Telegram Web Link
ગતકડું:તમારે લોન લેવી છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/do-you-want-to-take-out-a-loan-135305144.html

પ્રકાશ દવે હવે કોણ એવી અફવા ફેલાવી રહ્યું છે કે પાકિસ્તાનનું નામ બાકિસ્તાન થઈ જવાનું છે?!
આપણે ત્યાં ‘દેવું કરીને પણ દારૂ પીવો’ એવી એક ઉક્તિ પ્રચલિત છે. પાડોશી દેશે એમાં સુધારો કર્યો છે. પાડોશી દેશ માને છે કે ‘દેવું કરીને પણ ડ્રોન ઉડાડો.’ કહે છે કે પાકિસ્તાનમાં એવું સૂત્ર પ્રચલિત થઈ ગયું છે કે ડ્રોન ઉડાડો દેશ ડુબાડો!
પાકિસ્તાનના એક એરપોર્ટ સામે પાનના ગલ્લા પર બે મિત્રો વાત કરી રહ્યા હતા. એકે કહ્યું, ‘યાર, આખા વિશ્વમાં આપણને બધાં સાવ કારણ વિના બદનામ કરે છે કે પાકિસ્તાન બધાં પાસે ઉછીના રૂપિયા લઈને દેશ ચલાવે છે, પણ મને તો આ વાત ખોટી લાગે છે.’
‘તું એમ કઈ રીતે કહી શકે?’ બીજા મિત્રએ પૂછ્યું.
‘હું એક અઠવાડિયાથી જોઉં છું કે અહીં રોજ દરેક ફ્લાઇટમાંથી કોઈ ને કોઈ વિદેશી વી.આઈ.પી. મહેમાન ઉતરે છે. એ બધાં કાંઈ એમ ને એમ આપણા દેશમાં આવતા હશે?’
‘એ બધાં એમ ને એમ નથી આવતા, ઉઘરાણી કરવા જ આવે છે….’ બીજા મિત્રે ઘટસ્ફોટ કર્યો!
ઘણાં લોકો લોન અને કર્જ લેવામાં એટલા નિષ્ણાત થઈ ગયાં હોય છે કે એ બીજું કાંઈ ન કરે અને લોન કઈ રીતે લેવાય અને પાછી કઈ રીતે (ન) દેવાય એ વિશેની સલાહ આપવા માંડે તો પણ એની આવકમાંથી એની બધી લોન ભરાઈ જાય! ઘણાં લોકોને બે વાર લોન લેવી પડે છે. પહેલી મકાન લેવા માટે તો બીજી લોન પહેલી લોન ભરવા માટે! ઘણાં લોકો ‘હેતુ વિના હેત’ની જેમ ‘હેતુ વિના લોન’ લે છે. અમુક વ્યક્તિ લોન લીધા પછી નક્કી કરે છે કે લોન ક્યાં વાપરવી! આ ધરતીની માલીપા ઘણા વીરલા છે જેમને લોન ઓછી થતી જાય તેમ બ્લડ પ્રેશર વધતું જાય. એ લોકો એમ વિચારે કે આ લોન તો હમણાં પૂરી થઈ જશે પછી કયું બહાનું બતાવીને લોન લઈશ?
‘ડુંગરે ડુંગરે કાદુ તારા ડાયરા’ એ ગીતની માફક અમુક વ્યક્તિ દરેક બેંકમાંથી લોન લઈ ચૂકી હોય છે. એમાંથી પ્રથમ લોન જ કંઈક કામ સબબ લીધી હોય છે. બાકીની તમામ લોનો (લોનનું બહુવચન!) આગળની લોન ભરપાઈ કરવા માટે જ લીધી હોય છે. આવા લોકોને ‘લોન લોન’ રમવાનો શોખ હોય છે.
અમુક બેંકવાળા પણ લોકો લોન લેવા લાઇન ન લગાડે તો મૂંઝાઈ જાય છે અને ધડાધડ ફોન કરી કરીને ગ્રાહકોને લોન લેવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. ગ્રાહકો એમ વિચારે છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવી છે તો મોઢું ધોવા શું કામ જવું? પહેલાં લોન લેવા માટે બેંકના ધક્કા ખાઇ ખાઈને ચંપલ ઘસાઈ જતાં અને અરજીઓ કરી કરીને પેન ઘસાઈ જતી. તો પણ મોટાભાગે ‘હું તો કાગળિયાં લખી લખી થાકી મેનેજર તારા મનમાં નથી’ એ ગીત ગાઈને જ સંતોષ માનવો પડતો. હવે એવું નથી. હવે તો મેનેજર સ્વયં ગ્રાહકોને ફોન કરી કરીને સમજાવે છે કે ‘મેરા બેંક ખુલા હૈ ખુલા હી રહેગા તુમ્હારે લિયે!’ દયાળુની યાદીમાં ઈશ્વર પછી બેંકનું નામ બીજા ક્રમે આવે છે!
એક વ્યક્તિને બેંકમાંથી ફોન આવ્યો, ‘સાહેબ, અમારી બેંકે ખાસ આપના માટે જ લોન મંજૂર કરી છે. તમે લોન લેવા માગો છો?’
‘ના, આ તમારો ચોથો ફોન છે. અગાઉ પણ મેં તમને ના પાડી છે. મહેરબાની કરીને હવે ફોન ન કરતા.’
‘સાહેબ, અમે તો બેંકના કર્મચારી છીએ. અમે તો બધું સમજીએ જ છીએ, પણ અમારા મેનેજર નથી સમજતા. એ ટાર્ગેટ આપે એટલે અમારે ફોન કરવો પડે છે.’ ફોન કરનાર કંટાળા સાથે બોલ્યો. આ ભાઈએ ધડ દઈને ફોન કાપી નાખ્યો. એ પોતે જ એ બેંકના મેનેજર હતા!
ઘણાંને સવાલ થાય કે લોન લેવાવાળા લોન પરત ન કર્યા પછી પણ આટલા ખુશ કઈ રીતે રહી શકતા હશે? મારો મિત્ર મગન માને છે કે આખી બેંક આ લોન લેનારની તબિયત સારી રહે એવી મનોમન પ્રાર્થના કરતી હોય છે એટલે લોનવાળો લોન પાછી ન આપી હોવા છતાં લોનાવાલા જઈને મોજ કરી શકે છે!
ચોસઠ કળાઓમાં ભલે સામેલ ન હોય પણ લોન લેવી એ કલા છે અને લીધેલ લોન પાછી ન આપવી એ ઉત્કૃષ્ટ કલા છે. લોન લેવા જાવ અને ભવિષ્યમાં એ લોન પાછી ન આપવાના હો તો બેંકમાં તમારો સારો ફોટો આપવો, કારણ કે લોન ભરપાઈ નહીં કરો તો બેંકવાળા એ જ ફોટો બેંકમાં બધી જગ્યાએ લગાવે છે અને છાપામાં પણ આપે છે.
એક વ્યક્તિ દવાખાને ગઈ અને ડોક્ટરને કહ્યું, ‘સાહેબ રાતે ઊંઘ નથી આવતી.’
ડોક્ટરે પૂછ્યું, ‘મનમાં કોઈ ચિંતા છે?’
દર્દી કહે, ‘સાહેબ, ચિંતા તો બીજી કોઈ નથી પણ બેંકની લોન…’
ડોક્ટરે હમણાં જ લોન લીધી હતી. એણે પોતાના અનુભવને આધારે દર્દીને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, ‘આજકાલ લોનની ચિંતા ગ્રાહકે ન કરવાની હોય, બેંકનો મેનેજર કરશે.’
દર્દીએ દયામણું મોં કરીને કહ્યું, ‘સાહેબ, હું બેંકનો મેનેજર જ છું!’
સવાર-સાંજ એક કલાક લોન પર ચાલે ત્યાં કંટાળી જનાર લોકોએ વિચારવું જોઈએ કે બે-બે પેઢીથી લોન પર જ ચાલનાર લોકો કેટલા મજબૂત હશે!
આંતરમનના આટાપાટા:યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/this-is-the-story-of-the-sun-and-the-storm-135305837.html

ડૉ. જય નારાયણ વ્યાસ એ ણે એના જીવનમાં ઉદભવતી વિપરીતમાં વિપરીત પરિસ્થિતિનો પણ અત્યંત ધૈર્ય અને પ્રતિબદ્ધતાથી સામનો કર્યો. જ્યાં મોટાભાગનાં વ્યક્તિઓ ભાંગી પડે તે પરિસ્થિતિમાં આ વ્યક્તિએ ધીરજ ના ગુમાવી. પરિસ્થિતિ સમુદ્રનું વિકરાળ અને તોફાની મોજું બનીને આવી તો એણે કાળમીંઢ ખડક બનીને તે મોજાંને ચકનાચૂર કરી દીધું.
એક ગીતની પંક્તિઓ છેઃ ‘નિર્બલ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયે કી ઔર તૂફાન કી...’
ભયંકર આંધી સામે ટક્કર લઈને ઉગરી જનાર એક નાનકડો દીવો કદાચ આ વ્યક્તિના હૃદયમાં પણ ટમટમતો હશે. એણે આ વ્યક્તિ, આ મહિલાનું ખમીર ટકાવી રાખ્યું, એટલું જ નહીં પણ વિપરીત પરિસ્થિતિ ઉપર જીત મેળવવા બળવત્તર ઇચ્છાશક્તિને પોતાની આંતરિક શક્તિઓ સાથે ભેળવી સામે આવતા દરેક પડકારને પહોંચી વળી. દુનિયાના ઇતિહાસમાં પોતાના સુવર્ણ હસ્તાક્ષર અધિકારપૂર્વક અંકિત કરનાર ઝૂઝારુ વ્યક્તિની આ દાસ્તાં છે.
રોઝ બ્લમકીન ઉર્ફે મિસિસ બી.ને રશિયા છોડીને ભાગવું પડે છે. માત્ર 66 ડૉલરની કુલ મૂડી સાથે ભાગી નીકળેલ આ મહિલા આગળ જતાં અમેરિકાની ખ્યાતિપ્રાપ્ત અને સફળ મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે વિશ્વપટલ પર જાણીતી થાય છે. 1893માં રશિયાના નાના ગામડામાં જન્મેલી રોઝની મા નાનો કરિયાણાનો સ્ટોર્સ ચલાવતી હતી જ્યારે એના પિતા યહૂદી આધ્યાત્મિક વિષયના શિક્ષક હતા. પરિવાર એટલો દારુણ ગરીબીમાં જીવતો કે આ છોકરીને 13 વર્ષની ઉંમરે 18 માઇલ ખુલ્લા પગે ચાલીને નજદીકના રેલવે સ્ટેશને પહોંચવું પડતું. ત્યાંથી આગળ આ યુવતી કામની શોધમાં યુક્રેનની સરહદ પાસે આવેલ ગામ ગોમેલ પહોંચતી. ભલભલાની ધીરજથી પરીક્ષા થઈ જાય એવો આ ઉદ્યમ હતો. આગળ જતાં એનાં લગ્ન જૂતાના સેલ્સમેન ઈસાડોર બ્લમકીન સાથે થયાં.
દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. એણે પોતાના પતિને આગોતરો અમેરિકા મોકલી દીધો, કારણ કે બંને સાથે મુસાફરી કરી શકે એવી કોઈ સ્થિતિ નહોતી. 1916માં ત્રણેક મહિના બાદ રોઝ ચીન અને જાપાન પસાર કરી અમેરિકા પહોંચી અને અમેરિકાના સિએટલ ખાતે પતિ-પત્નીનું પુનઃમિલન થયું. આગળ જતાં તેઓ ઓમાહા ખાતે સ્થાયી થયાં. વિચારો, અમેરિકા દોડી આવેલા આ યુગલમાં બેમાંથી એકેય પાસે અંગ્રેજી શિક્ષણ નહોતું, નહોતી કોઈ ઓળખાણ. દરિયાના કોઈ એકાંત ટાપુ પર ફેંકાઈ ગયા હોય એવી સ્થિતિ વચ્ચે આ યુગલ સંઘર્ષ કરી રહ્યું હતું. પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ સિવાય બીજો કોઈ જ રસ્તો એમની પાસે નહોતો.
1937માં રોઝે એક ભોંયરામાં ફર્નિચર સ્ટોર્સની શરૂઆત કરી ત્યારે એની ઉંમર 45 વર્ષની હતી. સમય બરાબર મંદીનો હતો અને લોકો હતાશાનો સામનો કરતા જીવી રહ્યાં હતાં. તેમની પાસે ખાસ કોઈ બચત કે ફર્નિચર ખરીદવા માટે પૈસા નહોતા. આ પરિસ્થિતિથી દબાઈ નહીં જતા રોઝે ફર્નિચર ભાડે આપવાની શરૂઆત કરી. રાતોરાત શરૂ કરાયેલ આ યોજનાને હજુ તો સાનુકૂળ પ્રતિસાદ મળવાનું શરૂ થયું ત્યાં જ એક દિવસ એની દુકાનમાં આગ લાગી અને બધું ભસ્મીભૂત થઈ ગયું.
રોઝ માટે આ ડૂબતાને તરણું પણ ડૂબાડે જેવી પરિસ્થિતિ હતી, પણ બીજા જ દિવસે એણે પોતાની દુકાન ફરી ચાલુ કરી દીધી. એના હરીફો માટે પણ આ ઘટના આંચકારૂપ હતી. પોતાનું વ્યાપારી-કૌશલ્ય, વાક્પટુતા અને કોઈ ખોટા દાવા નહીં કરવાની નીતિથી રોઝને ભલે વધુ નફો ન મળ્યો હોય પણ એક પ્રમાણિક અને કુનેહબાજ વ્યાપારી તરીકેની ખ્યાતિ જરૂર મળી. સ્વાભાવિક છે, આ કારણોસર રોઝ એના પ્રતિસ્પર્ધીઓની આંખમાં કણાની માફક ખૂંચતી હતી. એની દુકાનમાં આગ લાગ્યા પછી એના પ્રતિસ્પર્ધીઓએ એને કોર્ટમાં ઘસડી. વકીલ તો પોસાય તેમ નહોતો એટલે એણે પોતે જ પોતાનો બચાવ કર્યો.
એક વ્યાપારી તરીકે એની સીધીસાદી ફિલસૂફી હતી, ‘કિફાયતી ભાવે વેચો, સાચું બોલો અને ગ્રાહકોને છેતરશો નહીં.’ આ નીતિ હવે પરિણામો આપી રહી હતી. એની પેલી નાનકડી દુકાન વિકસતી ચાલી અને એમાંથી એક અબજ ડૉલરના ધંધાકીય સાહસ ‘નેબ્રાસ્કા ફર્નિચર માર્ટ’નો જન્મ થયો. આ કોઈ નાનીસૂની સિદ્ધિ નહોતી. અમેરિકાના અગ્રગણ્ય ધનપતિ અને રોકાણકાર વોરેન બફેટે આને ‘ધ આઇડિયલ કંપની’ એટલે કે ‘એક આદર્શ કંપની’ તરીકે બિરદાવી.
1983માં 91 વર્ષની ઉંમરે રોઝ બર્કશાયરની પહેલી મહિલા મેનેજર બની, જ્યારે બફેટ દ્વારા એના સ્ટોરને છ કરોડ ડૉલરમાં ખરીદી લેવામાં આવ્યો, પણ એ નિવૃત્ત ન થઈ. રોજના 12થી 14 કલાક અને અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરવાનું એણે ચાલુ રાખ્યું. આમ કરતા એ 103 વર્ષની ઉંમરે પહોંચી. 104 વર્ષની ઉંમરે એનું નિધન થયું. રોઝની આ વાત સ્પષ્ટતા, ચીવટ અને અડગ સિદ્ધાંતોનો એક બહુ જ બળૂકો દાખલો છે. એના કહેવા મુજબ વ્યક્તિની ઉંમર એનું શિક્ષણ કે અનુભવ અથવા સંજોગો સફળતા નક્કી નથી કરતા. સફળતા નક્કી કરે છે, ચારિત્ર્ય, પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા. એના આ દાખલામાંથી નિપજતા કેટલાક મુદ્દાઓની
ચર્ચા આવતા અઠવાડિયે.
આજ-કાલ:2000ની વસ્તીવાળું એશિયાનું પ્રથમ ગ્રીન વિલેજ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/asias-first-green-village-with-a-population-of-2000-135304995.html

જ્યાં જુઓ ત્યાં બધું અસાધારણ થઈ રહ્યું છે, અતિરેક લાગે છે. વરસાદ ખૂબ પડે, ગરમી પણ ભયંકર. બરફ પડે તો વાત ન પૂછો. એકાએક આમ થવાનું કારણ? આપણે પોતે. સમગ્ર માનવજાત.
ખબર નથી કે સાચો વિકાસ કે અસલી પ્રગતિ એટલે શું? છતાં મૂર્ખ માનવી વિચાર્યા વગર આડેધડ વૃક્ષ કાપી નાખે છે, પર્વત ઉડાડી દે છે, દરિયાની જમીન પચાવી પાડે છે. આ બધાં જ છે કુદરતી આફતોના વારંવાર આગમન અને એના અતિરેકના કારણોમાં. આપણને સીધીસાદી વાત આસાનીથી સમજાતી નથી. એ ગળે ઉતારવા આંકડાના હથોડા મારવા પડે.
ઉપલબ્ધ સ્ટેસ્ટિક્સ મુજબ પૃથ્વી પર વ્યક્તિદીઠ 422 વૃક્ષ છે છતાં 46 ટકા ઓછાં છે. પૃથ્વી પર ભલે માથાદીઠ 422 વૃક્ષ હોય પણ મેરા ભારત મહાનમાં સીનારિયો સલમાન ખાનની ફિલ્મોની જેમ એકદમ કંગાળ છે. વ્યક્તિદીઠ 28 વૃક્ષ. આની સામે આપણાંથી થોડી વસ્તી ધરાવતા ચીનમાં આ આંકડો 108નો છે.
એક ગણતરી મુજબ માનવ સંસ્કૃતિએ પોતાના જન્મ બાદ પૃથ્વી પરનાં 46 ટકા વૃક્ષોનો ખંગ વાળી નાખ્યો છે. જંગલોને અદૃશ્ય કરી નાખવામાં માનવી જાણે માયાવી શક્તિ ધરાવતો લાગે છે. 2010થી 2020 વચ્ચે દર વર્ષે 47 લાખ હેક્ટર જંગલ ગાયબ થઈ જાય છે, પરંતુ UNFAO (સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) તો વર્ષે એક કરોડ હેક્ટર જંગલનું અમંગલ થવાનો દાવો કરે છે. ગ્લોબલ ફોરેસ્ટ વૉચ નામની સંસ્થાના મત મુજબ 2024માં ભારત 18,200 હેક્ટર જંગલ ખોઈ બેઠું.
આ સમસ્યા વૈશ્વિક છે. લાખો-કરોડો વર્ષથી ગોઠવાયેલી કુદરતની સાઈકલને ફેરવીને આપણે પગ પર કુહાડા, કોદાળી અને હથોડા માર્યાં છે. કરો એવું ભોગવો અને વાવો તેવું લણો એ તો સહજ અને સર્વસ્વીકાર્ય જ છે.
તો શું આપણાં બારય વહાણ ડૂબી ગયા છે? ના, કોઈ ટ્રેન છેલ્લી હોતી થી. આપણે એકદમ ગંભીર હોઈએ, ખરેખર પોતાને અને ભાવિ પેઢીને બચાવવા માંગતા હોઈએ અને પૃથ્વીને રહેવા-જીવવાલાયક રાખવા માંગતા હોઈએ તો એક ઉપાય છે. એનું નામ છે ખોનોમા.
હા, ખોનોમા ભારતના રાજકારણીઓની અવગણનાનો શિકાર બનેલા પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજ્યનું એક ગામ છે. નાગાલેન્ડની રાજધાની કોહિમાથી માત્ર 20 કિલોમીટરના અંતરે આવેલા ખોનોમાની વિશિષ્ટતા જાણવા, સમજવા અને તાત્કાલિક અપનાવવા જેવી છે. આ ખોનોમાએ માત્ર ભારતના જ નહીં, સમગ્ર એશિયાના પ્રથમ ગ્રીન વિલેજનું બિરૂદ મેળવીને એક દાખલો બેસાડ્યો છે.
ભારતના ગાર્ડન સિટી તરીકે ઓળખાતા બેંગ્લુરુમાં માથાદીઠ વૃક્ષ કેટલાં છે? 0.1 અને આપણા ગાંધીનગરમાં વ્યક્તિદીઠ 4 વૃક્ષ છે. આ સંજોગોમાં ખોનોમા કેવી રીતે ગ્રીન વિલેજ અને પર્યાવરણમિત્ર બન્યું હશે?
આ ખોનોમા નામનો શબ્દ જ સ્થાનિક છોડ પરથી આવ્યો છે જેને આ ગામે સાર્થક કરી બતાવ્યો છે. વસ્તી માંડ બે હજારની, ને 450 જેટલાં ખોરડાં. ગામ નાનકડું પણ ઈતિહાસ શૌર્યથી લબાલબ. 1830થી 1880 વચ્ચે અહીંના અંગામી આદિવાસી યોદ્ધા બ્રિટિશરો સામે શ્રેણીબદ્ધ યુદ્ધ લડ્યા હતા. શા માટે? નાગ પ્રજાને બંધુઆ મજૂર એટલે કે ગુલામ તરીકે રાખવાનું બંધ કરાવવા માટે. અંતે બ્રિટિશરોના પાપે આ ગામ ધીરે ધીરે ખ્રિસ્તી ધર્મ અપનાવતું થઈ ગયું.
લગભગ 700 વર્ષ જૂનું અને 123 સ્ક્વેર કિલોમીટર ક્ષેત્રફળમાં વસેલું આ ગામ પોતાની રીતે અનોખી અને એક સમાન તરીકે ખેતી કરવા માટે જાણીતું છે. ખોનોમાએ લીલીછમ્મ સિદ્ધિ કેવી રીતે મેળવી એ જાણીએ. કાયમ બરાફાચ્છાદિત રહેતાં ઘણાં ગામોને બાકીની દુનિયાની જેમ પ્રદૂષણ પજવી રહ્યું હતું. પરંતુ ખોનોમામાં પર્યાવરણ પ્રકૃતિના રક્ષણને સૌથી મોટી જવાબદારી માનવામાં આવે છે. એ પણ એટલી હદ સુધી કે વૃક્ષ કાપવા પર અહીં સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયેલો છે. અહીં ચારે તરફ લીલોતરી જ લીલોતરી છે. સ્થાનિક રહેવાસીઓને જાણે પ્રદૂષણની જાણ કે ખબર જ નથી. આવાં અનેક કારણોસર ખોનોમા એશિયાના પ્રથમ ગ્રીન વિલેજ તરીકે જગપ્રસિદ્ધ છે, જેને લીધે પર્યટકોય આકર્ષાય છે.
ખોનોમા ગામમાં જંગલમાં રહેનારાં જીવજંતુથી લઈને પ્રાણીઓના શિકાર કરવાની પણ મનાઈ છે. એક સમયે પેટ ભરવા પ્રાણીઓનો શિકાર થતો હતો, ત્રીસેક વર્ષમાં કોઈ જાનવરનો જીવ લેવાયો નથી. ગ્રામજનો ઉપરાંત પ્રવાસીઓ દ્વારા પણ શિકારને પ્રતિબંધિત કરીને ખોનોમાએ લુપ્ત થતી જાતિઓનાં પ્રાણીઓને નવજીવન આપ્યું છે. સ્થાનિક અંગામી જન્મજાતિનાં લોકો વૃક્ષ-છોડ કાપવાને બદલે એનું જતન કરે છે.
આ લોકો પર્યાવરણની સાથોસાથ પોતીકી સંસ્કૃતિનાં જતન માટે પણ એટલા જ કટિબદ્ધ છે. અને વિવેકબુદ્ધિ જુઓ કે, કદાચ અનિવાર્ય કારણોસર લાકડાંની જરૂર પડે તો આખું ઝાડ કાપવાને બદલે થોડી ડાળીઓ કાપીને કામ ચલાવી લેવાય. અહીં ‘ઝૂમ’ તરીકે ઓળખાતી ખેતી પદ્ધતિ વિશિષ્ટ છે. આમાં કોઈ ક્ષેત્રની વનસ્પતિને બાળી નખાય અને એની રાખનાં ખાતર થકી બે-ત્રણ વર્ષ સારો પાક લઈ શકાય છે.
આપણે પણ ઘર, આંગણ અને સોસાયટીમાં એક-એક વૃક્ષ વાવવાથી શરૂઆત કરીએ, તો આ પ્રયાસથી ઘણાં લીલાં ફળ મળશે એ નક્કી. ઓનલાઈન-ઓફલાઈન
આપણે સશક્ત અર્થતંત્ર માટે ઓરાગ્યપ્રદ પર્યાવરણનું બલિદાન ન આપી શકીએ?
- ડેનિસ વિવર (અમેરિકન અભિનેતા અને પર્યાવરણવાદી)
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/conversion-and-exploitation-of-children-in-boarding-schools-135305021.html

રાજ ભાસ્કર કહાની કેનેડાની છે. 1860ના દાયકામાં ત્યાં કેથોલિક ચર્ચોની બોલબાલા હતી. એ વખતે કેટલાંક ક્રિશ્ચિયનોએ ત્યાંનાં મૂળ આદિવાસીઓની ઓળખ ભૂંસી નાંખવા માટે 139 જેટલી બોર્ડિંગ સ્કૂલો બનાવી અને આદિવાસી બાળકો માટે ત્યાં રહેવા-ભણવાનું ફરજિયાત બનાવી દીધું. એ લોકો ગામડાંમાં જઈને બાળકોને ઉઠાવી લાવતાં. પછી હોસ્ટેલમાં લાવીને તેમના પર અત્યાચારો કરતા, તેમની આદિવાસી સંસ્કૃતિ છોડવા મજબૂર કરતા, ક્રિશ્ચિયાનિટીનું ભણાવતા અને ધર્માંતરણ કરતા. પાદરીઓ નાની બાળકીઓ પર રેપ કરતા. બીમાર પડે તો દવા ના આપતા. વધારે બોલે તો જીભમાં સોઈ પરોવી દે. એટલું મારતાં કે બાળકો મરી જતાં. પછી આ લોકો બાળકોની લાશોને સ્કૂલોનાં કમ્પાઉન્ડમાં જ દફનાવી દેતાં. એમનાં મા-બાપને ખબર પણ ન આપતાં. આ બધું સો વર્ષ ચાલ્યું હતું અને એ સો વર્ષમાં એ લોકો દોઢ લાખ આદિવાસી બાળકોને ધર્માંતરણ માટે ઉઠાવી લાવ્યાં હતાં. અનેક બાળકો અત્યાચારથી મરી ગયાં અને કેટલાંક બોર્ડિંગમાંથી ભાગવામાં સફળ રહ્યાં.
આ બાબતે ઘણી ફરિયાદો થઈ પણ કોઈએ કાને વાત નહોતી ધરી. પાપ છાપરે ચડીને પોકારે, પણ પાદરીઓનું પાપ જમીન ફાડીને બહાર આવ્યું. અને એ પણ હમણાં દોઢસો વર્ષ પછી, વર્ષ 2021માં. શું બન્યું હતું આવો જોઈએ!
કેનેડાની બોર્ડિંગ સ્કૂલોમાં દોઢ લાખ આદિવાસી બાળકોનું ધર્માંતરણ થઈ રહ્યું હતું. એમાં સૌથી મોટી બોર્ડિંગ સ્કૂલ હતી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ. સમય જતાં આ શાળાઓનું સંપૂર્ણ સંચાલન કેથોલિક ચર્ચના હાથમાં આવી ગયું હતું. લગભગ સો વર્ષ આ રમત ચાલી. પછી 1960ની આસપાસના ગાળાથી બદલાયેલી સરકારોએ ધીમે ધીમે આ સ્કૂલોનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું, કારણ કે સરકારને બાળકોનાં ધર્માંતરણ અને શોષણની અનેક ફરિયાદો મળી હતી. આથી સરકારે એક પછી એક સ્કૂલો બંધ કરવાનું શરૂ કરી દીધું.
1978માં સૌથી મોટી કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલ પણ બંધ કરી દીધી, પણ ફરિયાદ બંધ ના થઈ. કેનેડાનાં જ કેટલાંક આદિવાસી સંગઠનો આની તપાસની માંગ કરી રહ્યાં હતાં. સાથે એવાં પણ કેટલાંક હતાં જેઓ 1940-50ના ગાળામાં આ બોર્ડિંગમાં પાદરી અને નનોના અત્યાચારોનો ભોગ બન્યાં હતાં. એ લોકો હવે ઉંમરલાયક હતા અને ન્યાય માટે અદાલત સુધી પહોંચ્યા હતાં, પણ વરસો વીતવા છતાં ખાસ કંઈ થયું નહીં.
આખરે 2008માં આ મામલો દેશમાં ઊંચકાયો અને તત્કાલીન કેનેડિયન સરકારે ચાલુ સંસદે આ ભયાવહ ઘટના અંગે માફી માંગી, તેની તપાસ માટે એક કમિશન બનાવ્યું. એનું નામ હતું ટ્રુથ એન્ડ રિકૉન્સિલિએશન કમિશન. આ કમિશને છ વર્ષ સુધી આખા દેશમાં ફરીને લોકોની જુબાની લીધી.
અનેક પીડિત પરીવારોને મળ્યા અને તેમની આપવીતી સાંભળી. 2015માં કમિશને રિપોર્ટ આપ્યો કે, ‘યસ, કેથોલિક ચર્ચ સંચાલિત આ બોર્ડિંગ સ્કૂલોમાં આદિવાસી બાળકોનું ધર્માંતરણ અને શોષણ થતું હતું. કુમળી બાળકીઓનું યૌન શોષણ થતું હતું. તેમને તેમની આદિવાસી ભાષા, ભોજન, ભૂષાથી અલગ કરીને દેવાનું આ કાવતરું હતું.’ કમિશને આને ‘સાંસ્કૃતિક નરસંહાર’ ગણાવીને એમ પણ કહ્યું કે, એક સમયે અહીં દોઢ લાખ આદિવાસી બાળકોને ઉઠાવી લવાયાં હતાં અને 3200 બાળકો શારીરિક-માનસિક ઉત્પીડનથી મોતને ભેટ્યાં હતાં. આ રિપોર્ટે સૌને હચમચાવી દીધાં, પણ 2021માં જે બન્યું તે ઘટનાએ માત્ર કેનેડા જ નહીં પણ આખા વિશ્વની આંખોમાં આંસુ લાવી દીધાં.
બન્યું એવું કે કેનેડાની બહુચર્ચિત અને બાળકોના નરસંહાર માટે જવાબદાર એવી મુખ્ય બોર્ડિંગ સ્કૂલ કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલમાં મે, 2021માં ખોદકામ થયું. આ સ્કૂલ દાયકાઓથી બંધ હતી. અહીં ખોદકામ માટે પેનેટ્રેટિંગ રડાર નામે આધુનિક મશીન લવાયું હતું. એ જમીનમાં ખૂબ ઊંડે સુધી પડેલાં તત્ત્વોની શોધ કરી શકતું હતું. ખોદકામ દરમિયાન સ્કૂલના કમ્પાઉન્ડમાં ઊંડેથી 215 નરકંકાલો મળ્યાં. તપાસ કરતા ખબર પડી કે એ કંકાલ મોટાભાગનાં ત્રણથી સાત વર્ષનાં અને કિશોર વયનાં બાળકોનાં હતાં.
બાળકોની કબરોએ આખા કેનેડામાં હાહાકાર મચાવી દીધો. બીજી સ્કૂલોની પણ તપાસ થઈ, જેમાં કાઉસેસ રિઝર્વ સ્થિત પૂર્વી મૈરીવલ બોર્ડિંગ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી 751 બાળકોનાં કંકાલ મળ્યાં. કુલ આંકડો હજારે પહોંચ્યો. આ સમાચારે આખા વિશ્વમાં હડકંપ મચાવી દીધો. કેથોલિક ચર્ચ સંચાલિત કેનેડાની એ બોર્ડિંગ સ્કૂલોમાં બાળકોનું શોષણ થતું હતું અને એમની લાશોને મારીને ત્યાં જ દાટી દેવામાં આવતી હતી એ સાબિત થઈ ગયું.
આ ઘટના પછી કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ટ્વિટ કરીને માફી માંગતા લખ્યું, ‘કૈમ્લૂપ્સ ઈન્ડિયન રેસિડેન્શિયલ સ્કૂલની આ ઘટનાએ મારું દિલ તોડી નાંખ્યું છે. આ અમારા દેશના ઈતિહાસની એક શરમજનક યાદોમાંની એક છે. આનાથી પ્રભાવિત તમામ લોકોનો મને વિચાર આવે છે. અમે તેમની સાથે છીએ. અમે આના પર ઠોસ કાર્યવાહી કરીશું.’
ક્રિશ્ચિયન કોમ્યુનિટીના સૌથી મોટા વડા પોપ ફ્રાંસીસી ત્યારે હયાત હતા. આ ઘટના બાદ 2022માં તેમણે પણ આને એક ‘વિનાશક ભૂલ’ ગણાવીને માફી માંગી હતી, પણ માફી માંગવાથી કે દુ:ખ વ્યક્ત કરવાથી મામલો પૂરો નથી થઈ જતો. આ આદિવાસીઓનો ‘સાંસ્કૃતિક નરસંહાર’ હતો! અને જ્યાં સુધી માનવજાત રહેશે ત્યાં સુધી આના માટે જવાદાર કેથોલિક ચર્ચના પાપીઓ ધિક્કાર અને શાપ પામ્યાં કરશે.
સહજ સંવાદ:એક પુત્રી પૂછે છે, ‘મારી માની હત્યા કોણે કરી?’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/a-daughter-asks-who-killed-my-mother-135305042.html

ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25 જૂન છે. બરાબર 50 વર્ષ પૂર્વે આજની રાતે રાષ્ટ્રપતિ ભાવનથી એક અધ્યાદેશ જાહેર થયો હતો.
1977ના જાન્યુઆરી સુધી એટલે કે લગભગ બે વર્ષ દેશભરમાં ‘આંતરિક કટોકટી’ અને ‘પ્રી-સેન્સરશિપ’ ચાલી અને તેની સાથે મિસા નામે અટકાયતી ધારા તેમ જ ડી. આઈ. આર.નો મનસ્વી ઉપયોગ થયો. એક લાખ, દસ હજાર નેતા-કાર્યકર્તા-શિક્ષક-પત્રકાર-વિદ્યાર્થી-મહિલા બધાંને માટે અનિશ્ચિત મુદતનો કારાવાસ ભોગવવાનું બન્યું.
1950ની 26 જાન્યુઆરીથી સ્વાધીન ભારતનું સંસદીય સ્વરાજ શરૂ થયું, તેના પર આટલા મોટા પાયે કટોકટીની સત્તાનો દુરુપયોગ પહેલી વાર થયો, જેણે બંધારણ, સાંસદ, મીડિયા અને વિચાર-મુક્તિ પર ઘેરી અસર કરી હતી.
મારા ટેબલ પર જૂન, 1977નો એક પત્ર પડ્યો છે. કર્ણાટકના ખ્યાત ફિલ્મનિર્માતા પી. રામા રેડ્ડીએ બેંગ્લુરુથી લખ્યો હતો, તેમાં કટોકટીના દિવસોમાં રિબાયેલી અને અંતે મોત પામેલી ફિલ્મ અને નાટ્યકલાકાર સ્નેહલતા રેડ્ડીની કરુણ કહાણી છે. પોતાની પત્ની વિષે રામા રેડ્ડીએ લખ્યું છે:
‘હું ‘ચંદ મરુત (કન્નડ) અને ‘વાઇલ્ડ વિન્ડ’ (અંગ્રેજી) ફિલ્મો બનાવતો હતો. તે રાજકીય ચેતનાનો વિષય લઈને આવી હતી. તેમાં ડો. રામમનોહર લોહિયાના વિચારોનો પડઘો હતો અને તેની સાથે, બેંગ્લુરુ આવેલા જયપ્રકાશ નારાયણની મુલાકાતને વણી લેવામાં આવી હતી. સ્નેહલતાએ તેમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. શરૂઆતમાં ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશને ફિલ્મ બનાવવા માટે લોન ફાળવી હતી, પણ તે નાણાં મળે તે પહેલાં કટોકટી જાહેર થઈ અને લોન મળી નહીં. દિલ્હીના હુકમ મુજબ રાજ્ય સરકારે ફિલ્મની ચકાસણી કરવાનો પત્ર લખ્યો, હજુ ફિલ્મ પૂરી થઈ નહોતી એટલે મેં ના પાડી ત્યાં સુધીમાં કટોકટી ઊઠી ગઈ એટલે ફિલ્મ બચી ગઈ. ફિલ્મ તો બચી ગઈ, પણ હું મારી પત્ની સ્નેહલતાને જે આ ફિલ્મનો આત્મા અને ચેતન સમી હતી તેને ગુમાવી બેઠો.’
આગળ તેઓ લખે છે, ‘તેની ધરપકડ પહેલી જુલાઇ, 1976ના દિવસે થઈ. પુત્ર કોણાર્કને પણ જેલમાં લઈ જવાયો. હંમેશની જેમ ત્યાગી અને સંવેદનશીલ પત્નીએ પોલીસ સમક્ષ જુબાની આપવાની તમામ જવાબદારી પોતાના શિરે લીધી એટલે કોણાર્કને છોડી દેવામાં આવ્યો. સ્નેહલતાને જેલમાં પૂરવામાં આવી. રાજકીય દમન અને પુરુષજાતિનો અહંકાર બંનેનો તે ભોગ બની. એ નિર્ભય હતી, સત્ય અને ન્યાયને વ્યક્ત કરવાની ચમત્કારિક તાકાત હતી એનામાં. પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાની મુશ્કેલીઓને ગૌણ બનાવીને બીજાની દરકાર કરતી. તેને પાગલ અને વેશ્યા સ્ત્રીઓની સાથે રાખવામાં આવી હતી, તેની સમસ્યાઓ વિષે ચિંતા કરતી. અમારા બધાંની જેલમાં જ્યારે મુલાકાતો થતી, તેને ગંભીર બનાવી દેતી. એ પ્રકાશની દેવી હતી, જેને ગંદા હાથો અંધારના વમળમાં ખેંચી જવા પ્રયત્નો કરતા રહ્યા, ઈશ્વરની એ કૃપા કે એ તેના સુંદર સ્વર્ગીય વિશ્વમાં ચાલી ગઈ, જ્યાં તેને મળવા હું પણ એટલો જ આતુર છું.’
યોગાનુયોગ સ્નેહલતાનું 1977ની 25 જાન્યુઆરીના અવસાન થયું. હજુ પાંચ જ દિવસ તેને બેંગ્લુરુ જેલમાંથી છોડ્યાંને થયા હતા. જેલમાં રેઢિયાળ અને નકામા તબીબી ઉપચારોને લીધે તેની તબિયત ખરાબ થઈ. જેલ સત્તાવાળાઓને બીક લાગી કે ક્યાંક તેનું મૃત્યુ જેલ-કોટડીમાં જ થઈ જશે તો? એટલે 20 જાન્યુઆરીએ તેને છોડી હતી.
ભારતના લોકતંત્ર પ્રજાસત્તાક દિવસના પૂર્વ દિવસે તે વિદાય પામી ત્યારે તેની પાછળ ઉત્તમ અભિનય કારકિર્દી અને અકારણ જેલમાં ચિત્કારોને
છોડીને ગઈ. 1972માં કન્નડ ફિલ્મ ‘સંસ્કાર’માં તેણે ઉત્કૃષ્ટ કામ કર્યું હતું. કે. અનંતમૂર્તિની એ જ નામે લખાયેલી નવલકથાની કથાવસ્તુ પર ફિલ્મ બનેલી, અને રાષ્ટ્રીય કક્ષાએ તેની ભૂમિકાને શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત થયું હતું. તેણે પોતે એક નાટક લખ્યું હતું, ‘સીતા.’ તેને ગુજરાતીમાં ભજવવાની સરકારી સમિતિએ ના પાડી હતી.
કટોકટીના દિવસોમાં તેની પુત્રી નંદના અને પુત્ર કોણાર્કની પૂછપરછ થઈ. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથેના પારિવારિક સંબંધોને લીધે, જ્યોર્જ વિષે માહિતી મેળવવા આ ધરપકડો થઈ, સ્નેહલતાએ કહ્યું કે મારાં પુત્ર-પુત્રીને શા માટે હેરાન કરો છો? મને જે પૂછવું હોય તે પૂછો. પહેલાં તો આઈ. પી. સી.ની 120 અને 121 કલમનો ઉપયોગ કર્યો પણ તેમાં તો અદાલતમાં જવું પડે એટલે
મિસા હેઠળ અટકાયત કરી. સાંકડી ગંદી કોટડી, અંદર જ શૌચાલય, તોતિંગ સળિયાનો બંધ દરવાજો, આસપાસ ગુનેગાર કેદી સ્ત્રીઓ, અંધકાર અને એકલતા, રોજેરોજ પૂછપરછ. દમની તે રોગી હતી તેમાં ઉમેરો થયો. ડોક્ટરોની સારવાર વિચિત્ર.
તેણે 22 જુલાઇથી લખેલી ડાયરીનાં આ વાક્યો એક હોનહાર કલાકાર સ્ત્રી પરના અનહદ જુલમ અને ઉપેક્ષા દર્શાવે છે: ‘આજે સાચે જ બચી ગઈ. થોડીક મિનિટની વાત હતી. નાડી અનિયમિત થઈ ગઈ હતી. આંખે અંધારાં આવ્યાં. કંઈ જ દેખાતું નહોતું. (22 જુલાઇ). શરીરની બધી શક્તિ હણાઈ ગઈ છે. લથડિયાં ખાઉં છું. (23 જુલાઈ). સાવ એકાંકી દિવસ. હાથવેંત મોત છેટું હોય તેવું અનુભવું છું. આ કોટડીમાંથી મુક્તિ મળે કે પેરોલ તો- (25 જુલાઈ) અર્ધ મૃત્યુની દશા. ડોક્ટર તો રજા પર છે. દમ એવો ઊથલો મારે છે કે ક્યારેય સાજી નહીં થાઉં, નર્વસ બ્રેક ડાઉન તો નહીં થાય ને? મારે ઘેર જવું છે… બધાંને મળવું છે… (27 જુલાઈ)
કોટિઝોનની અસર શરૂ થઈ. સુપરિન્ટેન્ડેન્ટ આટલો અવિવેકી કેમ છે? ડાયરીના અંતિમ પાને નિસહાય કલાકાર એટલું જ માંગે છે, મારે મારા પુત્ર સાથે જીવવું છે, જે થોડા દિવસ મળે… આ કહાણી આજથી 50 વર્ષ પૂર્વેના કટોકટીની કથાનો એક અંશ છે. પુત્રી નંદના આજે પણ પૂછે છે, મારી માની હત્યા કોણે કરી?
લઘુ કથા:થોર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/thor-135305066.html

પ્રકાશ કુબાવત
જગમલશેઠની જાહોજલાલી આખા પંથકમાં જાણીતી હતી. દીકરા માધવને વધુ કશું કરવાની જરૂર ન હતી. તે ગ્રેજ્યુએટ થઈને પેઢીએ બેસી ગયો.
જગમલશેઠે મહેક સાથે માધવનાં લગ્ન કરી દીધાં અને પુત્રી ચંપાને પણ ગર્ભશ્રીમંત કુટુંબમાં પરણાવી દીધી.
જિંદગી ક્યારે શું વળાંક લે તે કોઈ કહી શકતું નથી. કાર અકસ્માતમાં ચંપાના પતિનું મરણ થયું. ચંપા પુત્ર કરણ સાથે પિતાના ઘરે પાછી આવી.
જગમલશેઠ આ આઘાત સહન કરી શક્યા નહીં. તે પ્રભુના પ્યારા થઈ ગયા.
માધવ તો વહેલી સવારે પેઢીએ જતો રહેતો અને રાત્રે પાછો ફરતો. મહેકને ચંપા અને કરણ આંખના કણાની જેમ ખૂંચતાં.
માધવનો પુત્ર અંકિત દરરોજ બગીચામાં પાણી પાતો. કરણ પણ તેની પાસે ઊભો રહેતો. અંકિત જ્યારે પણ થોરને પાણી પીવડાવવા જતો ત્યારે મહેક કહેતી, ‘થોરને
પાણી પીવડાવવાનું ન હોય. નળી બંધ કરી છેલ્લે થોરના કૂંડામાં મૂકી દેવાની. ગુલાબ અને બીજાં ફૂલોને ભરપૂર પાણી આપવાનું.’
ચંપા અને કરણની હાલત પણ આવી જ હતી. વધ્યું-ઘટ્યું ખાવાનું મળતું. ગુલાબ સાથે થોર પણ આપોઆપ વિકાસ પામતો રહ્યો.
અંકિત એન્જિનિયર થઈને વિદેશ સેટ થઈ ગયો. મહેક એકવાર ખૂબ બીમાર પડી. અંકિતને ફોન કર્યો પણ તે આવ્યો નહિ. બીમારીથી મહેકને ખૂબ નબળાઈ આવી ગઈ. થોરના જીંડવાના રસે તેને નવજીવન બક્ષ્યું.
નીલે ગગન કે તલે:કપડાં વિનાનો રાજા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-king-without-clothes-135305050.html

કોઈ ફાલતુ ગીત મગજમાં પરોવાઈ જાય ને વિચારોની પછીતે વારંવાર વાગ્યા કરે, ઓ દુનિયા કે રખવાલે... તેમ આ લખાય છે ત્યારે રહીરહીને યાદ આવે છે, ઓ દુનિયા કે રખવાલે... કપડાં વિનાના પેલા રાજાની વારતા.
હજી ઓપરેશન સિંદૂરનો રંગ સુકાયો નથી, ને એર ઇન્ડિયાના વિમાનની વરાળ શમી નથી ને ધૂંઆધાર વરસાદનો માતમ વિસરાયો નથી ને ઓ દુનિયા કે રખવાલે... માનો કે સોનેરી ઝુલ્ફાંવાળો એક હતો રાજા, જેને પનામા કેનાલ પાછી ખપે છે, ને જે કેનેડાને 51મું રાજ્ય બનાવવા ચાહે છે, ને જે ટાંપીને બેઠો છે કે ક્યારે ગાઝામાં પોતાની ગોલ્ફ ક્લબો બનાવે, ને જેને મનોરથ છે ગ્રીનલેન્ડ ખરીદી લેવાનો, ને હવે આમેઆમે કોઈ દેખાતા કારણ વિના રાજો આજે ઊઠીને ઈરાનને કહે છે કે અબી કા અબી હમારા શરણાગતિ લે લો, નહીંતર હમ આયાતોલાકા એનકાઉન્ટર કર દેગા! ઓ દુનિયા કે રખવાલે... ને સામે આયાતોલા કહે છે કે અમેરિકા હમારે સામને ચૂં કે ચાં કરેગા તો છઠ્ઠી કા દૂધ યાદ કરવા દેંગા!
કદાચ આ છપાય ત્યાં સુધીમાં ઇસ પાર ઉસ પાર થઈ ગયું હોય ને આ લખાણ ને આ લખનાર ને ઐઆઈ ને ઇન્ટરનેટ ને સોશ્યલ મીડિયાફીડિયા સબકુછકા ધુંવાડા થઈ ગયા હોય. ને દુનિયા ઘોર કરપીણ વર્લ્ડ વોરના કાતિલ ખડક ઉપર આવીને અટકી છે, ને ડાયનાસોરની જેમ માનવજાત ભસ્મીભૂત થાય એવા સત્યાનાશની વકી છે, ઓ દુનિયા કે...! ઓ દુનિયા કે રખવાલે...
ને માનો કે શાંતિથી આ તોતિંગ સંકટ ચાલ્યું જાય તોયે આખી દુનિયાના પર્યાવરણવિદ વૈજ્ઞાનિકો ચીસો પાડીપાડીને કહે છે કે પેટ્રોલનો વપરાશ જલદી બંધ કરો નહીંતર આપણે કમોતે મરીશું. તો સોનેરી ઝુલ્ફાંવાળો રાજા કહે છે કે શટ્ટપ! આ શી બૈરાંવેડા જેવી ખિટખિટ! નવાનવા તેલના કૂવા ખોદાવો! ચલો ચલો, પર્યાવરણ બચાવવાની ઘેલછામાં આપણા દેશની તેલની અછત કરાવવી તે રાજદ્રોહ કહેવાય, સમથિંગ સમથિંગ. ઓ દુનિયા કે...
રાજાએ પોતે દરેક જાતના ગુના કરેલા સાબિત થયેલા છે, બિઝનેસ કા ગોટાલા, ઔરત કા દુરાચાર, લડકીલોક કા અગડમબગડમ ઔર રાજકાજ કા બદમાસી, તો પણ સોનેરી ઝુલ્ફાંવાલો આપણો રાજો જાંઘે થાપ મારીમારીને ગરીબ દેશોના નિરીહ શરણાર્થીઓને ગુંડા કહીને પકડી, હાથકડી પહેરાવીને દેશનિકાલ આપે છે, વિધાઉટ કોઈ પ્રૂફ કે કાનૂની કારવાઈ!
ઓ દુનિયા... પોતાના દેશની ગરીબી કે અત્યાચાર કે ગુંડાગર્દીથી જીવ બચાવી ભાગી આવેલા શરણાર્થીઓ અમેરિકામાં કામની પરમીટ વગર કામ કરે છે ને આપણા નાગરિકોની રોજી ઝૂંટવે છે કહીને કોઈ સાબિતી વિના! હકીકત તો તે છે કે આ દેશમાં તે અભાગી શરણાર્થીઓ ડાહ્યાડમરા થઈને અમેરિકન નાગરિકો ન કરે એવાં કપરાં કામ કરે છે, ટેક્સ ભરે છે, ઓહો ખુદ સોનેરી રાજાના રાજમહેલમાં તેમણે વર્ષો સુધી ‘ગેરકાયદે’ કામ કીધેલાં છે! ઓ દુનિયા કે રખવાલે...
અને ઓહો, જે લોકોને ખરેખર ફોજદારી ગુના હેઠળ સજા થઈ ચૂકી છે તેવા 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ કાળો કેર મચાવનાર લોકોને દેશપ્રેમી ગણાવીને રાજાએ પારડન આપી છે, યસ, ગોલ્ડન રાજાએ! અને હાલ એવા વ્યભિચારનો, બિઝનેસમાં ગોટાળા કરવાનો અને છોકરીઓ સપ્લાય કરવાનો જેના ઉપર કેસ ચાલે છે તેવા એક ગાયકને અદાલત જો સજા કરે તો પણ પોતે હસતાં
હસતાં માફી આપશે કહી અદાલતોની ઐસીતૈસી કહીને અભય આપે છે! ઓ દુનિયા...
ભૂતકાળમાં રાજાએ પોતાની નેઇમ બ્રાન્ડ હેઠળ વેચાતાં મૂકેલાં વિધવિધ શર્ટસ્, સ્પોર્ટ્સ કોટ, સૂટ્સ, ટાઈ, કફ લિન્ક અને વોડકા તેમ જ શરાબખાનાનાં ઠામડાં. અને તે સઘળી સામગ્રી, તે તમામ ચીજવસ્તુ આવતી હતી, મેઇડ ઇન ચાયના અથવા મેઇડ ઇન બાંગલાદેશ, હાન્ડુરસ, વિયતનામ, ઇન્ડિયા, કે મેક્સિકો નેધરલેન્ડ અથવા સ્લોવેનિયાથી! પણ આજે ગોલ્ડન કિંગ ચિંઘાડી ચિંઘાડીને કહે છે કે પરદેસી માલની હોળી કરો, પરદેસી માલ ઉપર ગંજાવર ટેરિફ લગાઓ, બિકાજ રાજાએ હવે ટોટલી મેઇડ ઇન યુએસએના દાવા સાથે બજારમાં મૂકેલ છે ગોલ્ડન ફોન! ઓ દુનિયા કે રખવાલે...
પોતાની સામે કામ ચલાવનાર પ્રોસિક્યૂટરો ને હાકેમોનાં હાજાં ગગડવતી ધમકીઓ આપી છે, વિરોધ પક્ષના નેતાઓને હથકડી પહેરાવી ભોંયે પછાડ્યા છે, અમેરિકાની ધરતી ઉપર અમેરિકન નાગરિકોના શાંતિમય પ્રોટેસ્ટને નાથવા ગેરકાયદે અમેરિકાની ફોજો બોલાવી છે, ને જાતે કદી કોઈ યુદ્ધમાં લડવા ન જનાર રાજા, જેઓ યુદ્ધમાં ઘવાયા કે કેદ થયા તે સર્વે નમાલા ને મૂંજી છે કહીને ઠેકડી ઉડાવનાર રાજા આજે અચાનક ફોજનો જયજયકાર કરવાના નામે પોતાનો જન્મદિન ઊજવે છે, અને પોતાના આયુના આઠમા દાયકે પહોંચેલા સોનેરી રાજા હવે અમેરિકાના દૂધમલ જુવાન જુવતીઓને ફરી જંગમાં જોતરવાના ઐલાન કરે છે! ઓ દુનિયા કે રખવાલે..
અને આપણા રાજાને રોકનાર, ટોકનાર કે ચીંધનાર કોઈ માઈનો લાલ નથી, કોઈનામાં જિગર નથી કે કહે કે રાજા ફૂદડી ફૂદડી ફૂદડી છે.
સાયબર સિક્યુરિટી:સાયબર ફ્રોડ થયા પછી શું કરવું જોઇએ?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/what-should-be-done-after-cyber-fraud-135305834.html

કેવલ ઉમરેટિયા ઇ ન્ટરનેટ અને મોબાઇલના વધેલા ઉપયોગે આપણાં જીવનને સરળ બનાવી દીધું છે. જોકે, તેની સાથે સાથે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યું છે. સાયબર ગઠિયાઓ લોકોને ચૂનો લગાવવા માટે દરરોજ અવનવા પેંતરા અજમાવી રહ્યા છે. જેની સાથે દરરોજ હજારો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે અને પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. OTP શેર કરવાથી લઇને લિંક પર ક્લિક કરતા ક્યારે બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય તે કહેવું હવે મુશ્કેલ છે. આ બધા વચ્ચે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે સાયબર ફ્રોડ થાય પછી શું કરવું જોઇએ? સૌથી પહેલાં તો સાયબર ફ્રોડ થયા બાદ ડરવાના બદલે તરત કેટલાક જરૂરી પગલાં લેવા જોઇએ. સૌથી પહેલાં તમારી બેંકને જાણ કરો
જેવી તમને ખબર પડે કે તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે અથવા તો કપાઇ ગયા છે તો સૌથી પહેલું કામ તમારી બેંકને જાણ કરવાનું કરો. તરત જ તમારી બેંકના એજન્ટ/મેનેજરને ફોન કરો. જો નજીક હોય તો રૂબરૂ જાઓ અથવા કસ્ટમર કેર હેલ્પલાઇન પર કૉલ કરો. બેંકિંગ એપ અથવા વેબસાઇટ પર જઈને તમારું કાર્ડ/ખાતું બ્લોક કરો. આ સિવાય પૈસા કપાયા તેની વિગતો, તારીખ અને સમય નોટ કરી લો. જો તમે 24 કલાકની અંદર બેંકને જાણ કરો છો, તો RBIના નિયમો અનુસાર પૈસા પાછાં મળવાની શક્યતા વધુ રહે છે. સાયબર હેલ્પલાઇન નંબર પર કૉલ કરો
ત્યારબાદ તરત જ ભારત સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરો. સરકારે ખાસ સાયબર ફ્રોડના રિપોર્ટ માટે 1930 પર ફોન કરો. આ હેલ્પલાઇન ટોલ ફ્રી છે. આ નંબર 24x7 કામ કરે છે. આ કૉલ પોલીસ અને બેંકિંગ અધિકારીઓને કનેક્ટ કરે છે. આનાથી તમે રિયલ ટાઇમમાં ટ્રાન્ઝેક્શનને હોલ્ડ કરાવવાનો પ્રયાસ કરી
શકો છો. આ નંબર પર ફોન કરો અને તમારી સાથે થયેલા ફ્રોડની વિગતો આપો. સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો
ભારત સરકારે સાયબર ગુનાઓની ફરિયાદ માટે એક ઑનલાઇન પોર્ટલ બનાવ્યું છે, જે વેબસાઇટનું યુઆરએલ www.cybercrime.gov.in છે. આ પ્લેટફોર્મ પર તમે OTP ફ્રોડથી લઇને સોશિયલ મીડિયા હેકિંગ જેવી ઘટનાઓનો ઑનલાઇન રિપોર્ટ કરી શકો છો. જેના માટે સૌથી પહેલાં વેબસાઇટ ખોલો. ત્યારબાદ ‘Report Other Cybercrime’ પર ક્લિક કરો. OTP દ્વારા લૉગિન કરો. ઘટનાની તારીખ, ફ્રોડનો પ્રકાર, કેટલી રકમ વગેરે તમામ વિગતો ભરો. સાથે સ્ક્રીનશોટ અથવા ચેટ જેવા પુરાવા અપલોડ કરો. ફરિયાદ દાખલ કર્યા પછી તમને Acknowledgement નંબર મળશે જેને આગળ ટ્રૅક કરી શકાય છે. નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો
તમારા શહેરના અથવા તો જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જઇને ઘટનાની લેખિત ફરિયાદ આપો. ફરિયાદ કરવા જાઓ ત્યારે જરૂરી પુરાવા અને દસ્તાવેજો સાથે લઇને જાઓ. જેમ કે આધાર કાર્ડ / ઓળખ પત્ર, બેંક સ્ટેટમેન્ટ, ફ્રોડ મેસેજ/કૉલનો સ્ક્રીનશોટ વગરે. ફરિયાદ બાદ તેની રસીદ અથવા FIR નંબર જરૂર લો. ઘણી જગ્યાએ પોલીસ ‘ફક્ત પૈસાનો મામલો છે, બેંક જોશે’ કહીને છટકી જાય છે — પરંતુ યાદ રાખો, તમારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવાની જ છે. ફરિયાદ નોંધવી એ તેમની ફરજ છે અને ફરિયાદ નોંધાવવી એ આપણી ફરજ છે. પુરાવાઓને સુરક્ષિત રાખો
સાયબર ક્રાઇમના મોટાભાગના કિસ્સાઓમાં લોકો ગભરાઇને મોબાઇલ ફોર્મેટ કરી દે છે. ત્યારબાદ તેઓ પોલીસ પાસે જાય છે. આવું બિલકુલ ના કરવું જોઇએ, આમ કરવાથી તો તમે જાતે સબૂતનો નાશ કરી રહ્યા છે. પોલીસ પર વિશ્વાસ રાખીને મોબાઇલ કે કમ્પ્યુટર જે સ્થિતિમાં હોય તે રીતે તેમની પાસે લઇ જાઓ, જેથી એપરાધીની મોડસ ઓપરેન્ડી સમજવામાં અને ટ્રેક કરવામાં મદદ મળે. આ સિવાય બીજી મહત્ત્વની વાત કે WhatsApp અથવા SMS ચેટ, સ્ક્રીનશોટ જેમાં ફ્રોડ લિંક, OTP, ટ્રાન્ઝેક્શન ID, બેંકમાંથી મળેલ ઇમેલ અથવા એલર્ટ, કૉલ રેકોર્ડિંગ (જો શક્ય હોય તો) વગેરે પુરાવા સાચવી રાખવા જોઈએ.
છેલ્લે એટલું જ કેહવાનું કે સાયબર ફ્રોડ થયા બાદ ત્વરિત કાર્યવાહી ખૂબ જરૂરી છે. એક એક મિનિટનો વિલંબ તમારા પૈસા પાછા મેળવવાની શક્યતાને ઘટાડે છે. જેમ કોઇને હાર્ટએટેક આવે ત્યારે મેડિકલ ઇમર્જન્સીમાં CPR આપવામાં આવે છે, તેમ જ સાયબર ફ્રોડમાં ત્વરિત રિપોર્ટ કરવો એ CPR જેવું જ કામ કરે છે. ફ્રોડ થયા પછી શરમ કે ડર રાખ્યા વિના ઉપરનાં પગલાં અનુસરો. સજાગ બનો અને બીજાને બનાવો કારણ કે આજે તમારી સાથે થયું છે, કાલે કોઈ બીજા સાથે થઈ શકે છે.
મેનેજમેન્ટની ABCD:ટેલેન્ટનું થોરામાં ઘનું
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/talent-is-abundant-in-thora-135305096.html

બી.એન. દસ્તુર ‘ પ્રતિભા’- ટેલેન્ટ. એક ખૂબ વપરાતો શબ્દ છે અને મેનેજમેન્ટનાં સાહિત્યમાં એની બોલબાલા છે. પ્રતિભા ઈશ્વરે આપેલી દેન છે. એ આપણા ડી.એન.એ.માં છે. એ મેળવી શકાતી નથી. ફક્ત નિખારી શકાય છે. ઘણી વાર એને ઓળખવી પણ આસાન નથી. જે કંઈ કરવામાં આનંદ આવતો હોય, થાક ન લાગતો હોય તે પ્રવૃત્તિ તમારી ટેલેન્ટ હોઈ શકે છે.
મનોવૈજ્ઞાનિકો માને છે કે સફળતા માટે તમારે તમારી પ્રતિભા શોધી, એને નિખારવા માટે, એને અનુરૂપ જ્ઞાન, આવડતો, અનુભવો મેળવતા રહેવું જોઈએ. પ્રતિભાનાં અસંખ્ય રૂપો છે, પણ તમારી સુવિધા માટે આપણે નવ પ્રકારની મુખ્ય પ્રતિભાઓની ચર્ચા કરીએ... લર્નર (Learner)
જે લર્નર છે એને રોજ નવું નવું શીખવાનું ન મળે તો ચેન પડતું નથી. દરેક સફળતામાં અને નિષ્ફળતામાં છુપાયેલી તકો શોધવામાં એ માહેર હોય છે. એને સફળતાનો આનંદ લેતાં આવડે છે અને નિષ્ફળતા એને નિરાશ કરતી નથી. જે લર્નર છે, તેને આજકાલ માહિતીનો જે ઓવરલોડ છે એમાંથી જરૂરી માહિતી તારવી લેતાં આવડે છે અને એ માહિતીને જ્ઞાનમાં અને પરિણામોમાં તબદીલ કરી શકે છે.
સંસ્થાઓમાં રિસોર્સિસ હંમેશાં શોર્ટ સપ્લાયમાં હોય છે અને દરેક વ્યક્તિ વધારાના રિસોર્સ શોધતી અને સેરવી લેતી રહે છે. જે લર્નર છે એ, એની પાસે જે રિસોર્સ છે એમાંથી જ વધારે ફાયદો મેળવવાના સફળ પ્રયત્નો કરે છે.
લર્નરને સાચા સવાલો પૂછી, સાચા જવાબો શોધતાં આવડે છે. ‘મારે શું કરવું જોઈએ?’ એવો સવાલ પૂછવાને બદલે એ પૂછે છે, ‘શું કરવાની જરૂર છે?’
લર્નરને અહમ સાથે, ઈગો સાથે, જન્મજાત વેર છે, જે એ જાણવા, શીખવા માગે છે, તે નાના બાળક પાસેથી મેળવતાં એને કશો હિચકિચાટ થતો નથી. પારસીઓની ભાષામાં ‘રેડિયો નાલ્લો (નાનો) છે તેથી એમાંથી નીકળતા સમાચારો ખોટ્ટા હોતા નથી.’
દેશ-પરદેશના કુડીબંધ સફળ ઉદ્યોગપતિઓ, મેનેજરો, આન્ત્રપ્રેન્યરોના મેં ઈન્ટરવ્યૂ કર્યા છે. એમની સફળતાનાં કારણો શોધ્યાં છે. આવા ઈન્સાનો, પોતાનાથી વધારે સ્માર્ટ કર્મચારીઓને શોધે છે, સાચવે છે, જરૂરી રિસોર્સ આપે છે અને છૂટા મૂકી દે છે. જરૂરી ફીડબેક આપતા રહે છે.
લર્નરની નજરમાં દરેક કર્મચારી એક ‘નોલેજ વર્કર’ છે અને એના નોલેજની એ ખૂબ ઈજ્જત કરે છે, એમને આગળ વધવામાં મદદ કરે છે.
અચીવર (Achiever)
જે અચીવર છે, નક્કી કરેલા લક્ષ્યાંકો સર કરવાની જેને આદત જ પડી ગઈ હોય છે, તે એવું માને છે કે જિંદગી ફિનિશિંગ લાઈન વિનાની દોડ છે. રસ્તે આવતો દરેક માઈલસ્ટોન એનો ટાર્ગેટ છે. આગળના માઈલસ્ટોન તરફની દોડ શરૂ કરતા પહેલાં એ જે કંઈ બન્યું એને વાગોળે છે, જરૂરી પ્લાનિંગ કરે છે. રિસોર્સ મેળવે છે, દરેક રિસોર્સ વાપરવાની પ્રોસેસ જાણી લે છે અને ત્યાર બાદ જ આગળ વધે છે. અચીવરને ટાઈમ મેનેજ કરતા આવડે છે. સમય એનો બોસ બની શકતો નથી.
બિહેવિયરલ સાયન્સની પરિભાષામાં, અચીવર n Ach (need for achievement) છે. એને પરિણામોમાં જ રસ છે. રિવોર્ડ મળવાની શક્યતા ન હોય તો પણ એ એના અને સંસ્થાના લક્ષ્યાંકો સર કરતો રહે છે. અચીવર જુગાર ખેલતો નથી. જે સાવ અશક્ય છે તેની પાછળ એ સમય-શક્તિ ખર્ચતો નથી. એની નબળાઈઓને તાકાતમાં તબદીલ કરવાને બદલે, એ એની તાકાતોને રીઈનફોર્સ કરે છે. એમ્પથેટિક (Empathetic)
એમ્પથિ એટલે સમાનુભૂતિ. સામેની વ્યક્તિની નજરે દુનિયા જોતાં એને આવડે છે. અન્યની લાગણીઓને પોતાની લાગણીઓમાં ખેંચી લેતાં આવડે છે. દરેક શબ્દની પાછળ રહેલી લાગણીઓ એ સમજી શકે છે.
જે સંસ્થામાં એમ્પથેટિક લોકોની ભરમાર હોય ત્યાં મોટાસાહેબોના મસમોટા ઈગો અને ભયંકર ભૂલોનો શિકાર બનતા, નોકરીઓ ગુમાવતા કર્મચારીઓ હોતા નથી. બનવા જેવું ન બને કે ન બનવા જેવું બને તો એમ્પથેટિક મેનેજરો બકરાં શોધતાં નથી. જવાબદારી સ્વીકારે છે. (ક્રમશ:)
ઓક્સિજન:દીવો
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/lamp-135305826.html

‘અ રે! જુઓ, પેલાં માજી પડી ગયાં.’
મંદિરની બહાર લાગેલી લાંબી લાઇનમાંથી કોઈએ બૂમ પાડી. બધાંની નજર તે બાજુ પડી. સામે પૂજાપાની દુકાન પાસે એક માજી પડી ગયાં હતાં. ‘કોઈ માજીને ઊભાં કરો.’ સૂચન આપવાવાળાં બહુ હતાં, પણ લાઇન છોડીને જાય કોણ? લાઇનમાં ઊભો રહેલો સરલ આ સાંભળતાં જ એ બાજુ દોડ્યો. તેણે માજીને સાચવીને એક બાજુ બેસાડ્યાં. સરલની સાથે આવેલા તેના પરિવારના સભ્યો પણ ત્યાં આવી ગયા.
પેલાં માજીને ગરમીમાં ડિહાઈડ્રેશન થઈ ગયું હોય તેમ લાગતું હતું. સરલે પાસેની દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી અને સામેના મેડિકલ સ્ટોરમાંથી ORSનું પેકેટ લઈ આવ્યો. તેણે પાણીમાં તે પાઉડર ભેળવી માજીને શરબત પીવડાવ્યું. હાશ! માજીના જીવમાં જીવ આવ્યો. ‘બેટા, તારું ભલું થજો. મા તારી બધી ઇચ્છા પૂરી કરશે.’ માજીએ સરલને આશીર્વાદ આપ્યા. સરલે હાથ દઈ તેમને ઊભાં કર્યાં અને તેમના વિશે પૃચ્છા કરી. માજી કહે, ‘હું ઘેરથી દિવેટો બનાવીને લાવું છું અને આ રસ્તે ઊભાં રહી વેચું છું.’ માજી પાસેથી દિવેટના બે પેકેટ ખરીદી તે પરિવાર સાથે દર્શનની લાઇનમાં ઊભો રહી ગયો.
‘શું થયું? કેમ આમ બેચેન દેખાય છે?’ સરલના મોં ઉપરના આવા ભાવ જોઈ તેના પિતાએ ચિંતા વ્યક્ત કરી. ‘માજીને હવે સારું છે. તેની ચિંતા ના કરીશ.’ સરલ દિવેટ સામે જોઈ રહ્યો હતો. તેને જાણે કંઈ યાદ આવ્યું, ‘પપ્પા, સવારે ઘેરથી વહેલાં નીકળવાની ઉતાવળમાં હું ઘર-મંદિરનો દીવો પ્રગટાવવાનું ભૂલી ગયો છું.’ તેને એમ કે પપ્પા ઠપકો આપશે. પપ્પાએ પાછળ ફરી પેલાં માજી સામે જોયું, તે જાણે દૂરથી જ સરલને આશીર્વાદ આપી રહ્યા હતા. સરલના બરડે પ્રેમથી હાથ ફેરવી પિતા બોલ્યા ‘દીવો પ્રગટી ગયો.’
રેઈનબો:પંડિત ઓમકારનાથ ઠાકુર : વિરાટનો હિંડોળોથી વંદેમાતરમ સુધી…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/pandit-omkarnath-thakur-from-virats-hindol-to-vande-mataram-135305817.html

રક્ષા શુક્લ આ પણે વિશ્વસંગીત દિવસની ઉજવણી કરી દીધી ત્યારે વિશ્વમાં સંગીતને પહોંચાડનાર એક શાલીન શખ્સિયતની વાત કરવી છે. માત્ર ગુજરાત જ નહીં પણ ભારતનું ગૌરવ અને ખમીરવંતા ખેડાના નાનકડા ગામથી જીવનજહાજનો પ્રારંભ કરનાર મહાન સંગીતકાર પંડિત ઓમકારનાથ ઠાકુર.
પિતાનું મૃત્યુ થતાં પરિવારની જવાબદારી એમને શિરે આવી. માતા સુખી ઘરોમાં કામે જતી, બાળક કુમળી વયે રસોઈ કરવા જતો. સંગીતની જન્મજાત અભિરુચિ હોવાથી આસપાસના ગાયનવાદનના કાર્યક્રમમાં પહોંચી જતો. તેના મધુર કંઠથી પ્રભાવિત થઈ રામલીલાવાળાએ માસિક આઠ રૂપિયાના પગારથી બાળક ઓમકારને નોકરીએ રાખ્યો.
ભરૂચના એક પારસી સદગૃહસ્થ શાપુરજી મંચેરજીએ ઓમકારનાથનું ગાયન સાંભળ્યું. પ્રસન્ન થઇ તેમણે મુંબઈમાં પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય પ્રશિક્ષણ માટે વ્યવસ્થા કરી આપી. પં. વિષ્ણુ દિગંબર પાસેથી સંગીતની સઘન શિક્ષા મેળવી તેઓ ગ્વાલિયર ઘરાનાના ગાયક બન્યા. સાથોસાથ તેમણે પોતાની અલગ જ ગાયકી વિકસાવી. સાત વર્ષના કઠોર પરિશ્રમ પછી પંડિતજી 20 વર્ષની વયે શાસ્ત્રીય ગાયકીમાં પારંગત થયા. પં. પલુસ્કરજીએ 1916માં ઓમકારનાથની લાહોર સ્થિત ગાંધર્વ સંગીતવિદ્યાલયના આચાર્યપદે નિમણૂક કરી. અહીં તેઓ પટિયાલા ઘરાનાના પરિચયમાં આવ્યા. 1919માં તેઓ ભરૂચ પરત ફર્યા. અહીં તેમણે પોતાની સંગીતશાળા ‘ગાંધર્વ નિકેતન’ની સ્થાપના કરી.
1918માં પંડિત ઓમકારનાથજીએ પોતાનો સૌપ્રથમ સંગીત કાર્યક્રમ આયોજિત કર્યો. લોકપ્રિયતા વધતાં તેમણે દેશ-વિદેશમાં સંગીતસમારોહોમાં ભાગ લેવાનાં આમંત્રણ આવવા લાગ્યાં. 1950માં કાશી વિશ્વવિદ્યાલયમાં સંગીત વિભાગના અધ્યક્ષ રહ્યા. નિવૃત્તિ પછી ત્યાં જ કલા સંગીતભારતી નામે અકાદમી સ્થાપી. તેમણે ‘રાગ અને રસ’, ‘સંગીતાંજલિ’ તથા ‘પ્રણયભારતી’ ઇત્યાદિ પુસ્તકો લખ્યાં છે.
ઓમકારનાથજીએ સંગીતના વિચક્ષણ ખેરખાંઓને તો પોતાની ગાયકીથી ચકિત કર્યા જ પરંતુ આમ શ્રોતાઓને પણ મંત્રમુગ્ધ કર્યા. તેમના પ્રચંડ અવાજની આશ્ચર્ય પમાડે તેવી બહોળી ટોનલ રેન્જ, ઊંડાણ અને યોગ્ય માત્રામાં ફૂટતાં અદભુત સૂરોનું મિશ્રણ બધું જ ગરિમાયુક્ત પ્રતીતિ આપતું. તેમણે પોતાની એક એવી શૈલી વિકસાવવાનું પસંદ કર્યું હતું જે પશ્ચિમી સંગીતના ઝડપી હલનચલન અને સ્વરકંપન જેવાં લક્ષણોને પણ સમાવિષ્ટ કરી મૂર્ત સ્વરૂપ આપે. ઓમકારનાથ સંસ્કૃત ભાષાના તથા સામવેદના ઊંડા અભ્યાસી હતા.
ઓમકારનાથ ઠાકુરના કંઠે ગવાયેલ ‘સદા સુહાગન’, ‘પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી રે’, ‘મત જા, મત જા જોગી’, ‘મૈં નહિ માખન ખાયો’ ઇત્યાદિ અનેક ગીતો એકવાર સાંભળવા છતાં ફરી ફરી સાંભળવાનું મન થાય એવાં બળુકા છે. 1953માં બુડાપેસ્ટ ખાતે યોજાયેલ ‘વિશ્વશાંતિ પરિષદ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યાં તેમણે પ્રસ્તુત કરેલું ‘વંદે માતરમ’ શ્રોતાઓની અપાર ચાહના પામ્યું. પંડિતજી શયદાની ગઝલ ગાતા અને કવિ નાનાલાલનું ‘વિરાટનો હિંડોળો’ પણ ગાતા. જે રચનાઓ કાલાતીત બની ગઈ.
ઇટાલીના સરમુખત્યાર મુસોલિનીની આત્મકથામાંના આ પ્રસંગ વાંચીને દરેક ભારતવાસી પોતાની પ્રાચીન સંસ્કૃતિ માટે ગૌરવનો અનુભવ કરી શકે તેમ છે. ભારતના એ મહાન સંગીતજ્ઞના સન્માનમાં મુસોલિનીએ એક ભોજન સમારંભ યોજ્યો હતો, જેમાં ઓમકારનાથ ઠાકુર અને રાજકારણીઓ ઉપસ્થિત હતા.
સમારંભમાં મુસોલિનીને શું સૂઝ્યું કે તેણે ભારતની પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિની મજાક કરતા બધા મહેમાનોની વચ્ચે કહ્યું કે ‘મિ. ઠાકુર મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા ત્યારે આજુબાજુના વિસ્તારની બધી ગાયો નાચવા લાગતી, મોર કળા કરવા લાગતા, ગોપીઓ સૂધબૂધ ખોઈને કૃષ્ણ જ્યાં વાંસળી વગાડતા હોય ત્યાં દોડી આવતી’
પંડિતજીએ કહ્યું કે ‘કૃષ્ણ જેટલું તો મારું સાર્મથ્ય નથી કે નથી સંગીતની બાબતમાં મારી તેમના જેટલી સમજણ. અને સાચું તો એ છે કે સંગીત સંબંધે આ પૃથ્વી ઉપર આજ સુધીમાં કૃષ્ણ જેટલી સમજણવાળો કોઈ બીજો પેદા થયો હોવાનું પણ જાણવા મળતું નથી. પરંતુ સંગીતનું જે થોડું ઘણું જ્ઞાન મને છે તે, તમે કહો તો હું તમારી સામે રજૂ કરું.’
ઓમકારનાથ ઠાકુરે ડાઈનિંગ ટેબલ ઉપર પડેલા કાચના જુદા જુદા પ્યાલામાં ઓછું વધારે પાણી ભરીને તેના ઉપર છરી કાંટાથી જલતરંગની જેમ વગાડવું શરૂ કર્યું. બે મિનિટમાં તો ભોજન સમારંભની હવા ફરી ગઈ. વાતાવરણમાં એક પ્રકારની ઠંડક વર્તાવા લાગી. પાંચ મિનિટ, સાત મિનિટ અને મુસોલિનીની આંખો ઘેરાવા લાગી. જેમ સાપ ડોલવા લાગે તેમ મુસોલિની ડોલવા લાગ્યો અને તેનું માથું જોરથી ટેબલ સાથે અથડાયું.
‘બંધ કરો… બંધ કરો…’ મુસોલિની બૂમ પાડી ઊઠ્યો. સમારંભમાં સન્નાટો છવાઈ ગયો. બધાં લોકોએ જોયું તો મુસોલિનીના કપાળમાં લોહી હતું. ત્યારથી જ્યારે પણ ભારતીય સંગીતની વાત આવે એટલે મુસોલિની આદર આપતા થઇ ગયા. સંગીત રણને ઉપવન અને પથ્થરને પાણીપોચો બનાવી શકે છે. સંગીતની કોઈ ભાષા હોતી નથી અને સંગીત માણવા ભાષા આદરૂપ બને નહીં.
ભારત સરકાર તરફથી પદ્મશ્રી ઉપરાંત તેમને નેપાળના મહારાજા તરફથી સંગીત મહોદય, કાશી વિશ્વ મહાવિદ્યાલય તરફથી સંગીત સમ્રાટની પદવી, રણજિતરામ સુવર્ણચંદ્રક અને વારાણસી હિંદુ વિશ્વ વિદ્યાલય તરફથી ડૉક્ટર ઓફ લેટર્સની પદવી વગેરે સન્માન પ્રાપ્ત થયા છે. 1997માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. ઇતિ
આળસ એ બધા જ સદગુણોનું કબ્રસ્તાન છે.
-રોલેન્ડ
ક્યારેક લાગે છે કે પૃથ્વી પર પાંગરેલી માનવતા ચંદ શબ્દો પર ટકી રહી છે. પ્રેમ, કરુણા, અહિંસા અને આનંદ વગર માણસાઇ ન ટકી શકે. પ્રેમ અને આનંદ માણસની જરૂરિયાતો છે. કરુણા અને અહિંસા માનવતાની સાબિતી છે. જરૂરિયાતની અવગણના કરવી અને ત્યાગની આરતી ઉતારવી એ ધર્મના કોન્ટ્રાક્ટરોની મનગમતી પ્રવૃત્તિ છે.
કરુણા માણસની જરૂરિયાત નથી. અહિંસા માણસની જરૂરિયાત નથી. પ્રેમ પામે તે માણસ આપોઆપ કરુણા તરફ વળશે. ધોધમાર આનંદ પામે તે માણસને હિંસા કરવાની ફુરસદ જ નહીં મળે. પ્રેમવિહોણો સ્ટેલિન અને આનંદવિહોણો હિટલર માનવતાને પીડા પહોંચાડે છે. માણસને પ્રેમ અને આનંદને રવાડે ચડાવી દો, પછી જુઓ કે કેટલી ક્રૂરતા અને હિંસા બચે છે. કોઇ માતાને નીરખવામાં આવે તો આ વાત આપોઆપ સમજાઇ જશે.
બાસુ ભટ્ટાચાર્યે એક મિત્રને કહેલી વાત છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સંગીતની સમજણ યદુરાય પાસેથી મળેલી. યદુરાયજીને પોતાના સંગીતના જ્ઞાનથી સંતોષ ન થયો. દિવ્ય અસંતોષથી ઊભરાઇ જવું એ જ તો સાચા કલાકારની મૂડી છે. યદુરાયજીને થયું કે હિમાલયની શાંતિમાં અને પ્રકૃતિના સામ્રાજ્યમાં જઇને સંગીતને આત્મસ્થ કરવું જોઇએ.
આવું વિચારીને યદુરાયજી પૂરા છ મહિના સુધી હિમાલયની ગોદમાં રહ્યા. પછી એમને સમજાયું કે મૌનમાં અનોખું સંગીત સમાયેલું છે. કાંઇ પણ બોલ્યા વગર ચિત્તની પ્રશાંત અવસ્થામાં પ્રકૃતિમાંથી જે સ્વર સંભળાય તે ઝીલવાની તત્પરતા હોય ત્યારે મૌનનું સંગીત પ્રગટ થાય છે.
બાસુદાને સંગીતના જાદુની જાણકારી હતી. એમને યદુરાયજીની મૌન અનુભૂતિમાં રસ પડ્યો. યદુરાયજીની અનુભૂતિને ઉજાગર કરે તેવી એક ડોક્યુમેન્ટરી બનાવવાનું એમણે મનોમન નક્કી કર્યું. કદાચ તેમણે આ કામ હાથમાં લીધું હોત, પરંતુ એમના અકાળ અવસાને આ વાત પર પડદો પાડી દીધો. આપણે એક ઉત્તમ ડોક્યુમેન્ટરી ગુમાવી.
સંગીત એટલે 'આનંદ અનલિમિટેડ' નામની ઇશ્વરીય કંપનીની હોલસેલ એજન્સી. જીવન માણવાની હઠ પકડનારે સંગીતને શરણે જવું રહ્યું. સંગીતમાં પ્રગટ થતો લય એ તો કોસ્મોસનો લય છે. સૃષ્ટિની સંવાદિતા સંગીત દ્વારા પ્રગટ થાય છે. હાર્મોનિયમનો સંબંધ હાર્મની (સંવાદિતા) સાથે છે. સમગ્ર બ્રહ્માંડ એક વિરાટ હાર્મોનિયમ છે. સંગીતકાર જ્યારે સ્વરસાધનામાં તલ્લીન થાય છે, ત્યારે એ ઇશ્વરની ઇબાદત કરતો હોય છે. પ્રભુની પૂજા કરવાની એ પણ એક રીત છે.
અમેરિકન સંગીતકાર અર્નેસ્ટ બેકને 1963માં 'Notes on Piano'માં લખ્યુઃ 'Singing is speech made musical while dancing is body made poetic.' માણસના જીવનમાંથી સંગીત અને નૃત્ય ખતમ થાય પછી જે બચે તેને વૈતરું કહે છે. જગતનું કોઇ પણ પ્રાણી વૈતરું કરતું નથી. જે જે પ્રાણીઓ માણસના સંપર્કમાં આવ્યાં છે તેમની પાસે માણસે વૈતરું કરાવ્યું છે. કોઇ હાથીનો જન્મ લાકડાં ખસેડવા માટે નહોતો થયો. કોઇ ગધેડાનો જન્મ કુંભારની માટી વહેવા માટે નહોતો થયો. જંગલની પ્રાણીસૃષ્ટિમાં ક્યાંય કામ (work) નથી, કેવળ ક્રીડા (play) છે. ક્રીડા આનંદની આંગળિયાત છે, વૈતરું આનંદવિરોધી અને જીવનવિરોધી ઘટના છે. વૈતરું કરનાર લોકસેવક વાહવાહ પામે છે, આનંદ નથી પામતો. માનવજાત એવી રીતે જીવી રહી છે, જાણે એણે દુઃખી થવાનો સંકલ્પ ન કર્યો હોય!
ક્રૂર બનવામાં સૌથી વધારે તકલીફ માતાને પડે છે. પોતાનાં સંતાન સાથે લુચ્ચાઇ કરવા માટે માતા લગભગ અસમર્થ હોય છે. માતા માટે નાસ્તિક બનવાનું પણ થોડું મુશ્કેલ હોય છે. અન્યની પીડા જોઇને માતાના મુખમાંથી જે અરેરાટી નીકળી જાય છે તે અરેરાટી માનવતાની મોંઘી જણસ છે. માનવજાત પાસે કરુણાનો અને અહિંસાનો જે જથ્થો બચ્યો છે તેનો અપ્રદૂષિત ઉદગાર અરેરાટી દ્વારા પ્રાપ્ત થાય છે. એ ઉદગાર અત્યંત મૂલ્યવાન છે. અન્ય દુઃખ જ્યારે પોતાનું બની જાય ત્યારે અનાયાસ જે ચીસ નીકળી પડે તે જાળવી રાખવા જેવી ઘટના છે.
હુલ્લડ વખતે, યુદ્ધ વખતે કે માનવીય પીડા જોઇને અરેરાટીને કારણે જે ઉદગાર નીકળી પડે એ ઉદગાર વેદમંત્ર કરતાં જરાય ઓછો પવિત્ર નથી. સમગ્ર માનવતા એ ઉદગાર પર ટકેલી છે.
શિકારીને હરણની આખરી મરણચીસ સંભળાય છે. અરેરાટી ગુમાવી બેઠેલા શિકારીને ચીસ પજવતી નથી. અરેરાટી ગુમાવી બેઠો ન હોય એવો કોઇ માણસ ખલનાયક ન થઇ શકે. ખલનાયક બની રહેવા માટે ભારે હઠપૂર્વક પોતાની અરેરાટીને ફંગોળી દેવી પડે છે. ક્યારેક જીવનની આખરી ક્ષણે ગમે તેવા ક્રૂર ખલનાયકને સત્ય સમજાય છે. જીવનની ખરી ટ્રેજેડી એ જ કે આપણે સાવ સાચી વાત મોડી સમજાય. આપણી અંદર બેઠેલો દુર્યોધન છેક છેવટ સુધી કૃષ્ણને સમજવા તૈયાર નથી. ગુર્જીએફનું એક વિધાન અરેરાટીની કેમિસ્ટ્રી સમજવામાં ખપ લાગે તેવું છેઃ 'Everything is alive, everything is interconnected.' આ સૃષ્ટિમાં બધું જીવંત છે અને પરસ્પર જોડાયેલું છે. ફ્રિટજૉફ કાપ્રા આવી પરમ એકતા માટે 'ક્વૉન્ટમ ઇન્ટરકનેક્ટેડનેસ' શબ્દો પ્રયોજે છે. અન્યની પીડા જોઇનેકે જાણીને માણસના દિલમાં જે અરેરાટી થાય તેનો આધાર મૂળભૂત એકતા છે. કરુણા અને અહિંસાની આધારશિલા પણ આવી એકતા જ હોઇ શકે.
વેદ કહે છેઃ બધાં હૃદયો પરસ્પર જોડાયેલાં છે. બધાં હૃદયોની ઝંખના સમાન છે. કંઇક આવા અર્થમાં અન્યની પીડા જોઇને માણસના દિલમાંથી નીકળી પડતી અરેરાટી અત્યંત મૂલ્યવાન છે એમ કહી શકાય. પાઘડીનો વળ છેડે
મારા બાગમાં એક ગોકળગાય ધીમી ગતિએ સરકતી રહે છે. એની ઝડપ એક કલાકના કેટલા સેન્ટિમીટર હશે? એના પર પગ ન પડી જાય એની કાળજી રાખવામાં જીવનનું અભિવાદન છે. હું જ્યારે ગોકળ ગાયના જીવનનું અભિવાદન કરું ત્યારે મારા જીવનનું અભિવાદન પણ થતું રહે છે.
જીવન કરતાં વધારે મૂલ્યવાન એવી,
કોઇ ચીજ માણસને હજી જડી નથી.
ભગવાન પણ જીવન પછી બીજા ક્રમે
આવે છે. }
અસ્તિત્વની અટારીએથી:...વાદળ જાણે ને વસુંધરા…
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vasundhara-knows-how-beautiful-the-clouds-are-135324538.html

ભાગ્યેશ જહા બ હુ સરસ દિવસો આરંભાયા છે. જેને સાવ પહેલો ના કહી શકાય એવા વરસાદમાં વૃક્ષો જે રીતે નાહ્યાં છે, (નાચ્યાં છે, એવું લખવું હતું પણ એને હમણાં મનની દાબડીમાં સંતાડી રાખું છું), આ દૃશ્ય મનમાં એક પ્રકારની ભીનાશ અને થોડી માટીની ગંધ ઉમેરે છે.
આ દિવસો કાલિદાસને યાદ કરવાના દિવસો છે, આ દિવસો ધોધમાર વરસાદમાં નહાવાના દિવસો છે, પણ વરસાદ હજી જોઈએ એવો જામ્યો નથી, પણ કાwલિદાસ તો ઘરનાં આંગણામાં આવીને ઊભા છે. એક રીતે જોઇએ તો સાહિત્ય એ સમાજમાં વહેતી ભીનાશનો એક સરસ અને બોલકો પ્રવાહ છે. સામાજિક ચૈતન્યના સૂક્ષ્મ પ્રવાહને શબ્દ વહેવડાવીને લઇ જવાનું કામ સાહિત્યકાર કરે છે, એ ધન્યતા અનુભવવા માટે ઉશનસ્ અને મકરંદ દવેના ફળિયામાં જવું છે. આ બંને કવિઓની પંક્તિઓ સજીવન થઇ રહી છે.
ઉશનસની પંક્તિઓ જ કેવી ખુલાશ પીરસે છે,
‘રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી,
આપણા નામની અલગ છાપ ના પાડીએ જી…
કેવો સામૂહિકતાનો સ્વર કવિના હૃદયમાંથી ઝંકૃત થઈને ઊઠે છે! કોઈ વાડ નહીં બાંધવાની, બધાંનાં ભાણાં ભેગાં માંડવાનાં…
વાડ કરી આ ક્ષિતિજના વણસાડીએ જી…
સાહિત્ય એટલે વાડને ઓળંગીને નૈસર્ગિક શબ્દ સમાજના શબ્દને શણગારે. આ સત્ય અને સૌંદર્યનું સાયુજ્ય રચીએ એટલે શબ્દબ્રહ્મનો ભીનો ભણકાર પામી શકાય. અને અહીં છે પામવાની છે એ તો ઉશનસની ઉષ્મા પામવાની છે. એટલે તો ઉશનસના જ શબ્દો જાગી ઊઠે છે,
ઉનાળું કો કાચા ઘટ સમય હજી રંધ્ર શતથી,
ભીની માટીગંધે ઉશનસતણો પ્હાડ ઝમતો…
સાહિત્યનું આ બહુ મોટું કામ છે, જ્યારે એક મનુષ્ય બીજા મનુષ્યને મળે છે ત્યારે એના સહઅસ્તિત્વને એ ઊજવે છે. ઉશનસની સમગ્ર કવિતાનું શીર્ષક જ છે, ‘અનહદની સરહદે’. જ્યારે સ્મિતની જગાએ મિસાઇલો ક્ષિતિજને ઢમઢોળતી હોય ત્યારે આવા કવિના શબ્દો પાસે બેસીને અનહદને પામવાની આ ઋતુ છે.
બીજી તરફ સાંઇ કવિ મકરંદનો ‘વ્હાલ ફોરતું’ શબ્દવાદળ ભેટે છે. એ તો ભગવાનને વ્હાલા કહીને કેવા અપરંપારના ગેબી અવાજને રસવંતું રસનું પૂમડું બનાવી આપે છે. શબ્દથી શાશ્વત ને કેવી રીતે પામવું એ મકરંદ દવેના શબ્દનો જાદુ છે. કેવું સામાન્ય પ્રતીક, કવિ કહે છેઃ
‘અમે રે ‘સૂકું રૂનું પૂમડું’, તમે અત્તર રંગીલા રસદાર,
તરબોળી દ્યોને તારેતારને, વીંધતો અમને વ્હાલા આરંપાર…
નંદીગ્રામની ધરતીનો અને કવિની આંતરિક ચેતનાના મંગલમિલનનો ચમત્કાર છે. આવી ચેતનાને કિનારે બેસીને ક્યારેક પ્રકૃતિની ગોદમાં બેસીએ, થોડી ક્ષણોને રોપીએ ત્યારે ખબર પડે કે અસ્તિત્વ કેવા કેવા રૂપે આપણને પહોંચે છે, પોંખે છે. કવિ અસ્તિત્વના ઉત્સવને ઓળખાવનાર ભોમિયો હોય છે. એટલે કવિ છાપરે પોકારી નાખે છે,
‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ, ને ગમતા નો કરીએ ગુલાલ..’
મારી નાની સમજને તો એક વાતની ખાતરી થઇ ગઇ છે, ‘જે વેચે છે, એ નાણે છે,જે વહેંચે છે, એ માણે છે.’ સાહિત્ય એ માણસને માણવાની જાગૃતિ આપે છે, અને એ જાગૃતિ જ્યારે માણસનો સ્થાયી ભાવ બને છે, ત્યારે માણસ પોતાની ઓળખમાં આધ્યાત્મિકતા ભેળવે છે.
આ રોમેરોમને તરબતર કરી દેવાની ઋતુ છે. એટલે કવિ મકરંદ દવે આપણને ફૂલની મસ્તીના પ્રદેશમાં જાગવાનું કહે છે.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી,
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે...
મકરંદ દવેની આ પંક્તિઓની આંગળી પકડીને ક્યારેય એક દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં ફરવા જેવું છે. કવિનું હોવું એટલે એક મસ્તીનું સરનામું હોવું. તેનો શબ્દ બારાખડીની બહાર જઈને શબદ બની જાય છે. એટલે કહે છે કે
‘કોઈ શબદ આવે આ રમતો રે
કોઈ શબ્દ આવે મનગમતો
મહામૌનના શિખર શિખરથી
સૂરજ નમતો નમતો રે,
કોઈ શબ્દ આવે આ રમતો.
કવિ એક આશ્રમમાં પલાંઠીવાળીને બેઠા હોય અને અસ્તિત્વ જે રીતે એની આસપાસ એવું વાતાવરણ સરજી આપે છે, જ્યાં કવિને મહામૌનના શિખરનો પરિચય થાય અને શબ્દમાંથી શબદ થતી ચેતનાની વાણીનો સંસ્પર્શ થાય. આ અસાધારણ ઘટનાઓના સાક્ષી એવા મકરંદભાઈનું સ્મરણ કરવા માટે કશુંક ઘુંટાયેલું જીવનઓસડ પામવાની આ ઋતુ છે.
કવિને એટલી બધી પ્રતીતિ છે, ગેબીના ગહન અવાજની ગહેરાઈ અને સમત્વની સમજણ અદભુત રીતે વહ્યા કરે છે એમની વાણીમાં… એ તો કહી દે છેઃ ‘
ખેલ બધા છે ખાલી તેમાં, શું ખોવું? શું જડવું ? શું હસવું? શું રડવું?’
આ અસાધારણ કવિતાનો આસવ પીવા એમની ગીતભૂમિના ગોંદરે આવ્યા છીએ. લીલાંછમ ખેતરો ગાઇ રહ્યાં છે, સદ્યસ્નાતવૃક્ષો જાણે કોઇ મહાકાવ્યની અગણિત પંક્તિઓ હોય એમ લહેરાઇ રહ્યાં છે. નદીઓ છલકાય છે ત્યારે અજાણ્યે જ પનિહારીઓનાં ગીત ગુંજી ઊઠે છે, આદિવાસીઓની સામૂહિકતા અને ભોળા હાસ્યના ગામેગામ મેળા ઉભરાયા છે ત્યારે પંક્તિ યાદ આવે છેઃ
‘વેર્યા મેં બીજ અહીં
છુટ્ટે હાથે તે
હવે વાદળ જાણે ને વસુંધરા…’ }
દેશ-વિદેશ:આગામી વર્ષે બાંગલાદેશમાં સામાન્ય ચૂંટણીઓ થઇ શકશે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/will-general-elections-be-held-in-bangladesh-next-year-135324540.html

ડૉ. જય નારાયણ વ્યાસ ભારતના શાખ પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવો થયો અને લગભગ અગિયાર મહિના પહેલાં શેખ હસીનાને વડાપ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યાં. એટલે વચગાળાની સરકારના સલાહકાર તરીકે નૉબેલ પારિતોષિક વિજેતા મહંમદ યુનુસને સત્તાનું સુકાન સોંપાયું. ત્યારથી જ એવું ચર્ચાતું આવ્યું છે કે તેઓ બાંગલાદેશમાં અમેરિકાની કઠપૂતળી તરીકે બેઠા છે. કદાચ એને કારણે સત્તા સંભાળી તે દિવસથી યુનુસ બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય સત્તાની સાઠમારીમાં ભીંસાતા આવ્યા છે.
એકબાજુ વિદેશી મહાસત્તાઓનું દબાણ, એમાંય ખાસ કરીને અમેરિકા અને ચીનની ખેંચતાણ અને બીજી બાજુ સ્થાનિક રાજકીય વમળોને કારણે સર્જાતી પરિસ્થિતિમાં મહંમદ યુનુસ માત્ર કાંટાળો તાજ પહેરીને બેઠા છે એમ કહેવું પર્યાપ્ત નથી, એમના સત્તાના સિંહાસનમાં પણ ધારદાર ખીલીઓ જડેલી છે. આ બધાં વચ્ચે સત્તા સંભાળવાનું એક વર્ષ યુનુસ પૂરું કરશે.
યુનુસ પાસે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા માટે દૃષ્ટિનો અભાવ છે એવું નથી. શરૂઆતથી જ બાંગલાદેશના વિકાસ અને વિકસતા વિશ્વ સાથે કદમ મિલાવવા વહીવટી સુધારાઓ અંગેની વાત હોય, ન્યાયતંત્ર કે પછી ચૂંટણીઓની, એમણે આ ત્રણેય મુદ્દાઓને પ્રગતિ માટે જરૂરી જણાવી પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.
84 વર્ષીય યુનુસે પ્રવર્તમાન વાવાઝોડા વચ્ચે ફિરકા શોધવાના પ્રયત્નો અને એની સાથે સંકળાયેલા ઘણાબધા વિરોધાભાસો વચ્ચે તેમનો કોઈ રાજકીય આધાર નથી.
આ પરિસ્થિતિમાં બાંગલાદેશના ભાવિને આકાર આપવા માટેની એમની સંનિષ્ઠ ઇચ્છાશક્તિ ઉપર આપણે શંકા ન કરીએ તો પણ એ ઇચ્છાશક્તિને તળજમીન ઉપર કોઈ આધાર નથી, તેનો સ્વીકાર તો કરવો જ પડે.
બાંગલાદેશમાં સહકારી ક્ષેત્રના માધ્યમ થકી ગ્રામીણ બૅન્કની માંડી પૉસ્ટઑફિસ અને ટેલિફોન સેવાઓ સુધીના ક્ષેત્રે એમણે જે કાંઈ પ્રયોગો કર્યા તેનો ચોક્કસ ફાયદો ગરીબ અને વંચિત વર્ગને થયો છે. આ કારણથી જ તેઓને ‘વંચિતોના વાણોતર’ તરીકે નવાજવામાં આવે છે.
જોકે એમની આ કામગીરી રાજકીય ખટપટો વચ્ચે શતરંજના એક માહીર ખેલાડી તરીકે તેમને પ્રસ્થાપિત કરી શકે નહીં અને એ જ મર્યાદાઓ એમને નડી રહી છે.
બાંગલાદેશની કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ આર્થિક બેહાલીને કારણે તેમના નેતૃત્વ સામે મોટા પડકારો ઊભા થયા છે અને એ પડકારોમાંથી બહાર નીકળી બાંગલાદેશને સ્થિર શાસન પ્રાપ્ત થાય તે પ્રકારની કામગીરી કરવી એમના માટે અશક્ય નહીં તો અતિ કપરી તો છે જ.
અમેરિકામાં ક્લિન્ટન પરિવાર સાથેનો ઘરોબો અને આટલાં વર્ષો નૉબેલ પારિતોષિક વિજેતા તરીકે તેમણે ત્યાં ગાળ્યા છે. એનો ચોક્કસ ફાયદો એમને આ પદ સુધી પહોંચવામાં થયો છે પણ એ ફાયદો અંતે જતાં નુકસાનનો સોદો તો નહીં બનેને? એવી શંકાઓ હવે વ્યક્ત થવા માંડી છે.
અત્યારના બાંગલાદેશે, વિદ્યાર્થી નેતાઓ, જમાતે ઇસ્લામી અને એક સમયના ડાબેરી તેમજ જમણેરી અંતિમવાદી વિચાસરણી ધરાવનારાઓ તેમજ અમેરિકાની વગ, આ બધાં વચ્ચે એક દેશ તરીકે પોતાનું અસ્તિત્વ જાળવી રહ્યું છે અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી, અવામી લીગ, મિલિટરી જેવાં વિભિન્ન જૂથો એકબીજાની સાથે અને વખત આવે સામે પડીને પોતાનો એજન્ડા અમલમાં મૂકી રહ્યા છે.
આ પરિસ્થિતિમાં યુનુસને જે પરિબળોએ અત્યાર સુધી ટેકો આપ્યો છે, તેમાંથી જ વિરોધના સૂર ઊઠ્યા છે. વિદ્યાર્થી નેતાઓ નેશનલ સિટિઝન પાર્ટીની સ્થાપના કરી બાંગ્લાદેશના રાજકારણમાં ઘોડેસવારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકોના કારણે યુનુસ પર એક આક્ષેપ એવો પણ લાગે છે કે તે વિદ્યાર્થી નેતાઓના આ જૂથને મદદ કરવાના હેતુથી જ બાંગલાદેશની ચૂંટણીઓમાં વિલંબ કરી રહ્યા છે.
બીજી બાજુ યુનુસના મિલિટરી, ખાસ કરીને સૈન્યના વડા જનરલ વકર-ઉઝ-ઝમાન સાથેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયમાં નોંધપાત્ર ઘસારો દેખાયો છે. આમ, મિલિટરી, BNP અને અવામી લીગ (જો એને ચૂંટણીમાં ભાગ લેવા દેવામાં આવે તો) બધાને સમયસર ચૂંટણીઓ યોજાય એમાં રસ છે. ભારત પણ બાંગલાદેશમાં ચૂંટણીઓ વહેલી થાય તે મતનું છે.
આ બધાં ઘમ્મરવલોણાંમાં કોઈની પણ સાથે નજીકની ઓળખ બનાવવાને બદલે યુનુસે બધાથી સલામત અંતરે રહેવાની નીતિ અપનાવી છે. આ નીતિ કેટલી ડહાપણભરી છે તે તો સમય જ કહેશે.
જોકે, મહંમદ યુનુસને કશી જ સમજણ નથી પડતી એવું માનવાને પણ કારણ નથી. એ એક તેજસ્વી અને બુદ્ધિશાળી માણસ છે અને કોઈ પણ સંસ્થાને કઈ રીતે ચલાવવી એની ઊંડી સમજ છે. બાંગલાદેશમાં એમણે ગ્રામીણ બૅન્ક જેવી મોટી સંસ્થા ઊભી કરી અને ચલાવી એ જ એનો મોટો પુરાવો છે.
2025/07/04 09:20:17
Back to Top
HTML Embed Code: