Telegram Web Link
એન્કાઉન્ટર:પ્રેમમાં બ્રેક-અપ અને લગ્નના છૂટાછેડા વચ્ચે ફેર શું?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-the-difference-between-a-break-up-in-love-and-a-divorce-135229423.html

 વરઘોડામાં જાનૈયાઓ ડાફરિયાં કેમ મારતા હોય છે?
२(મહાસુખ દરજી, અમદાવાદ)
- મહેનત કરે તો, છે એના કરતાં સારું મળી જાય!
 વણમાગી સલાહોનું શું કરવું?(કનુ જોશી, વડોદરા)
- પાછા તમે મારી પાસે એ જ માગો છો.
 સરકાર દરેક નાગરિકના ખાતામાં પાંચ-પાંચ લાખ રૂપીયા નાખી આપે તો? (રિયા ધોકાઇ, મીઠાપુર)
- તો મને વાંધો નથી!
 મોબાઇલ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવે છે, એનું કાંઇ નહીં? (ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- મોબાઇલ આપણા ધૂળજી જેવો છે. રાખવો તો પડે છેને?
 મચ્છરની વાઇફને શું કહેવાય?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- ‘વાઇફ કો વાઇફ હી રહેને દો, કોઇ નામ ન દો!’
 ‘મારે વધારે કાંઇ કહેવાનું નથી’, આટલું કહીને વક્તાઓ લાંબા ભાષણો કરી મૂકે છે!
(હર્ષ હાથી, ગોંડલ)
- ચલો. હું ય વધારે કાંઇ કહેવા માગતો નથી.
 વરસાદે આ વખતે તો ભારે કરી. સુઉં કિયો છો?
(નીરજ પંડિત, વડોદરા)
- કઇ વખતે ‘હલકી’ કરે છે?
 વહુ નોકરીએ જાય ને સાસુ ઘરનાં કામો કરે, એને વિકસિત ભારત કહેવાય?
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- આ હિસાબે, ઘરમાં તમારું કાંઇ ઊપજતું લાગતું નથી!
 સ્ત્રીઓના હાથમાં મોબાઇલ હોય છે જ...!
(અમૃત સોલંકી, બોટાદ)
- તમારા બોટાદમાં મોબાઇલ વગરનો એક માણસ બતાવો અને થઇ જાઓ ભાયડા!
 ઢાંકણીમાં પાણી લઇને ડુબાય ખરું?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- તમારા વાઇફ તમને આવી ચૅલેન્જ ફેંકે છેને?
 સાચા બ્રાહ્મણની વ્યાખ્યા શું?
(હરેશ લાલવાણી, અમદાવાદ)
- મારા મોંઢે જરા સારું નહીં લાગે!
 હજી તમે હકીભાભી સાથે ચાલુ વરસાદે પલળવા જાઓ છો? (અશ્વિન મોરે, વડોદરા)
- બીજી કોઇ ચોઇસ છે?
 તમને ડૉન બનાવવામાં આવે તો?
(સુનીલસિંહ ડાભી, કાકરખાડ)
- હમણાં મારી તબિયત ક્યાં સારી રહે છે, ભ’ઈ!
 કોપરાની બાધામાં નારિયેળ પાણી પિવાય?
(ધવલ જોશી, ચુણેલ-ખેડા)
- કોપરું ખાવા માટે હોય છે ને નારિયેળ-પાણી પીવા માટે હોય છે.
 મારી પત્ની તો મારું માનતી નથી. તમારા પત્ની તમારું માને છે? (ભાવિન પ્રબતાણી, જૂનાગઢ)
- મારાવાળી માનતી પણ હોય, તો મારાથી એમ થોડું કહેવાય કે, ‘હું ટ્રાય કરી જોઉં?’
 હું ખુદને એકલી માનું છું, તો શું કરું?
(જાનકી શર્મા, અમદવાદ)
- હું સહમત છું. તમને તમારું ગામ કે ઍડ્રેસ પણ ખબર નથી, એટલે ભોગવી લો.
 મનુષને ઊંઘ કેમ આવતી હશે?
(કિરણ મોવડીયા, માણસા)
- જવા દોને, ભ’ઇ! આ તો મનુષ્યો માટેની વાત છે. તમે ક્યાં ઘૂસી ગયા?
 ક્ષમા કરજો. મારા ગયા સવાલની સાથે મારો ફોટો મોકલાઇ ગયો’તો...!(ડૉ. ભાવિન બલ્લર, વડોદરા)
- આટલા હૅન્ડસમ લાગો છો… તો સવાલય હૅન્ડસમ પૂછતા હો તો!
 જીમમાં હાર્ટ ઍટેક આવે તો શું કરવું?
(બબલુ સોની, ગોધરા)
- પછી તો જે કરવાનું હશે, તે જીમવાળો કરશે. તમે ફ્રી થઇ જશો.
 જ્યારે કોઇ આપણા કહ્યામાં ન હોય ત્યારે ક્યો અભિગમ દાખવવો? (મીત પંડ્યા, જેસર)
- બસ. એ ‘કોઇને’ આ સવાલ ન પૂછવો.
 વરસાદમાં કજિયા સારા કે ભજિયાં?
(મુકેશ ગોહેલ, મણિનગર)
- વાહ કવિ… સ્વાગત છે! હવે મણિનગરનું ‘ચણી’નગર બનાવો!
 લોકો આદું ખાઇને પાછળ પડી જાય છે, પણ આદું જ કેમ?(હેમેન્દ્ર મહેતા, રાજકોટ)
- પાછળ પડી જવામાં તો જે હાથમાં આવ્યું તે ખાઇને ચલાવી લેવાનું… ક્યાંય સાંભળ્યું, ‘હેમેન્દ્રભાઈ મસાલા ઢોસા ખાઇને પાછળ પડી ગયા?’
 પતિ-પત્ની એકબીજાથી કંટાળે, બીજાની પત્ની કે પતિ ગમવા માંડે તો આવા કેસમાં દત્તક લેવાય?
(દિનેશ પંડ્યા, અમદાવાદ)
- તમારું પતે પછી કહેજો.
 તમારા મતે સમાચાર વાંચવાની સાચી રીત કઇ?
(નૂપુર ડેરીયા, સુરત)
- તોતડાવાનું નહીં!
 પુરાણોનાં યુદ્ધોમાં દુશ્મનોને ભૂ પિવડાવવા વિષકન્યાઓનો ઉપયોગ થતો. હવે શું પરિસ્થિતિ છે?
(શશિકાંત મશરૂ, જામનગર)
- એક તો પકડાઇ… જ્યોતિ મલ્હોત્રા. સરકાર એની શું મરમ્મત કરે છે, એ જાણીને પાકિસ્તાન જમીન પર ઢોળાયેલું ભૂ પીએ છે!
વિચારોના વૃંદાવનમાં:ઘોંઘાટના આક્રમણ સામે સંગીત હારી રહ્યું છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/music-is-losing-out-to-the-onslaught-of-noise-135229431.html

પ્યાર જિસે સૂર સે નહીં, વો મૂરખ ઇન્સાન નહીં.
સૂર ઇન્સાન બના દેતા હૈ, સૂર રહેમાન મિલા દેતા હૈ.
યહ અહેસાન હૈ સાત સ્વરોં કા, કિ યહ દુનિયા વિરાન નહીં. સિદ્ધ ગાયક અમાનતઅલીની ઉપરોક્ત પંક્તિઓમાં દિવ્ય અને ભવ્ય રીતે સંગીતનો મહિમા થયો છે. હજુ ગઇ કાલે જ સમગ્ર વિશ્વમાં ‘સંગીત દિવસ ઊજવાયો. પ્રત્યેક સંગીતકાર પૃથ્વી પર ટહુકતો દેવદૂત છે. એ દેવદૂત આપણને સ્વરલોકની યાત્રાએ લઇ જાય છે.
જ્યાં અને જ્યારે સંગીતની મહેફિલ યોજાય છે, ત્યાં અને ત્યારે ઇંટ અને ચૂના વિનાનું મંદિર રચાતું હોય છે. એ મંદિરમાં કોસ્મિક સિમ્ફનીના સૂર વહેતા થાય છે, જે શ્રોતાઓને તરબોળ કરે છે. એવી તરબોળતા પ્રાર્થનાનો જ એક પ્રકાર છે.
પાકિસ્તાનની ગાયિકા નૂરજહાંએ સંગીતની સાધનાને અલ્લાહની ઇબાદત ગણાવી હતી. વિખ્યાત વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કહે છે: ‘સ્વર સાથે ભગવાનનો સીધો સંબંધ છે. કોઇ પણ કલાકાર રિયાઝ કરતો હોય ત્યારે એટલો સમય પ્રાર્થના કરતો હોય છે.’ સ્વરસાધના એ જ પ્રભુસાધના!
માનવ ઈતિહાસમાં નોંધાયેલ બે ગવૈયા કોણ હતા? રામના સુપુત્રો કુશ અને લવ રામાયણનું ગાન કરનારા ગવૈયા હતા. નૈમિષારણ્યમાં એમણે રામને પણ રામાયણગાન સંભળાવ્યું હતું. આજે પણ ગવૈયાઓ માટે ‘કુશીલવ’ શબ્દ પ્રયોજાય છે. કુશ અને લવના સંગીતથી તે સમયના ઋષિમુનિઓ લયલીન થયા હતા.
વરાહ ઉપનિષદમાં વિશ્વમાં વ્યાપેલા લયનો મહિમા થયો છે. એમાં ઋભુ ઋષિ કહે છે: ઇન્દ્રિયોનો નાથ મન છે, મનનો નાથ પ્રાણવાયુ છે, પ્રાણવાયુનો નાથ લય છે, માટે પ્રાણના નાથ એવા લયને શરણે જાવ! (2, 80) જીવનમાં લયલીનતા પ્રાપ્ત થઇ હોય એવી દુર્લભ ક્ષણો કેટલી? લોકો વાતવાતમાં ‘તલ્લીનતા’ શબ્દ પૂરું સમજ્યા વિના વાપરે છે. તલ્લીન (તદ્કલીન) થવું એટલે સંપૂર્ણપણે તેની (પ્રભુની) સાથે એકાકાર થવું.
સંગીતની કોઇ પણ મહેફિલમાં તમને બે પ્રકારના શ્રોતાઓ જોવા મળશે: તાળી પાડવામાં ઉતાવળ કરનારા અને રસાનંદમાં એકાકાર થઇને મૌનમાં સરી પડનારા. જે સંગીતસાધક મંચ પરથી સૂર વહેવડાવે તેને બીજા પ્રકારના શ્રોતાઓની ગરજ હોય છે. મહેફિલમાં સંગીતકારને દાદ આપવી એ ફરજ છે, પરંતુ મનોમન દુઆ આપવી એ તો રસનિમજ્જન પછી પ્રાપ્ત થતી સમાધિ છે.
આપણા શાસ્ત્રીય સંગીતમાં સમાધિની શક્યતા રહેલી છે. એમાં ગાયક અને ભાવક ભેગા મળેલા દેવદૂતો જ છે. એક તાનસેન અને બાકીના કાનસેન! આપણે ‘કાનસેન’ થઇએ તોય ઘણું!
અમેરિકાના એક મેટ્રો સ્ટેશન પર બનેલો પ્રસંગ સ્નેહલ મુઝુમદારે નોંધ્યો હતો. એક વાયોલિનવાદકે ચાર કલાક સુધી સંગીતકાર Bachના સ્વરાંકનો મધુર ધ્વનિમાં વહેતાં મૂક્યાં. એ સમયગાળામાં બે હજાર જેટલા લોકો ત્યાં આગળથી પસાર થયા. કેટલાકે ચાલવાની ઝડપ ઓછી કરી, પરંતુ પછી થોભ્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું. કેટલાકે ત્યાં મૂકેલી હેટમાં પૈસા નાખવાની પરવા તો કરી, પરંતુ ત્યાં થોભીને સંગીત માણવાનું યોગ્ય ન માન્યું. એકાદ બે વ્યક્તિઓ ક્ષણ-બે-ક્ષણ માટે રોકાઇ ખરી, પણ પછી ઘડિયાળમાં સમય જોઇને ચાલતી થઇ.
એક બાળક ત્યાં રોકાઇ ગયો, પરંતુ તેની મા એનો હાથ ઝાલીને ઘસડી ગઇ. બાળક પાછું વળીને જોતો રહ્યો. ચારેક કલાક બાદ વાયોલિનવાદક થંભી ગયો ત્યારે વાતાવરણમાં અનોખી સંગીતમય શાંતિ પ્રસરી ગઇ. એ શાંતિમાં સન્નાટો ન હતો. આખરે સ્વર પણ શાંતિના સામ્રાજ્યમાંથી જન્મ પામતો હોય છે.
સંગીતકાર પણ આખરે તો વિશ્વમાં વ્યાપ્ત એવા લયને જ પ્રગટ કરતો હોય છે. સંગીત સમાપ્ત થયું ત્યારે ન કોઇએ તાળી પાડી કે ન કોઇએ એ કલાકારને બે સારા શબ્દો કહ્યા. એ કલાકારે જે વાયોલિન પરથી મધુર સંગીત વહેતું મેલ્યું હતું, તેની કિંમત આજથી દોઢ દાયકા પહેલાં 35 લાખ ડોલર જેટલી હતી.
2011ના વર્ષમાં એ કલાકારે તે જ શહેરના જાણીતા હોલમાં વાયોલિનવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે ટિકિટનો ભાવ 200 ડોલર હતો. એ કલાકાર વિખ્યાત વાયોલિનવાદક જોશુઆ બેલ. મેટ્રો સ્ટેશન પર પ્રચ્છન્ન વેશે વાયોલિન વગાડવાનો આવો પ્રયોગ લોકોની રુચિ અને વૃત્તિ જાણવા માટે જાણીતા અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’એ આયોજિત કર્યો હતો.
આપણી નિશાળોમાં ભણતાં બાળકો સુધી સંગીતનું શિક્ષણ પહોંચે છે ખરું? જે માણસને તાલ અને સૂરની સહજ સમજણ પણ ન હોય તે પીએચ.ડી. થયેલો હોય તોય ‘અભણ’ ગણાય. ક્યાંક તાલ કે સૂર તૂટે ત્યારે જરાય ખલેલ ન પામે તે માણસ અધૂરો માણસ છે. સંગીતને સામે છેડે ઘોંઘાટ હોય છે. મહાનગરોમાં જ્યાં જાઓ ત્યાં બસ ઘોંઘાટની જ બોલબાલા! ઘોંઘાટના આક્રમણ સામે સંગીત હારી રહ્યું છે.
આપણી ભારતીય પરંપરામાં સંગીત ભક્તિ સાથે જોડાયેલું રહ્યું. પશ્ચિમમાં એ મનોરંજન સાથે જોડાયું. આપણી નિશાળો ને કોલેજોમાં કોઇ પણ જીવંત આચાર્ય ઝાઝા ખર્ચ વિના સંગીતનું પર્યાવરણ સર્જી શકે તેમ છે. એવું પર્યાવરણ સર્જનારા એક આચાર્ય આપણી વચ્ચે હતા.
અમદાવાદની જાણીતી વિદ્યાનગર હાઇસ્કૂલમાં વર્ષો પહેલાં આચાર્ય સ્વ. હિંમત કપાસીએ નાનીમોટી રિસેસ વખતે પણ દરેક વર્ગમાં ગોઠવાયેલાં સ્પીકરો પરથી મોઝાર્ટ, બીથોવન, પંડિત રવિશંકર, બિસ્મિલ્લા ખાં, બડે ગુલામઅલી ખાં અને પંડિત ઓમકારનાથજીના સંગીતને વહેતું કરીને વિદ્યાર્થીઓને ‘કાનની કેળવણી’ આપી હતી. વાહ વાહ રામજી!
ભારતીય સંગીતમાં ઉપાસનાનું તત્ત્વ સહજપણે વણાઇ ગયું છે. અન્ય કોઇ સંસ્કૃતિ પાસે રાગ-રાગિણીનો આવો સ્વરવૈભવ હશે ખરો? આપણે ત્યાં તો ચાર વેદ સાથે સ્થાન પામેલા ચાર ઉપવેદોમાં ગાંધર્વવેદને પણ સ્થાન મળ્યું છે.
ચીનના ફિલસૂફ અને સુરાજ્ય કેવું હોય તેના પર વિચાર કરનારા શાણા મનુષ્ય કન્ફ્યુશિયસે કહેલું: ‘તમારે જો શાસન કેવું હોય તે જાણવું હોય, તો લોકોમાં કેવું સંગીત પ્રચલિત છે તેની તપાસ કરો.’
ઘણાખરા વક્તાઓને ખ્યાલ નથી હોતો કે સારા પ્રવચનમાં પણ એક પ્રકારની રીધમ હોય છે. ‘રીધમ’ શબ્દ મૂળે ‘ઋતમ્’ પરથી આવેલો છે.
પ્રવચન પણ બેસૂરું અને બેતાલું હોઇ શકે છે. કર્કશ અવાજે પ્રવચન કરવું એ માઇક્રોફોન પરથી શ્રોતાઓને માથે મારવામાં આવતો આતંકવાદ છે. કોઇ સુજ્ઞ શ્રોતાને પણ ન સમજાય તેવું બોલનારા વક્તાઓ કદી ટૂંકું પ્રવચન નથી કરતા. એમની અકરુણા શ્રોતાઓ વેઠતા રહે છે. આવો પ્રચ્છન્ન આતંક પ્રજાને કોઠે પડી ગયો છે.
શોપાનહોઅર કહેતા કે ઘોંઘાટ સહન કરવાની શક્તિ એ અસભ્યતાની નિશાની છે. વાતમાં દમ છે. હવે જ્યારે પણ કોઇ સંગીત કલાકાર સામે મળે, ત્યારે એને દેવદૂત તરીકે જોવાનું રાખશો? કદાચ એમ કરતી વખતે તમે પણ દેવદૂત બની રહો એ શક્ય છે. પાઘડીનો વળ છેડે
માણસમાં પડેલી શક્યતાઓ
ઉત્તમ વાયોલિનમાં પડેલી
શક્યતાઓ જેવી જ છે!
- જીન હ્યુસ્ટન (‘The Possible Human’ પુસ્તકમાંથી) }
સ્વરૂપ Says:કટિંગ ભેગાં કરવાં: ભૂતકાળની સ્મૃતિઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/collecting-cuttings-memories-of-the-past-135229451.html

સ્વરૂપ સંપટ ક સમયે સાવ સામાન્ય બાબતોમાંથી પણ આનંદ મળતો. જેમ કે, શાંતિથી બેસીને ચા પીવી, કાતરથી મેગેઝિન કે છાપાંમાંથી કટિંગ કાપવાં. મારા માટે તો કટિંગ કાપીને ભેગાં કરવાં એ શોખથી વિશેષ મારી જીવનશૈલી હતી. કલાકો સુધી હું પાનાં ફેરવતી અને કાળજીપૂર્વક મારે શું જોઇએ છે તે પસંદ કરતી - કોઇ વાનગીની રીત, સુંદર ડિઝાઇનર ડ્રેસ કે ઇન્ટિરિયર ડેકોરેશનના આઇડિયાઝ, એમ્બ્રોઇડરીની પેટર્ન હોય કે કોઇ પ્રેરણાત્મક વાક્ય પણ હોય! આ કટિંગ્સ મારા માટે પ્રેરણાનો અંગત ખજાનો હતાં.
મને યાદ છે, 1972માં યુગાન્ડાના તત્કાલીન પ્રમુખ ઇદી અમીને ત્યાં રહેતાં તમામ ભારતીયોને માત્ર 90 દિવસમાં જ દેશ છોડી દેવાનો આદેશ કર્યો. એ ભારતીયોમાં એક મારાં માસી પણ હતાં, જે નૈરોબીમાં રહેતાં હતાં. એમણે પોતાનો તમામ કિંમતી સરસામાન ત્યાં છોડી દીધો - માત્ર તેમનાં મેગેઝિન અને છાપાંનાં કટિંગ્સનો સંગ્રહ એ સાથે લાવ્યાં.
કેનેડા જતાં પહેલાં તેમણે એ બધું મને સોંપ્યું. એ માત્ર કટિંગ્સનું બંડલ નહોતું, તેમાં અનેક યાદો, સપનાં અને વર્ષોજૂનાં અરમાનો હતાં. મેં એ બધું મારાં વિકસી રહેલાં શોખમાં ઉમેરી દીધું જેના પરિણામે મારા ઘરમાં ક્યાંય જગ્યા ન રહી. મારી લાઇબ્રેરી ભરતગૂંથણ, કુકિંગ, ઘરગથ્થુ ઉપાયો વગેરેના આઇડિયાઝથી છલકાતી હતી.
એ પછી તો આ રીતે કલેક્શન કરવાનું સામાન્ય બની ગયું. આજે તો તમને જવલ્લે જ આવું જોવા મળશે. કારણ? સૌથી પહેલું તો એ કે લોકોનું વાંચન સાવ ઘટી ગયું છે. પ્રિન્ટ પ્રકાશનોમાં ઘટાડો થવાની સાથે હવે પેપર કે મેગેઝિન હાથમાં લઇને વાંચવાનું વધારે મુશ્કેલ લાગે છે. જ્યાં જુઓ ત્યાં ડિજિટલ મીડિયાની બોલબાલા છે. પરિણામે, મેગેઝિન હાથમાં લઇ તેના પાનાં પલટાવવા અને તેમાંથી કંઇક એવું શોધવું જે સાચવી રાખી શકાય તેનો સદંતર અભાવ જોવા મળે છે. આજે લોકો પોસ્ટને લાઇક અથવા ટેગ કરે છે અથવા તેમના ફોનમાં સ્ક્રીનશોટ સેવ કરે છે, જે માંડ એકાદ દિવસમાં જ સ્ક્રોલિંગ કરવામાં ખોવાઇ જાય છે.
આજે ડિજિટલ આર્ટ અને કોલાજ-મેકિંગ લોકપ્રિય બની રહ્યા છે, ત્યારે અનેક કલાકારો સોફ્ટવેરની મદદથી સુંદર કામ કરે છે. ઇમેજીસને ડ્રેગ અને ડ્રોપ કરવાનું સરળ બની ગયું છે, જ્યારે મેગેઝિનમાંથી કટિંગ કાપીને સાચવી રાખવાની આદત હવે આઉટ-ડેટેડ થઇ ગઇ છે. ઘણા લોકોને જેમની પાસે આજે પણ કટિંગ્સ સાચવેલાં હોય તે ઉત્સાહસભર આનંદ અનુભવે છે. ગમે તેટલાં ફોટા કે કટિંગ્સ હોય તેને સાચવવાં, સરખાં ગોઠવવાં એ સહજ કામ લાગે છે. જે એક સમયે શાંતિ પ્રદાન કરતા હતાં, તે આજે પસ્તી લાગે છે અને લાગણીભરી એ પ્રક્રિયા જેનાથી થ્રિલ અનુભવાતી હતી, તે હવે જાણે કંટાળાજનક બની ગઇ છે!
છતાં આપણામાંના ઘણામાં હજી પણ મેગેઝિનના કટિંગ્સ એકત્રિત કરવાની ઇચ્છા જીવંત હોવી જોઇએ. તે એક રીતે તે ઉપચાર પણ છે. છાપાં કે મેગેઝિનમાંથી કટિંગ કાપવામાં કેટલી શક્તિ છે!
કદાચ તમારામાંના કોઇ આજે પણ નિયમિત રીતે આમ કરતાં હશે. કોલાજ બનાવવા, ડાયરીનાં પાનાં પર લગાવવા માટે ફોટા કાપીને ભેગાં કરવાં એ એક કલા છે. જ્યારે પણ તમને સ્ટ્રેસ અનુભવાય કે મૂડ ન હોય, ત્યારે કાતર અને મેગેઝિનની થપ્પી લઇને બેસી જવાથી જ મારો તો મૂડ સારો થઇ જાય છે. એમાં કંઇક તો એવું છે - કદાચ કાગળ ફેરવવાનો એ અવાજ, સાચવીને કટિંગ કરવા માટે હાથ ચલાવવો. એક યોગ્ય કે સારું ચિત્ર કાપવાનો આનંદ કંઇક અનેરો જ છે.
આ એક સાદું કાર્ય પણ ઘણો લાભ કરે છે, તેનાથી સ્ટ્રેસ ઘટે છે, અવિરત વિચારોને શાંત કરવામાં મદદ મળે છે અને મૂડ પણ સારો બને છે. જ્યારે હું કટિંગ ભેગાં કરું ત્યારે હું સંપૂર્ણપણે કંઇક સાર્થક કામમાં લાગેલી હોઉં એવું લાગે છે. હું નાનાં-નાનાં નિર્ણયો લઉં છું - શું રાખવું, શું જવા દેવું અને એથી વિશેષ મારી જાતને શાંત, રચનાત્મક રીતે વ્યક્ત કરું છું. હું એક કોલાજ બનાવું કે માત્ર એક ફોલ્ડર જ વ્યવસ્થિત ગોઠવું ત્યારે મને સંતોષ અનુભવાય છે, જાણે કે મેં કંઇ ન કરવા છતાં કંઇક કર્યું હોય.
અલબત્ત, જીવન બદલાવા સાથે શોખ પણ બદલાય છે. મોટા થવા સાથે જૂની આદતો વિસરાય છે અથવા ઘણી વાર એ આદતો પુન: અપનાવવામાં વ્યસ્તતા નડી જાય છે. તેનો અર્થ એવો
નથી કે એ આનંદ કાયમ માટે ખોવાઇ ગયો છે. આપણે તેને પાછો શોધી શકીએ છીએ.તમારા કલેક્શનને નિયમિત રીતે ગોઠવો અને તેમાંથી જે જોઇને તમે કંટાળી ગયા હો કે વધારે ઉપયોગ કર્યો હોય તેને કાઢી નાખો.
બીજો રસ્તો એ છે કે નાના પણ રચનાત્મક ધ્યેય રાખો - જેમ કે, મૂડ બોર્ડ બનાવો, ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરો અથવા આર્ટ જર્નલ બનાવો. તમારા ક્લિપિંગ્સને સુવ્યવસ્થિત ગોઠવો. આ પ્રક્રિયા કરતી વખતે તમારા ટુ-ડુ લિસ્ટમાં બીજું કોઇ કામ ન હોવું જોઇએ. એ આનંદ, પ્રયોગ, રમત અને કઇ રીતે તમે શરૂઆત કરી હતી, તેના પુન:શોધનથી ડરવાની જરૂર નથી.
હા, હવે મેગેઝિન ઓછા લોકો વાંચે છે. હવે ટેક્નોલોજી બદલાઇ છે, કે આપણે કઇ રીતે તેને સાચવીએ અને શેર કરીએ. જોકે હજી પણ કાગળ પર કંઇક એવું કિંમતી છે, જેની કાળજીપૂર્વક પસંદગી કરીને. સુંદર રીતે સજાવવું. શાંત પળોમાં માત્ર કાતર અને ગુંદર સાથે આ કાર્ય થાય છે. આ જ સ્મૃતિ છે અને એ જ આનંદ છે. }
તર...બ...તર:સંતાનો માટે મહેનત કરી હોય એ પિતા સ્વર્ગમાં જ હોય
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/may-the-father-who-worked-hard-for-his-children-be-in-heaven-135229461.html

હરદ્વાર ગોસ્વામી ત્રે પૂછ્યું, ‘રામે પિતાનું કહ્યું માન્યું અને પ્રહલાદે પિતાનું કહ્યું ન માન્યું, તો મારે શું કરવું જોઈએ?’ પિતાએ કહ્યું, ‘આજના સમયમાં તારે અને મારે તારી મમ્મીનું કહ્યું માનવું જોઈએ, એ જ બંને માટે હિતાવહ છે.’
જીવનના પાઠ હસતા હસતા શીખવી દે એ પિતા. જ્યારે પિતા દોસ્ત બની જાય ત્યારે પુત્ર હૃદય ખોલે છે, શબ્દોને ચોરવા નથી પડતા અને મનની વાત મોં સુધી આવી જાય છે. એકબીજાની મજબૂરી અને મજબૂતી વિશે કહ્યા વગર જાણતા હોય છે. બાળકને ઢોલ લેવો હોય તો એને ઢોલ પીટવો ન પડે, રમકડાની દુકાન તરફ આંખ જાય એટલે પિતાને ખબર પડી જતી હોય છે.
પ્રેગાન્યૂઝનું કન્ફર્મેશન બ્રેકિંગ ન્યૂઝથી કમ નથી. પ્રથમ બાળકના જન્મ વખતે જગતની પિતાની યાદીમાં તમે તમારું નામ લખી નાખો છો. આ એકસ્ટસી વખતે રમકડાંની આખી દુકાન ખરીદવાનું મન થઇ જાય છે. પરિવારમાં એક નવા સભ્યના આગમનનો આનંદ અદકેરો હોય છે.
આમ તો પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઇ શકાતું નથી પણ તમે પિતા બનો એ સાથે થોડા મુક્ત થવાય છે. જ્યારે કંસ કૃષ્ણને રાજમહેલમાં રહેવા માટે આમંત્રણ આપે છે ત્યારે એનો અસ્વીકાર કરી કહે છે કે ‘મારા માતા પિતા જેલમાં હોય ત્યારે હું મહેલમાં કઈ રીતે રહી શકું?’
સૌમ્ય જોશીનું મિડલ કલાસ બાપનું ટોપ ક્લાસ નાટક ‘વેલકમ જિંદગી’ પિતા-પુત્ર વચ્ચેનો આઈસ બ્રેક ઓગાળે છે. મજાની વાત એ છે કે સ્કોચની બોટલ ગ્લાસમાં રેડાય છે અને એમાં આઈસ પડે છે, એ સાથે બે જનરેશનનો આઈસ બ્રેક થાય છે. સૌરાષ્ટ્રની મધ જેવી મીઠી ભાષાની સુગંધ સંવાદોમાં પડઘાય છે અને કાનને જલસો પડી જાય છે.
પિતા એની વેદના વ્યકત કરતા કહે છે કે ‘હવે આપણને એમ થાય કે કેવો તોડી નાખે એવો પ્રેમ કયરો આપડે આપડા દીકરાને, ને એને કિંમત નથી. (પોઝ) પણ સાહેબ ઈ પ્રેમ કયરો ક્યારે ઈ તો જુઓ....? ઈ સમજણો થ્યો ઈ પે’લા ને ઊંઘી ગ્યો ઈ પછી.. ઓલો 96ની સાલનો FIFA World Cup ચાલતો’તોને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું કે ‘પપ્પા મને છેને તે ફૂટબોલ લાવી દ્યો. એટલે મેં નક્કી કયરું’તું કે દાદરમાં આપડું Fortune Sports છે ને ન્યાંથી એને ટૂર્નામેન્ટ ક્વોલિટીનો football લાવી દઈસ. એ બિચારો પંદર-વીસ દિવસથી માગ્યા કરતો’તો. પણ હું છે ને આમ(નિસાસો) નવું નવું થાકવા માંડ્યો’તો. સાલી આપડી ચૌદ કલાકની નોકરી પછી ટ્રેનમાં દાદર આવતું ને તો એમ થતું કે આજે રેવા’દો, કાલે ઊતરીસું. ને એમાં એક દિવસ હું ઘરે પોંચ્યોને તો વિવેક(પુત્ર)ના હાથમાં નવો football હતો ને એણે મારી બાજુ ફેંકીને કીધું કે ‘પપ્પા કેચ’. હવે હું આમ થાકી ગ્યો’તો ને એમાં મારાં ચસ્માં પડી ગયાં એટલે મેં બોલ બારી બા’ર ફેંકીને વિવેકને લાફો મારી દીધો..
પણ હવે સમજાય છે સાહેબ કે ઈ ચીડ છે ને કદાચ ચસ્માં ફૂટ્યાંની નો’તી. હું ચિડાયો હોઇસ પેલા સાત વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને ઈ મારે જ લાવવો’તો... ઈ ઘટના ઊંધી થઇ ગઈ... એણે જે મારી બાજુ ball ફેંકીને ‘કેચ’ કીધું ને ઈ એની બાજુ ફેંકીને મારે કેવું’તું.. સાલી ઘટના જ ઊંધી થઇ ગઈ. ઈ લાફો છેને કદાચ એનો વાગી ગયો.. હું નીચેથી બોલ લઇ આયવો. વિવેક તો રડતાં રડતાં સૂઈ ગ્યો’તો. પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો, એકદમ વ્હાલથી, પણ ઇયે ક્યારે ? ઈ ઊંઘી ગ્યો ઈ પછી. આમ તો ઈ જાગતો હોય ત્યારે મારે એને sorry કે’વા જેવું હતું. કાંઇક વાત કરવા જેવી હતી એની સાથે, પણ ઈ વાત હું નો કરી સક્યો. સાહેબ, આ જે આપડે વાત નથી કરી સકતા ને ઈ આપડી મોટામાં મોટી તકલીફ...’
આ બાળકો પે’લા boll ફેંકે છે ને પછી they throw thoughts. અને ઈ જ્યારે thoughts ફેંકેને ત્યારે આપડી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય છે. પિતા પુત્ર વચ્ચે સંવાદ તૂટ્યો ને ત્યારથી વિસંવાદ ઘર કરી ગયો. પ્રવાસમાં પરિવાર સાથે જઈએ ત્યારે સોશિયલ મીડિયાને અલવિદા કહેવું જોઈએ અને માત્ર વાતમેળો હોવો જોઈએ. વદતોવ્યાઘાત એ છે કે સોશિયલ મીડિયાને કારણે માણસ સોશિયલ રિલેશનથી દૂર થયો છે. એટલિસ્ટ દિવસમાં એકવાર થોડો સમય માટે પણ પિતા-પુત્રે સાથે બેસવું જોઈએ.
પ્રથમવાર ફાધરહૂડનું એનાલિસિસ સિગ્મંડ ફ્રોઈડ દ્વારા થયું. માણસ સિવાયના સજીવો બચ્ચું મોટું થાય એટલે એને કોઈની જરૂર નથી પડતી. પહેલાના સમયમાં એવું હતું કે બાળકનો ઉછેર મા કરે, પણ હવે માતા પિતા બન્ને ધ્યાન આપે છે. મોર્ડન કેરગિવિંગ પદ્ધતિ બદલાણી છે.
વિજ્ઞાન કહે છે કે માતાપિતા સાથે મળી બાળકનો ઉછેર કરે તો બાળક પ્રતિભાવાન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકોને મોટા ભાગે માતાઓએ ઉછેર્યા હોય એ વધુ સંવેદનશીલ બની જતા હોય છે, ઘણીવાર ડિપ્રેશનનો ભોગ પણ બનતા હોય છે. પિતા દ્વારા ઉછેરેલા પુત્ર જિદ્દી હોય છે અને તે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લે છે.
મોટા ભાગના સાહિત્યકારોના પુત્ર સાહિત્યલેખન તરફ વળતા નથી, પિતાને મળતા પુરસ્કાર એમણે નજીકથી જોયા છે. સૌથી અઘરી કળા સાહિત્યસર્જન છે અને સૌથી ઓછો પુરસ્કાર એને જ મળે છે.
જ્યાં પગ રાખવાનું પસંદ ન હોય ત્યાં જઈને પુત્ર માટે નાચ પણ કરી આવે એ પિતા. પિતાનો પ્રોબ્લેમ એ હોય છે કે એને છાતી ચીરતા આવડતું નથી, પ્રદર્શન નહીં પણ પ્રશાંત પ્રસ્તુતિ. પિતાની ક્ષમતા કરતા માની મમતા વિશે હંમેશાં વધુ લખાયું છે. ‘ચુપચુપ ચાહત’વાળી લખચોરાશી લાગણી પિતાની હોય છે. મા ન હોય તો ઘર ખાવા દોડે અને પિતા ન હોય તો આખી દુનિયા ખાવા દોડે છે.
પિતા કુમ્ભલગઢનો કિલ્લો છે, કોઈ પણ આપત્તિ એની પાસે પરાસ્ત થઇ જાય છે અને પુત્રના ભાગે તો આવે છે ઉજવણી, ઉલ્લાસ અને ઉમંગ... ઘડપણમાં દીકરાએ બાપ બનીને બાપનું ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં બાપ પોતાની ખરીદી છેલ્લે રાખે છે, જો રૂપિયા વધે તો ખરીદે, બાકી કહી દે કે ‘મારે હમણાં જરૂર નથી’
પિતાને જયારે અગ્નિદાહ અપાય ત્યારે આગ અંદર લાગતી હોય છે. ખરેખર તો 12 દિવસ પછી ખરો શોક લાગતો હોય છે. પિતા ન હોવાની હાજરી પળેપળ વર્તાય છે. કોઈ વિકટ પળ આવે ત્યારે એક મજબૂત ખભો શોધતા હોઈએ છીએ અને એ ખભો તો ધુમાડો બની અદૃશ્ય થઇ ગયો હોય છે. પિતાના અવસાન પછી થાય છે કે ‘એમના માટે કેટલું બધું કરવાનું બાકી હતું, એમણે જે કર્યું એના દસમાં ભાગ જેટલું પણ થયું હોત તો સારું !’
‘સંજુ’ ફિલ્મમાં નાયક જે વાત પિતાને કહી ન શક્યો એ ચિઠ્ઠીમાં લખીને મૃતદેહ પર મૂકે છે. સાડા પાંચ ફૂટનો એક મરદ મૂછાળો પહાડને પણ ચૂર કરી દેનારો થોડી ક્ષણમાં રાખ બની જાય એ માન્યામાં ન આવે ! ત્યારે રાડ પાડીને કહેવાનું મન થાય કે પપ્પા ફિનિક્સ બનો.. આપણો અવાજ સ્વર્ગ પહોંચતો નથી, નહીંતર પપ્પા દોડતા પાછા આવત...
આવજો...
મૌન એ શાણપણનો પોશાક છે. (તમિલ કહેવત) }
ચેતન શુક્લ અજવાળાની શોધમાં; પ્રકરણ-12 વે થોડા ઊંચા સ્વરે કહ્યું, ‘જેકી સો વાતની એક વાત—કેપ્ટન હવે તને જીવતો નહીં રાખે.’
‘એ શક્ય નથી… અમદાવાદનો આખો કારોબાર મારાથી ધમધમે છે.’
‘જેકી એ કારોબાર હવે ધૂળધાણી થઈ ગયો છે. તને વિશ્વાસ ના આવે તો આ ફોન પતે એટલે જમીનદોસ્ત થયેલી ‘ગોદાવરી ક્લબ’ના ફોટા મેં મોકલ્યા છે એ જોઈ લેજે. કેપ્ટન તને બકરાની જેમ વધેરી નાખશે.’
‘પણ એમાં મેં શું કર્યું?’
‘લિપ્સા સાથેના આ કાંડ માટે હવે તું જવાબદાર છું, કારણ કે સંતોષ અત્યારે અમારી કસ્ટડીમાં છે અને એણે બધું જ બકી નાખ્યું છે.’
‘સંતોષ પકડાઈ ગયો?’
‘હા, હવે મૂળ વાત સાંભળ. કેપ્ટને પાંચ કરોડ તાત્કાલિક માગ્યા છે અને એ મળે પછી એ લિપ્સા માટે આગળનો સોદો કરશે એવું લિપ્સાના ફાધરને ફોન કરી જણાવ્યું છે. તું જો જીવ બચાવવા માગતો હોય તો તારે મને સાથ આપવો પડશે.’
‘ઓહ… તો મારે એમાં શું કરવાનું છે?’
‘અત્યારે તમે લોકો ‘હિન્દ પેટ્રોલિયમ’ પર ઊભા છો. આ ફોન પતે એટલે તારો ફોન બંધ કરીને રસ્તામાં નાખી દેજે. ને પાંચેક કિલોમીટર પછી આવતી ‘સદાનંદ હોટલ’ પર તમે લોકો જમવા માટે ઊભા રહેજો અને ત્યાં તું મારા માણસોને લિપ્સા સોંપી દેજે.’
‘એમાં મને શો ફાયદો થશે?’
‘તું કેપ્ટનના ચુંગાલમાંથી છૂટીશ અને લિપ્સાના બદલામાં તને એ લોકો પાંચ કરોડની બેગ આપશે.’
‘હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે લોકો મને પકડશો નહીં કે મને...’
‘તારી પાસે બીજો કોઈ વિકપ્લ્પ જ નથી. આ રકમ તને બચાવવા માટે નથી પણ લિપ્સાના બદલામાં છે. તું કેપ્ટન સુધી નહીં પહોંચી શકું એ નક્કી. કેપ્ટન વેરાવળથી નીકળી ચૂક્યો છે એટલે એ તને રસ્તામાં જ મળશે.’
‘પણ મને એનાથી શેનું જોખમ?’
‘હજુય તું મારી વાત સમજ્યો નહીં. અમે તો તમને વીરપુર ચોકડી પાસેના ચેકિંગ વખતે જ પકડવાના હતા પણ કારમાં લિપ્સા જ છે એ નક્કી ના થઈ શક્યું ને એ ભરચક ટ્રાફિકવાળા રસ્તે અમારે જોખમ નહોતું લેવું, કારણ કે તારી પાસે પિસ્તોલ છે અને અમારે હવે એ જોવાનું છે કે લિપ્સાને એક ઘસરકોય ના પડે.’
‘મારી પાસે પિસ્તોલ છે એવું કોણે કહ્યું તમને?’
‘પચીસ વર્ષોથી હું પોલીસમાં છું ને મારી ટીમમાં પણ એવા જ લોકો હોય જે ચાલાક હોય. વીરપુરમાં તારી ગાડીનાં કાગળિયાં તપાસી રહેલા કોન્સ્ટેબલે કહ્યું કે તારા જમણી બાજુના ખિસ્સામાં પિસ્તોલ છે.’
જેકીએ તેનો બીજો હાથ જમણી બાજુ ફેરવ્યો. એ બોલ્યો, ‘જો હું અત્યારે જ ફોન અહીં ફેંકી દઉં અને તમારી આ વાતમાં સંમત ના થઉં તો શું?’
‘કોઈ જુવાનનું અમારા હાથે મૃત્યુ થાય એ અમને સહેજેય ના ગમે. ને તારા મૃત્યુ પછી વેરાવળમાં રહેતી આયશાનું શું થાય એની પણ અમને ચિંતા છે કે એ બિચારી બે વરસના છોકરા સાથે ક્યાં જશે.’
આયશાનું નામ સાંભળી જેકીને પરસેવો છૂટી ગયો, ‘તમને આ બધું ક્યાંથી ખબર પડી?’
‘મેં કહ્યું તો ખરું કે સંતોષ અમારી કસ્ટડીમાં છે.’
‘સાલો સંતોષ… ગદ્દાર.’
‘એ તો બચી ગયો. જો તારે પણ તારા એ કેપ્ટનની જેમ રસ્તા પર આવી જવું હોય તો ઠીક છે. વેરાવળની પોલીસ તો આયશાની સરભરા કરવા તૈયાર જ બેઠી છે.’
થોડીવાર કોઈ કશુંય ના બોલ્યું. જેકીએ પરસેવો લૂછ્યો ને પછી વિચારીને બોલ્યો, ‘ઓકે...હું તૈયાર છું. ‘સદાનંદ હોટલ’ પર હું રૂમાલથી ઈશારો કરું ત્યારે આવીને લિપ્સાને લઈ જજો. પણ જે આવે તેને સાદા ડ્રેસમાં રહેવાનું કહેજો, કારણ કે અમારો ડ્રાઈવર પણ ઘણો શાતિર છે.’
‘હું જાણું છું કે એની પાસે પણ પિસ્તોલ છે, પણ હવે તારો ફોન બંધ કરી દેજે.’ ફોન કટ થયો એટલે એણે તરત જ ‘ગોદાવરી’ની તબાહીના ફોટા જોયા. કારમાં બેસતાં પહેલાં એણે મનમાં કશુંક વિચાર્યું ને ફોન સ્વિચ-ઑફ કરી દીધો. ઘેનની અસરમાંથી મુક્ત થયેલી લિપ્સાની આંખો ચકળવકળ ફરી રહી હતી. એ માનસિક રીતે તો હજુય સ્વસ્થ નહોતી, માથું દુખવાની ફરિયાદ કરતી હતી. કાર જેવી ઊપડી એટલે એણે ડ્રાઈવર સામે જોઈને કહ્યું, ‘હવે આગળ ‘સદાનંદ હોટલ’ પર જમવા માટે ઊભી રાખવાની છે એવું કેપ્ટને કહ્યું છે.’
કેપ્ટનનો આદેશ હતો એટલે કોઈ વિરોધ વગર કાર ‘સદાનંદ હોટલ’ પર ઊભી રહી ત્યાં સુધી જેકીએ સતત પોતાની જાતને સવાલો પૂછ્યા કર્યા અને સામે આવેલા જવાબોનું વિશ્લેષણ કર્યા કર્યું. નાનપણથી એનો સ્વભાવ બંડખોર રહ્યો હતો એટલે કોઈનું કહ્યું કરવું અથવા કોઈના તાબે થવું એના સ્વભાવમાં જ નહોતું. એણે દરેક શક્યતા વિશે વિચાર કરી લીધો હતો.
એ જાણતો હતો કે પોલીસનો એમ સીધેસીધો ભરોસો કરી શકાય નહીં. પાંચ કરોડ જેવી રકમ તો ફક્ત પ્રલોભન જ હતું. એને થયું કે એ લોકોએ નક્કી કરેલી જગ્યાએ તો ગોળો અને ગોફણ બંને ગુમાવવાનો વારો આવે. એ જાણતો હતો કે મોબાઈલ સ્વિચ-ઑફ કર્યા બાદ પોલીસ એને ટ્રેક કરી નહીં શકે એટલે જે થવાનું હતું એ સદાનંદ હોટલ પરથી જ થવાનું હતું. ‘સદાનંદ હોટલ’વાળો એરિયા તો તેના માટે એકદમ જાણીતો હતો અને આસપાસનાં ઘણાં ગામોમાં એના સાગરીતો હતા એટલે એણે પ્લાન-‘બી’ વિચારીને જ રાખ્યો હતો.
‘તુમ દોનોં અપના ખાના ખતમ કરો, તબ તક હમ બૈઠેં હૈ.’ આવું કહેતાં આન્ટી અને ડ્રાઈવર બંને બહાર નીકળ્યા. લિપ્સાના ચહેરા પર ભય અંકાયો, પણ જેકીના ચહેરા પરના ભાવ જોઈને એણે મન મનાવ્યું. એના માટે તો આગે ખાઈ પીછે કુઆ જેવી હાલત હતી.
આન્ટી લોકો જેવાં હોટલની અંદર પ્રવેશ્યાં કે જેકી તરત જ ડ્રાઈવર સીટ પર બેઠો. એણે હોટલના એક ખૂણે ઊભેલી એક કારની બહાર ઊભેલા બે જણને જોઈને અંદાજ લગાવી દીધો હતો કે આ બે જણથી જ બચીને ભાગવાનું છે. એણે કારના મિરરમાં એ બાજુ નજર કરી તો એ લોકો પણ આન્ટી લોકો અંદર જાય એની રાહ જોતા હતા. જેકીએ કાર સ્ટાર્ટ કરી ત્યારે એ બંને એની કાર બાજુ આવી રહ્યા હતા. ચાલ પરથી જ પોલીસમેન લાગતા એ બંનેમાંથી એકના હાથમાં ડફલબેગ હતી.
આંખના પલકારામાં એણે કાર ત્યાંથી હંકારી મૂકી ને લિપ્સાએ ચીસ પાડીને પૂછ્યું, ‘એ જેકી આપણે ક્યાં જઈએ છીએ?’
‘તને આન્ટીએ લાફો માર્યો ત્યારે જ મેં નક્કી કરી દીધું હતું કે મારે જ તને હવે આ લોકોથી બચાવવી પડશે.’
જેકીની વાત સાંભળી લિપ્સાને અવઢવ થઈ એવી જ અવઢવ પેલા બંને પોલીસમેનને થઈ એટલે તાત્કાલિક એક્શનમાં આવવાને બદલે એ બંનેએ કંટ્રોલરૂમ પર ફોન કર્યો.
થોડેક જ દૂરથી જેકીએ કારને એક ગામ બાજુ વાળી ને સ્પીડમાં હંકારી મૂકી. પાંચેક કિલોમીટર જેવું ગયા પછી કાર એક નેળિયામાં વળી ને એક દરવાજામાં પ્રવેશી. આજુબાજુ સાગ અને નીલગિરિનાં અસંખ્ય વૃક્ષો વચ્ચેથી પસાર થઈને એક ઘરની બહાર પાર્ક થઈ.
ઘરમાંથી બહાર આવેલા એક માણસને જેકીને કારમાંથી નીકળતા જોઈને આશ્ચર્ય થયું ને પછી દોડીને ભેટ્યો. ભરબપોરના લીલછોયાં ઘેઘૂર અંધારમાં લિપ્સા બહાર આવી પછી ત્રણેય જણ અંદર ગયાં. લિપ્સાનું માનસ હજુય કોઈ જુદી દુનિયામાં રાચતું હોય એવું હતું. આ એના જૂના મિત્ર અરજણનું ઘર હતું એટલે જેકી એકદમ નચિંત થઈ ગયો હતો, કારણ કે આવી સૂમસામ જગ્યાએ તો એ મહિના સુધી રહે તોય કોઈને ગંધ ના આવે. કેપ્ટન અને પોલીસ બંને માટે એ કોયડો બની જવા માંગતો હતો. એણે બે દિવસ સુધી નિષ્ક્રિય રહીને લિપ્સાને પોતાના પક્ષમાં કરીને નિકાહ કરવાનું મનોમન નક્કી કરી દીધું હતું.
જેકીને એમ હતું કે એના જેવો શાતિર કોઈ નથી પણ એને ખબર જ નહોતી કે વીરપુર ચેકપોઈન્ટ પર ડેકી ચેક કરનાર કોન્સ્ટેબલે એના સ્પેરવ્હીલની વચ્ચે જીપીએસ ટ્રેકર મૂકી દીધું હતું.
સાંજ પડતા આખો વિસ્તાર ધમધમી ઊઠ્યો હતો એની આરામ કરી રહેલા જેકી અને લિપ્સા તો ઠીક અરજણને પણ ખબર નહોતી.
સુમતિ અને હરસુખભાઈના અજવાળાની શોધ આ સાંજના ઘેરાયેલા ને ઘૂંટાયેલા અંધારમાં પૂરી થવાની અણી પર હતી. ઘર ચોતરફથી ઘેરાઈ ગયું હતું. અરજણે તરત શરણાગતિ સ્વીકારી લીધી. પાછળના દરવાજે ઘરમાં ઘૂસેલા એક કોન્સ્ટેબલે જેકીને હાથકડી પહેરાવી ત્યારે લિપ્સા તો ડઘાઈ ગઈ હતી પણ પછી વાઘેલાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
એ મોડી રાત્રે હરસુખભાઇ અને સુમતિના ઘરમાં દિવાળી હોય એમ દીવા પ્રગટાવેલા હતા. લિપ્સા સહીસલામત રીતે પાછી આવે છે એ સમાચારથી એ બંનેનો હરખ મા’તો નહોતો. કોમલ પણ ત્યાં આવી પહોંચી હતી.
રાવની કાર આવી ત્યારે પરોઢ થઈ ચૂકી હતી. આવીને મમ્મી-પપ્પાને ભેટી પડેલી લિપ્સા ચોધાર આંસુએ રડતી હતી. એનાં પસ્તાવાનાં આંસુ લૂછી રહેલી એની મમ્મીની આંખોમાં મમતા છલકાતી હતી. કોમલ લિપ્સાને ભેટી. રડીને થાકેલી લિપ્સાના ચહેરા પર ઘેર પહોંચ્યાનો આનંદ ફરક્યો ને ત્યારે જ પ્રવેશેલાં પ્રભાતનાં કિરણો આજે કોઈ નવા જ રંગોનું અજવાળું પ્રસરાવી રહ્યાં હતાં. }(સમાપ્ત)
इशावास्यमिदं सर्वं यत् किज्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्यस्विद् धनम् ।।1।।
અર્થ એ છે કે, વિશ્વમાં જે કંઈ ગતિશીલ છે-બદલાય છે, જીવંત છે તે બધું જ, જે શાશ્વત નથી તે બધું જ ઈશ્વરનું જ સ્વરૂપ છે. માણસ પોતે પણ શાશ્વત નથી જ માટે ઈશ્વરે નિર્માણ કરેલા આ જગતના માલિક થવાને બદલે એણે આ જગતને ત્યાગપૂર્વક ભોગવવું જોઈએ-મતલબ, જરૂર પૂરતું માણવું, બગાડ કરવો નહીં અને આવનારી પેઢીઓ માટે આ જગતને યથા-તથા સાચવવાનો પ્રયાસ કરવો.
અન્ય માટે સર્જાયેલી વસ્તુ-એટલે કે, આપણા સિવાય પણ આ જગતમાં લોકો જીવે છે એ યાદ રાખીને પ્રાણી, પશુ, પક્ષી, વૃક્ષ અને પંચતત્ત્વને દૂષિત કરવાને બદલે, એને માટે તૃષ્ણા રાખવાને બદલે એના ટ્રસ્ટી-સંવર્ધક તરીકે કામ કરવું. ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ પૂછે છે કે ધન, અને ભોગ્ય (પેરિશિબલ) વસ્તુઓ કોની થઈ શકી છે?
સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકાય કે પહેલો શ્લોક જ આપણને અહંકાર, ઈર્ષા, દ્વેષ અને માલિકીભાવથી મુક્ત થવાની સલાહ આપે છે. એમાં જ એક શ્લોક કહે છે કે, જીવન જીવવા માટે જરૂરી હોય એટલી જ સંપતિ પર માનવનો અધિકાર છે એ સિવાયનું એકત્રિત કરનાર સમાજ અને ઈશ્વરનો ગુનેગાર (ચોર) છે.
જાણીને આશ્ચર્ય થાય, પરંતુ આજથી હજારો વર્ષ પહેલાં કહેવાયેલા આ ઉપનિષદ એ જ વાતો કહે છે જે આજે પશ્ચિમના એન્વાયર્ન્મેન્ટલિસ્ટ, વૈજ્ઞાનિકો અને યુએનના પદાધિકારીઓ કહે છે! ભારતીય સાહિત્ય અને અધ્યાત્મ વિશે નહીં જાણતા લોકો ભારતને જૂનવાણી કે પછાત દેશ તરીકે વખોડે છે, પરંતુ એકવાર જે ભારતીય સંસ્કૃતિના પરિચયમાં આવે એને સમજાય કે ભારતે કેટલા હજારો વર્ષ પહેલાં એ બધું જ કહ્યું હતું જે આજે કહેવાય છે અને આવનારાં વર્ષોમાં કહેવાશે! આપણી નવી પેઢીને ઉપનિષદ વિશે જણાવવું જોઈએ.
શું છે આ ઉપનિષદ? ‘ઉપ’ (દ્વારા) અને ‘નિ-ષદ’ (બેસવું) એટલે કે નજીક બેસવું. વેદોની નજીક જે લઈ આવે છે-એના વિશેની સમજણ જે જનસામાન્ય સુધી પહોંચાડે છે તે ઉપનિષદ છે. ‘તદેવ બ્રહ્મ ત્વં વિધ્ધિ નેદં યદિદમુપાસતે’, ‘જેનાથી મનને વિચારવાની શક્તિ મળે છે, એને તું બ્રહ્મ જાણ, જેની ઉપાસના કરવામાં આવે છે એને નહીં. તેમજ તેમજ જેને મનુષ્યોએ શોધવો જોઈએ, એ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ તસ્યોપનિષત્સત્યસ્ય સત્યમિતિ-સત્યનું સત્ય એ આ આત્માનું ઉપનિષદ છે.
ઉપનિષદ શબ્દને ત્રણ ભિન્ન અર્થમાં વાપરવામાં આવે છે. ગુપ્ત શબ્દ, ગુપ્ત લખાણ અને ગુપ્ત તાત્પર્ય. ત્રણ પ્રાચીન વેદોની સંહિતાની જેમ ઉપનિષદો બ્રાહ્મણો પાસેથી પ્રાપ્ત થયા છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે, ઉપનિષદોના સૌથી મહત્ત્વના સિદ્ધાંતો અને એના ગૂઢ જ્ઞાનનું રહસ્ય રાજાઓ અને ક્ષત્રિયો પાસે છે એમ સ્વયં ઉપનિષદો સ્વીકારે છે.
‘બૃહદારણ્યક’ અને ‘છાંદોગ્ય’ બે સૌથી પ્રાચીન ઉપનિષદો છે. તે સંપાદિત ગ્રંથો છે. આ બે ગ્રંથો બૌદ્ધ પૂર્વેના છે; તેઓ 7મીથી 6ઠ્ઠી સદી બીસીઇમાં મૂકવામાં આવે છે.
ત્રણ અન્ય પ્રારંભિક ગદ્ય ઉપનિષદો-‘તૈત્તિરીય’, ‘ઐતરેય’ અને ‘કૌશીતકી’ છે. બધા કદાચ પૂર્વ-બૌદ્ધ છે અને તેમની રચના પણ 6ઠ્ઠી થી 5મી સદી બીસીઇ છે. ‘કેન’ ઉપનિષદોમાં સૌથી જૂનું ‘શ્લોક’ છે, ત્યારબાદ કદાચ ‘કથા’, ‘ઈશ’, ‘શ્વેતાશ્વતર’ અને ‘મુંડક’નો સમાવેશ થાય છે.
આ ઉપનિષદો આસ્તિક પરંપરા-ભગવાનના અસ્તિત્વના સ્વીકારની પરંપરાનું પ્રારંભિક સાહિત્ય છે જેના પછી ભગવદ્ ગીતા અને પુરાણોનો સમાવેશ થાય છે.
બે ગદ્ય ઉપનિષદો, પ્રશ્ન અને માંડુક્ય, સામાન્ય યુગની શરૂઆત કરતાં વધુ જૂના નથી એમ વિદ્વાનો માને છે. એ પછીના ઉપનિષદો, જેની સંખ્યા લગભગ 95 છે, જેને ગૌણ ઉપનિષદો પણ કહેવાય છે, તે 1લી સહસ્ત્રાબ્દી (મિલેનિયમ)ના અંતથી 2જી સહસ્ત્રાબ્દીના મધ્ય સુધીના છે. એ પછી યોગ અને સંન્યાસ ઉપનિષદો છે. સંન્યાસ ઉપનિષદોમાંથી લગભગ અડધા 14મીથી 15મી સદી સીઈમાં રચાયા હોવાની શક્યતા છે.
ભારતનું લગભગ તમામ પ્રારંભિક સાહિત્ય અનામી હતું, આપણે ઉપનિષદોના લેખકોના નામ જાણતા નથી. પ્રાચીન ઉપનિષદો વેદો સાથે જોડાયેલા છે, કેટલાક પરંપરાગત રીતે ‘અપૌરુષેય’ માને છે, જેનો અર્થ થાય છે ‘કોઈ એક માણસનું નહીં અથવા માનવ સમૂહ દ્વારા રચાયેલું કે અતિમાનવીય’ અને મહત્ત્વની બાબત એ છે કે આ લખાણ નિરપેક્ષ છે. કોઈ એક વ્યક્તિની ક્રેડિટ વગરનું, લેખકહીન છે. અનેક લોકોનું જ્ઞાન જ્યારે એકત્રિત થઈને કોઈ એક સંગ્રહમાં સચવાય, ત્યારે એ અનેક પરિમાણો ધરાવતું વિસ્તૃત જ્ઞાન બને છે. કદાચ એટલે જ, આ જ્ઞાન ઋષિઓ દ્વારા કુશળતાપૂર્વક પ્રશ્નોત્તરી સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તરીમાં યાજ્ઞવલ્ક્ય, ઉદ્દાલક આરુણી, શ્વેતકેતુ, શાંડિલ્ય, ઐતરેય, બાલકી, પિપ્પલાદ અને સનત્કુમાર જેવા પ્રખ્યાત ઋષિઓના નામ લેવામાં આવે છે. ગાર્ગી, મૈત્રેયી, અપાલા અને ઘોષા જેવી જ્ઞાની સ્ત્રીઓ પણ ઉપનિષદની પ્રશ્નોત્તરીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આજનાં માતા-પિતા પોતાના બાળકને ઈન્ટરનેટ ઉપર માહિતી શોધવાનું કહે છે. એ માતા-પિતા નહીં જાણતા હોય, કે ઈન્ટરનેટ ઉપર મૂકવામાં આવતી માહિતી સાચી હોવાનું કોઈ પ્રમાણ નથી. ઓપન માધ્યમ ઉપર જેને જે ફાવે તે લખી શકે છે-ચેટ જીપીટી ઉપર અનેક લોકોએ મૂકેલી માહિતીને એકત્રિત કરીને ફક્ત રજૂ કરી દેવામાં આવે છે. શોધ-સંશોધન-તપાસ કે જ્ઞાન જેવો શબ્દ હવે ધીરે ધીરે લુપ્ત થતો જાય છે.
આપણે આ વાતને સાદી રીતે સમજીએ તો જ્યારે કાળા ડાયલવાળા ફોન હતા તો ત્યારે કેટલા નંબર યાદ રહેતા હતા? લાઇબ્રેરીમાં જઈને શોધેલા પુસ્તકની વિગતો વર્ષો સુધી ભુલાતી નથી, પરીક્ષામાં વાંચતી વખતે હાથે લખતા ત્યારે વધુ યાદ રહેતું... હવે, યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ છે કારણ કે, બધું તૈયાર મળે છે!
તૈયાર જ્ઞાન અન્યનું છે-વિચાર, અર્થઘટન, પોઈન્ટ ઓફ વ્યૂ (દૃષ્ટિકોણ) કે સંશોધન જે-તે વ્યક્તિનું છે, એ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? સ્વયં વિચારીને, એ અંગે પ્રશ્ન પૂછીને અને ઉત્તરમાંથી સાંપડેલા જ્ઞાનને પૃથક્કરણ (એનાલિસિસ) કરીને એમાંથી પોતાને જરૂરી જ્ઞાન તારવતાં ઉપનિષદ શીખવે છે.
આપણે આપણા બાળકોને પશ્ચિમી સાહિત્ય વાંચવા પ્રોત્સાહિત કરીએ છીએ, અંગ્રેજી ભાષા તરફ ધકેલીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણાં બાળકો આપણાં મૂળને નહીં ઓળખે-એની સાથે જોડાયેલી જ્ઞાનની પરંપરા વિશે નહીં જાણે અને નિર્ભીક થઈને પ્રશ્ન પૂછવાની આવડત નહીં કેળવે ત્યાં સુધી એ સાચા ભારતીય નહીં બની શકે.
સજાવટ:ટ્રેડિશનલ મિનિમલિસ્ટ : તમે કયા પ્રકારનું હોમ ડેકોર પસંદ કરશો?
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/traditional-minimalist-what-type-of-home-decor-would-you-prefer-135250012.html

દિવ્યા દેસાઇ ઘર એ માત્ર એક સ્થાન નથી, તે આપણા વ્યક્તિત્વ અને ભાવનાઓનું પ્રતિબિંબ છે. દરેક વ્યક્તિ ઘરને અલગ રીતે શણગારવું પસંદ કરે છે. કોઈને ચમકદાર રંગો, હસ્તકલા અને પરંપરાગત સામાન ગમે છે તો કોઈને સાદાઈ અને ઓછી વસ્તુઓ સાથેનું શાંત ઘર. આજના સમયમાં લોકો ઘરના શણગાર માટે ‘મિનિમલિસ્ટ’ ડેકોર પસંદ કરી રહ્યા છે. જેને અંગ્રેજીમાં 'Less is more' કહે છે. ઓછી વસ્તુઓ છતાં પણ ખૂબ જ શાંતિભર્યું અને સુંદર વાતાવરણ – બસ એ છે મિનિમલિસ્ટ ઘરની ઓળખ. આજની નવી જનરેશનનો તેની તરફ વળી છે. તેઓ ઓર્ગેનાઇઝડ લાઇફસ્ટાઇલ અને સફાઈમાં ઓછો સમય જાય તેવું ઈચ્છે છે. ચાલો, જાણી લઈએ મિનિમલિસ્ટ ડેકોર શું છે, કેમ તે હવેના સમયમાં વધુ લોકપ્રિય બની છે.
મિનિમલિસ્ટ ડેકોર એટલે શું?
મિનિમલિસ્ટ ડેકોર એટલે સાદગીમાં સુંદરતા. ફક્ત જરૂરી વસ્તુઓ જ રાખવી અને જગ્યાને પ્રકાશ અને ખુલ્લી સ્પેસ માટે છોડવી. આવા ઘરમાં બહુ વધારે ભીડ, રંગો કે શો-પીસ જોવા મળતા નથી. ઘર ઓર્ગેનાઈઝ્ડ, હવાદાર અને શાંતિભર્યું લાગે છે.
મિનિમલિસ્ટ ડેકોરની ટીપ્સ
ફક્ત જરૂરી ચેર, ટેબલ, પલંગ કે શેલ્ફ રાખો. રૂમમાં જેટલી ખાલી જગ્યા રહેશે એટલી ખુલ્લાશ લાગશે.
ન્યુટ્રલ રંગો પસંદ કરો. સફેદ, ક્રીમ, લાઇટ ગ્રે જેવા રંગો માનસિક શાંતિ આપે છે.
એકાદ આર્ટ પીસ જ રાખો. દીવાલ પર એક જ પેઇન્ટિંગ કે ફોટો રાખો જે સમગ્ર રૂમમાં હાઈલાઈટ થાય.
કુદરતી પ્રકાશ અને છોડોનો ઉપયોગ કરવો. બારી પાસે ઈનડોર પ્લાન્ટ રાખો. પ્રકાશ અને હરિયાળી બંનેથી ઘરમાં તાજગી રહે છે.
છુપાવેલી સ્ટોરેજ રાખો જેમકે પેટી પલંગ, સ્ટુલની નીચે સ્ટોરેજ, ખાનાવાળું સેન્ટર ટેબલ જેમાં જરૂરિયાતની વસ્તુ અંદર મૂકી શકાય અને બહાર ભીડ ન થાય.
બજેટ-ફ્રેન્ડલી સજાવટ કરો, જેમકે જૂના ફર્નિચરને રીપેઇન્ટ કરો. ઘરેલું વસ્તુઓથી DIY આર્ટ બનાવો. લોકલ માર્કેટમાંથી ન્યૂટ્રલ રંગના કવર્સ/કર્ટન લો. પ્લાસ્ટિક નહીં, લાકડાં કે માટીના સાધનો વાપરો.
મિનિમલિસ્ટ ડેકોરથી લાભ શું થાય છે એ વિશે વાત કરીએ તો....
ઘર શુદ્ધ અને શાંતિભર્યું લાગે છે. ઘર ઓર્ગેનાઈઝ્ડ અને સફાઈ માટે સહેલું લાગે છે. ઘર દેખાવમાં વધારે મોટું અને હવાદાર લાગે છે.
અંતે, મિનિમલિસ્ટ ડેકોર કોઈ ડિઝાઈન કે ટ્રેન્ડ નથી, એ એક જીવનશૈલી છે. ઓછામાં સંતોષ શોધવાનો પ્રયાસ.
જોબન છલકે:ગુમાવેલા પ્રેમની પરવા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/care-about-lost-love-135250073.html

શેફાલી પંડ્યા ‘અમી’ શિવાંગે કોલેજના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યું અને ક્લાસ તરફ આગળ વધે ત્યાં જ પાછળથી કોઇનો સ્વર સંભળાયો, ‘એક્સક્યુઝ મી…. તમારું જ નામ શિવાંગ છે?’ શિવાંગે પાછળ નજર કરી અને એ અવાજની સ્વામિનીને જોયાં પછી શિવાંગ લગભગ જાણે હોશ-હવાસ ગુમાવી બેઠો. રૂપરૂપના અંબાર સમી ગાર્ગી શિવાંગની બિલકુલ પાછળ અને એકદમ નજીક ઊભી હતી. એટલી નજીક હતી કે શિવાંગ જો એક ડગલું આગળ ભરે, તો એ કાચની પૂતળી સાથે અથડાઇ જાય…
શિવાંગ બોલ્યો, ‘જી… કહો શું કામ છે?’ ‘મારું નામ ગાર્ગી છે. તમે સેકન્ડ યરના સ્ટુડન્ટ છો અને મેં આ વર્ષે જ એડમિશન લીધું છે. શરૂઆતના છ મહિના હું એબસન્ટ હોવાથી મારે એ દરમિયાન જે કોર્સ પૂરો થઇ ગયો હોય, તે શીખવો છે. બધાંનું કહેવું છે કે તમારી જેમ સારી રીતે કોઇ શીખવતું નથી. તમે મને શીખવશો, પ્લીઝ?’ ગાર્ગીના સ્વરમાં એવું કંઇક હતું જેના કારણે શિવાંગ એને શીખવવા તૈયાર થઇ ગયો.
દિવસો પસાર થવા લાગ્યા. ગાર્ગી શિવાંગ પાસેથી અત્યાર સુધીમાં જેટલો અભ્યાસક્રમ પૂરો થયો હતો, તે શીખવા-સમજવા લાગી. શરૂઆતમાં તો એ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરતી અને બધું વાંચી રાખતી, પણ ધીમે ધીમે ગાર્ગી અને શિવાંગ વચ્ચેની ભેદરેખાઓ ઓળંગાતી ગઇ. હવે ગાર્ગી અને શિવાંગ મળતાં ત્યારે અભ્યાસક્રમને બદલે બંનેનો કોઇ બીજો જ કાર્યક્રમ બનતો.
એક દિવસ ગાર્ગીએ શિવાંગને કહ્યું, ‘શિવ, મારી એક વાતનો જવાબ આપીશ?’ શિવાંગે કહ્યું, ‘કેમ તારે આવો પ્રશ્ન કરવો પડ્યો?’ ગાર્ગીએ પૂછ્યું, ‘શિવ, તારા જીવનમાં આવેલી હું પ્રથમ યુવતી છું?’ અચાનક આવો સવાલ સાંભળી શિવાંગ ગંભીર થઇ ગયો. એ થોડી વાર ચૂપ રહ્યો. પછી તરત ઘરે જવા નીકળી ગયો.
એ રાત શિવાંગ માટે પીડાદાયક બની રહી. ગાર્ગીએ પૂછેલો સવાલ એને સાપની જેમ ડંખ મારતો હતો જાણે. શિવાંગની સ્થિતિ એવી હતી કે ન તો એ કંઇ કહી શકે, ન તો એ સહી શકે. એ આખી રાત પડખાં બદલતો રહ્યો અને એ.સી.ના ટેમ્પરેચરમાં વધારો-ઘટાડો કરતો રહ્યો. ગાર્ગીના એક સવાલે એને અતીતના અંધકારમાં ધકેલી દીધો હતો.
એ વખતે શિવાંગ દસમા ધોરણમાં ભણતો હતો અને પાડોશમાં રહેતી શિવાની પણ એના જ ક્લાસમાં હતી. બંને આખો દિવસ સાથે ને સાથે જ હોય, ત્યારે કંઇકેટલીય વાર શિવાની શિવાંગને ગાલ પર કે હાથ પર ચુંબન કરી લેતી. ક્યારેક કંઇક વધારે ઉત્સાહમાં હોય તો એને ભેટી પડતી. શિવાંગને સમજાતું નહીં, પણ એને ગમતું,
એક વાર શિવાંગ શિવાનીને ભેટી પડ્યો અને એ દૃશ્ય શિવાનીનાં માતા-પિતા જોઇ ગયાં. એ પછી શિવાનીને થોડા જ સમયમાં લગ્ન કરીને વિદાય કરી દેવામાં આવી. લગ્નની આગલી રાત્રે શિવાની છુપાઇને શિવાંગને મળવા આવી હતી અને એને વળગીને ખૂબ રડી હતી. જતાં જતાં બોલી હતી, ‘શિવુ, મને તું ખૂબ ગમે છે. મારે તારી સાથે લગ્ન કરવાં છે, પણ…’ અને એ વાત ત્યાંથી જ અટકી ગઇ.
આજે ગાર્ગીના એક સવાલે એને ફરીથી શિવાનીની યાદ તાજી કરાવી દીધી હતી. બીજા દિવસે શિવાંગ કોલેજ ગયો. ગાર્ગી મળી ત્યારે શિવાંગે કહ્યું, ‘ગાર્ગી, તારા પહેલાં મારા જીવનમાં એક છોકરી આવી હતી, પણ હવે…’ ‘હવે એનાં લગ્ન થઇ ગયાં છે અને તારે એની સાથે કોઇ લેવાદેવા નથી, એમ જ ને?’ ગાર્ગીએ પૂછ્યું. શિવાંગને આશ્ચર્ય થયું, ‘તને આ વાતની ક્યાંથી ખબર?’ ગાર્ગી બોલી, ‘શિવ, તારા જીવનમાં આવેલી પહેલી છોકરી શિવાની મારાં માસીની દીકરી છે. શિવાનીના કહેવાથી જ હું તારા જીવનમાં આવી. એ નથી ઇચ્છતી કે તારા જેવા યુવાનને એવી કોઇ યુવતી મળે જે તને…’
શિવાંગ બોલ્યો, ‘ગાર્ગી, શિવાનીનો પ્રેમ હું સમજી નહોતો શક્યો, પણ તારા પ્રેમનો હું સ્વીકાર કરું છું.’ કહેતાં એણે ગાર્ગીને આલિંગનમાં જકડી લીધી.
રસથાળ:સાંજના સમયે ચટપટો નાસ્તો કરવાનું મન થાય તો આ બનાવો!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/if-you-feel-like-having-a-quick-snack-in-the-evening-make-this-135250095.html

ક્રિસ્પી કેપ્સિકમ રિંગ્સ સામગ્રી : કેપ્સિકમ રિંગ્સ-12થી 15, મગની ફોતરાવાળી દાળ-1 કપ, સમારેલી કોથમીર-અડધો કપ, સૂંઠ પાઉડર-પા ચમચી, મરી પાઉડર-પા ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-અડધી ચમચી, હિંગ-ચપટી, ખાવાનો સોડા-ચપટી-તેલ-શેકવા માટે
રીત : મગની દાળને છથી સાત કલાક માટે ધોઈને પલાળી રાખો. દાળને બરાબર સાફ કરી ફોતરા કાઢી મિક્સરમાં ક્રશ કરી લો. ઉપર જણાવેલી સામગ્રી મિક્સ કરી ખીરું તૈયાર કરી લો. નોનસ્ટિક તવા ઉપર રિંગ ગોઠવીને વચ્ચે તૈયાર કરેલું ખીરું પાથરવું. ફરતે તેલ મૂકી એક મિનિટ થવા દેવું. ત્યારબાદ તવેથા વડે અન્ય સાઈડ પલટાવી લો. બંને તરફ ગોલ્ડન પડ થાય તે રીતે ચડવવું. ક્રિસ્પી અને હેલ્ધી કેપ્સિકમ મગદાળ રિંગ્સને ફૂદીના ચટણી સાથે સર્વ કરો. પાલક પનીર સમોસા
સામગ્રી : મેંદો-દોઢ કપ, તેલ-2 ચમચી, રવો-1 ચમચી, બેકિંગ પાઉડર-પા ચમચી, અજમો-ચપટી, મીઠું-સ્વાદ મુજબ
સ્ટફિંગ માટે : પાલક-દોઢ કપ, પનીર-1 કપ, સમારેલી ડુંગળી-અડધો કપ, આદું, મરચાં,લસણની પેસ્ટ-1 ચમચી, તેલ-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, ચિલી ફ્લેક્સ-અડધી ચમચી, ઓરેગાનો-અડધી ચમચી, બાફેલાં બટાકાં-2 નંગ, છીણેલું ચીઝ-અડધો કપ, મરી પાઉડર-પા ચમચી, મેયોનીઝ-2 ચમચી
રીત : સમોસાનું પડ બનાવવા માટે જણાવેલી સામગ્રી લઈ નવશેકા પાણી વડે લોટ બાંધી લો. એક કડાઈમાં તેલ ગરમ મૂકી અજમો, આદું-લસણ-મરચાંની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. સમારેલી પાલક ઉમેરી નરમ થાયે એટલે ગેસ બંધ કરી લો. તેમાં ઝીણા સમારેલાં પનીર ક્યુબ્સ, બાફેલું બટાકું હાથેથી મસળીને અને છીણેલું ચીઝ ઉમેરો. ચાટ મસાલો, ગરમ મસાલો, મીઠું, મરી પાઉડર, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને મેયોનીઝ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. બાંધેલા લોટમાંથી નાની પુરી વણી સ્ટફિંગ ભરી સમોસા તૈયાર કરી ગરમ તેલમાં તળી લો. પોટેટો બોટ્સ
સામગ્રી : બાફેલાં બટાકાં-5 નંગ, છીણેલું પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝ-જરૂર મુજબ, બટર-2 ચમચી
સ્ટફિંગ માટે : પલાળેલાં પૌંઆ-1 કપ, ક્રશ સીંગદાણા-પા કપ, સમારેલી ડુંગળી-1 નંગ, સમારેલું કેપ્સિકમ-પા કપ, બાફેલાં મકાઈદાણા-પા કપ, સમારેલી કોથમીર-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મિક્સ હર્બ્સ-2 ચમચી
રીત : બટાકાંને આખા બાફો. તેની છાલ દૂર કરવાની નથી. બટાકાંને બે ભાગમાં કાપી વચ્ચેથી માવો કાઢી લો. એક બાઉલમાં સ્ટફિંગ માટેની સામગ્રી અને બટાકાંનો માવો મિક્સ કરો. બટાકાંની અંદર સ્ટફિંગ ભરી બ્રશથી ઉપર બટર લગાવી બંને ચીઝ અને મિક્સ હર્બ્સ ભભરાવો. ફરી થોડું બટર લગાવી પ્રિહિટ ઓવનમાં 10 મિનિટ બેક કરી લો. ચીઝ કોર્ન બોલ્સ
સામગ્રી : બાફેલી મકાઈ-1 કપ, બાફેલા બટાકાં-2 નંગ, ચીઝ ક્યુબ-2, બ્રેડ ક્રમ્બ્સ-1 કપ, ચોખાનો લોટ-2 ચમચી, ડુંગળી-1 નંગ, લીલાં મરચાં-3 નંગ, કેપ્સિકમ-પા કપ, આદું-નાનો ટુકડો, કોથમીર-2 ચમચી, ચિલી ફ્લેક્સ-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, આમચૂર પાઉડર-1 ચમચી, હિંગ-ચપટી, મીઠું-સ્વાદ મુજબ, મેંદો-4 ચમચી, પાણી-જરૂર મુજબ, તેલ-તળવા માટે
રીત : બટાકાંને મસળી માવો કરી લેવો. ચોપરમાં મકાઈ દાણા, લીલાં મરચાં, આદું અને કેપ્સિકમને ચોપ કરી લો. ડુંગળીને અલગ ચોપ કરવી. મેંદાને થોડાં પાણીમાં મિક્સ કરી પાતળી સ્લરી બનાવો. મોટાં બાઉલમાં વેજિટેબલ, બટાકાનો માવો, સમારેલી ડુંગળી, બ્રેડ ક્રમ્બ્સ, ચોખાનો લોટ, દરેક મસાલા, મીઠું અને કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો. ગોળ શેપ આપી વચ્ચે ચીઝનો ટુકડો મૂકી પેક કરી લો. મેંદાની તૈયાર કરેલી સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્બ્સમાં રગદોળો. ગરમ તેલમાં મીડીયમ તાપે ચીઝ કોર્ન બોલ્સને ક્રિસ્પી તળી લો. ડ્રેગન પોટેટો
સામગ્રી : બટાકાં-4 નંગ, લાંબી સમારેલી ડુંગળી-3 નંગ, સમારેલું લસણ-1 ચમચી, સ્લાઈસ કેપ્સિકમ-2 કપ, સમારેલાં લીલાં મરચાં-4 નંગ, છીણેલું આદું-અડધી ચમચી લાલ મરચું-1 ચમચી, રેડ અને ગ્રીન ચિલી સોસ-1 ચમચી, સોયા સોસ-2 ચમચી, ટોમેટો કેચઅપ-1 ચમચી, કોર્નફ્લોર-4 ચમચી, મેંદો-4 ચમચી, તલ-1 ચમચી, તેલ-તળવા માટે
રીત : બટાકાંને લાંબી ચિપ્સમાં સમારી અધકચરાં બાફી લો. બાઉલમાં મેંદો, કોર્નફ્લોર, લાલ મરચું અને મીઠું મિક્સ કરી પાણી રેડી પાતળું બેટર તૈયાર કરો. તેમાં બટાકાંની ચિપ્સને ડૂબાડી ગરમ તેલમાં તળી લો. બેટર વધે એ સાઈડમાં રહેવા દેશો. કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી લસણ, આદું, ડુંગળી, કેપ્સિકમ અને લીલાં મરચાં સાંતળો. રેડ-ગ્રીન ચિલી સોસ, સોયાસોસ કેચઅપ અને કોર્નફ્લોરનું બેટર રેડી ઘટ્ટ થવા દો. તળેલાં બટાકાંની ચિપ્સ અને તલ ભભરાવી સરસ કોટ થાય એમ મિક્સ કરી લો. સોયા મંચુરિયન
સામગ્રી : સોયા ચંક્સ-2 કપ, મેંદો-3 ચમચી, ચોખાનો લોટ-2 ચમચી, દહીં-2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલું લસણ-8થી 10 કળી, છીણેલું આદું-અડધી ચમચી, મરી પાઉડર-અડધી ચમચી, ટોમેટો સોસ-1 ચમચી, સોયા સોસ-1 ચમચી, સેઝવાન સોસ-1 ચમચી, લાંબા સમારેલા કેપ્સિકમ-1 કપ, લાંબી સમારેલી ડુંગળી-1 કપ, કોર્નફ્લોર-2 ચમચી, તેલ-તળવા માટે
રીત : સોયા ચંક્સને પાણીમાં થોડું મીઠું ઉમેરી બાફી લેવા. કાણાંવાળા વાસણમાં નિતારી હાથેથી દબાવી વધારાનું પાણી કાઢી લેવું. એક બાઉલમાં દહીં, ચોખાનો લોટ, મેંદો, મીઠું, મરી, લાલ મરચું મિક્સ કરો. સોયા ચંક્સને તેમાં સારી રીતે કોટ કરી અડધો કલાક ઢાંકીને રહેવા દો. કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરી સમારેલું લસણ, આદું, ડુંગળી અને કેપ્સિકમ સાંતળો. સોયા સોસ, ટોમેટો સોસ, સેઝવાન સોસ અને મીઠું મિક્સ કરો. એક બાઉલમાં થોડા પાણીમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં રેડો. છેલ્લે સોયા ચંક્સ મિક્સ કરી ગેસ બંધ કરી દો.
સેતુ:દાદાજીનું સ્માઇલ
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/grandpas-smile-135250072.html

લતા હિરાણી ચહેરો છે સત્યનો, બદલાય ના એ
ફરી રહી છે આંખે, ધૂપછાંવ કાં રે... મયૂરી સોફા પર બેઠી થઈ ગઈ. એને આમ જ ઊંઘ આવી ગઈ હતી. સપનું? કંઇ યાદ નહોતું આવતું. એણે ઊભાં થઈ પડદા ખોલી નાખ્યા. સામે જ લટકતા દાદાજીના ચિત્રમાં એને મોં ગંભીર દેખાયું. એણે દાદાજીના થોડાંક પેઇન્ટિંગ્ઝ બનાવ્યાં હતાં. એમાંનું એકેય ગંભીર હતું નહીં. એની પાસે દાદાજી હસતા ને હસતા. દાદાજીનું ચિત્ર લાંબા સમયથી અહીં છે, હસતું જ.
મમ્મી આવી. - ‘ઊઠી ગઈ તું? ઘણું કામ છે.’
‘એક મિનિટ મમ્મા. આ દાદાજીનો ચહેરો કેમ લાગે છે?’
‘જેમ હતું એમ તો છે.’
‘મને જુદું લાગે છે.’
‘આ પેઇન્ટિંગ છે, તારો મૂડ નથી! ઝડપથી તૈયાર થઈ જા. હમણાં ફેશન ડિઝાઇનર આવશે.’
‘થોડો ટાઈમ આપ.’
‘તારા દિમાગમાં ભૂત ભરાય એટલે પત્યું. પ્લીઝ મયૂરી.’
‘ના, તું જા.’
‘આ છોકરીનું શું કરવું! અઠવાડિયા પછી એના લગ્ન છે અને વરસો પહેલાનાં પેઇન્ટિંગની પડી છે!’ મમ્મીનો બબડાટ બાજુના રૂમનું બારણું ધડામ દઈ વસાતાં પૂરો થયો.
મયૂરીએ આંખ બંધ કરી. પપ્પાનો બિઝનેસ અને મમ્મીની કિટી પાર્ટીઓ.... મયૂરી માટે દાદાજી. દાદાજી જ એના માટે પહેલી વાર ડ્રોઇંગબુક અને કલર્સ લાવેલા. એ ધીમે ધીમે કાગળ ને પછી કેન્વાસ પર પથરાઈ જતાં શીખી ગઈ. દાદાજી બહુ ખુશ થતા. કોલેજમાં એને પૂનામાં એડમીશન મળ્યું આથી એ હોસ્ટેલમાં રહેવા ગઈ હતી. હજુ છ મહિના થયા હતા ને અચાનક ફોન આવ્યો. ‘આવી જા, દાદાજી ગયા.’
‘રડ નહીં બેટા. દિવસે દિવસે દાદાજી લેવાતા જતા હતા. રિપોર્ટ્સ કરાવ્યા પણ રોગ પકડાયો નહીં અને આજે સવારે અમે જોયું તો..…’ – પપ્પાએ સમજાવ્યું.
‘આટલું બીમાર હતા તો મને ફોન કેમ ન કર્યો?’ – મયૂરીએ ચીસ પાડીને કહ્યું હતું.
પપ્પાએ દાદાજીનું ધામધુમથી બારમું કર્યું હતું. જ્ઞાતિની હોસ્ટેલમાં દાદાજીના નામે એક રૂમ બનાવી આપ્યો અને હજારેક માણસોને પપ્પાએ દાદાજીના પ્રિય લાડુ, મોહનથાળ સાથે ફૂલ જમણ આપ્યું હતું. પપ્પા એના રૂમમાં આવ્યા, ‘મયૂરી, તારાં લગ્ન નિમિતે આપણે જ્ઞાતિની હોસ્ટેલમાં એક હૉલ બનાવી આપીએ અને એ હોલમાં દાદાજીનો આ ફોટો મુકાવશું.”
મયૂરી ઝબકી. “આ નહીં, હું બીજું બનાવીશ.” એની નજર ઊછળીને ફરી દાદાજીના ચિત્ર પર ચોંટી ગઈ. હંમેશાં હસતા દાદાજી, એમનાં પેઇન્ટિંગમાં પણ એ જ ચહેરો! આજે એ હાસ્ય કેમ ગાયબ થઈ ગયું છે!
લગ્નનાં ડ્રેસ અને જ્વેલરી માટે ફેશન ડિઝાઇનર આવી ચૂકી હતી. - ‘મમ્મા, તું પહેલાં તારું ગોઠવી લે ને!’
‘મારું ફાઇનલ છે. લગ્ન તારાં છે. હવે છોડ આ બધું.’ મમ્મી ચિડાઈ.
હવે એણે ગયા વગર છૂટકો નહોતો. વિશ્વાસ પણ આવી ગયો. લગ્નના ડ્રેસ માટે વિશ્વાસની પસંદ, એના સૂચનો પણ જોઈએ! ઘડીભરમાં ફેશન ડિઝાઇનર સાથે મસ્તીમજાક કરતાં એ કામ પત્યું. મયૂરી હાશ કરતી પોતાના રૂમમાં આવી. દાદાજીનું ચિત્ર સ્થિતપ્રજ્ઞની જેમ એને જોઈ રહ્યું હતું. સવારે તો ગંભીર મુદ્રા હતી ને અત્યારે સાવ ભાવવિહીન! આવું કેમ? મયૂરી આંખો ફાડીને એને વાંચવા મથી રહી પણ એને એમાં કોઈ ભાવ ન જ પકડાયો.
પપ્પા આવ્યા, ‘મયૂરી, હવે તું તારા મૂડ પર કંઈક કંટ્રોલ રાખ.’
‘મારો મૂડ સારો છે. હું કોઈને ડિસ્ટર્બ કરતી નથી.’
‘કેટલી વાર આ પેઇન્ટિંગ સામે ઊભા રહેવાનું? હવે જે કરવાનું છે એમાં ધ્યાન આપ.’
‘સોરી પપ્પા, આજે થાકી છું.’ પપ્પાએ જવું જ પડ્યું.
આટલી દોડાદોડીમાંય મયૂરીની આંખો દાદાજીને જોયા કરતી. દાદાજીની નજર જાણે ગભરાતી હોય એવું લાગતું હતું. પેઇન્ટિંગમાં બદલાવનું કારણ એને જડતું નહોતું. એને થયું, થોડા દિવસ માટે એ પેઇન્ટિંગ ત્યાંથી ઉતારી ક્યાંક મૂકી દે! એને હવે કોઈપણ મીઠાઇ ખાવાનું મન નહોતું થતું.
દાદાજી ગુજરી ગયા પછી એમના રૂમમાં રહેલી એક નાનકડી બેગ મયૂરી લઈ આવી હતી અને લગ્ન પછી એ સાથે લઈ જવાની હતી. એની ઈચ્છા લગ્નના આગલા દિવસોમાં બેગને ખોલવાની હતી કે એમાં શું હતું! એની ધીરજ ન રહી. વિશ્વાસને બોલાવી એણે બેગ ખોલી. એમાંથી એક ડાયરી અને દાદીમાના ચાંદીના કાળા પડી ગયેલા સાંકળા નીકળ્યા. રાત્રે ડાયરી ખોલી. એમાં થોડીક એમની તકલીફની વાતો અને મયૂરી માટે હતો એક પત્ર.
‘વ્હાલી મયૂરી,
મારી જીવનસંધ્યામાં તેં અજવાળા પૂર્યા છે બેટા, તું મારો મોટો આધાર હતી. મારે તને કહેવું જ પડશે કે તું હોસ્ટેલમાં ગઈ પછી મારા દિવસો નરક બની ગયા છે. તારા મમ્મી-પપ્પા, મારા મરવાની રાહ જુએ છે. મેં ખાધું કે નહીં, એની કોઈને પરવા નથી. ખાવાપીવાની વસ્તુઓ તારા મમ્મી-પપ્પાના બેડરૂમમાં અને બેડરૂમ લોક રહે છે.
બેટા, તું જાણે છે, લાડુ અને બીજી મીઠાઈઓ મને કેટલા ભાવે! પણ હું ભૂખ્યો પડી રહું છું. ફ્રીઝનું વાસી ખાવાનું જોઈ મારી ભૂખ મરી જાય છે. હવે મારામાં જરાય તાકાત નથી. તને ફોનથી નથી કહી શકતો એનું કારણ છે.
તું સ્કૂલમાં ભણતી ત્યારે પણ મારી સાથે આવો વ્યવહાર થતો. હું એમને કહેતો ત્યારે જવાબ મળતો કે ‘આ ઉંમરે સ્વાદ શેના?’ તારા દાદાજીને માફ કરજે પણ હું ક્યારેક તારા લંચબોક્સમાંથી મીઠાઈના એકાદ-બે પીસ લઈ ખાઈ લેતો. તું ક્યાં પૈસા રાખતી એ મને ખબર હતી. ક્યારેક બહુ મન થાય તો એમાંથી પૈસા લઈ હું ભાવતી ચીજ ખરીદતો. બેટા, મેં તારા નાસ્તામાંથી, તારા પૈસામાંથી ચોરી કરી છે પણ મારે તારી માફી માગ્યા વગર નથી મરવું. તું હોસ્ટેલમાં ગઈ પછી મને બહુ પસ્તાવો થાય છે! મેં નક્કી કર્યું છે કે હવે ભૂખથી જીવ જાય એ જ મારી સજા છે... મને માફ કરજે બેટા અને સુખી રહેજે. હવે તને નહીં મળાય.’
તારા લાચાર દાદાજીનું વ્હાલ.
મયૂરીનાં મમ્મી-પપ્પાના હોશ ઊડી ગયા હતા જ્યારે બીજે દિવસે સવારમાં એકબાજુ મયૂરી ગુમ અને બીજીબાજુ ‘હું હવે આ ઘરમાં કદી નહીં આવું’ની ચિઠ્ઠી હાથમાં! તપાસ કરતાં સાંજે જાણ્યું કે મયૂરી અને વિશ્વાસે કોર્ટમાં જઇ લગ્ન કર્યા! મગજની નસો ફાટી ગઈ તોય સમજ ન પડી કે એ બંનેએ આમ શા માટે કર્યું?
મયૂરી અને વિશ્વાસ હોટલના એમના રૂમમાં સામેના ટેબલ પર દાદાજીનો ફોટો જોઈ રહ્યા હતા, ઓરિજિનલ સ્માઇલ સાથે!
મધુરિમા ન્યૂઝ:કોઈ ભંડોળ કે મદદ વિના ભારતની મહિલા આઇસ હોકી ટીમે એશિયા કપમાં મેડલ મેળવ્યો!
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/without-any-funding-or-help-indias-womens-ice-hockey-team-won-a-medal-at-the-asia-cup-135250071.html

લજ્જા દવે પંડ્યા 31 મે થી 6 જૂન દરમિયાન યુએઈના અલ-આઈનમાં યોજાયેલી 2025 IIHF મહિલા એશિયા કપ ટુર્નામેન્ટમાં છ દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતીય મહિલા હોકી ટીમે પાંચમાંથી ત્રણ મેચો જીતી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ઇતિહાસ રચી દીધો છે. 20 સભ્યોની આ ભારતીય મહિલા હોકી ટીમમાં મોટાભાગે પર્વતીય વિસ્તારોમાંથી આવતી મહિલાઓ છે.
જેમાંથી 10 ખેલાડીઓ ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની, નવ લેહની અને એક હિમાચલ પ્રદેશની છે. લદ્દાખમાં આઈસ હોકીની શરૂઆત ઇન્ડિયન આર્મીએ કરી હતી. પણ ત્યાં વર્ષો સુધી આ ગેમમાં પુરુષોનું જ વર્ચસ્વ છવાયેલું રહ્યું! આ મહિલાઓને અવારનવાર આ ગેમ છોડી દેવાની, નૃત્ય કરવાની અને લગ્ન કરી ઘરે બેસી બાળકો ઉછેરવાની સલાહ આપવામાં આવતી. પણ આ મહિલાઓએ કોઈ સાધન, ભંડોળ વિના, પુરુષ ખેલાડીઓના સાધનો ઉછીના લઈ લદ્દાખના થીજેલા તળાવોને પોતાની આઈસ રિંગ બનાવી પ્રેક્ટિસ શરૂ કરી હતી.
તેમણે લદ્દાખ મહિલા આઇસ હોકી ફાઉન્ડેશન (LWIFH)ની રચના પણ કરી. જે હેઠળ અત્યાર સુધી 500 મહિલાઓને આઈસ હોકીની તાલીમ આપવામાં આવી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી માંડીને છેવાડાના ગામડાઓમાં બાળકોને આઈસ હોકીની તાલીમ આપવા સુધી આ મહિલાઓએ પિતૃસત્તાક માનસિકતા અને રૂઢિપ્રથાઓને તોડવા માટે તમામ પ્રયાસો કરી મેડલ જીતી દેશને ગૌરવ પણ અપાવ્યું છે. વિશ્વના સૌથી ઊંચા રેલ બ્રિજની ડિઝાઈન કરનારા મહિલા વિજ્ઞાની કોણ છે?
પીએમ મોદીએ 6 જૂનના રોજ એન્જિનિયરિંગ અજાયબી ગણાતા ચિનાબ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. નદીના તળથી અંદાજિત 359 મીટરની ઊંચાઈ ધરાવતો અને જમ્મુ કાશ્મીરને રેલવે માર્ગે દેશના અન્ય ભાગ સાથે જોડતો આ પુલ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે પુલ છે. IISC, બેંગ્લુરુમાં સિનિયર જિયો ટેક્નિકલ એન્જિનિયર એવા માધવી લથા છેલ્લા 17 વર્ષથી આ પ્રોજેક્ટમાં ભૂ-તકનીકી સલાહકાર તરીકે સંકળાયેલા હતા. તેમણે પુલના કોન્ટ્રાક્ટર સાથે મળીને પુલ માળખાના આયોજનથી માંડીને ડિઝાઇન, બાંધકામ જેવા તમામ સ્ટેજમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
ખાસ તો ત્યાંના પર્વતીય વિસ્તારોની પડકારજનક ભૂગોળ, ભૂકંપ, ચિનાબ જેવી પૂરપાટ વહેતી નદી અને વિષમ હવામાન જેવા પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ તેમની ટીમે કર્યું હતું. તેમની ટીમે આ તમામ અવરોધોને દૂર કરવા માટે ‘ડિઝાઇન-એઝ-યુ-ગો અભિગમ’ અપનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં માધવી ફેકલ્ટી તરીકે જોડાયા ત્યારે તેમના જિયો ટેક્નિકલ વિભાગમાં મહિલા શૌચાલય નહોતું. તો ત્યાં શૌચાલય બનાવડાવવા માટે પણ માધવીને સંઘર્ષ કરવો પડ્યો હતો! પણ માધવી આ તમામ અવરોધોને મક્કમ મનોબળ સાથે પાર કર્યા. જમ્મુ કાશ્મીરને જોડતો રેલ્વે બ્રિજ બનાવવાનું આખા દેશનું સપનું સાકાર કરવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. ભરૂચનાં યશસ્વી સોલંકી રાષ્ટ્રપતિનાં પ્રથમ મહિલા એડીસી બન્યાં
ગયા મહિને સિંદૂર ઓપરેશન અંગે જાણકારી આપીને વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી દેશ દુનિયાના સમાચાર પત્રોમાં છવાઈ ગયા હતા. તે જ વખતે દેશના સૌથી મોટા કાર્યાલય રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ કોલાહલ વગર એક નોંધપાત્ર અને પોઝિટિવ બદલાવ આવ્યો હતો. ગઈ નવ મેના રોજ રાષ્ટ્રપતિના Aide-de-Camp એટલે કે એડીસી તરીકે પ્રથમ વખત કોઈ મહિલા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે નિમણૂક પામેલાં આ નેવીના મહિલા ઑફિસર યશસ્વી સોલંકી ગુજરાતના છે.
રાષ્ટ્રપતિ પાસે સામાન્ય રીતે પાંચ એડીસી હોય છે. જેમાં આર્મીમાંથી ત્રણ, એક નેવીમાંથી અને એક એરફોર્સમાંથી હોય છે. યશસ્વીની પસંદગી નેવીમાંથી થઈ હતી. એડીસી રાષ્ટ્રપતિના તમામ કાર્યક્રમોમાં તેમની સાથે રહે છે.
એડીસીની મદદથી રાષ્ટ્રપતિ ત્રણેય સેનાના અઘિકારી સાથે સંપર્કમાં રહે છે. ઉપરાંત રાષ્ટ્રપતિને મળવા આવનારા મહેમાનો અંગે બ્રીફ કરવાનું કાર્ય પણ તેઓ કરે છે. યશસ્વીની પસંદગી એ પૂરા ગુજરાત માટે ગર્વની વાત છે.
પુનરાવર્તન:પુનરાવર્તન
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/repetition-135250066.html

ગગનમાં ઉડતાં મને બહુ વાર લાગે છે,
મારી પાંખોનો મને બહુ ભાર લાગે છે.
વનિતા દવેનાં ઘરે સવાર સવારમાં બધાને કામની ઉતાવળ હોય. કામ કરનાર હોય માત્ર વનિતા.
‘વનિતા,મારું ટિફીન લાવ, જલ્દી મારા મોજાં આપને, મમ્મી મારો કંપાસ ક્યાં? મારી ચા લાવજે ને.’
સવારની આ દોડધામ વનિતા માટે ત્રાસદાયક હતી.
જયારે પિયરમાં બધું હાથવગું, પિયરની સવાર ખરેખર સવાર જેવી લાગતી. અને અહીંની સવાર મજૂરની ઠંડી ચા જેવી નીરસ.
પતિ મનીષ, પુત્ર જેનીલ, ગૌરીશંકર જેઠ, કુમુદ જેઠાણી. પાંચનો પરિવાર. ગૌરીશંકર પોતે કર્મકાંડી.
કુમુદ બેંકમાં કામ કરતી વર્કિંગ વુમન હતી, જેથી પરિવારમાં થોડો વટ રહેતો.
મનીષ કંપનીમાં નોકરી કરતો. પતિના ઓછા પગારને લીધે વનિતાને પણ થોડું દબાઈને રહેવું પડે. સમાજમાં ઈજ્જત તો કુમુદની થતી. વનિતાને વિધાતા એ સુખની જગ્યા એ મહેનત લખી આપી એટલે પરણ્યાં પછી પણ મહેનત જ કરતી હતી. તેના અરમાનો કપૂરની જેમ ઊડી ગયાં. હવે બસ ઘરની, સભ્યોની તમામ જવાબદારી માત્ર વનિતાના માથે.
એક દિવસની વાત છે. તેને સવાર સવારમાં કમરનો દુખાવો થઇ ગયો. પથારીમાંથી ઊભું થવું અસહ્ય હતું. છતાં તે ઊભી થઇ. ત્યાં તો રોજની આદત મુજબ ઘરનાં તમામ સભ્યોએ બુમરાણ મચાવી દીધી. 'વનિતા, મારી ચા, મારું ટિફિન, મમ્મી મારાં મોજાં, મારું પર્સ ક્યાં?’
આ સાંભળીને તેનાથી ડૂસકું નંખાઈ ગયું.
મારો પતિ પણ મારું દર્દ ના સમજે. છેવટે તો મર્દ જ છે ને. મારી પીડાની કોઈને પડી નથી જ. હું એક નોકર છું બધા માટે. એટલામાં બધા મેમ્બર એની પથારીની આસપાસ લેણદારની જેમ ઊભા થઇ ગયાં. વનિતા...મારું પર્સ લાવ ને.. પીડાનાં ભાવને છુપાવી પતિને બોલી, ‘ત્યાં તિજોરીમાંથી લઇ લો. મને આજે સહેજ કમરમાં દુખે છે. થોડો આરામ કરવા દો.’
કુમુદ ગુસ્સાથી બોલી, ‘એટલે? મારું ટિફિન નહીં થાય એમ જ ને?’
‘હા, મોટીબેન આજનો દિવસ ચલાવી લો. અને મોટાભાઈની ચા આજે તમે બનાવી દો ને.’
‘હું અને ચા બનાવું?’ એક દિવસ ચા ના પીવે તો શું થાય? હું મોર્ડન યુગની વર્કિગ વુમન છું. ઘરની નોકરાણી નથી. તને નહીં સમજાય. ઓફિસમાં કામ કરનારની એક અલગ છાપ હોય છે. તને શું સમજ પડે?’
અસહ્ય પીડા અને જેઠાણીની આ ટકોરને કારણે વનિતાનો ગુસ્સાનો બાટલો ફાટ્યો.
‘મોટીબેન, તમે ખાલી કહેવાનાં વર્કિંગ વુમન છો. વર્કિંગ વુમન એટલે કામ કરનાર સ્ત્રી. માત્ર બેંકમાં બેસી રહેવું એને કામ ના કહેવાય. હું સવારથી સાંજ ગધેડાંની જેમ ઘરનાં વૈતરાં કરું, કચરા -પોતું, વાસણ-કપડાં. આ બધું માત્ર એક દિવસ તમે કરી જુઓ. અને હા, તમારું ટિફિન તો રોજ હું બનાવું છું? કામ જાતે ના કરો તો કંઈ નહીં પણ કામની કદર કરતાં તો શીખો. અને મોટીબેન! હું આ ઘરની વહુ છું. નોકરાણી નથી. તમે એક સ્ત્રી થઇને સ્ત્રીની વાત ના સમજો તો તમારા સ્ત્રી હોવા પર શરમ આવે છે અને કદાચ એટલે જ ભગવાને તમારી કૂખ ખાલી રાખી છે. તમને કોઈના પ્રત્યે દયા, સહાનુભૂતિ તો નથી જ, પણ ભગવાનને એવું લાગ્યું હશે, આની પાસે મમતા પણ નથી એટલે તમને માના સુખથી વંચિત રાખ્યા.’
‘બસ, વનિતા.’ એનો પતિ ગુસ્સાથી બરાડ્યો. ‘એ તારી જેઠાણી છે. મા સમાન કહેવાય.’
‘મનીષ, મારા ઘરના એક પણ સભ્યને મારા માટે લાગણી નથી, હું માણસ છું, મારે પણ દિલ છે. અરમાનો છે. બહારની દુનિયા જોવી છે. ઊડવું છે, મુક્ત પંખીની જેમ.’ આટલું કહેતા કહેતા તે રીતસરની રડી પડી.
‘મોટીબેન! જો વધારે બોલી ગઈ હોઉં તો મને માફ કરજો.’
માસુમ જેનીલ ચુપચાપ ઉભો હતો.
‘વનિતા, મારી ભૂલ થઇ કે મેં અભિમાનમાં તને અવગણી. એટલે જ કદાચ માતૃત્વથી હું વંચિત છું. એટલે જ સ્વભાવ આવો થઇ ગયો. પણ તારી વાતો એ મારી આંખો ખોલી નાખી.’ કુમુદબેન મમતાભર્યું બોલ્યાં.
‘વનિતા! આજથી સૌ ના કામ સૌ જાતે કરશે. શાકભાજી, દૂધ અને અન્ય ચીજવસ્તુની જવાબદારી મારી. ઘરકામ માટે એક કામવાળી મારા ખર્ચે. તું જ સાચી વર્કિંગ વુમન છે. પણ પહેલા તું મારા ઘરની વહુ છે.’ કહીને વ્હાલથી માથે હાથ ફેરવ્યો. જેઠાણીનું આ રૂપ જોઈને તેની આંખમાંથી હરખના આંસુ નીકળી ગયા. દુખાવો તો જાણે દૂર થઇ ગયો.
આજે દવાનું કામ બે મીઠા શબ્દો એ કર્યું.
‘મોટીબેન મારો દીકરો એ તમારો જ દીકરો છે. એને બે માનો પ્રેમ મળે તો કેવું?’
આખા ઘરમાં ખુશી અને આંસુનો અનેરો સંગમ જોવા મળ્યો.
- જયેશ ગાંધી (જલ) સહસ્વ્પ્ન
એ આપણી પ્રથમ મુલાકાત જ હતી અને તેં કહ્યું હતું કે તને લગ્ન સાદાઈથી કરવા છે. તારા પિતા પાસેથી પૈસાની કોઈ અપેક્ષા નથી રાખવી. તારી વાત સાંભળી મારું મન હિંડોળે ચઢ્યું હતું. મેં તારી સામે જોયું હતું. મને તારું મુખ દેખાયું ન હતું. ન વાળ કે તારો રંગ. દેખાયું હતું સ્વાભિમાન.
સુંદર લાગી હતી તું મને.
દૂર બે વાદળ મળ્યાં અને વરસાદ પડ્યો. એવું વરસાદી સ્વપ્નું રચાયું મારા મનમાં. હું અને તું. એક ચકો અને એક ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો દાળનો દાણો અને જેટલું મળ્યું એમાંથી એમણે વહેંચીને ખાધું.
મને તો હતું જ કે જીવન એકડે એકથી શરૂ કરવું છે. મારા પિતા પણ ક્યાં આસમાની હતા કે એમની પાસે હાથ લંબાવું? હોંશથી લગ્ન કર્યા આપણે. ધામધૂમની શું જરૂર હતી?
એક દિવસ તે કહ્યું, ‘સંસાર શરૂ કરવા થોડા વાસણ તો આપવા જોઈએ ને તમારી માતાએ?’
હું ચૂપ રહ્યો. ફરી એક દિવસ તે કહ્યું, ‘સીઝનમાં વરસના દાળ ચોખા ભરી આપે તો નિરાંત રહે આખું વરસ.’
અપેક્ષા કે ફરિયાદોને ક્યાં થોભ હોય છે? ઘણી વાર તું કહેતી, ‘થોડા પૈસા આપત તો આપણે ઘર ખરીદી લેત.’ હું તો એનો એ જ રહ્યો હતો. મહેનતુ અને સંતોષી પણ તારી માગણીઓ અને મારી ચુપકીદીમાં વર્ષો તો રાપુંઝલના વાળની જેમ લાંબા થવા લાગ્યાં.
ઝગડા તો ક્યાં આપણે ક્યારેય કર્યા જ હતાં? પણ હું તારી સામે જોતો અને મને હવે તારું કદરૂપુ મોઢું દેખાવા માંડ્યું હતું. તારા સફેદ વાળ અને મોઢા પર ચાંઠા હવે આંખો ભાળી શકતી હતી.
ક્યારેક એવું લાગતું કે તને મારી કિંમત નથી. પછી મન મનાવતો. ઓછું કમાતા પતિની કિંમત કેટલી? ધૂળની ચપટી જેટલી..
એક દિવસ તારી સ્કૂલનો એક મિત્ર મળવા આવ્યો જે તને ચાહતો હતો. ‘જોયું, એની પાસે કેવી સરસ મોટી કાર છે.’
તારા અવાજમાં અફસોસ નીતર્યો. મારું હ્ર્દય વીંધાયું.
અને હવે હોસ્પિટલમાં તું ડૉક્ટરને પૂછી રહી છે કે આમને હાર્ટ એટેક કેવી રીતે આવ્યો?
- લીના કાપડિયા પિંકીનો પ્રશ્ન "અરે રસિક તું અહીં બેઠો બેઠો ચા ગટગટાવે છે અને તારા બે બાળકો પાંચ માળ સુધી સીડી વાળે છે અને પોતા કરે છે. તને શરમ નથી આવતી?’
"હમણાં જ બેઠો છું સાહેબ.’
ખોટી બહાનેબાજી ન કર. હું ઘણી વખત જોઉં છું. ક્યાંક કોઈ ફરિયાદ કરી દેશે ને તો જેલ ભેગો થઈશ. ખબર છે ‘બાળમજૂરી અપરાધ છે.’
પરેશભાઈનો ઊંચો અવાજ સાંભળી પાર્કિંગમાં પડેલી ગાડી સાફ કરતો મન્યો તરત બહાર આવ્યો.
"અરે શેઠ કેમ તમે ઝઘડો કરો છો? કેમ રસિકકાકાને ખીજાવ છો?’
"અરે મન્યા તું તારું કામ કર તને એમાં નહીં સમજ પડે. મારે મોડું થાય છે તને ખબર છે ને આજે મારે પિંકીને લઈને બહુ મોટા ટીવી શોના ઓડિશન માટે જવાનું છે? પિંકી તૈયાર પણ થઈ ગઈ છે બસ તું ગાડી સાફ કરે એટલે મારે નીકળવું છે.’
મન્યો ફરી ગાડી સાફ કરવા લાગ્યો. મન્યાને ગાડી સાફ કરવાનું ગમતું હતું. કેમ કે એના લીધે તેને રોટલી સાથે શાક ખાવા મળતું હતું એટલે. તેણે ગાડી સાફ કરી પરેશભાઈએ તેના હાથમાં પચાસની નોટ પકડાવી. તે રાજી થતો ઉપડ્યો સામે આવેલ શાકની લારીએ.
ત્યાં જ એ દસ વરસની પિંકી સરસ મજાની ઢીંગલી જેવી તૈયાર થઈને ગાડી પાસે આવીને ઊભી રહી.
તેણે પૂછ્યું, "પપ્પા તમારો અવાજ ઉપર આવતો હતો શું થયું? ઝઘડો થયો?’
હા બેટા, આ જોને આ રસિક પોતે બેસી રહે ને છોકરાઓ પાસે કામ કરાવે છે. "પણ તમે એને કેમ ખીજાયા?’
"અરે બેટા, તમને ખબર નથી? થોડા મોટા થશો એટલે તમારે ભણવામાં પણ આવશે. ‘આ બાળ મજુરી અપરાધ છે, એમ કરાવનારને એની સજા પણ થાય. બાળકો પાસે કંઈ કામ કરાવાય?’
પિંકીએ કંઈક પ્રશ્નાર્થ સાથે શાકની લારીએ ઊભેલા મન્યા પર એક નજર નાખી ને પછી કારના સાઈડ કાચમાં પોતાને પણ જોઈ.
થોડીવાર પછી ગાડીમાં બેસતા જ પિંકીએ ધીરેથી પૂછ્યું, "સાચ્ચે જ એવું હોય પપ્પા?’
- નિધિ મહેતા
2025/07/08 04:05:55
Back to Top
HTML Embed Code: