Telegram Web Link
અપડેટ:ડાર્ક પેટર્ન્સઃ ઓનલાઇન શોપિંગમાં છુપાયેલી ચાલબાજી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dark-patterns-hidden-tricks-in-online-shopping-135229438.html

કેવલ ઉમરેટિયા યા અઠવાડિયે એક સમાચાર આવ્યા હતા કે, ‘ભારત સરકારે તમામ ઇ કોમર્સ કંપનીઓને ડાર્ક પેટર્ન્સ (Dark Patterns) ખતમ કરવા માટે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો.’
પહેલી નજરે ના સમજાય તેવા અને કદાચ સામાન્ય લાગતા આ સમાચાર ખૂબ મહત્ત્વના છે. તમને ભલે કદાચ ડાર્ક પેટર્ન વિશે ખબર ના હોય અથવા તો પહેલી વખત આ શબ્દ સાંભળ્યો હોય, પણ તેનો શિકાર તો બન્યા જ હશો.
ઓનલાઇન શોપિંગ સમયે ક્યારેય એવું થયું છે કે તમારા કાર્ટમાં અચાનક કોઇ વધારાની વસ્તુ આવી ગઇ હોય, જેને તમે એડ નથી કરી? અથવા તો એવું થયું છે કે 999 રૂપિયાની વસ્તુ ચેક આઉટ સમયે ડિલિવરી ચાર્જ, પ્લેટફોર્મ ફી અને ટેક્સ મળીને 1500ની થઈ જાય છે!
તો વળી ક્યારેક વીમો, ચેરિટી કે કોઇ સર્વિસ તમારી જાણ બહાર એડ કરી દેવામાં આવે છે. ‘Only 2 pieces left’ આવું જોઇને ઉતાવળમાં તમે જે વસ્તુ ખરીદો છો, એ 2 પીસ 1 વર્ષ સુધી પૂરા થતા જ નથી. જો તમારી સાથે આ બધું થયું હોય તો તમે ડાર્ક પેટર્નનો ભોગ બન્યા છો. તમે એકલા નથી પણ દરરોજ લાખો લોકો તેનો ભોગ બની રહ્યા છે.
જો કે સરકારના આ નિર્ણયથી ઓનલાઇન ખરીદી કરતા દેશના તમામ નાગરિકોનો ફાયદો થશે. આવું કઇ રીતે થશે તે જાણવા માટે પહેલા ડાર્ક પેટર્ન એટલે શું એ સમજવું પડશે.
ડાર્ક પેટર્ન્સ એટલે શું?
ઓનલાઈન દુનિયાએ આપણી જિંદગી સરળ બનાવી દીધી છે — એક ક્લિક પર શોપિંગ, ટિકિટ બુકિંગ, બેન્કિંગ અને બીજું ઘણુંબધું. પરંતુ આ જ ડિજિટલ દુનિયામાં એક એવી જાળ પણ બિછાવવામાં આવી રહી છે, જેને સામાન્ય લોકો સમજી નથી શકતા અને તેમાં ફસાઈ જાય છે. આ જાળ એટલે ડાર્ક પેટર્ન્સ.
ડાર્ક પેટર્નનો અર્થ છે – એવી ડિઝાઈન કે ઈન્ટરફેસ ટ્રિક્સ જે જાણીજોઈને ગ્રાહકોને ભ્રમિત કરે છે અથવા તેમને એવું કામ કરવા મજબૂર કરે છે જે તેઓ પોતે કરવા નથી માગતા. ઉદાહરણ તરીકે જાણ કર્યા વગર કોઈ સર્વિસનું ઓટો સબસ્ક્રિપ્શન ચાલુ કરવું, ‘No’ કે ‘Cancel’ બટનને એટલું નાનું કે છુપાયેલું બનાવવું કે યુઝરને ‘Yes’ પર જ ક્લિક કરવું પડે. ટ્રાવેલિંગ માટે ટિકિટ બુક કરતી વખતે ઓટોમેટિક ‘ટ્રાવેલ ઇન્શ્યોરન્સ’ એડ કરી દેવું. આવું તો ઘણુંબધું થાય છે.
આ બધી ડિઝાઇનિંગની ટ્રિક હોય છે, જે તમારા સમય, પૈસા અને વિશ્વાસ — ત્રણેય પર હુમલો કરે છે. આ ડિઝાઇન એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે આપણને ખબર પણ પડતી નથી કે ક્યારે આપણે તેમની જાળમાં ફસાઈ ગયા. તેમનો સીધો હેતુ કંપનીનો નફો વધારવાનો હોય છે.
એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ડાર્ક પેટર્નનાં ઘણાંબધાં સ્વરૂપ છે અને તેનો ફેલાવો પણ ઘણો છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તે મોટા ભાગે ઓનલાઇન શોપિંગમાં વપરાતી ડાર્ક પેટર્ન છે. આ સિવાય ડિજિટલ દુનિયામાં તો ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
ડાર્ક પેટર્ન્સના વિવિધ પ્રકાર
ખોટી ઉતાવળઃ ‘જલદી કરો! ઓફર માટે માત્ર પાંચ મિનિટ બાકી છે!’ અથવા તો ‘માત્ર 2 પીસ બાકી છે, 30 લોકો પ્રોડક્ટ જુએ છે!’ તો વળી ક્યાંક પ્રોડક્ટ નીચે ટાઇમર ચાલતું હોય છે. જોકે હકીકતમાં આવું કશું હોતું નથી. આ બધું તમને ગમે તે કિંમતે અને લાંબું વિચાર્યા વિના ઝડપથી વસ્તુ ખરીદવા માટે ઉકસાવે છે.
બાસ્કેટ સ્નીકિંગ: બાસ્કેટ સ્નીકિંગ એટલે તમારી જાણ બહાર કોઇ પ્રોડક્ટ કે સર્વિસ તમને પધરાવી દેવી. ઓનલાઈન ઓર્ડર કરતી વખતે તમારી મંજૂરી વગર તમારી કાર્ટમાં વધારાની વસ્તુઓ (જેમ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કે ડોનેશન) ઉમેરાઈ જાય છે. ઘણી વખત નાનાનાના પ્રી-ટિક કરેલા બોક્સ તરીકે દેખાય છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી.
ગ્રાહકને શરમાવવાઃ જ્યારે તમે કોઈ વધારાની સર્વિસ માટે ના પાડો છો તો વેબસાઈટ તમને શરમજનક મેસેજ બતાવે છે. જેમ કે તમે વીમાની ના પાડો તો બતાવશે કે ‘હું અસુરક્ષિત રહેવાનું પસંદ કરીશ.’ જો ન્યૂઝલેટરની ના પાડશો તો એવો મેસેજ આવશે કે ‘શું તમે જાણકારીથી દૂર રહેવા માગો છો?’
ફરજ પાડવી: કોઈ એપ અથવા વેબસાઇટ પર કોઈ ચોક્કસ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમને એવું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે જેની તમારે જરૂર નથી. જેમ કે ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરાવવું. કેબ એપ્સમાં ‘એડવાન્સ ટિપ’ પણ આનું જ ઉદાહરણ છે.
સબ્સ્ક્રિપ્શનની જાળ: કોઇ પણ એપ કે વેબસાઇટ પર જો તમારે ફ્રી ટ્રાયલ જોઇતી હોય તો તેના માટે સાઇન અપ કરવું એકદમ સરળ હોય છે, પણ તેને કેન્સલ કરવું લગભગ અશક્ય બની જાય છે. કંપનીઓ કેન્સલ કરવાના ઓપ્શનને એટલો અઘરો બનાવી દે છે લોકોને ખબર નથી પડતી અને તેમના પૈસા કપાયા કરે છે.
છુપા ચાર્જ: તમે કોઈ પ્રોડક્ટ ઓછી કિંમતે જોઈ, પણ ચેકઆઉટ અને પેમેન્ટ સમયે શિપિંગ, પ્રોસેસિંગ કે અન્ય વધારાના ચાર્જ જોડાઇ જાય છે. જેનાથી અંતિમ કિંમત ઘણી વધી જાય છે.
ઇન્ટરફેસની ભૂલભુલામણી: ઇન્ટરફેસ એટલે ડિઝાઇન, વેબસાઇટ કે એપની ડિઝાઇન જ એવી રીતે બનાવવામાં આવે છે કે તમે ભ્રમિત થાઓ. જેમ કે, ‘કેન્સલ કરો’ અથવા તો ‘નો’ કે પછી ‘અનસબસ્ક્રાઇબ’ ના બટન ખૂબ નાના અને અસ્પષ્ટ હોય છે. જેની સામે ‘હા’ કે પછી ‘ખરીદો’ અને ‘સબસ્ક્રાઇબ’ ના બટન મોટા અને આકર્ષક હોય છે.
છૂપી જાહેરાતો: કેટલીકવાર જાહેરાતો વેબસાઇટના મુખ્ય કન્ટેન્ટ (જેમ કે સમાચાર, લેખ કે પોસ્ટ) ના રૂપમાં દેખાય છે, જેથી તમને લાગે કે આ સામાન્ય માહિતી છે. જો કે તેના પર ક્લિક કરવાથી તે જાહેરાત નીકળે છે.
આપણે શું કરી શકીએ?
સરકાર ભલે પોતાની રીતે પગલાં લઈ રહી હોય, પરંતુ એક જાગૃત ગ્રાહક તરીકે આપણે પણ સતર્ક રહેવું પડશે. જેના માટેના કેટલાક સરળ ઉપાય અહીં આપેલા છે.
જ્યારે પણ કોઈ વેબસાઈટ તમને ‘સીમિત સમય’ કે ‘ઓછો સ્ટોક’ જેવા પોપઅપ બતાવે, ત્યારે તરત ખરીદી ન કરો.
પેમેન્ટ કરતા પહેલા શોપિંગ કાર્ટને ચેક કરો, જુઓ કે કોઈ વધારાની વસ્તુ કે સર્વિસ તો નથી આવી ગઈ.
ખાસ કરીને સબ્સ્ક્રિપ્શન સંબંધિત માહિતીને ધ્યાનથી વાંચો, કેન્સલ કરવાની પ્રક્રિયા અને છૂપા ચાર્જ પર વિશેષ ધ્યાન આપો.
જો કોઈ વેબસાઈટ તમને કોઈ વસ્તુ માટે દબાણ કરી રહી હોય કે શરમમાં મુકતી હોય તો કોઈ પણ ખચકાટ વગર ‘ના’ કહો.
જરૂરી ના હોય ત્યાં સુધી બિનજરૂરી એપ્સ ડાઉનલોડ કરવાનું કે ન્યૂઝલેટરનું સબ્સ્ક્રિપ્શન લેવાનું ટાળો.
ડાર્ક પેટર્ન વિશે તમારા પરિવાર અને મિત્રોને માહિતી આપો અને તેનાથી બચવાના ઉપાયની ચર્ચા કરો. જેટલી જાગૃતિ વધશે તેટલી ડાર્ક પેટર્ન નિષ્ફળ જશે.
કોઇ પ્લોટફોર્મ પર આવો કોઇ અનુભવ થાય તો તમે ગ્રાહક સુરક્ષા મંચ કે પોર્ટલ પર ફરિયાદ પણ કરી શકો છો.
ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ છે, જો કે આ સુવિધાઓની વચ્ચે ડાર્ક પેટર્ન જેવી અનેક જાળ પણ પથરાયેલી છે. સરકાર તો પોતાની રીતે કામ કર જ રહી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે જાગૃત અને સતર્ક રહીએ. આપણી જાગૃતિ જ આપણને ડાર્ક પેટર્નથી બચાવશે. તો હવે જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો, ત્યારે આ ડાર્ક પેટર્નના કુંડાળામાં પગ ના આવી જાય તેનું ધ્યાન રાખજો! }
માઈક્રોફિક્શન:તમે...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/youmicrofiction-135229472.html

ર્કિટેક્ટ રસેન્દુ પોતાની ઑફિસમાં રિવોલ્વિંગ ચેર પર બેઠો સિગારેટના ધુમાડાના વર્તુળ રચતો કલાક પછીની ક્ષણોને મનમાં મમળાવતો ટેબલ પર પડેલ કાર્ડ સામું નીરખી રહ્યો હતો. રૂમ નંબર નવની ચાવી ખિસ્સામાં છે કે નહીં તે તપાસી જોયું.
રસેન્દુએ ઘડિયાળમાં જોયું, ઑફિસ બહાર નીકળ્યો અને પહોંચ્યો મિલન ગેસ્ટ હાઉસ. રૂમ નંબર નવમાં થોડીવાર બેઠો ત્યાં બારણા પર ટકોરા પડ્યાં.
રસેન્દુએ બારણું ખોલ્યું. પ… ણ આવનાર સ્ત્રી ચીસ પાડી બોલી ઊઠી… ત...મે. - ઉમેશ જોષી હવે મોડું થઈ ગ્યું!
જને દરરોજ કોઈ નેકોઈ બાબતે પપ્પા રોકાતા ટોકતા, પણ આજે ગુસ્સામાં પિતાને સામું બોલી દીધું.
પપ્પાના મૌનને જોઈ, રાજને સમજાયું, ‘શબ્દોના ઘા હથિયારના ઘા કરતાં ઊંડા ઘા આપી શકે.’ રાજને પસ્તાવો ઘણો થયો, પણ હવે મોડું થઈ ગયું! - હેમંત સોલંકી
દેશ-વિદેશ:ટ્રમ્પ-મસ્ક: દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/trump-musk-friends-friends-135229436.html

ડૉ. જય નારાયણ વ્યાસ હુ ગાજેલાં પ્રેમ-પ્રકરણ ઘણી વખત લગ્નજીવન સુધી પહોંચતાં જ નથી. ક્યારેક આવું લગ્નજીવનનું બંધન ઊભું થાય તો પણ એ લાંબું ટકતું નથી. આવાં અનેક ઉદાહરણો આપણે આજુબાજુ નજર કરીએ તો જોવા મળે છે.
આવું એક પ્રેમપ્રકરણ ટૂંકા ગાળા માટે ઊભું થયું, ખૂબ ચગ્યું ‘મેડ ફોર ઇચ અધર’ બનીને એણે દુનિયાભરમાં ચર્ચા જગાવી, અણધારી રીતે સામાન્ય વ્યવહારના રિવાજથી બહાર જઈને આ જોડું લગ્નજીવનથી બંધાયું અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફટકિયાં મોતીની માફક ફૂટી ગયું.
વિશ્વવિખ્યાત આ જોડું એટલે ટેક્નોલૉજીથી અબજોપતિ બનેલ ઇલોન મસ્ક અને અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. શરૂઆતમાં તો આ સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા અને જોડું અખંડ છે તેવી આભા ઊભી થઈ પણ ત્યાર પછી જે આક્ષેપબાજી ચાલુ થઈ છે એણે બંને વચ્ચેના સંબંધ ફરી ક્યારેય નહીં જોડાય એ વાત પર મહોર મારી દીધી. જોકે ક્ષેત્ર રાજકારણનું છે અને બંને વ્યક્તિત્વો પણ અકળ છે, એટલે ભવિષ્યમાં પાછું કંઈક અનુસંધાન જામે તો આશ્ચર્યચકિત થવાની જરૂર નહીં.
ભવિષ્યની ગર્તામાં શું છુપાયું છે, તે કોને ખબર છે? હકીકત એ છે કે, વિશ્વના બે અત્યંત બળવાન વ્યક્તિત્વ વચ્ચેની લડાઈ ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઇલોન મસ્ક દ્વારા ટ્રમ્પ ઉપ૨ બેવફાઇનો આક્ષેપ કરતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ટ્રમ્પનો ચૂંટણીમાં વિજય મસ્ક વગર શક્ય બન્યો ન હોત.
સામે પક્ષે ટ્રમ્પ કહે છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાવવામાં આવી રહેલી ‘બિગ બ્યૂટીફુલ બિલ’ માટે મસ્ક દ્વારા સતત ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે તેનાથી ટ્રમ્પ નિરાશ થયા છે.
ગયા વર્ષે અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીઓ નજીક આવતી જતી હતી ત્યારે પ્રમુખપદ માટેના ઉમેદવાર જો બાઇડેન અચાનક રેસ શરૂ થાય ત્યાં જ ફસકી પડ્યા અને એમને બદલીને ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટ્સ દ્વારા મેદાનમાં ઉતારવાં પડ્યાં. સાથે ચૂંટણીમાં બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ ફિનિક્સ પંખીની માફક રાખમાંથી બેઠો થયો પણ એની સંજીવની દુનિયાના સૌથી વધુ ધનિક માણસ ઇલોન મસ્ક હતો. ભામાશાએ જેમ પોતાના ભંડારો રાણા પ્રતાપ માટે ખુલ્લા મૂકી દીધા હતા તેમ મસ્કે પોતાના ભંડારો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુલ્લા મૂકી દીધા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લઈ એનું નામ બદલી ‘એક્સ’ કર્યું અને એ પણ સંપૂર્ણપણે ટ્રમ્પના પ્રચાર માટે સમર્પિત થયું. પવન બદલાયો. ટ્રમ્પના વહાણના સઢમાં જાણે કે નવો પવન પુરાયો અને એ જીતી ગયો!
થોડાક મહિનાઓ પહેલાં જેની વધુ શક્યતાઓ નહોતી દેખાતી તે વાત હકીકત બની ગઈ. ટ્રમ્પ પણ પોતાના મિત્ર મસ્કને કઈ રીતે ભૂલે? એણે એક નવો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્ન્મેન્ટ એફિસિયન્સી ‘ડોજ’, ઊભો કરી સરકારમાં પારદર્શિતા લાવવાની અને ખોટા ખર્ચા અટકાવવાની ભગીરથ કામગીરી મસ્કને સોંપી.
અમેરિકામાં ટ્રમ્પ બાદ મસ્ક સૌથી વધુ શક્તિશાળી માણસ ગણાવા માંડ્યો. પણ ગુજરાતીમાં કહેવત છે કે, ‘ઝાઝું કરે તે થોડા માટે, ‘ખૂબ ટૂંકા સમયમાં આ બંને વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા અને ‘મારાથી આ રીતે કામ નહીં થઈ શકે’ કહીને ટ્રમ્પ વહીવટી તંત્રથી મસ્ક છૂટો પડ્યો. એમાં ઊંટની પીઠ ઉપર છેલ્લી સળી બન્યું સરકારનું દેવું વધારવા માટેની મંજૂરી આપતું બિલ ‘ધ બિગ બ્યૂટીફુલ બિલ’. આ મુદ્દો પકડાઈ ગયો. બંને વચ્ચેની દોસ્તી હવે એવી દુશ્મનીમાં પરિણમી કે એકબીજા ઉપર ખુલ્લેઆમ આક્ષેપો જાહેર માધ્યમોથી કરવા માંડ્યા.
જ્યારે દોસ્ત દુશ્મન બને છે ત્યારે એ નવાઈ પામી જવાય એટલી ખતરનાક હદ વટાવે છે. જુલિયસ સીઝરને પીઠમાં ખંજર મારનાર એનો મિત્ર જ હતો ને! સીઝરે પણ એને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા ઉદ્ગારો કાઢ્યા હતા, ‘બ્રૂટ્સ યૂ ટુ (બ્રૂટ્સ તું પણ)?’
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તલવારો ખેંચાઈ ચૂકી છે અને વાત એ હદ સુધી પહોંચી છે કે, ટ્રમ્પ આ મુદ્દે કોઈ સીધી વાત મસ્ક સાથે કરવાના મૂડમાં નથી, તો પછી સમાધાન કઈ રીતે નીકળે?
બીજી બાજુ ઇલોન મસ્ક દ્વારા અમેરિકામાં નવી રાજકીય પાર્ટી રચવી જોઈએ કે નહીં તે દિશામાં વિચારણાના ભાગરૂપે સરવે શરૂ થયો છે.
મસ્કના ટ્વિટને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તે પરથી કહી શકાય કે મસ્ક પાસે પણ બહોળો ચાહકવર્ગ છે. મસ્કનો આક્ષેપ છે કે જો પોતે ચૂંટણીમાં દખલ ના કરી હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત અને ગૃહનો કાબૂ ડેમોક્રેટ્સના હાથમાં ગયો હોત!
આ દાવાને ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું હતું, ‘મસ્ક સાથે હોત કે ન હોત ઇલેક્શન પોતે જીતવાનો જ હતો.’
હવે ટ્રમ્પ સીધો આક્ષેપ કરતાં કહે છે, ‘ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેનો મેન્ડેટ પોતે કાપી રહ્યો છે તેની મસ્કને જાણ થઈ તે એના પેટમાં દુખાવાનું કારણ છે.’
મસ્કનું કહેવું છે કે ‘બિગ બ્યૂટીફુલ બિલ’ દ્વારા ખર્ચો ઘટાડવાને બદલે વધારીને અત્યારની બજેટખાધમાં બે-અઢી ટ્રિલિયન ડૉલરનો વધારો આગામી વર્ષો કરશે જે મતદારો સાથે દ્રોહ કરવા બરાબર છે અને જેમણે ટ્રમ્પ માટે મતદાન કર્યું એ બધા માટે આ શરમજનક છે.
પ્રશ્ન થાય મસ્ક અને ટ્રમ્પના છૂટાછેડાનું કારણ બનેલું ‘બિગ બ્યૂટીફુલ બિલ’ છે શું?
અમેરિકન સંસદ દ્વારા ગયા મહિને ખૂબ પાતળી બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ૨૦૧૭માં આપવામાં આવેલ ટેક્સ રાહતોને ચાલુ રાખવા માગે છે. આ સિવાય બૉર્ડર સિક્યોરિટી અને મિલિટરી માટે નવો ખર્ચ કરવાની વાત છે. આમ કરવાથી 2.3 થી પાંચ ટ્રિલિયન જેટલી બજેટ ખાધ આવનાર દાયકામાં વધવા પામશે.
આના કારણે મસ્ક માને છે કે, આ બિલ અમેરિકાને દેવાળિયું બનાવી દેશે. મસ્કે અગાઉ પણ રાષ્ટ્રીય દેવું એ અમેરિકાની હયાતી સામેના મોટા ખતરા તરીકે હોવાનું કહ્યું હતું. આ પ્રકારનો બેફામ ખર્ચ અમેરિકાને કાયમી ધોરણે દેવાની ગુલામીમાં ઘસેડશે. આવો કાયદો ‘બ્યૂટીફલ-સુંદર’ કઈ રીતે હોઈ શકે? એવો પ્રશ્ન મસ્ક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આમ તો બીજાં પણ કારણો હશે, કારણ કે, મસ્કનું પોતાનું સાહસ કેટલાક સમયથી જે નુકસાન કરે છે તેને કારણે ટેસ્લાના નફામાં 70 ટકા જેટલો ઘસારો થયો છે, પણ ‘ધી બિગ બ્યૂટીફુલ બિલ’, ‘ધી બિગ ટેરિબલ બૉમ્બ બનીને ઊપસ્યું છે.
એકબીજા પર ઓળઘોળ થઈ જતા બે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે એ દુશ્મની ક્યાં જઈને અટકે છે એ દાખલાની હજુ તો શરૂઆત થઈ છે. 1960ના દાયકામાં એક ખૂબ લોકપ્રિય ફિલ્મ ‘સંગમ’ આવી હતી, જેમાં બે જિગરજાન દોસ્ત સાથેના પ્રણય ત્રિકોણની વાત હતી, જેમાં છેલ્લે એકનો ભોગ લેવાયો હતો.
એ ચલચિત્રનું એક ગીત હતું: ‘દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા, જિંદગી હમે તેરા, એતબાર ના રહા...’ આજે ટ્રમ્પ-મસ્ક અને સત્તાના પ્રણયત્રિકોણમાં બંને મિત્રો વચ્ચે ઝઘડો પડ્યો છે, ત્યારે કોનો ભોગ લેવાશે?
હજુ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટ્રમ્પના મુખ્ય ટેકેદાર તરીકે મસ્ક દ્વારા અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મસ્ક દ્વારા ધૂમધડાકાભેર તન, મન અને ધનથી ટ્રમ્પ ચૂંટાઈ આવે તે પ્રકારનો ટેકો ના આપવામાં આવ્યો હોત તો શું ટ્રમ્પ આજે અમેરિકાના પ્રમુખ હોત? જવાબ આપવો એટલો સરળ નથી. }
રાશિફળ:સાપ્તાહિક ભવિષ્યફળ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/weekly-horoscope-15-6-135229407.html

જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.)
આંતરિક ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. નોકરી અને વ્યાપારમાં લાભ થાય. વિરોધી પરિબળો ઉપર અંકુશ રાખી શકાશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે. કાયદાકીય બાબતોની ગૂંચ ઉકેલાશે. આર્થિક રીતે ફાયદો થાય. બુદ્ધિજીવીઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં સફળ થાય. અગ્નિભય સતાવે. તા. 16-17-20 નિજાનંદ. તા. 19 નિષ્ફળતા. વૃષભ (બ. વ. ઉ.)
વ્યાપાર અને વ્યવસાયમાં સ્થિતિ મજબૂત બને. જમીન અને વાહન ખરીદીના યોગ છે. આવકમાં વૃદ્ધિ થાય. શેરબજારમાં રોકાણોનું સારું વળતર મળે. નોકરિયાતોને રાહતનો અનુભવ થાય. વાણીનો પ્રભાવ વધે, તેનાથી ઘણી સમસ્યાનો નિવેડો આવી શકે. માતાના આરોગ્યની તકેદારી રાખવી. છાતીમાં બળતરા થાય. તા. 16-17-18 વિજય. તા. 20 નુકસાન. મિથુન (ક. છ. ઘ.)
અચાનક નવી તક ઊભરી આવે. જાહેર માન-સન્માન મળે. આપનું ભાગ્ય આપનો સાથ નિભાવે. કારકિર્દીના ઘડતર માટે ઉત્તમ સમય છે. માનસિક સ્થિતિ સુધરે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કોઈ અપ્રિય ઘટનાથી આપની બદનામી થવાના સંજોગોથી સાવચેત રહેવું. ઊંઘ વધુ આવે અને થાક લાગે. તા. 18-19-20 મનોરંજન. તા. 15 બેચેની. કર્ક (ડ. હ.)
યુક્તિ-પ્રયુક્તિથી જમીન મિલકતની બાબતોથી ફાયદો થાય. ઉત્સાહ અને પરાક્રમવૃદ્ધિ થાય. વિરોધી પરિબળોની કામગીરી કારગત નીવડે નહીં. વાદવિવાદના મામલામાં સફળતા મળશે. મન ઉપર કાબૂ રાખવો. તાવ, પેટનાં દર્દ અને આંખની તકલીફોથી સાચવવું. આર્થિક સંકટો અને કસોટીમાંથી પસાર થવાનું બને. તા. 15-20-21 લાભદાયક. તા. 17 આળસ. સિંહ (મ. ટ.)
વ્યાપારમાં વૃદ્ધિ થાય. નવી તક ઉપસ્થિત થાય. ભાગીદારો વચ્ચે સંતુલન બની રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓને સારું પરિણામ મળશે. યુવાનોમાં ધગશ અને ઉત્સાહ વધે. આત્મનિર્ભરતામાં વૃદ્ધિ થાય. મિત્રો અને પરિવારજનોનો સહયોગ મળે. મનમાં ક્રોધ ઊપજે. પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય. તા. 16-17-18 આત્મવિશ્વાસ. તા. 19 ઉચાટ. કન્યા (પ. ઠ. ણ.)
બધાં કાર્યો સુખરૂપ રીતે પૂર્ણ થાય. પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નો કારગત રહે. મહત્વનાં કામો બાબતે ઉત્સાહ વધે. કાર્યસ્થળે પ્રભાવ વર્તાય. પ્રેમ અને લાગણીના સંબંધો વિકસે. અટપટા પ્રશ્નોનો ઉકેલ ચર્ચા-વિચારણાથી આવી શકશે. અણધાર્યા ખર્ચથી નાણાકીય બજેટ ખોરવાય. તા. 17-18-19 યાત્રાપ્રવાસ. તા. 21 ઉદ્વેગ. તુલા (ર. ત.)
નોકરી, કારોબારમાં પ્રગતિ થાય. શાસકપક્ષ અને સત્તાધીશો તરફથી ઉપયોગી મદદ મળે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનપ્રાપ્તિના નવા રસ્તા મળી આવે. ભૌતિક સુખસંપત્તિ વધે. કાયદા-કાનૂન ક્ષેત્રે સફળતા મળશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરિયાતને ફાયદો થાય. કોઈ ષડયંત્રનો શિકાર ન બનાય તેની કાળજી રાખવી. તા. 19-20 -21 અર્થલાભ. તા. 16 ચિંતા. વૃશ્ચિક (ન. ય.)
ધંધા વ્યવસાયના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી પ્રસન્ન રહેશે. હાથ ઉપર લીધેલું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે. ગૃહસ્થ જીવનમાં આનંદ અનુભવાય. સરકારી કાર્યોમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન પડવું. આરોગ્યની દૃષ્ટિએ સતર્ક રહેવું. તા. 16 -20 -21 મિલન મુલાકાત. તા. 27 સંતાપ. ધન (ભ. ધ. ફ. ઢ.)
પ્રગતિનો રસ્તો ખૂલતા મનોવાંછિત સફળતા પ્રાપ્ત થાય. ભાગીદારી પેઢી અને કન્સ્ટ્રક્શન કંપનીઓને ફાયદાકારક સપ્તાહ રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા માટે શુભ સમય છે. લગ્નજીવનમાં સુખસમૃદ્ધિ વધશે. મહત્ત્વના નિર્ણયો યોગ્ય સાબિત થાય. પેટ સંબંધી તકલીફોનો સામનો કરવો પડે. તા. 16-17-18 આનંદપ્રદ. તા. 20 નિરાશા. મકર (ખ. જ.)
નવા કાર્યમાં સારી પ્રગતિ થતાં નોકરી વ્યવસાયમાં સરળતા ઊભી થાય. લાંબા સમયથી રોકાયેલા કામોમાં પ્રગતિ થાય. જાહેરમાં માન-સન્માન મળવાનો પ્રસંગ ઊભો થાય. સાંસારિક સુખ વધે. અઘરા અને કસોટીજનક કાર્યો સરળતાથી ઉકેલાય. સ્વાસ્થ્ય સંબંધી સુખાકારી વધે. માનસિક પરેશાની ઉદભવે. તા.18 19 20 પ્રતિષ્ઠા. તા.16 શંકાશીલતા. કુંભ (ગ. શ. સ.)
નવું વાહન પ્રાપ્ત થવાના સંજોગો બને. કોર્ટ કેસના વિવાદોમાં સફળતા મળશે. કાર્યસિદ્ધિથી આપની યશ-કીર્તિ વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને ઈતર પ્રવૃત્તિમાં સારી પરિસ્થિતિનું સર્જન થશે. આરોગ્યની સમસ્યાઓથી રાહત મળે. શત્રુવૃદ્ધિ થાય. સરકારી કાર્યોમાં અડચણ ઊભી થાય. કોઈ પણ બાબતમાં અતિરેક ટાળવો. તા. 16-20-21 પ્રગતિ. તા. 17 રાજભય. મીન (દ. ચ. ઝ. થ.)
પ્રોપર્ટી લે-વેચના કામોમાં ઉછાળો આવે અને ફાયદો થાય. સ્થાવર મિલકતોમાં રોકાણ કરવાથી લાંબાગાળાના લાભ થશે. નવા નોકરી ધંધાની તકો ઊભી થાય. સ્થાન પરિવર્તન થઈ શકે છે. વિદ્યાર્થીઓની કળાના ક્ષેત્રમાં અભિરુચિ વધશે. યાત્રામાં અસુવિધા ઊભી થાય. અપેક્ષા મુજબ સફળતા મળે નહીં. અજ્ઞાત ભય સતાવે. તા. 16-18-19 યશસ્વી. તા. 21 વિવાદ.
અસ્તિત્વની અટારીએથી:વૃક્ષ અને વનમાળી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tree-and-forest-135229433.html

ભાગ્યેશ જહા નુષ્ય અને વૃક્ષનો સંબંધ અલૌકિક રહ્યો છે, પણ જ્યારે ભગવદ્ ગીતા વૃક્ષની વાત કરે ત્યારે એનું અર્થઘટન કરવા માટે મન સહજ રીતે નાચી ઊઠે. આજે વૃક્ષ થકી વનમાળીને ઓળખવાનું મનગમતું સાહસ કરવું છે. પંદરમો અધ્યાય બહુ નાનો છે, પણ બ્લેકબોક્સ જેવો છે. એટલે તો એ ‘પુરુષોત્તમયોગ’ કહેવાય છે.
જગત એ પ્રકૃતિ દ્વારા પ્રગટ થયેલું ઈશ્વરનું રૂપ છે અને ઈશ્વર એટલે પુરુષ (સ્ત્રી-પુરુષવાળો પુરુષ નહીં એટલે કે સશક્ત સ્નાયુવાળો પુરુષ નહીં) (Not male in narrow meaning). જ્યારે શ્રીકૃષ્ણ કહેતા હોય ત્યારે અંતરતમ કાન કામે લગાડવા જોઇએ.
અધ્યાયના પ્રારંભમાં કહે છે: ‘આ સંસાર એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ જ છે જેનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે, તેનાં પાંદડાંઓ વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે.’ આ વૃક્ષ બહુ રહસ્યમય છે, બહુ સહેલાઈથી જાણી શકાતું નથી.
આ રહસ્ય એ સંસારવૃક્ષનું રહસ્ય છે.અહીં મૂળ એટલે કારણ સ્વરૂપ ઇશ્વર ઉપર છે. વેદ અને એની જ્ઞાનશાખાઓ જગતને સમજવાની આવડત આપે છે. આમ તો અહીં અ-શ્વ-ત્થ વૃક્ષ છે, લૌકિક કે વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે પીપળો છે, પણ શબ્દાર્થ પ્રમાણે ‘શ્વ’ એટલે કે આવતીકાલ જેની નથી તે, એટલે કે સતત પરિવર્તનશીલ છે, તે આ વૃક્ષ છે.
અહીં વિરોધાભાસ ગહન છે, જે સતત પરિવર્તનશીલ છે અને શાશ્વત પણ છે. પરિણામે માણસને ખબર પણ પડતી નથી કે કયા રસ્તે જવાથી આ જગતને બરાબર ઓળખી અને પાર ઊતરી શકાય.‌ (परिमार्गीतव्यं) ભગવદ્ ગીતાને ગાંધીજી અનાસક્તિયોગનું શાસ્ત્ર કહે છે, કારણ ભગવાન વારંવાર અનાસક્તિનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે.
અહીં એ જ અર્થ સાથે એક અદભુત શબ્દસમુહ કહે છે, असंगशस्त्रेण એટલે કે અસંગ નામના શસ્ત્રથી જ તમે આ વૃક્ષને પામી શકો અને પાર ઊતરી શકો.
અહીં વૃક્ષને ઓળખવા મારી પાસે એક મૌલિક રીત છે. વૃક્ષને ધારીને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે વૃક્ષ એક તીર્થ છે. એની ટોચ પર કોઈ કોમળ કુંપળ ડોલતાં ડોલતાં અસ્તિત્વની ધન્યતાનું ગીત ગાતી હોય છે, કારણ કે મૂળમાં રહેલાં પાણીએ ગુરુત્વાકર્ષણને અવગણીને છેક ઊંચી ડાળના કાંઠે ઊગેલી કુંપળને પોષણ આપવાનું નક્કી કર્યું હોય છે. આ કુંપળ-મૂળનું મળવું એ રહસ્ય છે.
આ વેદવ્યાસે લખેલી કવિતા છે, એટલે સમજવા માટે પણ વૃક્ષમાં પ્રવેશ કરવો પડે. એક કુંપળની કોમળતાને પોષવા માટે આખું અસ્તિત્વ કામે લાગે છે. સૂર્યનાં કિરણો અહીં આવી પ્રકાશસંશ્લેષણની જટિલ પ્રક્રિયા હાથ ધરે છે, પવન એને નૃત્ય કરાવે છે અને મૂળમાંથી પોષણની સામગ્રી લઇને પાણી એક નાની નાજુક નલિકામાંથી છેક કુંપળના ફળિયે પહોંચે છે. આ અસામાન્ય ઘટનાને સમજીએ એટલે વૃક્ષમાં રહેલા શામળિયાને સમજી જવાશે.
આ અધ્યાયની શરૂઆતમાં બીજું એક બહુ મોટું વિધાન ભગવાન કરે છે, ‘બધા જીવો મારા જ અંશ છે.’ મન અને ઇન્દ્રિયોને લીધે જીવ આ માયામાં પ્રવૃત્ત થાય છે. ઇન્દ્રિયોની આ ગતિ અને પેલું શાશ્વત સ્વરૂપ બંને મળે તો સંસાર સમજી શકાય.
આ રહસ્યને પામવાના પાંચ અદભુત ઉપાય એક જ શ્લોકમાં બતાવ્યા છે. (શ્લોક ૫/૧૫). પહેલો ઉપાય છે, निर्मानमोहा જે માન-અપમાનની માયાવી પ્રપંચજાળથી મુક્ત થાય છે. બીજો ઉપાય છે, જેમણે આસક્તિને લીધે જે દોષ આવે છે એ જીતી લીધા છે. ત્રીજો જે સતત અધ્યાત્મ ચિંતનમાં મગ્ન છે. ચોથો જેમણે વિષયો તરફ આકર્ષાતી ઇન્દ્રિયોને જીતી લીધી છે. પાંચમો જે સુખ-દુ:ખ જેવાં દ્વંદ્વોથી ઉપર ઊઠી શક્યા છે.
આ દ્વંદ્વોની વાતને એક કવિતામાં મેં કેવી રીતે ઝીલી છે, એ માણો:
પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ,
એને ચાંદની મળે કે મળે તડકો…
લાકડાંની જાત એમાં એકસાથે વિલસે છે,
લીલીછમ લાગણી ને ભડકો…
આ જગતના વિરોધાભાસોને ઓગાળીને એની પાર લઇ જાય તે શ્રીકૃષ્ણ છે.
આ અધ્યાયની શરૂઆતમાં જેમ વેદનું મહત્ત્વ અને વેદ થકી ભગવાનને જાણી શકાશે. ભગવાને લાગ્યું કે અર્જુન આનાથી ચિંતામાં પડી જશે. ધીરે રહીને ભગવાન એક નાનકડા ચમત્કારની વાત કરે છે. તારા શરીરમાં જતા અનાજને હું જ પચાવું છું અને પંદરમા શ્લોકમાં એક અદભુત રહસ્ય કહી દે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલું છું. (सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो) મને જાણો એટલે બધા વેદોને જાણવાનો રસ્તો મળી જશે. એટલે કે આ જગતના કારણરૂપ જે પરાત્પર પર બ્રહ્મ જેને ‘પુરુષ’ કહીએ છીએ, એને જાણવાથી એટલે કે એને ભજવાથી એટલે કે એનો અણસાર પામવાથી જીવન ધન્ય બને છે.
આ અધ્યાયની મજા એ છે કે શરૂઆતમાં સંસારનું વર્ણન કરીને આ બહુ અઘરું છે, લોકો સહેલાઈથી જાણી શકતા નથી કે શું કરવું જોઇએ. કયા માર્ગે જવું જોઇએ. પણ આ અઘરી વાત અધ્યાયના અંતે સરળ બને છે.
ભગવાન બતાવે છે કે હું બધા જીવોમાં રહેલો છું. બધાના હૃદયમાં રહેલો છું, મને જે આ રીતે જાણે છે, એ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. એને સદેહે જ મુક્તિનો અનુભવ થાય છે. }
વાંચવાં જેવાં પુસ્તકો:ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/two-books-about-indukumar-jani-135229447.html

ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
સંપાદક: ડંકેશ ઓઝાપાનાં: 530 (બંને ભાગના) Áકિંમત: 690 રૂ. (બંને ભાગની)
ગુજરાતના જાહેરજીવનમાં મહત્ત્વનું નામ ધરાવતા ઈન્દુકુમાર જાનીએ લખેલા વિવિધ લેખોનું સંપાદન બે ગ્રંથોમાં થયું છે. ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’માં ઇન્દુકુમારે લખેલાં વિશિષ્ટ વ્યક્તિત્વોની વાત છે. બીજો ગ્રંથ છે, ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’, જેમાં ઇન્દુકુમાર દ્વારા લખાયેલા સંસ્થાગત લેખોનો સંગ્રહ છે.
ઇન્દુકુમાર જાનીએ આજીવન સામાજિક ન્યાય માટે લડત આપી અને ‘નયામાર્ગ’ સામયિક દ્વારા એ દિશામાં પત્રકારત્વ પણ કર્યુ. વ્યક્તિ વિશેના પુસ્તકમાં ‘વિનોબા’, ‘ઠક્કરબાપા’, ‘સંતબાલજી’, ‘કમલાદેવી’, ‘ફાતિમા મીર’, ‘દિલીપ રાણપુરા’, ‘કરસનદાસ મૂળજી’, ‘મેઘાણી’, ‘સાને ગુરુજી’ વગેરે જેવાં 56 વ્યક્તિચિત્રો છે.
સંસ્થા વિશેના પુસ્તકમાં ‘સયાજી વિદ્યાર્થી આશ્રમ’, ‘સહયોગ કૃષ્ઠયજ્ઞ’, ‘ભીલ સેવામંડળ’, ‘આર્ચ’, ‘દિશા, સાવલિયા રિસર્ચ સેન્ટર’, ‘ગિજુભાઈ બાળ અકાદમી’, ‘અધિકાર’, ‘સૃષ્ટિ’ વગેરે જેવી 39 સંસ્થાઓની વાત છે.
***
સખદખ Áઅર્જુન બારિયા ‘અનંત’
પાનાં: 128 Áકિંમત: 120 રૂ.
આ વાર્તા સંગ્રહમાં કુલ 20 ટૂંકી વાર્તાઓનો સમાવેશ કરાયો છે. ‘મારું મોસાળ’થી શરૂ થયેલી શબ્દોની સફરની અંતિમ વાર્તા ‘મને એ મળી ગઇ’ છે. 124 પાનાંમાં સમેટાઇ જતા આ વાર્તા સંગ્રહના અંતિમ ચાર પાનાં કોરાં છે. ભગવાન નારાયણ સહિત 19 પરિવારજનોને આ વાર્તા સંગ્રહ અર્પણ કરાયો છે. વિનોદ ગાંધીએ આ ટૂંકી વાર્તા સંગ્રહને આવકારો આપ્યો છે. લેખક કેળવણીકાર છે. તસ્બીહના બે પારા વચ્ચે Áશબનમ ખોજા
પાનાં: 82 Áકિંમત: 175 રૂ.
કવયિત્રી શબનમના આ સંગ્રહની શરૂઆત કવિ રાજેન્દ્ર શુકલના ‘આશીર્વચન’થી થાય છે.
‘તસ્બીહ તો જે છે તે છે, એમાં કંઇ નથી.
તસ્બીહના પારામાં પણ કૈં નથી. જે છે તે છે બે પારા વચ્ચે.’
કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલા આ શબ્દો પરથી ગઝલ સંગ્રહનું નામ ‘તસ્બીહના બે પારા વચ્ચે’ રખાયું છે. આ ગઝલ સંગ્રહમાં કુલ 81 ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘આવો તો સંવાદ’ એ સંગ્રહની પહેલી ગઝલ છે અને ‘poke કરે છે’ એ અંતિમ ગઝલ છે.
આ ઉપરાંત મનોહર ત્રિવેદી, રઇશ મનીઆરે સંગ્રહની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો છે. એક નવલકથાનો પ્રસ્તાર પામી શકે એવી વાત બે લીટીમાં કહેવાઇ જાય એવી કમાલની ગઝલ ‘ટેરવાંની ટોચ પર ફૂટેલો કક્કો ફૂટે!’ છે.
કવિ વિનોદ જોશી કવયિત્રીના ગઝલ વિશ્વ કહે છે: ‘શબનમની રચનાઓમાં આભિજાત્ય શબ્દે શબ્દે પરખાય છે.’ શબનમના ભાવવિશ્વમાં વિષાદની સમાંતરે જીવનનો ઉલ્લાસ છે. વિચારોનું તર્કશુદ્ધ આલેખન છે અને સમજણપૂર્વકનાં નિરીક્ષણો પણ છે. આ સંગ્રહનો માણવાલાયક શેર
જેટલું ભીતરથી ખાલી થાય છે, એટલું ઊંડાણ વધતું જાય છે!
સાંજ ઢળતી જોઇને સમજાય છે, રંગ સૌ અંતે તમસ થઇ જાય છે.
***
કૂંપળ લીલીછમ (લઘુકથા)ઓ
ધર્મેન્દ્રસિંહ રાઠોડ
Áપાનાં: 144 Áકિંમત: 165 રૂ.
‘કૂંપળ લીલીછમ’ લઘુકથા સંગ્રહમાં કુલ 72 લઘુકથાઓનો સમાવેશ કરાયો છે. જીવનના સ્પંદનોનો લય સંભળાવતી લઘુકથાઓમાં ‘લાગણીનું પ્રાબલ્ય, સાહિત્યપદાર્થનો આવિષ્કાર અને કથાતત્ત્વની મર્યાદા- આ ત્રણેય વાનાં બરાબર સચવાયા છે. આ ત્રણેય બાબતો ‘આસ્થા’ શીર્ષક ધરાવતી લઘુકથામાં પ્રતિબિંબિત થઇ છે. સંગ્રહની આ સૌથી સુંદર રચના છે’ એવું સંગ્રહની પ્રસ્તાવનામાં મોહનલાલ પટેલ લખે છે.
સાચી લાગણીને કાટ લાગતો નથી, કે ઝાંખી પણ થતી નથી એવા જીવનરહસ્યને અનુલક્ષીને લેખકે સાંજના વાળુની ઘટનાને કેન્દ્રમાં રાખીને રૂડીમાની ઘનશ્યામ પ્રત્યેની લાગણીની વાત ‘પ્રસાદ’ લઘુકથામાં આલેખી છે. ‘આસ્થા’થી આરંભાતી લઘુકથા યાત્રાનો અંત ‘કોઇ’ સાથે આવે છે. સંગ્રહની એક લઘુકથા ‘દૂધપીતી’ કેર‌ળના ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠ્યપુસ્તકમાં 2012ની સાલથી અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. આવી જ રીતે લેખકની ‘દૂધપીતી’, ‘ઊલટી ગંગા’, ‘આવિષ્કાર’ અને ‘બેન્ક બેલેન્સ’ પણ પોંખાઇ છે. મૂળશંકર હીરજી વ્યાસ
Áસંકલન: શિરીષ મહેતા
પાનાં: 196 Áકિંમત: 350 રૂ.
રહસ્યવાદના પ્રબુદ્ધ સાધક મૂળશંકર હીરજી વ્યાસની આધ્યાત્મિક યાત્રાનું આલેખન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સ્વામી સત્યમિત્રાનંદગિરિના આશીર્વાદ સાથે આરંભાતા આ પુસ્તકના અંતે વિન્સેન્ટ મિજોનિના અંગ્રેજી લેખ ‘Mulshankar H Vyas- As I Knew Him’ સાથે અંત આવે છે. પુસ્તકની શરૂઆતમાં સાધક મૂળશંકર વ્યાસની રંગીન તસવીર છે. મૂળ તો કુલ 11 પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકનું પહેલું પ્રકરણ ‘યોગ શા માટે?’ અને 11મું પ્રકરણ ‘આવતી કાલ કેવી હશે?’ છે.
મહાન સિદ્ધયોગી યોગાનંદજીના શિષ્ય એવા મૂળશંકરભાઇ ‘બાપુજી’ રચિત ગીતો અને ભજનો આ ગ્રંથમાં સમાવાયા છે. ધવલ રવીન્દ્ર ભટ્ટથી માંડીને જે. બી. ચચા સહિતના અન્ય લેખકોએ સાધક મૂળશંકરભાઇ વિશે લેખો લખ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે અંતમાં મૂળશંકરભાઇ લિખિત કેટલાંક જાણીતા ગીતોના QR કોડ આપ્યા છે. રસ ધરાવનારા સાધકો કોડને સ્કેન કરીને ગીતો સાંભળી શકે છે.
***
સંવેદનાની સરવાણી Áઈન્દિરા સુરેશ સોની
પાનાં:144 Áકિંમત: 60 રૂ.
લેખિકાના જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાંથી 35 લેખોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોટા ભાગના લેખો પોતાના અનુભવ આધારિત લખાયેલા છે. લેખિકા સ્વાનુભવમાં જણાવે છે કે રક્તપિત્તના રોગને દર્દીઓ ભગવાને આપેલી સજારૂપે જોતા હતા અને આખી જિંદગી ભીખ માગીને, માથું ઢાળીને કે હાથ લાંબો કરીને બટકું રોટલાની યાચના કરતા હતા. લેખિકાએ પોતાના જીવનસાથી સુરેશભાઈ સાથે મળીને ઝૂંપડપટ્ટીમાં જઈને કામ શરૂ કર્યું. કોઈનું નાકનું ટેરવું ખરી પડેલું, તો કોઈકના હાથ-પગના એકેય આંગળાં નહોતાં આવા તો કેટલાય લોકોને તેઓ નવડાવે, માથામાં તેલ નાખી આપે, એમને ભાવતી વાનગી જમાડે.
વેદનાગ્રસ્તોની વચ્ચે પોતાનું જીવન સમર્પિત કરનાર ઈન્દિરાબહેન સોનીનું સાંવેગિક ચેતનાને સચેત કરતું આ પ્રથમ પુસ્તક છે. અહીં તેઓ કોઈને બોધ કે જ્ઞાન આપવા નથી બેઠાં, પણ વર્તમાનમાં હિંસા, જાતિવાદ, ભ્રષ્ટાચાર, કુટુંબકલેશ જેવાં કેટલાંય દૂષણો ઘર કરી બેઠાં છે ત્યારે આ પુસ્તક સૌને પ્રેરિત કરનારું છે. }
વાત તનમનની:ઓટિઝમનો ભોગ બનેલાં બાળકો ક્ષમતા ધરાવતા હોય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/children-with-autism-are-capable-135229446.html

મનન ઠકરાર પ્રશ્ન : મને નવા ઘરમાં શિફ્ટ થતા પહેલાં સતત ત્યાં ચેપ હોય એનો ડર લાગે છે. દવા છાંટણ કરાવવાનો સંપર્ક કરું છું. શું મને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે? એની સારવાર શું હોય?
ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને ટૂંકમાં ઓ. સી. ડી. કહે છે, એ માનસિક સમસ્યા છે. આ સ્થિતિમાં વ્યક્તિના મનમાં વારંવાર નકારી શકાય તેવા વિચારો આવે છે; જેમ કે ગંદકીનો ડર, ચેપ લાગવાનો ડર, કંઈક ભૂલ થવાની શંકા. આવા વિચારોને દૂર કરવા માટે તે વ્યક્તિ કોઈક પ્રકારની ક્રિયા વારંવાર કરે છે – જેમ કે સાફ કરવું, ચેક કરવું, પુષ્ટિ મેળવવી. નવા ઘરમાં ચેપ હોય એના ડરથી તમે દવા છાંટવાનું વિચારો છો, એ વર્તન ઓ. સી.ડીનાં લક્ષણો દર્શાવે છે.
ઓ. સી. ડી મુખ્યત્વે બે પ્રકારના હોય છે: 1. ચેપ લાગવાનો ભય, મરી જવાની શંકા વગેરે. 2. વારંવાર હાથ ધોવા, ઘરના કોઈ ભાગને ચેક કરવું, વસ્તુઓને ચોક્કસ રીતે ગોઠવવી.
આની સારવારમાં વિચારો અને વર્તનને સમજવા અને બદલવા માટેની કાઉન્સેલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિને શીખવાડવામાં આવે છે કે ડર લાગતા વિચારો સામે કેવી રીતે ટકી શકાય અને એના જવાબના ભાગરૂપે કરવામાં આવતી ક્રિયા જેમ કે હાથ સાફ કરવા વગેરેને અટકાવી શકાય. માનસિક તાણ અને વિચારોની ગંભીરતા ઓછી એવી દવાઓ દ્વારા સારવાર. આવી સારવાર માત્ર તજજ્ઞના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ.
પરિવારજનોના સમજદારીભર્યાં વર્તન અને ઓવરરિએક્ટ ન કરવાની રીત ઓ. સી. ડી ધરાવતી વ્યક્તિને ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ધ્યાન, યોગ અને નિયમિત જીવનશૈલી મનને સ્થિર રાખે છે અને તાણ ઘટાડી શકે છે.
ઓ. સી. ડી એ સામાન્ય માનસિક તકલીફ છે. યોગ્ય સારવારથી એનું નિયંત્રણ શક્ય છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.
પ્રશ્ન : બાળકોમાં ઓટિઝમ કેવી રીતે દેખાય છે?
ઓટિઝમ બાળકના વિકાસ સાથે સંબંધિત સમસ્યા છે. ઓટિઝમ ધરાવતાં બાળકો બીજી રીતે દુનિયાને જુએ છે, સમાજ સાથે જોડાતા મુશ્કેલી અનુભવે છે અને તેમની ભાષા તથા વર્તનમાં ખાસ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.
ઓટિઝમનાં મુખ્ય લક્ષણોમાં બાળક આંખમાં આંખ મિલાવીને વાત ન કરી શકે. પોતાનો આનંદ વ્યક્ત ન કરી શકે. તેને પોતાના નામ સાથે બોલાવવાથી જવાબ ન આપે. કોઇ બીજા બાળકની સાથે રમવું ન ગમે. લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે. ભાષામાં વિલંબ અને બોલવામાં તકલીફ પડે. બહુ ઓછું બોલે. એક જ શબ્દો વારંવાર બોલે. વાતચીત કરી ન શકે. અસ્પષ્ટ વાક્યો બોલે, એકનું એક વર્તન રિપીટ કરે. એક જ પ્રકારની રમત વારંવાર રમે. સતત એક વસ્તુને ઘુમાવે અથવા જોતી રહે. ચોક્કસ વિષયમાં જ રસ પડે. ઘરનું વાતાવરણ બદલાય તો તાણ અનુભવે. અવાજ, સ્પર્શ અથવા પ્રકાશથી અસ્વસ્થ થઇ જાય. આના પરથી ખ્યાલ આવી શકે કે બાળક ઓટિઝમનો ભોગ બન્યું છે.
ઓટિઝમની સારવાર બાળ વિશેષજ્ઞ પાસે કરાવવી જોઇએ. તે સ્પીચ અને ભાષા વિકાસ, વર્તન અને સમજશક્તિનું મૂલ્યાંકન કરે છે. ભાષા તાલીમ – બોલવા, સમજવા અને સહજ રીતે વાતચીત કરવા માટે મદદરૂપ થાય છે. વર્તન સુધારવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકને સકારાત્મક રીત શીખવા માટે થેરપી આપવામાં આવે છે. ઘરનું શાંતિપૂર્ણ, હૂંફાળું વાતાવરણ, ધીરજ અને પ્રોત્સાહનથી બાળકનો વિકાસ વધુ સારી રીતે થાય છે.
ઓટિઝમ ધરાવતા બાળકો માટે ‘વિશિષ્ટ શિક્ષણ’ આપવામાં આવે છે. બધાથી અલગ રીતે શીખવવાથી, તેમના માટે વધુ મદદરૂપ થાય છે. તેઓ ક્ષમતા ધરાવતા હોય છે – જરૂર છે યોગ્ય માર્ગદર્શન, સમર્થન અને પ્રેમભર્યા સાથની. }
વિકાસની વાટે:સારું શિક્ષણ કોને કહેવાય તેની સમજ કેળવાય તે જરૂરી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/it-is-important-to-understand-what-constitutes-a-good-education-135229409.html

હસમુખ પટેલ પી.એસ.સી. દ્વારા લેવામાં આવેલી ભારતીય વન સેવાની પરીક્ષાનું હમણાં પરિણામ આવ્યું. ગુજરાતના છ યુવક-યુવતીઓ તેમાં પસંદગી પામ્યાં છે. તેમાં એક યુવતી મૂળ રાજસ્થાનની હોવાથી એકથી સાત ધોરણ સુધી હિંદી માધ્યમમાં ભણી અને આઠમા ધોરણથી ગુજરાતી માધ્યમમાં.
મને એના પરિવારની એ વખતની આર્થિક સ્થિતિની ખબર નથી પરંતુ આજે નીચલા મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારો પણ પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવતાં નથી તો બિનગુજરાતી પરિવારો તો પોતાનાં બાળકો ગુજરાતી માધ્યમમાં ભણાવે તેવો વિચાર જ કેમ આવે?
આજે મા-બાપ બાળકના શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપે છે. પરવડે નહીં તો પણ મા-બાપ પોતાનાં બાળકોને ખર્ચાળ ખાનગી શાળામાં મૂકે, અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે તેવું સામાન્ય થતું જાય છે. પોતાના બાળકને સારું શિક્ષણ મળે તે માટે જે પણ કરવું પડે તે કરવા મા-બાપ તૈયાર હોય છે, એ જુદી વાત છે કે ક્યારેક સારું શિક્ષણ કોને કહેવાય તેની સ્પષ્ટતા ન હોય.
પોતાનાં સંતાનોને સારું શિક્ષણ મળે તે માટે ગામડામાં તો શું નાનાં નગરો અને જિલ્લા મથકોમાં પણ લોકો રહેવા તૈયાર નથી. આવી જગ્યાએ કામ કરવાની ફરજ પડે તો પરિવારને મોટા શહેરમાં રાખે અને પોતે નોકરીના કામે ઠેકઠેકાણે ફરતા રહે, પણ પરિવાર તો મોટાં શહેરમાં જ રહે.
માતા-પિતા પોતાનાં સંતાનોના શિક્ષણ બાબતે જાગૃત થાય તે બહુ સારી બાબત છે. બલકે આપણો દેશ શિક્ષણની સીડીએ જ વિકાસશીલમાંથી વિકસિત દેશ બનશે. મારા મતે તો તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણા વંચિત બાળકોને સારું શિક્ષણ મળે અને તેમની ઉત્પાદકતા વધે તો દેશ વિકાસની હરણફાળ ભરે. પરંતુ સારું શિક્ષણ કોને કહેવાય તેની સમજ કેળવાય તે જરૂરી છે. આજે આપણે જેને સારું શિક્ષણ કહીએ છીએ તેવું શિક્ષણ તો ભારતીય વન સેવાની અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી પેલી દીકરીએ મેળવ્યું નથી.
આપણા કહેવાતા સારા શિક્ષણની હોડને કારણે પરિવારો વિખરાય છે. આપણે માતૃભાષા અને તેને પગલે સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ. બાળકને સારું શિક્ષણ મળે તે માટે માતા-પિતા બાળકની પાછળ પડી જાય છે. બાળકો ખૂબ જ તાણમાંથી પસાર થાય છે અને જે ઉંમરે બાળકે આત્મહત્યા શબ્દ પણ ન સાંભળ્યો હોવો જોઈએ તેવાં કુમળાં બાળકો આત્મહત્યા કરે છે.
કહેવાતા શિક્ષણની લાહ્યે માતા-પિતા અને સંતાનોના સંબંધ પર છીણી મૂકી દીધી છે. એનું પરિણામ વધતા જતા વૃદ્ધાશ્રમોમાં જોવા મળે છે. આવું ચાલશે તો બે દાયકા પછી ઓલ્ડ એજ હોમનો ધંધો ધીકશે.
આવા શિક્ષણ પાછળની દોડને લીધે મોટા ગામડાઓ અને નગરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. સુખી ઘરના લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવતા નથી. સરકારી શાળામાં જે મા-બાપને પોતાના સંતાનોના શિક્ષણની પરવા નથી અથવા તેની પરવા કરી શકે તેવી તેમની આર્થિક, સામાજિક કે માનસિક સ્થિતિ નથી તેવાં જ માતા-પિતાનાં બાળકો સરકારી શાળામાં ભણવા આવે છે.
આવાં બાળકોને કેવી રીતે ભણાવવા તેની ચિંતા સંવેદનશીલ શિક્ષકોને પજવે છે કારણ કે બાળકોનું સારું શિક્ષણ થાય તે સારુ વિવિધ આર્થિક-સામાજિક તથા માનસિક સ્થિતિવાળા બાળકોનું સાથે ભણવું, સાથે રમવું આવશ્યક છે. આવી જ ખરાબ સ્થિતિ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની થાય છે. તેમને પણ જીવનની વિવિધતાનો અનુભવ થતો નથી. તેમનો વિકાસ પણ મર્યાદિત થાય છે. આવી મર્યાદિત કેળવણીવાળાં બાળકો આવતીકાલના દેશમાં કઈ રીતે યોગદાન આપશે?
બધા વર્ગનાં બાળકો સાથે રહીને ભણે તે માટે સમાજ સ્તરે પ્રયત્નો કરવાને બદલે આપણે આ શાળાનાં તેજસ્વી બાળકોને છાત્રાલયવાળી નિવાસી શાળામાં મૂકવાની વ્યવસ્થા કરી. એટલે હવે સરકારી શાળાના રડ્યાંખડ્યાં તેજસ્વી બાળકો પણ આ શાળા છોડી છાત્રાલયમાં જશે.
સરકારી શાળાના સંવેદનશીલ શિક્ષકોને ભાગે માત્ર નબળાં બાળકો આવશે. આને કારણે તેમનું શિક્ષણ ઓર નબળું થાય તેવું બને.
શહેરોની સરકારી શાળાઓ તો ઘણી ખરી બંધ થવા માંડી છે. હવે ગામડાંઓની આવી શાળાઓ પણ બંધ થશે. આપણાં બાળકો સામુદાયિક જીવન કેવી રીતે શીખશે ? મોટા થઈ નિર્ણય લેતી વખતે તેમના આર્થિક રીતે નબળાં ભાંડરડાંને તેની શી અસર થશે, તેમની પીડા તેમને નહીં સમજાય તેનું શું?
શાળામાં અમારા શિક્ષકો અમને ગણવેશ વિશે એવું કહેતા કે ગરીબ અને તવંગર બંને સરખા છે તેવો અનુભવ થાય તે માટે ગણવેશ હોય છે. એક સુખી ઘરનો વિદ્યાર્થી સારાં કપડાં પહેરીને શાળાએ આવે ત્યારે નબળા વર્ગનો વિદ્યાર્થી નાનપ ન અનુભવે તે સારું ગણવેશ છે. આજે તો કોઈને આ વિચાર જ કેમ આવે?
આપણી અધૂરી સમજને કારણે આપણે શહેરો તરફ દોટ મૂકી છે. ગામડામાં રહેવા માટે કોઈ શિક્ષક કે ડોક્ટર તૈયાર નથી. ગામડામાં સરકારી સેવાઓ આપવી મુશ્કેલ થઈ રહી છે. તો પછી જેને ગામડું છોડવું ન પરવડે તે જ ગામમાં રહેને? અને વહેલામાં વહેલી તકે ગામડું છોડવાની વેતરણમાં હોય.
આને કારણે શહેરીકરણ વધી રહ્યું છે. કદાચ આપણે એનાથી ખુશ થઈ રહ્યા છીએ. પણ આટલી મોટી વસ્તીને આપણે શહેરોમાં અસરકારક સેવાઓ આપી શકીએ છીએ ? આપણા શહેરી આંતરમાળખાની શી સ્થિતિ છે ?
આપણે આના વિશે વિચારીએ છીએ ખરા? આપણી ચર્ચાઓમાં આ મુદ્દા ક્યારેય આવે છે ખરા? આપણાં ઘરોમાં, આપણી સંસ્થાઓમાં, આપણાં છાપાં અને મીડિયામાં, આપણી પંચાયતો અને ધારાગૃહોમાં આની ચર્ચા થતી રહે અને નીતિઓમાં તેનું પ્રતિબિંબ ઝિલાતું રહે તે જરૂરી છે. }
મજાતંત્ર:વેકેશન પૂર્ણાહુતિ: આપ કા સમય શુરુ હોતા હૈ અબ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vacation-ends-your-time-begins-now-135229412.html

ચેતન પગી વે​​​​​​કેશનનું પડવું અને સ્કૂલવાનનું ઊપડવું આ બે ઘટના વચ્ચેનો સમય માત્ર બાળકો જ નહીં મમ્મી-પપ્પાઓ માટે પણ નિરાંતના દિવસો હોય છે. ઉનાળામાં ગરમી વધારે હોય એટલે રજાઓ પાડવાની પ્રથા છે. હવે ચૂંટણીની જેમ ગરમી પણ આખું વરસ રહેતી હોય છે. એટલે રજાઓ પણ રજાઈની જેમ લાંબી હોવી જોઈએ.
કોઈએ લખ્યું હતું કે ‘પ્રેમ’ જગતનો સૌથી સુંદર શબ્દ છે. ખરેખર તો આ માન્યતાને અપડેટ કરવાની જરૂર છે. જગતનો સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ ‘રજા’ છે. રાજા બનવાની તક આપતી રજાઓ પૂરી થઈ છે અને સોસાયટીઓના ગેટની બહાર સ્કૂલવાનોના આંટાફેરા શરૂ થઈ ગયા છે.
બાળકો ફરી સ્કૂલમાં અને પતિદેવો અને પત્નીદેવીઓ પાછાં ઘરમાં પુરાઈ ગયાં છે. વેકેશનનો અકાળે અંત આવ્યો છે. ના, આમ તો એની વિદાયની તારીખ અમને પહેલેથી ખબર હતી પણ ગમતી બાબતની આગોતરી જાણ હોવા છતાં ચાલી જાય ત્યારે એ અકાળે જ લાગે છે.
વેકેશન પૂરું થતાં જ ‘ઇન્સ્ટાગ્રામ’-‘વૉટ્સએપ’ પર ભોળા ભૂલકાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા સંદેશાઓનો મારો શરૂ જાય છે. પણ મોટેરાઓ એટલે કે બાળકોનાં મમ્મી-પપ્પાઓ પ્રત્યે આવી કોઈ સહાનૂભૂતિ વ્યક્ત કરવામાં આવતી નથી.
જૂના વખતમાં વેકેશનમાં બાળકો થાકે નહીં ત્યાં સુધી રમ્યાં કરતા. હવેની પેઢીને રમવા માટે મેદાનમાં ઊતરવાની જરૂર પડતી નથી. એ લંબચોરસ મોબાઇલ ફોનના મેદાનમાં રમીને ‘ટાઇમપાસ’ કરી લે છે. હવે ઘર-ઘરમાં વોશિંગ પાઉડરનો વપરાશ ઘટ્યો છે, કારણ કે બાળકોએ ધૂળ-માટીમાં ખરડાઈને રમવાનું બંધ કરી દીધું છે.
વેકેશનની પૂર્ણાહુતિ મમ્મી-પપ્પાઓ માટે વસમી હોય છે. બાળકો તો ભોળાં હોય છે એટલે બે-ચાર દિવસમાં સ્કૂલના ટાઇમ-ટેબલ સાથે ગોઠવાઈ જાય છે. તેઓ સ્કૂલેથી પાછા ઘરે એટલા માટે આવે છે જેથી તેઓ ટ્યૂશન જઈ શકે. ટ્યૂશન એટલા માટે જાય છે કે સરખું ભણી શકે. સ્કૂલમાં જવાનું સૌથી મોટું કારણ એ છે કે મમ્મી-પપ્પાઓએ એની ફી ભરી છે.
ટૂંકમાં, બાળકો કચવાતા મને પણ થોડા દિવસમાં સ્કૂલ-ટ્યૂશન-સ્કૂલ-હૉમવર્કના ચકડોળમાં ગોઠવાઈ જાય છે. કપરી પરિસ્થિતિ પાકટ કહેવાતાં તેમનાં મમ્મી-પપ્પાઓ માટે હોય છે. વેકેશન પૂરું થવાની તત્કાળ અસરના ભાગરૂપ તેમને ફરી પતિ-પત્ની, મમ્મી-પપ્પાના રૉલમાં આવી જવું પડે છે.
અત્યાર સુધી ઑફિસ પત્યા પછી મનફાવે એમ રખડીને રાતે ઘરે આવી શકતા પુરુષોને હવે સીધા ઘરે આવી જવું પડે છે. તો પિયરમાં થોડા દિવસો પૂરતો મળેલો દીકરીનો દરજ્જો પાછો માળિયે મૂકી પત્ની તરીકેનો કાયમી દરજ્જો ધારણ કરી લેવો પડે છે.
આમ તો મોટેરાઓ માટે ઘર પણ સ્કૂલ જેવું જ સ્થળ છે, જ્યાં શિખામણો, સલાહો અને હૉમવર્ક નિયમિત ધોરણે અપાતા હોય છે અને દિવસમાં એકાદ વખત ‘ક્લાસ’ પણ લેવાતો હોય છે. આ ‘ક્લાસ’ પાછા પતિના જ લેવાતા હોય એ જરૂરી નથી.
મોટા ભાગના ઘરમાં પતિ કે પત્ની બેમાંથી એક ‘માસ્તર’ની ભૂમિકામાં હોય છે. પણ વેકેશન દરમિાયાન થોડા દિવસ પૂરતી આ ‘નિશાળ’માંથી છુટ્ટી મળે છે. પણ વેકેશન પૂરું થતાં બાળકો અને મમ્મી-પપ્પાની નિશાળ ફરી શરૂ થઈ જાય છે. હવે ફરી પૂર્વનિર્ધારિત સમયપત્રક અનુસાર ચા-નાસ્તો, સફાઈ અને રસોઈના વર્ગ ભરવા પડે છે તો આદેશાનુસાર નહાઈને ટૂવાલ દોરી પર સૂકવી દેવો પડે છે. વેકેશનમાં તો ટૂવાલને પણ દોરી પર લટકવામાંથી   રજા મળતી હતી.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા માત્ર પરમાણુ શસ્ત્રોની દમદાટીના કારણે જ વાગે એ જરૂરી નથી. ઘરમાં દોરી પર નહીં સુકવાયેલો ટૂવાલ કે ફ્રિજમાં પાણી ભરીને નહીં મુકાયેલી બોટલ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ માટે જવાબદાર બની શકે છે. પણ વેકેશનમાં તેની સંભાવના ઓછી હોય છે.  
પણ વેકેશન, સ્કૂલ, હૉમવર્કની આ બધી પળોજણો માત્ર બાળકો અને પરિણીત લોકોને જ લાગુ પડે છે. જેમના હિસ્સે ‘બેચલર’ જેવું સર્વોચ્ચ સન્માન હોય છે એવા અપરિણીત લોકો માટે તો બારે મહિના વેકેશન હોય છે.
દેશ આઝાદ થયે ભલે દાયકાઓ વીતી ગયા હોય પણ આઝાદીનો ખરો સ્વાદ બેચલરો જ માણતા હોય છે, તેથી જ પરિણીત એવા મોટેરાઓ તેમના માટે યોગ્ય ‘પાત્ર’ શોધવા ઉતાવળા હોય છે, જેથી એમને પણ સ્કૂલ-વેકેશનના સમયપત્રકમાં ઝટ લાવી શકાય. લગ્ન એ ખરેખર તો કુંવારા લોકોના વેકેશનનો સમાપન સમારોહ છે. }
મૂવી માર્વેલ:પૃથ્વી અને રાજ: સિનેમામાં ‘રાજ’ કરતો પિતા-પુત્રનો સંબંધ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/prithvi-and-raj-the-father-son-relationship-that-makes-raj-in-cinema-135229415.html

મીરાં ત્રિવેદી ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધો‌ળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
આમ આ રીતે રંગીન મિજાજના પૃથ્વીરાજના સફેદ રંગનું વળગણ પુત્ર રાજ કપૂરને પણ લાગેલું. રાજનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં. એ સાથે પત્ની કૃષ્ણા જિંદગીભર પતિ રાજને ગમતા સફેદ રંગના રંગે રંગાઇ ગયાં હતાં. તેમણે જિંદગીભર સફેદ સાડી જ પહેરવાનું પસંદ કર્યું.
1946માં અભિનેતા પિતા પૃથ્વીરાજનાં પગલે પગલે ચાલીને મોટો પુત્ર રાજ પિતાની નાટ્યમંડળીમાં સક્રિય રીતે જોડાયો અને સફળતાનો સ્વાદ ચાખ્યો.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. } લ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધો‌ળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
આમ આ રીતે રંગીન મિજાજના પૃથ્વીરાજના સફેદ રંગનું વળગણ પુત્ર રાજ કપૂરને પણ લાગેલું. રાજનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં. એ સાથે પત્ની કૃષ્ણા જિંદગીભર પતિ રાજને ગમતા સફેદ રંગના રંગે રંગાઇ ગયાં હતાં. તેમણે જિંદગીભર સફેદ સાડી જ પહેરવાનું પસંદ કર્યું.
1935ના વર્ષમાં રાજ કપૂર નાના હતા ત્યારે ‘ન્યૂ થિયેટર્સ’ની ફિલ્મ ‘ઇન્કિલાબ’માં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. મૅટ્રિકમાં નાપાસ થયા પછી રાજ કપૂર સિનેમાના ક્ષેત્રે હાથ અજમાવ્યો. ‘રણજિત સ્ટુડિયો’માં ફિલ્મ દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે રાજની કારકિર્દીની શરૂઆત થઇ. તે પછી ‘બૉમ્બે ટૉકિઝ’માં અમિય ચક્રવર્તી સાથે અને ‘ફિલ્મિસ્તાન’માં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. સાથોસાથ પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ રાજે મદદનીશ તરીકે ફરજ બજાવી. નાયક તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી. ચલચિત્રોમાં તેમને કેદાર શર્માના ચિત્ર ‘નીલકમલ’માં તક મળી હતી.
1946માં અભિનેતા પિતા પૃથ્વીરાજનાં પગલે પગલે ચાલીને મોટો પુત્ર રાજ પિતાની નાટ્યમંડળીમાં સક્રિય રીતે જોડાયો અને સફળતાનો સ્વાદ ચાખ્યો.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. }
ડૂબકી:સદીઓથી સ્થિર સ્તબ્ધ દંતકથાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/stunning-legends-that-have-endured-for-centuries-135229418.html

ભારતનાં અનેક તીર્થધામો, ઐતિહાસિક સ્થળો, પ્રવાસધામોની સાથે અવનવી દંતકથાઓ જોડાયેલી છે. એમાં ડહાપણ, કર્તવ્યબોધ, શૌર્ય, બલિદાનો વગેરેનો બોધ છુપાયેલો છે. કેટલાંક સ્થળોની સાથે વ્યક્તિગત પીડાની કથા પણ જોડાયેલી છે. રામાયણ, મહાભારત અને અન્ય અમર સાહિત્યકૃતિઓમાં વર્ણવેલાં સ્થાનો પ્રવાસીઓને પ્રાચીન સમયમાં લઈ જાય છે. એવાં પ્રવાસધામો માત્ર આનંદપ્રમોદ માણવાનાં સ્થળો નથી, એ બધાં પોતપોતાની અંદર સમૃદ્ધ ભૂતકાળ સાચવી સાંસ્કૃતિક ચેતનાનાં પ્રેરણાસ્ત્રોત સમાં યાત્રાધામો છે.
આપણા સુપ્રસિદ્ધ કવિ, સાહિત્યના ઊંડા અભ્યાસી, ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ભારતનાં ત્રણ પ્રવાસસ્થળો સાથે જોડાયેલી કથાઓ પરથી કાવ્યો રચ્યાં છે. આ કાવ્યો વર્ષ 2024માં પ્રકાશિત એમના કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માં સમાવ્યાં છે. એ કાવ્યો છે – ‘ધોધકથા’, ઊનાકોટિ’ અને ‘ચિત્રદુર્ગ’.’
આ કથાકાવ્યોમાં કવિ દંતકથાઓમાં છુપાયેલા નવીન દૃષ્ટિકોણનો સંકેત પણ રચી આપે છે. આ કાવ્યોમાં નિરૂપાયેલી કથાઓમાં મને રસ પડ્યો એથી એને લગતી અન્ય સામગ્રીમાં પણ ડૂબકી મારી.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આપણા દેશનો સૌથી ઊંચો ધોધ ‘નોહકાલિકાઈ’ આવેલો છે. એ ધોધ ખૂબ ઊંચેથી જોશપૂર્વક નીચે પડે છે. આ ધોધના નામ પાછળ લિકાઈ નામની ખાસી જાતિની સ્ત્રીના જીવનમાં બનેલી કરુણ કથા છે.
પહેલો પતિ અવસાન પામ્યો પછી લિકાઈને પોતાનું અને નવજાત દીકરીનું ભરણપોષણ કરવામાં ખૂબ તકલીફ પડવા લાગી. એ મજૂરીનું કામ કરતી હતી એથી દીકરીને આખો દિવસ ઘરમાં એકલી મૂકી જવાના અને એની યોગ્ય સાર-સંભાળ લેવાના પ્રશ્નો ઊભા થયા. લિકાઈ માટે બીજાં લગ્ન કરવા સિવાય કોઈ ચારો રહ્યો નહોતો. એણે બીજી વાર લગ્ન કર્યાં.
આખો દિવસ મજૂરી કરી ઘરે આવે પછી એણે દીકરી પાછળ ઘણો સમય આપવો પડતો હતો, એથી એ પતિને જરાજેટલો સમય આપી શકતી નહોતી. એ કારણે પતિ ક્રોધે ભરાયો. એને સાવકી દીકરી આંખના કણાની જેમ ખૂંચવા લાગી.
એક દિવસ નિર્દય પતિએ લિકાઈની ગેરહાજરીમાં સાવકી દીકરીને મારી નાખી. હત્યાની નિશાનીઓ છુપાવવા હાડકાં વગેરે ફેંકી દીધાં. ક્રૂરતાની હદ વટાવીને એણે ભોજન માટે દીકરીનું માંસ રાંધ્યું. લિકાઈ સાંજે કામ પરથી આવી ત્યારે ઘરમાં કોઈ નહોતું, પણ ભોજન તૈયાર હતું. લિકાઈને ખૂબ ભૂખ લાગી હતી દીકરીને શોધવા જતા પહેલાં એ ખાવા બેસી ગઈ.
એને ખબર નહોતી કે એણે પોતાની જ દીકરીના માંસનું ભોજન કર્યું છે. લિકાઈને જમ્યા પછી પાન ખાવાની આદત હતી. એણે પાનપેટી ખોલી ત્યારે ત્યાં કપાયેલી એક આંગળી જોઈ. લિકાઈ બધું સમજી ગઈ અને દુ:ખથી પાગલ થઈ ગઈ.
ચન્દ્રકાન્ત ટોપીવાળાએ લિકાઈની મનોવ્યથા એમના કાવ્ય ‘ધોધકથા’માં આ રીતે વ્યક્ત કરી છે – ‘પોતાની પેટજણી દીકરી ફરી પેટમાં ગઈ છે/ જાણીને આકુળવ્યાકુળ મા/ વેદનાની તીવ્ર ગતિથી દોડતી ઊછળતી/ ભેખડે ધસી ગઈ!/ ને એકદમ/ નીચે/ ઝંપલાવ્યું./ હવે એ/ નીચે ઝંપલાવ્યા જ કરે છે!/ માની વેદનાનો ક્યારેય કોઈ અંત નથી.’
ત્રિપુરાના ઊનાકોટિ નામના સ્થળમાં ભગવાન શિવને સમર્પિત મૂર્તિઓ અને ઉત્કૃષ્ટ ખડક સ્થાપત્યો આવેલાં છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ એક વાર કાશી જતા હતા ત્યારે આ સ્થળે રાત્રિરોકાણ કર્યું હતું. ‘કરોડમાં એક ઓછી’ સંખ્યામાં દેવ-દેવીઓ પણ એમની પાછળપાછળ જતાં હતાં. શિવજીએ બધાંને સૂર્યોદય પહેલાં ત્યાંથી પ્રયાણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ શિવજી સિવાય કોઈ સમયસર જાગ્યું નહીં. ક્રોધે ભરાયેલા શિવે કાશી તરફ એકલા પ્રયાણ કરતા પહેલાં દેવ-દેવીઓને શાપ આપ્યો અને એ બધાં પત્થર બની ગયાં.
સ્થાનિક આદિવાસીઓમાં ઊનાકોટિ માટે પ્રચલિત કથા પ્રમાણે આ મૂર્તિઓ કલ્લુ નામના શિલ્પકારે ઘડી છે. કલ્લુ પાર્વતીજીનો પરમ ભક્ત હતો અને એમની સાથે કૈલાશ પર્વત પર જવા માગતો હતો. પાર્વતીજીના આગ્રહથી શિવજી અનિચ્છાએ કલ્લુને સાથે લઈ જવા સંમત થયા પરંતુ એક શરત મૂકી.
કલ્લુ એક રાતમાં શિવની કરોડ મૂર્તિઓ બનાવી શકે તો જ સાથે આવી શકશે. કલ્લુ મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયો, સવાર પડી ત્યારે કરોડમાંથી એક મૂર્તિ ઓછી નીકળી. પોતાના આરાધ્ય દેવ અને માતા પાર્વતીની સાથે કૈલાશ પર્વત જવાની એની ઇચ્છા અધૂરી રહી. એ તરફની ભાષામાં ‘ઊનાકોટિ’ શબ્દનો અર્થ થાય છે કોટિ - કરોડમાં એક ઓછું.
ત્રીજું સ્થળ કર્ણાટકમાં આવેલો ‘ચિત્રદુર્ગ’. આ કિલ્લાની સાથે જોડાયેલા મહાન યોદ્ધાઓનાં નામ સાથે ઓબવ્વા નામની મહિલા વીરાંગનાનું નામ પણ ઇતિહાસમાં અને લોકહૈયે અમર થઈ ગયું છે. અઢારમી સદીમાં હૈદર અલીના સૈનિકોએ ચિત્રદુર્ગને ઘેરો ઘાલ્યો હતો, પરંતુ અભેદ્ય કિલ્લામાં પ્રવેશવાનો કોઈ માર્ગ મળતો નહોતો. એક દિવસ સૈનિકોએ કિલ્લાની દીવાલમાં એક જ માણસ માંડ અંદર ઘૂસી શકે એવું છીંડું જોયું. એમણે એમાંથી એક એક કરીને સૈનિકોને અંદર દાખલ કરવાની યોજના બનાવી.
તે બપોરે એ વિસ્તારનો ચોકીદાર જમવા માટે ઘેર ગયો. પાણીની જરૂર પડી એટલે એની પત્ની ઓબવ્વા છીંડાની નજીક આવેલા તળાવમાંથી પાણી ભરવા ગઈ. ત્યાં એની નજર છીંડા પર પડી. એ સમજી ગઈ કે કિલ્લો સુરક્ષિત નથી. સમયસૂચકતા વાપરી એ તરત સાંબેલું ઉપાડી છીંડા પાસે ઊભી રહી.
પહેલા સૈનિકનું માથું અંદર આવ્યું તે સાથે એણે સાંબેલાનો જોરદાર પ્રહાર કરી સૈનિકનું માથું છૂંદી નાખ્યું અને એનું શબ અંદર ખેંચી લીધું. એમ કરતાં એણે ઘણા સૈનિકો મારી નાખ્યા. પતિ પત્નીને શોધવા ત્યાં આવ્યો ત્યારે એણે દુશ્મનોનાં શબ વચ્ચે લોહીથી ખરડાયેલું સાંબેલું ઉપાડી રણચંડી જેવી ઓબવ્વાને જોઈ. એકલા હાથે કિલ્લાનું રક્ષણ કરનાર વીરાંગના ઓબવ્વાનું તો મૃત્યુ થયું, પરંતુ એ હુમલામાં ચિત્રદુર્ગ સલામત રહ્યો.
ચન્દ્રકાન્ત ટોપીવાળા એમના કાવ્ય ‘ચિત્રદુર્ગ’માં કહે છે – ‘ચિત્રદુર્ગ કંપ્યો. સ્થિર થયો,
ચિત્રદુર્ગ હજી સ્થિર અને સ્તબ્ધ ઊભો છે.’ }
માનસ દર્શન:આધ્યાત્મિક યાત્રામાં સ્પર્ધા જાત સાથે કરવી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/competing-with-oneself-on-the-spiritual-journey-135229419.html

મચરિતમાનસ’નું કહેવું છે, ત્રણ પ્રકારના જીવ છે - વિષયી, સાધક અને સિદ્ધ. મેં એમાં ચોથું `શુદ્ધ’ ભેળવ્યું છે. પણ ત્રણ પ્રકારના જીવ છે. વિષયી કોને કહેવાય? જે કુધાતુ છે, લોઢું જ રહે. સાધક કોણ? જે કોઈ ગુરુની ખોજ કરે, જે પારસમણિને અડી જાય એ સાધક. અને સિદ્ધ કોણ? કે જે કોઈ ગુરુએ લોઢાને અડીને એને સોનું ન કરાવ્યું હોય, પણ એનેય પાછો પારસ બનાવી દીધો હોય એ સિદ્ધ. ત્રણેયના કેન્દ્રમાં લોખંડ છે. આપણે બધાં જ જાણીએ છીએ કે શરીરમાંથી લોહતત્ત્વ ઓછું થાય તો તકલીફ થાય.
`રામચરિતમાનસ’નાં સાત સોપાન. એનું ઉપરનું જે રૂપ છે તે બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુન્દર, લંકા, ઉત્તર, સાત ભાગમાં વહેંચાયેલું રૂપ. એક અર્થમાં કહું તો, કેવી રીતે વિકસિત થવાય અને એ વિકાસ મને ને તમને છેક ઉત્તરાવસ્થા સુધી વિકસિત રાખે, એવી એક અંતર્યાત્રા પણ રામકથાની ગણાય, કે જે આપણી નાની સમજથી લઈને આપણી પ્રૌઢસમજ સુધી આપણને પહોંચાડે અથવા તો આપણી નાની સમજમાં જેટલા જેટલા પ્રશ્નો ઉદભવ્યા હોય એને ક્રમશઃ આગળ વધારતાં, એના જવાબો અપાતા જ જાય અને `ઉત્તરકાંડ’માં જતાં જાણે સમગ્ર સવાલોના ઉત્તરો આપણને મળી જતા હોય એવી એક આંતરિક ધારા `રામાયણ’ની વહેતી હોય છે.
એવી રીતે હું `રામાયણ’નું દર્શન કરતો રહ્યો કે આપણા બધાંનો એક આંતરિક વિકાસ આમાં છે. મને ને તમને એક જગ્યાએ એ રોકી નથી રાખતું. એકેક કાંડ એકેક પડાવ છે. સાધક ક્યાં પહોંચ્યો એ તપાસવાનું રહે. એવી રીતે હું રામકથાને જોતો રહ્યો છું.
ગાંધીબાપુનેય `રામચરિતમાનસ’ કેટલું વહાલું! `આશ્રમ ભજનાવલિ’માં તુલસી-પદો ગાંધીજીએ રાખ્યાં છે. વિનોબાજી તો એમ જ કહેતાં કે `રામચરિતમાનસ’ માનું દૂધ છે, ઘી નથી. ઘી પચાવવું કઠિન પડે, પણ દૂધ સહેલાઈથી પચી જાય. આ બધા જ મહાત્માઓએ આપણને બળ આપ્યું.
`રામચરિતમાનસ’માં સાત વખત `રામચરિતમાનસ’ શબ્દ આવ્યો છે. ભૂલચૂક લેવી દેવી! આપણે કંઈ સ્પર્ધા તો નથી કરવી. આધ્યાત્મિક યાત્રામાં સ્પર્ધા જાત સાથે કરવી. આધ્યાત્મિક યાત્રા સંપન્ન કરવી હોય, પૂરો સંતોષ પ્રાપ્ત કરવો હોય, તો સ્પર્ધા બીજાની સાથે ન કરવી, સ્પર્ધા પોતાની સાથે કરવી.
હવે, તમને ફાયદા ગણાવું. હું મારી સાથે સ્પર્ધા કરું, તો હારું તો મેં મને હરાવ્યો, નિરુત્સાહ ન થાઉં; અને જીતું તો હું મને જીતી ગયો! આપણે બીજાને જ્યારે જીતીએ છીએ ત્યારે આપણામાં અહંકાર જન્મે છે. કદાચ આપણે સાવધાન હોઈએ તો અહંકાર ન કરીએ, પણ આપણા મનમાં એક હરખ તો ઉત્પન્ન થાય જ છે; અને એ હરખ કોઈના પરાજય ઉપર ઊભો છે, કોઈની ઉદાસીનતા ઉપર આપણી પ્રસન્નતા ઊભી છે. આ સારું નથી.
આપણે હારીએ તો આપણે નિરુત્સાહ થઈએ છીએ. કથા સાંભળીને આપણે એવું ન કરી શકીએ કે હું મારી સાથે સ્પર્ધા કરું. હારું તો મેં મને હરાવ્યો, જીતું તો હું મને જીતી ગયો! બહુ જ આનંદ આવશે. શું કામ બીજાની સાથે સ્પર્ધા? મને આ બહુ ગમે છે. આપ વિચારજો.
`રામચરિતમાનસ’ શબ્દનો સાત જ વખત ઉલ્લેખ છે. `રામાયણ’ સંગીતમય શાસ્ત્ર છે અને તેમાં સાત સ્વરોની સુંદર હારમની છે. કોઈ પણ શાસ્ત્રીય રાગમાં `રામાયણ’ ગાઈ શકાય. કોઈ પણ ઢાળમાં ગાઈ શકાય એવી આ સૂરાવલિ છે. આપણે ત્યાં સાત લોક ઉપર અને સાત પાતાળ. એટલે કે `રામચરિતમાનસ’ ચૌદ ભુવનમાં વ્યાપ્ત છે. તો સાત ઉપરના લોક, સાત નીચેના-આ બધું જ રામમય છે. એવા સાત-સાતના ટુકડા `રામચરિતમાનસ’માં બહુ જ પ્રસિદ્ધ છે.
તો `બાલકાંડ’ના આરંભમાં આપણી અંતર્યાત્રાનો પહેલો મુકામ, ત્યાં સાત મંત્રો છે. પહેલા મંત્રમાં `વન્દે વાણીવિનાયકૌ.’ આપણે ત્યાં કોઈ વસ્તુનો આરંભ થાય, તો ગણપતિથી શરૂ થાય. `રામાયણ’ માતૃદેવીની વંદનાથી શરૂ થયું છે. વાણી- સરસ્વતીની વંદનાથી `રામાયણ’નો આરંભ થયો છે. બધી જ જગ્યાએ માતૃશક્તિને આગળ રાખી.
પછી `ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ.’ ભવાનીને આગળ રાખ્યાં. આગળ જાઓ તો `સીતારામગુણગ્રામપુણ્યારણ્યવિહારિણૌ.’ જાનકીજીને આગળ રાખ્યાં. આમ, સાત મંત્રોમાં પહેલો પડાવ આ રીતે આગળ વધે છે. અને પછી પાંચ સોરઠામાં શ્લોકને લોકમાં ઉતારવાનું તુલસીનું એક અદ્ભુત વિશ્વમંગલકાર્ય સંપન્ન થાય છે. ગ્રામ્યગિરામાં આ શાસ્ત્ર તુલસીએ ઉતાર્યું. અને પછી `રામચરિતમાનસ’નું પહેલું પ્રકરણ, જેમાં પૂરી ગુરુવંદના છે.
બંદઉં ગુરુ પદ પદુમ પરાગા. સુરુચિ સુબાસ સરસ અનુરાગા.
પહેલું પ્રકરણ ગુરુવંદનાથી શરૂ થાય છે. આ પ્રકરણને મારી વ્યાસપીઠે હંમેશાં `ગુરુગીતા’ માની છે. ગુરુનો મહિમા અહીંયા ગાયો છે. જેને ગુરુની જરૂર ન હોય, ગુરુમાં આસ્થા ન હોય, એના માટે કોઈ બાધ્યતા નથી. પણ જો હું મારી સ્થિતિ જોઉં તો આપણા જેવાને ગુરુની બહુ જ જરૂર પડે. કોઈ માર્ગદર્શક જોઈએ. દલપત પઢિયારસાહેબે `અસ્મિતાપર્વ’માં એક વખત કહેલું કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, ગુરુપદ નબળું ન હોઈ શકે.
માણસમાં નબળાઈ હોય જ. ગુરુ નબળો હોઈ શકે, પણ ગુરુપદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે; અને તેથી આ દેશની મનીષાએ વ્યક્તિ કરતાં ગુરુપદનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તો જે આપણને અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ આપણો માર્ગદર્શક, ગુરુ. જે મૃત્યુના ભયમાંથી અમૃતનો આસ્વાદ કરાવે એ ગુરુ. અસત્યમાંથી સત્યના ઓરડામાં લઈ જાય એ ગુરુ. (સંકલન: નીતિન વડગામા)
2025/07/08 09:21:17
Back to Top
HTML Embed Code: