Telegram Web Link
કાવ્યાયન:યાદ અને વરસાદ વચ્ચે ભીનાશની ભ્રમણયાત્રા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/a-wet-journey-between-memory-and-rain-135250062.html

હરદ્વાર ગોસ્વામી આવી શકે તો આવ, આ વરસાદી સાંજ છે;
છત્રી વગર ઝુકાવ, આ વરસાદી સાંજ છે.
કાગળ ઘણા લખ્યા છે પરસ્પરને આપણે;
એની બનાવ નાવ, આ વરસાદી સાંજ છે.
માટીની મહેક તારી તરફ તો ઘણી હશે;
સાથે તું લેતી આવ, આ વરસાદી સાંજ છે.
થોડી જ વારે મેઘધનુ ખીલી ઊઠશે;
ગજરે તું એ ગૂંથાવ, આ વરસાદી સાંજ છે.
નેવાં છળી ઊઠયાં છે ને વૃક્ષો ટપક-ટપક;
સંતૂર તું બજાવ, આ વરસાદી સાંજ છે.
કેવળ ગહેકે મોર તો જલસો નથી થતો;
મલ્હાર તું સુણાવ, આ વરસાદી સાંજ છે.
છે કલ્પનાની વાત કે વરસાદ ભીંજવે;
તું આવ ને ભીંજાવ, આ વરસાદી સાંજ છે..
- ભગવતીકુમાર શર્મા
ગા મડામાં ઢેભા સાથે છાંટાનું મિલન થાય અને કુદરતી સ્પ્રે મઘમઘી ઊઠે છે! શહેરમાં તો આસ્ફાલ્ટની સડકો પર વરસાદ પડે તો જાણે ધરતીએ રેઈનકોટ પહેર્યો હોય એવું લાગે. આદિમાનવ પાસે કશી સગવડ નહોતી છતાં કોઈ અગવડ પણ નહોતી! વરસાદમાં તો ‘મેઘદૂતમ’ના યક્ષ બની જઈએ. વોટ્સએપના વાદળમાં લોન્ગ ડ્રાઈવ જવાનો અનુભવ લોન્ગ ટાઈમ હાર્ટ ડિસ્કમાં સચવાતો નથી. એના માટે તો ઉંબરના ડુંગરને કૂદીને બહાર નીકળવું પડે છે.
આવા કેટલાક પલળતા પ્રસંગો જ બાકીની જિંદગીને ધોધમાર કરી દેતા હોય છે.
મેઘમાળા નામના પુસ્તકમાં બાર મેઘ આ પ્રમાણે ગણાવાયા છે: સુબુદ્ધિ, નંદશાલિ, કન્યદ, પૃથુશ્રવા, વાસુકિ, તક્ષક, વિકર્તન, સર્વદ, હેમશાલી, જલેંદ્ર, વજ્રદંષ્ટ્ર અને વિષપ્રદ. ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે બાર પ્રકારના મેઘનું વર્ણન કરવામાં આવેલ છે. 1. ફરફર. 2. છાંટા. 3. ફોરા. 4. કરા. 5. પછેડી વા. 6. નેવાધાર. 7. મોલ મેહ 8. અનરાધાર. 9. મૂશળધાર. 10. ઢેફાભાંગ. 11. પાણ મેહ 12. હેલી.
બારેમેઘ ખાંગા થાય ત્યારે આપણા બાર વાગી જાય છે. પાણીમાં આપણું પાણી મપાય જાય છે. છત્રી કાગડો થઇ જાય અને રેઇનકોટ ત્રાગડો થઇ જાય છે.
વરસાદ પડેને તોફાન સુજે એ બાળપણ, રોમેન્ટિક બની જાવ એ યુવાની અને શરદીની બીકે ઘરમાં બેસી રહેવાનું મન થાય એ વૃદ્ધત્વ. નવા પરણેલાનો પહેલો પરિણિત વરસાદ તો રોમાન્સની રાજધાની છે. પહેલા વરસાદ સાથે પરણેલાને દાળવડા સાંભરે અને કુંવારાને પ્રિયતમા! આ ભીની ક્ષણે પ્રિય પાત્ર સાથે હોય તો તો પ્રથમ વરસાદ પ્રખર વરસાદ બની જાય છે. વિદેશમાં કહેવાય છે કે ‘વાઈન, વેધર અને વેલ્થનો ભરોસો ન કરી શકાય’. એ ગમે ત્યારે આવી શકે અને પલાળી શકે અને પછાડી પણ શકે.
ખેડૂતને એક એક બુંદ સોનામહોર જેવી લાગે છે. ઉનાળાનો જેટલો પરસેવો એટલું જ વર્ષારાણીનું વહાલ... ઘરઘુસલા લોકો વરસાદનો વિશેષ જાણી ન શકે. વર્ષારાણીનું વહાલ ઝીલી ન શકે એ અભાગિયોના કોરાધાકોર નસીબ વિષે શું કહેવું....!
વરસાદ સાથે જોડાયેલો કોઈ પણ સંદર્ભ મને હંમેશાં પમરાટ ભરીને પરિપ્લાવિત કરી ગયો છે. છમ્મલીલી ધરતી સાથે ચોગરદમ નાચતા મોરલા ને વરસાદ, એ જગતનું સર્વશ્રેષ્ઠ દૃશ્ય છે.
આપણે ત્યાં ભડલીના વાક્યો કેવી કમાલ સર્જે છે. જમીન સાથે જોડાયેલ આ વ્યક્તિ આકાશને આંબી શકતો હતો.
ચોમાસામાં નામ પૂરતા વૃક્ષારોપણ થાય છે. એકવાર અખબારમાં પ્રેસનોટ આવી ગઈ એટલે પત્યું. વરસાદ ખેંચાય એટલે બધાને વરુણદેવની પૂજા કરવાનું યાદ આવી જાય છે. ધૂમકેતુ કહે છે કે ‘દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે, તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે.’ પછી તો ‘આને વાલા પલ જાને વાલા હૈ’ ગીતની ભરચક ભીનાશને ભીતરમાં ભંડારીને ભ્રમણયાત્રા કરવી જોઈએ. આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.
કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.
કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.
સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.
ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.
- અશોક ચાવડા ‘બેદિલ’

આજ મેહૂલો કાલ મેહુલો,
પડતો અનરાધાર મેહુલો.
હોલા,કબૂતર થરથર ધ્રૂજે,
મોરલાનો ટહૂકાર મેહુલો.
ઝાડ, પાનને આંગણ શેરી,
વાછંટની વણઝાર મેહુલો.
ગામ પાદરે ને ડુંગર ધારે,
ઝરણાંનો ઝંકાર મેહુલો.
- મુકેશ પ્રજાપતિ ‘મૌન’ વીજળીના ચમકારા, ફુંકાતો વાયરો બારીને બારણાઓ ઠોકે,
સાંકળથી જકડેલા ખડકી કમાડ તમે ખોલવાનો સંદેશો દો કે!
પીડા છે પાંગરી અંગોમાં ઉપરથી ટહુંકાઓ શૂળ મહી ભોંકે,
વર્ષાની હેલી એ ભીંજાતા હૈયાને ઉંબરની ઠેસ કંઈ રોકે !
દોડીને જાતું એ વાદળની હેઠે કે કોઈ ભલે રોકે કે ટોકે,
નાચી એ ઉઠ્યું છે ઊભી બજારમાં મરજાદા મેલીને ચોકે !
આંસુની બુંદો પર આશાની કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરિડા ડોકે,
સાદ મને દીધો છે રંગો તરંગોમાં ઉમટીને અણદીઠાં કો'કે,
લાગે છે મુજને કે વાદળની ઓથે રહી જોતા છુપાઈ, તમે છો કે?
પહોંચુ એ દુનિયામાં દૃષ્ટિની પાર,મુજ ઘેલીનું કામ નહિ જો કે,
ખાંગી કરીને પલાળો તો પૂરી ને વરસી વ્હાલીનાં વધામણાં લો કે!
- હેમાક્ષી શાહ ‘હેમી’

હળવી હલકથી જો છેડ્યો રાગ મલ્હાર,
ગહેક્યા મયુર ને થયો મેહુલિયાનો ટહુકાર.
પિયુ પરદેશી પોપટો, આંખોમાં અનરાધાર.
આ નભ ગોરંભાય વીજ ઝબૂકે સૃષ્ટિ વર્ષાકાર.
- નિશા નાયક ‘પગલી’

ફૂલડાંએ રંગોળી સજાવી અવની ઉરે સુહાની રે,
ઇન્દ્રધનુએ મંડપ સજાવ્યો નિરખી ધરણી શરમાણી રે.
- લતા ડોક્ટર ખુશીઓનું જોબન છલકાયું
તો કોઈ કાયાનું શમણું તૂટ્યું;
કોઈ વરસાદમાં નાચે છે
તો કોઈ આંસુ છુપાવે છે.
હે વરસાદ ! તું બે પળ ખમી જા;
હું જરા મારા પર હેત વરસાવી લઉં.
- મહેતા વિશ્વા

વાવ, વડલો અને ખળી શોધું
ક્યાંક અહીંયા હતી ફળી, શોધું!
ના ઘસાયા વગર જઈ શકતાં
એ ગલીઓય પાતળી શોધું.
ગામ ગોકુળિયું કહાવો છો,
મોરનું પિચ્છ, વાંસળી શોધું.
એ અસલ ભૂખ, તાવડી, ચૂલો,
મા, ટપાકા ને તાંસળી શોધું.
એક ડાળે હતાં અડોઅડ પણ,
ફૂલ ના થઈ શકી, કળી શોધું.
બાળપણની સખીના અશ્રુઓ,
એ કપાયેલ આંગળી શોધું.
હું વતનમાં ફરી નહીં આવું
કેમ વરસેલ વાદળી શોધું?
- વિજય રાજ્યગુરુ હું ય હસીશ, હું ય હસીશ,
હર હંમેશાં હું ય હસીશ.
ફૂલ હસે છે બાગે બાગે,
ગાય પંખીડાં મીઠે રાગે;
હું યે હસમુખ ગાન કરીશ..
ઉષા હસે છે રોજ સવારે,
કમળ હસે છે જળ મોઝારે;
હું ય ગુલાબી મુખ રાખીશ..
ઝમઝમ કરતાં ઝરણ હસે છે,
લહેરો એની લલિત લસે છે,
હું યે હાસ્ય મુજ લહરાવીશ.. હસે ગગનના અગણિત તારા,
ચંદ્ર ઉડાડે હાસ્ય-કુવારા;
હું ય મલક મલક મ્હાલીશ..
પ્રભુની આશિષ લઈને માથે,
ખીલી ખીલી સહુ સંગાથે
હસાવતો સહુને વિહરીશ.. - પૂજાલાલ દલવાડી 17-6-1901, 27-12-1985
ફેશન:હેર એક્સ્ટેન્શન છે ટ્રેન્ડિંગ...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/hair-extensions-are-trending-135249959.html

એક સમય હતો જ્યારે વાળ ઓછા હોય, તાલ દેખાતી હોય અથવા ઝડપથી વધતા ન હોય ત્યારે 'હેર એક્સ્ટેન્શન' કે વિગ સમાધાન ગણાતું. પણ આજે વાત માત્ર જરૂરિયાત સુધી સીમિત નથી રહી. હવે હેર એક્સ્ટેન્શન ફેશન વર્લ્ડમાં એક હોટ ટ્રેન્ડ બની ચૂક્યું છે.
આજની યુવતીઓ લાંબા વાળનો લુક, કર્લી સ્ટાઇલ કે રંગબેરંગી હાઈલાઈટ લુક મેળવવા માટે એક્સ્ટેન્શનનો ઉપયોગ કરે છે. એ પણ કેમિકલ કે હીટિંગ વિના!
હેર એક્સ્ટેન્શનના ફાયદા
લાંબા વાળનો લુક : હેરકટ કર્યા પછી પસ્તાવો થાય તો હેર એક્સ્ટેન્શન તમને ઈન્સ્ટન્ટ લાંબા વાળનો લુક પરત આપે છે. એ સિવાય એકના એક લુકથી બોર થઈ જવાતું હોય તો પણ તેની મદદથી વિવિધ હેર સ્ટાઈલ કરી દરરોજ નવો દેખાવ મેળવી શકાય છે.
વોલ્યુમ વધારવા માટે જેમના વાળ પાતળા હોય તેમના માટે એક્સ્ટેન્શન વાળનો જથ્થો વધુ બતાવવા માટે આદર્શ ઉપાય છે.
નવા હેર એક્સપેરિમેન્ટ માટે : કરેલી, વેવી કે હાઈલાઈટ લુકના એક્સપેરિમેન્ટ માટે તે પરફેક્ટ ચોઈસ છે એ પણ વાળને કોઈ નુકસાન કર્યા વિના!
કેમિકલના ઉપયોગ બગર કલર હેર લુક : વાળને કલર કરવાની ઈચ્છા હોય પરંતુ સાથે નુકસાન થવાની પણ ચિંતા હોય તો રંગીન હેર એક્સ્ટેન્શન અજમાવી શકાય.
આત્મવિશ્વાસ મેળવવા : ઘણી યુવતીઓને વાળ ઓછા હોય કે ટાલ હોય ત્યારે કોન્ફિડેન્સ ઘટે છે. એક્સ્ટેન્શનથી એ આત્મવિશ્વાસ પાછો આવે છે.
હેર એક્સ્ટેન્શનના પ્રકાર
ક્લિપ-ઈન તાત્કાલિક લગાવી શકાય અને હટાવી શકાય. પાર્ટી કે ફોટોશૂટ માટે શ્રેષ્ઠ
ટેપ-ઈન 10-15 દિવસ સુધી રહે. આછા વાળ માટે યોગ્ય
ગ્લૂ-ઈન લાંબો સમય રહે. સલૂનમાં જઈને લગાવડાવું સારું
વીવ-ઈન વાળ ઘાટા બતાવવા માટે વાળ સાથે સીવે છે
ક્રાઉન પીસ ટોપ પર વાળ ઓછા હોય તેના માટે ઉપયોગી
લગાવવાની રીત
હોમ યુઝ માટે : ક્લિપ-ઈન એક્સ્ટેન્શન સૌથી સરળ છે. વાળના વિવિધ વિભાગોમાં ક્લિપ વડે લગાવી શકાય છે.
સલૂન દ્વારા : ગ્લૂ-ઈન, વીવિંગ કે ટેપ ઈન જેવી ટેકનીક્સ માટે એક્સપર્ટની મદદ લેવી સારી. તે લાંબા સમય સુધી ચાલે છે અને કુદરતી લુક આપે છે.
કાળજી કેવી રીતે રાખવી?
સૂતા પહેલાં વાળની ઢીલી પોની બાંધવી.
કોઈ હીટિંગ ટુલ્સનો ઉપયોગ ન કરવો.
શેમ્પૂ કે હર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જે સલ્ફેટ ફ્રી હોય.
અઠવાડિયામાં એકવાર માઈલ્ડ ઓઈલિંગ કરો.
એક્સ્ટેન્શનને હળવા હાથે ઓળો. વધુ ખેંચીને ઓળવા નહીં.
સમયાંતરે સફાઈ અને રિપ્લેસમેન્ટ કરો.
હવે વાળ ઓછા હોય કે ડિફરન્ટ લુક મેળવવો હોય તો કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ અને હીટિંગ પ્રોડક્ટ વાપરવાની જરૂર નથી. હેર એક્સ્ટેન્શન તમારી સુંદરતાનું સશક્ત સાધન છે. ફેશન વિશ્વમાં આજની યુવા પેઢી માટે એક્સ્ટેન્શન એ પોતાની ઓળખ, પોતાનો લુક અને આત્મવિશ્વાસ બતાવવા માટેનો સુરક્ષિત અને સહેલો રસ્તો છે. પણ યાદ રાખો, ફેશન સાથે કાળજી પણ એટલી જ મહત્ત્વની છે.
પેરેન્ટિંગ:મારી દીકરી હવે કિશોરી બની...
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/my-daughter-is-now-a-teenager-135249951.html

રેક માતા માટે એ ક્ષણ ખૂબ વિશેષ હોય છે, જ્યારે તેની નાની દિકરી કિશોરાવસ્થામાં પગ મૂકે છે. એ દીકરી, જે મીઠા બાળ અવાજે 'મમ્મી…' બોલતી હતી, એનો અવાજ હવે થોડો બદલાયો છે. શારીરિક ફેરફારો થવા લાગ્યા છે, એની આંખોમાં ઢગલાબંધ પ્રશ્નો હોય છે શરીર, લાગણીઓ અને ઓળખ વિશે… પણ મમ્મી સામે બોલવા કે પૂછવામાં સંકોચ થતો હોય છે. થોડી પોતાનામાં ખોવાયેલી દેખાતી હોય છે. અને એ જ સમયે માતા માટે સૌથી નાજુક જવાબદારી શરૂ થાય છે, દીકરી સાથે સંવાદ જાળવી રાખવો.
દીકરી હવે મિત્ર બનવા માગે છે…
આ વયમાં દીકરીને માત્ર માતાની જરૂર નથી રહેતી, એ શોધે છે એવી વ્યક્તિ, જેને એ પોતાની ગેરસમજ, લાગણીઓ અને સંશય બતાવી શકે. જો એના માટે એ વ્યક્તિ મમ્મી ન બની શકે, તો એ ફોન, ઇન્ટરનેટ કે મિત્રો તરફ વળી શકે છે. એટલે માતા તરીકે તમારું પ્રથમ પગલું હોવું જોઈએ દીકરી સાથે મિત્રતાપૂર્વક વાતચીત શરૂ કરવી. દરરોજ 5–10 મિનિટ એવો સમય રાખો જ્યાં તમે બંને એકબીજાની વાતો કરો. તેના સાથે થઈ રહેલા આ દરેક ફેરફારો વિશે સરળ શબ્દોમાં વાત કરો અને જોઈતી સમજણ પૂરી પાડો.
શારીરિક બદલાવ માટે સમજદારીપૂર્વક વાત કરો
કિશોરાવસ્થા એ ઘણા પ્રકારના શારીરિક અને માનસિક પરિવર્તનોનો સમય છે. જેમ કે માસિક ધર્મનો આરંભ, અગાઉ ક્યારેય ન અનુભવેલી લાગણીઓ, શરીરમાં બદલાવ અને હોર્મોનલ અસંતુલન.
મમ્મી તરીકે તમારું કાર્ય એ છે કે તમે પહેલ કરો. સરળ ભાષામાં દીકરી સાથે આ દરેક પરિવર્તન વિશે વાત કરો. જેમ કે, ‘મારે પણ તારા જેટલી ઉમર હતી ત્યારે આવું થયું હતું…’ એવું કહેશો તો દીકરીને લાગશે કે એ એકલી નથી. અને આમાં કંઈપણ ખોટું નથી.
સ્વતંત્રતા આપો, પણ દિશા સાથે
આ વયમાં દીકરી નવું અજમાવવા ઇચ્છે છે જેમકે કપડાં, હેરસ્ટાઈલ, મિત્રો અને સોશિયલ મીડિયા. આવા સંજોગોમાં કડક પાબંદી અથવા બધું કરવું હોય એમ કરવા દેવું બંને અયોગ્ય છે. માતાએ ‘હું તારી પસંદ સમજું છું, પણ…’ એવા પ્રેમભર્યા શબ્દોથી દીકરીનું યોગ્ય માર્ગદર્શન કરવું જોઈએ.
તેને એવો અહેસાસ અપાવવો જોઈએ કે તમે તેના નિર્ણયોમાં શામેલ છો. આથી તેને તમારા પર શ્રદ્ધા બેસે અને તેના જીવન સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાત તમારા સાથે ખુલ્લા મને શેર કરે જેથી તમે સમય પર તેને દિશા આપી શકો.
વિશ્વાસ એ સંબંધનું મૂળ છે
નવા મિત્રો બનવા, પોતામાં ખોવાયેલું રહેવું, કોઈ પ્રત્યે શારીરિક આકર્ષણ થવું આ બધું સામાન્ય છે. કોઈ ઉંમરે તમે પોતે પણ આ બધું અનુભવ્યું હશે. પરંતુ કાચી સમજણ સાથે આ સમયમાં કેવી રીતે જાતનું ધ્યાન રાખી અને આગળ વધવું તે સમજાવવું જરૂરી છે.
જ્યારે દીકરી તમને કહેશે કે ‘મને તારા જેવી જ મમ્મી જોઈએ’ ત્યારે એ શબ્દો કોઈ એવોર્ડથી ઓછા નથી હોતા. એમ એને પણ એવું જણાવો કે, ‘મને તારા જેવી જ દીકરી ગમે.’ મમ્મીને મારા પર ભરોસો છે આ અનુભૂતિ તેને હંમેશાં તમારી સાથે જોડીને રાખશે.
જ્યારે કોઈ ભૂલ કરે ત્યારે...
કોઈ ભૂલ કરે અથવા તો કોઈ વાત હતાશ થાય ત્યારે તેની કટુ શબ્દો બોલવાને બદલે સમજણ સાથે સંવાદ કરો. આવું શા કારણે થયું તેણે આ બાબતે શું ધ્યાન આપવા જેવું હતું વિશે સમજાવો. ભૂલમાંથી શીખી અને ફરી આ બાબતે સાવચેતી રાખશે તે દિશામાં સંવાદ કરો. અમુક સમયે તેના દૃષ્ટિકોણથી વિચારવાનો પ્રયાસ કરવાથી અને વાત કરવાથી પરિસ્થિતિ સુધરતી હોય છે.
અંતે… દીકરી કાયમ માટે બાળકી નથી રહેતી. દરેક દીકરી ક્યારેક તો મોટી થાય છે. પણ જો એનો ‘મમ્મી સાથેનો સંબંધ’ સતત જીવંત રહેશે તો કિશોરાવસ્થામાં ડગ માંડવા તેના માટે સરળ બની રહેશે.
મૂડ એન્ડ માઇન્ડ:મોબાઇલની મનોવ્યથા
https://www.divyabhaskar.co.in/magazine/madhurima/news/the-anguish-of-mobile-phones-135249947.html

ડો. સ્પંદન ઠાકર શ્રુતિ સારી નોકરીમાં સ્થિર હતી. ઘરના બધાંને પ્રેમ કરતી અને મિત્રો સાથે પણ સારી બોન્ડિંગ હતી. છતાં છેલ્લા કેટલાક મહિનાથી તે અંદરથી ખુશ ના હોય તેવી લાગણી અનુભવતી હતી. પહેલા તો એમ જ લાગતું કે કદાચ થાક છે, પણ ધીરે ધીરે એ અનુભવ તીવ્ર બનતો ગયો.
આની પાછળ એક વણદેખ્યું કારણ હતું મોબાઈલ. દરરોજ સવારે ઊઠતાં જ શ્રુતિ મોબાઇલ હાથમાં લેતી. ન્યૂઝ એપ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ...એક પછી એક નકારાત્મક સમાચાર દુર્ઘટનાઓ, યુદ્ધના ખતરા, મહિલા પર અત્યાચાર, આર્થિક તંગી વગેરે તે વાંચતી જ રહેતી. એવું લાગતું કે દુનિયા હવે સલામત નથી રહી. સાંજના સમયે પણ તે ફોનમાં એટલી ઘૂસી જતી કે ક્યારે એક કલાક વીતી જાય, એની ખબર જ ના પડતી. દુઃખદ તસવીરો અને વીડિયો જોઈને એનું મન ભરાઈ જતું, ઊંઘ પણ બગડતી ગઈ.
છેલ્લે સુધી સમાચાર જોતા જોતા સુઈ જતી અને સવારે ઊઠે એટલે લાગે કે ફ્રેશ જ નથી. તે હવે અવારનવાર એવું વિચારી બેસતી કે કદાચ આવું કશુંક પોતાનાં જીવનમાં પણ આવી શકે. ભવિષ્ય અનિશ્ચિત લાગે. ઘરમાં વાત કરવા મન ન થતું, કામમાં ધ્યાન ન રહેતું, ઘણીવાર ખાવાનું પણ ભૂલી જતી. એને ઘણીવાર લાગતું કે પોતે કાબૂ બહાર જઈ રહી છે. એક દિવસ ઓફિસમાં પ્રેઝન્ટેશન કરતી વખતે એવું લાગ્યું કે શ્વાસ નથી આવી રહ્યો, શરીરમાં અજીબ ગભરામણ શરૂ થઈ ગઈ.
દિલ ધબકતું લાગ્યું અને આંખો ખેંચાઈ ગઈ. એ ક્ષણે એને સમજાયું કે હવે એ જાતે રોકી નહીં શકે. ચાલુ મીટિંગમાંથી નીકળી જવું પડ્યું. શ્રુતિએ તરત જ એક સાઇકિયાટ્રિસ્ટનો સંપર્ક કર્યો. તેની કાઉન્સેલિંગ પ્રક્રિયામાં એવું બહાર આવ્યું કે “doomscrolling-induced anxiety” (ડુમસ્ક્રોલિંગ ઇન્ડ્યુંસ્ડ એંગ્ઝાયટી) હતી. એટલે કે સતત નકારાત્મક માહિતી જોઈને મનમાં ઊંડે ચિંતાનો વિકસતો ભાવ.
આ ટેવને કારણે એની ઊંઘ, મૂડ, ભવિષ્ય અંગેનો ભરોસો બધું ખોવાઈ ગયું હતું. તબીબે એને સમજાવ્યું કે ડુમસ્ક્રોલિંગ એક ટેવ છે, જે મગજના દુઃખદ અવાજોને ઉર્જા આપે છે. શ્રુતિ માટે ટ્રીટમેન્ટ શરૂ થઈ. સૌપ્રથમ તો એ જાણવામાં આવ્યું કે તેના વિચારો ખરાબ છે પણ એ વિચારો સત્ય નથી. એને રોજ સવારે અને રાત્રે મોબાઇલથી દૂર રહેવાનું નક્કી કરાવડાવ્યું.
લાઈફમાં નાની નાની ખુશીઓ શોધવાનો અભ્યાસ કરાવવામાં આવ્યો. યોગ, ધ્યાન, એક્ટિવિટીઝ જે એને ખુશ કરે. શરૂમાં અઘરું લાગ્યું, પણ થોડા દિવસોમાં એના ચહેરા પર શાંતિ દેખાવા લાગી. હવે ભલે અફવાઓ અને દુઃખદ સમાચાર સામે આવે, તો પણ પોતાનું બેલેન્સ જાળવી શકે છે.
જીવનમાં શું પસંદ કરવું અને શું નહીં, એનો નિર્ણય હવે એ કરવાનું શીખી ગઈ હતી. આજના યુગનું સૌથી મોટું વ્યસન મોબાઈલ છે. દરેક વસ્તુ પ્રમાણસર કરવામાં આવે ત્યાં સુધી જ સારી છે, કોઈપણ વસ્તુનો અતિરેક નુકશાનકારક બની શકે છે.
મૂડ મંત્ર: ‘દુનિયામાં શું ચાલે છે એ જોવાનું નક્કી કરો, પણ તમારી અંદર શું ચાલે છે એ ભૂલી ના જશો.’
ક્રાઇમ સિક્રેટ:એ દોઢ લાખ બાળકો સાથે આખરે શું થયું?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-finally-happened-to-those-15-million-children-135256630.html

રાજ ભાસ્કર કેનેડા કેસ-1 દૃશ્ય-1
લગભગ નેવું વર્ષ પહેલાંનો એક દિવસ. કેનેડાના નાનકડા ગામમાં રહેતા આદિવાસી પરિવારના ઘરે એક ગાડી પહોંચી. એમાંથી બે ઈસાઈ પાદરીઓ, બે નન અને બીજા બે-ત્રણ લોકો ઉતર્યાં. પરિવારમાં એક છ વર્ષનો બાળક હતો. એનું નામ બિટરનોઝ. પાદરીઓ એ બાળકને બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે લઈ જવા આવ્યા હતા, પણ માતા-પિતા હકીકત જાણતા હતાં એટલે એ બાળકને જવા દેવા માંગતા નહોતાં.
તેમણે આનાકાની કરી તો પાદરીઓએ પોલીસની ધમકી આપી અને બિટરનોઝને લઈને ચાલ્યા ગયા. એ લોકો તેને દૂર એક વિરાટ હોસ્ટેલમાં લઈ આવ્યા. બિટરનોઝને રાત્રે અંધારિયા ઓરડામાં ભૂખ્યો છોડી દેવાયો. ત્યાં એના જેવાં અનેક બાળકો રડી રહ્યાં હતાં, કોઈના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું તો કોઈ તાવમાં સબડી રહ્યું હતું. બીજા દિવસે એ બાળકનું નામ બિટરનોઝને બદલે નંબર 65 થઈ ગયું. રાત્રે એક નને તેની સાથે વાત કરી. એ બાળક પોતાની આદિવાસી ભાષામાં બોલ્યો તો તરત જ એના મોંમાં મરચું ભરી દેવામાં આવ્યું. અને આખી રાત એને ઝાડુના ડંડા પર ઘૂંટણિયે બેસાડી રાખ્યો. બાળકની ચીસોથી આખી હોસ્ટેલ ગુંજી ઊઠી.
દૃશ્ય-2
એ વર્ષે બીજા બીજા ગામડામાંથી પાદરીઓ ત્રણ વર્ષની બાળકીને લઈ આવ્યા. એનું નામ હતું લિયોના વુલ્ફ. હોસ્ટેલમાં રાત્રે ફાધર એની પાસે આવ્યા અને છેડછાડ કરીને જતા રહ્યા. લિયોનાની મોટી બહેન પણ ત્યાં હતી. થોડા દિવસો બાદ એક રાત્રે લિયોનાએ જોયું કે ફાધર એની આઠ વર્ષની બહેન સાથે ગંદી હરકતો કરી રહ્યા હતા અને બહેન ચીસો પાડી રહી હતી. નાનકડી લિયોનાને કંઈ સમજાયું નહીં, એ ધ્રૂજતી ધ્રૂજતી પથારીમાં જતી રહી. એ એટલી ડરી ગઈ હતી કે ભયંકર તાવ ચડી ગયો. બીજા દિવસે સવારે નને લિયોનાના તાવની કોઈ પરવા કર્યાં વગર ભયંકર ઠંડીમાં એની પાસે ટોઈલેટ સાફ કરાવ્યાં અને જમવાનું પણ ના આપ્યું.
***
આ સત્યઘટના છે અને જેના પર વીત્યું છે એ લોકોએ જાતે કહેલી આ વાતો છે. આ ઘટના નેવું વર્ષ પહેલાંની છે, પણ એ પહેલી વહેલી ઘટના નહોતી. દોઢસો વર્ષથી આ ચાલતું હતું. કહાની છે કેનેડાની. કેનેડાના મૂળ નિવાસીઓ એટલે ભલા-ભોળા આદિવાસીઓ, પણ 1960ની આસપાસના અને પછીના ગાળામાં ત્યાં બ્રિટિશ કોલંબિયાના લોકોની તૂતી બોલતી. આખા વિશ્વમાં માત્ર ક્રિશ્ચિયન ધર્મની જ બોલબાલા હોવી જોઈએ એવું માનતા કેટલાંક પોતાનો ધર્મ ફેલાવવા માટે આદિવાસી સંસ્કૃતિને ખતમ કરી દેવા માંગતા હતા.
તેમણે કેનેડામાં લગભગ 139 જેટલી રેસિડેન્શિયલ બોર્ડિંગ સ્કૂલો શરૂ કરી. એમાં એક હતી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ. આ એક વિરાટ બોર્ડિંગ સ્કૂલ હતી. બાળકોના ભણવા, રહેવા, જમવાની બધી જ સુવિધા ત્યાં ઉપલબ્ધ હતી. આ બધી જ સ્કૂલો કેથોલિક ચર્ચની અંડરમાં આવતી હતી અને એ લોકો એનું સંચાલન કરતા હતા. ત્યારની કેનેડિયન સરકાર પણ આમાં સામેલ હતી.
આ સ્કૂલો બાળકોને ભણાવવા માટે બની જ નહોતી. તેઓ મૂળ નિવાસી આદિવાસી બાળકોને તેમની સંસ્કૃતિથી અલગ કરીને ઈસાઈ સંસ્કૃતિમાં સામેલ કરવા માંગતા હતાં, પણ એ માટે એમણે ‘અસભ્ય’ વર્તન કર્યુ હતું. આ માટે તેમની સૌથી પહેલી જરૂરિયાત હતી બાળકો. આદિવાસીઓએ પહેલાં તો પોતાનાં બાળકોને હોંશે હોંશે બોર્ડિંગ સ્કૂલમાં મોકલ્યાં, પણ પછી તેમનાં ધ્યાને આવ્યું કે અહીં તો ગરબડ છે. એટલે મા-બાપે પોતાનાં બાળકોને અહીં મોકલવાનો ઈન્કાર કરી દીધો.
આથી ચર્ચવાળાઓએ સરકાર સાથે મળીને એવા નિયમો બનાવી દીધા કે બધા આદિવાસીઓએ પોતાનાં બાળકોને ફરજિયાત બોર્ડિંગમાં મોકલવા પડે. આ નિયમ પછી તો રીતસરના એ લોકોએ આદિવાસી બાળકોને ઉઠાવવાનું શરૂ કરી દીધું. પાદરીઓ અને નનોની ટોળી ગાડી લઈને જાય અને બાળકોને જબરદસ્તી ઉઠાવીને બોર્ડિંગમાં લઈ આવે. મા-બાપ ઈન્કાર કરે તો પોલીસ તરત જ એમની સાથે મારપીટ કરે.
થોડાંક જ વર્ષોમાં એ બોર્ડિંગ સ્કૂલોમાં હજ્જારો આદિવાસી બાળકોને ઉઠાવીને લઈ જવાયાંસ જેમની ઉંમર 3થી 16 વર્ષની હતી. એ બોર્ડિંગમાં બાળકો પર ભયંકર અત્યાચારો કરાતા હતા. ત્રણ-ત્રણ વર્ષની બાળકીઓ પર પાદરીઓ રેપ કરતા. બાળકોને એમનાં માતા-પિતાને કદી મળવા દેવામાં નહોતાં આવતાં. જો કોઈ બાળક પોતાની માતૃભાષા આદિવાસીમાં વાત કરે તો એના મોંમાં મરચું ભરી દેવાતું. બાળકો પાસે હોસ્ટેલ અને સ્કૂલની સફાઈ કરાવવામાં આવતી. કોઈ બાળકને જાડા થઈ ગયા હોય તો એને ટોઈલેટને બદલે રૂમમાં જ કરવાના અને પછી જાતે ખોબો ભરી ભરીને એને સાફ કરવાનું. હા, અહીં બાળકોને ભણાવવામાં આવતાં, પણ માત્ર ક્રિશ્ચિયન ધર્મનો જ અભ્યાસ. રીતસરનું ધર્માંતરણ થતું.
આદિવાસીઓને ક્રિશ્ચિયન બનાવવાનું આ કારખાનું હતું. કેટલાંક બાળકો ભાગી જવાની કોશિશ કરતા તો તેમને ઢોર માર મારવામાં આવતો. જીભમાં સોય પરોવી દેવામાં આવતી. સુકાયેલું કીડા-પડી ગયેલું ભોજન આપવામાં આવતું. બાળકો માંદા પડે તો કોઈ દવા નહીં. આમને આમ બાળકો ભયંકર બીમાર પડીને મરી જતાં, ક્યારેક તો પાદરીઓ અને
નનના ઢોરમારથી પણ બાળકો તડપીને મરી જતાં. પછી મા-બાપને જાણ પણ કર્યા વગર બાળકને બોર્ડિંગ સ્કૂલના કેમ્પસમાં દાટી દેવાતું. અને સૌથી મોટી વાત તો એ હતી કે આવું સો વર્ષ ચાલ્યું.
એક રિપોર્ટ મુજબ સો વર્ષમાં દોઢ લાખ આદિવાસી બાળકોને અહીં જબદસ્તી ઉઠાવી લવાયાં હતાં. સો વર્ષમાં અનેક વખત આની સામે અવાજ ઊઠ્યો હતો, પણ કંઈ નક્કર નહોતું થયું. તો પછી આ બધું બહાર કેવી રીતે આવ્યું? કોણ લાવ્યું? હાલની કેનેડિયન સરકારે કંઈ કર્યું કે નહીં?
એની પણ હચમચાવી દેતી કહાની છે. (ક્રમશ:)
મેનેજમેન્ટની ABCD:સ્વાર્થના અતિરેકથી સાવધાન
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/beware-of-excessive-selfishness-135256667.html

બી.એન. દસ્તુર ઓ છે વત્તે અંશે આપણાં સૌમાં સ્વાર્થ હાજરાહજૂર હોય છે. જિંદગીની પ્રથમ પ્રાયોરિટી પોતાની, પોતાના પરિવારની હેપ્પીનેસ હોવાથી સ્વાર્થી બિહેવિયર કેટલીક વાર જરૂરી બને છે. ઘણી વાર સમજાતા અને ન સમજાતા કારણોથી સ્વાર્થી વ્યક્તિઓને સ્વીકારવી પણ
પડે છે.
સ્વાર્થ એવું લક્ષણ છે જે લોકોને ફક્ત એમના પોતાના લાભનો જ વિચાર કરવા મજબૂર કરે છે અને એનાથી બીજા કોઈને નુકસાન થશે એની પરવા કરતું નથી. જેમનામાં વકરી ગયેલી હદે સ્વાર્થ છે તે વ્યક્તિ:
પોતાનાં વિચાર-વાણી-વર્તનની સંબંધો ઉપર શું અસર થશે તેની દરકાર રાખતી નથી.
બીજા બધાંની મુશ્કેલીઓ વિશે સમાનુભૂતિ (empathy) રાખતી નથી.
જરૂર પડે ત્યારે ન કરવા જેવું કરી નાખે છે કે પછી કરવા જેવું કરતી નથી.
ફક્ત લાવ-લાવ કરે છે. વાડકી વહેવારની દુશ્મન છે.
પોતાને જે જોઈતું હોય તે મેળવવા માટે અન્યને નુકસાન કરતા અચકાતી નથી.
સ્વાર્થી વ્યક્તિઓથી દૂર રહેવું એ એવો વિકલ્પ છે જે ઘણા કિસ્સાઓમાં શક્ય નથી. સ્વાર્થી વ્યક્તિ સાથેના સંબંધો તોડવાની ઈચ્છા, આવડત, હિંમત અને ત્રેવડ ન હોય તો, મજબૂરી હોય તો:
એ હકીકતનો સ્વીકાર કરો કે સ્વાર્થી વ્યક્તિના બિહેવિયર માટે, એનાં વિચાર, વાણી, માન્યતા, એટિટ્યૂડ માટે તમે જવાબદાર નથી.
સ્વાર્થી વ્યક્તિ સાથે શું કરવું છે, શું કરવાની જરૂર છે, શું કરવાની ત્રેવડ છે તે નક્કી કરી બાઉન્ડ્રી બાંધી દો.
કેટલો સમય, કેટલી શક્તિ, કેટલી મદદ તમે આપી શકશો તે નક્કી કરો.
ના પાડવાની તકનીક શીખી લો. ‘એક નન્નો સો દુ:ખને ટાળે’ એ કહેવત સાવ ફેંકી દેવા જેવી નથી.
વાણી અને વર્તનથી બતાવી દો કે તમે બાંધેલી બાઉન્ડ્રીમાં કોઈને પ્રવેશ નથી.
કેટલાક કિસ્સાઓમાં સ્વાર્થ માનસિક બીમારી હોઈ શકે છે અને આવી બીમાર વ્યક્તિના બિહેવિયર બદલવા તમારા માટે શક્ય નથી. તમે બાંધેલી બાઉન્ડ્રીની બાદબાકી કર્યા વિના, બની શકે એટલી મદદ કરવાનું વિચારો.
સ્વાર્થનો સામનો સ્વાર્થથી કરવો શક્ય છે. વારંવાર આર્થિક મદદ માટે મજબૂર કરનાર વ્યક્તિ પાસે નાણાં ઉધાર માગો. એની અંગત જરૂરિયાતો પૂરી કરવા માટે તમારો સમય વારંવાર માગનાર પાસે સમય માગો.
એવું બતાવો કે મદદ છે પ્રોમિસરી નોટ જેવી. હું તને એ શરતે મદદ કરું છું કે તું મને જરૂર પડે ત્યારે મદદ કરે.
જિંદગીનો એક્સપ્રેસ-વે આસાન નથી. એના ઉપર પાર વિનાનાં ગાબડાં છે. દિશાઓ બતાવતાં પાટિયાં, પરિવર્તનોનાં વાવાઝોડાંઓમાં ક્યાં તો ખોટી દિશા બતાવે છે કે પછી ઉખડી ગયાં છે. ટ્રાફિક જામ અને અકસ્માતોની ભરમાર છે. રસ્તે મળે છે એવા પ્રતિસ્પર્ધીઓ, જે તમને એમની એસોલ્ટ રાઈફલોથી ઉડાડી દેવા તૈયાર, તત્પર અને સક્ષમ છે. લોકોના સાથ, સહકાર, મદદ વિના આ સડક ઉપર મુસાફરી કરવી અશક્ય છે.
આવા માહોલમાં, યોગ્ય માત્રામાં સ્વાર્થ જરૂર છે, પણ એનો અતિરેક કરવામાં અને એને સ્વીકારી લેવામાં સમજદારી નથી.
ગતકડું:ટકા વધતા જાય છે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-percentage-is-increasing-135256684.html

ડૉ. પ્રકાશ દવે ટકા વધારે હોય એ સારું કે ઓછા હોય એ સારું? ગેરસમજ થાય એ પહેલાં ચોખવટ કરી દઉં કે ટકા એટલે પરીક્ષામાં આવતા ટકા. પહેલાંના જમાનામાં પરીક્ષાવાળા ટકા અને માથાવાળા ટકા વચ્ચે કોઈ સંબંધ ન હતો, પણ હવે સમય બદલાયો છે. અનેક લોકો એવાં છે જે પોતાના સંતાનને વધારે ટકા આવે એની ચિંતામાં પોતાનાં માથાં પર ટકાને નોતરી બેસે છે.
સંતાનને તો ટકા આવે કે ન આવે પણ વાલીઓના માથે ટકા વધતા જાય છે. જૂના સમયમાં લોકો એક પણ પ્રકારના ટકાની ચિંતા ન કરતા. નસીબમાં હોય એટલા ટકા આવે અને નસીબમાં વાળ ન હોય તો માથા પર ટકા પડે એવી સર્વવ્યાપક સમજણ હતી. વર્તમાન સમયમાં એનાથી ઉલટું થયું છે. પરીક્ષામાં ટકા વધવા જોઈએ અને માથા પર ટકા વધવા ન જોઈએ એ પ્રકારની વિચારસરણી સમાજમાં પ્રસરી ગઈ છે. ટકા વધારવાના આ સાર્વજનિક પ્રયાસોનું હકારાત્મક પરિણામ પણ જોવા મળે છે. બન્ને પ્રકારના ટકા વધતા જાય છે!
એક બહેને એનાં પાડોશી બહેનને પૂછ્યું, ‘તમારો મુન્નો કેમ સવારનો ક્યાંય દેખાતો નથી? ક્યાંય બહાર ગયો છે?’
‘બહાર તો ક્યાંય નથી ગયો બહેન, દસમા ધોરણમાં આવ્યો છે એટલે ટકા કેમ વધારી શકાય એ વિષય પરના એક સેમિનારમાં ભાગ લેવા ગયો છે. સવારે હું એને સેમિનારમાં મૂકી આવી છું. હમણાં તેડવા જવાનો છે.’ પેલાં બેને જવાબ આપ્યો.
‘તમે તેડવા જશો? એના પપ્પા ઘેર નથી?’ પાડોશી બહેને પૂછ્યું.
‘ના, એ દવાખાને ગયા છે.’
‘ઓહ, દવાખાને કેમ?’
‘ટકા ઘટાડવાના સેમિનારમાં…!’ પાડોશી બહેને ઘટસ્ફોટ કર્યો.
પુત્રને ટકા વધારે લાવવાનું ટેન્શન છે અને પિતાને ટકાનું પ્રમાણ ઘટાડવાની ચિંતા છે. અને નવાઈની વાત એ છે કે ટકા વધે એ માટે અને ટકા ન વધે એ માટે એમ બન્ને પ્રકારનું માર્ગદશન બજારમાં મળી રહે છે.
પૈસાનો ફુગાવો મોંઘવારીને જન્મ આપે એમ ટકાનો ફુગાવો બેકારીને જન્મ આપે એવું મારો અર્થશાસ્ત્રી મિત્ર મગન માને છે. ટકા પણ તોડી નાખે એવા આવે છે! આપણે ત્યાં નાના બાળકને માથે ટકો કરાવવામાં આવે છે. બાળક રમતાં રમતાં પડી જાય અને ટકામાં થોડું વાગે એટલે ટકો તૂટી ગયો એમ કહેવાય. એ જ બાળક મોટું થઈને રેકોર્ડ તૂટી જાય એટલા ટકા લઇ આવે છે.
તમારું સંતાન આ વરસે પાસ થયું હોય અને એને ઓછા ટકા આવ્યા એવું તમને લાગતું હોય તો એક પ્રયોગ કરી જુઓ. તમારાં પતિ-પત્ની બન્નેના ટકાનો સરવાળો કરી જુઓ. તમારું સંતાન એકલા હાથે તમારા બન્નેના ટકાના સરવાળા જેટલા ટકા લઇ આવ્યું છે. ટકાની બાબતમાં અમુક બાળકો એના પિતા કરતાં ચડિયાતાં હોય છે. બાળકનો જન્મ થાય ત્યારે એનું કપાળ જોઈને જ ખબર પડી જાય છે કે આ બાળક ટકાની બાબતમાં એના પિતા કરતાં સવાયો થવાનો.
અમુક બાળક દસ-બાર વરસનું થાય ત્યાં જ પિતાનો ટકાનો વારસો સંભાળવાના મૂડમાં હોય છે. પિતાને જ ખબર પડી જાય છે કે હું આવડો હતો ત્યારે ટકાની બાબતમાં તારા કરતાં ઘણો પાછળ હતો. તારા ટકા પરથી લાગે છે કે ભવિષ્યમાં તું માત્ર મારો જ નહીં, આપણા આખા ખાનદાનનો રેકોર્ડ તોડી નાખીશ. અમુક વિદ્યાર્થીઓ ટકાની બાબતમાં એના મોસાળ સાથે સ્પર્ધામાં હોય છે. મોસાળવાળા ગર્વ અનુભવે છે કે અમારો ભાણો ટકાની બાબતમાં અમારા ખાનદાન પર ઉતર્યો છે. અમુક છોકરાઓ એવા પણ હોય છે જે ટકાની બાબતમાં પિતૃ પક્ષ કે મોસાળપક્ષના માર્ગે ચાલવાને બદલે પોતીકી કેડી કંડારે છે!
મારા મિત્ર મગનને એક ડર છે કે આ જ રીતે ટકા વધતા જશે તો ટકાનું માપ સો પર નીકળે છે એ વધારવું પડશે! દોઢસો કે બસો પર ટકા નીકળે એવું ધોરણ કમ સે કમ પરીક્ષા માટે તો લાગુ કરવું જ પડશે, કારણ કે કોઈ વિદ્યાર્થી સો કરતાં પણ વધારે માર્ક્સ લઈ આવે એમ હોય એને તમે સો માર્ક પર અટકાવી દેશો તો એ બાળકને અન્યાય થયો ગણાશે.
મગનને બીજીય ચિંતા છે. આ રીતે બધા વિદ્યાર્થીઓ 90થી 99 ટકા લઇ આવશે તો મેરિટ કઈ રીતે બનાવીશું? એક એક પોઇન્ટ માટે દસ દસ હજાર વિદ્યાર્થીઓ સ્પર્ધા કરતા હોય ત્યારે એનું મેરિટ કેમ ગોઠવવું એ બાબતમાં માણસ તો ઠીક કોમ્પ્યુટર પર ટકો ખંજોળવા લાગે. અલબત્ત, આવી સંભવિત પરિસ્થિતિનો ઉકેલ પણ જે તે વખતે લગભગ ત્રણ પ્રયત્ને ધોરણ દસ પાસ થયેલા મગન પાસે છે.
મગન કહે છે ઉપરની ટકાવારી વધી જાય અને એમાં અનેક વિદ્યાર્થીઓ સ્પર્ધામાં હોય ત્યારે મેરિટ નીચેથી બનાવવું જોઈએ. ઓછા ટકા એને પહેલો પ્રવેશ! આમ કરવાથી વધારાનો ફાયદો એ થશે કે નાનામાં નાના માણસને સાથે રાખી ચાલવાના આપણા સંસ્કારોનું શિક્ષણ બાળકને વિદ્યાર્થી અવસ્થાથી જ મળી જશે.
આપણે ત્યાં ઘણીવાર પૈસા અને ટકા એકસાથે બોલાય છે. શ્રીમંતને પૈસેટકે સુખી છે એમ કહેવાય છે. અહીં પૈસા મુખ્ય પદ અને ટકા ગૌણ પદ છે. એ જ બતાવે છે કે જીવનમાં પૈસાનું મહત્ત્વ છે એટલું ટકાનું નથી. વધારે ટકા આવે એટલે વધારે પૈસા આવશે જ એવી કોઈ ખાતરી ન આપી શકાય, પણ વધારે પૈસા વધારે ટકા લાવવામાં ઘણી વખત મદદરૂપ બને છે!
જો તમે વાલી છો અને તમારા માથે વારસાગત ટકો નથી તો મુંઝાશો નહિ. તમારું સંતાન જેમ જેમ આગળ ભણતું જશે એમ એમ એને વધારે ટકા કેમ આવે એની ચિંતામાં તમારા માથે બાકાયદા ટકો વધતો જશે અને આ માટે કેટલાક કોચિંગ ક્લાસો તમને મદદરૂપ બનશે!
મનદુરસ્તી:કોઇને મારી સાથે ફાવતું કેમ નથી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-doesnt-anyone-like-me-135256788.html

‘ડૉ ક્ટર, મારું નામ કિઆરા. આ મારો હસબન્ડ આદિત્ય છે. અમારા મેરેજને બે વર્ષ થયાં. અમારો ફ્રેન્ડ નિહાર મને તમારી પાસે લઇ આવ્યો. એ કહે છે કે મારે સાયકોલોજીસ્ટની જરૂર છે. તમે જ કહો ડૉક્ટર ખરેખર કોને જરૂર છે?’ કિઆરાના મનમાં એક પ્રકારનું ડિનાયલ હતું. ઘણીવાર વ્યક્તિ પોતાને કોઇ સમસ્યા છે જ નહીં તેવા નકારના મૂડમાં હોય તેને ડિનાયલ કહી શકાય.
મેં બંનેને સહિયારો સવાલ પૂછ્યો, ‘તમારા વચ્ચે પ્રોબ્લેમ શું છે?’
કિઆરા વાત શરૂ કરે એ પહેલાં જ આદિત્યએ ફરિયાદ શરૂ કરી. ‘ડૉક્ટર અમારે બે વચ્ચે આમ જોઇએ તો ખરેખર કોઇ જ મોટો પ્રોબ્લેમ નથી. અમારાં લવમેરેજ છે. કિઆરાના ડેડી એના ચાઇલ્ડહૂડમાં જ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા. એને ખૂબ જ વહાલા હતા. મમ્મી સાથે પહેલેથી જ એને છત્રીસનો આંકડો. સાચું કહું તો કિઆરાનાં મમ્મી બહુ જ સારાં છે, પણ મા-દીકરી ઉત્તર-દક્ષિણ જોઇ લો. કિઆરાનો નાનો ભાઇ ઓસ્ટ્રેલિયા ભણે છે. એની સાથે પણ એને કાયમ માથાકૂટ હોય છે. આ તો થઇ એનાં મમ્મી-પપ્પાના ઘરની વાત.’
‘અમારા ઘરે પ્રોબ્લેમ એ થાય છે કે કિઆરા કોઇની પણ સાથે લાંબો સમય મિક્સ થઇ શકતી નથી. થોડું ઠીક-ઠાક ચાલે ત્યાં કાં તો મારી મમ્મી એટલે એની સાસુ જોડે પ્રોબ્લેમ થાય અને મારા ડેડી એટલે એના સસરા જોડે બરાબર ચાલે. અને મારી જોડે પ્રોબ્લેમ હોય તો મમ્મી જોડે ટેમ્પરરી સંબંધ સારા રહે. ટૂંકમાં એને ક્યારેક ને ક્યારેક તો કોઇની જોડે વાંકુ પડેલું જ હોય. કિઆરાની આ કડાકૂટ ને લીધે ક્યાંય શાંતિ જેવું તો લાગે જ નહીં.’ આદિત્યના ચહેરા પર ફ્રસ્ટ્રેશન છલકતું હતું.
મેં કિઆરા સાથે વાતચીત શરૂ કરી. એની ફરિયાદો હતી કે ‘મને સતત ચીડિયાપણું રહે છે. કોઇને કોઇ ચિંતાનું કારણ સતત મારા માથા પર સવાર રહે છે. જેવું આ ચિંતાનું કારણ મતલબ સ્ટ્રેસર કે ચિંતા દૂર થાય કે તરત શાંતિ લાગે. વળી પાછું બીજું સ્ટ્રેસ રાહ જોઇને જ ઊભું હોય. એવું લાગે કે આ સ્ટ્રેસ વારાફરતી વેશપલટો કરીને મારી પર હુમલા જ કર્યા કરે છે. હું ક્યાં સુધી ઝઝૂમ્યા કરું?’
કિઆરા ને જે સમસ્યા છે તેને મનોવિજ્ઞાનમાં ‘એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર’ કહે છે. અહીં આપણે ઇન્ટ્રોવર્ડ પર્સનાલિટીની વાત નથી કરતા. આ વિકૃતિમાં ત્રણ બાબતો ખૂબ મહત્ત્વની છે. પહેલું- સ્ટ્રેસના કારણનું સ્વરૂપ, બીજું- એ સ્ટ્રેસનાં કારણોનાં ચેતન અને અચેતન અર્થઘટન અને ત્રીજુ- દર્દીની બાળપણથી સ્ટ્રેસ સામે ઝૂકી જવાની અભિમુખતા, અર્થાત વલ્નરેબિલિટી.
સંશોધનો સૂચવે છે કે, સ્ટ્રેસ સામે લડવાની બાળકની તાકાત કેટલી છે એમાં માતાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. દરેક બાળક તણાવ સામે લડવાની પોતાની અનોખી ડિફેન્સ સિસ્ટમ ઊભી કરે છે. આ સિસ્ટમની મહત્ત્વની વાત એ છે કે એ ઉછેરથી ખૂબ પ્રભાવિત થાય છે. જે મોટી ઉંમરે એડજસ્ટમેન્ટની સમસ્યાઓમાં દેખાય છે. ટૂંકમાં, શાંતિથી વ્યક્તિ વિચારે તો ઊંડે-ઊંડે એવો પ્રશ્ન સાહજીક થાય કે ‘કોઇને મારી સાથે ફાવતું કેમ નથી?’
મોટે ભાગે એવું શક્ય નથી કે આપણને બધાં સાથે સો ટકા ફાવે જ. આપણી ઇચ્છાઓ, અપેક્ષાઓ, લાગણીઓ અને બિહેવિયર બીજા બધાંને હંમેશાં અનુકૂળ જ હોય એવું જરૂરી નથી. બસ, એમ જ બીજાની આ બાબતો પણ આપણને સંપૂર્ણપણે અનુકૂળ કેવી રીતે હોઇ શકે! આસપાસનાં લોકો કે પરિસ્થિતિ સાથે અનુકૂલન મતલબ એડજસ્ટમેન્ટ કરવા વ્યક્તિએ સભાનતાપૂર્વક પ્રયાસ કરવો પડે છે.
આમાં કોઇની ખુશામત કરવાની વાત નથી પરંતુ સંઘર્ષો વગર સાથે રહેવાની શક્યતાની વાત છે. ક્યારેક સામેવાળો આપણને અનુકૂળ થાય તો ક્યારેક આપણે સામેવાળાને અનુકૂળ થવું પડે. પણ જો આ પહેલ આપણે કરીએ તો સમસ્યાને નિવારી શકીએ.
એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર માટે સાયકોથેરાપી એ ‘ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ’ છે. એ તણાવજન્ય પરિસ્થિતિમાં હવે નવેસરથી કેવો દ્રષ્ટિકોણ રાખવો તેનું વૈજ્ઞાનિક ઢબે કાઉન્સેલિંગ થાય છે. તાણને દૂર કરવા રિલેક્સેશન તો ખરું જ. નવી પરિસ્થિતિઓ સાથે પોતે કેવી રીતે ‘મેળ’ બેસાડી શકે તેનું પુનઃશિક્ષણ થાય છે. લાગણીઓને તર્ક વડે નિયંત્રણ સાથે અભિવ્યક્તિ કરવાનું વ્યક્તિ શીખે છે. સિટિંગ્સ દરમ્યાન કિઆરા આ બધું જ શીખી અને હવે એડજસ્ટમેન્ટ પાવર વધારી શકી છે. વિનિંગ સ્ટ્રોક
પોતાની લાગણીઓ અને અપેક્ષાઓ વચ્ચેનું અનુકૂલન સૌથી મહત્ત્વનું છે.
બુધવારની બપોરે:હાસ્યલેખક ધોરાજીના બસ સ્ટેન્ડ પરऍ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/comedian-dhoraji-at-the-bus-stand-135257028.html

આ પણા લોકલાડીલા હાસ્યલેખક ગઇ કાલે ધોરાજીના બસ સ્ટેન્ડ પર ‘સ્પોટ’ થયા હતા. એમને ઍરપૉર્ટ પર ‘સ્પોટ’ કરવાનું શક્ય નથી કારણ કે, ધોરાજીમાં ઍરપૉર્ટ નથી. તેમણે જે લેંઘો પહેર્યો હતો, તે ધોયેલો તો હતો, પણ ઈસ્ત્રી કરાવેલ નહોતો. ઝભ્ભો 4 ઈંચ ચઢી ગયેલો જણાતો હતો. તેમના ચહેરા ઉપર પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ સૂર્યોદય જેવી તેજસ્વી ખુમારી ‘સ્પૉટ’ થઇ હતી.
કહે છે કે, ધોરાજીના મ્યુનિ.કામદાર ગમાભાઇ પાસેથી એમણે આપેલી બૉલ પૅન પાછી લેવા તેઓ અહીં સુધી લાંબા થયા હતા, પણ ગમો ક્યાંય ‘સ્પોટ’ થતો ન હતો. જોકે, તેમની આંખોમાં ગજબની ખુમારી દેખાતી હતી, (ગમાભાઇની નહિ, હાસ્યલેખકની...!) તો સાથે સાથે પૅન ગુમાવવાનો કાળમીંઢ શોક પણ જણાતો હતો. કહે છે કે, આ પૅન તેમને સન '77માં ભદ્રકાળીના મંદિર પાસેથી જડી હતી. એમની પાસે ખરીદેલી ચીજો કરતા જડેલી વધારે જોવા મળે છે. એ સિદ્ધિ ઉ૫૨ જ એમના લગ્ન થયાં હતાં.....(કરૂણા પૂરી!)
હાસ્યલેખક ગમાભાઇની રાહ જોઇને બસ સ્ટેશનની લોખંડની રેલિંગ ઉપર જમણા હાથની કોણી ટેકવીને ઊભા ઊભા જરા આડા પડ્યા હતા, પણ એમનું સપનું કેવળ ગમાને શોધવાનું હતું. હાસ્યલેખક (1952નું મૉડૅલ) ફિલ્મ ‘નવરંગ’માં ‘તૂ છુપી હૈ કહાં, મેં તડપતા યહાં....હોઓઓઓ’ ગાતા મહિપાલ જેવા લાગતા હતા. તેઓ આપણા ‘ફૅશન-આઇકોન’ હોવાથી કપાળે હૉસ્પિટલના પાટાની માફક બાંધેલો લાલ ઘમછો એમના લાવણ્યમાં વધારો કરતો હતો. આ પાટો ‘ગુચ્ચી’નો હતો.
જોકે, તાડતાડતાડ ગરમીને કારણે ગુજરાતનું આ હાસ્યધન ધોરાજીના બસ સ્ટેન્ડ પર કાંસકા વેચવા પરસેવે રેબઝેબ થતું હોય, એવું દૂરથી જોનારાઓને લાગતું હતું. કાળને કોણ ઓળખી શક્યું છે, ભાઇ? (આ તબક્કે, હાસ્યલેખક સાથે ‘સેલ્ફી’ લેવા આવેલા ચાહકોને, પોતાનું મોંઢું સંતાડીને ભગાવવા પડ્યા હતા... એમના ઘેરથી રાબેતા મુજબ, ખબર પડી નહોતી કે, લાલો ધોરાજી પહોંચ્યો છે!)
વિધિની વક્રતા તો જુઓ કે, છ નંબરના બસ સ્ટેન્ડ પર રેલિંગને ટેકો દઇને હાલક ડોલક થતા જૂના અને જાણીતા દેવાદાર આદરણીય ગમાભાઇ ખાખી બીડી પીતા ‘સ્પોટ' થયા હતા. (માસિક રૂ. આઠ હજારનો તોતિંગ પગાર મેળવતા અમારા પ્રેસ-ફોટોગ્રાફરોનું મુખ્ય કામ સેલિબ્રિટીઓને ગમે ત્યાંથી પકડીને ‘સ્પૉટ’ કરવાનું હોય છે.) અલબત્ત, તેઓએ તો હાસ્યલેખકને જોઇ લીધા હતા પણ હાસ્યલેખક એમને જોઇ ન જાય, એ માટે કુકરવાડામા ઉત્પાદિત થયેલ રંગીન અને શાર્ક સ્કિનનો ભીનો ટુવાલ મોંઢુ ઢાંકવા માટે લટકાવી રાખ્યો હતો.
કહે છે કે, હાસ્યલેખકની સરખામણીમાં ગમાભાઇ અત્યંત પ્રભાવશાળી જણાતા હતા. એમણે ઘટનાસ્થળ પર પીધેલી વાદળી દોરાની ‘બળદેવ છાપ’ બીડીઓનાં ઠૂંઠાં જમીનદોસ્ત થયેલાં જણાતાં હતાં.
‘બુ.બ.’ના વાચકોને જાણીને આનંદના ઘચરકા આવશે કે, આદરણીય ગમાભાઇથી સવા ત્રણ ફૂટના અંતરે લાલ રતુમડાં રંગનો જાંબલી સાડલો પહેરીને (તેમના ઘેરથી) બહેન ભૂરીબેન સૂર્યોદયના પ્રથમ કિરણ જેવાં તેજસ્વી લાગતાં હતાં, કારણ કે એ બધું તેજ બેનશ્રીનો પરસેવો સૂર્યપ્રકાશમાં પરાવર્તિત થતો હોવાથી ઝગારા મારતું હોવાને કારણે ‘સ્પૉટ’ થતું હતું. ધોરાજી-સાઇડના રૂપસભર ભૂરીબેન ત્યાંની ગ્રામ્યકન્યાઓ માટે એક આઈડોલ હતાં.
શહેરની યુવાનારીઓને પણ ઇર્ષા કરાવે એવાં પોપટ અને મેનાનું ભરત ભરેલી થેલી ભલે ખાલી હતી, પણ....એ તો અઢાર વર્ષ પહેલાં ગમાભાઇએ લગ્નપ્રસંગે ભૂરીબેનને ‘રૂપરંગથી છલકતી મારી મીઠડી ભૂરીને...હોઓઓઓ’ ગાઇને ગિફ્ટ-સ્વરૂપે આપી હતી.
અલબત્ત, આ બધામાં વગર વાંકે નવાણીયા કુટાઇ જવાનું બહુમાન તો સ્નેહી હાસ્યલેખકને ભાગે જ આવ્યું હતું. એમની ડીમાન્ડ ‘ડિમ્પલ’ નહિ, પણ સિમ્પલ હતી કે, ગમો પૅન પાછી ન આપે, તો એની સાળી પૈણાવવા જાય, પણ મજકૂર થેલી સામે લેખક જો જો કરવાને કારણે ભૂરીબેને મગજ ગુમાવ્યું હતું ને બસ સ્ટેશનની તવારીખમાં હજી સુધી નોંધાયું ન હોય, એવું છણકાભર્યું સ્માઇલ આપ્યું હતું.
કહે છે કે, સાહેબ એમના કદી નહિ વેચાયેલાં પુસ્તકોના ‘ડિમોશન’ માટે ધોરાજી સુધી લાંબા થયા હતા. નૉર્મલી તો, તેઓ ઍરપૉર્ટ ઉપર જ ‘સ્પોટ’ થતા હોય છે, પણ ધોરાજીમાં હજી ઍરપૉર્ટ ન હોવાથી તેમનું મોંઢુ ડાબી બાજુથી પડી ગયેલું જણાતું હતું. (ડાબી બાજુ વિદૂષી ભૂરીબેન ઊભાં હતાં.)
‘જો...તારા રંગનગરનો રસીયો વાલમ હવે એક સૅલિબ્રિટી બની ગયો છે. કહે છે કે, સદરહુ હાસ્યલેખક એમનું ફોટો શૂટ તો ‘ઑફ-શૉલ્ડર’ ખમીસમાં ય (એટલે કે, બન્ને ખભેથી છાતી સુધી ખેંચાયેલા શર્ટમાં) કરાવવા તૈયાર હતા, પણ કોઇ ઉપરથી ખેંચીને લેંઘો ફિટમફિટ પકડી રાખે, એવો મદદનીશ કૅમેરામૅન મળવો નિહાયત જરૂરી હતો.
અંતે, કોઇ પણ ફિલ્મનો અંત કરૂણ હોતો નથી, એમ હાસ્યલેખકનો 302.6 કિ.મી.નો ધોરાજી પ્રવાસ સફળ થયો હતો. ગમાભાઇ સાવ હાસ્યલેખક જેવા નહોતા....સજ્જન હતા, એટલે સામે ચાલીને પૅન પાછી આપવા આવ્યા. અફ કૉર્સ, ’77માં ખોવાયેલી એ પૅન નહોતી, પણ સુંદર મજાની એક રૂપિયામાં બે મળતી બૉલ પૅન ગમાભાઇએ આંખમાં આંસુ અને મુખમાં ‘સૉરી’ સાથે પાછી આપી હતી.
ભરજંગલમાં વર્ષો પછી ખોવાયેલી જેન ટારઝનને મળી ગઇ હોય, એવાં હરખનાં આંસુ લેખકની ચશ્માંવાળી આંખોમાં આવી ગયાં હતાં. કહે છે કે, પૅન પાછી આપીને ગમાભાઇએ કોઇ ઉપકાર કર્યો ન હતો...મુઠ્ઠીમાં દબાવી દબાવીને કાગળ પર લીટાડા કરી જોવા છતાં કાંઇ લખાતું ન હોવાથી ગમાભાઇમાં રાજા કર્ણનો અવતાર પ્રવેશી ગયો હતો. સિક્સર
- કાશ્મીરની ચિનાબ નદી ઉપર નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી ઊંચા બ્રીજનું લોકાર્પણ કર્યું....
- બાથરૂમમાં ફસાઇ ગયેલા શાહબાઝ શરીફથી દરવાજો ખુલતો નહોતો, એ માટે એમણે બાથરૂમનો શૉવર પકડીને ઊંચા થઇને દરવાજો ખોલવા જખ મારી હતી ને જમીન....સૉરી, બાથરૂમ-દોસ્ત થઇ
ગયા હતા.
આજ-કાલ:પૃથ્વી પર પરગ્રહવાસીના હુમલાની શક્યતા કેટલી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-is-the-probability-of-an-alien-attack-on-earth-135256624.html

ર શિયા ક્યારનુંય યુક્રેન સાથે બાખડી રહ્યું છે, તો ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની એકમેકના લોહીની તરસ છિપાતી નથી. યુદ્ધની ચોક્કસ વ્યાખ્યામાં ભલે બંધ બેસતું ન આવે, પણ હાલ 32થી લઈને એકસો દેશ વિવિધ પ્રકારનાં ઘર્ષણમાં સંડોવાયેલા છે. આ આપણને બહુ મોટી અને ચોંકાવનારી ઘટના લાગી, પરંતુ સમગ્ર બ્રહ્માંડની સરખામણીમાં પૃથ્વીનું ચણા કે વટાણા જેટલુંય મહત્ત્વ હશે ખરું? ના.
અંગ્રેજીમાં મિલ્ક વે ગેલેક્સી તરીકે ઓળખાતી આકાશગંગા (ક્યાંક એનો ઉલ્લેખ ‘ક્ષીરપથ’ તરીકેય થાય છે)માં આપણી પૃથ્વી સહિતનું સમગ્ર સૂર્યમડળ આવેલું છે. આકાશગંગામાં એક અબજ કરતાં વધુ તારા છે. એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ આકાશગંગામાં જીવનની શક્યતા ધરાવતા લાખો ગ્રહ છે. આમાંની ચારેક પરગ્રહીય સિવિલાઈઝેશન એટલે કે સભ્યતા આપણી પૃથ્વી પર હુમલો કરી શકે છે. કબૂલ, કે એક તરફ પરગ્રહવાસીઓની શક્યતા ચકાસાઈ રહી છે અને તેમની સાથે સંદેશાની આપલે માટે પ્રયાસ ચાલુ છે. પરગ્રહવાસી સાથેના કે તેમણે મોકલેલા યુએફઓ અર્થાત ઉડતી રકાબી દેખાયાના સેંકડો દાવા થયા છે. અમેરિકા સહિતની કેટલીક મહાસત્તાઓ આ બાબતમાં સચ્ચાઈને દબાવીને બેઠી હોવાની કાનાફૂસી ખુલ્લેઆમ થતી રહે છે.
ઘણાં સાયન્સ ફિક્શન લાગતા સાધન અને બનાવ હકીકતમાં અસ્તિત્વમાં આવ્યાના દાખલા છે. તો ચાર અમિત્ર સભ્યતાનું ગણિત, તર્ક સમજીએ. સૌ પહેલાં જાણીએ કે આ ધારણા સુધી પહોંચાયું કેવી રીતે? સાવ ગપગોળા તો ન જ ચાલે. આ આંકડા અને શક્યતા વ્યક્ત કરી છે આલ્બર્ટો કાબાલ્લેરોએ. આ જનાબ સ્પેનની વિગો યુનિવર્સિટીમાં ડોક્ટરેટ કરતા વિદ્યાર્થી છે.
આલ્બર્ટો કાબાલ્લેરોએ અન્ય ગ્રહ કે તારા ભણી જોવા અગાઉ પૃથ્વી પરના માનવ ઈતિહાસનો અભ્યાસ કર્યો. તેમના અભ્યાસપત્રમાં પરગ્રહવાસી સભ્યતા દ્વારા પૃથ્વી પર આક્રમણનો અંદાજ મેળવવાનો પ્રયાસ કરાયો છે. પરગ્રહવાસી જીવ તરફથી મોકલાયેલા મનાતા wow! signal પર તેમણે અભ્યાસપત્ર રજૂ કર્યું હતું.
પોતાની ધારણા માટે તેમણે 1915થી 2022 વચ્ચે એકમેક પર આક્રમણ કરનારા દેશોની ગણતરી કરી. જવાબ મળ્યો 159માંથી 51 દેશોએ એકબીજા પર હુમલા કર્યા હતા. આમાં ટોચ પર રહ્યું બની બેઠેલું જગત જમાદાર અમેરિકા, જેણે 14 હુમલા કર્યા હતા. ત્યાર બાદ તેમણે વૈશ્વિક લશ્કરી ખર્ચની સરખામણીમાં દરેક દેશ દ્વારા અન્ય પર હુમલાની ટકાવારી પર કામ કર્યું. આમાંય વિશ્વના 38 ટકા લશ્કરી ખર્ચ કરનારા અમેરિકા જ પ્રથમ ક્રમાંકે આવ્યું. ત્યાર બાદ તેમણે દરેક દેશની હુમલો કરવાની પોતીકી શક્યતાની ગણતરી મૂકી અને તેના સરવાળાનો ભાગાકાર કર્યો બધા દેશોની સંખ્યા સાથે. એના જવાબને તેઓ હાલની પૃથ્વીની પરગ્રહીય સભ્યતા પર હુમલાની શક્યતા માને છે. થોડું વિચિત્ર લાગે, પણ સ્ટેટિસ્ટિક્સ, પ્રોબેબિલિટી વગેરેના ખેરખાંને આ આસાનીથી સમજાઈ જાય.
પણ વર્તમાન માનવજાત જીવ ધરાવતા પરગ્રહ પર હુમલો કરે એવી શક્યતા છે 0.028 ટકા. આ શક્યતા, ટકાવારી માનવ સભ્યતાની વર્તમાન સ્થિતિ પર આધારિત છે. હાલ આપણે જીવન ધરાવતા પરગ્રહ સુધી જઈ શકીએ એમ નથી એ આ નજીવી ટકાવારીના મૂળમાં છે. હાલ ટેક્નોલોજી જે ઝડપે વિકસી રહી છે એને ધ્યાનમાં લેતા પરગ્રહ સુધીનો પ્રવાસ 259 વર્ષ પછી જ શક્ય બનશે. ત્યાં સુધી આપણે પરગ્રહ સાથે લડીએ એવી શક્યતા નથી. એનો અર્થ કે બધા દેશ અંદરોઅંદર લડતા રહેશે. આ સાથે હકીકત નીચે ઘાટ્ટી લાઈન દોરાઈ ગઈ કે આપણે પૃથ્વીવાસીઓ પરગ્રહ પર આક્રમણ કરીએ એવી શક્યતા એકદમ નજીવી છે.
કાબાલ્લેરોએ જર્નલ મેથેમેટિક્સ એસઈટીઈમાં 2012માં પ્રકાશિત થયેલા અભ્યાસપત્રનો આધાર લીધો હતો. આમાં સંશોધકોએ માનવ (જેવી) વસાહત સાથેના 15785 ગ્રહ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ આમાંથી માંડ ચારેક ગ્રહ પૃથ્વી પ્રત્યે આક્રમકતા-દુશ્મનાવટ ધરાવતા હોઈ શકે, પરંતુ આપણી જેમ એમની પાસેય એકથી બીજા ગ્રહ સુધી પ્રવાસ કરવાની ક્ષમતા નથી.
આ રીતે ખુદ આલ્બર્ટો કાબાલ્લેરો જ પરગ્રહીય આક્રમણની શક્યતા એકદમ નજીવી હોવાના તારતમ્ય પર આવી જાય છે. આની સાથે પૃથ્વી પર વધુ એક સંકટની તેઓ આગાહી કરે છે. આના કરતાં એસ્ટરોઈડ-લઘુ ગ્રહના અથડાવાથી પૃથ્વી પર સર્વનાશ થવાની શક્યતા વધુ છે. આવી ઘટનાને લીધે જ પૃથ્વી પરથી ડાયનોસોરનું નિકંદન નીકળી ગયું હતું. અને આવી ઘટનાની શક્યતા કેટલી? દસ કરોડ વર્ષમાં એક વાર! અનોખા વિષય અંગે રસપ્રદ ગણતરી અને શક્યતા આલ્બર્ટો કાબાલ્લેરોના જીવન વિશેય થોડું જાણવા જેવું છે.
‘લાઈવ સાયન્સ’માં પૃથ્વી અને અન્ય ગ્રહો વચ્ચે જંગની શક્યતા માંડતો લેખ પ્રગટ થયો. એના કેન્દ્રમાં રહેલા આલ્બર્ટોનો જન્મ 1991માં સ્કોટલેન્ડના પાટનગર એડિનબર્ગમાં: પછી એમનો પરિવાર સ્પેનના વિગો શહેરમાં સ્થાયી થયો. અહીં ત્ઓ ક્રિમિનોલોજી ભણ્યા.
2017માં અવકાશ વિજ્ઞાનમાં રસ પડતા પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી. આના થકી તેઓ વૈજ્ઞાનિક શક્યતાઓનું પોસ્ટમોર્ટમ કરતા અને પોતાનું સંશોધન લોકો સમક્ષ રજૂ કરતા હતા. માત્ર બે વર્ષમાં જ એટલે કે 2019માં આલ્બર્ટો ખગોળશાસ્ત્રીય નિરીક્ષણમાં ઊંડા ઉતરતા ગયા. આજેય તેઓ પોતાના પરગ્રહીય બુદ્ધિમતા પરના સંશોધન માટે ભંડોળ ઊભું કરવા ડે ટ્રેડિંગ કરે છે. વિજ્ઞાન પ્રત્યે કેવો અદભુત પ્રેમ! ઓનલાઈન-ઓફલાઈન
મારા માટે પ્રજાના અભિપ્રાયનો અનાદર કરનારો દરેક શાસક પરગ્રહવાસી છે.
- મહાત્મા ગાંધી
'નિસાર':12,500 કરોડનો ઉપગ્રહ બનાવવા ‘નાસા’એ ‘ઈસરો’ની મદદ કેમ લીધી?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-did-nasa-take-help-from-isro-to-build-a-satellite-worth-rs-12500-crore-135256596.html

‘ના સા-ઈસરો સિન્થેટિક એપર્ચર રડાર (SAR)’ એ એવા ઉપગ્રહનું નામ છે, જે આગામી દિવસોમાં અનેક પ્રકારના રેકોર્ડ સર્જવાનો છે. જૂનમાં જ કોઈક દિવસે લૉન્ચ થવાની શક્યતા છે. લૉન્ચિંગ પહેલાં જ કેટલાક વિક્રમો સર્જી દીધા છે. જેમ કે અમેરિકા-ભારતે સંયુક્ત રીતે મળીને બનાવ્યો હોય એવો પહેલો ઉપગ્રહ છે. રડાર વિશે આપણે જાણીએ છીએ, ઉપગ્રહ વિશે પણ જાણીએ છીએ. બે રડાર ધરાવતો હોય એવો પણ આ જગતનો પહેલો ઉપગ્રહ છે.
સમગ્ર મિશનનો (એટલે કે ઉપગ્રહ બનાવવો, લૉન્ચ કરવો વગેરે) કુલ ખર્ચ 1.5 અબજ ડૉલર અર્થાત અત્યારના હિસાબે 12,500 કરોડ જેટલો છે. જગતનો આ સૌથી મોંઘો લૉ-અર્થ ઉપગ્રહ છે, કેમ કે એ 747 કિલોમીટર ઊંચી અવકાશ વિજ્ઞાનની ભાષામાં નીચલી (લૉ-અર્થ) કહેવાતી ભ્રમણકક્ષામાં ગોઠવાશે.
***
ઈસરો માટે ઉપગ્રહ લોન્ચ કરવો એ કોઈ મોટી વાત નથી. બીજી તરફ અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસા પણ અવકાશ વિજ્ઞાનમાં ‘મોટા ભા’ તરીકે નામના ધરાવે છે, પણ કોઈ ઉપગ્રહ માટે નાસા ઈસરોની મદદ લે તો પછી નવાઈ લાગે, ગૌરવ થાય, અચરજ પણ થાય. સવાલ પણ થાય કે એ ઉપગ્રહમાં વળી એવું તે શું છે?
નિસાર એ સિન્થેટિક એપર્ચર રડાર ધરાવતો ઉપગ્રહ છે. અત્યાર સુધી રડારનો ઉપયોગ માત્ર લશ્કરી હેતુ માટે થતો આવ્યો છે. સરહદો પર ગોઠવાયેલા રડાર દુશ્મન તરફથી આવતા હુમલાઓ કે અજાણ્યા વિમાનો ઓળખવાનું કામ કરે છે. ઉપગ્રહમાં રડારનો ઉપયોગ એમ તો રશિયાએ છેક 1991માં કરી દીધો હતો, પણ નિસાર પહેલો એવો ઉપગ્રહ છે, જેમાં બે રડાર વપરાઈ રહ્યા છે. રડાર એન્ટેનાને કારણે સામાન્ય ઉપગ્રહ કરતાં નિસારનો દેખાવ પણ અલગ છે, જાણે માથે છત્રી ખુલ્લી રાખી હોય. આવો આધુનિક ઉપગ્રહ અગાઉ કોઈ દેશોએ તૈયાર કર્યો નથી. આમેય કંઈક નવું અને પડકારજનક ન હોય તો નાસા સામે ચાલીને ઈસરો સાથે ગઠબંધન કરે નહીં. આપણાં માટે ગૌરવની વાત એ છે કે સેટેલાઈટની મોટા ભાગની કામગીરી ગુજરાતી વિજ્ઞાની અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડિરેક્ટર નિલેશ દેસાઈની આગેવાનીમાં થઈ છે. આમ પણ ઈસરોના ઘણાખરા ઉપગ્રહો અમદાવાદના સેકમાં જ તૈયાર થતા જ હોય છે.
તો પછી સવાલ એ છે કે આવો હીરા-મોતી ટાંકેલા ઉપગ્રહનો ઉપયોગ શું છે? તેનો ઉપયોગ મુખ્યત્વે પૃથ્વીના પર્યાવરણમાં થઈ રહેલાં પરિવર્તનોનો અભ્યાસ કરવા માટે થશે. દરિયાઈ વાવાઝોડાં, બરફના થરમાં વધ-ઘટ, ભૂકંપ-ત્સુનામી, જ્વાળામુખી વગેરે કુદરતી આફતો પર નજર રાખવામાં અને તેનું અનુમાન કરવામાં વધારે ચોકસાઈ આવશે. એ માહિતી વિવિધ દેશોને પર્યાવરણીય આફતો સામે લડવામાં મદદરૂપ થશે તો બીજી તરફ તેના દ્વારા મળતો ડેટા વિજ્ઞાનીઓને વધુ જ્ઞાનસમૃદ્ધ કરશે. આ ઉપગ્રહનો ડેટા આખા જગતના વિજ્ઞાનીઓને વિનામૂલ્યે મળવાનો છે.
નાસાએ ઈસરો સાથે ગઠબંધન કર્યું એનું મુખ્ય કારણ ઉપગ્રહ બનાવવામાં ઈસરોની મહારત છે. બીજી તરફ સાથે મળીને કામ કરવું એ સમયની જરૂરિયાત છે. કેમ કે હવેની સમસ્યાઓ વૈશ્વિક છે. ગ્લોબલ વોર્મિંગ સૌથી મોટો પડકાર છે. માટે ધરતીની, વાતાવરણની, પર્યાવરણમાં આવી રહેલાં પરિવર્તનની સતત માહિતી જરૂરી છે. એ કામ આ અને ભવિષ્યમાં આવા બીજા ઉપગ્રહો કરશે.
ઉપગ્રહના સામાન્ય રીતે ચાર પ્રકાર છે. સંદેશાવ્યવહાર (કમ્યુનિકેશન), પૃથ્વીનું અવલોકન (અર્થ ઓબ્ઝર્વેશન), દિશાશોધન (નેવિગેશન) અને અવકાશ સંશોધન (એસ્ટ્રોનોમિકલ). એમાંથી નિસાર અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો ઉપગ્રહ છે.
આ ઉપગ્રહના નામમાં સિન્થેટિક એપર્ચર રડાર શબ્દ છે. એ પણ સમજવા જેવો છે. એનો અર્થ એ થાય કે વાદળો હોય કે ધરતી પર એક સરખી ભૂગોળ દેખાતી હોય, તેને વધારે સ્પષ્ટતાથી જોઈ શકાશે. હવે આપણે હાઈ રિઝોલ્યુશન કેમેરા વાપરવા ટેવાયેલાં છે. સારો કેમેરા ધરાવતો ફોન જ આપણે સારો ગણીએ છીએ. તો પછી સમજી લો કે આ સારો કેમેરા ધરાવતો ઉપગ્રહ છે, જે આકાશમાંથી ધરતીનાં દર્શન સારી રીતે કરાવશે, હાઈ રિઝોલ્યુશન ઈમેજિસ આપશે.
સારમાં એવું થશે કે ઉપગ્રહ રેડિયો ફ્રિકવન્સી ધરાવતાં કિરણો ધરતી પર મોકલશે, એ પરત ઉપગ્રહને મળશે અને તેના આધારે વધારે ચોકસાઈપૂર્વકની ઈમેજ તૈયાર થશે. અલબત્ત, આવું તો ઘણું બધું ભેગું થશે અને તસવીરને વધારે પાવરફુલ બનાવશે.
આગામી સમયમાં અર્થ ઓબ્ઝર્વેશન ઉપગ્રહોની ડિમાન્ડ વધશે. ઓપરેશન સિંદૂર પછી સૌથી વધારે મજા લોકોને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટની તસવીરો જોવામાં આવી. પાકિસ્તાનનું ચકલાલા વાયુસેના મથક પહેલાં કેવું લાગતું હતું અને પછી કેવું ધ્વસ્ત થયું એ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટની ઈમેજો દ્વારા જ જાણી શકાયું. ધરતી પર કુદરતી આફતો વધી રહી છે તેથી અવલોકન કરવા માટે આવા ઉપગ્રહો જરૂરી છે.
કોઈ આફતની આગોતરી જાણકારી પણ આ ઉપગ્રહો આપી શકે છે. એક સમયે અર્થ ઓબ્ઝર્વેશનનો ઉપયોગ કૃષિ અને સંરક્ષણ જેવા બે-ચાર વિભાગોમાં થતો હતો. હવે વ્યાપ ખૂબ વધ્યો છે, હજુ વધશે.
મેંદી રંગ લાગ્યો:હવે લે’ર લાગી હવે લે’ર લાગી
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/now-its-time-now-its-time-135256844.html

હવે લે’ર લાગી હવે લે’ર લાગી,
હાં રે મને વાગ્યો છે બોરડીનો કાંટો
હવે લે’ર લાગી...
હાં રે મારા સસરાના વૈદડા તેડાવો
હાં રે મારા સસરાના વૈદડા ખોટા
હવે લે’ર લાગી...
હાં રે મારા જેઠના વૈદડા તેડાવો
હાં રે મારા જેઠના વૈદડા ખોટા
હવે લે’ર લાગી...
હાં રે મારા દેરના વૈદડા તેડાવો
હાં રે મારા દેરના વૈદડા ખોટા
હવે લે’ર લાગી...
હાં રે મારા દાદાના વૈદડા તેડાવો
હાં રે મારા દાદાના વૈદડા સાચા
હવે લે’ર લાગી...
આજે તો સોશિયલ મીડિયાનો યુગ છે એટલે નાનકડી વાત પણ પ્રસારણની પાંખે બેસીને આખો પૃથ્વીલોક ખૂંદી વળે છે, એમ અગાઉના સમયમાં કોઈ નાનકડી કે વયક્તિક ઘટના લોકગીત બનીને અત્રતત્ર ઘૂમી વળતી. પ્રસિદ્ધ થવા માટે નાની ઘટનાને કોઈ બળુકું માધ્યમ મળવું જરૂરી હોય છે.
આજે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક કે સોશિયલ મીડિયા છે, એ વખતે ફોક મીડિયા હતાં. આજનાં સમૂહ માધ્યમોમાં વહેતી થતી વાતો મોટેભાગે ક્ષણજીવી બની રહે છે પણ ફોક મીડિયાએ જેને ઉજાગર કરી છે એવી બિનાઓ સામાન્ય રીતે યુગજીવી બની રહે છે.
‘હવે લે’ર લાગી હવે લે’ર લાગી...’ લોકગીત સાંભળીને કે વાંચીને મરક મરક થઈ જવાય એ નક્કી, કેમકે અહીં નાયિકાને લે’ર (લ્હેર) લાગી છે મતલબ આનંદ થયો, મજા આવી કે કેફ ચડ્યો છે પણ એનું કારણ જાણવા જેવું છે. આપણને સીધી રીતે ગળે ઉતરે એવું નથી કે બોરડીનો કાંટો વાગ્યો એટલે નાયિકાને મોજ પડી ગઈ!
કેરડાની જેમ બોરડીનો ઝીણો કાંટો દર્દદાયી હોય, એ વાગે તો બહુ પીડા થાય, પ્રસન્નતા કઈ રીતે થાય? નાયિકાને કાંટો વાગ્યાની ખુશી છે! કાંટો વાગે એ ભાગમાં ખૂબ દુઃખાવો થાય, ક્યારેક પાકી જાય તો બે-ચાર દિવસ સારવાર કરવી પડે. નાયિકા એટલે જ ઉલ્લાસમાં
આવી ગઈ છે કે હવે દુઃખ આવ્યું એટલે આરામ મળશે, રૂઢ થયેલાં રોજબરોજનાં કામની ઝંઝાળમાંથી છૂટકારો મળશે!
કાંટો વાગે એટલે વૈદને બોલાવવા પડે.
સસરા, જેઠ, દિયરના તેડાવેલા વૈદને નાયિકાએ ખોટા કહી દીધા કેમકે આ બધા વૈદોએ સાચું કહી દીધું હશે કે આ બાઈને વાગેલો કાંટો સાવ સામાન્ય છે, એની કોઈ સારવાર કરવાની જરૂર નથી, બે-ત્રણ દિવસમાં એમ જ મટી જશે - એટલે એ બધા ખોટા!
પોતાના પિતાએ મોકલેલા વૈદરાજ સાચા જ છે, કેમકે દીકરી માટે પિતા ચપટી ધૂળ મોકલે તો એ પણ કેસર જેવી કિંમતી હોય
છે! કાંટો વાગવા જેવી સામાન્ય ઘટનાને કેવી ચમત્કૃતિપૂર્ણ બનાવી હળવુંફુલ લોકગીત રચી નાખ્યું!
આપણા સર્જકોની હૈયાઉકલત તો જુઓ!
નીલે ગગન કે તલે:ગૈઢી ગૈઢી વાતું
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-lot-of-talk-135256650.html

કો ઈ માટીડો ‘અમારા જમાનામાં’ કહે કે તરત આપણને થાય કે હાલો હવે ગૈઢું ગૈઢું કાંઈક આવસે. દુવારકાના ધીસની હાથચાલાકી ઈ છે કે અચાનક આપણેય આપણા જમાનાની વાતું કરવા મઇંડા છિયેં, મીન્સ કે આપણેયે યુ નોવ... એટલે અમારા જમાનામાં તો ઇન્ડિયામાં ટીવી ભલે પધાર્યા તયેં કોઈના ઘરે જાઓ તો ઘરનાં બધાં ટીવીની સામે મુગધ થઈને બેઠાં હોય રામાયણ ને મહાભારતની સીરિયલું જોવા. એમાં સતિયુંની ને દેવીયુંની વાતું આવે, મર્યાદાપુરુષોત્તમની ને દુષ્ટોના વિનાશ કરનાર કૃષ્ણચંદ્રની વતું વતી.
પછી જમાનો આવ્યો (હેંહેંહેં) મિસ્ટર યોગીનો ને પછી તો ધડાધડ સુષ્ઠુ સુષ્ઠુ સીરિયલું આવી ને એય ને ધમાલ–ધમાલ. અને સીરિયલુંમાં હવે તો બાયું–બાયું બકિયું ભરે ને ભરબજારે બીડિયું પીએ ને ભલભલા ચમરબંધીને ભૂ પીવડાવે એવી મથાની ફર્રલ હિરોઇનુંની સિનેમા ને રધુવીર જેને ‘શ્રેણી’ કહે છે તે શ્રેણિયું. તિ કાં? ભાયડાંવ કરે ઈ લીલા ને બાયું કરે ઈ નોન–લીલા? બાયુંયે માણસ છે, ને બાયુંને બધિયુંને શતી શાવિત્રી થાવાની ફરજ કંપલશ્રી નથી, હો?
ખેર, બાયું કે ભાયું બીજું બધું તો જી કરે ઈ, પણ શ્મોકિંગ–બોકિંગની ફેસન કરે ઈ ઓલરાઇટ નથી. યસ, એક સમયે ખુદ દાક્તરો દરદીઓને રિલેક્સ થાવા સિગારેટની ભલામણ કરતા. યસ, યસ, પંડિત નહેરુ સિગારેટ પીતાતા, વિન્સ્ટન ચર્ચિલ, આઈન્સ્ટાઈન, હોલિવુડિયા હમ્ફ્રી બોગાર્ટ, બોલિવૂડિયા બચ્ચન અમિતાભ, લવરબોય શાહરૂખ ખાન, બીટલ ગાયક જ્યોર્જ હેરિસન, સિતારવાદક રવિ શંકર, બમ્બઈયા બાલ ઠાકરે, અને શરદ પવાર, સૌએ તમાકુનો સોખ કીધો છે.
જોકે અમે પોતે ઉ.વ. અઢારથી ફાધરમધરથી સંતાઈને સિગારેટનો સોખ કરતાતા ને પછી ઈ છોડી ને તમાકુનો ટેસડો કીધો ને ધડામ લઈને મોઢાના કર્કરોગે મારી આંટી. દાક્તર કહે કે ગાલ ફાડવો પડસે, જીભેય કાતરવી પડે, ઓપરેસનમાં તમે બચો તોયે તમારો ચહેરો બગડસે ને સાદ તરડાસે, કરો મજા!
ભગવાનની મેરબાનીથી બધું સમુસૂતરું પાર ઊતર્યું ને ગગનવાલા હજી હેન્ડસમ ચહેરે તમારી સામે ગૈઢી ગૈઢી વાતું કરી સકે છે. પણ સાહેબ ટીવીવારા ભલે ભાહેં ઈ કરે, તમાકુનો સોખ બિલકુલ કરવા જેવો નથી. ‘નો’ એટલે ‘નો.’ કૂએં મેં ગિર કે મર જાના, યાર તુમ સિગ્રેટ મત પીના!
સિગારેટ એટલે જાણે વૈભવ, સિગારેટ એટલે રઈસી રોમાન્સ, જિંદગીનો જલસો! ગર્લફ્રેન્ડો સિગારેટસજ્જ બોયફ્રેન્ડોને કહેતી કે આઈ લવ ધ સ્મેલ, બ્લો એ લિટલ માય વેય! આ સિગારેટનો ઉપાડો આવડો ગંજાવર કેમ થયો કેમકે અમારા જમાનામાં ટનબંધી સિગારેટ કંપનિયું હતી ને એક લિઓ બર્નેટ નામની એડ કંપનીએ એક કસાયેલ મરદાના કાવબોય અમુક બ્રાન્ડની સિગારેટ ઠઠેડીને રિલેક્સ થતો હોય એવાં ચિક્કાર પોસ્ટર ને જા/ખ વગેરે ચારેકોર ચાલુ કરેલાં, ને ઈ પીઓ તો તમે સાચા મરદ એવો સન્નાટો હતો અમેરિકામાં ને દેસવિદેસમાં. એ બધામાં જી ઓરિજિનલ મરદનો ફોટો આવતો હતો તે કાવબોયનું નામ હતું બોબ નોરિસ, તે પોતે સિગારેટને હાથ બી લગાડતો નહોતો, ને બાર–બાર વરસ ઈ મોડેલિંગ કર્યા પછી એનાં છોકરાંવે પૂછ્યું કે અમને પીવાની મના કરો છો, તમે પોતે પીતા નથી તો એની જાહેરાત કેમ કરો છો?
ને તે મિનિટથી ઈ ભાઈએ જાહેર ખબરમાંથી રાજીનામું આપી દીધું. તેના પછી જેટલા ‘મરદ’ મોડેલિંગ માટે આવ્યા એ બધા ધૂમ્રપાન સંબંધિત કરપીણ બીમારીઓથી કૂતરાના મોતે મર્યા, મરતાં પહેલાં એ ‘મરદો’એ જાહેરમાં ધૂમ્રપાન સામે ઝુંબેશો ચલાવી. સન 1998માં તમાકુ કંપનીઓ સામે સરકારે ખટલા કીધા ને જેમાં કંપનીઓએ તમાકુ સંબંધિત રોગોના ઇલાજ માટે સરકારે જે અબજો ડોલર ખર્ચવા પડેલાં તે ભરપાઈ કરવા પડેલા.
અને ત્યાં સુધીમાં સિગારેટનાં પાકિટો ઉપર તેના મરણતોલ ખતરાની ચેતવણી છાપવાનો કાયદો આવ્યો અને આખરે માર્લબોરો મેનને 20મી સદીના અંત સુધીમાં ઊંધે ગધેડે બેસાડીને ભગાડી મુકાયો. હજી અમેરિકામાં ને અલબત્ત દુનિયાભરમાં સિગારેટની છાકમછોળ છે, ને ટીવી ‘શ્રેણી’ઓમાં બાયું ધુંવાડા કાઢે છે, સૌ જાણે છે કે તે ધુમાડો પીનાર ઉપરાંત તેની આસપાસના લોકોને રંજાડે છે, ને ભારતમાં તમાકુના ગુટકાફુટકાની મહા ફેસન છે, જે ખાનારને તો વહેલો સ્વધામ પહોંચાડે છે પણ તેણે જીવતેજીવ થૂંકેલી પિચકારીઓ જાહેર સંકટ બને છે.
બિહાર, મેઘાલય અને ઝારખંડમાં દર પાંચમી એડલ્ટ વ્યક્તિ તમાકુ ખાય છે. ભારતમાં તમાકુ સંબંધિત મૃત્યુ વાર્ષિક આશરે 13.5 લાખ હોવાનો અંદાજ છે. હવે તે પલીતે વેપિંગ નામે ધૂમ્ર–રહિત નવો વેશપલટો કીધો છે, તેમાં સિગારેટ પેટાવવાની હોતી નથી તે બેટરીથી ચાલે છે. તે ઇલેક્ટ્રોનોક અથવા ઇ–સિગારેટમાંથી ધુમાડાને બદલે વેપર યાને વરાળ નીકળે છે. ભારતમાં તે પ્રતિબંધિત છે. તે પણ ધુમાડાની કાળમુખી કાકી જ છે. જય બોબ નોરિસ!
ઓક્સિજન:ગાંડો ટ્રાફિકવાળો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/crazy-traffic-135256857.html

‘એ ય ડોબા! ઊભો રહે, નહીં તો મરી જઈશ.’
શહેરના ખૂબ બીઝી રહેતા ચાર રસ્તાનો ટ્રાફિક તોડીને ભાગી રહેલા યુવાનને જોઈ તેણે બૂમ પાડી અને હાથમાં રહેલો ડંડો પછાડ્યો. પેલો સાપોલિયાની જેમ સરક્યો એટલી વારમાં તો બીજા છેડેથી, લાઇટ લીલી થવાની રાહ જોયા વગર વાહનો ધસમસતા તેના ભણી દોડ્યાં. જીવ બચાવવા તે એક બાજુ ખસવા ગયો પણ જાણે તેની હસ્તી જ ના હોય તેમ વાહનો તેની આજુબાજુથી રસ્તો કાઢી જવા માંડ્યાં. શું તેઓ આંધળા હતાં જેમને લાઇટ હજુ લાલ છે તે દેખાતું નહોતું? ના, તેમનો વર્તાવ જોઈને લાગતું હતું કે તે બધાં જંગલી હતાં.
વરૂઓનું ટોળું એકલા ઘેટા ઉપર તૂટી પડે તેમ સામે ખાલી રસ્તો જોતાં જ આ વરુઓ રસ્તો ક્રોસ કરવા તૂટી પડ્યાં. કોઈ આગળ ઘૂસ મારતું તો કોઈ બાજુમાં ઘસરકા પાડી જેમ તેમ કરીને ટ્રાફિક વીંધવા આગળ ધપતું. પેલો ડંડો પછાડી તે બધાંને રોકવાનો પ્રયત્ન કરતો.
આજનો નહીં, છેલ્લાં એક વર્ષથી તેનો આ નિત્યક્રમ હતો. એવામાં એક બાઇકવાળો તેના પગ ઉપર બાઇક ચઢાવી આગળ જતો રહ્યો અને બૂમ મારતો ગયો ‘એ ગાંડા, બાજુમાં ઊભો રહે!’
હા, એ કોઈ ટ્રાફિક પોલીસ નહોતો. એ તો ગાંડા જેવો માણસ હતો જે રોજ આ ચાર રસ્તા ઉપર ટ્રાફિકને સંભાળવા આવી જતો. લોકો તેને ‘ગાંડો ટ્રાફિકવાળો’ કહેતાં. એક છોકરીની નજર તે માણસ ઉપર પડી. તે ત્યાં દોડી, તેને સાચવીને ઊભો કર્યો. આ ઘટનાથી તેની ચારેબાજુ વાહનો ઘેરાઈ ગયાં, લોકોમાં ‘ગાંડો’, ‘ગાંડો’ એવો ચણભણાટ થવા લાગ્યો. પેલી છોકરીએ ઘાંટો પાડી બધાંને શાંત પાડતાં કહ્યું ‘ગાંડો ટ્રાફિકવાળો નથી, આપણે ટ્રાફિકવાળા ગાંડા છીએ.’ તેણે પેલાને ઊભો કરી તેનો બરડો લોકો તરફ ધર્યો જેના ઉપર લાગેલા પાટિયા પર લખ્યું હતું ‘અહીં મેં મારો દીકરો ગુમાવ્યો છે, તમે સાચવીને ચલાવજો.’
2025/07/07 18:05:33
Back to Top
HTML Embed Code: