કોણ સાંભ‌ળશે?
સાડા ત્રણ વાગ્યા. કશું જ ન થયું. શર્વરી ઊભી થઇ અને બારણાં પાસે જઇને બીજી બાજુએ શું ચાલી રહ્યું છે તે સાંભળવા માટે કાન સરવા કરીને ઊભી રહી. અનિમેષનાં નસકોરાં બોલતાં હતાં એનો અવાજ સંભળાયો. શર્વરીને આમ તો ‘હાશ’ થવી જોઇએ, એને બદલે નિરાશા થઇ: ‘લે, આ તો ઊંઘી ગયા છે! હવે એ મારા બેડરૂમમાં નહીં…?’
ચાર વાગી ગયા. શર્વરી અવશપણે ઊભી થઇ, વચ્ચેનું બારણું ઉઘાડીને બાજુના બેડરૂમમાં ગઇ, નાઇટ લેમ્પના આછા પ્રકાશમાં ગાઢ નીંદરમાં પોઢેલા સોહામણા અનિમેષને નીરખી રહી; પછી પથારીમાં એની બાજુમાં સૂઇ ગઇ. અનિમેષની ઊંઘમાં ખલેલ પડી. એણે આંખો અડધી-પડધી ઉઘાડી, પડખાંમાં સૂતેલી શર્વરીને જોઇ પછી એ ટૂંટિયું વાળીને સૂતેલી શર્વરીના દેહ પર પોતાનો વજનદાર હાથ મૂકીને ફરી પાછો ઘસઘસાટ ઊંઘી ગયો. હવે શર્વરીને પણ ઊંઘ આવી ગઇ.
સામાન્ય સમજણ ધરાવતા લોકોની અપેક્ષાનુસાર એ બંનેના તન વચ્ચે તો કશું જ બન્યું ન હતું, પણ એ બંનેના મન વચ્ચે ઘણુંબધું રચાઇ ગયું. }
(શીર્ષકપંક્તિ: દિલીપ મોદી)
લઘુકથા:પિતાની સમજણ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/fathers-understanding-135229505.html

નીલમ વ્યાસ ‘દુર્ગા’ ‘કાયમની જેમ આ વખતે પણ રિયા અડધો પગાર પિયરમાં આપવાની વિચિત્ર શરત મૂકશે તો? કેટલાય સારાં-સારાં માંગા આમ જ રિજેક્ટ થયાં!’
ઉદાસીએ મધુબહેનને ભરડો લીધો. પુત્ર નહીં હોવાનો કદાચ પહેલી વખત અફસોસ પણ અનુભવાયો.
‘આપણે થોડા આપણા સિદ્ધાંતો નેવે મૂકીશું? પરિણીત દીકરીના ઘરનું તો પાણી પણ ન પિવાય.’ રસિકભાઈએ પત્નીને આશ્વાસન આપ્યું.
મહેમાનો આવ્યા અને બધી વ્યાવહારિક વાતો થઈ. મુરતિયાએ પણ રસિકભાઈ સમક્ષ પોતાની શરત રજૂ કરી.
‘અંકલ, તમે તમારી એકની એક દીકરીને બધી જ પ્રોપર્ટી આપવાનાં છોને? જો હું તમારો જમાઈ બનીશ તો તમારે આજીવન મારાં માતા-પિતા બનીને અમારી સાથે જ રહેવું પડશે, જો તમે તમારો હૂંફ અને સંભાળનો હક સ્વીકારશો તો જ હું મારી પત્નીને એનો પિયરનો હક સ્વીકારવા દઈશ. બોલો છે મંજૂર?’
‘ફાધર્સ ડે’ના અવસરે રસિકભાઈએ જૂનવાણી સિદ્ધાંતનું સ્થાન સ્નેહભર્યા સ્વમાનને આપ્યું. વરઘોડિયાને આશીર્વાદ આપતી વેળાએ એમને બરોબર સમજાય ગયું કે દીકરો હોય કે દીકરી, વહુ હોય કે જમાઈ, સંસ્કારી સંતાન હોવું એ દરેક પિતા માટે ગર્વની વાત બની રહે. નૈતિકતા સાથે કરેલો ઉછેર માત્ર એક દિવસની જ નહીં પણ સમગ્ર જીવનની ઉજવણીનો નિમિત્ત બન્યો. }
વસુંધરાનાં વહાલાં દવલાં:32 ટકા ભારતીયોને ગ્લોબલ વોર્મિંગની ખબર નથી!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/32-percent-of-indians-are-unaware-of-global-warming-135229441.html

બલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને તેની અસરો સામાન્ય માણસને એટલી હદે અસર કરી રહી છે કે, હજુ ચોમાસુ બેસવાને વાર છે પણ આજે ગરમીથી બચવા ગામડામાં ત્રણમાંથી બે ઘરમાં એ. સી. જોવા મળી રહ્યા છે, જ્યાં આંગણામાં લીમડા પણ લહેરાય છે. જો કે આ વચ્ચે એક રસપ્રદ અભ્યાસનું તારણ સામે આવ્યું છે કે, 32ટકા ભારતીયોને ગ્લોબલ વોર્મિંગ શું એ જ ખબર નથી.
જેમ જેમ વાતાવરણ ગરમ થાય છે, તેમ તેમ સમગ્ર ભારતમાં હવામાનની ઘટનાઓ વધુ ગંભીર બની રહી છે. ભારતીયોએ તાજેતરમાં ભારે હીટ વેવ, પૂર, પાણીની અછત અને અનિયમિત ચોમાસાના પેટર્નનો અનુભવ કર્યો છે. આ ઘટનાઓ માત્ર જીવન અને આજીવિકાને નુકસાન પહોંચાડતી નથી પણ લોકો આબોહવા પરિવર્તન અને ભારે હવામાન બંનેને કેવી રીતે જુએ છે તે પણ આકાર આપે છે.
આ ઘટનાઓ વિશેના જાહેર અનુભવો અને ચિંતાઓને વધુ સારી રીતે સમજવા માટે, યેલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ કોમ્યુનિકેશન અને સી-વોટરએ એ 5 ડિસેમ્બર, 2024થી 18 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ભારતમાં 10,751 લોકોનો સર્વે કર્યો હતો. આત્યંતિક હવામાન અથવા તેમના સ્થાનિક વિસ્તારને નુકસાન પહોંચાડતી સંબંધિત અસરો વિશે મોટાભાગના લોકો ચિંતિત છે.
મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં તેમણે ઓછામાં ઓછી એક આત્યંતિક હવામાન ઘટના અથવા સંબંધિત અસરનો અનુભવ કર્યો છે. લોકોએ તીવ્ર ગરમીનાં મોજાં (71 ટકા), કૃષિ જીવાત અને રોગો (60 ટકા), વીજળી ગુલ (59 ટકા), જળ પ્રદૂષણ (53 ટકા), દુષ્કાળ અને પાણીની અછત (52 ટકા), અને ગંભીર વાયુ પ્રદૂષણ (52 ટકા) નો અનુભવ કર્યો છે.
જો કે, ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં, 32 ટકા લોકોએ ગ્લોબલ વોર્મિંગ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ તારણો આબોહવા પરિવર્તન અને સ્થાનિક આબોહવાની અસરો વિશે જાહેર જાગૃતિ લાવવાની મહત્ત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે અને કાર્બન પ્રદૂષણ ઘટાડવા અને ભવિષ્યમાં આત્યંતિક ઘટનાઓ માટે તૈયારી કરવાની તાકીદને મજબૂત બનાવે છે.
ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો સમુદ્ર,
ગરમીનાં મોજાંની ચપેટમાં
‘વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન’ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિકની આસપાસનો લગભગ ચાર કરોડ ચો. કિ. મી. સમુદ્ર - જે ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો વિસ્તાર છે, તે 2024માં દરિયાઈ ગરમીનાં મોજાંની ચપેટમાં આવ્યો છે, જેનાં ગંભીર પરિણામો સામે આવી રહ્યાં છે.
WMOના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, જમીન અને સમુદ્રમાં રેકોર્ડ ગરમી - મુખ્યત્વે આબોહવા કટોકટીને કારણે ઊભી થઇ હતી અને ફિલિપાઇન્સમાં ઘાતક ભૂસ્ખલનથી લઈને ઓસ્ટ્રેલિયામાં પૂર અને ઇન્ડોનેશિયામાં હિમનદીઓના ઝડપી નુકસાન સુધીની ભારે હવામાન ઘટનાઓ સાથે સુસંગત હતી. આ પ્રદેશ 1991 અને 2020 વચ્ચે નોંધાયેલા સરેરાશ કરતાં 0.48 ડિગ્રી વધુ ગરમ હતો.
‘યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ’ના આબોહવા વૈજ્ઞાનિક એસોસિયેટ પ્રોફેસર એલેક્સ સેનગુપ્તા કહે છે, ‘ગરમીનું મોજું ખૂબ નોંધપાત્ર હતું. અમે ખરેખર આવું ક્યારેય જોયું નથી અને અમે આટલો મોટો ઉછાળો કેમ જોયો તે સમજાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગરમીના મોજાંએ સમુદ્રમાં ઘણા જીવો પર પ્રેશર ઊભું કર્યું છે, જો આમ જ રહ્યું તો, કાં તો જીવતંત્ર અન્ય ખાંસી જશે અથવા મરી જશે.’
રિપોર્ટના કેટલાક મુખ્ય અંશો
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફિલિપાઇન્સમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 93 લોકો માર્યા ગયા.
ઓસ્ટ્રેલિયામાં સિઝનની શરૂઆતમાં ગરમીનાં મોજાંને કારણે દેશના મધ્યમાં ઓગસ્ટમાં રેકોર્ડ તાપમાન નોંધાયું.
સિંગાપોર અને મલેશિયામાં ભારે પૂર : 1,37 લાખ લોકો વિસ્થાપિત થયા અને છ લોકોના મોત.
માર્ચમાં ઇન્ડોનેશિયન ટાપુ સુમાત્રા પર અચાનક પૂર અને 2024ની શરૂઆતમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં મોટું પૂર.
ઇન્ડોનેશિયાના ન્યુ ગિની ટાપુના પશ્ચિમમાં હિમનદીઓનું ઝડપી નુકસાન, 2026 સુધીમાં અથવા તે પછી તરત જ કુલ બરફનું નુકસાન થઈ શકે છે.
ફિલિપાઇન્સમાં 12 ઉષ્ણકટિબંધીય ચક્રવાતો આવ્યા ; સરેરાશ કરતાં બમણું - 43 કરોડ ડોલરનું નુકસાન
ઓસ્ટ્રેલિયામાં બરફની મોસમ ‘અસામાન્ય રીતે વહેલી’ સમાપ્ત થઈ.
પવનની પાંખે ઊર્જાનો સંચાર ; વિશ્વમાં ભારતનું ચોથું સ્થાન
હાઇલાઇટ- 15 જૂન : વિશ્વ પવન દિવસ
ગુજરાતમાં 120 મીટર ઊંચાઈએ 142.56, 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટની પવનઊર્જા
ગ્લોબલ વિન્ડ ડે, એટલે કે વિશ્વ પવન દિવસની, દર વર્ષે ૧૫ જૂને પવન ઊર્જા અને ઊર્જા પ્રણાલીઓને આકાર આપવાની તેની ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે ઊજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ પવન ઊર્જાના ફાયદાઓને ઉજાગર કરવાનો, તેના વિવિધ ઉપયોગો દર્શાવવાનો અને ટકાઉ ઊર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતની સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 50 ગીગાવોટને આંબી ગઈ છે, જે આપણે વૈશ્વિક સ્તરે ચોથો સૌથી મોટો પવન ઊર્જા ઉત્પાદક દેશ બનાવી દીધો છે. ગ્લોબલ વિન્ડ ડે ટકાઉ ઉર્જા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે પવન ઊર્જાની ભૂમિકા પર ભાર મૂકે છે. ‘યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન’એ 2007માં પ્રથમ પવન દિવસની સ્થાપના કરી, જે પાછળથી ગ્લોબલ વિન્ડ ડેમાં વિકસિત થઈ છે.
ગુજરાત 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટ સાથે ટોપ ટુ
પવનએ ઊર્જાનો વિશિષ્ટ સ્ત્રોત છે અને તેથી, સંભવિત સ્થળોની પસંદગી માટે વ્યાપક પવન સંસાધન મૂલ્યાંકન આવશ્યક છે. સરકારે, ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા’ દ્વારા, સમગ્ર દેશમાં 900થી વધુ પવન-નિરીક્ષણ સ્ટેશનો સ્થાપિત કર્યા છે અને જમીનની સપાટીથી 50 મીટર, 80 મીટર, 100 મીટર, 120 મીટર અને 150 મીટર ઉપર પવન સંભવિત નકશા જારી કર્યા છે.
તાજેતરના મૂલ્યાંકનમાં 120 મીટર ઉપર 695.50 અને જમીનની સપાટીથી 150 મીટર ઉપર 1163.9 ગીગાવોટની
કુલ પવન ઊર્જા ક્ષમતા દર્શાવે છે. જેમાં ગુજરાત આઠેય રાજ્યોમાં રાજસ્થાન બાદ ટોચના બીજા સ્થાને છે. ગુજરાતમાં ઓનશોર અને ઓફશોર પવનચક્કીનું નેટવર્ક ગ્રીન ગુજરાતની મજબૂતી દર્શાવે છે. }
સમયાંતર:ગીરના સિંહોનાં નામરૂપ જૂજવાં
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-lions-of-gir-are-called-jujwa-135229500.html

લલિત ખંભાયતા ય અને વીરુ. શૉલે ફિલ્મની ખ્યાતનામ જોડી. ગીરમાં પણ એ જોડી હતી. બે સિંહનાં નામ પાડવામાં આવ્યાં હતાં કેમ કે જય-વીરુની માફક સતત સાથે જ રખડતા હતા. એ જોડી ગઈ 11મી જૂને ખંડિત થઈ. વહેલી સવારે સાડા ત્રણ કલાકે વીરુએ અંતિમ શ્વાસ લીધા.
સાંસદ અને સિંહ સંરક્ષણ સાથે સંકળાયેલા પરિમલ નથવાણીએ વીરુના મોતની વાત પોતાના એક્સ (ટવિટર) એકાઉન્ટ પર લખી છે. એમાં એ પણ સ્પષ્ટ થાય છે કે સિંહોનાં ટોળાંની આંતરિક લડાઈ (ઈનફાઈટ)માં જય-વીરુને ઈજા થઈ હતી. જંગલમાં ઈનફાઈટ કે ઈજા કંઈ નવું નથી. વીરુની ઈજા વધારે ગંભીર હતી અને તેને સારવાર અપાઈ રહી હતી. વનતારામાંથી પણ નિષ્ણાત તબીબોને બોલાવીને વીરુને ફરીથી ડગ માંડતો કરવાનો પ્રયાસ થયો હતો, પણ છેવટે ઈશ્વર ઈચ્છા બલિયસી.
વડાપ્રધાન ગીરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પણ આ સિંહો જોયા હતા તો વળી, પ્રવાસીઓમાં પણ જય-વીરુ આકર્ષણનું કેન્દ્ર હતા. જય-વીરુ 16 સિંહનાં ટોળાંનો ભાગ હતા. તેમની આગેવાનીમાં 12 બચ્ચાં, ચાર સિંહણો ગીરની ધરા ધ્રુજાવતું હતું. હવે એમાંથી વીરુ ક્યારેય જોવા નહીં મળે.
***
ગીરના સિંહોની નામકરણની પરંપરા બહુ જૂની છે.
પહેલી નજરે એમ લાગે કે સિંહના નામ પાડીને શું?
પણ હકીકત એ છે કે સિંહ નહીં, આપણે ત્યાં તમામ એ પ્રાણી-પક્ષીનાં નામ પાડવાનો સદીઓ જૂનો રિવાજ છે, જે આપણી આસપાસ હોય અથવા જીવનનો ભાગ હોય. ખેડૂતો પોતાની ગાય-ભેંસનાં નામ પાડે જ છે. કૂતરાં પાળનારા કૂતરાંના ફેન્સી નામો રાખે છે. તો પછી જંગલના રાજાનાં નામો કેમ ન હોય?
સિંહ એ સામાન્ય પ્રાણી નથી. ગીરના જંગલમાં દરેક સિંહ પાછળ ધ્યાન રાખવા ફોરેસ્ટ ગાર્ડ સતત ફરતા રહે છે. પ્રવાસીઓને કે મુલાકાતી તરીકે આપણને તો બધા સિંહ-સિંહણ-બચ્ચાં લગભગ સરખાં લાગે પણ એમને સરખાં લાગતા નથી. દેખાવથી ઓળખી શકાય અને નામથી બોલાવી શકાય.
ફોરેસ્ટના ગાર્ડ સહિતના સ્ટાફે સિંહ સાથે સૌથી વધુ સમય પસાર કરવાનો હોય એટલે એમને નામ પાડવાની જરૂર પણ પડે. ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્કમાં સિંહનું નામ ‘જ્ઞાન’ છે, તો સિંહણનાં નામો ‘શૈલજા’ અને ‘અંબિકા’ હતાં. એક સમયે ત્યાં ‘હિટલર’ નામનો સિંહ પણ હતો. સિંહોનાં નામો તેમની લાક્ષણિકતા પરથી, શારીરિક દેખાવ પરથી, વિસ્તાર પરથી એમ વિવિધ રીતે પડતાં હોય છે.
***
રાજાશાહી વખતમાં સિંહનો શિકાર થતો હતો. આજનો કનરો ડુંગર છે ત્યાં એક સિંહના શિકારનું સૌ રાજાઓને આકર્ષણ હતું. જૂનાગઢ નવાબના શહેજાદા સિંહના શિકાર માટે આવ્યા હતા. રાજા-નવાબ શિકાર માટે આવે ત્યારે એ બહાદુરીપૂર્વક શિકાર કરતા હોય એવા પ્રસંગો ઓછા બને. એ ગોઠવણ કરીને શિકાર કરે. એટલે સો-બસ્સો માણસો એ જંગલમાં ફરતા રહે. ચો-તરફથી અવાજ (શિકારની ભાષામાં હાંકો) કરે.
સિંહ-સિંહણ ચોક્કસ દિશામાં ચાલે કેમ કે ચારેબાજુથી અવાજ આવતો હોય. એ પછી ઘેરાયેલાં સિંહ કે સિંહણનો રાજા-મહારાજા-નવાબ કે અંગ્રેજો માચડા પરથી શિકાર કરે. ક્યારેક વળી હાથી પર પણ બેઠા હોય. જોકે સિંહનો શિકાર કરવા જતાં શિકારીને ભીંસ પડી જાય એવા ઘણા કિસ્સા નોંધાયા છે. જૂનાગઢ નવાબના શહેઝાદા સાથે જ જમાદાર હતા. સિંહનો શિકાર કરવા જતા રાજા જમાદારના હાથમાંથી બંદૂક પડી ગઈ. સિંહે તક ઝડપીને રાજા જમાદારનો હાથ કોણીથી જુદો કરી નાખ્યો. સિંહે સાબિત કર્યુ કે શિકાર કરવા આવનાર ખાલી નામનો રાજા હતો, ખરો રાજા તો એ હતો.
એ સિંહને પકડવા, શિકાર કરવા બહુ પ્રયાસ થયો પણ એ ગુમ થઈ ગયો. નેસ વિસ્તારમાં પહોંચ્યો જ્યાં નેસવાસીઓએ તેનું નામ ‘ચાંપલો’ પાડ્યું. શાહજાદા છોટેમિંયા શિકાર નથી કરી શક્યા એ જામનગરના જામ રણજિતસિંહને જાણકારી મળી. એ પણ ‘ચાંપલા’ના મૃગયા ખેલવા ગીરમાં ઊતરી આવ્યા.
સિંહ આંબલીના અંધકારભર્યા ઢૂવામાં બેઠો હતો. બહાર નીકળતો ન હતો. બહાર જામ અને અંદર સિંહ બંને વટે ચડ્યા હતા. શિકાર વગર ખાવું નહીં એવુ જામ રણજિતે નક્કી કર્યુ હતું. રણજિતસિંહના માણસો પણ ‘ચાંપલા’ નજીક ગયા પણ ફરીથી એ સૌ કોઈની ગોળીઓ વચ્ચેથી સલામત નીકળીને જંગલમાં ચાલ્યો ગયો.
એ પછી ‘ચાંપલા’ની લોકપ્રિયતા વધી. માલ-ઢોરને નુકસાન કરતો હોવા છતાં તે લાડકો થયો અને ગીરના એક છેડાથી બીજા છેડા સુધી ‘ચાંપલા’ના ગુણગાન ગાતા દુહા ગવાવા લાગ્યા...
ગીર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ
ચાંચઈ પાણિયાના દરબારોએ પણ શિકાર કરવાનો પ્રયાસ કરી જોયો પણ કોઈની કારી ફાવી નહીં. એ ‘ચાંપલો’ સાવજ કોઈની ગોળીએ નહીં, તુલસીશ્યામ મંદિરમાં ધૂણી પાસે આવીને બેસતો અને ત્યાં જ મૃત્યુ પામ્યો.
***
1950ના દશકામાં ગીરમાં એક સિંહ બહુ પ્રખ્યાત અને કુખ્યાત હતો. પ્રખ્યાત એ રીતે કે તેનું ગામ ગીરના ખૂણેખૂણે જાણીતું હતું. કુખ્યાત એ રીતે કે એ સિંહ સતત બીજા સિંહો સાથે બથોડા લીધા કરતો. એમ કરવા જતાં તેના કપાળમાં ટીલા જેવો ઘા થયો હતો. એટલે નામ પડ્યું ‘ટીલિયો’.
તેના કપાળમાં ઈજા થયા પછી જીવાત થઈ હતી પણ એને સારવાર કરવા લઈ જઈ શકાય એવો એ સોજો ન હતો. એટલે તેની જંગલમાં જ સારવાર કરવામાં આવી. શિકાર પર બેસે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ વૃક્ષ પર ચડીને લાંબા વાંસડાના છેડે દવાવાળું પોતું વીંટાળી એ ‘ટીલિયા’ના કપાળે ઘસતા હતા. એમ કરતાં અઠવાડિયે ‘ટીલિયો’ સાજો થયો. પણ નામને સાર્થક કરતું ટીલા જેવું નિશાન તો કપાળે રહ્યું જ.
આ સિંહ એટલો ચર્ચાસ્પદ બન્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સોમનાથ પ્રવાસે આવ્યા અને પછી ગીર ગયા ત્યારે ‘ટીલિયા’ને જોયો હતો. જવાહરલાલ નેહરુ પણ ગીરમાં આવ્યા ત્યારે આ સિંહને જોવા માટે ઘણો શોધ્યો પણ મળ્યો ન હતો. એ જ અરસામાં જોર્ડનનાં રાજા-રાણી ભારતના પ્રવાસે હતાં. એ ગીર આવ્યાં. રાણીને આવા સિંહની ખબર પડી તો એને જ જોવાની જિદ્દ લીધી હતી. જોકે ‘ટીલિયા’ને જોવા જતા કાફલો એક સિંહણના ઉતારા પાસે પહોંચી ગયો. સિંહણ હજી માતા બની હતી. પોતાના પર ખતરો છે એમ માની તેણે રાજશી કાફલા પર હુમલાની તૈયારી કરી પણ ‘ટીલિયા’એ સિંહણને હુમલો કરતા અટકાવી હતી.
1965ની 18મી માર્ચે 20 વર્ષની વયે ‘ટીલિયો’ મૃત્યુ પામ્યો ત્યારે અંજલિ આપતા ગુજરાત સરકારે નોંધ્યું હતું: ‘આ સિંહે વચ્ચે પડીને બે વખત જંગલ રક્ષકોના જાન બચાવ્યા હતા.’
લોકપ્રિયતા એટલેથી અટકતી નથી. દેશ-પરદેશના મહેમાનોમાં ચહીતા બનેલા ‘ટીલિયા’ના સ્મરણમાં 1966માં એક રૂપિયાના મૂલ્યની ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી.
***
‘ટીલિયા’નું નિધન થયું તો શું થયું, ગીરમાં ક્યાં સિંહોની કમી હતી. એમાંય લોકચાહના ધરાવતા સિંહો પણ હતા જ. એવો એક સિંહ, નામ એનું ‘ગોવિંદા’. 1968માં શંકર નામના ફોટોગ્રાફરને એવી ધૂન ચડી કે સિંહના નજીકથી, કોઈએ ન પાડ્યા હોય એવા એંગલથી અને વિવિધ પ્રકારના ફોટા પાડી લેવા. એ વખતની સિંહ ગણતરી વખતે શંકરભાઈ ‘ગોવિંદા’ની નજીક પહોંચી ગયા.
‘ગોવિંદા’ આરામ કરતો હતો ત્યારે તેના ફોટા પાડ્યા. જંગલ ખાતા સાથે સંકળાયેલા હૈદરઅલી ‘ગોવિંદા’ને સારી રીતે જાણતા હતા. એટલે વારંવાર પડતા ફોટા, ફોટોગ્રાફરની આમતેમ ઊછળકૂદ વગેરેથી કંટાળીને ‘ગોવિંદા’ જ્યાં ત્રાડ નાખવાની તૈયારી કરે ત્યાં હૈદરઅલી ‘ગોવિંદા’ને સમજાવીને કહેતા કે જો ભાઈ આ તારા ફોટા પાડવા આવ્યા છે, આપણા ગીરની લાજ રાખજે. એટલે ગોવિંદાએ છેવટ સુધી સંયમ જાળવ્યો અને શંકર ફોટોગ્રાફર તરીકે નામના કમાયા.
***
જંગલના સિંહોનાં જ નામ હોય એવું નથી. 1957માં દિલ્હીના ઝૂમાં ઇથિયોપિયાથી સિંહ-સિંહણ આવ્યાં. નામ હતા ‘થિઓડોર’ અને ‘મિમતિવાબ’. તો વળી સાથે ગીરનાં સિંહ સિંહણ પણ હતાં, નામે ‘મોહન’ અને ‘રૂપા’. આમ તો બે ખંડનાં સિંહ-સિહણ મળે તો દ્વિપક્ષીય મંત્રણા થવી જોઈએ એના બદલે જંગ મંડાણો, કેમ કે ‘થિઓડોર’ને અલગ કરી દેવાયો. એટલે બે સિંહણ અને એક સિંહ વચ્ચે પ્રણયત્રિકોણ રચાયો. મોહનને આફ્રિકિ સિંહણ ‘મિમતિવાબ’ તરફ ખેંચાતો જોઈને રૂપાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવી તેના ગળામાં દાંત ખૂંપાડી દીધા હતા.
ગીરના સિંહની પ્રેમકથાઓ પણ કંઈ કમ નથી. એક સિંહણ કૂવામાં પડી, પાછળ સિંહ પણ પડ્યો. જંગલ ખાતાએ બંનેને બહાર કાઢીને સારવાર આપી અને રોહિત-રોહિણી નામ પાડી દીધાં. કૂવામાં પડવાથી ‘રોહિત’ વધારે ઘાયલ થયો હતો, થોડા સમય પછી મૃત્યુ પામ્યો. ‘રોહિણી’ તેની લાશ પાસે જ બેઠી રહી. ઘણી રાહ જોયા પછી પણ ‘રોહિણી’ ત્યાંથી ખસી નહીં ત્યારે તેને બેહોશીનું ઈન્જેક્શન આપી ખસેડવી પડી. એ પછી જ ‘રોહિત’ના અંતિમ સંસ્કાર થઈ શક્યા.
***
ગીરના સિંહના નામમાં શું છે? દરેક નામમાં એક કહાની છે. આજે પણ સિંહના નામ પડે છે અને વન ખાતાનો સ્ટાફ તથા સિંહ આસપાસ રહેતા માલધારી, વનવાસીઓ તેને નામે જ બોલાવાનું પસંદ કરે છે. એમના માટે પરિવારનો સભ્ય જ છે.
એટલે ક્યારેક નામ ‘લાદેન’ પડે તો ક્યારેક સિંહણની ઊંચાઈને જઈને ‘તાડકા’ રખાય છે. ક્યારેક વળી ‘ઝાંબો’ તો ક્યારેક વળી ‘લંગડો’... સિંહનાં નામોની કથા કાલેય હતી, આજેય છે, આવતીકાલેય રહેશે. }
સફર:તામિયા : ભારતનું ઓછું જાણીતું હિલ સ્ટેશન
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tamiya-indias-lesser-known-hill-station-135229439.html

નિતુલ ગજ્જર ધ્ય પ્રદેશનું નામ પડે અને તેમાં પણ કોઈ હિલ સ્ટેશનની વાત નીકળે એટલે આપણા દરેકના મગજમાં એક જ સ્થળનું નામ આવે જે છે પંચમઢી. મધ્ય પ્રદેશનું સ્વિત્ઝર્લેન્ડ ગણાતું પંચમઢી વર્ષે ભારત સહિત દુનિયાભરના હજારો મુલાકાતીઓને આકર્ષે છે.
જોકે, તેના સિવાય પણ મધ્ય પ્રદેશમાં સરસ હિલ સ્ટેશન આવેલું છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મધ્ય પ્રદેશની સાતપુડા પર્વતમાળામાં જ આવેલું આ હિલ સ્ટેશન એટલે તામિયા, જેનું કદાચ ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય. તામિયા આમ ભલે પંચમઢી જેટલું પ્રસિદ્ધ ન હોય, પણ આ સ્થળે કુદરતી સૌંદર્યની ભરમાર છે અને ખાસ તો અહીંનાં ઘણા સ્થળ હજી પણ વણખેડાયેલાં છે.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું તામિયા સમુદ્ર સપાટીથી 3,765 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ જગ્યા તેના કુદરતી સૌંદર્યની સાથે રસપ્રદ વન્યજીવન અને કેટલાય આદિજાતિનું ઘર પણ છે. અહીંના આદિવાસીઓ આજે પણ તેમની પારંપરિક જીવનશૈલીમાં જીવે છે અને આદિવાસીઓ તેમની ચિકિત્સક આવડત માટે જાણીતા છે.
આ સમુદાયના લોકો જંગલમાં થતા વિવિધ છોડની મદદથી સેંકડો બીમારીઓનો ઈલાજ કરી જાણે છે. એ સિવાય તેમનો ખોરાક, કપડાં અને આવાસને નજીકથી જોવાનો મોકો પણ આ સ્થળને રસપ્રદ વિકલ્પ બનાવે છે. આદિવાસીઓના જીવનમાં ડોકિયું કરવા ઉપરાંત તામિયા તમને મધ્ય પ્રદેશના જંગલ અને પહાડોના કેટલાક સૌથી રસપ્રદ નજારા જોવાનો મોકો પણ આપે છે. માટે ફોટોગ્રાફર વર્ગને આ જગ્યા વધુ પસંદ પડે તેવી છે.
તામિયાથી લગભગ 25 કિલોમીટરના અંતરે પાતાલકોટ નામનું એક રસપ્રદ સ્થળ આવેલું છે. આ જગ્યા મૂળભૂત રીતે ઘોડાની નાળના આકારમાં 79 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એક વિશાળ ખીણ પ્રદેશ છે. આ સ્થળના નામનો અર્થ પણ અતિશય ઊંડો પ્રદેશ એવો થાય છે. અહીં ખીણ વચ્ચેથી પસાર થતી નદી અને આસપાસ ઘનઘોર જંગલથી ઘેરાયેલા આ સમગ્ર વિસ્તારને જોવાનો લ્હાવો અનેરો છે. એ સિવાય તામિયા આસપાસ જંગલોમાં વસવાટ કરતા આદિજાતિના લોકોનું જીવન નજીકથી જોવાનો મોકો પણ તમને અહીં જ મળશે.
‘સાતપુડા નેશનલ પાર્ક’ને સાવ અડીને આવેલા આ હિલ સ્ટેશન પર તમને ઠેર ઠેર વિવિધ જગ્યાના નજારા દેખાય એ રીતે બનાવેલા વ્યૂ પોઈન્ટ નજરે પડે છે. આ વ્યૂ પોઈન્ટને ખાસ શાંતિ લેવા અને સૂર્યાસ્ત-સૂર્યોદયનો નજરો જોવા માટે રચવામાં આવ્યા છે. ઘણા લોકો તામિયાથી કાર લઈને આ સ્થળે આખા દિવસનો પ્રવાસ કરવા પણ આવતા હોય છે. સવારે વહેલા અથવા તો સાંજના સમયે માણસોની ચહેલપહેલ ઓછી થયા બાદ આ વ્યૂ પોઈન્ટ નજીક તમને ઘણાં રંગબેરંગી પંખીડાઓ જોવાનો મોકો મળે છે, જે બર્ડિંગ કરવા માગતા ફોટાગ્રાફર માટે યોગ્ય વિકલ્પ સાબિત થાય છે. તામિયા નજીક કેટલીક ગુફાઓ આવેલી છે. જેમાંથી છોટા મહાદેવ ગુફાઓમાં સ્થિત ભગવાન ભોળાનાથનું મંદિર સ્થાનિકોમાં ખૂબ પ્રચલિત છે. અસલમાં આ ગુફામાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું શિવલિંગ આવેલું છે. જેના કારણે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જોકે જંગલમાં થોડા અંતરે આવેલા આ સ્થળે કુદરતી સૌંદર્યની પણ કોઈ કમી નથી. અહીં પાસે જ એક નાનકડો ધોધ આવેલો છે. જેમાં ન્હાવાની મજા લઈ શકાય છે. તે ઉપરાંત આ સ્થળ તંબુ તાણીને રાત રોકાવવા માટે પણ જાણીતું છે. અસલમાં આ વિસ્તાર કોઈ આરક્ષિત જંગલનો ભાગ નથી, માટે તમે અહીં કેમ્પિંગ કરી શકો છો.
શું ધ્યાનમાં રાખવું?
તામિયા નજીક સૌથી મોટું શહેર છિંદવાડા છે. માટે તમારી જરૂરિયાતની તમામ સામગ્રી છિંદવાડાથી નીકળતા સાથે રાખી લેવી. આમ ભલે તામિયા નેશનલ પાર્કને અડીને આવેલું સ્થળ હોય, પણ અહીં હિંસક વન્યજીવ જોવા મળતા નથી. માટે તમે મુક્તમને અહીંના જંગલોમાં ફરી શકો છો. તામિયામાં ફરવા એકથી બે દિવસનો સમય પૂરતો છે. માટે આ હિલ સ્ટેશન સાથે ‘સાતપુડા નેશનલ પાર્ક’ અથવા તો ‘પેન્ચ નેશનલ પાર્ક’નો પણ પ્રવાસ યોજી શકાય.
શું ખાવું અને કયા રોકાવું?
તામિયા નાનકડું શહેર છે. માટે અહીં રોકાવાના વિકલ્પ સીમિત છે. જોકે જંગલની અસલી મજા લેવી હોય તો ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં રોકાઈ શકાય. આ ગેસ્ટ હાઉસમાં ખાસ કોઈ વૈભવી સુવિધા નથી, પણ જરૂરિયાત પૂરતી સુવિધાઓ મોજૂદ છે. એ સિવાય તામિયા નજીકમાં અમુક રિસોર્ટ પણ આવેલા છે. જોકે તે બધા શહેરથી દૂર છે. માટે ત્યાં રોકાયા બાદ ફરવા જવા માટે પોતાની ગાડી અથવા તો ટેક્સી હોવી અનિવાર્ય છે. તામિયામાં અમુક સામાન્ય હોટેલ અને કેટલાક હોમ સ્ટે પણ આવેલા છે.
જમવા બાબતે તામિયામાં કોઈ ખાસ નવીતના જોવા મળતી નથી. અહીંના સ્થાનિક ટૂર ઓપરેટરને કહીને આદિવાસીઓ સાથે ભોજનનો આનંદ લઈ શકાય. એ સિવાય અહીં કોઈ ખાસ વ્યંજન નથી મળતા. જોકે યોગ્ય વેજ ફૂડના વિકલ્પ બહાર રેસ્ટોરાંમાં અને હોટલમાં બંને જગ્યાએ મળી રહે છે.
ક્યારે જવું અને કઈ રીતે પહોચવું?
તામિયા ફરવા જવાનો સૌથી યોગ્ય સમય ઓક્ટોબરથી માર્ચ દરમિયાન છે. આ સમયગાળા દરમિયાન અહીંનું વાતાવરણ સરસ હોય છે અને મોટાભાગના ફરવાના સ્થળો પણ ખુલ્લા હોય છે. ચોમાસમાં પણ તામિયા આવી શકાય, પણ સંભવત આ ઋતુમાં ભારે વરસાદ હોય તો તમને જંગલમાં ઊંડે અથવા તો ગુફામાં જવા દેવામાં ન આવે. ઉપરાંત ક્યારેક ખૂબ વરસાદ પડે તો આખો દિવસ હોટલમાં વિતાવવો પડે તેવી સ્થિતિ પણ ઊભી થાય.
તામિયાથી સૌથી નજીકનું એરપોર્ટ નાગપુર 185 કિલોમીટર અને ભોપાલ 220 કિલોમીટરના અંતરે આવેલું છે. ટ્રેન માર્ગે જવા માગતા હો તો 45 કિલોમીટરે આવેલા પારસીયા અથવા 70 કિલોમીટરના અંતરે સ્થિત છિંદવાડા સ્ટેશન પર ઊતરી શકો. ગુજરાતથી જોકે આમાંથી એકેય સ્થળ માટે ડાયરેક્ટ ટ્રેન ઉપલબ્ધ નથી. માટે તામિયા પહોંચવાનો સૌથી સરળ વિકલ્પ બાય રોડ જવાનો છે. આ હિલ સ્ટેશન રોડમાર્ગે ખૂબ સારી રીતે જોડાયેલું છે. તેમાં પણ જો તમે ગુજરાતથી બાય રોડ તામિયા જાવ તો રસ્તો ‘સાતપુડા નેશનલ પાર્ક’માંથી થઈને પસાર થાય છે. }
રાગ બિન્દાસ:સાવકાં સરનામાં, પારકા પ્રેમનો, ફાધર્સ–ડે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/step-parents-stranger-love-fathers-day-135229487.html

ટાઈટલ્સ: તમે ઝાડને કાપી શકો મૂળને નહીં. (છેલવાણી)
એક છોકરો અને એના પપ્પા દર રવિવારે ઘરની પાસે એક તળાવ હતું ત્યાં પિકનિક કરવા જતા. ત્યાં તેઓ માછલી પકડે અને ખૂબ મજા કરતા. એકવાર દિવસ પસાર થઈ ગયો છતાં એક પણ માછલી ન પકડાઈ એટલે છોકરો નિરાશ થઈ ગયો.
પપ્પાએ કહ્યું, ‘બેટા, પિકનિકનો આનંદ એ નથી કે આપણને શું મળ્યું… ખરો આનંદ તો આપણો એક સાથે જે સમય પસાર કર્યો છે એમાં છે.’
છોકરાને ત્યારે વાત નહીં સમજાઇ પણ હવે જ્યારે એ ખુદ પપ્પા બન્યો ત્યારે એના પપ્પા સાથે વિતાવેલો સમય એને ખૂબ કિંમતી અને અણમોલ લાગે છે. હવે દર વર્ષે ‘ફાધર્સ ડે’ના દિવસે એ પોતાના દીકરા અને પપ્પા સાથે એ જ તળાવ પર જઈને બેસીને બસ સમય ગુજારે છે… વૃદ્ધ થયેલા બાપના કરચલીવાળા હાથને અપાતો સાથ સૌથી મોટી ગિફ્ટ હોઇ શકે છે!
બાપ કે પિતા ઘરનો એ અવાજ છે જે ના હોય ત્યારે એના પડઘા આજન્મ સંભળાયા કરે છે. બાપની બીક અને બાપની ધરપત, બાળકને અંધારિયા જગતમાં ધ્રુવના તારાની જેમ સાથ આપે છે. જે આપણાથી દૂર ભલે હોય તોયે આજન્મ દિશા દેખાડે.
‘ફાધર્સ–ડે’ના દિવસે, ભાઈ-બહેન પપ્પાને, ખરાબ થઈ ગયેલો રેડિયો રિપેર કરીને ગિફ્ટમાં આપવાનું નક્કી કરે છે. બંનેએ રેડિયો ખોલી તો નાખ્યો પણ એને રિપેર કરવામાં ગૂંચવાઇ ગયાં. થાકી–હારીને બંનેએ ડરતાં ડરતાં પપ્પાને રેડિયોની હાલત દેખાડી.
પપ્પા હસી પડ્યા ને પછી રેડિયો કેમ રિપેર થાય એ શીખવ્યું. પછી તો છોકરો મોટો થઈને વૈજ્ઞાનિક બન્યો. હવે પપ્પા તો નથી, પણ પેલો રેડિયો હજીય છે. દર વર્ષે ફાધર્સ ડે પર દીકરો, એ રેડિયો વગાડે છે. જાણે પપ્પા સાથે વાત ના કરતો હોય! જાણે પપ્પાનો અવાજ એમાંથી ન આવવાનો હોય!
હવે દીકરાને સમજાય છે કે ‘પપ્પા’ એવું પાત્ર છે જે શીખવે કે જીવનમાં કંઈ ખોટું થાય, કંઇ બગડી જાય તો એને કેવી રીતે ‘રિપેર’ કરવું. ‘પપ્પા’ જ આપણાં વારેવારે ખોટકાતા જીવનનાં બેસ્ટ મિકેનિક છે!
… પણ ધારો કે તમને ખબર જ ના હોય કે તમારા પપ્પા કોણ છે, ક્યાં છે જીવે છે કે મરી ગયા છે…તો? ‘ફાધર્સ–ડે’ પર એવા અનામ પિતાઓની વાતો કરવી છે.
દરિયાકાંઠાના એક ગામમાં સુથાર રહેતો. એનો પાડોશી બાપ બની શકે એમ નહોતો અને એ કોઈ વીર્ય–દાતા શોધી રહ્યો હતો. સુથારે પોતાની ઓળખ છુપાવીને વીર્યદાન કર્યું.
વર્ષો પછી ‘ફાધર્સ–ડે’ના દિવસે વૃદ્ધ સુથારને સુંદર અક્ષરમાં, એન્ના નામની જુવાન છોકરીનો પત્ર મળ્યો: ‘તમે મને નહીં ઓળખો પણ તમે જ મને આ દુનિયામાં જન્મ આપવામાં મદદ કરેલી. હુંય હવે લાકડાં પર કોતરણી કરતાં શીખી રહી છું. એવી જ કોતરણી, મેં તમારા માટે મોકલી છે. લવ યૂ પપ્પા!’
એ પત્ર સાથે નાનકડું લાકડાંનું પંખી હતું. વૃદ્ધ સુથારે એ પંખીને બારી પાસે મૂક્યું, જ્યાં સવારનું અજવાળું ઊમટે. સુથાર, એની દીકરીને ધરાર ના જ મળ્યો તો પણ દર ‘ફાધર્સ–ડે’ પર પેલા નિર્જીવ પંખીને પોલિશ કરે ને ભીની આંખે મનમાં મલકે. એક અનામ–બેનામ સંબંધ, લાકડાંના પંખીની પાંખમાં ફફડતો લાગે!
ઇન્ટરવલ:
યહ સચ હૈ, યહ કોઇ કહાની નહીં
ખૂન ખન હોતા હૈ, પાની નહીં! (આનંદ બક્ષી)
હમણાં નેધરલેન્ડ્સમાં વીર્યદાન દ્વારા અમુક પુરુષોએ અજાણતાં જ ડઝનબંધ બાળકોને જન્મ આપ્યો છે. એક માણસે તો સતત વીર્યદાનથી એક કે બે નહીં, 125 બાળકો પેદાં કર્યાં છે. સરકારી રેકોર્ડથી જાણવા મળ્યું કે આવા 85 સ્પર્મ ડોનર્સના 25થી વધારે બાળકો છે! આ રીતે જન્મેલાં બાળકોનાં એકથી વધારે સંખ્યામાં સાવકા ભાઈ-બહેનો છે, જેને લીધે નજીકના સંબંધોના જોખમની ચિંતા વધી છે કારણ કે આ જ બાળકો મોટા થઈને પોતાનાં જ સાવકા ભાઇ–બહેનમાં જ અજાણતા જીવનસાથી શોધશે ને બાળકો પેદાં કરશે, જે બાળકોમાં શારીરિક નબળાઇ કે ડી.એન.એ.માં વિચિત્રતા હોઇ શકે છે.
હવે 1 એપ્રિલ, 2025થી કાયદો આવ્યો છે જેમાં સ્પર્મ ડોનેટ કરનારની ફરજિયાત નોંધણી કરાશે. 2018થી એક સ્પર્મ–ડોનર માટે માત્ર 12 બાળકોની જ મર્યાદા રાખી છે, જે અગાઉ 25ની હતી.
1978માં પ્રથમ બાળકનો વીર્યદાન દ્વારા જન્મ થયો ત્યારથી આ વ્યવસાય જગતભરમાં ખીલ્યો છે. જોકે, વિશે આપણે ત્યાં તો આના પર સાસ–બહુ સિરિયલથી માંડીને અમુક કોમેડી ફિલ્મો–વાર્તાઓ જ બની છે.
જાન્યુઆરી 2025માં, કોલોરાડો અમેરિકાનું પહેલું રાજ્ય છે જેણે અજ્ઞાત, નામ વિનાનું સ્પર્મ અને એગ ડોનેશન બંધ કર્યું છે. આ કાયદો બાળકોને 18 વર્ષે વીર્ય કે અંડદાતાની ઓળખ જાણવાનો હક આપે છે, જેથી મૂળ માતા–પિતા સાથે સંપર્ક થઇ શકે. આ કાયદો બાળકને અત્યારનાં માતા–પિતાથી અલગ કરવા માટે નથી, પણ પોતાનાં અસલી મા-બાપ કોણ છે એ જાણવા માટે છે.
પોતાનાં મૂળિયા સુધી જવાનો નકશો છે. વિચાર કરો કોઇ વૃદ્ધ માતા કે પિતાને જીવનનાં આખરી પડાવ પર અચાનક મોટું થયેલું સંતાન મળી આવે તો?
એક જમાનામાં આપણે ત્યાં ‘પુત્રકામેષ્ટિ યજ્ઞ’ થતા, પણ આ તો બુઝાયેલી યજ્ઞવેદીની રાખમાંથી જન્મતા સંબંધની વાત છે. એવા સૌ અનામ બાપ લોકોને પણ ‘ફાધર્સ–ડે’ મુબારક!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: મારે બાપ બનવું છે.
ઈવ: પહેલા તું તો મોટો થા. }
2025/07/08 17:19:38
Back to Top
HTML Embed Code: