Telegram Web Link
રસથાળ:વરસાદી મોસમમાં ગરમાગરમ ચાની ચુસકી
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/a-sip-of-hot-tea-in-the-rainy-season-135300551.html

કાશ્મીરી કાવો
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, પાણી-2 કપ, કેસર-ચપટી, તજ-નાનો ટુકડો, ઈલાયચી 2થી 3, લવિંગ-2 નંગ, ખાંડ-2 ચમચી, બદામની કતરણ-2 ચમચી
રીત : સૌપ્રથમ એક વાટકીમાં થોડું ગરમ પાણી લઇ તેમાં કેસર ઉમેરી પલળવા દો. હવે એક વાસણમાં બે કપ પાણી ઉકળવા મૂકો.પાણી ઉકળે એટલે તજ, ઈલાયચી, લવિંગ-ખાંડ ઉમેરો. ત્રણથી ચાર મિનિટ ઉકાળ્યા પછી ચા ઉમેરો, વધુ બેથી ત્રણ મિનિટ ઉકાળો. હવે આ પાણીને અન્ય વાસણમાં ગાળી કેસરવાળું પાણી, બદામની કતરણ ઉમેરી એક મિનિટ ઉકાળો. ગરમગરમ કાશ્મીરી કાવાનો સ્વાદ માણો. ચોકલેટ ચા
સામગ્રી : ચા પત્તી-1 ચમચી, દૂધ-1 કપ દૂધ, હોટ ચોકલેટ પાઉડર-1 ચમચી, ચોકલેટના ટુકડા-3થી 4, ખાંડ-2 ચમચી, છીણેલું આદું-પા ચમચી, ચા મસાલો-અડધી ચમચી, પાણી-પા કપ
રીત : તપેલીમાં પાણી ઉકળે એટલે ચા ઉમેરી એક મિનિટ ઉકાળો. થોડો રંગ પકડાય એટલે ચા મસાલો, ખાંડ અને દૂધ રેડો. ત્રણથી ચાર ઉભરા આવે એટલે ચોકલેટ પાઉડર અને ચોકલેટ ઉમેરી ગેસ બંધ કરી લો. ચમટી વડે એક મિનિટ સતત હલાવી ચોકલેટને ઓગાળી લો. ચાને સર્વિંગ કપમાં ગાળી લો. આ ચોકલેટી ચા ખાસ કરીને ચોકલેટ લવર્સને વરસાદી સાંજમાં ખૂબ ભાવશે. લીંબુની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી 4, સમારેલો ફુદીનો-1 ચમચી
રીત : મધ સિવાયની બધી સામગ્રીને એક વાસણમાં ઉકળવા મૂકો. પાંચથી સાત મિનિટ ઉકાળ્યા પછી કપમાં
ગાળી લો. મધ મિક્સ કરી અને ફુદીનાના પાન તથા લેમન સ્લાઈસથી ગાર્નિશ કરી રિફ્રેશિંગ લીંબુની ચાનો સ્વાદ માણો. આ ચામાં લીંબુનો સ્વાદ વધુ આવશે તો ગરમગરમ ચુસ્કી લેવાનો ઓર આનંદ આવશે. તુલસીની ચા
સામગ્રી : ચા પત્તી-અડધી ચમચી, પાણી-2 કપ, મધ-2 ચમચી, લીંબુની સ્લાઈસ-3થી
રીત : તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે દરેક વાતાવરણમાં તે બેક્ટેરિયલ અને વાઈરલ ઈન્ફેક્શનથી બચાવે છે. નિયમિત ઉપયોગ લાંબાગાળે સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે. તુલસીની ગ્રીન ટી
સામગ્રી : તુલસી ગ્રીન ટીથી કફ, ઉધરસ, શરદી અને અસ્થમા જેવી સમસ્યામાં રાહત મળશે. વજન નિયંત્રણમાં પણ મદદરૂપ નીવડશે. અડધો ગ્લાસ પાણી ઉકાળી તેમાં 8થી 10 તુલસીના પાંદડા ધોઈને ઉમેરો. છીણેલું આદું અને ઈલાયચી પાઉડર મિક્સ કરો. ઉકળી જાય એટલે ગરણીથી ગાળી મધ અને લીંબુનો રસ ઉમેરો.
તુલસીની ચા દૂધ સાથે: ચા અને પાણીને ઉકળવા મૂકો ત્યારે તુલસીના 5થી 6 પાંદડા ઉમેરો. જો દરરોજ તાજા પાન મેળવવા શક્ય ન હોય તો પાનને સૂકવીને ચા પત્ત્તી સાથે મિક્સ કરી શકાય. તુલસીવાળી ચા પીવાથી એસિડિટીની સમસ્યા થતી નથી. અરેબિક ચા
સામગ્રી : તજ-મોટો ટુકડો, ફુદીનો-8થી 10 પાન, ઈલાયચી-5 નંગ, લવિંગ-5 નંગ, સાકર-2 ચમચી, ચા પત્તી-અડધી ચમચી, પાણી-3 કપ
રીત : આ એક બ્લેક ટી છે જે કેરળના માલાબાર વિસ્તારમાં ખાસ પીવાય છે. આ ચાનો સ્વાદ રૂટિન ચાથી ઘણો અલગ હોય છે, પરંતુ આ અરેબિક ચાનો સ્વાદ તમને ઘણો યુનિક લાગશે. ઉપર જણાવેલી દરેક સામગ્રીને એક વાસણમાં લઈ અને સતત હલાવતા ઉકાળો. પાણી અડધું થઈ જાય એટલે તેને ગાળી લો. સાકરના બદલે મધ કે ગોળ પણ વાપરી શકાય. ગોળની ચા
સામગ્રી : દૂધ-1 કપ, પાણી-અડધો કપ, ગોળ-જરૂર મુજબ, ચા પત્તી-દોઢ ચમચી, ફુદીનો-5થી 6 પાન, ચા મસાલો-અડધી ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, આદું-નાનો ટુકડો
રીત : એક તપેલીમાં પાણી અને ચા પત્તીને ઉકળવા મૂકો. થોડું ઉકળે એટલે નવશેકું દૂધ, છીણેલું આદું અને ફુદીનો ઉમેરો. ચારથી પાંચ મિનિટ ઉકાળ્યા પછી તેમાં ફુદીનો અને ઈલાયચી પાઉડર ઉમેરો. ઈલાયચી અને ફુદીનો ચા થવા આવે ત્યારે ઉમેરવાથી તેની સુગંધ સારી આવે છે. હવે ગેસ બંધ કરી ગોળ પાઉડર મિક્સ કરો અને સરસ મજાના કપમાં તાજગીસભર ગોળ-ફુદીના ચાને ગાળી લો.
ધારો કે તમને કોઇ એવું કહે કે આજે તમારી જીંદગીનો છેલ્લો દિવસ છે, તો તમે એ દિવસને કેવી રીતે પસાર કરો? શું કરો? અડધો દિવસ વસવસા વચ્ચે પસાર કરી નાખો? હવે શું-એવું વિચારી રડ્યા કરો? કેટલું બધું જીવવાનું બાકી રહી ગયું એવા વિચારે જાત સાથે કકળાટ કરો? છેલ્લા દિવસને હજી થોડો આગળ લંબાવી આપવા ઇશ્વર સાથે મથામણો કરો? ગમતી વ્યક્તિને ફોન કરી એની સાથે બાકી રહેલો દિવસ પસાર કરો? ભાવતા પકવાન પેટ ભરીને જમી લો? થોડા માણસોની યાદી તૈયાર કરી એ દરેકની સાથે વાત કરી લો? કે-આજે તો જીવી જ લઉં-એવું વિચારી હસતા-હસતા ઘરની બહાર નીકળી જાવ?
અમદાવાદની વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર જીંદગી માટે-મૃત્યુ માટે વિચારતા કરી દીધા-અચાનક મોત આવ્યું, જીંદગીને સ્ટેચ્યૂ કહ્યું અને એકસામટા સૌને સાથે લઇને જતું રહ્યું. છેલ્લીવાર ચહેરો જોવા ના મળ્યો, એમનાં શરીરને સ્પર્શવા ન મળ્યું, એમને આવજો કહેવાનું બાકી રહી ગયું. છેલ્લીવાર કરવાની હોય એ બધી જ વાતો પણ ના કહી શકાઇ…..
વિમાને બાળી નાખેલા એ શરીરોનાં અગ્નિ સંસ્કાર કરતી વખતે હાથ જોડીને કહેવાયેલા ‘સોરી’, ‘થેંક યુ’, ‘આઇ લવ યુ’, ‘આઇ મિસ યુ’, ‘આઇ નીડ યુ’, ‘તમે મારા માટે ખૂબ કર્યું’, ‘હું તમારા વિના જીવી નહીં શકું!’, ‘તમે મારા માટે ખૂબ મહત્ત્વનાં હતા! વગેરે વગેરે એમનાં કાન સુધી પહોંચ્યા હશે કે ધુમાડા સાથે હવામાં ભળી ગયા હશે ખબર નથી. પણ આ દુર્ઘટનાએ એક વાત ચોક્કસ શીખવી કે સંબંધોમાં લાગણીઓની, અભિવ્યક્તિની ઉધારી બંધ કરી દેવી જોઇએ!
આપણી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવા કરતા પણ આપણી ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવવું જોઇએ ! આવું એટલા માટે કારણ કે આપણે કેટલા બધા આઇ લવ યુ, કેટલા બધા મિસ યુ, કેટલા બધા આઇ નીડ યુ, કેટલા બધા સોરી-ઉધાર રાખીએ છીએ, કહેતા નથી અથવા તો કહેવાનાં ટાળીએ છીએ. વિચારીએ છીએ-આજે નહીં-કાલે કહીશ-કાલે નહીં-પરમ દિવસે કહીશ-પરમ દિવસે નહીં-કોઇ પ્રસંગ આવશે ત્યારે કહીશ….આવું કરતા કરતા આપણાં આઇ લવ યુ, મિસ યુ, સોરી, નીડ યુ….પર કાટ ચઢતો જાય છે અને જ્યારે આપણે એ કાટને સાફ કરી કહેવાનું વિચારીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ કશુંપણ કહ્યા વિના જતી રહે છે અને નહીં કહી શકાયેલા-કહેવાનાં બાકી રહી ગયેલા શબ્દોનું વજન આપણને બાકીની જીંદગી જીવવા દેતું નથી!
આ વજન ખૂબ ભયાવહ હોય છે! તમારી ગમતી વ્યક્તિ, તમારા પિતા, તમારી મા….અચાનક જતા રહે ત્યારે એમની સાથે પસાર થયેલી ક્ષણો આંખોની આરપાર અને એમની સાથે પસાર કરવાની રહી ગયેલી ક્ષણો છાતીની આરપાર નીકળી જતી હોય છે!
વિચારો, તમને એવી ખબર પડે કે તમારી ગમતી વ્યક્તિ કે તમારા પિતા કે તમારી મા પાસે હવે જીવવા માટે જાજા દિવસો નથી તો તમે શું કરો? એમને ખુશ રાખવાની કોશિશ કરો. એમની ઇચ્છાઓ, એમની જરૂરિયાતો પૂરી કરો. એમનાં હિસ્સાનો તમારો સમય એમને આપો. અભિવ્યક્ત થાવ. ટૂંકમાં એ બધું જ કરો-જેનાથી એમનું જીવી જવાનું મનોબળ વધારે ને વધારે મજબૂત બને!
તો હવે સવાલ એ છે કે-આ બધું જ કરવા માટે આપણે આપણી ગમતી વ્યક્તિનાં છેલ્લા દિવસોની રાહ કેમ જોઇએ છીએ? છેલ્લા દિવસો હોય તો જ એમની સાથે આવી રીતે વર્તવાનું એવું કોણે કહ્યું?
અમદાવાદની વિમાની દુર્ઘટના પછી અમલમાં મૂકવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે-જીંદગીનો પ્રત્યેક દિવસ એવી જ રીતે જીવો કે સામેની વ્યક્તિનો-તમને ગમતી વ્યક્તિનો છેલ્લો દિવસ છે! તમારી ગમતી વ્યક્તિ પણ એવું જ વિચારીને જીવે….તો સંબંધોમાં લાગણીની, અભિવ્યક્તિની ઉધારી લગભગ બંધ થઇ જાય.
જ્યારે તમે તમારી જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો છો ત્યારે તમે તમારા પોતાનાં માટે જીવતા હોવ છો પણ જ્યારે તમે સામેની વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવો ત્યારે તમે બીજા માટે જીવતા હોવ છો! હાર્ટએટેક, કાર્ડિયાક એરેસ્ટ કે આવી કોઇપણ દુર્ઘટના સમયે સામેની વ્યક્તિ તો પળવારમાં જતી રહે છે પણ આપણે વર્ષોનાં વર્ષ સુધી ત્યાંનાં ત્યાં જ રહી જઇએ છીએ-ના તો આગળ વધી શકીએ છીએ અને ના તો પાછળ જઇ શકીએ છીએ!
આવા સમયે બાકી રહી ગયેલું ‘આવજો’, કહેવાનું રહી ગયેલું, ‘આઇ લવ યુ!’, ક્યારેય નહીં કહેલું-’સોરી’ આ બધું આપણાં કાનમાં પડઘાતું રહે છે અને આપણે ચીસ પણ પાડી શકતા નથી!
ગમતી વ્યક્તિ જતી રહે પછી સમજાય કે-જેની સાથે એક છત નીચે જીવ્યા એનાં વિનાની એક સાંજ પણ મુશ્કેલ છે-ઘરેથી નીકળેલા પપ્પા ઘરે પાછા ફરે જ નહીં ત્યારે સમજાય કે-પપ્પા દીવાલ નહીં આપણાં માથા પરની છત હતા! ‘ક્યાં છે?’, ‘કેટલા વાગ્યે આવશે?’-આવું પૂછ્યા કરતી મા જતી રહે પછી એનાં સવાલોનું મહત્ત્વ સમજાય! મા જતી રહે પછી સવાલો પૂછનારું તો કોઇ ના જ રહે પણ જવાબો સાંભળનારું પણ ચાલી જાય! આ જ ગમતી વ્યક્તિને, આ જ પિતાને, આ જ માને છેલ્લીવાર આવજો કહીએ ત્યારે એમની સાથે લાગણીઓની, અભિવ્યક્તિની ‘ઉધારી’ ના જ હોવી જોઇએ!
આપણે આદત પાડીએ લાગણીઓની અભિવ્યક્તિ જે-તે સમયે જ કરવાની, બોલીને અથવા તો લખીને! આપણે આદત પાડીએ-ગમતી વ્યક્તિનાં હિસ્સાનો સમય એને જે-તે સમયે જ આપીએ, એેને આગળ-પાછળ ઠેલ્યા નહીં કરીએ! મા કે પિતાને રોજ જતો વિડીયો કોલ વ્યસ્તતા વચ્ચે ટાળીએ નહીં, માને થેંકયુ, પિતાને લવ યુ કહેવાનું ચૂકીએ નહીં!
આપણી જીંદગીનાં છેલ્લા દિવસ કરતા ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ આપણા માટે વધારે મહત્ત્વનો હોય છે-કારણ કે એ આપણી બધી ઉધારી ચૂકવવામાં આપણી મદદ કરે છે અને એટલે જ ગમતી વ્યક્તિની જીંદગીનો છેલ્લો દિવસ છે એવું માનીને જીવીશું તો સંબંધ વધારે મજબૂત બનશે જ પણ છાતી ચીરી નાખે એવો અફસોસ આપણાં પક્ષે નહીં રહે એની ખાતરી!!!
ડોટ કોમે હું વસું છું, જો મને
સેપ્શન ખાલી હતું. ઈના હેન્ડબેગ લઈ વોશરૂમ તરફ જતી રહી...
મીરરમાં ઈના ક્યાંય સુધી પોતાની બ્યુટી જોઇ રહી. હોટલનું ફોર્મલ શર્ટ કાઢી એણે બેગમાંથી નવું ટોપ કાઢી ચડાવ્યું. આખા ટોપ પર કલરફૂલ બટરફલાયસ અને વચ્ચે મોટા અક્ષરોમાં પ્રિન્ટ થયેલું ‘my love’! અમને આપેલા આ ચપોચપ ટોપમાં એ બહુ સેક્સી લાગતી હતી. એણે ખભા પર ઝુલતા વાળ સેટ કર્યા. મોબાઇલની રીંગ વાગી. એણે ફટાફટ ફરી યુનિફોર્મ ચડાવ્યો. પેંન્સિલ હિલ સેંન્ડલના ટપટપ અવાજથી કોરીડોર કલબલ્યું.
‘વોટ્સ અ મેટર બેબી?’ સાયરાએ આંખ મિચકારતાં પૂછ્યું, ‘તારી આંખો એવી ચમકે છે જાણે કોઇ પ્રિન્સ મળ્યો હોય.’
‘અરે યાર...પ્રિન્સ જ.’
‘આ એક વીક હું રજા પર રહી એમાં... કોણ છે યાર?’ ‘અમન!’ એણે સાયરાને બાથમાં લઇ ભીંસી દીધી. ‘હેવ ફન!’
‘સાયરા માય ડાર્લિંગ, આઇ એમ ઇન લવ.’
‘ન્યુ વન?’
‘યા, નાઉ લાસ્ટ એન્ડ ફાઇનલ.’
‘કૂલ, જસ્ટ ઇન સિક્સ ડેઝ?’
‘ડીઅર, ડ્રીમબોય આમ જ મળી જાય.’ કાઉન્ટર સંભાળવા અવિનાશ અને સુમન દાખલ થયાં. સાયરા ખુશ થઇ ગઇ. ‘ચલ લંચટાઇમ ફોર લવસ્ટોરી.’
‘અરે યાર હુંયે એટલી ડેસ્પરેટ છું.’ બંને કાઉન્ટર છોડી ડાઇનીંગ રૂમમાં કોર્નર ટેબલ શોધી ગોઠવાયા.
‘કેવો છે તારો હેન્ડસમ?’
‘હમણાં પાંચેક વાગે દેખાશે ઓકે! સાયુ, છ દિવસમાં લાગે કે જાણે છ વર્ષોથી અમારો અફેર ચાલે છે.’ ‘એટલી બધી આગળ વધી ગઈ છો?’
‘ના બાબા, એ રોડરોમિયો નથી.’
‘વાઉ, ફરિશ્તા?’
‘તું વચ્ચે વચ્ચે બોલીને ઇન્ટરપ્ટ ન કર. હી ઈઝ સો હેન્ડસમ! એ પહેલી વાર રીસેપ્શન પર આવ્યો ને મારી સામે જોતો જ રહી ગયો’તો. જ્યારે હું બોલી, ‘સર!’ અને એની સમાધિ તૂટી. મેં એને પૂછ્યું, ‘વૂડ યુ લાઈક રૂમ નં 404, સી ફેસીંગ છે.’ ને એ કહે ‘આઇ પ્રીફર ટુ સી યોર ફેસ.’ ઓ માય ગોડ...!’
‘અલી, આ રોમિયો જ કહેવાય.’
‘સી, એક તો એ ગેસ્ટ. એનું ઇન્સલ્ટ ન કરાય અને કોઇ આવું કહે તો તનેય ગમે હો! હું જ્યારે આટલી સીરિયસ છું, અને તું મજાક કરે છે! યુ નો, બધું તને કહેવા માટે મારું દિલ કેટલું ઓવરફ્લો થાય છે! એ દિવસે તો મેં એને સ્માઇલ આપીને વાત પૂરી કરી. રૂમની ચાવી હાથમાં રમાડતાં બોલ્યો, વાઉ... બ્યુટીફુલ! યુ નો સાયુ, એની આંખમાં એવું કંઈક છે ને..’
‘પછી?’ ‘એ જ દિવસે સાંજે હું ડ્યુટી પતાવીને બહાર નીકળતી હતી ત્યાં લાઉન્જમાં મળી ગયો. મને કહે, ‘આઈ એમ અમન. હું અહીં નવો છું. થોડું ગાઇડન્સ જોઈએ. કૉફીશોપમાં બેસીએ?’ મારે સોરી કહેવું પડ્યું, પ્લીઝ, કાલે ડે ટાઇમમાં.’ ‘સી યુ ટુમોરો’ કહીને એ જતો રહ્યો. મેં હોટલ છોડી પણ એ મારા મનમાં છવાયેલો રહ્યો. યાર, હી મેઇડ મી મેડ.... આમ તો આપણે ત્યાં કેટલાય આવતા હોય પણ આ કંઇક ‘હટકે’.... નેક્સ્ટ ડે આખો દિવસ મારી નજર એને શોધતી રહી. છેક સાંજે દેખાયો. હું બરાબર ચિડાઇ હતી એટલે એના તરફ ધ્યાન ન આપ્યું. કાઉન્ટર પાસે આવીને, ‘કૉફીશોપમાં તારી રાહ જોઉં છું. સોરી, આખો દિવસ બિઝનેસ મિટિંગ ચાલી.’ જાણે કેમ હું એની રાહ જોતી બેઠી હોઉં! એ દિવસે એણે પોતાની વાતો કરી. દિલ્હીમાં એના પપ્પાનો બિઝનેસ છે. એને એના પપ્પા માટે ખૂબ રિસ્પેક્ટ છે. આખો દિવસ બીઝી રહે છે વગેરે વગેરે...
‘ક્યાં ક્યાં ફર્યા?’ ‘ફરવાની વાત જ ન કર.. મને કહે, ‘હજી ધંધામાં ઝુકાવ્યું જ છે. પપ્પાના બહુ એક્સ્પેક્ટેશન્સ છે. ડ્યુટી ફર્સ્ટ. આ તો તારી સાથે વાત કરવાનું બહુ મન થાય છે! બાકી હું એકદમ ઇંટ્રોવર્ડ છું. લોકોમાં ભળવાનું ન ફાવે.’ સાયુ, આખા વીકમાં અમે એકવાર પણ બહાર નથી ગયા. મને કહે, ‘કોઇ તારા માટે કંઇ કહે એ મને જરાય પસંદ નથી.’ બોલ, દિલ્હીમાં રહેનારો આવું વિચારે?’
‘એની રૂમમાં તો…’સાયરાએ આંખ મીંચકારી.
‘નો નો, રૂમમાં જવાનો તો એણે કદી ઇશારો પણ નથી કર્યો. એટલે જ તો હું એના પર મરું છું!’
‘વાહ, એક એનો બિઝનેસ અને બીજી તું ! કોઇ હર્ડલ ન જોઇએ.’ ‘તું માનીશ! બસ એક વાર એણે મારો હાથ પકડ્યો’તો એ જ. બોલ્યો, યુ આર માય લાઈફ.’
‘ટોટલ ફિલ્મી!’ ‘તું જે માન એ પણ મારી જિંદગી હવે એના નામે…’ અવિનાશ બોલાવવા આવ્યો. ‘સોરી અવિ’ કહેતાં બંને રિસેપ્શન તરફ વળ્યા.
સાંજે છ વાગે અમન હોટલમાં આવ્યો. ઈનાનું બહુ મન હતું કે આજે એ અમનની સાયરા સાથે ઓળખાણ કરાવે પણ અમન કાઉન્ટર પાસે આવીને હળવેથી ગણગણ્યો. ‘આજે નહીં બેસાય. કામ બહુ બાકી છે, બાય!’
ઘરે પહોંચીને ઈનાનો જરાય મુડ નહોતો. ‘ભુખ નથી.’ કહીને એ જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. એણે ટીવી ઓન કર્યું પણ કંઇ જામ્યું નહીં. કાલે રવિવાર… કદાચ અમન નીકળી જાય તો! એણે એનો મોબાઇલ નંબર માગ્યો’તો પણ એનું કહેવાનું હતું કે દિવસના એ મીટિંગોમાં એટલો બીઝી રહે છે કે એ વાત નહીં કરી શકે. દિલ્હી જતી વખતે ચોક્કસ નંબર આપી દેશે. થાકથી એને ઊંઘ આવી ગઈ. અચાનક ફોનની રીંગ વાગી. ‘ઈના તું ઘરે છે ને?’
‘કેમ શું થયું?’ ‘અરે ટીવી ઓન કર…’ ઈના પથારીમાંથી કૂદી, ‘મમા મમા...’ ટીવીમાં ન્યુઝ આવી રહ્યા હતા. એની હોટલમાં ભડકા બળતા હતા. ઈના હીબકે ચડી. એની મમ્મી એને વળગી પડી.., ‘યુ આર સેવ્ડ માય ચાઇલ્ડ...’
ઈના બહાવરી બનીને ટીવીમાં કોઇને શોધ્યા કરતી હતી. હોટલમાં બધા ફસાયેલા હતા. લોકોની ચીસાચીસને બુમાબુમ.... ઈનાનું મન અમન માટે ધમપછાડા ખાતું હતું... એનું ચાલત તો એ હોટલ તરફ દોડ લગાવત પણ મમ્મી-પપ્પા એનો હાથ છોડે તો ને! રાત આખી એની આંખો ટીવીમાં ઘુસેલી જ રહી.
વહેલી સવારના ન્યુઝમાં જાહેરાત થઈ. ‘એક આતંકવાદીને ઠાર મરાયો.’ એનો ફોટો સ્ક્રીન પર બતાવાયો..
‘નો નો’.... કહેતાં ઈના બેહોશ થઇ ગઇ...બેહોશીમાં એ લવ્યા કરતી’તી ‘આઇ એમ સેવ્ડ..
મોહિની મહેતા પ્રશ્ન : મારી દીકરી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. એનું કોલેજનું ગ્રૂપ સારું છે, પણ છેલ્લા થોડા સમયથી એ રાત્રે મોડી ઘરે આવે છે અને એને ઘરે મૂકવા માટે ગ્રૂપના જ કોઇ ને કોઇ યુવાનો આવે છે. મને આ અંગે ચિંતા થાય છે કે એ રાત્રે મોડી અને કોઇ યુવાન સાથે ઘરે આવે તો લોકો એના વિશે કેવી વાતો કરશે? એની સાથે કંઇ દુર્ઘટના બનશે તો? મારે શું કરવું?
- એક મહિલા
ઉત્તર : તમારી દીકરી કોલેજમાં ભણે છે અને હવે એ પોતાના ગ્રૂપ સાથે વધારે સમય વિતાવે છે. જોકે તમારી ચિંતા સ્વાભાવિક છે કે દીકરી રાત્રે મોડી આવે અને એને કોઇ યુવાન ભલે એ જાણીતો હોય, તો પણ આપણા સમાજમાં લોકો વાતો કરતાં થઇ જાય છે. તે સાથે જ તમારી એ ચિંતાને પણ નકારી શકાય નહીં કે હવે યુવતીઓ ભલે સક્ષમ બની છે, પરંતુ સાથોસાથ યુવતીઓ સાથે બનતી દુર્ઘટનાઓના પણ અનેક કિસ્સાઓ આપણે વાંચતાં-સાંભળતાં હોઇએ છીએ. તમે દીકરીને પ્રેમથી સમજાવો કે મોડી રાત સુધી એ બહાર રહે અને એને રાત્રે કોઇ પણ યુવાન ઘરે મૂકવા આવે તે યોગ્ય નથી. એ ભલે એના ગ્રૂપ સાથે જાય, પરંતુ રાત્રે ઘરે સમયસર આવી જાય એવું તેને સમજાવો.
પ્રશ્ન : મારા પતિને લગ્ન પહેલાં એક યુવતી સાથે પ્રેમ હતો. બંનેની સગાઇ પણ થઇ ગઇ હતી, પરંતુ એ યુવતીનાં માતા-પિતાએ કરિયાવર આપવાની ના પાડતાં મારાં સાસુ-સસરાએ એ સગાઇ તોડી નાખી. મને આ વાતની જાણ થયા પછી ચિંતા થાય છે કે મારાં સાસુ-સસરા મારી પાસે (મારાં માતા-પિતા પાસે)થી આવી કોઇ માગણી કરશે તો શું કરવું? હું આ અંગે મારાં માતા-પિતાને જાણ કરું? - એક યુવતી
ઉત્તર : તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા સાથે તમારાં સાસુ-સસરાને જે કંઇ વાંધો પડ્યો હોય અને તેમણે એ સગાઇ તોડી નાખી હોય, તેની સાથે તમારે કંઇ લેવાદેવા નથી. અલબત્ત, કરિયાવર બાબતે જો એ લોકોને એટલે કે તમારાં સાસુ-સસરાને લાલચ હોત, તો એમણે લગ્ન સમયે જ તમારાં માતા-પિતા પાસેથી કરિયાવરની માગણી કરી હોત. તેમણે તમને કે તમારાં માતા-પિતાને કંઇ કહ્યું નથી, તેનો અર્થ એ કે તમારાં સાસુ-સસરાને કરિયાવરની લાલચ ન હોય. એવું પણ બનવાજોગ છે કે એ ભૂતપૂર્વ પ્રેમિકાએ પોતાની સગાઇ તૂટવા માટે આ ખોટી વાત ફેલાવી હોય. તમે ચિંતા ન કરો. તમારાં સાસુ-સસરા તમારી પાસે કંઇ માગણી કરશે નહીં. આ બાબતે ચિંતા કરશો નહીં અને આ બાબતે તમારાં માતા-પિતાને જણાવી તેમને પણ ખોટી ચિંતામાં મૂકવાની જરૂર નથી.
પ્રશ્ન : મારી સાથે જ જોબ કરતા એક યુવાનને હું પસંદ છું, પરંતુ મને એ યુવાન ખાસ પસંદ નથી. એ ઘણી વાર લંચ અવરમાં અથવા ટી-બ્રેક વખતે મારા ડેસ્ક પર આવીને બેસે છે. મારું કંઇ કામ પેન્ડિંગ હોય તો તે પૂરું કરાવવામાં મદદ કરવાનું કહે છે, પણ મને એ બધું પસંદ નથી. મને ખ્યાલ છે કે એ આ બધું મારી નજીક રહેવા માટે કહે છે, પણ મારે એને કઇ રીતે ના કહેવી?
- એક યુવતી
ઉત્તર : તમને જે યુવાન પસંદ નથી એની સાથે તમે જો અનિચ્છાએ પણ નિકટતા વધારશો તો એને મનોમન પ્રોત્સાહન મળશે. તમને એ યુવાન પસંદ નથી અને તમને એ પણ ખ્યાલ છે કે એ તમારી નજીક રહેવા માટે તમને મદદરૂપ થવાનું કહે છે, જે તમને ગમતું નથી. તમે આ બાબતે એ યુવાનને સ્પષ્ટ ના કહી દો કે તમને એની મદદ લેવાનું ગમતું નથી. તેમ જ એ લંચ અવરમાં કે ટી-બ્રેકમાં તમારી ડેસ્ક પર આવીને બેસે છે, તે પણ તમને પસંદ નથી. એક વાર સ્પષ્ટ કહી દેવાથી એને કદાચ ખરાબ લાગી શકે, પણ તમને કાયમ માટે શાંતિ મળી જશે.
પ્રશ્ન : મારા પિતા નિવૃત્ત થઇ ગયા છે. મેં એમબીએ કર્યું છે અને જોબ શોધું છું. બે વર્ષ થઇ ગયાં, છતાં હજી મને કોઇ સારી જોબ મળી નથી. અત્યારે તો માતા-પિતાએ કરેલી બચતમાંથી ઘરખર્ચ ચાલે છે, પણ જો મને જોબ ન મળી તો બચત ઉપર ઘર કેટલા સમય સુધી ચાલશે? હું શું કરું?
- એક યુવાન
ઉત્તર : તમે એમબીએ કર્યું છે અને બે વર્ષથી જોબની શોધમાં છો, તો અત્યાર સુધીમાં તમને કોઇ જોબ મળી જ જવી જોઇએ. આજકાલ તો કેટલીય વેકેન્સીની જાહેરાતો છાપાંમાં આવતી હોય છે. તમને તમારાં માતા-પિતાને મદદરૂપ થવાની ચિંતા છે, એ બરાબર, પણ તમે જો કોઇ સારી જોબની જ શોધમાં બેસી રહેશો, તો એ રીતે તમને જોબ નહીં મળે. તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી પડશે. તમને અત્યારે જે કોઇ જોબ મળતી હોય તે મેળવી લો અને માતા-પિતાને આર્થિક મદદ કરો. ધીરે ધીરે તમને અનુભવ મળવાની સાથોસાથ ગમતી જોબ પણ ચોક્કસ મળી જશે.
પ્રશ્ન : મારાં લગ્ન થયાં, ત્યારે મારા મિત્રને મારી સાળી ગમી ગઇ હતી. અમે બંનેએ એ મિત્રનાં માતા-પિતા અને મારાં સાસુ-સસરાને વાત કરી, બંનેની સગાઇ કરાવી આપી. હવે એમનાં લગ્ન બે મહિના પછી થવાનાં છે, ત્યારે મારો મિત્ર લગ્ન કરવાની ના કહે છે. આ રીતે એ ના કહે અને સગાઇ તોડી નાખે તો મારી સાળી વિશે બધાં શું વિચારે? એને કઇ રીતે લગ્ન કરવા માટે રાજી કરવો? - એક યુવાન
ઉત્તર : તમારા મિત્રને તમારી સાળી લગ્નમાં જોયાં દરમિયાન ગમી ગઇ અને તમે બંનેએ મળીને એ મિત્ર તથા તમારી સાળીની સગાઇ પણ કરાવડાવી આપી. આટલું બધું કરતાં પહેલાં તમારે તમારા મિત્રની થોડી તો ચકાસણી કરવી હતી કે એ આ અંગે પૂરતો ગંભીર છે કે નહીં. વળી, હવે જો એ લગ્ન કરવાની ના કહે છે, તો સગાઇના આટલા સમય પછી કેમ લગ્નની ના કહે છે, તેનું કારણ જાણવાનો તમારાં બંનેમાંથી કોઇએ પ્રયત્ન કર્યો નથી. સૌથી પહેલાં તો એ જાણો કે એ કેમ લગ્ન કરવાની ના કહે છે. જો કોઇ વ્યાજબી કારણ ન હોય, તો તમારા મિત્રને કહો કે એણે જ સામે ચાલીને તમારી સાળી સાથે લગ્ન કરવાની ઇચ્છા દર્શાવી હતી અને હવે એ ના કહે તો તે યોગ્ય નથી. જરૂર લાગે તો એનાં માતા-પિતાને પણ વાત કરો.
પ્રશ્ન : મારી ઉંમર એકવીસ વર્ષ છે અને હું જે યુવતીને પ્રેમ કરું છું એની ઉંમર અઢાર વર્ષ છે. અમે બંને લગ્ન કરવા માગીએ છીએ, પણ અમારાં માતા-પિતાનું કહેવું છે કે હજી બે-ત્રણ વર્ષ બાદ તેઓ અમારાં લગ્ન કરાવી આપશે. અમારી બંનેની ઇચ્છા પહેલા લગ્ન કરવાની છે, અમારે માતા-પિતાને કઇ રીતે મનાવવા? - એક યુવાન
ઉત્તર : તમે બંને લગ્ન કરવા માટેની યોગ્ય ઉંમર ધરાવતાં તો થઇ ગયાં છો, પરંતુ હજી તમારો કદાચ અભ્યાસ પૂર્ણ નહીં થયો હોય અથવા તો કરિયરમાં કોઇ ચોક્કસ માર્ગે આગળ વધ્યા નહીં હો. માતા-પિતાની વાત સાચી છે કે હજી તમારે રાહ જોવી જોઇએ. ઘણી વાર ઉંમરના આ તબક્કે લગ્ન કરવામાં એકબીજાના સાથ કરતાં વિજાતીય આકર્ષણની ભાવના વધારે હોય છે. માટે તમે બંને હજી થોડો સમય રાહ જુઓ અને પછી પણ જો બંનેને લાગે કે એકબીજા વિના નહીં રહી શકો, તો પછી માતા-પિતાએ તો બે-ત્રણ વર્ષ બાદ તો લગ્ન કરાવી જ આપવાનાં છે. માટે રાહ જુઓ એ જ તમારાં બંને માટે હાલના સમયે હિતાવહ રહેશે.
બુધવારની બપોરે:બાલ્કનીમાંથી ઘરમાં જવાય?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/can-i-go-into-the-house-from-the-balcony-135305841.html

બે કારીના હૃદયદ્રાવક જમાનામાં પણ મેં સર્કસમાં નોકરી કરી નથી. ભૂખ્યો સૂતો નથી પણ અનેકને સુવડાવ્યા છે. મંદિરોમાં પૂનમની ભીડોમાંથી સાંગોપાંગ દેવ દર્શનો કરી શક્યો નથી, એટલે ફ્લૅટની ચાવી ફ્લૅટમાં રહી ગઇ હોય ત્યારે ફ્લૅટમાં ક્યા માર્ગે જવું, તેનું મને નૉલેજ ન હોય તે સ્વાભાવિક છે.
ઘરનાં બધાં ઘરની બહાર હતાં. એટલે ગમે તેમ કરીને ફ્લૅટમાં જવું તો પડે જ? દરવાજાને નાનકડી 20-25 ધક્કીઓ નહિ, પણ 3-4 તોતિંગ ધક્કા મારી જોયા. કોઇ રિસ્પૉન્સ નહિ. હું ફ્લૅટના પગથિયા પાસે ઢીંચણ ઉપર બન્ને કોણીઓ ગોઠવીને દરવાજા સામે જોતો આઠેક મિનિટ બેસી રહ્યો. કંઇ બોલવા કરવાનું નહિ. બસ. જમવાનું ય અહીં જ મંગાવવું ના પડે, એની ફિકર કરતો હું ફિલ્મ ‘જાગતે રહો’ના રાજ કપૂર જેવો લાગતો હતો....દેખાવમાં નહિ, લાચારીમાં!
મને ખ્યાલ તો આવ્યો કે, ઘરમાં જવું નિહાયત જરૂરી હતું. લાઇફનાં બાકીનાં વર્ષો આમ ફ્લૅટના દરવાજાની સામે ઢીંચણ ચઢાવીને બેસી તો ન રહેવાય ને? કોક જુએ તો શું માને? તમને યાદ હોય તો જંગલના ગોરિલાઓ ખીજાય એટલે ધમધમધમ પોતાની છાતી કૂટે છે.
હવે મને ખ્યાલ આવ્યો કે, એ લોકો ય ચાવી ક્યાંક ભૂલી આવ્યા હશે. એક રસ્તો હતો. અમારી બાલ્કનીમાં પહોંચી જવાય તો પછી અંદરથી સ્ટૉપર કેવી રીતે ખોલવી, એ ઈઝી હશે. મા
રું હજી એ પહેલું જ કદમ હતું એટલે બાજુમાં કે ફ્લૅટની નીચે ભીડ જમા થઇ નહોતી. આ ભીડોનું તો કેવું હોય છે કે, એ લોકોને ખાત્રી થાય કે, હવે આ ઉપરથી નીચે ખાબકે એવો છે, તો નીચે કમર પર બન્ને હાથો ટેકવીને આપણી સામે ઊંચે જોયે રાખે...મોટી આશાઓ લઇને!
ધીમે ધીમે જનમાનસ ભેગું થવા માંડ્યું હતું. એ લોકો હૅલ્પ કરવા માંગતા હતાં કે, મારા પડવાની રાહ જોતાં હતાં, તે હું નીચે જઇ-આવીને પૂછી ન શક્યો. આપણા એ સંસ્કાર જ નહિ. અડોસપડોસમાં સંબંધો ગમે તેટલા સારા હોય તો પણ બાજુવાળા પડોસીને એમ ન કહેવાય કે, ‘મારા બદલે જરા તમે બાલ્કનીમાં ઠેકી આવો ને!’ એવું કહીએ ને સાલો ઠેકી આવે, તો.... પછી ઘર રેઢું કેવી રીતે મૂકવું? બધા પડોસીઓ મારા જેવા સારા, ઈમાનદાર, જોવા ગમે એવા તેમ જ ભરોસેમંદ હોતા નથી. આ તો એક વાત થાય છે.
આખરે પૂજ્ય ભ'ઈ (પપ્પા)નો એક પ્રસંગ યાદ આવ્યો. મારા વતન મોરબીની બક્ષી શેરીમાં અમારું ઘર. સામે મંદિર. વરસાદ ધોધમાર હતો ને શેરીમાં હોવું જોઇએ એટલું પાણી ઘરના ફળિયામાં વહેતું હતું. ભ'ઇ કાચી સેકંડમાં મંદિરથી અમારા ઘર સુધીના આઠ ફૂટનું અંતર ઠેકી ગયા હતા. આઇ મીન, બબ્બે તબક્કે! વચમાં એક વિરાટ પાણો હતો. (પાણો એટલે પથરો) પહેલો જમ્પ એ પાણા ઉ૫૨ ને બીજો ડાયરેક્ટ ઘરના પગથિયા ઉપર! અહીં, મારે કૂદાય એવો પાણો બાલ્કની અને દાદરના કઠેડા વચ્ચે આવતો નહોતો. કામ મુશ્કેલ હતું. પાછો મને કોઇ અડોસપડોસ તરફથી ‘બક-અપ’ પણ નહિ.
ઑલિમ્પિક જેવી ૨મતોમાં ભલે દોડવીરે 100-મી. જ દોડવાનું હોય છે, પણ એને ‘બક-અપ' કરવા સ્ટેડિયમમાં લાખો લોકો ઉપસ્થિત હોય છે. મારે તો કોઇ નહિ. પેલો 100-મી. દોડનારો ન કરે નારાયણ ને ગોથમડું ખાઇ જાય તો બહુ બહુ તો ઢીંચણ કે કોણી છોલાય....મારા કૅસમાં તો પડોસીઓ ટીંચર-આયોડિન પણ લઇને ન આવે. જાણતા હોય કે, આટલે ઊંચેથી ખાબક્યો છે તો, ‘હવે ખોટું ટીંચર બગાડવાની જરૂર નથી. આમેય, એને સવારે તો કાઢી જશે ને?’
મેં દાદરના કઠેડેથી વાંકા વળીને જોયું કે, પ્રવાસ કેટલો દૂર અને ખતરનાક છે? ખતરનાક હતો, પણ દૂર નહોતો. નૉર્મલી, લાંબા પ્રવાસોમાં સાથે શું શું લઇ જવું, એની યાદી બનાવાતી હોય છે. (આવી યાદી બનાવવાના ડોડળીયામાં એક વાર હું હકીને ઉમેરવાનું ભૂલી ગયો હતો!....અને એ પ્રવાસ મુલતવી રાખવો પડ્યો હતો!) હું કોઇ હરક્યુલિસ નહોતો કે, બીક-ફીક ન લાગે. હિંમત કરીને-વાંકા વળીને મેં બાલ્કનીના કઠેડાને અડી જોયું. (એ તાજો રંગેલો નહોતો ને, એ ચૅક કરવા!) સબ-સલામત હતું.
ઘરમાં ઘૂસવું નિહાયત જરૂરી અને હવે પેટલક્ષી ઈમર્જન્સીવાળું પણ હતું. વધુ રાહ જોવાય એવી નહોતી. નીચે પબ્લિક ભરાવા માંડ્યું હતું. મને લાગે છે કે, એ લોકો અંદરોઅંદર કોઇ શરતો મારતાં હતાં, શેની....એ તો મને ખબર નથી, પણ મારા તરફ હાથમાં પૈસાની નૉટો ઊંચી કરીને એ લોકો ‘બક-અપ...બક-અપ’ કરે જતાં હતાં. હું પરમેશ્વરમાં ચોક્કસ માનું છું, એટલે હવે તાકીદની જરૂરત પરમેશ્વર મારામાં કેટલું માને છે, એ જોવાની હતી.
એમનું નામ લઇને હું સફળતાપૂર્વક કઠેડો ઠેકી ગયો અને ‘સૅફ-લૅન્ડિંગ’ બાલ્કનીમાં થયું. હજી મોટો ખતરો અંદરથી બંધ રહેતા દરવાજાને ખોલવાનો હતો. મેં જસ્ટ...એક વાર ખખડાવ્યો, એમાં તો દરવાજો ખૂલી ગયો. સામેથી હકી પ્રગટ થઇ. એ ખીજાણી કે ‘મૅઇન દરવાજેથી નથી અવાતું?’
હું થાકેલો, હારેલો અને પસ્તાયેલો સોફા પર બેસી પડ્યો. ‘તમને એટલું ય યાદ રહેતું નથી કે ફ્લૅટની ચાવી વૅન્ટિલેટરવાળા ખચકામાં રાખીએ છીએ...?’ સિક્સર
- આ રાહુલ પાકિસ્તાની છે?
- ઓહ...તમને એટલી શંકા થઇ, એ પૂરતું નથી?
ઈમિગ્રેશન:H-1B વિઝા કેવી રીતે મળે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/how-to-get-an-h-1b-visa-135305831.html

રમેશ રાવલ સવાલ: મારો દીકરો યુકેમાં ms culinary arts કરીને psw (પોસ્ટ સ્ટડી વર્ક) પર છે. હવે તેને યુએસએમાં H-1B વિઝા કઈ રીતે મળી શકે?
- હીના શાહ, અમદાવાદ
જવાબ: અમેરિકાના H-1B વિઝા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડે. જેમકે, (1) તમને અમેરિકામાં Specialty occupation workersની જોબ ઓફર આપનાર કંપની એમ્પ્લોયરે તમારા માટે નોન ઈમિગ્રન્ટ વર્કર તરીકે પિટિશન ફાઈલ કરી લેબર સર્ટિફિકેશન લેવું પડે.
(2) જો તમારી પિટિશન એપ્રૂવ થાય તો તમારે તેની સાથે DS. 160 ફોર્મ ભરી વિઝા માટે એપ્લાય કરો અને વિઝા મળે તો એમેરિકા જઈને જોબ કરી શકાય. (3) આ ઉપરાંત લોટરી સિસ્ટમ અને બીજી ઘણી બાબતોમાંથી પસાર થવું પડે. (4) આ વિઝા માટેની જરૂરી ડિગ્રી વગેરે પણ જરૂરી છે.
સવાલ: હું બિઝનેસમેન છું અને મારી બે કંપનીઓ છે. મારું 400 કરોડનું ટર્નઓવર છે. મારી ઉંમર 66 વર્ષની છે અને મારી પત્નીની ઉંમર 62 વર્ષની છે. હું ઘણા દેશોમાં જેવા કે યુરોપ, ફિનલેન્ડ, પનામા, ઝાંબિયામાં બિઝનેસ તેમજ ટુરિસ્ટ તરીકે ટ્રાવેલ કરી ચૂક્યો છું. હવે મારે અને મારી પત્નીએ અમેરિકાના વિઝિટર વિઝા માટે તમને રૂબરૂ મળવું છે. તો જવાબ આપશો?- છગનભાઈ પટેલ, અમદાવાદ
જવાબ: હવે હું રૂબરૂ મળી શકું તેમ નથી, કારણ કે હવે માત્ર સેવાભાવથી સમાજઉપયોગી થવા માટે નિ:શુલ્ક સેવા આપું છું. તમે બંનેના વિઝિટર વિઝા માટે DS. 160 ભરીને ઓનલાઈન ફી સાથે ફાઈલ કરી શકો છો, જેમાં તમને કોઈ સવાલના જવાબ માટે પ્રોબ્લેમ હોય તો મને ઈમેલ કરી શકો છો. તમારો ટુર્સનો રેકોર્ડ જોતા તમને વિઝિટર વિઝા મળવાના ચાન્સ છે. આ સિવાય તમારો ફોન નંબર જણાવાથી ફોન ઉપર પણ માર્ગદર્શન આપી શકાય.
સવાલ: હું અમેરિકાની સિટીઝન છું અને મને મારું O.C.I. (Overseas Citizen of India) કાર્ડ તારીખ 10-1-2025ના રોજ ઈન્ડિયા આવી ગયા પછી મળી ગયું છે. તો હવે મારી પાસે O.C.I. હોવાથી મારે તારીખ 1-7-2025 પહેલાં ઈન્ડિયા છોડી દેવું પડે?
- નયનાબેન જે. સાપા, અમદાવાદ
જવાબ: ના, તમે અમેરિકાના સિટીઝન હોવાથી અને તમને કાયદેસર રીતે ઈન્ડિયામાં રહેવા માટે O.C.I. કાર્ડ મળેલું છે. તેથી તમારે 6 મહિનામાં અમેરિકા જવું ફરજીયાત નથી. 6 મહિનાનો નિયમ ગ્રીનકાર્ડ હોલ્ડર માટે છે.
સવાલ: મેં અને મારી પત્નીએ અમેરિકાના વિઝા ઈન્ટરવ્યૂ તારીખ 22-4-2025ના રોજ આપ્યા ત્યારે ઓફિસરે કહેલું કે અમારા બંનેના વિઝા એપ્રૂવ થયા છે. મારો પાસપોર્ટ આવી ગયો છે, પરંતુ મારી પત્નીનો પાસપોર્ટ પાછો આવ્યો નહીં હોવાથી મેં ઘણી વાર પાસપોર્ટ સેન્ટરમાં ઈમેલ મોકલ્યો અને તેનો જવાબ આવેલો કે તેણીનો પાસપોર્ટ એમ્બેસી પાસે છે અને તે અંડર પ્રોસેસમાં હોવાથી પાસપોર્ટ રિસિવ કરવા માટે રાહ જોવી પડશે. તો હવે અમારે કેટલા દિવસ સુધી પાસપોર્ટની રાહ જોવી પડશે? એક મહિના સુધી હજુ પાસપોર્ટ મળ્યો નથી.
- મનુ પટેલ, ગાંધીનગર
જવાબ: તમને પ્રોસેસમાં હોવાનો જવાબ મળ્યો છે તેથી વારંવાર ઈમેલ કરવાની જરૂર નથી. આ જવાબ પ્રસિદ્ધ થશે તે દરમ્યાન પાસપોર્ટ મળી જશે તેવું મારું માનવું છે. એટલે વેઈટ એન્ડ વોચ.
સવાલ: મને અમેરિકાનું ગ્રીનકાર્ડ મળ્યું છે, પરંતુ મારે વિઝિટર વિઝા ગ્રીનકાર્ડ સરેન્ડર કરી વિઝા કેવી રીતે લેવાય?- કીર્તિ ચાહવાલા, સુરત
જવાબ: તમે વિઝિટર વિઝાનું ફોર્મ નંબર DS. 160માં માંગેલી વિગતોના સાચા જવાબો લખી 160 ડોલરની ફી ભરીને ઈન્ટરવ્યૂની તારીખ મેળવીને એપ્લાય કરી શકો છો. રૂબરૂ ગ્રીનકાર્ડ ઈન્ટરવ્યૂમાં બતાવી શકાય. પહેલાં ફોર્મ નંબર I-407 ફાઈલ કરી શકાતું હતું તે ફોર્મ ભરીને સાથે લઈ જવું.
સવાલ: મારા બે વાર વિઝિટર વિઝા રિન્યૂ કરાવેલા. હવે ત્રીજી વખતના વિઝાનું ફોર્મ DS. 160 ફી સાથે ઈન્ટરવ્યૂ વેવર (ડ્રોપ બોક્સ)માં એપ્લાય કરેલ છે. અમને ઈમેલથી સૂચના મળી છે કે ઈન્ટરવ્યૂ વેવરમાં ફેબ્રુઆરી 2025 પછી તેમાં ફેરફારો થયા છે. મને ઈન્ટરવ્યૂની તારીખ 29-9-2025 જણાવી છે. તો શું ઈન્ટરવ્યૂ માફી માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે?- શોભા દવે, અમદાવાદ
જવાબ: તમને જે ઈમેલમાં જવાબ આવ્યો હોય તેની કોપી મોકલ્યા પછી વધુ માહિતી આપી શકાય. સામાન્ય રીતે ડ્રોપ બોક્સમાં એપ્લાય કરનારાને વિઝા મળે છે, પરંતુ તમારા કેસમાં કોઈ પ્રોસેસ માટે તમને ઈન્ટરવ્યૂની તારીખ આપી હોવાથી રૂબરૂ જવું પડે. તેમ છતાં ઈમેલ કરીને કન્ફર્મ કરી શકો છો.
સવાલ: અમારી F-4ની ફાઈલ 15-11-2006ની છે. વિઝા બુલેટિન જૂન 1-12-2006 દર્શાવે છે, તો ફાઈલ ક્યારે ખુલશે?- કાવ્યા ચૌધરી
જવાબ: જો એપ્રૂવલ લેટર પછી વેલકમ લેટર આવી ગયો હોય તો ફાઈલ
ઓપન થઈ કહેવાય. બધાં સ્ટેપ્સ પૂરાં થયાં પછી એક પત્ર આવશે. તેમાં તમને ઈન્ટરવ્યૂની તારીખ જણાવશે. આ વર્ષમાં ઈન્ટરવ્યૂ આવે તો નિયમો બદલાય નહીં તો જ.
મેંદી રંગ લાગ્યો:સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/in-laws-dont-wear-this-colored-bangle-135305825.html

સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી,
મારો સસરો ઠગારા હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી.
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો બાપ ઠગારો હો રંગની ચૂડી,
ભલે લાજું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી સાસુ ઠગારી હો રંગની ચૂડી,
મને પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારી માએ ઠગારી હો રંગની ચૂડી,
ભલે પગે પડાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો જેઠ ધૂતારો હો રંગની ચૂડી,
મુને લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે લાજ્યું કઢાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારી જેઠાણી ધૂતારી હો રંગની ચૂડી,
મુને કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું રંગની ચૂડી.
તારી ભોજાઈ ધૂતારી હો રંગની ચૂડી,
ભલે કામ કરાવે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
મારો દેર ઠગારો હો રંગની ચૂડી,
મુને હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી.
તારો ભાઈ ધૂતારો હો રંગની ચૂડી,
ભલે હોળી રમાડે હો રંગની ચૂડી,
સાસરિયે આવો હો રંગની ચૂડી.
જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો બાલિકાથી લઈ વૃદ્ધા માટે વ્રતના મહિના છે. આ મહિનાઓમાં કુમારિકાઓનાં ગૂંગી ગોરના વ્રતથી શરૂ કરી જયાપાર્વતી, એવરતજીવરત, દિવાસો, ફૂલકાજળી, શીતળાસાતમ, કેવડાત્રીજ જેવાં મહિલાઓનાં વ્રતો આવે. વ્રત એટલે આસ્થાપૂર્વક પૂજનઅર્ચન, અલૂણું ભોજન, એકટાણું-ઉપવાસ, જાગરણ. અગાઉ વીજળી ન્હોતી, મનોરંજનનાં સાધનો ન્હોતાં ત્યારે મહિલાઓ ગામની બજારમાં, ચોકમાં, પાદરમાં રાસડા લઈને જાગરણ કરતી જેમાં લોકગીતો ગવાતાં. વ્રતોની ઉજવણી કુમારિકાઓ, યુવતીઓ માટે ભાવિ જીવનની ઇન્ટર્નશિપ હતી!
પચાસ-પોણોસો બહેનો એકસાથે રાસ લેતી ને મધરાત પછી રંગત ચડે એટલે બે ભાગમાં વહેંચાઇ જાય, એકબાજુ ગામની વહુવારુઓ ને બીજીબાજુ દીકરીઓ. બન્ને પક્ષ વડછડનાં લોકગીતો ગાય. ગીત થકી એકબીજાની મસ્તી કરે, મજાક કરે. પરસ્પર વિશે, પરિવારના સભ્યો વિશે ઘસાતું ગાય, સહનશક્તિનો તાગ મેળવે. બધાં મરકતાં રહે, કોઈને દુઃખ ન લાગે. સવારે સૌ સંપીને પોતપોતાને ઘેર જાય. આ
હતું ઉલ્લાસમય ગ્રામ્યજીવન, સંબંધોની ઘનિષ્ઠતા, ઉદાર મન અને વલણ.
‘સાસરિયે નૈ આવું હો રંગની ચૂડી. . . ’ જાગરણની રાતે નણંદ-ભોજાઈઓ દ્વારા વડછડરૂપે ગવાતું પણ હવે વિસરાઈ ગયેલું લોકગીત છે. ભાભીઓ નણંદને ચિડવવા કહે છે કે હવે હું સાસરિયે નહિ આવું, કેમકે મારા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર સૌ ઠગારા-ધૂતારા છે એ લોકો મને પોતપોતાની ઢબે પરેશાન કરે છે. નણંદો કહે છે કે તમારે સાસરિયે તો આવવું પડશે. સાસરિયે લાજ કાઢવી પડે, પગે લાગવું પડે, હોળી રમવી પડે-એમાં તમે કયો ઉપકાર કરો છો? ને તમારા પિતા, માતા,
ભાઈ, ભાભી પણ ઠગારા અને ધૂતારા છે!
આજે સમય બદલાયો છે, આપણે સૌ વધુને વધુ ઈગોઇસ્ટિક થતાં જઈએ છીએ ત્યારે આવા શબ્દો કોઈને કહી શકાય? કોઈ માટે આવું ગાઈ શકાય? ના, એટલે તો આપણે લગ્નમાં ફટાણાં ગાવાનાં બંધ કરી દીધાં છે, ખરું ને?
જયેન્દ્રસિંહ જાદવ કા લે અષાઢનો પહેલો દિવસ. કાલિદાસના પુણ્ય સ્મરણની પળ. ‘મેઘદૂત’માં અષાઢના પહેલા દિવસનું વર્ણન કરતા કાલિદાસ ખૂલ્યા છે અને ખીલ્યા છે. ‘આષાઢસ્ય પ્રથમ દિને’ આકાશમાં ઘુમરાતા, ધરતી પર ઝળૂંબતાં કાળાંભમ્મર વાદળો જોઈને, એ યક્ષને વિરહની વેદનામાં પોતાની પ્રિયતમાનું સ્મરણ થયા કર્યું. તેણે મેઘનું પુષ્પોથી સ્વાગત કર્યું. એ પછી યક્ષે વાદળને વિનંતી કરી. ‘હે મેઘ, કૃપા કરીને મારો સંદેશો અલકાપુરીમાં રહેતી મારી પ્રાણપ્યારીને પહોંચાડ.’ આમ અષાઢ એ મિલનનો માસ છે. એ યક્ષ અને અપ્સરાનું મિલન હોય… વરસાદ અને માટીનું હોય કે પછી ભક્ત અને ભગવાનનું મિલન હોય.
આ એક જ એવો માસ છે કે જેમાં ભગવાન સામે ચાલીને ભક્તને મળવા આવે છે. ભગવાન જગન્નાથજીના બંને હાથ ફેલાયેલા છે. જાણે એક મિત્ર બીજા મિત્રને ભેટવા આતુર ન હોય... ખુદ ઈશ્વર પોતાના હાથ પસારીને ભક્તોના આલિંગનની રાહ જુએ તે કલ્પના જ કેટલી રોચક છે. વિશ્વમિત્ર બનીને ઊભેલા જગન્નાથજીના રથનું દોરડું જ્ઞાતિથી પર અને જાતિથી ઉપર છે. અહીં સર્વનો સ્વીકાર છે.
ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. જગન્નાથ મંદિર પુરીમાં જગન્નાથજી સાથે લક્ષ્મીજી અને સત્યભામા જેવી પ્રિય પત્નીઓ પણ બિરાજે છે પણ નગરચર્યાએ તો ભગવાન ભાઈ-બહેન સાથે જ નીકળે છે. મોટાભાઈ બલભદ્રનો રથ પહેલા છે વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને છેલ્લે પોતે. બહેનનો રથ વચ્ચે રાખવા પાછળ નારી સન્માન અને સુરક્ષાનો ભાવ રહેલો છે. મોટાભાઈ પહેલા હોય એ વડીલોના આદરનું દર્શન કરાવે છે. સામાન્ય રીતે જે દેવનું મંદિર હોય તે પ્રમુખ દેવ મંદિરમાં મધ્યસ્થાને હોય બાકીના બધા આજુબાજુનાં શિખર નીચે હોય. જગન્નાથ પુરીમાં વચ્ચેના સિંહાસનમાં બહેન સુભદ્રાજી બિરાજે છે. આજુબાજુ ભગવાન જગન્નાથ અને બલભદ્રજી છે. ભગવાન જગન્નાથજીનાં પારિવારિક મૂલ્યોની પ્રાણપ્રતિષ્ઠા થાય છે. આઠમો વાર પરિવાર છે.
આજે પણ જગન્નાથ મંદિર પુરીની બધી જ સંપત્તિ બલભદ્રજીના ટ્રસ્ટને નામે છે. જગન્નાથજી સામાન્ય માણસના દેવ છે એટલે જ તે નગરયાત્રાએ નીકળે છે અને એમને આંખો પણ આવે છે. જે બધાંની નજર ઉતારે એને આંખો કેવી રીતે આવે! પણ આ લીલા દ્વારા પ્રભુ આપણને સૌને એ સમજાવે છે કે દુ:ખ, દર્દ અને રોગ એ જીવનનો એક ભાગ છે. તેનો સહર્ષ સ્વીકાર કરવો એ જ જીવનનો મર્મ છે. જગન્નાથજીને આંખમાં ઠંડક અને રાહત મળે તેથી રથયાત્રાના પ્રસાદમાં મગ અપાય છે. આમ પણ અષાઢ-ભાદરવા દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે.
સામાન્ય રીતે પવન સમુદ્રથી જમીન તરફ આવે અને સાંજે જમીનથી સમુદ્ર તરફ જાય છે, પણ જગન્નાથ પુરીમાં આ ઘટના ઊલટી થાય છે. મંદિરના સિંહદ્વારમાં પ્રવેશતાંની સાથે સમુદ્રનો અવાજ સંભળાતો બંધ થઇ જાય છે. જેવા તમે બહાર આવો એટલે સમગ્ર પુરીમાં સમુદ્રનો ઘૂઘવાટ સંભળાય છે. જગન્નાથ પુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશાં પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે. એક પણ પક્ષી આ મંદિર ઉપરથી ઊડતું જોવા મળતું નથી. ઈશ્વરથી ઉપર કોઈ નથી. મુખ્ય શિખર-ગુંબજની છાયા દિવસે એક પણ દિશામાં જોઇ શકાતી નથી. ઈશ્વર પડછાયા રૂપે આપણી આસપાસ હોય છે, પણ દેખાતા નથી.
કોઇ પણ ક્ષેત્રમાંથી મંદિર પરના સુદર્શન ચક્રના દર્શન કરી શકાય શકાય છે. આનો એક અર્થ એવો પણ થાય છે કે શ્રદ્ધા હોય તો ઈશ્વરના ક્યાંયથી પણ દર્શન કરી શકાય છે. વિશ્વનું સૌથી મોટું રસોડું અહીં છે. હજારેક સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ રસોડાનો લાભ લાખો લોકો લે છે. આ મંદિરનો નિયમ છે કે પહેલાં દ્વારપાળોને ભોગ ધરાવાય છે પછી જ જગન્નાથજી ભોજન જમે છે. કરોડપતિ હોય કે રોડપતિ બધાં એક જ રસોડે જમે છે. જગન્નાથજીની રસોઈ બનાવવાની પદ્ધતિ સંપૂર્ણ સ્વદેશી છે. દેશી ચૂલા પર ઉપરા-ઉપરી હાંડીઓ મૂકીને જગન્નાથજીનું ભોજન બને છે. સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં આવી સેવાની સુવાસ પ્રસરી છે.
સૌથી ઉપરની હાંડીનું ભોજન પહેલાં પાકી જાય છે. તેમાં વિજ્ઞાન અને અધ્યાત્મનો સુભગ સમન્વય છે. જગન્નાથજીના થાળની વિશેષતા એ છે કે તેમાં બધી જ વાનગીઓ સ્વદેશી વસ્તુમાંથી બને છે. જે ધાન્ય ભારતીય મૂળ અને કુળનાં છે તે જ અહીં ઠાકોરજીને ધરાવાય છે. બટાકાં, ટામેટાં જેવાં શાકભાજી આજે પણ નથી વપરાતાં કારણ કે તે વિદેશથી ભારતમાં આવ્યાં છે. વોકલ ફોર લોકલનું આ સુંદર ઉદાહરણ છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય ત્યારે પહિંદવિધિ થાય છે. જેમાં ‘શેરી વળાવીને સજ્જ કરું હરિ આવોને’ નરસિંહી નાદ સંભળાય છે. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવનયાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે. આ એક દિવસ આખા વર્ષનું રિચાર્જ બની જાય છે. અંગ્રેજોએ એમ જ નહીં કહ્યું હોય કે ‘ગુડ લોર્ડ, ઇટ્સ એ જગરનોટ!!’ અંતે...
વર્તમાન એ શક્તિશાળી ઈશ્વર છે. -ગોથે
ડૉક્ટરની ડાયરી:સમંદર હોય તો એકવાર એનો તાગ લગાવી દઉં, જીવનને કેમ તાગું? નિત નવું ઊંડાણ લાગે છે
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/if-there-is-an-ocean-i-will-set-sail-once-why-set-sail-for-life-every-day-seems-to-have-a-new-depth-135305828.html

ડો. કિરીટ કુબાવતે સવારે ઊઠતાંની સાથે જ ઘડિયાળમાં જોયું. નવ વાગી ગયા હતા. વીજળીનો કરંટ લાગ્યો હોય એવા આંચકા સાથે તેઓ ઊભા થઈ ગયા. આવું બધાંની સાથે ક્યારેક થતું જ હોય છે. જ્યારે સવારની શરૂઆત રોજના કરતાં સહેજ મોડી થાય છે ત્યારે આખા દિવસનું ટાઈમ ટેબલ ખોરવાઈ જાય છે.
પ્રાત:કર્મની વિધિઓ ફાસ્ટ ફોરવર્ડ કરીને જ્યારે ડો. કુબાવત ચા-નાસ્તાના ટેબલ પાસે આવ્યા ત્યારે દસ વાગીને દસ મિનિટ થઈ ચૂકી હતી. એમણે નાસ્તો ચાવવાને બદલે ગળવાનું શરૂ કર્યું. પત્ની અલકાબહેને ટોક્યા, ‘આવી રીતે ખવાતું હશે? તમે તો ડાયાબિટોલોજીસ્ટ છો, તમારા દર્દીઓને શું ખાવું, કેવી રીતે ખાવું એ વિશે સલાહો આપતા ફરો છો અને તમે પોતે જ...?’
‘આજે તું કંઈ બોલીશ નહીં. મારું આજનું શેડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે. સવા દસ વાગે મારે ક્લિનિકમાં પહોંચી જવાનું છે, જે સમય તો અત્યારે અહીં જ થઈ ગયો છે. ક્લિનિકમાં પહોંચતાં પહેલાં મારે બેન્કમાં જઈને થોડુંક અગત્યનું કામ પતાવવાનું છે. ક્લિનિક પર આજે મેં જેટલાં પેશન્ટ્સને એપોઈન્ટમેન્ટ્સ આપી છે એ બધાંને પતાવતાં ત્રણ કલાક તો થઈ જ જશે, પણ આજે મારે એ બધાંને બે કલાકમાં તપાસી લેવાનાં છે. ત્યાંથી ઝટપટ સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. ત્યાં એક ઓળખીતા પેશન્ટની ખબર પૂછવા જવાનું છે. એ વેન્ટિલેટર ઉપર છે.’ ડો. કુબાવત આટલું બોલતાં-બોલતાં શૂઝ પહેરીને ચાલવા માંડ્યા.
પત્નીએ કહ્યું, ‘તો લંચ માટે ક્યારે આવશો? બે તો વાગી જ જશે ને?’
‘આજે લંચ જતું કરવું પડશે. સિવિલ હોસ્પિટલમાં દર્દીની ખબર પૂછીને ત્યાંની હોસ્ટેલમાં રહેતા મારા મિત્રના ડોક્ટર પુત્રને મળીશ, પછી ત્યાંથી સીધો વડોદરા જવા રવાના થઈ જઈશ. વડોદરામાં ચાર વાગે એક મિટિંગમાં મારે હાજરી આપવાની છે. ખૂબ અગત્યની મિટિંગ છે. એમાં ગેરહાજર રહેવું પાલવે એવું નથી. હવે સાંજે ડિનર માટે જ મારી રાહ જોજે. બપોરે નિષ્ઠા અને તું જમી લેજો. જાઉં છું, બાય!’ ડોક્ટરના છેલ્લા શબ્દો દૂરથી હવામાં ફેંકાઈને આવ્યા.
ગમે એટલી ઝડપ કરે તો પણ મોડી ઉપડેલી ટ્રેન દરેક સ્ટેશન પર મોડી જ પહોંચે, ડોક્ટરનું પણ એવું જ થયું. ક્લિનિક પર પહોંચ્યા ત્યારે દર્દીઓ ઊંચા-નીચા થતાં એમની રાહ જોઈ રહ્યા હતા. ડો. કુબાવત અમદાવાદમાં પ્રાઈવેટ કરતા સિનિયર ડાયાબિટીસ એક્સપર્ટ છે. સાંઈઠ વર્ષની વયે હવે માત્ર પસંદગીના દર્દીઓને જ એપોઈન્ટમેન્ટ આપે છે. સંતાનોમાં બે દીકરીઓ છે, એકને સાસરે વળાવી દીધી છે. પૈસા પાછળની આંધળી દોટમાં એ પહેલાં પણ ન હતા, હવે પણ નથી. એમને સમયપાલનનું જબરું વળગણ છે. દર્દી હોય કે સામાજીક સંબંધી, એક વાર કોઈને સમય આપી દીધો એટલે એ સાચવવો જ પડે. આજે ક્લિનિકમાં થોડાં મોડા પડ્યા એ વાતનો અફસોસ એમના મનમાં ઘોળાતો જ હતો.
આ અફસોસ દર્દીઓની મોખરે બેઠેલા એક ખાસ પેશન્ટને જોઈને બેવડાઈ ગયો. એ હતો ઈન્ડિયન આર્મીનો એક સોલ્જર. ડોક્ટરે એને સવા દસ વાગ્યાની એપોઈન્ટમેન્ટ આપેલી હતી. લશ્કરની શિસ્તથી ટેવાયેલો એ જવાન એને અપાયેલા સમયે હાજર થઈ ગયો હતો અને ખુદ ડોક્ટર મોડા પડ્યા હતા. પોતાની ખુરશીમાં બેસીને ડો. કુબાવતે જરા પણ સમય બગાડ્યા વગર એ સૈનિકને અંદર બોલાવી લીધો. શરૂઆતમાં જ એની ક્ષમા યાચી લીધી. જવાને કંઈ કહ્યું નહીં, અંદરખાને એને આ ગમ્યું તો નહીં જ હોય, પણ એણે ડોક્ટરને માફ કરી દીધા હશે.
એક પછી એક દર્દી અંદર આવતા ગયા, સંતોષ પામીને બહાર નીકળતા ગયા. સાડા બાર સુધીમાં લગભગ બધા દર્દીઓ આવી ગયા. હજુ એક બાકી હતો. ડોક્ટર અકળાયા. એનો કોન્ટેક્ટ નંબર હતો, ફોન કર્યો, ‘કેટલી વાર થશે?’ ભારતના નાગરિકને છાજે એવો જવાબ આપ્યો, ‘બસ, આવું જ છું. રસ્તામાં છું.’ હવે આને શું સમજવું? એના ઘરથી ડોક્ટરના ક્લિનિક સુધીનો દસ કિ.મી.નો રસ્તો હોય તો એમાં દર્દી ગમે ત્યાં હોઈ શકે અને તો પણ ‘રસ્તામાં છું’ એમ જ ગણાય.
એક વાગે એ લેટ લતીફ પેશન્ટનું આગમન થયું. એ દર્દીની સાથે એમના પત્ની પણ આવ્યાં હતાં. સાથે બીજા એક ફિઝિશિયનની ફાઈલ પણ લાવ્યા હતા. ડો. કુબાવતે ફાઈલના કાગળો પર નજર ફેરવી. દર્દીને ટાઈપ-ટુ ડાયાબિટીસ હતો. ભૂખ્યા પેટે 400થી વધુ બ્લડ સુગર હતું, પી.પી.બી.એસ. 300 હતું અને HbA1c 14 હતું. એ ફિઝિશિયને પેશન્ટને એક ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ પર મૂક્યા હતા પણ એની આડઅસરથી પેશન્ટને ડિપ્રેશન રહેતું હતું. દવાઓ બદલવા માટે એ ડો. કુબાવત પાસે આવ્યા હતા.
‘મુકેશભાઈ, હું તમને મારી સારવાર પર મૂકું છે. એ મારો ‘ડાયાબિટીસ રીવર્સલ પ્લાન’ છે. હું તમને આવતી કાલે ભૂખ્યા પેટે સી પેપ્ટાઈડ ટેસ્ટ કરાવવાની સલાહ આપું છું. એનો રિપોર્ટ લઈને તમે આવતી કાલે મને મળો. એ પછી હું તમને મારા પ્લાનમાં સામેલ કરીશ.’
‘ડોક્ટર, તમારો એ ‘ડાયાબિટીસ રીવર્સલ પ્લાન’ શું છે તે મને સમજાવશો?’ મુકેશભાઈએ પૂછ્યું. પ્રશ્ન પૂછવાનો દરેક દર્દીને અધિકાર હોય છે, જવાબો આપવાની દરેક ડોક્ટરની ફરજ હોય છે. ડો. કુબાવતે પોતાની ફરજ બજાવી. દર્દીને બધું સમજાવ્યું પણ એ માટે એક કલાક ખર્ચાઈ ગયો. મુકેશભાઈ જ્યારે ગયા ત્યારે બે વાગી ચૂક્યા હતા. લંચ તો સ્કિપ કર્યું જ હતું. વડોદરાની મિટિંગ સ્કિપ થઈ શકે તેમ ન હતી. કોઈ પણ ભોગે વોલ્વો પકડવી જ પડે તેમ હતું. એક જ વિકલ્પ દેખાતો હતો, સિવિલ હોસ્પિટલ અને હોસ્ટેલની મુલાકાત રદ કરવાનો. ડો. કુબાવત પવનવેગે વોલ્વોમાં બેસવા માટે ક્લિનિક પરથી નીકળી ગયા. બસ ઉપડી રહી હતી, ચાલુ બસમાં ચડનારા તેઓ છેલ્લા પેસેન્જર હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બસ દોડતી હતી ત્યારે પ્રવાસીઓમાં ગણગણાટ થવા લાગ્યો. ‘અરેરે...! ભયંકર! હે ભગવાન! આ શું થયું?’ જેવા ઉદગારો ઊઠવા લાગ્યા. ડો. કુબાવતે મોબાઈલફોનમાં ડોકિયું કર્યું. શબ્દશ: થથરી ગયા. એર ઈન્ડિયાનું લંડન જતું બોઈંગ વિમાન મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડ્યું હતું. ડોક્ટર્સ હોસ્ટેલની મેસમાં ભોજન કરી રહેલા યુવાન ડોક્ટરો...!!!
ડો. કુબાવત બબડી રહ્યા હતા, ‘આ એ જ સમયે બન્યું જે સમયે હું એ હોસ્ટેલમાં જવાનો હતો. મુકેશભાઈ મોડા પડ્યા અને મારે ત્યાં જવાનું કેન્સલ કરવું પડ્યું. મારો જીવ કોણે બચાવ્યો? એ પેશન્ટે કે ભગવાને?’
વડોદરાની મિટિંગ પૂરી કરીને ડો. કુબાવત રાત્રે સાડા નવ વાગ્યે અમદાવાદ પાછા ફર્યા. ડિનર માટે બેઠા તો ખરા, પણ ભૂખ સાવ મરી ગઈ હતી. એક સાથે ત્રણસોથી વધારે નિર્દોષ અને આશાભર્યા માણસોના મૃત્યુ થાય ત્યારે કોને જમવાનું ભાવે! એ રાત પણ એવી જ વીતી. આખું અમદાવાદ, ગુજરાત અને ભારત ઉદાસી, ગમ, ચિંતા અને અનેક જાતની અટકળો વચ્ચે પડખાં ફેરવતું રહ્યું.
બીજો દિવસ. નવો સૂરજ. નવો દિવસ. નવી ચેતના. ‘દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા’ આવી સમજણ અને આવા સમાધાન સાથે સૌ કામ પર ચડી ગયાં. ડો. કુબાવત પણ ક્લિનિકમાં પહોંચી ગયા. મુકેશભાઈ અને એમના પત્ની નવા, તાજા રિપોર્ટ સાથે હાજર હતાં. ડો. કુબાવતે એ વાંચીને મુકેશભાઈને નવી સારવાર પર લઈ લીધા.
એ કામ પૂરું થયા પછી ડો. કુબાવતે કહ્યું, ‘મુકેશભાઈ, એક ખાસ વાત માટે મારે તમારો આભાર માનવો પડશે. ગઈ કાલે જો તમે મોડા ન પડ્યા હોત તો હું અત્યારે જીવતો ન હોત. દોઢ વાગે હું ડોક્ટર્સ હોસ્ટેલમાં બેઠો હોત અને ત્યાં જ...’
મુકેશભાઈએ ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ ફોન કાઢ્યો, પત્નીની સામે સૂચક નજરે જોયું, પછી મોબાઈલ ખોલીને એક મેસેજ એક મેસેજ શોધી કાઢ્યો, પછી સ્ક્રીન ડોક્ટરની સામે ધરી દીધો, ‘આ વાંચો ડોક્ટર. મારો ઓરિજિનલ પ્લાન ગઈ કાલે એર ઈન્ડિયાની આ જ ફ્લાઈટમાં લંડન જવાનો હતો. અમે ત્રણ અઠવાડિયાંથી અહીં હતાં. જો પેલા ફિઝિશિયનની સારવાર મને માફક આવી ગઈ હોત તો ગઈ કાલે હું અને મારી પત્ની એ ફ્લાઈટમાં ચડી ગયાં હોત. બે દિવસ પહેલાં મને કોઈકે તમારું નામ આપ્યું. મેં ગઈ કાલની ટિકિટ કેન્સલ કરાવી દીધી, ફક્ત તમને કન્સલ્ટ કરવા માટે જ. હવે કહો કે મેં તમારો જીવ બચાવ્યો ગણાય કે તમે અમારા બંનેના જીવ બચાવ્યા કહેવાય?’
ત્રણેયની આંખો ભીની થઈ ગઈ, એ અદૃશ્ય શક્તિને યાદ કરીને જેણે આવું યોજનાબંધ આયોજન કરીને એ ત્રણેયના જીવ બચાવ્યા હતા.
- શીર્ષકપંક્તિઃ અકબરઅલી જસદણવાલા
ઓફબીટ:પ્રેમ: જન્મોજનમ તમે હેડકી થજો…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/love-you-are-always-hiccuping-135305814.html

પ્રે મના મૂળમાં સ્વસંવાદ છે. પ્રેમ વિના જીવન શક્ય નથી. પ્રેમ એકલા પાડવામાં નથી માનતો! એકલાને પ્રેમ પણ અલક મલકનો હોય છે. કારણોમાં ગૂંચવાઇ જાય તે પ્રેમ નહીં. લાગણી એનાં કક્કો-બારાખડી. પ્રેમમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. અડધા પડધા પ્રેમની કોઇ વ્યાખ્યા ન હોય. જે પૂર્ણ થવા આપણને ધારણ કરે છે તે પ્રેમ છે. ‘ચાહવું’ માનવમાત્રની નિયતિ છે.
અપેક્ષા પ્રેમને ગૂંગળાવે છે. પ્રેમ કરીએ છીએ- એ પ્રત્યેક કાળના વર્તમાનનું સત્ય છે. પ્રેમને વર્તમાન સાથે વધુ ફાવે છે. સ્મરણ એની આડમાં જીવે છે. અપૂર્ણ પ્રેમ એકતરફી મહત્ત્વાકાંક્ષાનું પરિણામ હોઇ શકે છે. પ્રેમને અવકાશ જોઇએ છે. પોતાની બારીમાંથી આરપાર જોઇ શકાય એવું આકાશ જોઇએ છે. ટુકડાઓમાં જીવતો પ્રેમ સળંગ લાગે ત્યારે કહ્યા વગર રુવાડાંને ફૂલો ઊગે છે. કેલેન્ડરમાં પ્રેમનો મહિનો બારેમાસ હોય છે.
માણસને પ્રેમ કરવો છે, પણ એકનો એક પ્રેમ પાત્ર બદલીને અવારનવાર કરવો છે. પરિણામે પ્રેમ ગોથું ખાઇ જાય છે. ધીરજ પ્રેમનું ઘરેણું છે. ગમતી વ્યક્તિ અને આપણને ચાહતી વ્યક્તિ એક જ હોય ત્યારે પ્રેમ ઘરડો થવામાંથી બચી જાય છે.
પ્રેમ સનાતનનું અવિભાજ્ય અંગ છે. પ્રેમ છે ત્યાં કશું પુરવાર કરવાનું બચતું નથી. પ્રેમ નથી ત્યાં ઊણપ ઊડીને આંખે વળગે છે. જિંદગી લાંબી અને ટૂંકી એક સાથે લાગવા માંડે છે. આત્મવિશ્વાસ રિચાર્જ કરવો પડતો નથી. ઓળખ યાત્રા બની જાય છે.
પ્રેમ એકલા પાડે છે પણ એકલતા વગર! જે ઝંખીએ છીએ એ સહારો બનીને સાથે વહે છે. સ્થિર કિનારો વહેતાં વ્હેણ સાથે જે રીતે નાતો બાંધે એમ પ્રેમ આપણો આપણી સાથેનો સંબંધ પાક્કો કરી આપે છે. જ્યાં ઊભાં છીએ ત્યાંથી દેખાતાં બધાં જ દૃશ્યોને ભેટવાનું મન થાય એ અવસ્થા છે પ્રેમ. મોકળાશ આપોઆપ ખીલે છે. ખામીઓ જીવવામાં નડતર નથી બનતી! ઉંમર પ્રમાણે આપણને માફક આવી જાય છે તે પ્રેમ નહીં. એ તો એની પોતાની રીતે જ આપણને જીવંત રાખે. જીવનના ઝંઝાવાત પ્રેમ આગળ શાંત કિનારે વહેતાં ઝરણાં બની જાય છે.
ઉદાહરણ આપીને જેને સમજાવી શકાય છતાંય જેના દાખલા તાળો મેળવ્યા વગર મેળવી શકાય ત્યાં પ્રેમ છે. ગણિત અને શરતો પ્રેમને અનુકૂળ નથી આવતાં! પ્રેમ તો પોતાની મસ્તીના ગીતમાં આપણને ગણગણે છે. હાજરી હોય કે ગેરહાજરી જેને કશો જ ફરક નથી પડતો તે પ્રેમ છે. જીવનમાં પ્રેમ દાખલ જરૂર થાય, પણ દખલ ન કરે ત્યારે પ્રવાસ યાત્રા બની જાય છે.
જેની જન્મોજનમથી રાહ જોતાં હોઇએ એ વ્યક્તિ સાથે પળેપળ અવસર ઊજવાતો હોય અને આપણને ખબર ન પડે એટલા સહજ થઈ જવાય છે પ્રેમમાં! પ્રેમ ઘાયલ નથી કરતો ઘાયલ થયેલા આપણને ઉગારે છે. જીવનમાં ચંદનનો
શીતળ લેપ થઈ જાય છે. ટાઢક અને અગ્નિનો અહેસાસ એક સાથે થાય છે. કોઇ અજાણ્યું નથી લાગતું! અજાણી જગ્યાઓ પણ પહેલાં આવી ચૂક્યાનો અહેસાસ કરાવે છે.
જીવનના બધા જ તબક્કા જેની સાથે અનાયાસ જીવાઇ જશે એવો વહેમ થઈ આવે છે. આ વહેમ શંકા નથી ઉત્પન્ન કરતો! શ્રદ્ધા સાથે મનોબળને મક્કમ કરે છે. પ્રેમ ગીતનું હાર્દ છે. ગઝલની બે પંક્તિ અને પાંચ શેરનો મૂળ વિચાર છે. લખાયાં પછી પણ કોરો લાગતો કાગળ છે. આંસુ આગળ વજૂદ ગુમાવી બેઠેલો વરસાદ છે. લોહીના રંગમાં ઉઘડેલો જીવનનો ઉમંગ છે. જે હોવું જોઇએ એ બધું જ પ્રેમના વિસ્તારમાં નિ:સીમ બનીને જીવે છે. એક ગીત આપોઆપ પ્રેમની જેમ જ લખાઇ જાય છે...
જન્મોજનમ તમે હેડકી થશો, ને અમે ડૂમાનું થાશું ઘરચોળું, હો, રામ...
જન્મોજનમ તમે થાશો વરસાદ, અમે વાદળાંનું બેકાબૂ ટોળું, હો રામ...
અણિયાળી સાંજનો પીધો અમલ લઈ નીકળ્યા સવારનું બેડું, માણારા’જ,
છાંયડાની ઓસરીમાં સૂરજ પંપાળીને સોંપ્યું બપોરનું તેડું, માણારા’જ.
કુંડળીમાં જામ્યા’તા મંડળીની જેમ, અમે કાફલાની ઊડેલી ધૂળ, મારાસા’બ,
લીલીછમ્મ લાગણીની વેલ જેમ ઊગેલા માટી વિનાના સાવ મૂળ, મારાસા’બ.
તમે ફાયામાં ફોરમતું જૂનું અત્તર, અમે તૂટેલી પાંખનાં પતંગિયાં, હો રાજ,
પાંખો વિનાનું અમે ઊડવું લાવ્યા, અને રંગ્યા’તા વાયરાના બખિયા, હો રાજ.
તમે મરજાદી ચૂંદડીનો સાફો માણારાજ, અમે જીવતરના ટુકડાનો છંદ,
અમે ને તમે એક ફળિયાનું પાદર, ફરી મળવાના કોલનો આનંદ.
પ્રેમ પહોંચે છે અને કશુંય ઓળંગતો નથી. આ જ એની વિશેષતા છે. ઓન ધ બીટ્સ
‘જબાં હમારી ન સમજા યહાં કોઈ ‘મજરૂહ’,
હમ અજનબી કી તરફ અપને હી વતન મેં રહે.’
- મજરૂહ સુલતાનપુરી
દેશી ઓઠાં:મુરતિયો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/statue-135305832.html

ડા યા મુખીનું ખોરડું ખમતીધર ગણાય. નાત્યમાં પૂછવા ઠેકાણું. આબરુ મોટી. રખાવટવાળો માણસ. ઘરની નાર પરભા એટલે ઘરનું ઢાંકણ. ખોરડાના શણગાર જેવી ખાનદાન બાઈ. ડાયા મુખીને બધી વાતની સરખાઈ. પણ ખાટલે મોટી ખોટ કે એકનો એક દીકરો ઉકો સાવ અક્કલમઠો. કાંઈ ગતાગમ નહીં. પાદરે મોકલ્યો હોય તો ચોકમાં જઈને ઊભો ર્યે. ગૉળ લેવા મોકલો તો ડાળિયા લઈ આવે. મે’માન આવે તો પૂછે: ‘તમે કોણ છો? શું લેવા આવ્યા છો?’
ઉકાને મગજની હાર્યે લણાદેણી જ નહીં. ઈ જ કારણે ઉકો અઠ્યાવીશ વરસનો થ્યો તોય કપાળ કોરું જ રહી ગ્યું. ખોરડું મોટું, માણસો ખાનદાન, પણ મુરતિયામાં જ મીઠું નહીં! આવા મીઠા વગરનાને કોણ દીકરી આપે! ઉકો ઉંમર વટાવી ગ્યો. મેળ નો પડ્યો તે નો જ પડ્યો. ઉકાને સંસારની કાંઈ સાનભાન નહીં, પણ ક્યારેક એની મા પરભાને ઘણી વાર ક્યે, ‘બાડી! ગામમાં હંધાય છોકરાનાં લગન થાય છે, તે મારેય લગન કરવાં છે. વરરાજો થાવું છે. ફુલેકું કાઢવું છે.’ પરભાની આંખ્ય ભીની થાતી. મુરખ દીકરાની સામે જોઈને નિહાકો નાખતી.
ઘણી વાર ઉકાને જોવા મેમાન આવે. તો ઘણીવાર ઉકાને લઈને કન્યા જોવા જવાનું પણ થાય. દરેક વખતે ઉકો બોલીને એવું બાફી મારે કે સગપણની વાત પહેલાં પગલે જ પાછી પડે. એકવાર પંદરેક ગાઉ છેટેના પાવઠી ગામે એક ઠેકાણું જોવાની વાત ઉકાના મામા થકી આવી. સામેવાળા મામાના ઓળખીતા છે. મામાએ તો ઉકાને ઉપાડ્યો. પાવઠી પૂગ્યા. આદર- સન્માન થ્યાં. બપોરે જમવા બેઠા.
ઘઉંનો શીરો, મગની દાળ, રીંગણાંનું શાક, પાપડ, ચીભડાની કાચરી, ગુંદા-ડાળાં ને ગરમરનાં આથણાં. ઉકાએ તો ઝપટ બોલાવી. સામે ભાતનો થાળ મૂકેલો. ઉકાને ભાત, દાળ અને શીરો માગવાં છે, પણ નામ આવડે નહીં. મામાને ભાત સામે આંગળી ચીંધીને પૂછે છે કે આને શું કહેવાય? મામાએ ડોળા કાઢીને કીધું, ‘અરે, બોઘા!’ ઉકાએ દાળનું પૂછવા ઈશારો કર્યો. મામાએ નાકે આંગળી મૂકીને કહ્યું, ‘ચૂપ!’ વળી શીરા માટે પૂછયું. મામા ખીજાણા, ‘તારું કપાળ!’ ઉકાને ત્રણેય નામ મળી ગ્યાં. ઉકાએ કન્યાની માને કહ્યું: ‘ચપટીક બોઘા, ચૂપ અને મારું કપાળ આપો!’
કન્યાનું આખું ઘર ગોથે ચડી ગ્યું.
તવારીખની તેજછાયા:ઈન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-was-indira-gandhi-afraid-of-her-power-135305813.html

પ્રકાશ ન. શાહ બ રાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને- જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી.
અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો.
ઈન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું- અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.
1971ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઈન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું.
આ જળથાળ સંજોગ 25મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.
મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઈન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમજ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાનમંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઈન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.
દરમ્યાન, ચુકાદાને પગલે 18મી જૂને મળેલી કોંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઈન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી- તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે.
25મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું: સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ! નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના- તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.
કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળ‌વી ઈન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું.
21મી ને 22મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, 12મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પ. બંગાળના મુખ્યમંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.
આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન 2025થી માર્ચ 2027ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે.
દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમજ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. 1947ના સ્વરાજ કાળથી તેમ 1950ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે. 2025-2026ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?
બ્લેક એન્ડ વ્હાઈટ:પુણેના વૃક્ષનું પવિત્ર પાણી વા વાયો ને નળિયું ખસ્યું!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-holy-water-of-the-pune-tree-was-spilled-and-the-pipe-was-broken-135305835.html

પુ ણેના પાડોશી શહેર પીંપરીમાં ગયા અઠવાડિયે બનેલી એક ઘટનાના વીડિયોઝ ખૂબ વાઈરલ થયા હતા. પીંપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારના એક વૃક્ષના થડમાંથી પાણીના રેલા નીકળવા માંડ્યા હતા એટલે સંખ્યાબંધ લોકો ત્યાં ધસી ગયાં હતાં. વૃક્ષના થડમાંથી પાણી વહી રહ્યું છે એ વાત વીજળીવેગે ફેલાઈ ગઈ હતી. લોકોએ પવિત્ર જળ માની એ વૃક્ષના થડ ઉપર હળદર અને કંકુ લગાડ્યાં હતાં અને એ વૃક્ષ પર ફૂલહાર અર્પણ કરવાની શરૂઆત કરી દીધી હતી.
થોડીવારમાં તો એ વૃક્ષમાંથી વહી રહેલા જળના દર્શન માટે લાંબી લાઈન લાગી ગઈ હતી. એમાં વળી કોઈએ એવી વાત ફેલાવી દીધી કે ‘આ પવિત્ર જળ ઔષધિ ગુણ ધરાવે છે અને એના સેવનથી બીમારી પણ મટી જાય છે.’ એ વૃક્ષ પાસે લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં એ પછી પીંપરી-ચિંચવડ મહાનગરપાલિકાના અધિકારીઓએ તપાસ કરાવી હતી. વૃક્ષની નજીકમાં ખોદકામ કરવામાં આવતા ખબર પડી કે ત્યાં એક અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનમાં ભંગાણને કારણે વૃક્ષના થડમાંથી પાણી નીકળવા માંડ્યું હતું! વાસ્તવમાં એ ચમત્કાર નહોતો, પરંતુ લોકોને ચમત્કાર થાય છે એવું માનવું ગમતું હોય છે. આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે.
ઓગસ્ટ 18, 2006ના દિવસે મુંબઈના માહિમ વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી, જેમાં દરિયાનું પાણી મીઠું થઈ ગયું છે એવી અફવા ફેલાઈ ગઈ હતી! માહિમની દરગાહની સામેના એક જર્જરિત મકાનમાં રહેતો માછીમાર અસલમ શેખ સાંજના છ વાગ્યે માછલીઓ પકડવા ગયો, પરંતુ અડધા-પોણા કલાક સુધી મથામણ કર્યા પછી એકેય માછલી પકડાઈ નહીં એટલે પાણીમાં ગરબડ તો નથી ને એવી શંકાથી તેણે પાણી ચાખ્યું તો તેને પાણી મીઠું લાગ્યું! રોમાંચથી અસલમ શેખનાં રુવાડાં ખડાં થઈ ગયાં.
તે ઘરે ભાગ્યો અને તેની બહેન શાહિદાને એ વાત કરી.
અસલમ શેખ અને તેની બહેન મીઠું પાણી ભરી લાવવા ફરીવાર દરિયાકિનારે ગયાં. શાહિદાને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. તેમણે પાડોશીઓને વાત કરી. કુતૂહલવશ કેટલાક પાડોશીઓ પણ દરિયાકિનારે ગયા. તેમને પણ દરિયાનું પાણી મીઠું લાગ્યું. આ વાત દાવાનળનીજેમ ફેલાઈ અને માહિમના દરિયાકિનારાની બાજુમાં હિન્દુજા હોસ્પિટલમાં દર્દીઓની તબિયતના ખબર-અંતર પૂછવા આવેલા મુંબઈગરાઓ પણ દરિયાકિનારે ધસી ગયાં.
સૌ કોઈ જે હાથ પડ્યું તે લઈને પાણી ભરવા માંડ્યાં. એમાં વળી ટીવી ન્યૂઝ ચેનલ્સના પત્રકારો માહિમના દરિયાકિનારે પહોંચી ગયા. તેમણે લોકો દરિયાનું પાણી પીતાં હોય એવાં દૃશ્યોનું ધડાધડ જીવંત પ્રસારણ કરવા માંડ્યું.
મધરાત સુધીમાં તો માહિમના દરિયાકિનારે ભીડ એટલી વધી ગઈ કે કંઈ અજુગતું ન બને એ માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો. મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા અને પાણીનું સેમ્પલ લેવાયું. તપાસ પછી નિષ્ણાતોએ બીજે દિવસે ‘દરિયાના મીઠા પાણીનું રહસ્ય’ ખોલ્યું કે, દરિયાનું પાણી મીઠું નહોતું થયું, પણ દરિયાના પાણીની ખારાશ ઓછી થઈ હતી!
મુંબઈના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જોની જોસફે પાલિકાની પ્રયોગશાળામાં માહિમના દરિયાકિનારાના પાણીના અભ્યાસનું તારણ જાહેર કર્યું કે ‘એ પાણીમાં ખારાશ ઓછી છે, પણ એ પાણી પીવાલાયક તો શું નાહવાલાયક સુદ્ધાં નથી!’ છતાં અબુધ મુંબઈગરાઓનું ગાંડપણ ચાલુ રહ્યું. એ ઘટના પછી વળી ત્રીજા દિવસે દેવી-દેવતાઓની મૂર્તિઓ દૂધ પીવા માંડી હોવાની અફવા દેશભરમાં ફેલાઈ ગઈ!
1994માં ચેન્નાઈમાં માસ હિસ્ટીરિયાની વિચિત્ર ઘટના બની હતી. ચેન્નાઈની એક સ્કૂલમાં એક છોકરીને સતત હેડકી આવવા માંડી એટલે તેને રજા આપીને ઘરે જવા દેવાઈ. એ જ દિવસે બીજી બે છોકરીઓને પણ હેડકી ચાલુ થઈ ગઈ અને તેમને પણ રજા અપાઈ. બીજા દિવસે પંદર-વીસ છોકરીઓને હેડકી આવવા માંડી અને પાંચ દિવસમાં તો 500 જેટલી વિદ્યાર્થિનીઓ હેડકીની તકલીફને કારણે રજા પર ઊતરી ગઈ!
પીંપરીના વૃક્ષમાંથી પવિત્ર પાણી વહેવા માંડવાની ઘટના કે માહિમના દરિયાનું પાણી મીઠું થઈ જવાની ઘટના કે ભગવાનની મૂર્તિ દૂધ પી રહી છે એવી વાત ફેલાય ત્યારે ત્યારે મોટી સંખ્યામાં લોકો એ વાત સાચી કેમ માની લે છે એ વિશે મેં જાણીતા સાઈકિયેટ્રિસ્ટ ડૉક્ટર મુકુલ ચોકસીને પૂછ્યું ત્યારે તેમણે રસપ્રદ માહિતી આપતાં કહ્યું કે ‘આવી ઘટનાઓને સાઈકિયાટ્રીની ભાષામાં ‘માસ સાઈકોજેનિક ઇલનેસ’ અથવા ‘માસ હિસ્ટીરિયા’ કહેવાય છે. કોઈ માણસને દરિયાનું પાણી મીઠું લાગે કે ભગવાનની મૂર્તિ દૂધ પીતી હોય એવું લાગે અને તે ભગવાનને દૂધ પીવડાવવા માંડે અને તેને જોઈને બીજા માણસો પણ દૂધ પીવડાવવા દોટ મૂકે ત્યારે એવી વ્યક્તિઓ જુઠ્ઠું નથી બોલતી હોતી કે જાણી જોઈને આવી અફવા ફેલાવતી નથી હોતી, પણ તેમનું અજાગૃત મન તેમની પાસે એવું કરાવતું હોય છે.’
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું, ‘જાગૃત મનમાં સમજદારી, વિચારશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ હોય છે અને લોજિક ન હોય એવી વાત જાગૃત મન તરત સ્વીકારતું નથી. આથી ઊલટું, અજાગૃત મનમાં ડર, આવેગ અને લાગણી સાથે અવ્યક્ત ઈચ્છાઓ ધરબાયેલી પડી હોય છે. એટલે અજાગૃત મન આવી વાતો તરત પકડે છે. એમાંય વધુ પડતાં શ્રદ્ધાળુ લોકો આવી વાતો ઝડપથી માની લે છે. બધી બાજુ આઘાતજનક અને નિરાશાજનક ઘટનાઓ બનતી હોય એવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ માણસોને આવી કોઈ ઘટના
તરત જ આકર્ષી લે છે. અજાગૃત મનમાંય ધરબાયેલી ઈચ્છા, અનોખું બનવાની એષણા આવી ઘટનામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.’
ડૉક્ટર ચોકસી કહે છે કે ‘મૂર્તિને દૂધ પીવડાવવા જેવી ઘટનાઓ તો નિર્દોષ કહેવાય. એમાં દેખીતી રીતે કંઈ નુકસાન થતું નથી, પણ ક્યારેક અજાગૃત મનમાં મરવાની ઈરછા ધરબાયેલી પડી હોય તો હાહાકાર મચી જાય એવી ઘટના પણ બની શકે છે. પશ્ચિમના એક ધર્મગુરુ કોરસે પોતાનો નાનકડો સંપ્રદાય ઊભો કર્યો હતો. તેણે સાડા ત્રણ દાયકા અગાઉ પોતાના અનુયાયીઓના મનમાં એવું ઠસાવ્યું હતું કે આપણે અમુક રીતે એકસાથે મરી જઈશું તો સ્વર્ગમાં જઈશું. અને 90 અનુયાયીઓએ એ ‘ગુરુ’ની પ્રેરણાથી સામૂહિક આપઘાત કરી લીધો હતો!’
2025/07/04 17:20:24
Back to Top
HTML Embed Code: